નેઈલ પોલિશ ARUN AMBER GONDHALI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નેઈલ પોલિશ

નેઇલ પોલિશ

પ્રકરણ – ૯

શોભરાજનું લંડન ખાતે ખુબ જ કામ રહેતું હોવાથી એની લંડનની વિઝિટ વધી ગઈ હતી.

અગાઉ ઉર્મિબેનને એણે એક પ્રોજેક્ટ અંગે વાત કરેલ હતી અને ઉર્મિબેને પછીથી એ ઉપર ચર્ચા કરીશું એમ કહ્યું હતું. હવે શોભરાજની ઈચ્છા એ માટે પ્રબળ થઇ ગયી હતી. લંડની વિઝિટ દરમિયાન એણે ઉર્મિબેનને મળવા માટે અપોઈન્ટમેન્ટ લીધી.

આ વખતે શોભરાજે પોતાના પ્રોજેક્ટ માટે બિલીપત્ર ફાર્મ એ ઉત્તમ છે એમ કહી બિલીપત્ર ફાર્મ ખરીદવાની ઈચ્છા પ્રગટ કરી. પ્રોજેક્ટની ચર્ચા કરતા ઉર્મિબેનના આંખમાં આંસુ આવી ગયા.

ઉર્મિબેન ભૂતકાળમાં સરી પડ્યા. નવરાત્રીના દિવસોમાં એવો બિલીપત્ર ફાર્મ આવ્યા હતા. પોતાની ફેમિલી સાથે શામજીભાઈની ફેમિલી પણ હતી. એક દિવસ સવારે બધા લોન માં ગપ્પા મારતાં હતા ત્યારે પુત્ર જયે બિલીપત્ર ફાર્મ ખાતે પોતાનો એક નવો પ્રોજેક્ટ શરુ કરવાની વાત કરી હતી. જયનો નવો પ્રોજેક્ટ દિનકરરાય અને બધાને ખુબ જ ગમ્યો હતો અને એની બધી બ્લુ પ્રિન્ટ પણ તૈયાર થઇ હતી.

શોભરાજ પણ આબેહૂબ એજ પ્રોજેક્ટને ત્યાં શરુ કરવા માંગતો હતો. કેવો યોગાનુયોગ ? એ સ્મરણ થયું અને ઉર્મિબેનની આંખો ભરાઈ આવી. તેઓ હવે એક મોટી દ્વિધામાં હતા, પરંતુ વાત કરી શકે એમ નહોતા.

શોભરાજને હજુ સુધી બિલીપત્ર ફાર્મના બંગલામાં જવાની પરવાનગી આપી નહોતી, એટલે એમને વાત આગળ વધારતા પહેલાં, બીલીપત્રનો બંગલો જોઈ લેવા કહ્યું. બિલીપત્ર ફાર્મનો બંગલો ઘણાં વરસોથી બંધ રાખેલ હતો. બંગલાના અમુક ચોક્કસ ઓરડાઓને તાળું હતું. તેની ચાવી ઉર્મિબેન પાસે લંડનમાં જ હતી. શોભરાજની હાજરીમાં જ બિલીપત્ર ફાર્મના નોકરને શોભરાજને બંગલો બતાવવાની વાત કરી અને જરૂર હોય તો એમના રોકાણની વ્યવસ્થા પણ કરવા જણાવ્યું.

ઉર્મિબેનના પોઝિટિવ ઉત્તરથી શોભરાજ ખુશ થઇ ગયો અને આભાર પ્રગટ કર્યો. પરંતુ આ વખતે વિદાય લેતા ઉર્મિબેનને પગે લાગવાનું ચુક્યો નહિ. અનાયાસે ઉર્મિબેને એના માથા ઉપર હાથ મૂકી મનમાં અને મનમાં આશીર્વાદ આપ્યા. એમની આંખોમાં આંસુઓ સાથે કંઈક છલકાઈ રહ્યું હતું !

પોતાના માથાં ઉપર હાથના સ્પર્શથી શોભરાજના શરીરમાં એક પ્રસન્ન લાગણી ફરી વળી, વરસો પહેલાં અનુભવેલ મમતાનો એ સ્પર્શ એક અનોખું સ્પંદન મહેસુસ કર્યું. શોભરાજના ઉભા થતા આજે પહેલીવાર ઉર્મિબેને શોભરાજની આંખોમાં જોયું.

***

લંડનથી ઇન્ડિયા પરત ફરતા પ્લેનમાં એના મગજમાં આખો પ્રોજેક્ટ હવે સાકાર થતો લાગ્યો. એ ખુશ હતો. ફ્લાઇટમાં બેસતા પહેલાજ પત્ની કૃતિને બિલીપત્ર ફાર્મની વિઝિટ લેવાની વાત કરી અને જવાની તૈયારી કરવા કહ્યું.

