નેતાજી સુભાષચન્દ્ર બોસ MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નેતાજી સુભાષચન્દ્ર બોસ

નેતાજી સુભાષ ચંદ્ર બોસ

ભારતની આઝાદી માટે કેટલા બધા નામી અનામી લોકો ખપી ગયા હતા. આ તમામ માટે ભારતીયોના હ્રદયમાં ખુબ આદર અને સન્માન છે, પરંતુ અમુક એવી વ્યક્તિઓ છે જેમને તેમના રાજ્યના નાગરિકો દિલ ખોલીને પ્રેમ કરે છે. જેમ પંજાબના લોકો માટે શહિદ ભગતસિંહ છે કે પછી ગુજરાતની પ્રજા માટે સરદાર વલ્લભભાઇ પટેલનું અનોખું સ્થાન છે, એવીજ રીતે બંગાળની પ્રજાના હ્રદયમાં નેતાજી સુભાષ ચંદ્ર બોસ માટે અદમ્ય પ્રેમની લાગણી છે. સુભાષ ચંદ્ર બોસને નેતાજીની ઉપમા એટલે આપવામાં આવી કારણકે નેતાજી શબ્દનો અર્થજ થાય છે એક સન્માનીય નેતા. ભારતની આઝાદી માટે અગ્રેસર એવી કોંગ્રેસથી એક સમયે મતભેદો હોવાને લીધે છુટા પડી ગયા હોવા છતાં, નેતાજીએ બે-બે વાર કોંગ્રેસનું અધ્યક્ષ પદ સાંભળ્યું હતું. કોંગ્રેસથી છુટા પડ્યા બાદ સુભાષબાબુએ ડાબેરી ઝોક ધરાવતા ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક પક્ષની સ્થાપના કરી હતી જે આજે પણ કાર્યરત છે.

કોંગ્રેસની અહિંસક ચળવળના મતથી વિરુદ્ધ સુભાષ ચંદ્ર બોસે આઝાદી માટે હિંસાનો ઉપાય પણ હાથ ધરવો પડે તો એમાં કોઈજ તકલીફ ન હોવી જોઈએ એ વિચારધારામાં માનતા હતા. તેમણે બ્રિટીશ સામ્રાજ્યને ભારતમાંથી ઉખાડી નાખવા માટે ઇન્ડિયન નેશનલ આર્મીની સ્થાપના પણ કરી હતી. ‘પૂર્ણ સ્વરાજ’ની ઘોષણા કરનાર સુભાષ ચંદ્ર બોસ કદાચ સર્વપ્રથમ ભારતીય નેતા હતા. બીજા વિશ્વયુદ્ધ સમયે અંગ્રેજ સરકારની મજબુરીઓનો લાભ લેવા માટે સુભાષબાબુએ જર્મનીના નાઝી શાસક હિટલર કે પછી જાપાનનાં રાજાશાહી શાસકોની મદદ લેવામાં પણ છોછ અનુભવ્યો ન હતો. કોંગ્રેસના રાષ્ટ્રવાદથી પોતાના રાષ્ટ્રવાદને અલગ કરીને સુભાષ ચંદ્ર બોસે એક નોખો ચીલો ચાતર્યો હતો. ૧૯૪૫માં તેમનું અવસાન થયું ત્યાંસુધી સુભાષ ચંદ્ર બોસે અંગ્રેજ સરકારના નાકમાં દમ કરી દીધો હતો. જો કે સુભાષ ચંદ્ર બોસનું અવસાન પણ કેટલાક ભેદી સંજોગોમાં થયું હતું અને આજદિન સુધી તેમના મૃત્યુ અંગે કેટકેટલી વાતો સાંભળવા મળે છે. આવો આજે આપણે જાણીએ નેતાજી સુભાષ ચંદ્ર બોસનાં જીવન સાથે જોડાયેલી કેટલીક મહત્વની ઘટનાઓ.


