રીસન જેક આઈલેન્ડ - ૦૩ Bhavik Radadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રીસન જેક આઈલેન્ડ - ૦૩

રીસન જેક આઈલેન્ડ

(પ્રકરણ - ૩)

( રહસ્યમય રોમાંચક પ્રેમસફર )

(વાંચક મિત્રોને આગળના પ્રકરણનો ક્લાયમેક્સ વાંચી લેવાં વિનંતી.)

ભાર્ગવ થોડીવાર માટે આંગણામાં જ ઉભો રહ્યો અને પછી દાદર ચઢીને દરવાજાની બરાબર સામે ઉભો રહી ગયો. તેણે કાન સરવા કર્યા. એ ફરીથી પહેલાં જેવો જ અવાજ સાંભળવા માટે થનગની રહ્યો હતો. થોડીવાર રાહ જોયા પછી પણ કોઈ અવાજ સંભળાયો નહિ. દરવાજા આગળના પહોળા ભાગમાં તેણે આમતેમ આંટા માર્યા, અલગ અલગ સ્થિતિમાં દરવાજા સામે ઉભો રહ્યો, પણ પરિણામ શૂન્ય... આખરે એણે કંટાળીને જાતે જ દરવાજો ખોલ્યો, અંદર ગયો અને સોફા પર મુકેલા નાસ્તાનાં પેકેટને એકબાજુએ હડસેલીને ત્યાંજ લાંબો થયો.

તેનું ધ્યાન ટેબલ પર પડેલાં ન્યુઝપેપર પર પડતા બેઠો થયો, કઈક યાદ આવ્યું હોય કે સુજ્યું હોઈ એવી રીતે એ ઉત્સાહથી ટેબલ પર ગોઠવાયો. ન્યુઝપેપર હાથમાં લીધું અને તારીખ જોઈ: ૮મી માર્ચ, ૨૦૦૯ ને’ રવિવાર. તેણે એક નજર કૉફીના ખાલી મગ તરફ નાંખી. ન્યુઝપેપર અને કૉફીનો ખાલી મગ એ વાતના સાક્ષી હતાં કે એ આઠમી માર્ચે સવારે ઘરે જ હતો. આજે વીસ એપ્રિલ છે, એટલે કે તે બરાબર ચુમ્માલીસ દિવસ ઘરની બહાર રહ્યો હતો, અર્થાત હોસ્પિટલમાં જ. ડૉ. મહેતાએ ભાર્ગવને જણાવ્યું હતું કે તેને આઠમી માર્ચે ભરબપોરે હોસ્પીટલમાં લાવવામાં આવ્યો હતો.

“સાલું મને યાદ કેમ નથી આવતું કે હું રવિવારે હિંમતનગર શા માટે જઈ રહ્યો હતો? અને હું બાઈક ચલાવતી વખતે કઈ વાતથી ખુશ હતો? શક્ય છે કે મારે હિંમતનગરથી પણ વધારે આગળ જવાનું હોઈ.... હા, શક્યતા તો છે, પણ કઈ બાજું અને શા માટે?”