બીજા દિવસે પોતાની ઓફિસે પહોંચી પોતાના પ્રોજેક્ટના તૈયાર કરેલ સ્કેચ લઇ લીધા. જરૂરી કેમેરાઓ પણ લઇ લીધા. શોભરાજની પત્ની કૃતિને બિલીપત્ર ફાર્મ ખુબ જ ગમ્યું હતું.

બિલીપત્ર ફાર્મના નોકર રવજીએ બંગલો ખોલીને સાફ-સુફ કરી રાખ્યો હતો. જયારે શોભરાજની ફેમિલી આવી તો ખુબ ઉત્સાહથી એમને આવકાર્યા. સ્વાગતમાં રવજીએ શોભરાજ, કૃતિ અને નાના સ્મિતને સરસ નાસ્તો અને ચા પીરસ્યા.

નાસ્તા બાદ શોભરાજ અને કૃતિ પ્રોજેક્ટના સ્કેચ સાથે ફરી રહ્યા હતા. સ્મિત ને પણ નવી જગ્યાએ ફરવાની મઝા આવી રહી હતી. સ્કેચ અનુસાર અલગ અલગ જગ્યાએ બાંધકામ કરવાનું હતું, જેથી બિલીપત્ર ફાર્મની કુદરતી સૌંદર્યને નુકસાન ન થાય. સાંજ થવાને હજુ વાર હતી. બંગલા ઉપર આવ્યા ત્યારે ગાડીમાં નાનો સ્મિત સુઈ ગયો હતો. અચાનક શોભરાજની નજર એન્ટ્રન્સ ના વડ ઉપર ગઈ. ત્યાં દીવો હજુ થયો નહતો.

સ્મિતને ગાડીમાં સુવા દઈ બંને ફ્રેશ થવા બંગલામાં પ્રવેશ્યા. શોભરાજ બાથરૂમમાં ગયો, કૃતિ દીવાનખંડમાં બેઠી તો સામેથી કોઈક દોડતું નીકળી ગયું. કદાચ ભ્રાંતિ હશે એમ સમજી, સામેના દીવાલ ઉપર લટકી રહેલી મોટી તસ્વીરનાં કાંચમાં એક સુંદર નાની બાળકી રમતી ઉછળતી દેખાઈ. કૃતિએ પાછળ ફરીને જોયું અને એ પડછાયો બીજા એક ઓરડા તરફ દેખાયો. કૃતિએ પાછું તરત તસ્વીરમાં જોયું. તસવીરમાં શોભરાજ અને કૃતિની જ છબી દેખાઈ. એ સફાળી ઉભી થઇ બહાર નીકળી અને ગાડી પાસે આવી. ગાડીમાં નજર કરી તો ગાડીમાં સ્મિત નહોતો. એ પાછી દીવાનખંડ તરફ દોડી. એની નજર પેલા ઓરડા તરફ ગયી. સ્મિત ત્યાં ઉભો દેખાયો. કૃતિ ઓરડા તરફ દોડી અને શોભરાજે કૃતિને બુમ મારી. કૃતિએ પાછળ ફરીને શોભરાજ તરફ જોયું અને તે જ ક્ષણે નજર ફેરવી તો ઓરડા તરફ કોઈ જ નહોતું. તે તરતજ બહાર આવી અને ગાડીની અંદર જોયું. સ્મિત ગાડીમાં સૂતેલો હતો. કૃતિએ છાતી ઉપર હાથ મૂકી શ્વાસ લીધો. કૃતિની પાછળ તરત જ શોભરાજ પણ આવ્યો. કૃતિ શોભરાજને કઈ વાત કરે તે પહેલા શોભરાજની નજર એન્ટ્રન્સ આગળના વડ તરફ સીધી જ ગઈ. બંને વડના વચ્ચે એને એક વિશાલ અતિ સુંદર એક દૃશ્ય દેખાયું. સાથે એક અતિ સુંદર બાળકી દેખાઈ, એના બંને હાથમાં બે દિવાઓ હતા. શોભરાજ સામેનું દૃશ્ય જોઈ સ્તબ્ધ થઇ ગયો. પોતાની છેલ્લી વિઝિટ દરમિયાન છુપી રીતે કરેલ શૂટિંગના વિડીઓનું એ દૃશ્ય હતું જે અંગે આજ સુધી એણે કોઈને એ વિડિઓ બતાવ્યો નહતો અને વાત પણ કરી નહોતી. દ્રશ્ય એટલું અદભુત અલૌકિક હતું કે બિલીપત્ર ફાર્મને કોઈક કુદરતી આશીર્વાદ આપતું હોય.

