કાશ્મીર મુદ્દો: આંતરરાષ્ટ્રીય વિવાદનું મૂળ Kandarp Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાશ્મીર મુદ્દો: આંતરરાષ્ટ્રીય વિવાદનું મૂળ

કાશ્મીર મુદ્દો: આંતરરાષ્ટ્રીય વિવાદનું મૂળ

ઉપલબ્ધ સ્ત્રોતો પરથી જણાઈ આવે છે કે, આ પ્રદેશ મૌર્ય શાસનનો એક હિસ્સો હતો. ત્યારબાદ, ત્યાં કુષાણ લોકો આવ્યા. જેઓ બુદ્ધિઝમને અનુસરતા હતાં. એક કુષાણ શાસક હતો, જેનું નામ હતું કનિષ્ક. કાશ્મીર એ વખતે શિક્ષાનું એક કેન્દ્ર હતું. અહીં ઘણાં બૌદ્ધ સ્તૂપો પણ બનાવવામાં આવ્યા. જો કે, ચોથી બૌદ્ધ કાઉન્સિલ કાશ્મીરમાં યોજાઈ હતી. ૫-૧૪મી સદી સુધી અહીં હિંદુ શાસકોએ શાસન કર્યું હતું. તેમાંથી જ એક હિંદુ રાજા કે જે કારકોટા વંશનો શાસક હતો, જેણે સૂર્યમંદિર બનાવ્યું હતું, જેનું નામ માર્તંડ સૂર્યમંદિર છે. ત્યારબાદ, ૧૪-૧૬મી સદીમાં ઇસ્લામ કાશ્મીરમાં પ્રવેશ્યો અને ઘણાં લોકો ઇસ્લામને અનુસરવા લાગ્યા. અને સલ્તનતની શરૂઆત થઇ. અકબરના સમયમાં મુઘલોએ રાજ્ય કર્યું. એ પછી, અહમદશાહ અબ્દાલી હેઠળના દુર્રાનીએ કાશ્મીર જીતી લીધું અને અફઘાન શાસન શરુ થયું. એ પછી રણજીતસિંહના વડપણ હેઠળ શીખ શાસન ચાલ્યું. પરંતુ, તેના થોડાં જ વર્ષોમાં એંગ્લો-શીખ યુદ્ધમાં બ્રિટિશરોએ શીખોને હરાવ્યા અને તેમણે ડોગરા ઘરાનાને રાજ કરવા માટે બેસાડ્યો. આ ડોગરા વંશ શીખ શાસન દરમિયાન તેમની નીચે જ જમ્મુમાં કાર્યરત હતો. જો કે, તેઓએ બ્રિટિશરોની મદદ કરી તેથી તેમણે ઇનામ પેટે જમ્મુ કાશ્મીર આપ્યું. ત્યારથી માંડીને આઝાદી સુધી, એટલે કે લગભગ ૧૦૦ વર્ષો સુધી આ ડોગરા વંશજોએ રાજ્ય કર્યું.

  • સ્વતંત્રતા અને જમ્મુ & કાશ્મીર વિવાદ:
  • આઝાદી દરમિયાન મહારાજા હરિસિંહ જમ્મુ & કાશ્મીરના રાજા હતા. તેમણે ભારતીય રજવાડાના વિલીનીકરણ દરમિયાન તટસ્થ રહેવાનું નક્કી કર્યું. એટલે કે, પાકિસ્તાન કે ભારત બંને રાષ્ટ્રોમાંથી એકપણ સાથે ન જવાનો નિર્ણય કર્યો. તેમનું સ્વપ્ન હતું કે, કાશ્મીરને એશિયાનું સ્વિત્ઝરલેન્ડ બનાવવું. કોઈપણ લડાઈમાં શામેલ ન થવું અને ન્યુટ્રલ રહેવું તેવું તેમણે નક્કી કર્યું હતું. તે વખતે છેલ્લાં વીસેક વર્ષથી નેશનલ કૉન્ફરન્સ પાર્ટી જમ્મુ & કાશ્મીરમાં કામ કરી રહી હતી અને શેખ અબ્દુલ્લા તેના સ્થાપકોમાંના એક હતા. આ પાર્ટી ઇચ્છતી હતી કે કાશ્મીરમાં ડેમોક્રેસી આવે. સ્વશાસિત રાષ્ટ્ર બને. પ્રજાસત્તાક દેશ બને.

