ભદ્રંભદ્ર - પ્રકરણ - 22 Ramanbhai Neelkanth દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ભદ્રંભદ્ર - પ્રકરણ - 22

ભદ્રંભદ્ર

રમણભાઈ મ. નીલકંઠ

૨૨. સંયોગીરાજ અને તંદ્રાચંદ્ર

વંદાવધ પ્રકરણ કોર્ટમાં જવાથી તે કાર્યની અગાડી પ્રવૃત્તિ નાતમાં અટકી પડતી હતી. આથી તે સુપ્રખ્યાત રાત્રે જેમને ઝાઝું વાગ્યું નહોતું અને જેમના પર મારામારીના આરોપની વિપત્તિ નહોતી આવી, તે સર્વ નિરાશ થયા અને બબડવા લાગ્યા કે અખત્યાર ખૂંચવી લેવાનો સરકારને શો હક્ક છે? સુધારાવાળા પારકી નાતનાને મારી નાખી શકે નહિ તો ખેર, પણ બાંધી છોડી શકે નહિ અને મરી ન જાય એવો માર પણ મારી શકે નહિ એ તો બહુ મહોટો પક્ષપાત છે અને સુધારાવાળા ખ્રિસ્તી થવાની હા કહે છે તેથી સરકાર તેમના લાભમાં આમ ઊતરે છે; એમ આર્યપક્ષમાં છડેચોક કહેવાવા લાગ્યું. વર્તમાનપત્રોમાં ઉપરાછાપરી ચર્ચાપત્રો પ્રકટ થવા લાગ્યાં અને આખરે અધિપતિઓને પોતાની જાતની અક્કલ વાપરી વિષયો લખવાની તસદી લેવી પડી. તેઓએ સાફ સાબિત કરી આપ્યું કે જ્યાં નાતનો કંઈ પણ સંબંધ હોય, જ્યાં અમુક કાર્યથી નાતને લાભ થતો હોય, પછી તે પૈસા સંબંધી હોય, મિષ્ટાન્ન સંબંધી હોય કે વેર વાળવા સંબંધી હોય ત્યાં દેવો વચ્ચે પડતા નથી, મંદિરની મૂર્તિઓ હાલતી નથી, સિંહાસનમાં ઠાકોરજી ઊભા થઈ જતા નથી, તો સરકારે હાથ ઘાલવો એ ઘણું ગેરવ્યાજબી છે; કેમ કે હિંદુઓની બધી વ્યવસ્થા તેમની નાતને આધારે છે અને તેમના ધર્મ પ્રમાણે જે કરવાની દેવોને અને મૂર્તિઓને રજા નથી તે સરકાર કરે તેથી તેમની નાત ભ્રષ્ટ થાય છે અને નાત ગઈ ત્યાં ધર્માચરણનો સંભવ જ શી રીતે હોય? આકાશમાંએ દેવો અને દાનવોએ નાત પાડી છે અને તેમની પોતપોતાની તકરારમાં કોઈ વચ્ચે પડતું નથી તેમનો ધર્મ સચવાય છે.

અધિપતિઓના આ લખાણથી એટલો બધો ખળભળાટ થઈ રહ્યો કે ચારે તરફથી પોકાર થવા લાગ્યો કે સરકારને અરજી કરવી કે જે કોઈ કાયદાનો અર્થ એવો થતો હોય કે હિન્દુઓના ધર્મની અને સંસારવ્યવહારની બાબતોમાં કોઈ પણ સરકારી અમલદાર કે કોર્ટ વચ્ચે પડી શકે તે તમામ રદ કરવા. નાતમાં ખાવુંપીવું અને નાત સાથે ખાઈ-પી શકાય માટે નાતમાં રહેવું; એમાં જ હિંદુધર્મનો સાર આવી રહ્યો છે અને તેટલું સચવાય તો હિંદુઓને એમ ને એમ સ્વર્ગ મળી જાય છે; માટે નાત ખાતર તેઓ ધનની કે પ્રાણની પણ દરકાર કરતા નથી, તો સુખ કે સત્ય સરખી હલકી વાતોની તો શાની જ દરકાર કરે? આ કારણથી, ચોરીથી ખૂન સુધીના ગમે તે ગુનામાં જ્યાં નાતનો કાંઈ પણ સંબંધ જણાય કે કહેવાય ત્યાં સરકારે તરત તે કામ પડતું મૂકી નાતોને તેની ભાંજગડ કરવા દેવી જોઈએ. તે વિના હિંદુઓનો ધર્મ સચવાવાનો નથી. નાતોને આ પ્રમાણે છૂટ આપવામાં આવે તો હિંદુઓના ધર્મ માટે જીવ અને સર્વસ્વનો ત્યાગ કરનારા થયા નથી એમ જે કહેવામાં આવે છે તે અપવાદ સહજ દૂર થઈ જાય. નાતરૂપી ધર્મ ખાતર અનેકનાં ઘર બળે તથા અનેકનાં માથાં ફૂટે અને તે રીતે ધર્મવીરત્વ સિદ્ધ થાય.

