Featured Books
શ્રેણી
શેયર કરો

જય ઘોષ ‘જય હિંદ’: જોશીલા નારાનો ક્રાંતિકારી ઇતિહાસ

જય ઘોષ ‘જય હિંદ’: જોશીલા નારાનો ક્રાંતિકારી ઇતિહાસ

લગભગ ભારતના બહુ ઓછા વર્ગને ખ્યાલ છે કે આપને જે ફિલ્મો, ડૉક્યુમેન્ટરીઝ, સંવાદો, ભાષણો, હોર્ડિંગ્સ, બેનર.. જેવાં તમામ દૃશ્ય-શ્રાવ્ય માધ્યમોમાં ‘જય હિંદ’નો નારો લખેલો કે બોલાતો - જોઈએ કે સાંભળીએ છીએ તે શબ્દપ્રયોગ સૌથી પહેલાં કોણે કર્યો હતો? ક્યાં થયો હતો? કેવી રીતે થયો હતો? આ જોશીલા નારાની એક ઐતિહાસિક સફરે...

કોણ હશે તેઓ, કે જેના હૃદયમાં સૌપ્રથમ ‘જય હિંદ’નો જય ઘોષ પેદા થયો અને આજે તે રાષ્ટ્રભક્તિ સાબિત કરવા માટે અને પ્રજામાં જોશ ઉત્પન્ન કરવા માટેનો અનુનાદ બની ગયો? શું તેઓ સુભાષચંદ્ર બોઝ હતાં? ના, બિલકુલ નહીં. જો કે, આ વિષેના દસ્તાવેજોમાં ઘણાં બધાં નામો છે કે જેમણે ‘જય હિંદ’ શબ્દ કૉઇન કર્યો હોય. એની વે, વધુ એક હિન્ટ. કદાચ હિટલર અથવા ગોબલ્સ કે પછી હિમલર તેને કયા નામે બોલાવતા હશે? આવું વિચારીએ તો જણાય કે, તેઓ કદાચ તેને ‘હર સ્ચંપક’ કે પછી ‘હર પિલ્લઈ’ નામે સંબોધતા હોવા જોઈએ.

પરંતુ, સૌથી પહેલાં જો કોઈએ તેમનો ઉપયોગ કરવાનું શરુ કર્યો હોય તો તે એટલે ચંપક રમણ પિલ્લઈ હતાં. હા, તેઓ ચંપક રમણ પિલ્લઈ હતાં. કોણ હતાં, ચંપક રમણ પિલ્લઈ? હિઅર ઇઝ ધી હિસ્ટ્રી.

૧૫ સપ્ટેમ્બર, ૧૮૯૧માં તેમનો જન્મ. ત્રિવેન્દ્રમના પોલીસ કોન્સ્ટેબલ (કૉલોનિયલ એરા) ચિન્નાસ્વામી પિલ્લઈ અને નાગમ્મલન ઘેર જન્મ્યા હતાં. લોકમાન્ય તિલક અને તેમના ‘કેસરી’ પ્રત્યે તેઓ ખૂબ જ આકર્ષિત હતાં. જ્યારે તિલકને ગિરફ્તાર કરી લેવામાં આવ્યા ત્યારે તેમને ભારતના સ્વાતંત્ર્યમાં પોતાના જીવનને સમર્પિત કરવા માટેની પ્રતિજ્ઞા લીધી. તે સમયે તે પિલ્લઈ એક બ્રિટિશર સ્ટ્રિકલેન્ડ સાથે સંપર્કમાં આવ્યા અને બાદમાં તેની સહાયથી ભારત છોડી દીધું હતું, જ્યારે તેઓ માત્ર સત્તર વર્ષના હતા. તેઓ ૧૯૦૮માં જર્મની ગયા. ત્યાં અર્થશાસ્ત્રમાં Ph.D કર્યા બાદ જર્મનીથી જ અંગ્રેજો વિરુદ્ધ ચળવળ શરુ કરી. યુવાનીના સમયમાં પણ તેમના લોહીમાં ક્રાંતિનું જોમ વહેતું હતું. સ્વતંત્રતા માટેની તેમની ભૂખ અપ્રતિમ હતી. મહારાજા કૉલેજમાં તેમના મિત્રોને તેઓ ‘જય હિંદ’ કહીને સંબોધતા હતાં.

