વાંકીચાલ સીરીઝ સ્ટોરી - 1 harshad solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વાંકીચાલ સીરીઝ સ્ટોરી - 1

રોમિયો ગાવત બલ્લે બલ્લે..!

પણ વાસુએ કાઢી એની વલે વલે..!

૨૦૧૮ના નવા વર્ષની પાવન શરૂઆત સાથે તમામ માતૃભાર્તીના વાચક મિત્રોને મારા "ધમાલ" ઉર્ફે હર્ષદ સોલંકીના ખુબ ખુબ અભિનંદન. તેમજ સર્વે મિત્રોનું નવું વર્ષ મંગલમય રહે એવી શુભેચ્છા.

અને નવા વર્ષ નિમિતે આપ સર્વ મિત્રોને મારા તરફથી આ હાસ્યસભર ભેટ. ખુબ હસજો અને બીજાને પણ હસાવજો.

નોકરીએથી પાછો ફરી વાંકીચાલનાં ગેટની અંદર પહેલો પગ મુકતાંની સાથે જ જાણવા મળ્યું , કે અમારી મેનેજીંગ કમિટીએ વાંકીચાલના બધા સભ્યોની હંગામી ધોરણે મીટીંગ બોલાવી છે.

આમ તો જ્યારે પણ કોઈ કારણસર મીટીંગ બોલાવવાની હોઈ છે ત્યારે એ અંગેની નોટીસ અગાઉથી જ અમારા ગેટ બહાર લટકાવી દેવામાં આવતી હોય છે. પણ હાલ બોલાવવામાં આવનારી મીતીન્ગ અંગેની કોઈ નોટીસ મેં ગેટ પર લટકતી ન જોઈ.

પહેલા કદીય વગર નોટીસે મીટીંગ બોલાવાયાનું મને યાદ ન આવ્યું, એટલે હું જરા વિમાસણમાં પડ્યો. હું કોઈ સંભવિત દુર્ઘટના અંગે વિચારવા લાગ્યો. એના સિવાય બીજું કોઈ કારણ ન હોઈ શકે, કે જેના કારને આમ વગર કોઈ પૂર્વ નોટીસે મીટીંગ બોલાવવામાં આવે.

જોકે મારે મીતીન્ગના મુદ્દા અંગે વધુ રાહ ન જોવી પડી. આગળ જ ત્રણ – ચાર બૈરા ઉભા ઉભા મોટે મોટેથી વાતો કરી રહ્યા હતા, અને વચ્ચે વચ્ચે કોઈ અજાણ્યા રોમિયોને ગાળો ભાંડી રહ્યા હતા.

મને ઉભા રહી બૈરાઓની વાતો સાંભળવાનું ઉચિત ન જણાયું. એટલે હું ચાલતો જ રહ્યો. પણ એમની વાતો પરથી મને એટલો તો ખ્યાલ આવી જ ગયો; કે અમારી વાંકીચાલમાં કોઈ રોમિયોનો ઉપદ્રવ થયો છે. આ ઉપદ્રવ કઈક વધુ પડતો હશે, માટે જ વગર નોટીસે આમ અચાનક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હશે.

ઘેર પહોંચી, ફ્રેશ થઇ, ચા પીને હું જડપથી મીતીન્ગના સ્થળ ભણી રવાના થયો.

મીટીંગના સ્થળે પહોંચીને જોયું તો વાંકીચાલમાં વસનારા બધા લોકો, મહિલાઓ અને છોકરીઓ પણ ત્યાં અગાઉથી જ હાજર હતી.

મહિલાઓની ફરિયાદ હતી કે કોઈ અજાણ્યો રોમિયો વાળે ઘડીએ મોટર સાઈકલ લઈને આવ - જા કર્યા કરે છે, અને આવતી જતી છોકરીઓની પજવણી કરે છે.

આજે સવારે નયનાબેનની મુન્ની જ્યારે કોલેજ જવા નીકળી ત્યારે એ રોમિયો અચાનક ક્યાંકથી ફૂટી નીકળ્યો. ને એ મોટર સાઈકલ પર સ્ટંટ બતાવતાં એના માથામાં એક ગુલાબનું ફૂલ ભરાવી, બલ્લે બલ્લે ગીત ગાતાં ઝડપભેર પસાર થઇ ગયો. એનાથી મુન્ની બિચારી એટલી તો ગભરાઈ ગઈ કે એ કોલેજ જવાને બદલે રડતી રડતી ઘેર પાછી ફળી.

રોનીયોની આવી હરકત પ્રત્યે બધા લોકોમાં ગુસ્સો હતો. પણ જેવી જગુ જુગારીયાનાં કાનમાં આ વાત પડી કે તરત એનો પીતો ગયો. એનાથી આવા કોઈ ભાવનાત્મક પ્રસંગે એની જબાન પર નિયંત્રણ રાખી નથી શકાતું. ને એમાય જ્યારે એકાદ બે પેગ એના પેટમાં પડી ગયા હોઈ ત્યારે તો એ બિલકુલ એની જાત પર જાય છે.

એણે સુરતી પ્રસાદ પીરસવાનું શરુ કરી દીધું.

“ એ ગાળ... રોનીયોને ગાળ... મારી મારીને ગાળ... એના હાડકાં ટોડી લાખવાના, એટલે એ ગાળ... આ બાજુ આવાનું જ ભૂલી જાય. “

એની સરવાણી કાનમાં રેડાતા બધા ચિડાયા. વખત પારખી જઈ લખને પહેલા તો એને બંને હાથે કમરમાંથી ઊંચકી ઘડિયાળના લોલકની જેમ ડાબે જમણે હલાવ્યો. ને પછી એને એક ખૂણામાં ગોઠવી પોતે એની આગળ એક ખુરશી લઇ ગોઠવાય ગયો.

ક્યાંય છટકવાનો આરો ન રહેતા જગલો બબડતો ખૂણામાં ભરાય રહ્યો.

જગલાના તમાશા બાદ ફરી પાછું બધાનું ધ્યાન મીટીંગના મૂળ ઉદ્દેશ્ય પર કેન્દ્રિત થયું.

