Sarojini Naidu MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Sarojini Naidu

સરોજીની નાયડુ

સરોજીની ચટ્ટોપાધ્યાય એટલેકે સરોજીની નાયડુ, ભારતના સ્વતંત્રતા સંગ્રામના બહુ ઓછા મહિલા સેનાનીઓમાંથી એક હતા. સ્વતંત્રતા સેનાની હોવા ઉપરાંત સરોજીની નાયડુ એક કવિયત્રી પણ હતા. તેમના મીઠા મધુરા અવાજ અને કવિતા બોલવાની અનોખી રીતને લીધે તેમને ‘નાઈટીંગેલ ઓફ ઇન્ડિયા’ નો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો. ભારતને આઝાદી મળ્યા પછી સરોજીની નાયડુએ નવા રચાયેલા સંયુક્ત રાજ્ય આગ્રા અને અવધના (હાલનું ઉત્તર પ્રદેશ) પ્રથમ ગવર્નર તરીકે પણ પોતાની સેવાઓ આપી હતી. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના સરોજીની નાયડુ ૧૯૨૫ની સાલમાં બીજા મહિલા તેમજ પ્રથમ ભારતીય મહિલા પ્રમુખ તરીકે પણ ચૂંટાઈ આવ્યા હતા.

એક સાહિત્યકાર તરીકે સરોજીની નાયડુએ બાળકો માટે ખાસ કાર્ય કર્યું હતું અને ભારતમાં બાળ સાહિત્યનો પાયો નાખ્યો હતો. સરોજીની નાયડુના પ્રખ્યાત પુસ્તકો જેમાં ‘ધ ગોલ્ડન થ્રેશોલ્ડ’ અને ‘ધ ગિફ્ટ ઓફ ઇન્ડિયા’ તેમજ ‘ધ બ્રોકન વિંગ’ નો સમાવેશ થાય છે, તેણે એમને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લેખક અને કવિયત્રી તરીકે સ્થાપિત કર્યા હતા. મીઠાનાં કાયદાના ભંગ માટે ગાંધીજીએ શરુ કરેલી દાંડીકુચ દરમ્યાન પણ સરોજીની નાયડુએ સક્રિય ભાગ ભજવ્યો હતો. આમ ભારતના બહુ ઓછા સક્રિય મહિલા સ્વતંત્રતા સેનાનીઓ તરીકે સરોજીની નાયડુનું નામ ખુબ ગર્વભેર લેવામાં આવે છે. જ્યારે જ્યારે પણ ભારતના સ્વતંત્રતા સંગ્રામ અને તેને સફળ બનાવનારા સ્વતંત્રતા સેનાનીઓના નામ લેવામાં આવે છે ત્યારે સરોજીની નાયડુ અને તેમના જેવા અન્ય મહિલા સેનાનીઓના નામ બહુ યાદ રખાતા નથી. કદાચ આ કારણોસર આપણી પાસે સરોજીની નાયડુ વિષે બહુ ઓછી માહિતી ઉપલબદ્ધ છે. પરંતુ તેમ છતાંય સરોજીની નાયડુએ ભારતની આઝાદી માટે આપેલા ત્યાગ અને બલિદાનનું મહત્ત્વ ઓછું તો નથી થઇ જતું ને?

ભારતનાં આવા ઓછા જાણીતા કે પછી ઓછા પ્રખ્યાતી પામેલા દેશ સેવકોને યાદ કરવા એ આપણી ફરજ બની જાય છે. અને આથીજ આજે આપણે આવાં જ એક ઓછાં પ્રખ્યાતી પામેલા પરંતુ તેમછતાં જેનું ભારતની આઝાદીની લડતમાં અનેરું પ્રદાન છે તેવા સરોજીની નાયડુ વિષે બને તેટલું જાણવાની કોશિશ કરીશું.


