કચ્છ ફોસિલ પાર્કની મુલાકાતે
ડો રાજલ ઠાકર
પહેલવહેલીવાર હું ‘૯૦ના દાયકામા કચ્છ ગયેલી. એ વખતે ગાંધીધામ ખાતે એક લગ્નપ્રસંગમા હાજરી આપવાની હતી. તે વખતે અમે કંડલા બંદર, નારાયણ સરોવર તથા કોટેશ્વર ગયેલા. તે પછી ‘૯૦ના મધ્ય દાયકામા ગુજરાત સરકારના ‘આપણી સરહદો ઓળખો’ કાર્યક્રમ અંતર્ગત કચ્છના સરહદી વિસ્તાર, સફેદ રણ, કાળોડુંગર તેમ જ દરિયાકિનારાના માંડવી, લખપત તેમ જ નલિયાના એરફર્સ સ્ટેશનની મુલાકાત લીધી હતી. તે પછી ગઢસીસા, મુંદ્રા તેમ જ ભચાઉ અને ભુજમા આરોગ્યલક્ષી વ્યાખ્યાન આપવા પણ જઇ આવી છું. હવે તો મારું મોસાળ ભુજમા છે એટલે વારંવાર કચ્છ જવાનુ બનતુ રહે છે અને આથી જ કચ્છના મોટાભાગના વિસ્તારોની મુલાકાત મેં લીધી છે અને તેના વિશે ઘણા પ્રવાસલેખ પણ લખી ચુકી છું.
કચ્છમા પર્યાવરણ ક્ષેત્રે કામ કરતા એક ભાઇ સાથેની વાતચીતમા તેમણે મને કહ્યું હતું કે, સારા ચોમાસા પછી લીલાછમ્મ કચ્છનો નજારો જોવાલાયક હોય છે અને તે સમયે મધ્યએશિયામાથી અમુક પક્ષીઓ પણ અહીં આવતા હોય છે. આથી, રજાનુ આયોજન કરી અમે કચ્છ જવાનુ નક્કી કર્યું અને અમે અમદાવાદથી વહેલી સવારે નીકળ્યા. નવરાત્રિ શરૂ થવાને હજી વાર છે પણ કચ્છ તરફ જતા રસ્તા પર પદયાત્રીઓના સંઘ જોવા મળ્યા. આ સૌ કચ્છના લખપત જિલ્લામા આવેલા આશાપુરા માતાના મંદિર કે જે માતાના મઢ તરીકે ઓળખાય છે, ત્યાં જઇ રહ્યા છે. રસ્તામા થોડા થોડા અંતરે પદયાત્રીઓના ભોજન તથા આરામ માટેના સેવાકેન્દ્રો નજરે ચઢ્યા. ભક્તો માટે બેસવા અને આરામ કરવાની સગવડ સાથે સાથે ક્યાંક નાસ્તો/ભોજન, પાણીની વ્યવસ્થા તો ક્યાંક ચા-દુધ તો ક્યાંક નારિયેળ પાણી. સેવા, ભક્તિ અને શ્રધ્ધાનો અનોખો સંગમ પણ સ્વચ્છ ભારત અભિયાન એ કઇ બલા છે તેના વિશે સદંતર ઉપેક્ષા અને એટલે જ ઠેકઠેકાણે પાણી પીધા પછી ફેંકી દીધેલા પ્લાસ્ટિકના પાઉચ પડેલા દેખાયા.
