જીમ કોર્બેટ
જીમ કોર્બેટ એટલે એવો વ્યક્તિ જે પહેલાં શિકારી હતો, પછી એ જ જાનવરોને બચાવવા લાગ્યો અને ત્યારબાદ તેમના પર જ પુસ્તકો લખવા માંડ્યો. ઉત્તરાખંડમાં આવેલ જીમ કોર્બેટ નેશનલ પાર્કનું નામકરણ તેના પરથી જ થયું છે. તેમનું નામ એટલા માટે ખાસ છે કારણ કે પહેલાં તેઓ માણસોને વાઘોથી બચાવતા હતા પરંતુ ત્યારબાદ વાઘોને માણસોથી બચાવતા થયા. બ્રિટિશ આર્મીમાં કર્નલના પદ પર રહેલા જેમ્સ એડવર્ડ કોર્બેટ ઉર્ફે જીમ કોર્બેટને યુનાઇટેડ પ્રોવિન્સમાં ખાસ બોલાવવામાં આવ્યા હતા. એ પણ ખાસ વાઘ અને એ પ્રકારના માનવભક્ષી જાનવરોના શિકાર માટે. ૧૯૦૭થી ૧૯૩૮ વચ્ચે તેમણે ૧૯ વાઘ અને ૧૪ ચિત્તાઓનો શિકાર કર્યો. પરંતુ, શિકારી વ્યક્તિ કેવી રીતે ‘વાઘ બચાઓ અભિયાન’નો પ્રણેતા કેવી રીતે બન્યો? લેટ્સ બી ધ પાર્ટ ઓફ હિઝ લાઈફ જર્ની.
બર્થ ઓફ ‘હન્ટર’:
જન્મ: ૨૫ જુલાઈ, ૧૯૭૫.
જીમ કોર્બેટનો જન્મ હિમાલયના કુમાઉં (હવે ભારતીય રાજ્ય ઉત્તરાખંડ)ના નૈનીતાલ શહેરના આયરિશ વંશમાં થયો હતો. આ વિસ્તાર પહાડી વિસ્તાર હતો અને બ્રિટિશ શાસન આધીન હતો. તેમના પિતાનું નામ ક્રિસ્ટોફર વિલિયમ કોર્બેટ તથા માતાનું નામ મેરી જેન કોર્બેટ હતું. મેરી જેન વિલિયમની બીજી પત્ની હતી અને જેન માટે વિલિયમ પણ બીજો પતિ હતો. કારણ કે, બંનેના પ્રથમ પતિ-પત્નીઓનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. મેરીના પ્રથમ પતિનું નામ ડૉ. ચાર્લ્સ જેમ્સ ડોયલ હતું અને તેઓ આગ્રાના વતની હતા. પરંતુ, તેમનું ઇટાવામાં મૃત્યુ થયું અને ત્યારબાદ મેરીએ વિલિયમ સાથે લગ્ન કર્યા. મેરીને પોતાના પહેલાં પતિથી ત્રણ સંતાનો હતાં. અને જીમ કોર્બેટના પિતાના બહેન અને બહેનોઈનું અકસ્માતમાં મૃત્યુ થતાં તેમના બાળકોના ભરણપોષણની જવાબદારી પણ જીમના પિતાએ ઉઠાવી હતી. આમ કુલ મળીને સોળ ભાઈ-બહેન કોર્બેટ ફેમિલીમાં હતાં, જેમાંથી જીમ આઠમું સંતાન હતા.
વર્ષ ૧૯૬૨માં જીમના પિતાજીએ સૈન્ય સેવા છોડી દીધી અને સહપરિવાર તેઓ નૈનીતાલમાં શિફ્ટ થયા. જીમના પિતાજીની નૈનીતાલમાં શહેરના પોસ્ટમાસ્ટર તરીકે નિમણૂક થઈ. શિયાળામાં કુટુંબ તળેટી તરફ વસવાટ માટે આવતું, જ્યાં તેમણે એક કૉટેજ બનાવ્યું અને તેના માલિક બન્યા. આ કૉટેજ ‘કોર્બેટ વિલા’ તરીકે ઓળખવા લાગ્યું. જે હાલમાં કલાધૂંગી તરીકે ઓળખાય છે. મરી જેન યુરોપિયનોના નૈનીતાલના સામાજિક જીવનમાં ખૂબ પ્રભાવક હતી તેમજ રિયલ ઍસ્ટેટના લોકો માટે તેણી ઍજન્ટ તરીકેની ભૂમિકા ભજવતી હતી.