જ્યારે અમારા મોવડી મંડળ પાસે આ અંગેની ફરિયાદ આવેલી, ત્યારે જ એમણે તો વિચારી લીધેલું, કે વાંકીચાલના બધા સભ્યોએ ભેગા મળીને પોલીસ સ્તેસને જવું. અને આ અંગે સંયુક્ત રીતે પોલીસમાં ફરિયાદ નોંધાવવી. અને એટલા માટે બધા સભ્યોને જાણ કરવા ખાતર જ આ ઔપચારિક મીતીન્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.

કનુ કાટારીએ આવતીકાલ સવારે પોલીસ સ્તેસને જવા માટે બધા તૈયાર રહે. એવો હુકમ કરી મિટિંગ વિખેરી નાખી.

બીજા દિવસે મેં ફોન કરી નોકરી પરથી રજા લઇ લીધી. નવેક વાગ્યે અમે બધા અમારા કમ્પાઉન્દ્માં એકઠા થયા. બધા લોકો નાના મોટા ટોળામાં ભેગા થઇ રોમિયોનાં ઉપદ્રવ વિષે જ ચર્ચા કરી રહ્યા હતા.

થોડી વાર પછી અમારી મેનેજીંગ કમિટીના પ્રમુખ કનું કાટારી આવી પહોંચ્યા. ત્યાર બાદ એની આગેવાની હેઠળ અમારું સરઘસ પગપાળા જ પોલીસ સ્ટેસન ભણી રવાના થયું.

પોલીસ સ્તેસને પહોંચી કનુ કાટારીએ જમાદારને મળી રોફભેર બધી વાત કરી, અને અમારા સર્વ વતી ફરિયાદ નોંધાવી.

જમાદાર કનુ કાટારીનો હપ્તા ખાવ હતો. એટલે એમણે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી માટે ખાતરી આપી.

આમ ફરિયાદ નોંધાવી અમે બધા પાછા ફળ્યા. મારે ઓફિસે જવાનું નહોતું, એટલે હું ઘેર જવાને બદલે ગલ્લે ઉભો રહ્યો. નટુને પણ આ રોમિયોના કેસમાં રસ પડ્યો હતો, એટલે એને પણ દુકાને જવાની ઉતાવળ નહોતી. લગભગ વાંકીચાલમાં વસનારા બધા જ પુરુષો ગલ્લે તોળે વળ્યા હતા, ને હવે શું થાયછે એના તર્ક વિતર્ક કરી રહ્યા હતા. બધાને પોલીસ ક્યારે આવે એની ઉત્કંઠા હતી.

પોલીસની રાહ જોતાં કેટલાક દેશમાં આવા રોમિયોગીરીના દુષણ પર અફસોસ વ્યક્ત કરી રહ્યા હતા. તો કેટલાક આવા રોમીયોને કેવી રીતે પાઠ ભણાવવો અને પોતે ફલાણા રોમીયોને કેવો સબક શીખ્વાદેલો એની ડંફાસો મારી રહ્યા હતા.

પારસી સજ્જન બમન બારૂદવાલાએ પણ પોતાનું વણથંભ્યું બોરિંગ લેકચર ચાલુ કરી દીધું.

“આ બઢા સાલ્લા રોમિયોએ ટો ડેસમાં ઉપાડો માઈન્ડો છેવ! ખાલી જવાનીયાઓનો એમાં સુ વાંક કાઢવાનો? આ બધી બની બેસેલા સાધુ બાવાઓ, નેતાઓ ને પૈસાવાલી પાર્ટીઓ ઓછી ઠોડી છેવ? એ બઢા ટો આવા રોમીયોને ગુડ કેવડાવે એવા છેવ. આ બાવો આસારામ ને રામરહીમયા જેવા ડેસમાં બીજા ઘનાય છેવ ને! એવનના કાલા કારનામાં આગર ટો આવા બઢા રોમિયોનું કાઈ ની આવે. એ સાલા બઢા ડોસલા ઠયા ટોય જવાની નઠી જટી.“

બારૂદવાલાનું લેકચર ચાલુ રહેત, પણ એટલામાં એક જવાનીયો ફેશનેબલ કપડા, લાંબા વાળ, માથે વાંકી કેપ, આંખને બદલે કપાળે ચશ્માં ભરાવી સ્તાઈલમાં મોટર સાઈકલ લઈને આમતેમ નજર ફેંકતો થોડે દૂર રસ્તા પરથી પસાર થયો. એટલે બધાનું ધ્યાન એ ભણી ખેંચાયું. કેટલાકે દાંત કચકચાવ્યા. તો કેટલાકના મોઢામાંથી ગાળ નીકળી ગઈ. કેટલાકે હાથ મસર્યા.

પણ હવે આ કેસ પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. એટલે હવે કશું થઇ શકે એમ નહોતું.

રોમિયોએ થોડી થોડી વારે આમતેમ આંટાફેરા કર્યા. પણ આજે તેને વાંકીચાલની આસપાસ કોઈ છોકરીઓ જોવા ન મળી.

એટલામાં પોલીસની જીપ આવીને અટકી. એમાંથી એક જમાદારે ઉતરીને કનુ કાટારી સામે જોયું. કનુ કાટારીએ આંખના ઈશારા વડે આંટાફેરા કરી રહેલા રોમિયો ભણી સંકેત કર્યો.

બીજી જ ક્ષણે જમાદાર અને એના પોલીસ સાથીદારે આગળ વધીને રોમીયોને અટકાવ્યો. ને કાથ્લામાંથી ઝાલી નીચે ખેંચી કાઢ્યો. જમાદારે એની પછવાડે એક દંડો જમાવ્યો. રોમિયો ઘાંટાઘાંટી કરતો રહ્યો ને પોલીસે એને જીપ ભણી ખેંચવા માંડ્યો. બીજા પોલીસ સાથીદારે એની પૂંઠ પાછળ ઘુટણ વડે એક જોરદાર ધીંક લગાવી એને જીપમાં ધકેલી દીધો. રોમિયો રાડારાડી કરતો રહ્યો, ને જમાદારે જીપમાં બેસતા ડ્રાઈવર પર હુકમ છોડ્યો.

