Maharana Pratap books and stories free download online pdf in Gujarati

Maharana Pratap

મહારાણા પ્રતાપ

સિદ્ધાર્થ છાયા



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

મહારાણા પ્રતાપ

મહારાણા પ્રતાપને આપણે વીર શિરોમણી મહારાણા પ્રતાપ તરીકે પણ ઓળખીએ છીએ. મહારાણા પ્રતાપ એ હાલના રાજસ્થાનમાં આવેલા મેવાડ પ્રદેશના રાજા હતા. મહારાણા પ્રતાપ એવા બહુ ઓછા ભારતીય રાજાઓમાંથી એક હતા જેમણે આજીવન તેમના રાજ્યની મોગલો સામે રક્ષા કરી. મહારાણા પ્રતાપ તેમની નિર્ભીક સાહસ માટે પ્રખ્યાત હતા. હલ્દીઘાટીના યુદ્ધમાં તેમણે દેખાડેલી વિરતાના વખાણતો અકબર બાદશાહ ખુદ કરી ચૂક્યો છે. મહારાણા પ્રતાપની બહાદુરી કેટલી હદ સુધીની હતી તેનો ખ્યાલ ત્યારે આવે છે જ્યારે તેમના અવસાન બાદ તેમના પુત્ર અમર સિંઘે મેવાડનું રાજ્ય સામેચાલીને મોગલોને ધરી દીધું હતું. જે રાજ્ય માટે અમર સિંઘના પિતા મહારાણા પ્રતાપે જીવ સટોસટની બાજી લગાવી દીધી હતી તે જ રાજ્યને અમર સિંઘે તાસકમાં ધરીને મોગલોને આપીને તેમની મોટાભાગની શરતો મંજુર રાખી હતી. આવા વીર પુરૂષ મહારાણા પ્રતાપ વિશે આવો થોડું વધારે જાણીએ.

મહારાણા પ્રતાપનો જન્મ અને બાળપણ

મહારાણા પ્રતાપનો જન્મ હાલના રાજસ્થાનના પ્રખ્યાત સિસોદિયા વંશમાં ૯મી જુલાઈ ૧૫૪૦ એટલેકે વિક્રમ સંવત ૧૫૯૭ની જેઠ સુદ ત્રીજના રવિવારે થયો હતો. મહારાણા પ્રતાપના પિતા ઉદય સિંહ એક મહાન યોદ્ધા હતા અને તેમની માતાનું નામ હતું જયવંતા બાઈ. પ્રતાપનો જન્મ પણ ત્યારે થયો હતો જ્યારે તેમના પિતા ઉદય સિંહ તેમના પિતાના મૃત્યુ બાદ ગુમાવેલા ચિત્તોડને પરત મેળવવા બલવીર સિંહ સામે યુદ્ધ કરી રહ્યા હતા. આથી પ્રતાપને યુદ્ધનું વાતાવરણ બાળપણથી જ મળ્યું હતું. રાજસ્થાનમાં ઘણાબધા વ્યક્તિઓ માને છે કે મહારાણા પ્રતાપ ખુદ ભગવાન એકલિંગજીનો અવતાર હતા. બલવીર સિંહને હરાવ્યા પછી ચિત્તોડગઢના કિલ્લામાં પ્રતાપના જન્મનો ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.