શિક્ષણ અને શરૂઆતી શિક્ષણ:
ક્રિસ્ટોફર વિલિયમ ૧૮૭૮માં પોસ્ટમાસ્ટરના પદથી સેવાનિવૃત્ત થયા. ૨૧ એપ્રિલ, ૧૮૮૧માં હૃદયરોગને કારણે તેમનું અવસાન થયું. એ વખતે જીમની ઉંમર ૬ વર્ષ હતી. અને તેના મોટાભાઈ ટોમ નૈનીતાલના પોસ્ટમાસ્ટરની ભૂમિકા સંભાળતા થયા. ખૂબ જ નાની ઉંમરમાં જીમ, કલાધૂંગમાં પોતાના વસવાટની આજુબાજુ રહેતા વન્ય જીવોથી પ્રભાવિત થયો. જીમ વન્ય જીવો અને પક્ષીઓના અવાજથી જ તેને ઓળખવા માંડ્યો. સમય જતાં એ એક ખૂબ સારો ટ્રૅકર અને શિકારી બન્યો. તેણે ઑક ઑપનિંગ્સ સ્કૂલમાં શિક્ષણ લીધું. ઓગણીસનો થાય તે પહેલાં જ તેને સ્કૂલ છોડી દીધી. અને તેણે રોજગારની શોધ કરવાનું શરુ કર્યું. શરૂઆતમાં તેણે, ફ્યૂલ ઇન્સ્પૅક્ટર તરીકે પંજાબના માણેકપુરમાં કામ કર્યું. અને ત્યારબાદ બિહારમાં ગંગાકિનારે વસેલા મોકામા ઘાટ પર ટ્રાન્સપૉર્ટ કંપનીમાં કૉન્ટ્રાક્ટર તરીકે કામ કર્યું. આ ઉપરાંત, તેમણે બંગાળ અને ઉત્તર પશ્ચિમ રેલ્વેમાં પણ કામ કર્યું.
આદમખોર વાઘ અને વાઘભક્ષક જીમ:
૧૯૦૭થી લઈને ૧૯૩૮ વચ્ચે જીમ કોર્બેટે આ માનવભક્ષક વાઘોનો પીછો કરીને ૩૩ વાઘ ઠાર માર્યા હતા. તેમાંથી ફક્ત ડઝન જેટલાં પ્રસંગોનું જ સારું દસ્તાવેજીકરણ થઈ શક્યું છે. એવો દાવો કરવામાં આવતો હતો કે આ વાઘોએ ૧૨૦૦ માનવીઓને મારી ખાધા હતાં. કોર્બેટે તેનાં પુસ્તકોમાં લખ્યું છે કે કુમાઉંના માનવભક્ષી, રુદ્રપ્રયાગના માનવભક્ષી ચિત્તા કે જેઓ હિંદુ તીર્થસ્થાનો બદ્રીનાથ અને કેદારનાથના યાત્રાળુઓને સતત આઠ વર્ષ સુધી ભયભીત કરી રહ્યા હતા. આ ચિત્તાને જીમે ૧૯૨૬માં માર્યો.
જીમે જેને પ્રથમ ઠાર માર્યો એ ચંપાવત વાઘ ૪૩૬ લોકોના મૃત્યુનો કારણભૂત હતો. જીમે પ્રથમ ચિત્તાને ૧૯૧૦માં માર્યો, જેણે ૪૦૦થી વધુ મનુષ્યોને ફાડી ખાધા હતા. લગભગ બધા જ ખતરનાક શિકાર દરમ્યાન જીમ એકલા જ અને તે પણ પગપાળા રહેવાનું પસંદ કરતા હતા. એેમણે ‘મેન-ઇટર્સ ઓફ કુમાઉ’માં લખ્યા પ્રમાણે ક્યારેક રોબીન નામના એક પોતાના પાળેલા કૂતરાને સાથે રાખતા. વખતોવખત, જીમે પોતાના જાનનું જોખમ ખેડીને પણ લોકોની જિંદગીનું રક્ષણ કરેલું છે. આથી જ એમણે જ્યાં જ્યાં પણ કામ કર્યુ છે ત્યાં ત્યાં તેમને ખૂબ જ આદર-સત્કાર મળતો હતો.
હન્ટર ટુ સેવર:
જીમ કોર્બેટે પોતાનો પ્રથમ કૅમેરા ઇ.સ. ૧૯૨૦ વર્ષના અંતભાગ દરમ્યાન, પોતાના એક મિત્ર ફેડરીક વૉલ્ટર પીટરની પ્રેરણાથી ખરીદ્યો હતો અને એ પછી એમણે વાઘની તસ્વીરો લેવાનું ચાલુ કરેલું. ખૂબ જ શરમાળ સ્વભાવને કારણે, એમને વન અને તેમાં વસતા જીવો વિષે ઊંડો અભ્યાસ હોવા છતાં, સારી તસ્વીરો લેવાનું કાર્ય બહુ મહેનત માંગી લેતું હતું.