દૂર ઉભા ઉભા અમે આ બધો તમાસો જોઈ રહ્યા હતા. રોમિયોની આમ બુરી વલે થતી જોઈ હર્ષઘેલા થઇ, પોલીસ પર ગૌરવ અનુભવતા અમે બધા પણ રિક્ષા પકડી જીપ પાછળ પોલીસ સ્તેસને પહોંચ્યા.

પોલીસ સ્તેસને પહોંચતાની સાથે જ ફરી પાછો એક પોલીસે હાથમાં દંડો લીધો. રોમિયોએ તરત જ હાથ વડે એને અટકાવ્યો. ને જમાદાર સામે જોઈ પ્રશ્ન પૂછ્યો.

“મને ઓળખે છે!? હું કોણ છું?”

જમાદાર ગરજી ઉઠ્યો. “ગાળ..! તું કે તારો બાપ ગમે તે હોય. મારી પાસે કંઈ નઈં ચાલે. આ પોલીસ સ્ટેસન છે. તારા બાપનું રાજ નથી! અહીં મારું ચાલે છે. સમજ્યો..!”

રોમિયો તીખરભર્યું હસ્યો. અને ખિસ્સામાંથી મોબાઈલ કાઢી કોઈકની જોડે વાત કરવા લાગ્યો. જમાદાર મોઢું વકાસી એની સામે જોઈ રહ્યો. કૈંક વાત કર્યા પછી રોમિયોએ મોબાઈલ ખિસ્સામાં મુક્યો.

તરત પોલીસ સ્તેસંના ટેલીફોનની ઘંટડી રણકી. જમાદારે ફોનનું રીસીવર ઊંચકી “હેલ્લો” કહ્યું.

સામેથી શું જણાવાયું હોય એની ખબર ન પડી. પણ અચાનક વીજળીનો જોરદાર કરંટ લાગ્યો હોય તેમ એ આખ્ખેઆખ્ખો હલી ગયો. એનું ડાચું ચીમરાઈ ગયું. ને કોઈ સુંદરી ડિસ્કો કરતી હોય એમ એની કમર ડાબે જમણે હલવા લાગી. જાણે કોગરો કરતો હોય એવા ઘોઘરા અવાજે “યેસ સર... યેસ સર...” ના ઉદ્ગારો કાઢ્યા. પછી રીસીવર મુકતા એ પોતાની ખુરસીમાં ફસડાઈ પડ્યો.

રોમિયોએ અમારા બધા પર વ્યંગભરી નજર નાખી. પછી અમને બધાને તુચ્છ્કારતા વિજયી સ્મિત સાથે એ બહાર નીકળી ગયો.

રોમીયોને આમ છટકી જતો જોઈ, અફસોસ, તિરસ્કાર અને લાચારી મિશ્રિત ગુસ્સાથી અમે બધા જમાદારને જોઈ રહ્યા.

અમને બધાને પોતાની સામું જોતા જોઈ શરમ અને એક લવરમુછીયા રોમીયોથી હારી ભોંઠા પડેલા જમાદારે એની ખીજ અમારા પર ઉતારવા માંડી.

લાલઘુમ ડોળા કરી અમને ધમકાવતા એણે ઘાંટો પાડ્યો. “હવે તમે નીકળો છો કે પછી અંદર કરી દઉં?”

“પણ સાહેબ!” હું આગળ બોલવા જતો હતો. પણ જમાદારે મને અટકાવી આગળ ભસવા માંડ્યું.

“એનાં બાપનું કોઈ કંઈ બગાડી નઈં શકે! આ બધા કાયદાને ખિસ્સામાં રાખીને ફરનારા માણસો છે. તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ, જે કરવું હોય તે કરો, પણ આનું કોઈ કંઈ નઈં બગાડી શકે. તમને ખબર છે એ કોણ છે? એ મિનીસ્તરનો દીકરો છે. હવે તમારાથી જે થાય એ કરી લ્યો.”

કનુ કાટારીએ આગળ વધીને જમાદાર પર રોફ જમાવતા ગરજવા માંડ્યું. “મારો રોટલો ખાઈ આજે મારી જ..!?”

જમાદાર ટેબલ પર મુઠ્ઠી પછાડતા ગુસ્સામાં ગરજી ઉઠ્યો.

“અબે સાલ્લા બે ટકાના બારદાન..! મારી રહેમને લીધે તારો ધંધો ચાલે છે ને પાછો મને દબડાવે છે! હવે આગળ બોલ્યો છે તો તને જ અંદર કરી દઈશ. સમજ્યો?”

સ્તબ્ધ થઇ અમે બધા ત્યાં જ થીજી ગયા.

થોડી વાર પછી અમને અમારી અવસથાનું ભાન થતા નિરાશા અને ગુસ્સા સાથે ચાલવા માંડ્યું.

સાંજે મને ખબર મળ્યા કે રોમિયોના ત્રાસ અંગે અમારે આગળ શા પગલા લેવા એની મંત્રણા અંગે રાત્રે ફરી પાછા ભેગા થવાનું છે.

રાત્રે જમ્યા પછી અમે અમારા નિશ્ચિત સ્થળે એકઠા થયા. આ વખતની મીટીંગ ખરેખર ગંભીર હતી. બધા આ રોમિયોના ઉપદ્રવનો નિવેડો લાવવા પોત્પોતાના સૂચનો રજુ કરવા લાગ્યા.

જેમાં કોઈકે રોમીયોને મેથીપાક ચખાડવાનું સુચન કર્યું તો મેં પ્રધાનમંત્રીને પત્ર લખીને ફરિયાદ કરવાનું સુચન કર્યું. જગુએ એની પ્રકૃતિ મુજબ ભાડાના ગુંડાઓ રખાવી રોમિયોના હાડકા ખોખરા કરી નખાવવાનું જણાવ્યું.

મારામારીની અને ગુન્દાગીરીની વાતો સાંભળી અમારા શશિકાકા સહેજ અસ્વસ્થ અને બેચૈન બની ગયા.

એને એકવાર કોઈ પરાણે થીએટરમાં લગે રહો મુન્નભાઈ ફિલ્મ જોવા લઇ ગયેલું. પણ એ ફિલ્મથી એ એવા તો પ્રભાવિત થયા કે ગાંધીગીરીના રવાડે (હથાગ્રહે) ચડી ગયા છે.