પ્રતાપના જન્મના ત્રણસો વર્ષ અગાઉજ ભારતમાં મુસ્લિમ આક્રમણકારોનું આગમન થઈ ચુક્યું હતું. મહારાણા પ્રતાપના જન્મ સમયે હુમાયુંનું શાસન હતું. જો કે હુમાયુંને અફઘાનિસ્તાનના શેરશાહ સૂરીએ ચૌસાના યુદ્ધમાં હરાવી દીધો હતો. શેરશાહ સૂરીએ મેવાડ ઉપર પણ આક્રમણ કર્યું. ઉદય સિંહે કુટનીતિનો ઉપયોગ કરીને શેરશાહ ને અડધું મેવાડ આપી દીધું. જો કે ઉદય સિંહની યોજના એવી હતી કે જ્યારે શેરશાહ સૂરી નબળો પડે ત્યારે તેની પાસેથી ચિત્તોડનો ગુમાવેલો ભાગ પરત લઈ લેવો. આ તરફ બાળપણથીજ પ્રતાપ પોતાની હોંશિયારી અને વીરતા દેખાડી રહ્યા હતા. સાહસિક અને નીડર હોવા છતાં બાળપણથી જ પ્રતાપ એકદમ સરળ સ્વભાવના હતા. અસ્ત્ર - શસ્ત્ર ચલાવવમાં નિપુણતા હાંસલ કરવાને લીધે પ્રતાપ પોતાના મિત્રોના ચહિતા બની ચુક્યા હતા. બાળપણમાં આચાર્ય રાગ્વેન્દ્ર એ પ્રતાપને શિક્ષણ આપ્યું. ગુરૂકુળમાં જ પ્રતાપે પોતાના પરોપકારી અને સાહસી સ્વભાવનો પરિચય આપી દીધો હતો. આચાર્યએ આપેલી વિવિધ સ્પર્ધાઓમાં પ્રતાપ જીતતા તો ખરાજ પરંતુ આ સમયે તેમના ભાઈઓના જીવને જો કોઈ ખતરો ઉભો થતો તો તેઓ તેમને બચાવવાનું કાર્ય પહેલા કરતાં. મહારાણા પ્રતાપે પોતાના ભણતર દરમ્યાનજ પોતાના ભાઈ શક્તિ સિંહને, જે પ્રતાપ જેટલોજ હોંશિયાર હતો પરંતુ પ્રતાપ સામે કાયમ હારી જવાથી તેમની ઈર્ષા કરતો, વાઘના હુમલાથી બચાવ્યો હતો. પ્રતાપના સાહસોને જોઈને ઉદય સિંહ ખુશ થતા અને સંતોષ પણ પામતા કે તેમના પછી મેવાડનું ભવિષ્ય પ્રતાપના હાથમાં સુરક્ષિત છે. યુવાન મહારાણા પ્રતાપની ઉંચાઈ ૭.૫ ફૂટની હોવાનું કહેવાય છે. તેઓ ૧૧૦ કિલોની બે તલવારોનો એક સાથે ઉપયોગ કરી શક્તા હતા.

અકબરનું મેવાડ પર આક્રમણ

૧૫૬૮માં ચિત્તોડગઢ પર મોગલ બાદશાહ જલાલુદ્દીન મોહમ્મદ અકબરે આક્રમણ કર્યું. જ્યારે અકબરની સેના ચિત્તોડગઢ પહોંચી ત્યારે ઉદય સિંહ તેમના પરિવાર સહીત મેવાડ છોડી ચૂક્યા હતા અને તેઓએ પોતે બનાવેલા એક અન્ય શહેર ઉદયપુરમાં પહોંચી ગયા હતા. ઉદયપુર શહેર ઉદય સિંહે ૧૫૫૯માં સ્થાપિત કર્યું હતું. આજ સમયે ઉદય સિંહના અન્ય પત્ની રાણી ધીર બાઈ એ પોતાના પુત્ર જગમલને ઉદય સિંહના ઉત્તરાધિકારી બનાવવાની જીદ પકડી. પરંતુ ઉદય સિંહે પ્રતાપને જ પોતાનો ઉત્તરાધિકારી બનાવ્યો કારણકે તે સૌથી મોટો હતો. ઉદય સિંહ ઉપરાંત તેમના મોટાભાગના મંત્રીઓની પણ આ જ ઈચ્છા હતી.

પ્રતાપના મેવાડના મહારાણા બનતાની સાથેજ અસંતુષ્ટો મેવાડ છોડીને અકબર સાથે શામેલ થઈ ગયા. આ અસંતુષ્ટોમાં પ્રતાપના સાવકા ભાઈઓ શક્તિ સિંહ, જગમલ અને સાગર સિંહ પણ શામેલ હતા. સમય જતા આ તમામ અકબરના ખાસ સેવકોમાં પણ શામેલ થઈ ગયા. આ સમયે ઘણાબધા રાજપૂત રાજાઓ તેમજ સેનાપતિઓ અકબરની સેનાનો ભાગ બની ચુક્યા હતા જેમાં આમેરના રાજા માન સિંહનો પણ સમાવેશ થતો હતો. આમેરને વર્ષો પછી જયપુરનું નામ આપવામાં આવ્યું હતું. અકબરે કુલ છ વાર પ્રતાપ સાથે સંધી કરવાની કોશિશો કરી. પ્રતાપ સાથે સંધી અંગે વાતચીત કરવા અકબરે ખાન કુર્ચી, રાજા માન સિંહ, રાજા ભગવાન દાસ અને રાજા ટોડરમલને પણ મોકલ્યા હતા. આમાંથી રાજા ભગવાન દાસ સાથેની વાતચીત મહદઅંશે સફળ રહી હતી. આ વાતચીત દરમ્યાન મહારાણા પ્રતાપે અકબરે મોકલેલો શાહી પહેરવેશ પહેરવાની હા પાડી હતી. ત્યારબાદ પ્રતાપે પોતાના પુત્ર અમર સિંહને અકબર સાથે વાતચીત કરવા આગ્રા મોકલ્યો, પરંતુ આ વાતચીત સંપૂર્ણપણે નિષ્ફળ રહેતા મેવાડ અને મોગલો વચ્ચેનો સંઘર્ષ અનિવાર્ય બની ગયો.