જન્મ અને શરૂઆતની ઝિંદગી

સરોજીની નાયડુનો જન્મ એક બંગાળી પરિવારમાં હૈદરાબાદ ખાતે ૧૩ ફેબ્રુઆરી ૧૮૭૯માં થયો હતો. સરોજીનીના પિતાનું નામ આઘોર નાથ ચટ્ટોપાધ્યાય હતું જ્યારે માતાનું નામ બરદ સુંદરી દેવી હતું. ચટ્ટોપાધ્યાય પરિવારનું મૂળ વતન હાલમાં બાંગ્લાદેશમાં આવેલા વિક્રમપુરમાં આવેલા બ્રાહ્મણગાંવમાં આવેલું હતું. યુકેની એડીનબર્ગ યુનિવર્સીટીમાંથી ડોક્ટર ઓફ સાયન્સની પદવી પ્રાપ્ત કરીને અઘોર નાથ ચટ્ટોપાધ્યાય હૈદરાબાદમાં સ્થાઈ થયા હતા. અહીં તેમણે હૈદરાબાદ કોલેજની સ્થાપના અને ત્યારબાદ તેનું વ્યવસ્થાપન પણ કર્યું. આઝાદી બાદ હૈદરાબાદ કોલેજનું નામ બદલીને નિઝામ કોલેજ રાખી દેવામાં આવ્યું હતું. પિતાની ઈચ્છા સરોજીનીને ગણિતશાસ્ત્રી બનાવવાની હોવા છતાં, સરોજીનીને કવિતાની કળા કદાચ તેમની માતા તરફથી વારસામાં મળી હોય એવું લાગે છે. કારણકે તેમની માતા બરદ સુંદરી દેવી ખુદ એક કવિયત્રી હતા અને બંગાળીમાં કવિતાઓ લખતા હતા. પોતાની કિશોરાવસ્થામાંજ સરોજીનીએ ‘થર્ટીન હન્ડ્રેડ લાઈન્સ’ તેમજ ‘ધ લેડી ઓફ લેક’ નામની કવિતાઓ લખીને બધાંને ખુબજ પ્રભાવિત કરી દીધા હતા. કુલ આઠ ભાઈ-બહેનોમાં સરોજીની સૌથી મોટા હતા. તેમના ભાઈ-બહેનોમાં વિરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય એક જાણીતા સ્વતંત્રતા સેનાની હતા. જ્યારે તેમના સૌથી વધુ જાણીતા અન્ય ભાઈ હરિન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય એ કવિ, નાટ્યકાર તેમજ અદાકાર પણ હતા. હરિન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય હ્રીશીકેશ મુખરજીની ૧૯૭૨માં આવેલી ફિલ્મ ‘બાવર્ચી’ માં તેમના દાદાના રોલને લીધે ખુબ પ્રખ્યાત બન્યા હતા.

મદ્રાસ યુનિવર્સીટીમાંથી સરોજીની નાયડુએ પોતાનું મેટ્રીક્યુલેશનની પરીક્ષા પાસ કરી હતી, પરંતુ ત્યારબાદ તેમણે ભણતરમાંથી ચાર વર્ષનો વિરામ લીધો હતો. ૧૮૯૫માં નિઝામ સ્કોલરશીપ ટ્રસ્ટની સ્થાપના થઇ અને એની મદદથી સરોજીની નાયડુ લંડનની કિંગ્સ કોલેજમાં ભણવા પણ ગયા. થોડા સમયબાદ સરોજીનીએ ગીર્ટન કોલેજ, કેમ્બ્રિજમાંથી પણ પોતાનું શિક્ષણ મેળવ્યું હતું. ભારત પાછા ફર્યા બાદ તેમને માત્ર ઓગણીસ વર્ષની ઉંમરે દક્ષિણ ભારતના જાણીતા ડોક્ટર ગોવિંદરાજુલુ નાઈડુ મળ્યા અને એ બંને વચ્ચે પ્રેમ થઇ ગયો. પોતાનું શિક્ષણ પૂરેપૂરું સમાપ્ત કર્યા બાદ સરોજીનીએ પોતાના પ્રેમ વિષેની વાત તેમના માતા-પિતાને કરી. એ સમયે અન્ય જાતિઓમાં લગ્ન કરવાની છૂટ નહોતી, પરંતુ સરોજીનીના પિતાએ આ લગ્નને મંજુરી આપી. સરોજીનીના વિખ્યાત સંતાનોમાં પદ્મજા નાયડુ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ પણ બન્યા હતા.


