વૃદ્ધાશ્રમની મુલાકાત Anand Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વૃદ્ધાશ્રમની મુલાકાત

વૃદ્ધાશ્રમ ની મુલાકાત

( છેલ્લા ૨ દિવસ થી મન વ્યાકુળ હતું. મન માં એક પ્રકાર ની બેચેની હતી, એક ચિંતા હતી. આખરે શુ વાંક હતો એ વૃદ્ધ મા - બાપ નો ? કે જેના કારણે એમને વૃદ્ધા આશ્રમ માં મુકવામાં આવ્યા હતા ? બસ ખાલી આ જ પ્રકાર ની બેચેની હતી જેને મારી ઊંઘ ઉડાડી દીધી હતી અને અંતે મેં મારી મન ની વ્યાકુળતા, ચિંતા તમારી સાથે વહેંચવાનો નિર્ણય કર્યો અને આ નાનકડો લેખ લખી રહ્યો છું. )

થોડા દિવસ પહેલા અમારા ગ્રુપે નક્કી કર્યું હતું કે આ રવિવાર ની રજા માં વૃદ્ધાશ્રમ જવા માં આવે અને આખો દિવસ એ લોકો સાથે વિતાવવામાં આવે. એ લોકો એમની જિંદગી કઈ રીતે પસાર કરી રહ્યા છે એ જાણવામાં આવે. અમે લોકો થોડા કપડાં અને મીઠાઓ લઈ લીધી જેથી કરી ને ત્યાં આપી શકાય. અમે ૪-૫ મિત્રો ત્યાં જવા માટે નીકળી પડ્યા.અમે લોકો ત્યાં પહોંચ્યા અને જોયું કે ત્યાં ૪-૫ ની સંખ્યા માં વૃદ્ધ કપલ્સ હતા જે પોતાની કોઈ ને કોઈ પ્રવૃત્તિ માં વ્યસ્ત હતા. કોઈક બગીચા માં પાણી છાંટતું હતું તો કોઈક ચીજ વસ્તુ સાફ કરી રહ્યું હતું. અમને લોકો ને આવેલા જોઈને થોડા સમય માટે એ લોકો પોત પોતાના કામ માંથી થોડો સમય નિવૃત થયા અને અમારી પાસે આવ્યા. એ બધા લોકો અમારા જેવા ટીનેજર્સ ને જોઈ ને ખુશ થયા કારણ કે અમને જોઈને એ લોકો ને લાગતું હતું કે જાણે પોતાના દીકરા એમને મળવા આવ્યા હોય. અમે લોકો એ એમના માટે લાવેલી ગિફ્ટ એમને આપી જે એમના મોઢા પર કોઈક અનેરું સ્મિત લાવી ગઈ. પછી અમે લોકો એક એક કરી ને કપલ્સ સાથે વૃદ્ધાશ્રમ માં ફરવા માટે નીકળ્યા જેથી કરી ને એમની સાથે વાતો કરી શકાય અને એ લોકો પણ થોડો સમય અમારા જેવા ટીનેજર્સ સાથે વિતાવી શકે. મારી સાથે પણ એક વૃદ્ધ કપલ હતું જેમની ઉંમર લગભગ ૫૪ - ૫૫ વર્ષ ની હશે એવું એમના શરીર અને મોઢા પર થી લાગી રહ્યું હતું. મેં મારા વિશે થોડો પરિચય આપ્યો અને અહીંયા આવવાનું કારણ જણાવ્યું. તેઓ પણ ખૂબ ખુશ થયા અને આ ખુશી ની કારણે તેમની આંખો છલકાઈ ગઈ જેના કારણે મારી પણ આંખો ભરાઈ ગઈ. મારા થી રહેવાયું નહિ એટલે આંસુ નું કારણ અને અહીંયા વૃદ્ધાશ્રમ માં રહેવાનું કારણ પુછાઈ ગયું. જેના જવાબ માં એક મજબૂર અને લાચાર મા બાપ નું નિસાસા સાથે નું રુદન હતું.