તસવીર ૧: ધીણોધર ડુંગર અને લીલુછમ્મ કચ્છ
આ વખતે અમે ભુજથી ૫૨ કિમી દુર નખત્રાણા જિલ્લામા આવેલ કચ્છ ફોસિલ પાર્ક જઇ રહયા છીએ કે જે ભુખી નદીના કિનારે આવેલ કેમ્પસાઇટ છે. દુર ધીણોધરનો ડુંગર દેખાઇ રહ્યો છે. કેમ્પસાઇટમા રહેવા માટે કચ્છના પરંપરાગત આવાસ ભુંગાના આકારની ગોળાકાર આધુનિક ઝુંપડીઓ છે. છત ઉપર પ્લાસ્ટિક પાથરીને ઘાસ બીછાવેલું છે, જેથી વરસાદ પડે તો પાણી અંદર ન આવે. ખારીજાર/પીલુના બે ઝાડનો મંડપ કરીને તેના બે થડ વચ્ચે ઝુલા/હેમોક બાંધેલા છે. ભોજનની વ્યવસ્થા જુઇના લતામંડપ નીચે છે, જ્યાં જઇને અમે જમ્યા અને થોડીક વાર આરામ કરીને નમતા બપોરે નજીકના ખેતરો અને કાંટાળી વનસ્પતિઓના વિસ્તારમા પક્ષીઓ જોવા અને તસવીરો લેવા નીકળ્યા. થોડેક આગળ ગયા ત્યાં ઘેટા-બકરાનુ ટોળું અમારી તરફ આવતુ દેખાયુ. ટોળું નજીક આવ્યું તો મેં જોયું તો ટોળામા નાના નાના બચ્ચા જ હતા. મોટા મોટા ઘેટા-બકરા હજુ દુર ચરી રહ્યા હતા, પણ બચ્ચા થાકી ન જાય તે માટે તેનો માલિક ટુંકે રસ્તે તેમને નજીકના તળાવ તરફ લઇ જઇ રહ્યો હતો અને એક હાથમા પકડી રાખેલા ઘેટાના ઉનને બીજા હાથથી વણીને તેની દોરી બનાવીને તેનુ પીલ્લું વાળી રહ્યો હતો. ખેતરમા તલનો પાક લહેરાઇ રહ્યો છે. થોર, બાવળ તેમ જ અન્ય કાંટાળી વનસ્પતિઓના આ વિસ્તારમા અમે દેવચકલીના કદનુ નાનકડું પક્ષી જોયું. બદામી પાંખો, સફેદ પેટ અને બદામી/કેસરી પુંછડી વાળુ આ રુફસ ટેઇલ્ડ સ્ક્રબ રોબીન આમતેમ ઉડતુ જાય અને એની કેસરી પુંછડી પંખાની જેમ ફેલાવતુ જાય. પુંછડીના ટોચના પીંછા કાળા-સફેદ. પક્ષી એટલું તો ચંચળ કે ફોટા લેવા અઘરા પણ તેને જોવાની મઝા પડી ગઇ.શિયાળામા આ પક્ષી મધ્ય-પુર્વ એશિયા તેમજ પાકિસ્તાન બાજુથી અહી આવે છે. આ પછી તો અમે ટ્વોની પિપિટ, ઇઝાબેલીન શ્રાઇક, વેરિયેબલ વ્હીટીયર, ઇઝાબેલીન વ્હીટીયર, રુફસ ફ્રંટેડ પ્રિનિયા, કોમન વ્હાઇટ થ્રોટ, સ્પોટેડ ફ્લાયકેચર વગેરે પક્ષીઓ પણ જોયા કે જે આ સમયગાળામા જ કચ્છમા જોવા મળે છે. નજીકમા ઘેટા-બકરા બાંધવાનો એક વાડો હતો. ઘેટા-બકરા તો જોકે ચરવા ગયા હતા પણ માલિક તેના કુતરાને બાંધીને ગયેલો એટલે કુતરો અમને જોઇને ભસવા લાગ્યો. ખાલી વાડામા અમે સેન્ડ ગ્રાઉઝ પક્ષીઓ જોયા.તે સાંજે અમે સાંઢાને પણ જોયેલો.