એ ધ્રુજતા અવાજે કરગરી ઉઠ્યા.

“આપણા જેવા સભ્ય માણસોએ મારામારી અને ગુંડાગીરી જેવા હિંસાના માર્ગે જવું ન જોઈએ. પણ આપણે સૌએ રોમીયોને મળી એને વર્તમાન હાલાંતનો ખ્યાલ આપી, એને આ દુર્માર્ગેથી પાછો વળી જવા સમજાવવો જોઈએ.”

એ સાંભળી ત્યાં ઉપસ્થીત લોકો વચ્ચે રમૂજનું મોજું ફેલાઈ ગયું.

પણ મેં ઉભા થઈ, હાથના સંકેત વડે શાંત રહેવા જણાવી બોલવા માંડ્યું.

“રોમીયોના હાડકા ખોખરા કરવા કે એને આ રસ્તેથી પાછો ફરી જવા સમજાવવો, એને બદલે આપણે આપણી છોકરીઓને જ આવા રોમીયો સામે પ્રતિરક્ષા માટે તૈયાર કરવી જોઈએ. આજના નારી સશક્તીકરણના જમાનામાં છોકરીઓ પોતાની સ્વરક્ષા માટે તૈયાર થાય એ પણ ઘણું જરૂરી છે. એ સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો પણ નથી. આપણે આપણી છોકરીઓને કરાંતેની તાલીમ આપવી જોઈએ. અને એ માટે એક યોગ્ય કરાંતે શિક્ષકની નિયુક્તિ કરવી જોઈએ.

મારી વાત સાંભળી બધા વિચારવા લાગ્યા. વર્તમાન સંજોગો જોતા સૌને મારું સુચન યોગ્ય લાગ્યું. માટે બધાએ મારી વાતને સમર્થન આપ્યું.

શશિકાકા હર્ષભેર બોલી ઉઠ્યા.

“આ માર્ગ બીજા હલકી કક્ષાના માર્ગો કરતા શ્રેષ્ઠ છે. આપણે સૌએ જરૂરી નાણાની વ્યવસ્થા કરી એક યોગ્ય કરાંતે તાલીમ આપનારને નિયુક્ત કરી આપણી છોકરીઓને સ્વરક્ષા માટે તૈયાર કરીએ.”

નાણાની વાત આવી કે તરત બધાની ખોપરીમાં હથોડા વાગવા લાગ્યા. કરાંતેની તાલીમ આપનારની સેવા લેવા માટે નાણાની વ્યવસ્થા કરવી જરૂરી હતી. જે અમારી વાંકીચાલની મેનેજીંગ કમિટી પાસે નહોતા. એ માટે બધાએ પોતપોતાની ચિંતા વ્યક્ત કરી.

એવામાં લખનને કૈંક યાદ આવ્યું હોય એમ એણે મોટે મોટેથી બોલવા માંડ્યું.

“ઓલા સુર્યાની છોકરીને મેં કરાંતે કરતા જોઈ છે. એને જ ક્યો ને..!”

બધાએ સૂર્યો ઉર્ફે સુરેશ સામે જોયું. એટલે સુર્યાએ બગાસું ખાતા ખાતા મહાપ્રયત્ને બોલવા માંડ્યું.

“હા, લખનની વાત સાચી છે. મારી મોટી છોકરી વિશુ કરાંતેની તાલીમ લઇ રહી છે. જો તમને કઈ વાંધો ના હોઈ તો હું મારી છોકરીને કહું કે એ હાલ પુરતું આપણી વાંકીચાલની છોકરીઓને કરાંતે શીખવાડે.”

બધા હર્ષ સાથે બોલી ઉઠ્યા. “આપણી ઘરની જ છોકરી જો કરાંતે શીખવાડતી હોય તો એનાથી રૂડું બીજું શું હોય શકે.”

બસ પાકું થઇ ગયું. સુર્યાની છોકરી વાસુ વાંકીચાલની બધી છોકરીઓને કરાંતેની તાલીમ આપશે. પછી અમે બધા છુટા પડ્યા.

બે’ક દિવસ પછી સૂર્યાની મોટી છોકરી વાસુ ઉર્ફે વાસંતીએ વાંકીચાલની બધી છોકરીઓને એકથી કરી સામેની તરફ આવેલા ખુલ્લા મેદાનમાં સવાર સાંજ કરાંતેની તાલીમ આપવાનું શરુ કરી દીધું.

વાસુને આમ મહત્વ મળતું જોઈ, ઈર્ષાળુ વિકીનો અહં ઘવાયો. તેથી એણે પણ એ જ સમયે પોતાની મિત્ર મંડળી એકથી કરી લાકડી દાવ શરુ કરી દીધા.

થોડા દિવસ આમ બધું ચાલતુ રહ્યું. સ્કુલ કોલેજ જતી છોકરીઓની જોડે પણ કોઈને કોઈ વાલી આવવા જવા લાગ્યું.

વાંકીચાલ તેમજ આસપાસની છોકરીઓએ રોમીયોને અવગણવા માંડ્યો હતો. એટલે થોડા દિવસથી એના ઉપદ્રવના સમાચાર પણ મળવાનાં બંધ થયા હતા.

આમ પાછલા થોડા દિવસોમાં વાંકીચાલમાં કોઈ અવનવી બીના નહોતી બની.

એક દિવસ હું સાંજે નોકરીએથી ઘેર પાછો ફળી, ચા પીને છાપું હાથમાં લઇ સોફામાં બેઠો હતો. એટલામાં પોતાનું મોં ઝભ્ભાની બાંય વડે લૂછતાં નતુ આવી પહોંચ્યો. એના ચહેરા પર તિખરભર્યું સ્મિત હતું. મને આશ્ચર્ય થયું, એટલે મેં એની સામે પ્રશ્નાર્થ નજરે જોયું.

“તમને ખબર છે? પેલા રોમિયોનું શું થયું?” નતુ સામેના સોફામાં બેસતા બોલ્યો.

“શું થયું એનું!?” મેં અધીરાય અને ઉત્સુકતા સાથે પૂછ્યું.