એ ન્યુઝપેપર ટેબલ પર મુકવા ગયો ત્યારે તેનું ધ્યાન ટેબલ પર રાખેલા મોટા કાચની નીચે, ન્યુઝપેપર જે જગ્યાએ પડ્યું હતું તેની બરાબર નીચે બનેલી એક વિચિત્ર ડીઝાઇન પર ગયું. વિચિત્ર એટલા માટે કે એ ડીઝાઇન અન્ય ડીઝાઇન કરતા તદ્દન અલગ હતી : ‘એક મોટો કાળા રંગનો ત્રિકોણ અને તેની અંદર સફેદ વર્તુળ.’ જયારે અન્ય ડીઝાઇનમાં વિવિધ પથ્થરોનાં (સ્ટોન) બંધારણ, કેટલાક વૈજ્ઞાનિકોના ફોટા, ન્યુઝપેપર માંથી કટીંગ કરેલા વૈજ્ઞાનિક શોધોનાં રિચર્ચ પેપર અને એક આર્મી જવાનનો ફોટો હતો. તેણે સાચવીને એ ડીઝાઇન બહાર નીકાળી, તેના પર કોઈ જાતનું અન્ય લખાણ કે નિશાની નહોતી જેથી ખબર પડે કે એ ખરેખર છે શું. છતાં તેને લાગતું હતું કે એ ડીઝાઇન તેનાં રોજીંદા જીવનનો એક ખાસ ભાગ છે. પણ કઈ યાદ નહોતું આવતું. તેણે ટેબલનું ડ્રોઅર ખોલ્યું, તેમાં કદાચ કઈક ઉપયોગી રેફરન્સ મળી જાય એમ વિચારીને. તેમાં એક ગુલાબી રંગનું કુરિયર અને અન્ય કાગળો સાથે નાનીમોટી ચીજવસ્તુઓ પણ પડી હતી. તેણે કુરિયર ઉઠાવ્યું, તેના પર ફક્ત ‘ભાર્ગવ ઉપાધ્યાય’ અને તેનું અડ્રેસ લખેલું હતું. તેને અચાનક યાદ આવ્યું કે તેનાં ઘરનાં દરવાજાની જમણી બાજુ કુરિયર માટે ડ્રોપબોક્ષ બનાવેલું છે. એ દરવાજાની લાઈટ શરુ કરીને બહાર નીકળ્યો, પણ ડ્રોપબોક્ષ ખાલી હતું અને તેનો લોક પણ ખુલ્લો હતો. એ ગુસ્સાથી દરવાજો બંધ કરી અંદર આવી ગયો. એણે કુરિયર ખોલ્યું, અંદરથી કાગળ કાઢ્યો, તેમાં દોઢ બે વર્ષ પહેલાની તારીખ લખેલી હતી. એ જેમ જેમ આગળ વાંચતો ગયો, તેમ તેમ તેને વધારે આંચકા લાગ્યા. તેણે કુરિયર પરનું નામ અને એડ્રેસ ફરીથી તપાસી જોયું, બધું બરાબર જ હતું. તેણે ધ્યાનથી આખો કાગળ ફરીથી વાંચ્યો, કાગળના અંતે નામ હતું ‘ભવ્યા ધૂપિયન’.

કાગળને ટેબલ પર જ છોડીને એ સીધો બેડરૂમમાં ગયો. બેડરૂમની દીવાલ પર લટકતા બધાંજ ફોટોઝ નીચે ઉતર્યા અને બેડ પર રાખ્યા. ત્યારબાદ બેડની બાજુનાં ટેબલ પરથી, બેડની નીચેથી, ડ્રેસીંગ મિરરના ડ્રોઅર માંથી, વોર્ડરોબ માંથી, બધીજ જગ્યાએથી ફોટોઝ ભેગા કર્યા અને બેડ પર ગોઠવ્યા. તેમાં એક ફોટોફ્રેમ કોલેજિયન ફ્રેન્ડ્સની હતી. પણ તેમાં આયુષ અને મોનાર્થ ક્યાંય નહોતાં કે તેમના બીજાકોઈ ફોટોઝ પણ નહોતા. ભાર્ગવે બધાના ચહેરા ઓળખવાની કોશિશ કરી જોઈ, તેને લાગ્યું કે તે આ બધાને ઓળખે છે, પણ બીજી જ ક્ષણે તેને યાદ આવે કે આમાંથી એકપણનું નામ તેને યાદ નથી! તેણે બીજા ફોટા જોયા, તેણે એક ચશ્માવાળા નવયુવાનને બંને હાથોથી ઉંચકી રાખ્યો હતો. તે બંનેના ફોટોઝ ઘણી મોટી સંખ્યામાં હતાં. એ સિવાય એક કાળાં રંગનું ચૂસ્ત ટોપ અને મીડી સ્કર્ટ પહેરેલી, પાણીદાર આંખોવાળી યુવતી સાથે કલાસરૂમમાં પાડેલો ફોટો અને એક અન્ય યુવતી સાથે દરિયાકિનારે પડેલો ફોટો હતો. તેણે થોડું વિચાર્યું અને પછી એ બંને ફોટોઝને અલગ તારવ્યા. તેને જે ફોટોઝ જોઈતા હતાં એ એને મળી તો ગયા, પણ માહિતી હજુએ અધુરી હતી. તેને થોડીવાર માટે વિચાર આવ્યો કે એ આયુષને જ એકવાર ફોન કરીને પૂછી લેય કે આ બંને માંથી ભવ્યા કોણ છે. પણ રાત થઇ ગઈ હતી એટલે એવું કરવું તેને બરાબર ના લાગ્યું. સાથોસાથ એ પણ એક મોટો પ્રશ્ન હતો કે તેની પાસે આયુષ કે મોનાર્થ, બંનેમાંથી કોઈપણનો એકપણ ફોટો નહોતો. આમ પણ એ દિવસે પવનનું જોર દરરોજ કરતા ઘણું વધારે હતું. પવનનાં ભારે સુસવાટાને લીધે વારંવાર ઢળી જતા આજુબાજુના વૃક્ષોનો અવાજ ઘરની અંદર સુધી આવતો હતો. ભાર્ગવનું ઘર ઘણું મોટું હોવાને લીધે દુરથી જોનારને કોઈ ઘટાટોપ જંગલમાં એક મહેલ બંધાવ્યો હોઈ એવું લાગતું, કારણ કે ઘરની મોટી થાંભલીઓ અને બારીઓ પણ સ્પષ્ટ દેખાતી હતી.