વળતી સવારે નખત્રાણા વિસ્તારમા પક્ષી નિરિક્ષણ માટે ગયા જ્યાં અમે ગ્રે નેક બંટીંગ, પીગ્મી વુડપેકર, જંગલ બુશ ક્વેઇલ, ગ્રે ફ્રેંકોલીન, યુરોપિયન રોલર, સિરકર કકુ,ઇંડિયન બુશ લાર્ક, એશી ક્રાઉન્ડ લાર્ક જેવા પક્ષીઓ અને ચિંકારા જોયા. સમગ્ર વિસ્તાર લીલોછમ્મ અને દુર દુર સુધી પવનચક્કીઓ દેખાતી હતી જેના પાંખિયા ગોળ ગોળ ફરી રહ્યા હતા. વળતી સવારે અમે ફરી એકવાર કેમ્પસાઇટની નજીકના વિસ્તારમા ભ્રમણ કરવા નીકળ્યા. થોડેક દુર ગયા ત્યાં ઉંદર જેવા દેખાતા બે ઇંડિયન ડેઝર્ટ જર્ડ જોયા. અમને તે કુતુહલવશ જોઇ રહ્યા હતા અને તે પછી તરત જ જમીનમાના દરમા ઘુસી ગયા. પરમદિવસે જે ખાલી વાડો જોયેલો ત્યાં અત્યારે ઘેટા-બકરા આરામ કરી રહ્યા છે. થોડાક ઘેટા-બકરા પર તડકો પડી રહ્યો છે એટલે છાંયાની શોધમા વાડાના દરવાજે આવીને ઉભા છે, જ્યાં બાવળની કાંટાળી ડાળી મુકીને દરવાજો બંધ કર્યો છે છતાં પણ એકાદ-બે ઘેટા-બકરા વાડ બહાર નીકળી જવામા સફળ થયા, તો માલિકે તેને પાછા વાડામા પુર્યા. માલિકે તાજા દોયેલા દુધની બનાવેલી ચા પીવા મને નિમંત્રણ આપ્યુ, પણ મેં સવિનય ના પાડી કારણકે ઘણા વખતથી મેં ચા છોડી દીધી છે. બાકી તો સામે ધીણોધર ડુંગર દેખાતો હોય અને ચોમેર લીલોતરી હોય તેવા વાતાવરણમા ચા પીવી કોને ન ગમે! એવામા નજીકના ગામના બે છોકરા ત્યાં આવી ચઢ્યા અને પેલા વાડામાથી બકરીનુ નાનુ બચ્ચું લઇને પોતાના ઘરે જવા લાગ્યા. મેં પુછ્યું તો કહે, આ બધી બકરીઓ ચરવા જશે તો આને કોણ સાચવશે? એટલે અમે એને ઘરે લઇ જઇએ છીએ. મને કહે, તમે પણ ઘરે ચાલો, અમારા ઘરે બકરીના બીજા બે બચ્ચા છે.
વરસો પહેલા કચ્છ આવેલી ત્યારે કાળા ડુંગરના ટ્રેક દરમ્યાન અમે ફોસિલ/અશ્મિ જોયેલા. જ્યારે કોઇ જીવ મૃત્યુ પામે તે પછી તે સડી/કહોવાઇ જાય. પરંતુ ક્યારેક આમ ન થતા આ જીવ માટી તેમ જ ખનિજ વગેરેથી દબાઇ/દટાઇ જતા હજારો વરસો બાદ કાળક્રમે પથ્થરમા તબદીલ થઇ જાય જે આપણને અશ્મિ રુપે જોવા મળે છે. ૧૯મી સદીની શરુઆતમા અંગ્રેજ અમલદારોને કચ્છની ભુસ્તરીય રચના, ખડકો અને અશ્મિઓમા ખાસો રસ પડી ગયો હતો. પરિણામે, તેમણે આ વિસ્તારમા સર્વેક્ષણ કરાવ્યુ અને જુરાસિક, ક્રેટેશીયસ અને ટર્શીયરી ફોસિલ વિશે જાણકારી પ્રાપ્ત થઇ. લાખો વરસો જુના આ અશ્મિઓના સંશોધન માટે દુનિયાભરના નિષ્ણાતો અહી આવતા રહ્યા છે.