આ ચર્ચાનું મહત્વ એટલું બધું વધ્યું કે સંયોગીરાજને ત્યાં ભરાતા મંડળમાં પણ રમતો દરમિયાનની ’થુઈ’ને વખતે આ બાબતમાં શા ઉપાય લેવા તેનો વિચાર થવા લાગ્યો. માધવબાગ જેવી મોટી સભા મેળવી તેનો યશ સંયોગીરાજને અપાવવાની તેમના પાર્શ્વચરોને ઘણી વાંછના હતી અને સંયોગીરાજને પોતાને એ યશ લેવાને ઘણી આકાંક્ષા હતી, એ યશને હું લાયક છું એમ તેઓ પોતે જ કહેતા હતા, તેથી પાર્શ્વચરોને એ બાબતમાં અતિશયોક્તિ કરવાની જરૂર પડતી નહોતી.

ભદ્રંભદ્ર પણ એ સભા અને એ યશની સામગ્રી કરવામાં સહાયભૂત હતા. તેમનો પોતાનો કોર્ટ આગળના કામમાં સંબંધ હોવાથી સભામાં આગળ પડી તેમના પોતાનાથી યશ લેવાય એમ હતું નહિ તેથી તેમને ઈર્ષ્યા કરવાનું કારણ નહોતું. વળી ગધેડા સાથે મજૂરીમાં સામિલ થવાથી ઘોડાને પણ જેમ કુંભારને માન આપવું પડે છે, તેમ બીજા પાર્શ્વચરોની પેઠે ભદ્રંભદ્રને પણ સંયોગીરાજ પ્રતિ પૂજ્ય ભાવ દર્શાવવો પડતો હતો અને તેમની નાયકપદવી કબૂલ રાખવી પડતી હતી. આવી અવસ્થામાં અગવડ ઘણી હતી, પરંતુ કોર્ટખર્ચ માટે સંયોગીરાજની સહાયતા આવશ્યક હતી અને પોતાનું નાયકત્વ પ્રથમ સ્પષ્ટ રીતે સ્વીકારે તેને જ તેઓ આશ્રય આપી શકે છે એ શરત ખુલ્લી રીતે જાહેર કરવામાં આવતી હતી. તેમ વળી પ્રસન્નમનશંકર પેઠે સંયોગીરાજ વિદ્વત્તાનો દાવો લેશમાત્ર પણ કરતા નહોતા અને ગામઠી નિશાળના મહેતાજીથી માંડીને શાસ્ત્રીઓ અને પંડિતો સુધી સર્વ કોઈના પ્રમાણને નમતા હતા, તેથી એ વિષયકમાં ભદ્રંભદ્રની શ્રેષ્ઠતા ખંડિત થતી નહોતી અને તેમને સંતોષ હતો. પહેલાં કલહને પ્રસંગે અમારા વકીલની વૃત્તિ ક્રોધમાંથી એકદમ પ્રસન્નતામાં આવી ગઈ હતી, તેનું કારણ પણ એ માલમ પડ્યું હતું કે સંયોગીરાજે અમારી તરફથી ભારે બદલો આપવાનું કહેવડાવ્યું હતું અને વધારે ઉદ્યોગ આપવાની અનુકૂલતા કરાવી આપી હતી. આ સર્વ કારણોને લીધે સંયોગીરાજનો યશ તાળીઓ પાડીને, ઘોંઘાટ કરીને, ઢોલનગારાં વગડાવીને, ગધેડાં ભૂંકાવીને, કૂતરાં ભસાવીને વગેરે અનેક રીતે ફેલાવવાની ગંજાવર કોશિશમાં મશગૂલ થયા વિના ભદ્રંભદ્રને છૂટકો નહોતો.