    સન્ ૧૯૪૭માં મહંમદ અલી ઝીણાની ‘ટુ નેશન’ થિયરી હતી. એટલે કે, હિંદુ અને મુસ્લિમ રાષ્ટ્ર. તેને કારણે તેઓ મજબૂતાઈથી કહેતા હતા કે, કાશ્મીરમાં ૭૭% મુસ્લિમોની વસ્તી છે તેથી કાશ્મીરે પાકિસ્તાન સાથે જોડાવું જોઈએ. તે વખતે મહારાજા હરિસિંહે પાકિસ્તાન સાથે એક સ્ટેન્ડસ્ટિલ એગ્રીમેન્ટ કર્યો. જેમાં વ્યાપાર સહિત દરેક બાબતો યથાવત રહેશ પરંતુ કાશ્મીર એ પાકિસ્તાન સાથે જોડાશે નહીં. આ જ પ્રકારનો કરાર તેઓ ભારત સાથે પણ કરવા માંગતા હતા. પરંતુ, ત્યાં સુધીમાં કેટલીક એવી ઘટનાઓ થઈ જેમાં સમીકરણ બદલાયું.

  • પૂંચ વિસ્તારમાં બળવો: કેટલાંક સૈનિકોએ હરિસિંહના સૈન્ય સામે બળવો પોકાર્યો અને બદલામાં રાજ્યની સેનાએ આ સૈનિકો પર હુમલો કર્યો. આ કારણોસર, વાત વણસી ગઈ.
  • આઝાદી પછી જેવી રીતે સમગ્ર દેશમાં કૉમ્યુનલ હિંસા થઈ તેમ જમ્મુમાં પણ મુસ્લિમોના વિરોધમાં કૉમી રમખાણો ફાટી નીકળ્યા અને મુસ્લિમોને જમ્મુમાંથી ભગાડી મૂકવામાં આવ્યા.
  • આ બે કારણો આપીને, તે સમયે પખ્તૂન સૈનિકોને પાકિસ્તાન સરકાર દ્વારા નોર્થ વેસ્ટ ફ્રન્ટીયર પ્રોવિન્સ (અફઘાનિસ્તાન)ની સીમાથી કાશ્મીરમાં મોકલવામાં આવ્યા અને તેઓએ કાશ્મીરની ઘાટીમાં હુમલો કર્યો. આ સમયે મહારાજા હરિસિંહે ભારત પાસે મદદ માંગી. એ સમયે ભારતે પરિસ્થિતિનો ફાયદો ઉઠાવ્યો અને કહ્યું કે, જો તમને લશ્કરી સહાયની જરૂરત હોય તો તમારે ભારતમાં શામેલ થવું પડશે. ત્યારે મહારાજા હરિસિંહે ‘ઇન્સ્ટ્રૂમેન્ટ ઓફ એક્સેશન’ પર ૨૬ ઓક્ટોબર, ૧૯૪૭ના રોજ હસ્તાક્ષર કર્યા અને કાશ્મીરને ભારતમાં જોડવા માટે સહમતિ નોંધાવી.