“આપણો વીકી બધું જોઇને આવ્યો, હો..!” એ નફ્ફટાઈભર્યું હસ્યો. “પેલા રોમિયોની જે વલે થઇ છે!”

એણે આખી બીના મારી સમક્ષ વર્ણવવા માંડી.

જ્યારે પેલા રોમીયોને છોકરીઓના કરાંતે કેમ્પની ખબર પડી કે તરત એણે પોતાનો સમય બદલી આ તાલીમના સમય દરમ્યાન પધારવાનું શરુ કરી દીધું.

તાલીમ લેતી છોકરીઓનું ધ્યાન ખેંચવા તથા એમના પર પોતાની ઇમ્પ્રેસન જમાવવા એણે બાઈક પર ઉછળી ઉછળીને વિવિધ ખેલ બતાવવા માંડ્યા.

આ બધા તમાશાથી તાલીમ લેતી છોકરીઓનું ધ્યાન ભંગ થતું હતું. એટલે એક દિવસ વાસુ ખિજાય ગઈ. રોમીયોને ઝાંખો પાડવા એણે પણ હવામાં ઉછળીને શક્ય હોઈ એટલા માર્શલઆર્તના સ્ટંટ બતાવવા માંડ્યા.

વાસુને આમ પોતાની સ્પર્ધામાં ઉતરેલી જોઈ રોમિયોએ પણ વધુને વધુ વાનરવેડા બતાવવા માંડ્યા. બંને વચ્ચે જાણે જંગ જામ્યો. કરાંતેની તાલીમ લેતી છોકરીઓ, અને વિકીનું વાનરવૃંદ પણ બધું છોડી દઈ આ બંનેના ખેલ જોવા ઉભું રહી ગયું.

અચાનક વીકીના ભેજાંને શું થયું કે એણે પોતાના હાથમાં પકડેલી લાકડી રોમિયોની મોટર સાઈકલના વ્હીલમાં ઘુસાડવા માંડી. વિકીને આમ કરતો જોઈ ગુસ્સે થયેલા રોમિયોએ બાઈક ઉછાળવાનું છોડી દઈ વીકીને કચડવા મોટર સાઈકલ ઘુમાવી.

પણ એ વિકીને કચડે એ પહેલાં સમય પારખી જઈ વાસુએ ઓચિંતાની રોમિયો તરફ છલાંગ લગાવી.

વાસુને આમ હવામાં પોતાની તરફ ધસમસતી આવતી જોઈ રોમિયો એકદમ બઘવાય ગયો. એનું મો ફાટી ગયું. ને એણે એકદમ અચાનક વાસુથી બચવા બાઈકને બીજી તરફ ઘુમાવી.

બાઈક રસ્તા વચ્ચે આવેલા ડિવાઈડર જોડે અથડાયને ઉંધી થઇ. અને રોમિયો હવામાં ઉછળીને રસ્તાની બીજી તરફ કોઈ ઈમારતના બાંધકામ માટે રેતી ભરીને પસાર થતી છકડો રીક્ષામાં ઉંધા કાચબાની જેમ જઈ પડ્યો.

એની પૂંઠ રેતીમાં ખુંપી ગઈ, ને એના હાથ પગ તથા માથું હવામાં ઝુલતા રહ્યા. એણે મો ફેરવી જોયું, તો બધી છોકરીઓ એની તરફ જોઇ હસી રહી હતી.

એ જોઈ એના મગજને એવો તો આંચકો લાગ્યો કે એનો અવાજ એના ગળામાં જ ગુન્ગરાઈ ગયો. એ રાડ પણ ન પાડી શક્યો, ને રિક્ષા એને લઈ આગળ નીકળી ગઈ.

વીકીનું વાનરવૃંદ પણ એની પાછળ પાછળ દોડ્યું.

થોડે દૂર જઈ રિક્ષા અટકી.

રેતી ઉતારવા આવેલા કડીયાકામના મજુરોએ જોયું તો એક યુવાન છોકરો રીક્ષામાં પડ્યો હતો. એમણે રિક્ષાવાળાને એના વિષે પૂછપરછ કરી, પણ રીક્ષાવાલો સાવ અજાણ હતો.

એક કડીયાએ એને બુમ મારી. પણ રોમિયોના શરીરમાં કોઈ હરકત ન જણાય. એનું મો ફાટેલું હતું અને એની આંખની પૂતળીઓ ઉપર ચઢી ગઈ હતી. બધાએ ભેગા મળી રોમીયોને ઊંચકી નીચે સુવાડ્યો. એકે એની નાડ તપાસી જોયું તો નાડ હજુ ચાલુ હતી. બીજાએ તરત પાણી લાવી એના મો પર છાંટ્યું. પણ રોમિયો પર એની કોઈ અસર ન થઇ.

એ દરમ્યાન ત્યાં તમાસો જોનારાઓનું નાનકડું ટોળું એકઠું થઇ ગયું. ટોળામાં ઉભેલા એકાદ ઉત્વૈદને ખ્યાલ આવ્યો કે એને તો વાઈ આવી લાગે છે. એટલે એણે પોતાના પગમાંથી ખાસડું કાઢી સુન્ઘાડવા માંડ્યું. પણ રોનિયોનાં શરીરમાં કોઈ હરકત ન જણાય. એ પછી તો ત્યાં ભેગા થયેલા ટોળામાંથી અનેકે પોતપોતાના પગોમાંથી જૂતા ચપ્પલ કાઢી સુન્ઘાડવા માંડ્યા. પણ રોમિયો હજુ જેમનો તેમ પડ્યો રહ્યો.

એવામાં કડિયાઓનું ટોળું એકઠું થયેલું જોઈ કુતુહલવશ આવી ચડેલા એમનાં કોન્ત્રાક્તરને અચાનક યાદ આવ્યું કે વાઈ આવતી હોઈ એને કાળા કુતરાની અઘાડ સુંઘાડવામાં આવે તો એ તરત ભાનમાં આવી જાય.

એણે તરત પોતાના એક સાથીદારને એ માટે રવાના કર્યો.

એને કાળા કુતરાની અગાડ તો ન મળી, પણ ભેંસનો પોદડો મળી આવ્યો.