રાજકીય કારકિર્દી અને કોંગ્રેસની અધ્યક્ષતા

૧૯૦૫માં લોર્ડ કર્ઝન દ્વારા બંગાળના ભાગલા કર્યા બાદ દેશભરમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ સમયે સરોજીની નાયડુ પણ પોતાનો ગુસ્સો યોગ્યરીતે દર્શાવવા માંગતા હતા. આથી આ જ સમયને યોગ્ય ગણીને તેઓએ ભારતની આઝાદીની ચળવળમાં ભાગ લેવાનું નક્કી કર્યું અને તેમાં ઝુકાવી દીધું. ધીરેધીરે તેઓ એની બેસંટ, સી પી રામસ્વામી ઐયર, મોહમ્મદ અલી જીન્ના, ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર, ગોપાલ કૃષ્ણ ગોખલે, જવાહરલાલ નહેરુ અને મહાત્મા ગાંધીના પરિચયમાં પણ આવ્યા. મહાત્મા ગાંધીતો સરોજીની નાયડુને લાડમાં ‘મિકી માઉસ’ કહીને બોલાવતા હતા. આ તમામ નેતાઓ અને વિભૂતિઓના વિચારોથી સરોજીની પ્રભાવિત થયા અને તેમનો સ્વતંત્રતા સંગ્રામ માટેનો વિચાર વધુ સ્પષ્ટ થયો.

૧૯૧૫ થી ૧૯૧૮ દરમ્યાન સરોજીની નાયડુએ સમગ્ર ભારતમાં પ્રવાસ કર્યો અને પોતાના સામાજીક કલ્યાણ અંગેના ભાષણોમાં રાષ્ટ્રવાદ અને સ્વતંત્રતા સંગ્રામની વાતો પણ તેમણે સરળતાથી વણી લીધી હતી. આ ઉપરાંત તેઓ યુવાનો તેમજ મજુરોના ઉત્થાપન માટે પણ પોતાના ભાષણોમાં ખુબ બોલતા. ૧૯૧૬ના બિહારના ચંપારણમાં ગળી બનાવનારા મજૂરોની વ્યથાને વ્યક્ત કરવા ચળવળ પણ ઉપાડી હતી. તેમણે ૧૯૧૭માં સ્થપાયેલા વિમેન્સ ઇન્ડિયન એસોશિએશન (WIA)ની સ્થાપના કરવામાં પણ મદદ કરી હતી. આ સંસ્થાના પ્રમુખ એની બેસંટ સાથે તેમણે લંડનનો પ્રવાસ પણ કર્યો અને અહીં પાર્લામેન્ટમાં જોઈન્ટ સિલેક્ટ કમિટી સામે સ્ત્રીઓના મતાધિકાર વિષે એક પ્રેઝન્ટેશન પણ આપ્યું હતું. સરોજીની નાયડુની વિદ્વતા અને અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ જોઇને કોંગ્રેસે તેમને અમેરિકા અને અન્ય યુરોપીય દેશોમાં પણ ભારતની સ્વતંત્રતા માટેના સંદેશવાહક તરીકે મોકલ્યા હતા.

૧૯૧૯ના માર્ચ મહિનામાં બ્રિટીશ સરકારે રોલેટ એક્ટ નામે ઓળખાતો કાયદો પસાર કર્યો. આ કાયદા અનુસાર દેશભક્તિ વિષે લખવાનું, બોલવાનું તેમજ આ પ્રકારના લખાણને પોતાની પાસે રાખવાને ગેરકાયદેસર ઘોષિત કરવામાં આવ્યું. આ કાયદાના વિરોધમાં મહાત્મા ગાંધીએ અસહકારની ચળવળ શરુ કરી. આ ચળવળમાં જોડાનાર સર્વપ્રથમ વ્યક્તિઓમાં સરોજીની નાયડુ પણ શામેલ હતા. આ ઉપરાંત સરોજીની નાયડુએ મોન્ટેગ્યુ – ચેમ્સફર્ડ સુધારાઓના વિરોધમાં, તેમજ ખિલાફત આંદોલનમાં, સાબરમતી સંધી દરમ્યાન અને સવિનય કાનુન ભંગની ચળવળમાં પણ ખુબ મોટો ભાગ ભજવ્યો હતો.