ત્યારબાદ તેઓ જાહેર જીવનમાં પ્રવેશ્યા. દેશ-વિદેશમાં તેઓ ઘણાં નામી-અનામી વ્યક્તિઓને મળ્યા. જેમાં ગાંધીજી, નામ્બિયાર, મોતીલાલ અને જવાહરલાલ નેહરુ, એમ એન રોય, સુભાષચન્દ્ર બોઝ, કૈસર, હિન્ડનબર્ગ, હિટલર અને નાઝી પાર્ટીના અન્ય સભ્યોનો સમાવેશ થાય છે. ૧૯૩૩માં ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથે મળ્યા ત્યારે તેમને ‘જય હિંદ’ દ્વારા તેમનું સંબોધન કર્યું હતું.

પહેલી જ વાર આ શબ્દ સાંભળતા તે નેતાજીને પ્રભાવિત કરી ગયો. બીજી તરફ નેતાજી આઝાદ હિંદ ફૌજની સ્થાપના કરવા માંગતા હતાં. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીએ બ્રિટિશ સૈનિકોને કેદ કર્યા હતાં, જેમાં ભારતીય સૈનિકો પણ હતાં. જર્મન છાવણીમાં નેતાજીએ તેમને સંબોધ્યા અને અંગ્રેજોનો પક્ષ છોડીને આઝાદ હિંદ ફૌજમાં શામેલ થવા માટે નેતાજીએ હુંકાર કર્યો.

લિયોનાર્ડ ગોર્ડનના એક પુસ્તક ‘બ્રધર્સ અગેઇન્સ્ટ ધ બ્રિટિશ રાજ’ મુજબ, તે સમયે હૈદરાબાદના કલેકટરના પુત્ર આબિદ હસન સફરાની (ઝૈન-અલ-આબ્દિન હસન) કે જેઓ જર્મનીમાં રહેતા ભારતીય વિદ્યાર્થી હતાં તેમણે પોતાનો અભ્યાસ છોડી દીધો અને નેતાજી જોડે જોડાઈ ગયા અને તેમના સેક્રેટરી પદ પર ભૂમિકા ભજવી. આઝાદ હિંદ ફૌજના વિદ્યાથીઓ કેવી રીતે એકબીજાને સંબોધન કરી શકે આ પ્રશ્ન ઉદ્ભવ્યો ત્યારે હસને ‘જય હિન્દુસ્તાન કી’ નારો આપ્યો અને તેનું ટૂંકાક્ષરી ‘જય હિંદ’ નક્કી થયું.

ત્યારબાદ ‘જય હિંદ’ એ આઝાદ હિંદ બોઝનો યુદ્ધઘોષ બની ગયો. જલ્દીથી ભારતભરમાં તે ગૂંજવા લાગ્યો. ૧૯૪૬માં એક સભામાં જ્યારે લોકો ‘કોંગ્રેસ ઝિંદાબાદ’ના નારા લગાવી રહ્યા હતાં ત્યારે નેહરુજી એ લોકોને ‘જય હિંદ’નો નારો લગાવવા કહ્યું. આઝાદી પછી જવાહરલાલ નેહરુએ પોતાનું પ્રથમ ભાષણ ‘જય હિંદ’ વડે કર્યું. અંતે, આઝાદ ભારતની ટિકિટ પર પણ ‘જય હિંદ’ લખેલું હતું.

ઉપરાંત, સુભાષચંદ્ર બોઝના અનુયાયી અને સ્વતંત્રતા સેનાની રામચંદ્ર મોરેશ્વર કરકરે (ગ્વાલિયર) એ તથ્યો પર આધારિત એક દેશભક્તિપૂર્ણ નાટક ‘જય હિંદ’ તથા તેનું જ હિન્દી પુસ્તક લખ્યું હતું. આ શબ્દ ત્યાંથી પણ વિસ્તાર પામ્યો તેવું કહી શકાય.