કચ્છ ફોસિલ પાર્કનુ સંગ્રહાલય જોવા માટે શ્રી વિક્રમસિંહ સોઢા અમને લઇ ગયા. તેમના મત મુજબ દસ હજારથી પણ વધુ અશ્મિઓ ધરાવતુ આ ભારતનુ મોટામા મોટુ અંગત સંગ્રહાલય છે. શ્રી વિક્રમસિંહ સોઢાના પિતાશ્રી મોહનસિંહ સોઢા આમ તો સિંધ-પાકિસ્તાનના વતની પણ તેઓના સગાવહાલા કચ્છ રહેતા હોવાથી તેઓ અહી આવ્યા હતા. તે પછી ઇસ ૧૯૭૧ની પાકિસ્તાન સામેની લડાઇમા તેમણે હોમગાર્ડની ટુકડીનુ નેતૃત્વ કર્યું હતુ અને જ્યારે ભારતીય લશ્કર લગભગ ૧૦૦ કિમી સુધી નગર પારકરના વિસ્તારમા પહોંચ્યુ હતુ ત્યારે તેઓ ભારતીય લશ્કરની સાથે ગાઇડ તરીકે રહ્યા હતા. તેમની વિશિષ્ટ સેવાઓને બિરદાવવા માટે તેમને રાજ્યપાલનો ચંદ્રક પણ એનાયત થયો હતો. કચ્છમા ભ્રમણ કરતા તેમને આશ્મિઓ વિશે કુતુહલ જાગ્યુ અને તે પછી તેઓ અશ્મિઓ ભેગા કરતા ગયા અને તેના સંરક્ષણ અને સંશોધનમા મદદરુપ થતા રહ્યા અને આ સંગ્રહાલય બનાવ્યું.
તસવીર ૨: કચ્છ ફોસિલ પાર્ક
તસવીર ૩ અને ૪: અશ્મિ
અહીં મેં વનસ્પતિઓના અને વુડ ફોસિલ જોયા. આ ઉપરાંત અપૃષ્ઠવંશી એટલે કે જેને કરોડરજ્જુ ન હોય તેવા ગોકળગાય, પરવાળા, છીપલા સી અર્ચીન વગેરેના અને કરોડ અસ્થિધારી કે જેને કરોડરજ્જુ હોય તેવા જીવો જેમ કે કાચબા, દરિયાઇ ગાય, ડાયનોસોર વગેરેના અશ્મિઓ જોયા. વિવિધ ખનિજો, ચુના તેમ જ રેતીના પથ્થરોના અશ્મિઓ પણ અહીં મુકેલા છે. અશ્મિઓ પર સંશોધન કરનારા નિષ્ણાતો અશ્મિઓ પરથી પૃથ્વીના ઇતિહાસને ઉજાગર કરતા રહ્યા છે. કચ્છમાથી મળતા સમુદ્રીજીવોના અશ્મિઓ દ્વારા માની શકાય કે લાખો વરસ પહેલા અહીં દરિયો કે નદીનો મુખત્રિકોણ પ્રદેશ હશે. દુનિયાના વિવિધ ભાગોમાથી મળતા અશ્મિઓ દ્વારા સમજાયુ કે, લાખો વરસોમા દુનિયાના ભુખંડોની સ્થિતિ પણ બદલાતી રહી છે. કેટલાય જીવો કે જે લુપ્ત થઇ ગયા છે, તેના અશ્મિ દ્વારા તેઓની સંરચના વિશે માહિતી મળે છે. જેમ કે, ડાયનાસોર જેને આપણે કોઇએ તો જોયા નથી પણ તેના અશ્મિઓ દ્વારા તેના વિશાળ કદ અને તેની વિવિધ જાતિઓ વિશે પ્રકાશ પડે છે. રુરકી યુનિવર્સીટીના સંશોધકોએ આ સંગ્રહાલયના દરિયાઇ ગાયના અશ્મિઓ પર સંશોધન કર્યું અને આ દરિયાઇ ગાયની નવી જ પ્રજાતિ છે તેમ જાણવા મળ્યુ. આથી, સોઢીસાહેબના નામ પરથી આ પ્રજાતિનુ વૈજ્ઞાનિક નામ ‘ડોમીંજીયા સોઢી’ આપવામા આવ્યું તે ગૌરવની વાત છે. પરત થવાનો સમય નજીક આવી રહ્યો હતો અને હું પ્રાગઐતિહાસિક કાળના અશ્મિઓની દુનિયામાથી વર્તમાનમા પ્રવેશી અને અમદાવાદ પરત થવા પ્રયાણ કર્યું.
(સમાપ્ત)