પણ, આ સર્વ તેજસ્વી વિધિ આ વખત ફલવંત થવાનું સર્જેલું નહિ હશે, તેથી અમારા સર્વના પ્રકટ અને સંયોગીરાજના ગુપ્ત નિસાસાની બીકે નસીબે એ પ્રયત્ન પ્રથમથી જ બંધ કરવાનું સુઝાડ્યું. અમારા વકીલો અને સંયોગીરાજ પેઠે કૂદકા મારી કાર્ય ન કરનારા બીજા જનોએ સલાહ આપી કે કોર્ટમાં કામ પૂરું થયું નથી ત્યાં સુધી એ જ કામ સંબંધે આવી તકરાર ઉઠાવી ક્ષોભ કરવાથી ભદ્રંભદ્રને અને તેમની સાથે રણમાં ઘૂમેલા વીરોને હાનિ થવાનો સંભવ રહે છે અને અમને નિરપરાધી ઠરાવવા કરતાં પણ સ્વપ્રતિષ્ઠા વધારવાનો જે મુખ્ય હેતુ છે તે એટલો બધો નિષ્ફળ જશે કે સર્વ પ્રયત્ન ન્યાયમાં વિઘ્ન કરાવવા માટે કરેલો ગણાઈ ઉદ્યમ કરનારાઓની પ્રતિષ્ઠાને નુકશાન થાય તેમ છે.

ધારેલી યોજના પડતી મૂકી; પરંતુ આરંભેલા પ્રયાસની ચેષ્ટા મૂકી દેવા સંયોગીરાજનો પાર્શ્વચરવર્ગ ખુશી નહોતો. ભૂત-રાક્ષસોને બોલાવ્યા પછી મહેનત કે ભક્ષ મળ્યા વિના તે પાછાં જતાં નથી, તેવી રીતે ચાપલ્ય માટે ઉદ્‌ભૂત થયેલા પાર્શ્વચરોના ઉત્સાહને શાંત કરવાની મુશ્કેલી જોઈ સંયોગીરાજે તેમના ઉદ્યોગ માટે અન્ય કાર્ય-વ્યાપાર ખોળી કાઢ્યો.