એક વખત જીમ જ્યારે શિકાર કરેલા વાઘોની તપાસ કરી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે તેમના શરીરમાં પહેલેથી જ બે-ત્રણ જખમના નિશાન હતા. જેમાંથી કેટલાંક ગોળી અને તીરના જખમ હતાં તો કેટલાંક તેને લીધે સેપ્ટિક થયેલા માલૂમ પડ્યા. જીમે જોયું કે આવા જખ્મોને લીધે જ વાઘો માનવભક્ષી બની રહ્યા છે. તેઓ માણસોને જોઇને ચિડાઈ જાય અને તેના પર ભડકીને હુમલો કરતાં હતા.
આ દરેકનો અભ્યાસ કરીને તેમને સમજાયું કે સુરક્ષા માટે મનુષ્યોને વાઘોથી નહીં પરંતુ, વાઘોને મનુષ્યોથી બચાવવા જોઈએ. આ જ વિચાર નેશનલ પાર્કમાં પરિણમ્યો અને યુનાઇટેડ પ્રોવિન્સમાં તેમની સિફારિશ કામ લાગી. વાધો માટે એક અલાયદો નેશનલ પાર્ક બન્યો. આ પાર્કનું નામ હેલી નેશનલ પાર્ક આપવામાં આવ્યું. સમય જતાં તેનું નામ બદલીને જીમ કોર્બેટ નેશનલ પાર્ક રાખવામાં આવ્યું.
સમય જતાં કોર્બેટ વાઘના વસવાટ અને ભવિષ્યની બાબતે ખૂબ જ ચિંતિત થવા લાગ્યા. આથી તેઓ શાળાના બાળકોના સમુહને પ્રાકૃતિક વારસા તથા તેની સાચવણી કરવાનું શિક્ષણ આપવા માટેના વ્યાખ્યાનો યોજવા લાગ્યા. એમણે "એસોસિએશન ફોર ધી પ્રિઝર્વેશન ઑફ ગેમ્સ" અને "ઑલ ઇન્ડિયા કોન્ફરન્સ ફોર ધી પ્રિઝર્વેશન ઓફ વાઇલ્ડ લાઇફ" નામનાં સંગઠનને પ્રોત્સાહન આપવાનું કામ શરૂ કરી દીધું.
અંતિમ સમય:
જો કે, જીમ પરણ્યા નહોતા તેમજ તેમની બહેન મેગી પણ તેમના પગલે ચાલી હતી. બંને ભાઈ બહેન સાથે નૈનીતાલમાં જ રહેતા હતા. ૧૯૪૭ પછી તેઓ કેન્યા શિફ્ટ થઈ ગયા. ત્યાં તેઓ વૃક્ષ પર બનેલી ઝૂંપડીમાં રહેતા હતા. જ્યાં તેમણે લેખનકાર્ય અને માર્જારકુળનાં જંગલી પ્રાણીઓની સતત ઘટતી વસ્તી વિશે સમાજને ચેતવણી આપવાનું કામ ચાલુ રાખ્યું. તેમના ટ્રી હાઉસમાં બ્રિટનની રાજકુમારી એલિઝાબેથ તેમના પિતાજી રાજા જ્યોર્જ પંચમ સાથે તે ટ્રી હાઉસ પર રોકાયા હતા. તેમને ‘કૈસરે હિંદ’ની ઉપાધિ પણ આપવામાં આવી હતી.
જીમ કોર્બેટનું અવસાન એમના છઠ્ઠા પુસ્તક-ટ્રી ટોપ્સ-ના લેખનની સમાપ્તિના પછી થોડા દિવસોમાં હૃદયરોગના હુમલાને લીધે થયું. તેમને ન્યેરીના સેંટ પીટરના એન્ગ્લિકન ચર્ચમાં દફનાવવામાં આવ્યા. એમના મૃત્યુ પછી એમની યાદગીરી સાચવી રાખવામાં આવી છે જેમાંનું એક છે મોતી હાઉસ નામનું એક સભાસ્થળ (જે એમણે એમના મિત્ર મોતીસિંહની માટે બનાવેલ હતું) અને બીજી છે એક લાંબી દિવાલ (લગભગ ૭ કિલોમીટર અને ૨૦૦ મીટર લાંબી) જે ગામની ચોતરફ બાંધવામાં આવી હતી જે જંગલી પશુથી થતા ભયથી ગામને બચાવવા માટે બાંધવામાં આવી હતી.
લેખન કાર્ય:
- જંગલ સ્ટોરીઝ
- મેન ઈટર્સ ઓફ કુમાઉં
- ધ મેન ઈટિંગ લેપર્ડ ઓફ રુદ્રપ્રયાગ
- માય ઇન્ડિયા
- જંગલ લોર
- ધ ટેમ્પલ ટાઈગર & મોર મેન-ઈટર્સ ઓફ કુમાઉં
- ટ્રી ટોપ્સ
- માય કુમાઉં
- જીમ કોર્બેટ્સ ઇન્ડિયા
***