સ્તબ્ધ થઇ ગયેલ શોભરાજને કૃતિએ જોરથી ઢંઢોળ્યો. શોભરાજનું જાણે કોઈ સપનું તૂટ્યું. કૃતિનો શ્વાસોશ્વાસ હવે નોર્મલ થતો હતો. શોભરાજનો હાથ પકડી એ બાજુની લોન તરફ ખેંચી ગયી અને બંને લોન ઉપર બેસી ગયા. બંને એકબીજા સામે પ્રશ્ન ચિન્હની જેમ જોઈ રહ્યા. કૃતિ કઈ વાત કરે તે પહેલાં રવજી ત્યાં આવીને ઉભો રહ્યો. એના હાથમાં ચાની ટ્રે હતી.

"સાહેબ… ચા અહીં લેશો કે દીવાનખંડમાં ?”

"ચા અહીજ મુકો, ચાલશે.." શોભરાજે કહ્યું

“રવજીભાઈ તમારો જવાનો સમય થઇ ગયો હશેને ? તમારે જવું છે ?” શોભરાજે પૂછ્યું. પહેલી વાર જયારે શૂટિંગમાં શોભરાજ અહીં આવેલો ત્યારે રવજીભાઈ એમને સાંજે એમનું કામ આટોપી લેવા કહેતા જેથી દીવો થાય તે પહેલાં મેઈન ગેટ બંધ કરીને જઈ શકે.

“ના સાહેબ આજે વાંધો નથી.. ઊર્મિબેને તમારા માટે રોકાવા કહ્યું છે”.

રવજીના ગયા પછી કૃતિએ અનુભવેલ ઘટના શોભરાજને કહી. ઘટનાની નજાકત સમજતા શોભરાજે બહુ સહજતાથી વાતને ઉડાવી દીધી કારણ આવીજ એક ઘટનામાંથી એ પણ પસાર થયેલ હતો. થોડીવારમાં સ્મિત જાગ્યો અને એની સાથે રમતા રમતા રાત થઇ. ડિનર બાદ બધા સુઈ ગયા.

સવારે પ્રથમ શોભરાજ જાગ્યો, પછી એણે કૃતિને જગાડી. બારીમાંથી સૂર્યોદયનો નજારો અતિશય નયન રમ્ય હતો. બંને એ દ્રશ્ય જોઈ પ્રફુલ્લિત થઇ ગયા. સ્મિત હજુ જાગ્યો નહોતો. બંને બેડરૂમ માંથી બહાર દીવાનખંડમાં આવ્યા. કૃતિએ કહ્યું બહુજ સરસ શાંત ઊંઘ આવી. બંને વાતો કરતાં હતા અને રવજીભાઈ ચા મૂકી ગયા. ચા ની ચુસ્કી લેતા લેતા બંને વાતોએ વળગ્યા અને આજે જો બાકી રહેલ સ્કેચને લોકેશન મુજબ ગોઠવી નક્કી કરી લેવા એવું નક્કી થયું.

કૃતિ ઝટપટ બાથરૂમ ગયી. થોડીવાર પછી સ્મિતનો હસવાનો અવાજ કાને પડ્યો. સ્મિતની સાથે કોઈક રમતું હોય અને સ્મિત જેમ હસતો તેવોજ અનુભવ શોભરાજને થયો. એ ઉઠીને બેડરૂમ તરફ ગયો અને તરત કોઈ ત્યાંથી પસાર થયું હોય એવું લાગ્યું. હવાનો વહી જતો સ્પર્શ થયો. જતા જતા સપનામાં આવતો એ જ અવાજ એના કાને પડ્યો - "મારો કેમેરો જુઓને ...." મારો કેમેરો જુઓને..." !

સ્મિત જાગી ગયો હતો. શોભરાજે સ્મિતને પૂછ્યું, કેમ એટલો હસતો હતો ? સ્મિતે હસતા હસતા કહ્યું, હું એક નવી ફ્રેન્ડ સાથે રમી રહ્યો હતો. એ ખુબજ ક્યૂટ છે. તમે આવ્યા એટલે એ જતી રહી. સ્મિતની વાત સાંભળી શોભરાજ કંઈક ગહન વિચારમાં પડ્યો. સમજ નહોતી પડતી કે શું બની રહ્યું છે ? પરંતુ આ વાત કૃતિને હજુ કરવી નથી, એવું નક્કી કર્યું, નહીતો અમસ્તીજ ગભરાઈ જશે અથવા કોઈક અપશુકનિયાળ વાત ને રૂપ આપી દેશે. સ્મિતને બાથમાં લઇ લાડ કરાવતાં, રમાડતાં શોભરાજ બહાર આવ્યો.

(ક્રમશઃ)