વલ્લભરામના મામા શંભુ પુરાણીના પુત્ર તંદ્રાચંદ્ર ગામમાં આવ્યા હતા અને વલ્લભરામ સાથે સંયોગીરાજને ત્યાં આવતા હતા. તેમનો પહેરવેશ ગુજરાતી કરતાં મારવાડી અને મુલતાની વચ્ચનો વધારે હતો અને તેમની વાણીમાં પણ ઉત્તરની ભાષાઓનું મિશ્રણ ઘણું હતું. તેમનું મૂળ નામ તંદ્રાચંદ્ર નહોતું પણ રજપૂતાના અને મધ્ય હિન્દુસ્તાનનાં સંસ્થાનોમાં કારભારીપણાના શિકારનો ધંધો કરવા માંડ્યો ત્યારથી તે દેશને કંઈક મળતું નામ તેમને આપવામાં આવ્યું એમ બીજાઓ કહેતા હતા. મુખથી ભાષણ તે બહુ ઓછું કરતા હતા અને ઘણાં વર્ષ થયાં ગુજરાતમાં થોડો થોડો વખત જ આવી જવાનું થયેલું હોવાથી થયેલી અણમાહિતીને લીધે તેમ કરતા હશે એમ ધારવામાં આવતું; કેમ કે ઊભી કરચોલીવાળાં પહોળાં હાડકાં અને ઓછા માંસવાળા, ચોરસ, લાંબા મુખ પરની સફેદ ફિકાશમાં અને જાડાં લાલ પોપચાંવાળી ઉજાગરા ભરેલી આંખોની મન્દતામાં ક્ષુધા, પીડા, દરિદ્રતા અને આશાભંગ જ જણાતાં હતાં તથા કાંઈ રાજકાર્ય ચિંતા કે ગૂઢ મનન દેખાતાં નહોતાં. તેમ મૌનનું કારણ કેવળ જાડ્ય તો નહોતું જ, કેમ કે વદનની ક્ષમતામાં જે વ્યસનાસક્તિ જણાતી હતી તે જ ચપળતાની દર્શક હતી. કેટલીક બાબતમાં તેમની મૌનવૃત્તિ એટલે સુધી હતી કે તેમના દુરાચાર વિશે સંયોગીરાજ અને પાર્શ્વચરો બહુ જ ઓછી વ્યંગ્યતાથી ઢંકાયેલી મશ્કરીઓ કરતા હતા, તે છતાં તે કદી ઉત્તર આપતા નહોતા. મંડળમાં અસભ્ય વચનોનું બંધન નથી એ તો તેમનાથી અજાણ્યું નહોતું જ; કેમ કે નવા દાખલ થનારને સંયોગીરાજ પ્રથમ એ જ ઉપદેશ કરતા કે એવી મર્યાદા પાળવી એ તો સાહેબલોકના અનુકરણવાળો સુધારો છે અને આ દેશના સાદા લોકો એવા સખ્ત આચારના નિયમ ન પાળતાં સ્ત્રી, બાળક, યુવાન, વૃદ્ધ સર્વ કોઈની સમક્ષ પ્રસંગોચિત વચનો બોલી નાંખે છે અને સ્ત્રી સિવાયના સર્વને એવાં વચનો બોલવાની છૂટ આપે છે. હાસ્ય કરનારાઓની પ્રતિ ગાલિપ્રદાન ન કરવામાં તંદ્રાચંદ્રને સ્વવૃત્તિનો વિરોધ કરવો પડતો હતો કે કેમ તે સમજાતું નહોતું. કેમ કે તેમની આકૃત્તિ પરથી દીનતા કદી ખસતી જ નહોતી. મેં જેટલી વાર તેમને મૌનભંગ કરી સંભાષણ કરતા સંભળ્યા હતા તે બધી વાર તે પોલિટિકલ એજન્ટનું રજા પર જવું, રાજાનું ઘોડા ખરીદવું, દીવાનનું સંસ્થાન બદલવું વગેરે કારભારની વાતો જ ટૂંકાં વચનોમાં ચાલતી વાતના વિષયોનો સંબંધ ન છતાં તેમના મુખમાંથી એકાએક નીકળતી. માત્ર એક વિષયમાં ઉત્તરનાં સંસ્થાન અને ઉત્તરની ભાષા પડતાં મૂકી મન્દતાનો ત્યાગ કરી ઉત્સાહથી બોલતા અને તે એ કે ગુજરાત છોડ્યા છતાં એક કહેવતની બાબતમાં તેમણે ગુજરાતી સાહિત્યની વિવૃદ્ધિ એટલે સુધી ચલાવી હતી કે આખરે તે કહેવતમાં બે નવી લીટીઓ ઉમેરી આખી કડી બનાવી હતી. જે સાંભળે તેને સ્વર પર યોગ્ય ભાર દઈને એ કડી કહી સંભળાવતા કે,

'રજપૂત ગોજારો નહિ,કણબી નાતબહારો નહિ;કારભારી ઠગારો નહિ,ગધેડો બિચારો નહિ.’

ચારે લીટીઓનો અર્થ તે બહુ ઉમંગથી સમજાવતા અને તે પર જે લક્ષ દે તેના પર પ્રસન્ન થતા. આવે એક પ્રસંગે કહેવતમાં નવાં ઉમેરેલાં પ્રાણીઓ તથા તેમનાં વિશેષણો વિશે અનેક સોત્કંઠ પ્રશ્નો પૂછવાનો આડંબર કરી સંયોગીરાજે તેમને બહુ ખુશ કર્યા અને પાર્શ્વચરોના ઉદ્યોગ માટે ધારેલી યુક્તિમાં સાધનભૂત થવાનું તેમની પાસેથી વચન લીધું.

પ્રથમ સંયોગીરાજના પ્રમુખપણા નીચે જાહેર સભા મેળવવાનો વિચાર હતો ત્યારે ગોઠવણ એવી હતી કે સંયોગીરાજે ઘોડા પર બેસી વાજતેગાજતે ડંકાનિશાન સાથે મોટી ધામધૂમથી સભામાં જવું; પાર્શ્વચરોએ સાંબેલાં થઈને જવું કે સાજન થઈને જવું એ વિશે મતભેદ હતો. વળી કેટલાક પાર્શ્વચરોની ઇચ્છા સિંધીઓ પેઠે છરા લઢાવતાં ચાલવાની હતી અને કેટલાકની સૂચના હતી કે સંયોગીરાજે અશ્વને બદલે હસ્તી પર આરૂઢ થવું. આ બધી અનિશ્ચિતતાનો લાભ લઈ મૂળ યોજના બંધ રાખ્યાની વાત તંદ્રાચંદ્રથી છાની રાખવામાં આવી અને તૈયારી જારી જ છે એમ તેમને સમજાવવામાં આવ્યું. સંયોગીરાજે તેમને સમજાવ્યું કે ’સભામાં નાતનો વિષય દર્શાવવાનો છે માટે આપ જેવા દેશદેશની નાતોના રિવાજના અનુભવી વધારે સારી રીતે પ્રમુખપદ ધારણ કરી શકશો અને ’નાત’ ને સંબંધે ’નાતબહાર’ શું તે પર ઊતરી પડતાં આપ જોડેલી લીટીઓનું વિદ્વત્તા ભરેલું વિવેચન કરવાનો પ્રસંગ આવશે.’