૧૯૨૫માં સરોજીની નાયડુએ કોંગ્રેસના કાવનપોર (હાલનું કાનપુર) ના વાર્ષિક સમારંભમાં અધ્યક્ષ પદ સાંભળ્યું હતું. ત્યારબાદ ૧૯૨૯ની સાઉથ આફ્રિકામાં ભરાયેલી ઇસ્ટ આફ્રિકન ઇન્ડિયન કોંગ્રેસના પણ તેઓ પ્રમુખ બન્યા હતા. આ દરમ્યાન ભારતમાં ફાટી નીકળેલા પ્લેગના રોગને ડામવા માટે સરોજની નાયડુએ આપેલા પ્રદાનની નોંધ લઈને બ્રિટીશ સરકારે તેમને ‘કૈસર – એ – હિંદ’ નો ઈલ્કાબ પણ આપ્યો હતો. ૧૯૩૦ના મીઠાનાં સત્યાગ્રહ દરમ્યાન સરોજીની નાયડુએ ગુજરાતના ધરાસણામાં મહિલાઓની ટીમને નેતૃત્વ પૂરું પાડ્યું હતું. આ અંદોલન દરમ્યાન મહિલાઓ પર પણ અંગ્રેજ પોલિસે દમન ગુજાર્યું હતું. પરંતુ આમ કરીને તેમણે સમગ્ર વિશ્વનું ધ્યાન ભારત તરફ આપોઆપ ખેંચ્યું હતું અને વિશ્વ આખું હવે ભારતમાં અંગ્રેજ રાજની કાયદેસરતા પર વિચાર કરવા લાગ્યું હતું. સરોજીની નાયડુએ આ ઉપરાંત ૧૯૩૧ની ગોળમેજી પરિષદમાં ગાંધીજી અને પંડિત મદન મોહન માલવિય સાથે પણ હિસ્સો લીધો હતો. ૧૯૪૨માં શરુ થયેલી ‘ક્વીટ ઇન્ડિયા’ ચળવળમાં સરોજીની નાયડુ જેલમાં પણ ગયા હતા.


મૃત્યુ અને વારસો

૨ માર્ચ ૧૯૪૯માં ઉત્તર પ્રદેશના ગવર્નર તરીકે પોતાની ઓફિસમાં કામ કરતાં કરતાંજ હ્રદયરોગનો હુમલો આવતા સરોજીની નાયડુનું અવસાન થયું હતું.

સરોજીની નાયડુને નામે દેશમાં ઘણીબધી સંસ્થાઓ આવેલી છે. જેમાં સરોજીની નાયડુ સ્કુલ ઓફ આર્ટસ એન્ડ કમ્યુનીકેશન જે હૈદરાબાદ યુનિવર્સીટીમાં આવેલી છે તે મુખ્ય છે. ૧૯૨૫માં ભારતની મુલાકાતે આવેલા પ્રખ્યાત બ્રિટીશ લેખક ઓલ્ડસ હક્સલી પોતાની સરોજીની નાયડુ સાથેની મુલાકાતને કઇંક આરીતે વર્ણવે છે. “મુંબઈમાં મારા સદનસીબે કોંગ્રસના તાજા ચૂંટાયેલા પ્રમુખ શ્રીમતી સરોજીની નાયડુ સાથે મળવાનું થયું. આ મહિલા પ્રબુદ્ધ હોવા ઉપરાંત તેમનામાં એક અદભુત ખેચાણ પણ છે. તેમની મીઠી વાણી અને તેમનામાં રહેલી ચેપી ઉર્જા ઉપરાંત સુસંસ્કૃત ભાષા અને મૌલિકતાએ મને અત્યંત પ્રભાવિત કર્યો છે. સરોજીનીનો સદા ઉત્સુક રહેવાનો સ્વભાવ અને તેનું રમુજીપણું ખરેખર માણવા લાયક છે. જો ભારતના તમામ નેતાઓ સરોજીની જેવા થઇ જાય તો એ તે દેશ માટે નસીબવંતુ બનશે.”

યુનિવર્સીટી ઓફ હૈદરાબાદના કેમ્પસની જોડેજ આવેલા સરોજીની નાયડુના પિતા અઘોર નાથ ચટ્ટોપાધ્યાયના ઘરને સરોજીની નાયડુના જ અત્યંત લોકપ્રિય પુસ્તક ‘ગોલ્ડન થ્રેશોલ્ડ’નું નામ આપીને તેને એક મ્યુઝીયમ બનાવવામાં આવ્યું છે. આ ઘરેથી જ ભારતની લગ્ન સંસ્થા, શિક્ષણ, મહિલા અધિકારો, સાહિત્ય સર્જન તેમજ રાષ્ટ્રવાદની કેટલીયે પ્રવૃત્તિઓ થઇ હતી. આ ઉપરાંત આ યુનિવર્સીટીની સ્કુલ ઓફ આર્ટસ એન્ડ કમ્યુનીકેશનને પણ સરોજીની નાયડુનું નામ આપવામાં આવ્યું છે.

૨૦૧૪માં ગૂગલે પણ સરોજીની નાયડુની ૧૩૫મી વર્ષગાંઠે એક ખાસ ડૂડલ બનાવ્યું હતું.