જન્મ અને યુવાની

૨૩મી જાન્યુઆરી ૧૮૯૭ના દિવસે સુભાષ ચંદ્ર બોસનો જન્મ તેસમયે બંગાળ પ્રોવિન્સમાં આવેલા ઓરિસ્સા ડિવીઝનના કટક શહેરમાં થયો હતો. જાનકીનાથ બોસ અને પ્રભાવતી દેવી બોસના તેઓ નવમાં સંતાન હતા. સુભાષ ચંદ્ર બોસ કુલ ચૌદ ભાઈ-બહેનો હતા. આ તમામ સંતાનોની જેમજ જાનકીનાથ બોસે સુભાષ ચંદ્રને પણ પ્રોટેસ્ટંટ યુરોપિયન સ્કુલમાં દાખલ કર્યા હતા. ત્યારબાદ ૧૯૦૯માં તેઓને રેવનશો કોલેજીયેટ સ્કુલમાં દાખલ કરવામાં આવ્યા.આ સ્કુલનાં હેડમાસ્તર બેની માધબ દાસને નાના સુભાષની હોંશિયારીનો ખ્યાલ આવી ગયો હતો. હેડમાસ્તરના આ વિશ્વાસને સુભાષ ચંદ્રએ પણ જાળવી રાખ્યો જ્યારે તેઓએ મેટ્રીક્યુલેશનની પરિક્ષામાં બીજો નંબર મેળવ્યો હતો. આ પરિણામને લીધે સુભાષ ચંદ્રને કલકત્તાની પ્રેસીડન્સી કોલેજમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં તેમણે થોડા સમય અભ્યાસ કર્યો.

આ કોલેજના એક અંગ્રેજ પ્રોફેસર ઓટેનના ભારત વિરોધી ઉચ્ચારણોનો વિરોધ કરવા બદલ સુભાષ ચંદ્રને કોલેજમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ સ્કોટિશ ચર્ચ કોલેજમાં આગળ ભણ્યા અને ૧૯૧૮માં ફિલોસોફીમાં બીએ નો અભ્યાસ પૂર્ણ કર્યો. કોલેજ પાસ કર્યા બાદ પોતાના પિતાજીની ઈચ્છાને વશ થઈને આઈ સી એસ ભણ્યા. આ તાલીમ તેમણે કેમ્બ્રિજ યુનિવર્સીટીની ફીટ્ઝવિલિયમ કોલેજમાંથી લીધી. આઈ સી એસ ની પરિક્ષામાં પણ સુભાષબાબુ ઝળક્યા અને સમગ્ર દેશમાં ચોથે નંબરે આવ્યા. પરંતુ પાસ થયા પછી સુભાષ ચંદ્રને લાગ્યું કે તેઓ કદીયે કોઈ વિદેશી સરકારના હાથ નીચે તો કામ નહીં જ કરે આથી તેમણે પોતાના પિતાની ઈચ્છા વિરુદ્ધ ઇન્ડિયન સિવિલ સર્વિસીઝમાંથી ૧૯૨૧માં રાજીનામું આપી દીધું. આ ઘટના પછી પોતાના ભાઈ સરત ચંદ્ર બોસને લખેલા એક પત્રમાં સુભાષ ચંદ્ર બોસે લખ્યું કે, “આપણા બલિદાન અને પીડાની બુનિયાદ ઉપર જ ભારતની આઝાદીનું નિર્માણ થશે.”