’મારાથી આપ વધારે યોગ્ય છો.’ એ પ્રશંસાવાક્યે તંદ્રાચંદ્રને અંતરમાંથી ખુશ કર્યા. પોતાની યોગ્યતા ના પાડવામાં તેમનાં વચનો પોલાં છે એ તેમની ફુલાયેલી મુખમુદ્રા પરથી ઢાંક્યું રહ્યું નહિ. પોતાની પ્રિય કહેવત સભામાં કહી બતાવવાની ઉત્સુકતા થતાં મન્દતા જતી રહી અને તે પ્રમુખપદ લેવાને કબૂલ થયા. ખરેખરી ધારણા શી છે તે ખબર પડી જાય નહિ તે માટે અનેક અનેક પ્રકારની સભ્યતાના આગ્રહને વિષે અને આપ જેવા પ્રસિદ્ધ પુરુષોને આર્યપક્ષના પ્રયાસમાં અગ્રણી થતાં અટકાવવાને સુધારાવાળાઓ ઘણા પ્રયત્ન કરશે અને આપને ફેરવી નાખશે, એવી ભીતિને બહાને સંયોગીરાજે તેમને પોતાના ઘરમાં પૂરી રાખ્યા અને ખાનપાન તથા હાસ્ય સિવાય બીજા કશામાં તેમનું ચિત્ત જવા દીધું નહિ. આટલી બધી ચાટુ ઉક્તિ અને આટલાં બધાં મિષ્ટ ભોજનનો પરિચય નહિ હોવાથી તંદ્રાચંદ્ર સંતોષાતિશયમાં સ્તબ્ધ થઈ ગયા અને આ સર્વ સત્કારને હું પાત્ર નથી એવી લાગણીને ખસેડી નાખવા વિવિધ અર્થશૂન્ય સંભાષણથી કાલ વ્યતીત કરવા લાગ્યા. દેશસ્થિતિ સુધરે કે બગડે એ તેમના ચિંતનનો વિષય કદી હતો જ નહિ અને ’સુધારો’ તે શું છે અને ’સુધારાવાળા’ તે કોણ છે એ વિશે તેમને ઘણી જ અસ્ફુટ કલ્પના હતી, તોપણ ’સુધારો ન જોઈએ’, ’આપણે સુધારાવાળા નથી’, ’આજકાલના સુધારાવાળાઓ’ (’પહેલાના સુધારાવાળાઓ’ કોણ કહેવાય છે તે આર્યપક્ષમાં આટલાં વર્ષ રહ્યા છતાં હું જાણતો નથી તો તંદ્રાચંદ્ર તો ક્યાંથી જ જાણે !) ’એ તો વિલાયતી સુધારો’ એવાં વચનો હરકોઈ વિષયની વાતમાં સ્થળે સ્થળે ઉચ્ચારી તે સંયોગીરાજના મંડળના અંગભૂત થવાનો પ્રયત્ન કરવા લાગ્યા.