    તે વખતે પાકિસ્તાને વિરોધ નોંધાવ્યો અને કહ્યું કે, આ એક બિનલોકપ્રિય રાજા દ્વારા હસ્તાક્ષર કરવામાં આવેલ છે. તેમજ આ કરાર દબાણ હેઠળ કરવામાં આવ્યો છે. તે પ્રજાની સહમતિ દર્શાવતો નથી. તેમજ આ કરારમાં એવું જ નોંધાયેલું હતું કે, યુદ્ધ ખતમ થશે અને શાંતિ સ્થાપશે એ પછી ચૂંટણી કરવામાં આવશે અને પ્રજાની સહમતિ લેવામાં આવશે. શેખ અબ્દુલ્લાએ પણ એ જ કારણોસર તેને પૂરો સહયોગ આપ્યો હતો. તેથી શેખ અબ્દુલ્લાને ‘ઈમરજન્સી એડમિનિસ્ટ્રેશન’ના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. આ કરાર પર હસ્તાક્ષર થતાંની સાથે જ ભારતે પોતાના સૈન્યને શ્રીનગર મોકલ્યું. ભારતીય સૈન્યે પાકિસ્તાની સૈન્યને ઉત્તરી ક્ષેત્રે પાછળ ધકેલી દીધું, પરંતુ તેના પશ્ચિમી વિસ્તારમાં પાકિસ્તાનની મદદથી ‘આઝાદ કાશ્મીર’ નામનું અલગ રાષ્ટ્ર ઘોષિત કરી દીધું અને સરકાર રચવામાં આવી. તેને આગળ જતાં પાકિસ્તાનમાં સમાવવામાં આવ્યું, જે વિસ્તાર આજે પણ ‘આઝાદ કાશ્મીર’ના નામે જ જાણીતો છે. પાકિસ્તાન હસ્તક કાશ્મીરનું પાટનગર મુઝફ્ફરાબાદ છે.

  • યુદ્ધ બાદ ભારત કાશ્મીર મુદ્દે UN પાસે ગયું. ત્યારે કાશ્મીર અને સમગ્ર ભારતનો પ્રવાસ તેમના દ્વારા કરવામાં આવ્યો. જો કે, તે કમિશન નિષ્ફળ ગયું. પરંતુ, ત્યારે સિક્યોરીટી કાઉન્સિલ દ્વારા ત્રણ એકબીજા પર નિર્ભર અને બિન-બંધનયુક્ત રિઝોલ્યુશન લેવામાં આવ્યા.
  • પાકિસ્તાને તેના દરેક નાગરિકો અને અવૈદ્ય સૈનિકોને કાશ્મીરમાંથી હટાવવા.
  • ભારતે તેના સૈન્યને પાછું ખેંચવું અને માત્ર જરૂરિયાત પૂરતાં સૈન્યને તે પ્રદેશમાં તૈનાત રાખવું.
  • જમ્મુ & કાશ્મીરની પ્રજાએ પ્રત્યક્ષ રીતે જ તેનો મત જાહેર કરવો અને તેના આધારે નિર્ણય લેવો.
  • તેને અનુસરીને, ૧૯૪૮માં સિઝફાયર લાઈન બની. જે ૧૯૭૨માં શિમલા એકોર્ડ્ઝમાં તે ‘લાઈન ઓફ કંટ્રોલ’ તરીકે ઓળખાઈ. હવે તે આંતરરાષ્ટ્રીય બોર્ડરનું કામ કરે છે.

  • કાશ્મીર મુદ્દો એટલે માત્ર ભારતપાકિસ્તાન ?
  • એક મહત્વની વાત એ છે કે, કાશ્મીર મુદ્દો આવે એટલે હંમેશા પાકિસ્તાનનું નામ જ મગજમાં આવે. પરંતુ, ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધથી ચીને કાશ્મીરના પૂર્વીય પ્રાંતને જીતી લીધો હતો અને તેના કબજા હેઠળ કર્યો હતો જે ‘અકસાઇ ચીન’ તરીકે ઓળખાય છે. તેનું જ એક કારણ એવું છે કે, દુશ્મનનો દુશ્મન એટલે દોસ્ત. એમ પાકિસ્તાન અને ચીન વચ્ચે મિત્રદેશો તરીકે ઓળખ ઉભી થઇ. આ દોસ્તીના લીધે પાકિસ્તાને ૧૯૬૫માં એક મોટો હિસ્સો કે જે, ટ્રાન્સ-કારાકોરમ ટ્રેક્ટ (શાક્સગામ વેલી) તરીકે ઓળખાય છે તે ચીનને ગીફ્ટ સ્વરૂપે આપી દીધો. હવે ચીન પણ દાવેદાર રાષ્ટ્ર બની ગયું. જ્યારે ઉકેલની વાત આવશે ત્યારે ચીનને પણ તેમાં શામેલ કરવું પડશે.