હલ્દીઘાટીનું યુદ્ધ

૧૫૭૬માં પ્રતાપ સાથે યુદ્ધ કરવા અકબરે રાજા માન સિંહની આગેવાની હેઠળ પાંચ હજાર સૈનિકોની એક સેના મોકલી. આ પાંચ હજાર સૈનિકોમાંથી ત્રણ હજાર સૈનિકોએ મેવાડ રાજ્યના સીમાડા પર આવતી હલ્દીઘાટી પાસે પોતાને સ્થિત કરી. સામેપક્ષે રાણા પ્રતાપ પાસે અફઘાન સેનાપતિ હકિમ ખાન સૂરની સેના ઉપરાંત ભીલો ની એક નાનકડી સેના પણ હતી. અકબરના આક્રમણથી ઉભી થનારી પરિસ્થિતિને પહોંચી વળવા પ્રતાપે સમગ્ર ચિત્તોડમાં પ્રજાને ખાવાપીવાની વસ્તુઓ તેમજ પશુઓના ઘાસચારાની પુરેપુરી વ્યવસ્થા કરી રાખી હતી. આ ઉપરાંત મોગલો પ્રજા તેમજ પશુઓને ઓછામાં ઓછું નુકસાન કરે તેની સુરક્ષા વ્યવસ્થાની ગોઠવણ પણ થઈ ચુકી હતી. હલ્દીઘાટીનું યુદ્ધ ૧૮મી ફેબ્રૂઆરી ૧૫૭૬ના દિવસે લડાયું હતું. આ એક પરંપરાગત યુદ્ધ હતું જેમાં સૈનિકો, હાથીઓ અને ઘોડાઓનો સમાવેશ થતો હતો. આગ્રાથી હલ્દીઘાટી સુધી પોતાના તમામ શસ્ત્રો લાવવામાં મુશ્કેલી પડી હોવાથી અહીં મોગલો સામે પ્રતાપની સેનાનો હાથ ઉંચો હતો. રાણા પ્રતાપની સેનાએ મોગલોની ડાબી અને જમણી રક્ષા પંક્તિને સાફ કરીને હાહાકાર મચાવી દીધો અને તેના સૈન્યના છેક મધ્ય સુધી પહોંચી ગઈ, પરંતુ અકબરના આગમનની અફવાએ પરિસ્થિતિ બદલી નાંખી અને રાજપૂતોએ પીછેહઠ કરવી પડી. ગરમી અને હલ્દીઘાટીની પહાડીઓથી અપરિચિત હોવાને લીધે મોગલોએ રાજપૂતોનો પીછો કરવાનું મુનાસીબ ન માન્યું અને જેને લીધે પ્રતાપ અને અકબર વચ્ચેની મડાગાંઠ જળવાઈ રહી. જો કે આ યુદ્ધની અમુક બાબતો ખરેખર આશ્ચર્ય પમાડે તેવી હતી. આ યુદ્ધમાં બંને તરફે હિંદુઓ તેમજ મુસ્લિમોએ એકસરખી સંખ્યામાં લડત આપી હતી. અકબરની સેનાનો સેનાપતિ એક હિંદુ એટલેકે રાજા માન સિંહ હતો તો પ્રતાપની સેનાનો એક સેનાપતિ અફઘાન મુસ્લિમ હતો. આ ઉપરાંત આ યુદ્ધ સંપૂર્ણપણે રાજપૂતો વિરૂદ્ધ મોગલોનું યુદ્ધ પણ ન કહી શકાય કારણકે રાણા પ્રતાપના ભાઈઓ અને અન્ય વિશ્વાસુઓ પહેલેથીજ અકબરની શરણમાં જતા રહ્યા હતા.