બેટા, અમારે તારા જેવો એક દીકરો છે. જે એક ખૂબ સારી કંપની માં સારી પોસ્ટ પર નોકરી કરે છે અને ખૂબ સારી એવી આવક પણ છે. અમે તો ગરીબ હતા અને અભણ પણ એટલે અમે લોકો જિંદગી માં કાઈ કરી ન શક્યા પણ અમે અમારા દીકરા ને મોટો કરવામાં કોઈ જાત ની કંજુસાઈ નહોતી કરી. રાત દિવસ એક કરી ને અને કાળી મજૂરી કરી ને અમે એને ભણાવ્યો અને મોટો કર્યો. ભણી ગણી ને એને સારી કંપની માં નોકરી મળી ગઈ. તેને ત્યાં જ કામ કરતી એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો અને અમે પણ એની ખુશી માં જ અમારી ખુશી સમજી ને એને લગ્ન કરવાની પરવાનગી આપી દીધી. એ બંને લોકો સવાર માં ઉઠીને નોકરી પર ચાલ્યા જતા અને સાંજે મોડા પાછા આવતા. એમના વગર તો અમને આખું ઘર ભેંકાર લાગતું હતું. અમે લોકો રાહ જોતા કે ક્યારે તે લોકો આવે અને સાથે જમવા બેસીએ પણ એ લોકો ક્યારેક બહાર જમી ને આવતા અને અમે ભૂખ્યા પેટે એમની રાહ જોઈ ને બેસી રહેતા. શરૂઆત ના સમય માં તો બધું ખૂબ સરસ ચાલતું હતું પણ જેમ - જેમ સમય પસાર થતો ગયો એમ એ બંને નો સ્વભાવ બદલાતો ગયો. એ લોકો પોતાની લાઈફ માં બીજી રહેતા. ક્યારેક બહાર ફરવા જવું, ફ્રેન્ડ્સ ના ઘરે જવું, પાર્ટી માં જવું વગેરે જગ્યા એ જવા માટે એમની પાસે સમય હતો પણ વૃદ્ધ માં - બાપ સાથે બેસવા કે વાતો કરવાનો સમય નહોતો. એ લોકો ને અમને ક્યારેક હોટેલ માં જમવા માટે લઈ જવા માં પણ શરમ આવતી હતી. અમે લોકો આખો દિવસ ઘર માં એક મરેલા દેહ ની જેમ રહેતા હતા. ના તો અમે ક્યાંય ફરવા જઇ શકતા કે ના તો બહાર. જો ક્યાંય બહાર જવાની વાત કરવામાં આવે તો હવે તમારે આ ઉંમર માં ક્યાં ફરવા જવું છે એવું બોલી ને અમારી વાત ટાળી દેવામાં આવતી. ઘર માં સાથે રહેતા હોવા છતાં પણ બધા ના એક બીજા સાથે અબોલા હોય એ રીતે વર્તણુક થતી. સમય જેમ પસાર થતો ગયો એમ એ લોકો નો અમારા માટે નો પ્રેમ અને કાળજી ઓછી થતી ગઇ. હવે આ ઉંમર માં અમારાથી કાઈ બોલી શકાય એવું નહોતું અને ધીમે ધીમે નાના ઝગડા ઓ એ ઘર માં જગ્યા લીધી. અને આખરે એક દિવસ સમય એવી રીતે પલટાયો કે સમય અમને અમારા જ દીકરા દ્વારા અહીંયા વૃદ્ધાશ્રમ ના દરવાજા પાસે મૂકી ગયો જેને અમે નિસ્વાર્થ પ્રેમ થી પેટ પર પાટા બાંધી ને મોટો કર્યો હતો અને એના ઉજ્જવળ ભવિષ્ય માટે કાળી મજૂરી કરી હતી. આજે તો એને પણ એક દીકરો છે જે કદાચ ૭ વર્ષ નો થઈ ગયો હશે. અમને એના માટે કોઈ જ ગુસ્સો કે ક્ષોભ નથી અને અમારા માટે તો આજે પણ એ અમારો દીકરો જ છે. ભગવાન એને હમેશા ખુશ રાખે અને ક્યારેય એને દુઃખ ના આવે તેટલી જ પ્રાર્થના છે અમારી. હવે અમારી એક જ છેલ્લી ઈચ્છા છે કે ફક્ત એક વાર અમારો દીકરો અમને મળવા આવે અને પ્રેમ થી માતા - પિતા કહે અને અમને ગળે લગાવે.

આટલું સાંભળતા મારા આંખ માંથી અશ્રુધારા વહી ગઈ.....