કોંગ્રેસ સાથેના સંબંધો

સુભાષ ચંદ્ર બોસ કોંગ્રેસ સાથે બે જુદાજુદા સમયે રહ્યા હતા. પહેલીવાર ૧૯૨૧ થી ૧૯૩૨ સુધી અને બીજીવાર ૧૯૩૭ થી ૧૯૪૦ સુધી. કોંગ્રેસમાં તેઓ જોડાયા તે પછી ૧૯૨૩માં તેઓ યુથ કોંગ્રેસના પ્રમુખ પણ બન્યા હતા. આ પહેલા સુભાષ ચંદ્ર બોસે કલકત્તામાં સ્વરાજ નામનું એક અખબાર પણ શરુ કર્યું હતું જે બંગાળની પ્રોવિન્શિયલ કોંગ્રેસનો પ્રચાર કરતી હતી. આ સમયે તેમને ચિત્તરંજન દાસ સાથે મુલાકાત થઇ અને તેઓએ દાસને પોતાના ગુરુ માની લીધા હતા. યુથ કોંગ્રેસના પ્રમુખ બન્યા બાદ સુભાષ ચંદ્ર બોસને બંગાળ કોગ્રેસના સેક્રેટરી પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા. ચિત્તરંજન દાસના ‘ફોરવર્ડ’ નામના અખબારના પણ સુભાષ ચંદ્ર બોસ તંત્રી બન્યા. આ ઉપરાંત જ્યારે ચિત્તરંજન દાસ કલકત્તાના મેયર બન્યા ત્યારે તેમણે સુભાષ ચંદ્ર બોસને ચીફ ઓફિસરની પદવી પણ આપી હતી. કોંગ્રેસમાં પણ ઊંચા પદે હોવાને લીધે સુભાષ ચંદ્ર બોસે કેટલીયે રાષ્ટ્રવાદી ચળવળોમાં ભાગ લીધો અને તેમને જેલમાં પણ જવું પડ્યું. અહીં જેલમાં તેમને ટીબી નો હુમલો થયો અને તેમને જેલમાંથી છોડી મુકવામાં આવ્યા.

જેલમાંથી છૂટ્યા બાદ પણ તેમણે જવાહરલાલ નેહરુ સાથે હાથ મેળવીને કોંગ્રેસની ચળવળ ચાલુ રાખી. આ દરમ્યાન તેમને કોંગ્રેસ વોલન્ટીયર કોર્પસના જનરલ ઓફિસર કમાન્ડિંગનો હોદ્દો આપવામાં આવ્યો. સુભાષ ચંદ્ર બોસની નજર હેઠળ આ કોર્પસની કાયાપલટ થઇ ગઈ અને તે વધુ સક્રિય પણ બની. આ સમય દરમ્યાન સુભાષબાબુએ અસહકારના આંદોલનમાં પણ ભાગ લીધો હતો. કોંગ્રેસમાં રહીને સુભાષ ચંદ્ર બોસને મહાત્મા ગાંધી સાથે અસંખ્ય વાર મતભેદ થતા હતા. ગાંધીજીએ તો સુભાષબાબુના કોંગ્રેસ પ્રમુખ થવાનો પણ વિરોધ કર્યો હતો. છેવટે ૧૯૪૦માં સુભાષ ચંદ્ર બોસે કોંગ્રેસને કાયમમાટે અલવિદા કહી દીધી હતી. જો કે તેમણે કોંગ્રેસ છોડતા પહેલાં કોંગ્રેસની અંદરજ બનાવેલા ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોકને પોતાનો સ્વતંત્ર પક્ષ બનાવી દીધો હતો અને હવે તેઓએ પોતાની રીતે આઝાદીની લડત લડવાનો નિર્ધાર કરી દીધો હતો.