હલ્દીઘાટીના યુદ્ધ પછીની પરિસ્થિતિ

હલ્દીઘાટીના યુદ્ધ પછી પણ પરિસ્થિતિમાં કોઈજ બદલાવ ન આવતા અકબરે જાતે પ્રતાપ સામે યુદ્ધ કરવાનું નક્કી કર્યું. અકબર પોતાની સેના લઈને ગોગુંડા, ઉદયપુર, કુંભલમીર જેવા નાનામોટા રાજ્યો પર કબ્જો જમાવી લીધો. આ ઉપરાંત દક્ષિણ મેવાડ સુધી અકબરની સેના પહોંચી ગઈ. જાલોર, ઈડર, સિરોહી, બાંસવાડા, ડુંગરપુર, બુંદીના રાજ્યો પર પણ હવે મોગલોનું નિયંત્રણ આવી ચુક્યું હતું. આ તમામ રાજ્યો મેવાડ અને ગુજરાતની સીમાઓ પર સ્થિત હતા. આ તમામ રાજ્યોના રાજાઓએ અકબરની શરણાગતી સ્વીકારી લીધી હતી. બુંદીના રાજા દુદા જે રાવ સુરજન હાડાનો પુત્ર હતો તેણે પ્રતાપ સાથે ગઠબંધન કર્યું હતું. પરંતુ તેના પિતા સુરજન હાડા અને તેનો નાનોભાઈ ભોજ મોગલો સાથે ભળી ગયા હતા. મોગલો સામે મળેલી હાર પછી દુદા ભાગી ગયો અને બુંદીનું શાસન અકબરે ભોજને આપી દીધું. એક સમયે પ્રતાપનાં પુત્ર અમર સિહે કેટલીક મુસ્લિમ મહિલાઓને બંધક બનાવી દીધી હતી. પરંતુ પ્રતાપે તેનો વિરોધ કરતાં આ તમામને સંપૂર્ણ માન સન્માન સાથે તેમને સ્વગૃહે પરત મોકલી આપી હતી. આ સમયે પ્રતાપ રાજપૂતોમાં તદ્દન એકલો પડી ગયો હતો અને અકબરના આક્રમણનું દબાણ સતત વધી રહ્યું હતું. જો કે મહારાણા પ્રતાપ આ દબાણના હળવા થવાનીજ રાહ જોઈ રહ્યા હતા.

મહારાણા પ્રતાપનું પુનરાગમન તેમજ અંતિમ દિવસો

મોગલોનું દબાણ હટવાની મહારાણા પ્રતાપ રાહ જોઈ રહ્યા હતા તે મોકો તેમને હલ્દીઘાટીના યુદ્ધ પછી છેક નવ વર્ષે મળ્યો. બંગાળ અને બિહારમાં અકબરના શાસન સામે વિરોધનો વંટોળ ઉભો થયો. આ ઉપરાંત મિર્ઝા હકીમે પંજાબ ઉપર પણ આક્રમણ કર્યું. આથી મોગલો આ તમામ યુદ્ધોને લડવામાં તેમજ બળવાઓને શમાવવામાં વ્યસ્ત થઈ ગયા. આ ઉપરાંત અકબર પણ હવે લાહોર જતો રહ્યો હતો અને બાર વર્ષ સુધી તેણે ત્યાંથી મોગલ સામ્રાજ્યનું શાસન સાંભળ્યું. પરંતુ આ સંપૂર્ણ સમય દરમ્યાન તેણે પોતાના શાસનનો વિસ્તાર કરવાને બદલે પરિસ્થિતિ પર નજર ચાંપતી રાખવાનું તેણે વધુ મુનાસીબ માન્યું. આથી મેવાડ પરથી મોગલોનું ધ્યાન હટ્‌યું અને ભવિષ્યમાં પણ મેવાડ પર અકબરનું કોઈજ આક્રમણ નહીં થાય તેની મહારાણા પ્રતાપને ખાતરી પણ થઈ ગઈ. આ પરિસ્થિતિનો લાભ ઉઠાવતા પ્રતાપે પોતાની ગુમાવેલી જમીન ફરીથી જીતવાની શરૂ કરી. તેમણે કુંભલગઢ તેમજ ચિત્તોડના આસપાસના વિસ્તારો પોતાના નિયંત્રણમાં લેવાના શરૂ કર્યા. ચિત્તોડની જગ્યાએ આજના ડુંગરપુર નજીક આવેલા ચાવંડમાં પોતાની નવી રાજધાની બનાવી. ત્યારબાદ મોગલોએ જ્યારે જ્યારે પણ મેવાડ ઉપર આક્રમણો કર્યા ત્યારે ત્યારે મહારાણા પ્રતાપે છત્રપતિ શિવાજી મહારાજે બનાવેલી ગેરીલા પદ્ધતિની જેમજ તેમને જવાબ આપીને સદાય માટે ખદેડી મુક્યા.