ભેંસ પણ કાળી હોય. ને અંતે આપણને તો કાળા પ્રાણીની અઘાડની જ જરૂર છે ને! એમ મન મનાવી એ પોતાની ચંપલને છાણમાં બોળી પાછો ફર્યો.

પાછા ફરી એણે છાણ વાળી ચંપલ રોમિયોના નાકે ધરી. પણ રોમિયો પર એની કોઈ અસર ન થઇ.

“હઠીલી વાઈ લાગે છે.” કોઈ બોલી ઉઠ્યું.

બધા અચરજથી રોમિયોના મૂર્છિત શરીરને જોઈ રહ્યા હતા.

અચાનક ત્યાં હાજર એક બૈરાંનું ધ્યાન એની આંખો તરફ ગયું. એનાં મોમાંથી ધીમી ચીસ નીકળી ગઈ.

“અરે..! આ કોઈ વાઈ બાઈનો કેસ નથી! એની આંખો જોઈ! આને તો કોઈ ભૂત પ્રેતનો વળગાડ લાગે છે.”

બધાનું ધ્યાન રોમિયોની આંખો તરફ ગયું. એની આંખોના ડોળા ઉપર ચડી ગયા હતા. કાળી પૂતળીઓ ગાયબ હતી. બધાના હૃદયમાં ફડક પેથી. આંખોના સ્થાને બે સફેદ કોડીઓ ફીટ કરી હોય એવા ડોળાને લીધે રોમિયોનો દેખાવ ભયંકર લાગતો હતો.

બધાને એ બાઈની વાત બરાબર લાગી. હવે પૂછવાનું શું હતું. ચાર જણાએ એની ટીંગાટોળી કરી એને વાંકીચાલની પાછળની તરફ આવેલા મફતીયાપરામાં વસતા કાળુ ભુવાની ગુફામાં ઊંચકી લાવ્યા.

આ કાળુ ભુવાની ગુફા એટલે કાલીમાતાનું મંદિર. એ પણ હોય છે એવું મંદિર નહિ. પણ એક જુના પુરાણા નળિયાવાળા, તેમજ બે ત્રણ ઓરડીના ઘરમાં મહાકાલીની મૂર્તિ સ્થાપિત કરી આ ભૂવો અને એના બે ચાર ચેલા પડ્યા રહેતા એવું એ અંધારિયું ઘર.

જેને કાળુ ભુવો કાલીમાતાની ગુફા તરીકે ઓળખાવતો. પણ લોકો એને ભુવાની ગુફા તરીકે જ ઓળખતા.

બધા રોમીયોને ઊંચકી કાલીમાતાની ગુફામાં પ્રવેશ્યા.

કાળુ ભૂવો માથે કેસર્યા રંગનું ત્રિપુંડ, નાકથી માંડીને એની ટાલના છેક પાછળ સુધી લંબાયેલું એવા જ રંગનું તિલક, શરીરે ભસ્મ, ગળામાં અડધો’એક ડઝન રુદ્રાક્ષની માળા અને એકાદ પ્લાસ્ટીકનો બનેલો ખોપરીઓનો હાર.

એને માથાને બદલે કાનમાં વાળ ઉગ્યા હોય એમ એના કાનમાંથી વાળની લટો બહાર ઝૂલી રહી હતી. એની મૂછ હોઠને બદલે સહેજ સરકીને ઉપર નાકની અંદર ઘુસી ગઈ હોય તેમ એના બંને નસકોરામાંથી વાળના ગુચ્છા બહાર ડોકિયાં કરી રહ્યા હતા.

પ્રમાણમાં મોટી ભ્રમર અને ચરસ ગાંજાના નશાથી લાલઘૂમ થઇ ગયેલા આંખોના ડોળા. અને એની ઉપર આંખો ખોલ બંધ કરતી ઢીંગલીની જેમ ઉઘડ બંધ થતા પોપચા.

ચહેરાની બરોબર વચ્ચે જાને નળ્યું ચોતાડ્યું હોય એવું નાક. ઘણા દિવસોથી નહાયું નઈ હોય, તેથી મેલીછાણ થઇ ગયેલી દાઢી. કાળો ઝભ્ભો અને ઝભ્ભાની અંદર જાણે વિશારકાય તરબૂચ છુપાવ્યું હોય એવડી એની ફાંડ.

એ સ્વાસ લેતો તો એના પેટને બદલે એ પોતે જ આખ્ખે આખ્ખો આગળ પાછળ હાલવા લાગતો, ને એના નસકોરાં ગાજવા માંડતા.

પોતે એના વેશ જેવી મેલી થઇ ગયેલી ગાડી પર પલાંઠી વાળી ચલમ પીતો બેઠો હતો. આગળ એક નાની ધૂણી જલતી હતી. એની સામે જી હજુરિયા જેવા બે ત્રણ ચેલાઓ પણ ચલમની ચુસ્કી લેતા બેઠા હતા.

રોમીયોને ઊંચકીને આવેલા બધા લોકોએ કાળુ ભૂવાને બે હાથ જોડી પ્રણામ કર્યા. પછી માંડીને બધી બીના કહી સંભળાવી.

“અહંમ..! જય મહાકાલી..!” ની હાંકલ કરી કાળુ ભુવાએ રોમિયો સામે જોયું.

પછી પોતાની આંખો બંધ કરી એ કૈંક વિચારવા લાગ્યો. થોડીક પળો બાદ આંખો ખોલી એ ઘોઘરા ઘાંટે ઘૂરકતો હોય તેમ બોલવા લાગ્યો.

“આ તમે હમજો સો એવું કંઈ સામાન્ય ભૂતપ્રેતનું વળગણ નથી! આ તો સે મોટો ખવીજ. હમજ્યા..!”

“બાપુ અમી તો પરોપકારનું કાજ કરવા આવી છઈં. તમે મોટા બાપ થાઈને એનું જી કાઈ હોઈ ઈ કાઢો તો બચારો હાજો થાવી. બાકી બચારો મરી જાહે! ઇન્યા માં બાપ બચારા વાત્યું જોતા બેહી રેહે.”

રોમીયોને ઊંચકી લાવ્નારાઓમાંથી કોઈ દાદા બે હાથ જોડી કરગરી ઉઠ્યા.