બિમારી અને ઓસ્ટ્રિયાની સફર

૧૯૩૩માં સુભાષ ચંદ્ર બોસ પોતાની સર્જરી માટે ઓસ્ટ્રિયા ગયા. અહીં તેમના ડોક્ટર માથુરની ઓળખાણથી તેમની મુલાકાત એક ઓસ્ટ્રિયન યુવતી એમિલી શ્કેનક્લ સાથે થઇ. આ સમયે સુભાષ ચંદ્ર બોસ તેમનું પુસ્તક ‘ધ ઇન્ડિયન સ્ટ્રગલ’ લખી રહ્યા હતા. આ માટે તેમને અંગ્રેજીના જાણકાર એવા ટાઈપીસ્ટની જરૂર હતી અને એમિલીનું અંગ્રેજી ખુબ સારું હતું. આ બંને વચ્ચે તરજ પ્રણય પાંગર્યો અને ૧૯૩૭માં તેમણે કોઈને પણ કહ્યા વિના તેમજ કોઇપણ પંડિતની મદદ વિના હિંદુ વિધિથી લગ્ન પણ કરી લીધા. આ પછી સુભાષ ચંદ્ર બોસે નાઝીઓ સાથે હાથ મેળવ્યો અને તેઓ અને એમિલી નાઝી સરકારે આપેલા પોશ બંગલામાં જેમાં બટલર, રસોઈયો, શોફર સહિતની કાર જેવી લક્ઝરી સુવિધાઓ આપવામાં આવી હતી તેમાં ભેગા રહેવા માંડ્યા. આ બંને વચ્ચેના સંબંધો પર નાઝી સરકારના મોટા અધિકારીઓએ તો કોઈ વાંધો ન લીધો પરંતુ નાઝીઓએ ભારતને લગતા બનાવેલા એક ખાસ ખાતાંના કેટલાક અધિકારીઓને આ સંબંધ જરૂર ખૂંચતો હતો. નવેમ્બર ૧૯૪૨માં એમિલીએ એક પુત્રીને જન્મ આપ્યો. ફેબ્રુઆરી ૧૯૪૩માં સુભાષ ચંદ્ર બોસને જર્મનીની સબમરીનમાં બેસીને જાપાનની સબમરીનમાં ટ્રાન્સફર થવાનો કોલ આવતા તેઓએ આ બંનેને જર્મનીમાં જ છોડીને એ તરફ પ્રયાણ કર્યું. એવું કહેવામાં આવે છે કે સુભાષ ચંદ્ર બોસનાં મૃત્યુ પછી તેમજ ભારતની આઝાદી પછી સુભાષબાબુના ભાઈ સરત ચંદ્ર બોસે એમિલી અને તેની પુત્રીને ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું, પરંતુ એમિલીને જાહેરમાં આવવું નહતું એટલે તેણે સરત ચંદ્રના આમંત્રણનો અસ્વિકાર કર્યો. છેક ૧૯૯૬માં એમિલી શ્કેનક્લનું અવસાન થયું અને સુભાષ ચંદ્ર બોસ સાથે સંકળાયેલી એક અન્ય ખાનગી વાત પર પણ કાયમ માટે પૂર્ણવિરામ મુકાઈ ગયું.