મહારાણા પ્રતાપને કુલ અગ્િાયાર રાણીઓ હોવાનું કહેવાય છે. પરંતુ તેમને સૌથી વધુ પ્રેમ મહારાણી અજાબ્દે પન્વર સાથે હતો. પ્રતાપને આ અગ્િાયાર રાણીઓથી કુલ સત્તર પુત્રો અને પાંચ પુત્રીઓ થઈ હતી. ચાવંડની આસપાસ શિકાર કરતી વેળાએ ઈજાગ્રસ્ત થતા મહારાણા પ્રતાપનું ૨૯મી જાન્યુઆરી ૧૫૯૭ના દિવસે સત્તાવન વર્ષની વયે અવસાન થયું. ચાવંડમાં આજે પણ પ્રતાપની અંતિમક્રિયા જ્યાં કરવામાં આવી હતી તે ‘છત્રી’ રાખવામાં આવી છે. આજે આ છત્રી ટુરિસ્ટ આકર્ષણ પણ બની ચુકી છે. અજાબ્દે પન્વરનો સૌથી મોટો પુત્ર અમર સિંહ મહારાણા પ્રતાપ પછી મેવાડનો રાજા બન્યો.

પરંતુ રાજા બન્યા પછી તરતજ અમર સિંહે મોગલો સાથે સંઘર્ષમાં ઉતરવાને બદલે તેની સાથે સંધી કરી લીધી. અકબરના અવસાન પછી ૧૬૧૩માં અમર સિંહે અમુક શરતો સાથે મોગલોને પોતાના રાજા માની લીધા. મોગલ બાદશાહ જહાંગીર સાથે થયેલી સંધી અનુસાર, અમર સિંહને ૧૫૦૦ ઘોડેસવારોની સેનાને સતત મોગલોની સેનામાં તૈનાત રાખવાની હતી. તો સામેપક્ષે અમર સિંહને મોગલ દરબારમાં હાજરી આપવી મરજિયાત ઠરાવવામાં આવી. અમર સિંહનો નાનો ભાઈ કુંવર ભીમ શાહજહાં ઉર્ફે ખુર્રમ સાથે દખ્ખણમાં યુદ્ધ પણ લડયો હતો. આ ઉપરાંત મેવાડ ક્યારેય મોગલો સાથે લગ્ન સંબંધ નહીં બાંધે તેવી શરતને પણ માની લેવામાં આવી. ચિત્તોડના કિલ્લાને એમનેમ રાખી મુકવામાં આવ્યો અને ભવિષ્યમાં જો મોગલો વિરૂદ્ધ કોઈ બળવો થાય તો ચિત્તોડના કિલ્લાનો ઉપયોગ કરવામાં આવશે એમ નક્કી કરવામાં આવ્યું.

જ્યારે જ્યારે ઈતિહાસ મહારાણા પ્રતાપને યાદ કરશે ત્યારે ત્યારે તેમના સ્વતંત્ર મિજાજની નોંધ જરૂર લેશે. એક એવા સમયમાં જ્યારે સમગ્ર ભારતમાં મોગલોનું એકહથ્થુ શાસન હતું ત્યારે માત્ર પ્રતાપે જ પોતાનું રાજ્ય મોગલોથી બચાવી રાખ્યું હતું. મહારાણા પ્રતાપ ક્યારેય મોગલોથી હાર્યા નહીં કે પછી તેમને તાબે ન થયા. હા એકવાર તેમને પીછેહઠ જરૂર કરવી પડી, પરંતુ તેમણે પોતાનું સંપૂર્ણ રાજ્ય કદાપી મોગલોને હવાલે ન કર્યું. ઉલટું મહારાણા પ્રતાપની યુદ્ધશૈલીને લીધે અકબરને ખુદને તેમની સામે યુદ્ધમાં ઉતરવું પડયું હતું. મધ્યયુગીન ભારતીય ઈતિહાસમાં આ પ્રકારના રાજાઓ ખુબ જવલ્લેજ જોવા મળે છે, જેમણે કોઈપણ વિદેશી તાકાતની ગુલામી સ્વીકારી તો નહીં પણ તેમને પોતાનું રાજ્ય પણ જીતવા ન દીધું.

મહારાણા પ્રતાપ મૃત્યુપર્યંત સ્વતંત્ર રહ્યા. ભારતનાં આવા પનોતાપુત્રને આપણી સો સલામ!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED