નેઇલ પોલિશ
પ્રકરણ – ૧૨
(વહી ગયેલી વાર્તા - પોલીસ ઓફિસે કુસુમે કોઈ જોડે અફેરની વાત કરી. એનો મિત્ર પણ એકજ આંગળી ઉપર નેઇલ પોલિશ લગાડે છે એવી માહિતી આપી).
કુસુમને છોડતા પહેલા પોલીસે એ વ્યક્તિના ફિંગર પ્રિન્ટ મેળવી આપવા કહ્યું. કુસુમ તરત તૈયાર થઇ ગયી અને સવારે જ એની જોડે પોતાના ઘરે મુલાકાત થયાની વાત કરી. વાતમાં એણે જણાવ્યું કે એણે પાણી પીધું હતું અને એ ગ્લાસ ટીપોય ઉપર પડેલ છે અને એની કેપ મારા ઘરે રહી ગયેલ છે. પોલીસે તરતજ કુસુમના ઘરે જઈ ગ્લાસ અને કેપ પોતાની કસ્ટડીમાં લઇ લીધા અને પોતે પોલીસ ઓફિસ ગયી હતી એ વાત કરવા ના પડી, જેથી એને સહજ રીતે એરેસ્ટ કરી શકાય. કુસુમની સવારે થયેલ વાત અનુસાર આજે એ બંને પ્રેમીઓ મળવાના હતાં, તેથી પોલીસને એને પકડવામાં આસાની થઇ.
એ રંગીલા સ્વભાવનો તીખા મિજાજનો તુમાખીવાળો વ્યક્તિ હતો. જુબાનીમાં એણે કહ્યું, કુસુમ બેવકૂફ સ્ત્રી છે અને એને રંગીલી દુનિયામાં જીવવું ગમે છે એટલે પોતે એની સાથે ફરતો અને પોતાની જરૂરિયાત પુરી કરતો.
જયારે નેઇલ પોલિશવાળા ફોટા બતાવવામાં આવ્યા ત્યારે તે અંગે એને કોઈ ખબર નથી એવું કહી વાત ઉડાવી દેવાની કોશિશ કરી. દરમિયાન ઇન્ડિયાના ફોરેન્સિક લેબના ફિંગર પ્રિન્ટના નમૂના જે આનંદીના પગ ઉપર મળેલા તે અને એરેસ્ટ કરેલ વ્યક્તિના ફિંગર પ્રિન્ટના નમૂના એક જ હતાં એ સાબિત થયું.
પોલીસે હવે સખતાઈ કરી ક્રોસ એક્ઝામિનેશન કર્યું અને અંતે એણે પોતાનો ગુનો કબુલ્યો.
***
કોર્ટમાં એણે કહ્યું - શામજીભાઈને ત્યાં કિરણ નોકરી કરતો હતો એ વાત જયારે મેં જાણી ત્યારથી કુસુમ જોડે મૈત્રી કરી. એની પાસેથી બધી બાતમીઓ કઢાવી લેતો. લાવણ્યા જોડે લગ્ન ના થયા એટલે હું અપસેટ રહેતો. હું જયારે પણ ઇન્ડિયા જતો ત્યારે કલાકો સુધી લાવણ્યાના પાછળ ફરતો કારણ લાવણ્યા અને મારુ શહેર એકજ. પરંતુ મારી હિમ્મત વાત કરવાની કોઈ દિવસ થઇ નહોતી. મેં ફક્ત પપ્પાને લાવણ્યા જોડે લગ્ન કરવાની વાત કરેલ હતી. લગ્નનો પ્રસ્તાવ મુકવા પપ્પા શામજીભાઈને મળવા જવાના હતા તે જ દિવસે ખબર પડી કે લાવણ્યાના લગ્ન લંડનના જય સાથે થઇ ગયા છે.
એ દિવસે પપ્પા અને મારી જોડે ખુબ બોલાચાલી થઇ. મેં મનોમન નક્કી કર્યું કે પપ્પા અને શામજીભાઈને બરબાદ કરી નાખું અને જય અને લાવણ્યા ને શૂટ કરી દવું.
એક ક્લબમાં ચાર ગુનાહિત માનસના મિત્રો મળ્યા અને અમે નાના મોટા ગુન્હાઓ કરવામાં પડ્યા. કારણ બધાને પૈસાની જરૂરિયાત શોખ પુરા કરવા માટે પડતી. મેં પપ્પા જોડે રહેવાનું છોડી દીધું હતું. કુસુમ દ્વારા કિરણના બધા વ્યવહારની જાણ મળી જતી. કિરણને લુંટવો કે બંદી બનાવવો એ મુદ્દા ઉપર અમારે ઝપાઝપી થઇ અને એક મિત્રને ગોળી વાગી. એની લાશને ઠેકાણે પાડવા કિરણના કપડાં પહેરાવી, આઇડેન્ટી કાર્ડ એના ગજવામાં મૂકી કારને હાઈવેની ઝાડીમાં સંતાડી દીધી. લાશ ડિટોરીએટ થઇ એટલે કારના નંબરના હિસાબે લાશ કિરણની છે એમ પોલીસે સમજી લીધું. કિરણ પાસેથી નકલી હીરા મળ્યા એટલે અમે એને ખુબ ટોર્ચર કર્યો પરંતુ એ ઈમાનદાર માણસ ટસ નો મસ થયો નહિ. અમારા આ કાવતરાની કુસુમને જરા પણ ખબર ના પડી. એટલે છેલ્લે કુસુમને બાનમાં લઇ બીજી એક વ્યક્તિ દ્વારા પૈસા વસૂલ્યા. અમારો એક પણ ગુનો પકડાયો નહિ એટલે અમારી હિમ્મત વધી હતી. પતિની ગેરહાજરીમાં પણ કુસુમ મારી જોડે હતી. કુસુમનું શામજીભાઈને ત્યાં આવવા જવાનું રહેતું તેથી હું બધી માહિતી મેળવી લેતો.
જયને એક્સીડેન્ટ પણ મેં જ કરાવ્યો હતો. લાવણ્યા વિધવા થાય તો એની જોડે લગ્ન કરવા હતા. એ પ્લાન પણ ફેલ ગયો અને હું ઇન્ડિયા નીકળી ગયો. ત્યાં ખબર પડી કે જય અને લાવણ્યા ઇન્ડિયા આવવાના છે એટલે જયને શૂટ કરવાનો પ્લાન કર્યો અને ત્રણે મિત્રોને પણ ઇન્ડિયા બોલાવી લીધાં. મેં એક પિસ્તોલ ખરીદી. મુંબઈ એરપોર્ટથી રાત્રે એમને પીકઅપ કરી સીધાજ બિલીપત્ર ફાર્મ ઉપર પહોંચ્યા. જય ને શૂટ કરવા જતા લાવણ્યા વચ્ચે આવી ગયી એટલે છેલ્લે મારે ત્રણેને શૂટ કરી એ જ રાત્રે અમે લંડનની ફ્લાઇટ પકડી પાછા આવી ગયા. પોલીસ ઇન્ડિયામાં સબૂત અને સાક્ષી શોધતી રહી કારણ અમને કોઈએ જોયા નહોતા.
સજાની સુનાવણી વખતે શામજીભાઈની ફેમિલી, ઉર્મિબેનની ફેમિલી, ગુનેગાર કિરણના પપ્પા પરેશભાઈ તથા કિરણ અને કુસુમ હાજર હતાં. પોતાને પકડાવી આપવામાં કુસુમનો હાથ સાબિત થયો એટલે કોર્ટના હોલમાંથી બહાર નીકળતી વખતે પરેશે બાજુમાં ઉભા રહેલ સાર્જન્ટની ગન લઇ, કુસુમને શૂટ કરી નાખી. એક ગુનેગાર દ્વારા બીજા ગુનેગારને સજા મળી.
ઘટનાને ત્રણ વરસ વીત્યા બાદ જય અને લાવણ્યાનો ગુનેગાર પકડાયો હતો અને સજા થઇ હતી.
***
લગભગ ત્રણ મહિના બાદ ઉર્મિબેન અને દિનકરરાય ઇન્ડિયા આવ્યા હતા. દિનકરરાય એક નેચરોપથ્ય સારવાર લેવાના હતા. લગભગ ત્રણ અઠવાડિયાની સરવાર બાદ દિનકરરાયની તબિયતમાં ખુબ જ સુધારો આવી ગયો હતો. હવે લિમિટેડ હરવા ફરવા માટે ડોક્ટરોએ સલાહ આપી હતી. દિનકરરાય સાથે વાત કરી એમણે શોભરાજને બિલીપત્ર ફાર્મ ઉપર સજોડે પધારવાનું કહ્યું.
શોભરાજે એમનું આમંત્રણ સ્વીકાર્યું અને વીકેન્ડમાં જરૂર બિલીપત્ર ફાર્મ પાર આવશે એવું પ્રોમિસ આપ્યું.
આજે ઉર્મિબેન ખુબ ખુશ હતા. રવજીભાઈને બંધ રાખેલ બધા રૂમોના તાળા ખોલી સાફ સફાઈ કરવા કહી દીધું હતું. બીજા નવા નોકરોની મદદથી આખો બંગલો વાળીઝૂડી સાફ કરવા કહ્યું હતું. સરસ મજાની રસોઈ અને નાસ્તા બનાવવા કહ્યા હતા.
જયારે શોભરાજ, કૃતિ અને નાનો સ્મિત આવ્યા ત્યારે અત્યંત પ્રેમથી એમનું સ્વાગત કર્યું અને સ્મિતને પોતાની બાથમાં લઇ લીધો. નાના સ્મિતે તરત જ ઉર્મિબેને પૂછી લીધું, "તમે દાદી છો ?" ઉર્મિબેનની આંખ મમતાથી ભરાઈ આવી. નાની આનંદીની યાદ આવી !
ઉર્મિબેને ચા નાસ્તા બાદ પોતાના પતિ દિનકરરાયને મળવાની વાત કરી. આજે પહેલીવાર શોભરાજ દિનકરરાયને મળવાનો હતો. લંડનમાં કંઈક કારણવશ તેઓ મળી શક્યા ન હતા.
એક વિશાલ બેડરૂમમાં દિનકરરાય આરામ કરી રહ્યા હતા. ઉર્મિબેન બધાને અંદર લઇ ગયા. શોભરાજને જોતાજ એમના મોં માંથી નીકળી ગયું, "આવ… જય…." અને તેઓ અટકી ગયા. ઉર્મિબેને શોભરાજ, કૃતિ અને સ્મિતની ઓળખાણ કરાવી. દિનકરરાય વિસ્મિત નજરે જોય રહ્યાં !
ઉર્મિબેને ઈન્ડિયાથી મળેલ આનંદીના કેમેરાના ફોટાઓ દ્વારા જય, લાવણ્યા અને આનંદીના ખૂનીઓ પક્ડાયાની વાત વિસ્તારથી કરી. ગુનેગારને સજા થઇ તે વાત કરી અને મદદ બદલ શોભરાજનો ઉપકાર માન્યો.
જમ્યા બાદ એમણે દિનકરરાયના બાજુના બેડરૂમમાં આરામ કરવા કહ્યું. જયારે બેડરૂમ ખોલ્યો ત્યારે સામેની દીવાલ ઉપર જય અને લાવણ્યાની મોટી છબી હતી જે આબેહૂબ શોભરાજ અને કૃતિને મળતી હતી. છબી જોઈ શોભરાજ અને કૃતિ અચંબામાં પડી ગયા. પોતાના દિકરા અને વહુ મળ્યાનો એહસાસ દિનકરરાય અને ઉર્મિબેનને થયો જેની ખુશી આજ સુધી પ્રદર્શિત કરી શક્યાં નહોતા.
રાત્રે શોભરાજને બહુ સરસ સપનું આવ્યું. વનદેવી આશીર્વાદ આપી રહ્યાં હતા. જય લાવણ્યા અને નાની આનંદી શોભરાજ, કૃતિ અને સ્મિત ઉપર ખુબ પુષ્પો વરસાવી રહ્યાં હતા.
બીજા દિવસે લંડનથી શામજીભાઈ અને મમતાબેન પણ આવી ગયા. લાવણ્યાના મામા વિઠ્ઠલભાઈ, મામી તથા દાદી રુક્ષ્મણીબેન પણ આવી ગયા. શોભરાજ અને કૃતિને જોઈ બધા વિચારમાં પડી ગયા. બંને એકદમ જય અને લાવણ્યા જેવા આબેહૂબ દેખાતા હતા. તદ્દન અચરજની વાત હતી.
સાંજે બધા લોનમાં આનંદ કરી રહ્યાં હતા, ત્યારે એન્ટ્રન્સના બંને વડ પાસે દીવાનો પ્રકાશ થયો.
શોભરાજ બધાને ત્યાં લઇ ગયો. જે રહસ્ય હતું તેનો ફોડ પાડ્યો. વનદેવીના સાક્ષાત દર્શન અને આશીર્વાદની વાત કરી. પૈસા ખાતર બિલીપત્ર ફાર્મના સૌંદર્યને કે પર્યાવરણને નુકસાન ના થાય તે માટે પોતાનો પ્રોજેક્ટ પડતો મુક્યો.
(સમાપ્ત)