જર્મની અને નાઝીવાદીઓ સાથે સંબંધો

બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન લોર્ડ લીનલીથગોએ ભારતને પણ શામેલ કરી દીધું હતું અને એપણ કોંગ્રેસના નેતાઓને વિશ્વાસમાં લીધા વગર. વાઇસરોયના આ નિર્ણય સામે કોંગ્રેસમાં રોષ ભભૂકી ઉઠ્યો અને વાઈસરોયને સમજાવવાની કોશિશો પણ થઇ, પરંતુ નિષ્ફળ નીવડી. આ સમયે સુભાષ ચંદ્ર બોસને લાગ્યું કે ગાંધીજી વાઈસરોયને મનાવવા માટે પૂરતા પ્રયાસો નથી કરી રહ્યા. આથી સુભાષ ચંદ્ર બોસે પોતેજ કલકત્તામાં આવેલા હોલવેલ મોન્યુમેન્ટ ખાતે દેખાવો યોજ્યા. તેમણે આ મોન્યુમેન્ટને હટાવવાની માંગણી કરી અને આથી તેમને પકડીને જેલમાં પૂરી દેવામાં આવ્યા. જેલમાં સુભાષ ચંદ્ર બોસે ભૂખ હડતાલ કરતાં તેમને સાત દિવસ બાદ કલકત્તાના તેમનાજ ઘરમાં સીઆઈડીની નજર હેઠળ રાખવામાં આવ્યા. પરંતુ કોઇપણ રીતે સુભાષબાબુ ત્યાંથી નાસી છૂટવામાં સફળ થયા. પંજાબ, અફઘાનિસ્તાન અને રશિયાને રસ્તે સુભાષ ચંદ્ર બોસ રશિયામાં જર્મનીના એલચીની મદદથી એક કુરિયર વિમાનમાં જર્મની પહોંચી ગયા. જર્મનીમાં સુભાષબાબુ સ્પેશિયલ બ્યુરો ફોર ઇન્ડિયા સાથે જોડાયા. અહીંથી તેઓ જર્મન સરકારની મદદથી આઝાદ હિન્દ રેડિયો ચલાવતા હતા. બર્લિનમાં સુભાષ ચંદ્ર બોસે ફ્રી ઇન્ડિયા સેન્ટરની પણ સ્થાપના કરી હતી અને અહીજ ભારતના ૪૫૦૦ યુદ્ધ કેદીઓને લઈને ઇન્ડિયન લીજનને નામે એક સેના પણ બનાવી. જર્મનીમાં એડોલ્ફ હિટલરને મળ્યા બાદ સુભાષ ચંદ્ર બોસની યોજના જર્મનીની સેનાની મદદથી રશિયાને રસ્તે ભારત પર હુમલો કરવાની હતી અને આમ તેઓ ભારતને આઝાદ કરાવવા માંગતા હતા. પરંતુ થોડાજ સમયબાદ સુભાષબાબુનો હિટલર વિષેનો ભ્રમ ભાંગી ગયો અને તેઓએ છુપા રસ્તે પોતાના ઇન્ડિયન લીજનના સૈનિકોને એકલા મુકીને એક જાપાની સબમરીનમાં જાપાન ભાગી ગયા. જર્મનીની સબમરીન યુ – ૧૮૦માં ભાગીને સુભાષ ચંદ્ર બોસ કેપ ઓફ ગૂડ હોપ આવ્યા અને ત્યાંથી તેઓ જાપાની સબમરીન આઈ – ૨૯થી રાજાશાહી શાસન ધરાવતા જાપાન પહોંચી ગયા.


જાપાન સાથે સંબંધો

જાપાનના મેજર જનરલ ઇવાઈચી ફૂજીવારાએ પોતાની રીતે ઇન્ડિયન નેશનલ આર્મીની સ્થાપના કરી હતી. આ આર્મીનું એક કનેક્શન બેંગકોકના ભારતીય પ્રીતમ સિંઘ ઢીલ્લનનું એક વ્યવસ્થિત નેટવર્ક સાથે હતું જેને ઇન્ડિયન ઈન્ડીપેન્ડન્સ લીગને નામે ઓળખવામાં આવતું હતું. આ લીગની લશ્કરી કમાન રાશ બિહારી બોસના હાથમાં હતી જે તેમણે સુભાષ ચંદ્ર બોસનાં જાપાન પહોંચતાની સાથેજ તેમને સોંપી દીધી હતી. સુભાષ ચંદ્ર બોસે ઇન્ડિયન નેશનલ આર્મીની મહિલા કમાન પણ શરુ કરી અને તને રાણી લક્ષ્મીબાઈની યાદમાં ઝાંસી રેજીમેન્ટ નામ પણ આપ્યું. આ રેજીમેન્ટને કેપ્ટન લક્ષ્મી સ્વામીનાથન લીડ કરી રહ્યા હતા. આ પ્રકારની એક અંગત આર્મી એશિયામાં પહેલીવાર બની હતી. ઇન્ડિયન નેશનલ આર્મીની સાથેજ કદમતાલ મેળવીને આઝાદ હિંદ ફૌજની રચના કરવામાં આવી હતી.

૪ જુલાઈ ૧૯૪૪ના દિવસે ઇન્ડિયન નેશનલ આર્મીને બર્માના રંગુનમાં સંબોધતા નેતાજી સુભાષ ચંદ્ર બોસે પેલું પ્રખ્યાત વાક્ય, “તુમ મુજે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દુંગા” વાળું સૂત્ર બોલ્યા હતા. સુભાષ ચંદ્ર બોસે જાપાનમાં બેઠાબેઠા જ આઝાદ હિંદનું ચલણી નાણું, પોસ્ટલ સ્ટેમ્પ, કોર્ટ અને સિવિલ કોડ પણ બનાવ્યા હતા. આઝાદ હિંદને જર્મની, જાપાન, ઇટાલી, ક્રોએશિયા, વાંગ જિંગવેઈ ના નાન્જીન્ગ પ્રાંત, ચીન, બર્મા, અને જાપાનના તાબા હેઠળના ફિલિપાઈન્સનો પણ ટેકો હતો. સોવિયત રશિયાએ પણ આઝાદ હિંદ સાથે પોતાના રાજદ્વારી સંબંધો બાંધ્યા હતા.