સંયોગીરાજનો મોહમંત્ર કોઈને નિદ્રા પમાડતો નહોતો, પણ સર્વ કોઈને ઉન્મત કરતો હતો, તેથી તંદ્રાચંદ્ર પણ પાર્શ્વચરોની મંડળી જોડે ગુલાંટ ખાતાં અને ઊંધે માથે ઊભા રહેતાં શીખ્યા. સંયોગીરાજનું વશીકરણ એટલું પ્રબળ થયું કે પાર્શ્વમંડલ બહારના કોઈ સખ્સથી તંદ્રાચંદ્ર સાથે સંભાષણ કે પત્રનો વ્યવહાર પણ થવો અશક્ય થઈ પડ્યો. મુશ્કેલી માત્ર વલ્લભરામની હતી. તંદ્રાચંદ્રની પ્રસિદ્ધ પરિહાસની વચનો તેમનાથી છાની રખાય તેમ નહોતું તેમ એ ગમ્મતમાં દાખલ થવાને તેમને પોતાને હરકત પણ નહોતી. પરંતુ તંદ્રાચંદ્રને અજાણ્યા રાખી તેમને હાસ્યપાત્ર બનાવવામાં શામિલ થવામાં વલ્લભરામને કુટુંબક્લેશનો ભય હતો. આ બધી હરકત દૂર કરવા સંયોગીરાજે યુક્તિ દર્શાવી કે છેક છેલ્લી ઘડી સુધી વલ્લભરામે માંદા થઈ ઘેર સૂઈ રહેવું એટલે આખરે અજાણ્યા થઈ ગમ્મત જોવા નિઃશંક આવી શકાય. ગોઠવણ પ્રમાણે વલ્લભરામ સંયોગીરાજને ત્યાં આવતા બંધ થયા અને તંદ્રાચંદ્રને તેના કારણની પણ ખબર પડી નહીં.

બાહ્ય જગતની તંદ્રાચંદ્રને આ પ્રમાણે વિસ્મૃતિ થઈ ગઈ તેનું મુખ્ય કારણ એ કહેવામાં આવતું કે સંયોગીરાજ તેમને માફક આવે એટલી મદિરાનું સેવન કરાવતા હતા. તેમનો હેતુ તો અલબત્ત એવો જ કે તંદ્રાચંદ્રના આંતરચક્ષુ ખૂલી જાય અને યોગીઓ પેઠે એ સાધનથી પ્રત્યક્ષ દૃષ્ટિ થતાં બુદ્ધિ અને કેળવણીનો અભાવ છતાં જાહેર સભામાં પ્રમુખપદે રહી ભાષણ આપવાની તે તૈયારી કરી શકે અને તંદ્રાચંદ્રે તે માટે તૈયારી કરવા પણ માંડી. સંયોગીરાજના પ્રથમના વિચાર પેઠે તે સવારી સાથે સભામાં જવા ઉત્સુક થયા. તે માટે ઉત્તરની રીત મુજબ તેમણે ચહેરો અને પહેરવેશ તૈયાર કરવા માંડ્યા.

સંયોગીરાજે પણ ખટપટાબાદના માજી કારભારી તંદ્રાચંદ્રના લગ્નના વરઘોડાનાં નિમંત્રણ કાઢ્યાં અને સ્વગૃહે ઉત્સવચિહ્‌ન પ્રકટ કર્યાં. તંદ્રાચંદ્રને ઉત્સવકારણ વિશે લેશમાત્ર પણ ખબર નહોતી પરંતુ, સંયોગીરાજ કહેતા કે, 'સનાતન ધર્મના રક્ષણ માટે અસત્યનો ઉપયોગ કરવો પડે છે. રાજકીય સુધારાના નામે ઉકાળો ખદબદ કરવા માટે અસત્યનો ઉપયોગ કરવો પડે છે. સંસાર-સુધારાને દૂર કાઢવા સારુ અસત્યનો ઉપયોગ કરવો પડે છે, તો વિનોદ અને હાસ્ય સારુ અસત્યનો ઉપયોગ કરવામાં શું ખોટું છે? વામનાવતારની કથા વગેરેથી જણાય છે કે અસત્યથી જ જગતનો ઉદ્ધાર થાય છે એમ શ્રી વિષ્ણુએ સ્થાપિત કર્યું છે.' તેથી તેમનાં અને અમારા સર્વનાં અંતઃકરણ શાંત રહ્યાં હતાં.