( સાહેબ, મારા લેખ થી કોઈ દીકરા - દીકરી ની લાગણીઓ ને ઠેસ પહોંચી હોય તો મને માફ કરી દેજો. મારો ઈરાદો કોઈ પર ટીકા કે કટાક્ષ કરવાનો નથી. મારા શબ્દો તમને જરૂર કડવા લાગશે પણ આ જ સત્ય હકીકત છે આજ ના છોકરા - છોકરી ની જે લોકો પોતાના સ્વાર્થ માટે માં - બાપ ના કરેલા ઉપકારો ભૂલી જાય છે. કોઈક પોતાના પ્રેમ ને પામવા માટે મા - બાપ ને છોડી દે છે, કોઈક પોતાની નોકરી માટે માં-બાપ ને છોડી ને વિદેશ જતું રહે છે તો કોઈક ને સમય જતાં માં - બાપ પોતાના પર બોજરૂપ લાગવા માંડે છે જેના કારણે માતા - પિતા ને વૃદ્ધાશ્રમ નો દરવાજો ખખડાવવા નો વારો આવે છે. આપણે આપણા લોભ ના કારણે એ ભૂલી જઈએ છીએ કે માં - બાપે પેટે પાટા બાંધી ને આપણને મોટા કર્યા છે. એમને આપણા ઉજ્જવળ ભવિષ્ય માટે એમના સુખ અને શોખ છોડ્યા છે. એ ઈચ્છે છે કે એ લોકો એ જિંદગી માં જે કાળી મજુરી કરી એવી મજૂરી આપણે ના કરીયે. એવું પણ હશે કે ઘણા માં - બાપે પોતે ભૂખ્યા રહી ને છોકરાઓ ને જમાડ્યા હશે. અને હવે જ્યારે એમની ઉંમર થઈ જાય છે અને એમનું શરીર બોજ ઉપાડતા થાકી જાય છે ત્યારે આપણી ફરજ માં આવે છે કે આપણે એમનો બોજ ઉપાડી લઇએ. એમને આપણા પર જે ઉપકાર કર્યા એનો બદલો આપણે કદાચ ૭ જન્મ માં પણ ના ચૂકવી શકીએ પણ જો આ એક જન્મ એમને સાચવી લઈએ તો આપણાં સાત જન્મ કદાચ સુધરી જાય. અરે સાહેબ ખુદ ભગવાન ને પણ જન્મ લેવા માટે માં - બાપ ની જરૂર પડી હતી તો આપણે તો ખાલી એક સાધારણ મનુષ્ય છીએ. માં - બાપ નો પ્રેમ શુ હોય છે ને એ ખાલી એક અનાથ ને જઇ ને પૂછજો સાહેબ જવાબ મળી જશે. ખાલી એક વિનંતી કરું છું કે ક્યારેય પોતાના સ્વાર્થ માટે કે જીવન માં કોઈ પણ મુશ્કેલી આવે પણ પોતાના મા બાપ ને છોડશો નહિ. જો માં - બાપ ના આશીર્વાદ હશે તો બધી મુશ્કેલી સમય જતાં દૂર થઈ જશે. અને જો એમની બદદુઆ લાગશે ને તો ખુદ ભગવાન પણ તમારી સામું નહિ જોવે. ક્યારેક સમય મળે તો વૃદ્ધા આશ્રમ મા જઇ આવજો અને એમની સાથે સમય વિતાવજો. જો જરૂર પડે તો એ માં - બાપ ને અપનાવી પણ લેજો અને એક સારો વિચાર રજૂ કરવા માગું છું કે જો યોગ્ય લાગે ને તો અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમ ને ભેગા કરી નાખજો. એક અનાથ ને મા - બાપ નો પ્રેમ અને એક વૃદ્ધ મા - બાપ ને જીવન જીવવાનો સહારો મળી જશે. જો માં - બાપ પર લખવા બેસું તો કદાચ મારી પાસે શબ્દો પણ ખૂટી પડે એટલે બસ આટલું જ કહેવા માગું છું. અને ફરીવાર જો મારા લેખ થી કોઈ ની લાગણી ને ઠેસ પહોંચી હોય તો માફ કરી દેજો. અને જો લેખ વાંચ્યા પછી જો એ સારો લાગે અને મન માં કોઈ વિચાર આવે અને રજૂ કરવાની ઈચ્છા થાય તો જરૂર એનો રીવ્યુ આપજો. )

***

Twitter :- mobile.twitter.com/anandgajjar1941

Email :- anandgajjar7338@gmail.com

W.app :- 7201071861