જાપાનની સેનાની મદદથી ઇન્ડિયન નેશનલ આર્મીએ મણિપુર પર પ્રથમ આક્રમણ કર્યું અને અંદામાન અને નિકોબાર ટાપુઓ પર પણ કબ્જો જમાવી લીધો હતો. ભારતની મુખ્ય ભૂમિ પર મણિપુરના મોઈરોંગમાં કોંગ્રેસે અપનાવેલો ભારતીય રાષ્ટ્રધ્વજ પણ લહેરાવવામાં આવ્યો હતો. પરંતુ કોમનવેલ્થ આર્મીએ વળતો પ્રહાર કરતાં ઇન્ડિયન નેશનલ અર્મીને પરત થવું પડ્યું હતું. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન જાપાનની હાલત પાતળી થવા લગતા સુભાષ ચંદ્ર બોસ સિંગાપોર જતા રહ્યા. અહીંથી ૬ જુલાઈ ૧૯૪૪ના દિવસે તેમણે આઝાદ હિંદ રેડિયો પરથી કરેલા એક ભાષણમાં મહાત્મા ગાંધીજીને સૌથી પહેલીવાર ‘રાષ્ટ્રપિતા’ કહીને આઝાદ હિંદ ફૌજની સફળતા માટે તેમના આશિર્વાદ માંગ્યા હતા.


મૃત્યુ

૧૮મી ઓગસ્ટ ૧૬૪૫ના દિવસે એક જાપાનીઝ પ્લેન ફોર્મોસા (હાલનું તાઈવાન)માં દુર્ઘટનાગ્રસ્ત થતાં સુભાષ ચંદ્ર બોસનું અવસાન થયું હોવાનું માનવામાં આવે છે. આ ઘટનાને તે સમયની જાપાનીઝ સરકારની અધિકારીક પુષ્ટિ પણ મળી હતી. સુભાષબાબુનું પ્લેન જરૂર કરતાં વધુ વજનનો સમાન લઈને જતું હતું અને તે પડી ગયું હતું. સુભાષ ચંદ્ર બોસને વિમાનમાં લાગેલી આગથી થર્ડ ડિગ્રી બર્ન ઈજાઓ થતા તેમનું અવસાન થયું હોવાની વાત પણ જાપાનીઝ સરકારે સ્વીકારી હતી, પરંતુ ભારતના લોકોએ ખાસકરીને બંગાળના લોકોએ તેમજ સુભાષ ચંદ્ર બોસનાં પરિવારજનોએ આ વાતને ક્યારેય સ્વીકારી નથી. મૃત્યુના બે દિવસ પછી તાહીકુ ખાતે સુભાષ ચંદ્ર બોસનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

સુભાષબાબુના મૃત્યુને ન સ્વીકારી શકવાનું એક કારણ એમ પણ હોઈ શકે કે તેમની ઇન્ડિયન નેશનલ આર્મીમાં કેટલાય તમિલ, મલય, પંજાબી અને અન્ય જાતિઓના સૈનિકો આ સમાચારથી એકદમ આઘાત પામી ગયા હતા. તેમને માટે સુભાષ ચંદ્ર બોસ તેમના એકમાત્ર કમાન્ડર ઇન ચીફ હતા અને તેમનું આવું આકસ્મિક અવસાન થાય તે હકિકત તેઓ પચાવી શક્યા નહીં હોય અને આથીજ તેઓએ નેતાજીના મૃત્યુને માનવાથી ઇનકાર કર્યો હોય એવું બને. નેતાજીના અવસાન બાદ અને ભારતના આઝાદ થયા પછી, તેમના મૃત્યુની ખબરની સત્યતા તપાસવા તેમજ તેમના મૃત્યુના કારણ જાણવા કેટલાયે તપાસપંચોની રચના કરવામાં આવી હતી, પરંતુ હજીસુધી કોઇપણ નક્કર પરિણામ બહાર આવ્યું નથી. નેતાજીના પરિવારે એક છેલ્લા ઉપાય તરીકે હાલની નરેન્દ્ર મોદી સરકારને ફરીએકવાર તપાસ યોજવાની તેમજ નેતાજીના મૃત્યુને લગતા ખાનગી કાગળો તેમને જોવા દેવાની અપીલ પણ કરી છે.