તંદ્રાચંદ્રની મુખાકૃતિ સ્વાભાવિક રીતે સુંદર તો નહોતી જ, અને તેને અલંકૃત કરવા માટે તેમણે જે સામગ્રી રચવા માંડી હતી, તેથી દેખાવ એવો વિચિત્ર લાગતો હતો કે બદસૂરતીથી ટાપટીપ જણાઈ આવે છે કે ટાપટીપથી બદસૂરતી જણાઈ તે નક્કી કરી કહેવું મુશ્કેલ હતું. સભામાં ભાષણ ચાલતી વખતે વચનપ્રહાર ઉપરાંત મુખશોભાની શી અસર થશે તેનો સુમાર તંદ્રાચંદ્ર કાઢી શકતા હોય તેમ લાગતું નહોતું પણ સવારીમાં તો છેલાઈ જણાવવી જ જોઈએ એમ તેમનો મત હતો, અને દેશી રાજ્યોમાં સવારીમાં એવી સામગ્રીથી તેમને લોકોએ ખરેખર સુંદર ધાર્યા હતા એમ તે માનતા હતા. સંયોગીરાજે ઊભી કરેલી યોજનાને આ મંડનવિધિથી વધારે પુષ્ટિ મળી. આછી છતાં વાળીને ઊંચી કરવાના પ્રયત્નમાં ઊભી થઈ ગયેલી મૂછોથી અને બીજી રીતે સુધારી શકાય તેવી ન હોવાથી ફીત લગાડી શોભાયમાન કરેલી બાવાટોપીથી તંદ્રાચંદ્ર લગ્નોત્સવના સમારંભમાં છે એ વાત ખરી લાગતી હતી અને તેથી નીતરતા મોગરેલથી ચળકતા થયેલા વાળ, સુરમાથી આંજેલી આંખો, પાન ચાવી લાલ કરેલા હોઠ, એ બધી ઘડી ઘડી પ્રગટ થતી તૈયારી સવારી માટે છે એમ કલ્પવાનો અજાણ્યાને સંભવ જ રહેતો નહોતો. તેમના ઉત્ફુલ્લ નયન અને હર્ષપૂર્ણ મુખરેખાથી આ ભૂલને ટેકો મળતો હતો. ક્ષોભરહિત દીન વૃત્તિમાં એ ફેરફાર બહુ અજાયબ ભરેલો લાગતો હતો. થોડા વખતની માનની પદવીની આકાંક્ષા અને એક કહેવત માટેની વિલક્ષણ રુચિએ કરાવેલાં કૌતુક હાસ્યવૃત્તિ ઉદ્‌ભૂત કરવાને બસ હતાં, અને એ આકાંક્ષા અને રુચિ સહસા ખંડિત થઈ, આખરે મશ્કરી અને મજાકના પ્રસંગ આવવાની આશાએ પાર્શ્વચરો સંયોગીરાજની વિચક્ષણતાના ધન્યવાદ ઉચ્ચારતા હતા. તે પ્રસંગ આવવા પહેલાં પણ હાસ્યને શમાવી રાખવું તેમને એટલું કઠણ પડતું કે તંદ્રાચંદ્ર સમીપ હોય ત્યારે પણ શુષ્ક કથાઓમાં જૂઠાં નિમિત્તિ કહાડી તેઓ હસી પડતા હતા અને તંદ્રાચંદ્રને અનિચ્છાપૂર્વક પોતાની જ મશ્કરીમાં શામિલ કરતા હતા.

આ હાસ્યમાં ભદ્રંભદ્ર શામિલ થતા નહિ અને શામિલ થવા દેતા નહિ. કપટમય વંચના તેમને નાપસંદ હતી એમ નહોતું. કારણ આર્યપક્ષના નાયકના કપટમાં પણ પુણ્ય નિવાસ કરે છે એમ તેમનું કહેવું હતું. અને આર્યપક્ષના ગૌરવ ખાતર જ તેમને આ હાસ્ય અનુચિત લાગતું હતું. તંદ્રાચંદ્રને આર્યપક્ષ તરફથી મળતું માન પોતે લેવાને તે અંતરથી નાખુશ નહોતા અને અંતે તંદ્રાચંદ્રની મશ્કરી ન થતાં કોઈ અગમ્ય રીતે તેમને માન મળી જશે અને એ પ્રયાસમાં આર્યપક્ષનો સુધારાવાળા પર જય થઈ જશે એમ તેમનું માનવું હતું. બળતી સતીઓની ચીસો વાદ્યમાં ડુબાડી દેવી પડે છે, તેમ સુધારાવાળાની તકરાર ઉત્પન્ન થવાથી નહિ પણ સાંભળ્યાથી જ આર્યપક્ષને હાનિ છે, માટે આવી સભાઓના ઘોંઘાટ વડે તે અનેક વેળા કરતા હતા.

***

રેટ કરો અને રિવ્યુ આપો

Dimple

Dimple 6 વર્ષ પહેલા