આશા છે કે સરોજીની નાયડુના જીવન વિષે આ ઇબુક વાંચ્યા બાદ તમને આ ઓછા ચર્ચિત એવા સ્વતંત્રતા સેનાની વિષે વધુ માહિતી મળી હશે. ભારતની આઝાદીની લડતમાં આવા તો કેટલાય સેનાનીઓએ ભાગ લીધો હતો જેમનું નામ ઇતિહાસના પાનાંઓ પર ક્યાંય નથી. જો કે કોંગ્રેસની પ્રવુત્તિઓમાં ઉલટભેર ભાગ લેવાને લીધે, આ ઉપરાંત કોંગ્રેસના પ્રમુખ થવાને લીધે પણ સરોજીની નાયડુનું નામ સાવ ભૂલી જવાયું નથી. અન્ય તમામ જાણીતા સ્વતંત્રતા સેનાનીઓ થી અલગ સરોજીની નાયડુએ પોતાની બુદ્ધિચાતુર્યનો ઉપયોગ ભારતની સ્વતંત્રતાની ચળવળમાં કર્યો હતો જે તેમને અન્ય સેનાનીઓથી અલગ પાડે છે. પોતાના ભાષણમાં અને કવિતાઓમાં છુપી રીતે ભારતીયો જે ચળવળ ચલાવી રહ્યા હતા તેને સમાવીને સરોજીની નાયડુએ આ ચળવળને માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વ આખામાં પ્રચલિત કરી દીધી હતી.

સરોજીની નાયડુ એટલામાટે પણ અત્યંત મહત્ત્વના સ્વતંત્રતા સેનાની બની જાય છે, કારણકે તેમણે માત્ર આ ચળવળનો જ હિસ્સો ન બની રહેતા મહિલાઓના ઉત્થાન માટે તેમજ તેમને મતાધિકાર મળે તે માટે પણ ખુબ કર્યો કર્યા હતા. આ ઉપરાંત ધરાસણાના મીઠાનાં આંદોલન સમયે તેમનાંજ વિચારને લીધે મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સરોજીની નાયડુને ખ્યાલ હતો કે અંગ્રેજો પોતાની કાયમી હરકતથી ઓછું કશુંજ કરવાના ન હતા અને આથીજ ભલે તેમના ડંડાઓ ખાવા પડે પરંતુ ભારતની સ્વતંત્રતાની ચળવળને તેનો લાભ ખુબ મળશે. અને ખરેખર બન્યું પણ એવુંજ, સરોજીની નાયડુની આ દુરંદેશીનો મોટેગાળે લાભ એ થયો કે સમગ્ર વિશ્વનું ધ્યાન ભારતની આ ચળવળ તરફ ગયું અને આ ચળવળને ઘણાબધા દેશોના લોકોનો ભાવનાત્મક સહકાર પણ મળ્યો. વિશ્વના અન્ય દેશોને ભારત વિષે જવાબ આપવામાં બ્રિટીશ સરકારને તકલીફ પડવા લાગી. આટલું ઓછું હોય તેમ સરોજીની નાયડુએ તે સમયે અતિ ભયંકર ગણાતા એવા પ્લેગના રોગચાળા ફાટી નીકળવાના સમયે બીજું બધું ભૂલી જઈને અંગ્રેજ સરકારની મદદ કરી હતી અને આ રોગચાળાને નાથવામાં પોતાનો મોટો હિસ્સો દર્જ કરાવ્યો હતો. જો કે આમ કરવાથી છેવટેતો સરોજીની નાયડુએ દેશના લોકોને પોતાની ચળવળમાંજ મજબુતીથી જોડ્યા હતા.

આમ બુદ્ધિ કૌશલ્યનો વ્યવસ્થિતપણે ઉપયોગ કરનારા કદાચ એકમાત્ર સ્વતંત્રતા સેનાની તરીકે સરોજીની નાયડુ કાયમ ઓળખાતા રહેશે. જેમ ઓલ્ડસ હક્સલીએ તે સમયે કીધું હતું એમ આજેપણ આપણે કહી શકીએ કે સરોજીની નાયડુ જેવી બુદ્ધિમત્તા અને રમુજવૃત્તિ ધરાવનારા જો વધુ નેતાઓ આઝાદીના આટલા વર્ષો પછી પણ ભારતને મળી જાય તો ભારતનું એ સદનસીબ ગણાશે.

ભારતના નાઈટીંગેલ, અદભુત અને અનન્ય સ્વતંત્રતા સેનાની એવા સરોજીની નાયડુને કૃતજ્ઞ રાષ્ટ્ર શતશત નમન કરે છે.