નેતાજી સુભાષ ચંદ્ર બોસનો વારસો

નેતાજી સુભાષ ચંદ્ર બોસે પોતાના સમયમાં કોંગ્રેસની અહિંસક ચળવળથી ભલે મોઢું ફેરવી દીધું હતું, પરંતુ તેમના માટે ભારતની આઝાદીથી વિશેષ કશું પણ નહોતું. ભારતની આઝાદી માટે તેમને લાગ્યું કે જર્મની તેમની મદદ કરી શકે એમ છે તો તેઓ હિટલર જેવા વ્યક્તિને પણ મળ્યા, ત્યારબાદ જ્યારે જર્મની નબળું પડતું લાગ્યું ત્યારે જાપાનની મદદ લીધી. જાપાન જ્યારે યુદ્ધમાં હારવા લાગ્યું ત્યારે નેતાજી સિંગાપોર પહોંચી ગયા. જાપાની સેનાની મદદથી નેતાજીની ઇન્ડિયન નેશનલ અર્મીને મણિપુર તેમજ અંદામાન નિકોબાર ટાપુઓને અંગ્રેજોની ચુંગાલમાંથી થોડો સમય માટે પણ આઝાદ કરાવ્યા તે નાનીસુની વાત નથી.

૨૦૦૭માં જાપાનના પ્રધાનમંત્રી શિંઝો આબે એ સુભાષ ચંદ્ર બોસ મેમોરિયલ હોલ, કોલકાતામાં આપેલા ભાષણમાં સ્વીકાર્યું હતું કે જાપાનમાં નેતાજીનું નામ ખુબ આદરથી લેવામાં આવે છે અને ભારતની આઝાદી માટે તેમણે કરેલા સંઘર્ષમાં તે સમયે જાપાને તેમને કરેલી મદદ પર દરેક જાપાનીઓ ગર્વ કરે છે. નેતાજી સુભાષ ચંદ્ર બોસને નામે ભારતમાં કેટલાય રસ્તાઓ તેમજ સંસ્થાઓ ચાલે છે. પશ્ચિમ બંગાળ રાજ્યમાં નેતાજીના નામે કેટલીયે સંસ્થાઓ છે. કોલકાતાના દમદમ એરપોર્ટને હવે નેતાજી સુભાષ ચંદ્ર બોસ ઇન્ટરનેશનલ એરપોર્ટને નામે ઓળખવામાં આવે છે. ભારતમાં ઘણી જગ્યાએ મુખ્ય માર્ગો પર નેતાજી સુભાષ ચંદ્ર બોસની પૂર્ણ કદની પ્રતિમાઓ પણ જોવા મળે છે. આ ઉપરાંત કોલકાતામાં આવેલા સુભાષબાબુના ઘરને એક મ્યુઝીયમમાં પરિવર્તિત કરીને એમનેમ રાખવામાં આવ્યું છે. આ મ્યુઝીયમ ‘નેતાજી ભવન’ ને નામે પણ ઓળખાય છે.

ભારતના પનોતાપુત્ર એવા નેતાજી સુભાષ ચંદ્ર બોસ પર જો જાપાનીઓ ગર્વ કરતાં હોય તો ભારતીયોની છાતી તો તેમણે કરેલા કર્યોને લીધે ગદગદ ફૂલતી જ હોય.