એ બેડરૂમમાંથી બહાર નિકળ્યો. એ હજી કૈક વધારે શોધી રહ્યો હતો. તે બેડરૂમમાંથી લાઈબ્રેરી તરફ આગળ વધ્યો. સુસવાટાભેર આવતાં પવનનાં લીધે બારી વારંવાર ખુલી જતી હોવાથી તેણે રસોડા નજીક રહેલી બંને બારી કાળજીપૂર્વક બંધ કરી અને લાઈબ્રેરી તરફની બારી બંધ કરવા માટે આગળ ગયો. બારી બંધ કરીને લાઈબ્રેરી કમ લેબમાં પ્રવેશવા જ જતો હતો કે અચાનક અટકી ગયો.

ભાર્ગવ પાછો ફર્યો અને દરવાજાની જમણી તરફની એકમાત્ર બારી સામે ઉભો રહ્યો. એનું દિમાગ ફરીથી તર્કબદ્ધ રીતે ચાલવા લાગ્યું. ઘરનાં દરવાજાની ડાબી બાજુંએ બે બારીઓ છે, તો સિમેટ્રીકલી રીતે જમણી બાજુએ પણ એટલાં જ અંતરે બે બારીઓ હોવી જોઈએ, પણ અહી માત્ર એક જ બારી હતી. બીજી બારીની જગ્યાએ ભગવાન કૃષ્ણની લંબચોરસ પ્રતિમા ટીંગાડેલી હતી. દરવાજાની સામેની દીવાલમાં બંને બાજુ એક એક બારી બરાબર જગ્યાએ હતી, તો અહી કેમ નહિ? તેને પ્રતિમા શંકાજનક લાગી એટલે જ એ ઉભો રહ્યો હતો. તેણે નજીક જઈને જોયું કે પ્રતિમાના ઉપરના તથા બંને બાજુનાં ભાગમાંથી ત્રિકોણના કાળા રંગેલા ખૂણા દેખાતા હતાં. તેણે પ્રતિમા નીકળી લીધી. તેની નીચેનું દૃશ્ય તેની ધારણા મુજબ જ નીકળ્યું.

એક મોટો કાળા રંગનો ત્રિકોણ અને તેની વચ્ચે સફેદ રંગનું વર્તુળ! ટેબલ પર જે ડીઝાઇન હતી એ જ. વર્તુળ થોડું ઉપસેલું હતું. કોઈ ભેદી કળ જેવું! તેને “નો વોટર, નો મૂન” માં જીસસે કહેલી વાત યાદ આવી: દરવાજો ખટખટાવશો તો એ ચોક્કસ તમારા માટે ખુલશે.

રાતનાં ઠંડા વાતાવરણમાં પણ ભાર્ગવના કપાળે પરસેવો વળી ગયો. એણે ડરતાં ડરતાં એ વર્તુળ પર હાથ મૂક્યો, કશુંજ થયું નહીં. તેણે પોતાનો હાથ જોયો અને ફરીથી જોરથી એ વર્તુળ પર દબાવ્યો. વર્તુળ થોડું દીવાલની અંદર ખસક્યું અને ફરીથી જેમનું તેમ થઇ ગયું. લાઈબ્રેરી વાળા હોલમાંથી કઈક જીણો અવાજ સંભળાયો એટલે તે એ તરફ ફર્યો. તેણે જોયું કે લેબવાળા ભાગમાં ફર્શમાંથી એક પેટી બહાર નીકળી રહી હતી. અંદાજીત ચાર બાય ત્રણની એક મોટી પેટી થોડી જ ક્ષણોમાં લેબવાળા ભાગમાં પડી હતી.

(ક્રમશ:)

(વાચક મિત્રોને આ નવલકથા વિશે સલાહ સૂચનો આપવા વિનંતી, કેમકે હું અહી લખીને ડાયરેક્ટ અપલોડ કરી રહ્યો છું એટલે બેશક ક્યાંક તો ભૂલ રહી જ જશે. તો મારી ભૂલો તરફ ધ્યાન દોરવા વિનંતી. જેથી હું વધારે સારી રીતે આ સ્ટોરીને રી-રાઈટ કરી શકીશ.)

લેખક: ભાવિક એસ. રાદડિયા