“પણ આ ખવીજ ઉતારવા હાટુ તો એનું માથું મુન્ડવું પડહે.” ભૂવો બોલ્યો.

“અરે બાપ! જે થાતું હોઈ ઈ કરો, પન બચારાને હાજો કરો.”

પેલો દાદો ફરી કરગરી ઉઠ્યો.

ભુવાએ એના એક ચેલાને ઈશારો કર્યો. એટલે એ જઈને દાઢી છોલવાનું રેઝર ઉપાડી લાવ્યો.

“એ... આનું માથું મુન્દવાના એકાવન રૂપિયા થાહે હો!” ચેલાએ લોકો સામું જોઇને કહ્યું.

કદીયાઓના કોન્ત્રાક્તરે ખિસ્સામાંથી રોકડા એક્કાવન રૂપિયા કાઢીને માતાજીનાં ચરણે ધર્યા. એટલે ચેલાએ રોમિયોનાં હીરો જેવા સ્ટાઈલીશ કટ વાળા લાંબા વાર મુંડી નાખ્યા.

“લો અદા. માથું મુંડાય ગયું. હવે તમે ખવીજ કાઢો.” ચેલાએ ભુવા સામું જોઇ કહ્યું.

“હંમ!” કરતા ભુવાએ બાજુમાં પડેલું ડમરું બાંધેલું ત્રિશૂળ ઉઠાવ્યું. એણે ડમરું વગાડવા માટે હાથ ઘુમાવ્યો. પણ ડમરું ન વાગ્યું. ફક્ત ત્રિશૂળ આમ તેમ હલ્યું. ભોંઠા પડેલા ભુવાએ ડમરું વગાડવાનો પ્રયત્ન છોડી દઈ ઉભા થઇ સાંકળ હાથમાં લીધી.

“જય મહાકાલી..! તેરા વાર ન જાયે ખાલી.” ની હાંકલ સાથે એણે ફેરવીને એક સાંકળ રોમિયોના શરીર પર ઝમકાવી દીધી.

અત્યાર સુધી મરેલાની જેમ પડી રહેલા ને હજુ સુધી અર્ધમૂર્છિત અવસ્થામાં રહેલા રોમિયોએ પીડાના માર્યા ચીસ પાડી.

“છોડી દ્યો..! મને છોડી દ્યો..! માફ કરો..! મને માફ કરી દ્યો..!જવા દ્યો..! મને જવા દ્યો..! હું હવેથી કોઈને હેરાન કરવા નહિ આવું!”

બધાના ચહેરા પર ખુશીની ચમક આવી ગઈ.

રોમિયોના જે ડોળા ઉપર ચડી ગયા હતા એ હેઠા ઉતરી ગોળ ગોળ ફરવા લાગ્યા, ને પોપચા ઉઘડ બંધ થવા માંડ્યા.

રોમિયોના શરીરમાં પ્રાણ રેડાતા ભાવવિભોર થઇ ગયેલા કાળુ ભુવાના ચેલાઓ તેમજ ત્યાં ઉપસ્થિત લોકોએ મહાકાલીની સાથે સાથે ભુવાની પણ જૈ બોલાવી.

પોતાના નામની જૈ બોલાતા, ને પોતે કેવા એક જ હાથમાં ખવીજને હલાવી નાખ્યો, એ વાતથી પોર્શાયેલા ભુવાએ ઉન્માદમાં આવી મહાકાલીની જૈ બોલાવતા વધુ અડધોએક ડઝન સાંકળો રોમિયોને ચિપકાવી દીધી.

આ સાંકળોના પ્રહારથી રોમિયોની મૂર્છા જતી રહી. એ પુરેપુરો ભાનમાં આવી જતા આ મારની પીડાથી તડપવા અને ચીસાચીસ કરવા લાગ્યો. એના પગો હવામાં જાને સાઈકલ ચલાવતો હોય એમ ગોળ ગોળ ફરવા લાગ્યા. એના હાથો હવાને પકડવા મથતા હોય તેમ હવામાં જ વલખા મારતા એની મુઠ્ઠીઓ ભીસાવા લાગી.

ખવીજ પર વિજય મળતા હરખાય કમ હદ્કાઈ ગયેલો ભૂવો બરાડા પાડી રહ્યો હતો.

“બોલ... તું કોણ સે..! ક્યાંથી આઈવો સે..?! આ સોકરાને સોડીને હાલી જા..! નઈ તો તારી ખેર નથી..!” (એક મોટું અટહાસ્ય.)

અચાનક તડપતા રોમિયોની ઉછળતી એક લાત ભુવાના લમણા પર જઈ પડી.

ભુવાના હાથમાંથી સાંકળ પડી ગઈ. એનું અટહાસ્ય એના ગળામાં જ ફસકી પડ્યું. એનું ખૂલેલું જડબું રોમિયોની લાત પડતા “ખટાક” કરતી દાંતોની જોરદાર ટક્કર સાથે બિડાય ગયું. એ દાંતોની બે હારોની ટક્કર વચ્ચે એની જીભ અને ગાલ આવી જતા ચગડાય ગયા. એની પીડાથી એનો એક ડોળો ફાંગો થઇ ડાબે જોવા લાગ્યો, તો બીજો ચકડોરની જેમ ગોળ ગોળ ફરવા લાગ્યો. આંખને બદલે નાકમાંથી પાણી ટપકવા લાગ્યું. એ બંને હાથે પોતાનું લમણું પકડી જાને માસ્તરે ઉઠ બેઠની સજા ફટકારેલા નીશાળીયાની જેમ ઉઠક બેઠક કરવા લાગ્યો, ને માથું ધુણાવા લાગ્યો.

ચીસ પાડવા મથતા માણસનું મોઢું અને નાક કોઈએ પરાણે દબાવી દીધા હોય એમ એના ગળામાંથી “ઊંહુંહુંહું..” ના ઘરેરાતીભર્યા ઉદ્ગારો સંભળાવા લાગ્યા.

ભૂવાની આવી વિચિત્ર દશા જોઈ એના એક ડબલક્કલ ખોપરી ચેલાને થયું કે ખવીજ રોમીયોને છોડી આપણા ભુવા અદાને વળગ્યો. એટલે એણે ભૂવાના હાથમાંથી પડી ગયેલી સાંકળ ઉઠાવી ભૂવાને વરગાડવા માંડી.

બીજા ચેલાઓ એને અટકાવવા દોડ્યા.

ભુવાની ગુફામાં એવી તો ધમાલ મચી ગઈ કે ત્યાં ઉપસ્થિત લોકો મોઢું વકાસીને બાઘાની જેમ આ બધો તમાશો જોઈ રહ્યા.

એ તકનો લાભ લઇ પુરેપુરા ભાનમાં આવી ગયેલા રોમિયોએ ઉભા થઇ ભાગવા માંડ્યું.

એક ચેલાનું ધ્યાન પડતા એણે “એ ભાગ્યો...!” ની રાડ સાથે છલાંગ લગાવી એને જદપ્યો. બંને ગુસ્તમ ગુસ્તીએ આવી ગયા. બીજા ચેલાઓ પણ ત્યાં મદદે પહોંચ્યા. બધાએ ભેગા મળી રોમીયોને ઢીંચવા માંડ્યો. ત્યાં હાજર રહેલા લોકો વચ્ચે પડી બધાને છુટા પાડવા લાગ્યા.

થોડી વાર પછી માંડ બધું શાંત થયું. રોમિયો પોતાનું માથું પકડી હેઠો બેસી પડ્યો.

અચાનક એના ભેજામાં ટ્યુબલાઈટ થઇ કે એનું માથું તો મુન્ડાયેલું છે. એણે તો મોટો ભેંકણો તાણી રડવા માંડ્યું.

લોકોએ સમજ્યું કે હજુ ખવીજ ઉતર્યો નથી. એટલે તેમણે રડતા રોમીયોને ખવીજ માની ધમકાવવા માંડ્યો. ને અહીંથી ભાગી જવા હુકમ કરવા માંડ્યો.

“તારે પાન બીડી જોઈતા હોય તો લઇ લે. ને હવે ભાગ અહીથી.”

ટોળામાંથી કોઈકે અડધી પીધેલી હેઠી બીડી રોમિયોના મોઢામાં થૂસતા બરાડો પાડ્યો.

પણ એ ભૂલી ગયો કે સળગતો ભાગ બહારની તરફ રાખવાનો હોય, એટલે રોમિયોએ હોંઠ પર સળગતી બીડીનો ડામ દેવાતાં “આ... આ... આ..”નો ચિત્કાર કર્યો.

થોડી વાર પછી રોમિયોને સમજાયું કે ખાલીપીલી રોકકર કરવાથી કશું થવાનું નથી. એટલે એણે રોવાનું બંધ કરી પોતાનો પરિચય આપ્યો.

“હું ઘેંચુ ઘનીમતવાલાનો દીકરો છું.”

અચાનક બધા ચમકયા. ઘેંચુ ઘનીમતવાલા..!? એ તો મંત્રી છે!

ભુવા અને એના ચેલાના તો હોંશકોંશ ઉડી ગયા. વગર દાકલે એમના પનમાં માતાજી પેઠા. હવે પોતાના શા હાલ થશે, એની કલ્પનાથી એ બધા ધ્રુજવા લાગ્યા.

કોઈક જઈને પાણીનો ગ્લાસ લઇ આવ્યું. ને રોમીયોને પાયું. એક ઘરડો દાદો એની પીઠ થાબડીને એને શાંતવનાં આપવા લાગ્યો. એણે એની હાલત કેવી હતી, અને બધાએ ભેગા મળીને કેવી રીતે એનો જીવ બચાવ્યો, એની બીના કહેવા માંડી.

રોમિયો ગુસ્સા કમ કૃતગ્યતાનાં ભાવથી બધાને ચુપચાપ જોતો બેઠો રહ્યો.

એક જણો જઈને રિક્ષા તેડી લાવ્યો. ને રોમીયોને એમાં બેસાડી રવાના કર્યો.

આમ આ આખી બીના જણાવી નતુ તોફાની મલકાત સાથે રવાના થયો.

વીકી અને એનું વાનરવૃંદ આ આખી ઘટના જોઇ આવ્યું. ને વાંકીચાલવાળાને જણાવ્યું ત્યારે એમને એ રોમિયોની અવગતિની ખબર પડી. . હું એ આખી ઘટનાની કલ્પના કરતો બેઠો રહ્યો.

બીજા દિવસે સાંજે મને વાસુએ જણાવ્યું કે આજે સવારે પેલા રોમિયોના માણસો એની બાઈક લેવા આવેલા. પણ બાઈક ગાયબ હતું. ગઈકાલે જ્યારે વીકીવૃંદ રોમિયોનો તમાશો જોઈ પાછું ફર્યું ત્યાં લગી રોમિયોની બાઈક ત્યાં જ પડી રહેલી. પણ ત્યાર પછી ક્યાં ગાયબ થઇ ગઈ એની કોઈને ખબર નથી. બધાને એવી શંકા છે કે મોટર સાઈકલ ગાયબ થઇ જવા પાછળ વિકીનું જ કારસ્તાન હોવું જોઈએ. પણ એ કશું જણાવતો જ નથી.

ખેર, થોડા દિવસો પછી વીકીવૃન્દના રંગ ઢંગ જોઈ બધાની શંકા મજબુત બની કે રોમિયોની બાઈક ગુમ થવા પાછળ વીકીવૃંદનો જ હાથ હોવો જોઈએ. પણ કોઈને એનું સબુત મળ્યું નહિ. માત્ર સંદેહના આધારે કેટલાક લોકો વિકીથી નારાજ થઇ એને ઠપકો આપી રહ્યા હતા. તો જગુ જુગારિયા જેવા કેટલાક લોકો રોમીયોને પુરેપુરો સબક મળ્યો માટે એની પીઠ પણ થાબડતા હતા.

ને હા, હમણાં થોડા દિવસ થયા, પણ રોમિયોના દર્શન નથી થયા. પણ એની વલે વલેની ચર્ચાઓ કરી વાંકીચાલમાં બધા ખુબ દાંત કાઢે છે.

સમાપ્ત.