  • કાશ્મીર: કલમ ૩૭૦
  • જમ્મુ & કાશ્મીરમાં જે મુખ્યમંત્રીના હોદ્દાને વડાપ્રધાન કહેવામાં આવે છે. તેનું કારણ છે કલમ ૩૭૦. જેને લીધે જમ્મુ & કાશ્મીરની એક અલગ સરકાર છે અને તે કેન્દ્ર સરકારના તાબા હેઠળ આવતી નથી. ૧૯૪૮માં જમ્મુ & કાશ્મીરની સરકારનું ગઠન થયું અને તેનું નેતૃત્વ કર્યું, શેખ અબ્દુલ્લાએ. તેઓ અને ગોપાલશંકર અય્યરે આર્ટિકલ ૩૭૦નો ડ્રાફ્ટ બનાવ્યો. આ ભારતીય સંવિધાનનો અધિનિયમ છે. જેમાં કાશ્મીરને ‘અસ્થાયી’ ધોરણે ખાસ વિશેષાધિકારો આપવામાં આવ્યા છે.

    કાશ્મીર મુદ્દા સાથે સંકળાયેલી તવારીખો:

  • ૧૯૫૩: શેખ અબ્દુલ્લાને જમ્મુ & કાશ્મીરના વડાપ્રધાન પદ પરથી હટાવવામાં આવ્યા અને ૧૧ વર્ષ માટે જેલની સજા ફટકારવામાં આવી. કેન્દ્ર સરકાર જોડે તેમની બનતી ન હોવાથી જવાહરલાલ નેહરુ દ્વારા જ આ સજા કરવામાં આવી હતી તેવું અમુક સ્ત્રોતો પરથી જણાય છે.
  • ૧૯૬૪: શેખ ૧૧ વર્ષ જેલમાં રહ્યા અને ત્યારબાદ ફરીથી કાશ્મીર મુદ્દાને લઈને તેમણે નેહરુ જોડે મંત્રણા શરુ કરી. પરંતુ, તે જ વર્ષે નેહરુનું નિધન થવાથી વાતચીત અટકી ગઈ. ફરીથી શેખ અબ્દુલ્લાને જેલ કરવામાં આવી.
  • ૧૯૭૪: ઇન્દિરા-શેખ કરાર : શેખ અબ્દુલ્લા ફરી જેલમાંથી પરત ફર્યા અને છેવટે તેઓ જમ્મુ & કાશ્મીરના મુખ્યમંત્રી બન્યા. આગળના નવ વર્ષ સુધી તેઓ જ મુખ્યમંત્રી રહ્યા અને ૧૯૮૨માં તેઓ મૃત્યુ પામ્યા. ત્યારબાદ તેમના દીકરા ફારુખ અબ્દુલ્લા મુખ્યમંત્રી બન્યા.
  • ૧૯૮૪: ભારતીય સૈન્યે સિયાચીન પર્વતમાળા પર કબજો જમાવી લીધો. જે વિશ્વનું સૌથી ઊંચું લડાઈ ક્ષેત્ર છે. સિયાચીન એટલા માટે મહત્વનું છે કારણ કે, ભૌગોલિક રીતે ચીન અને પાકિસ્તાનને તેમના કબજાના કાશ્મીરને એક થતું રોકે છે. તે આ બંને પ્રદેશની વચ્ચેની પર્વતમાળા છે. તેથી ૧૯૯૯માં જ્યારે કારગિલ યુદ્ધ થયું ત્યારે પાકિસ્તાની સૈન્યનો એક ઉદ્દેશ્ય સિયાચીન પર કબજો જમાવવાનો હતો.
  • ૧૯૯૦થી આતંકવાદ:

  • NC-INC ગઠબંધનની સરકાર બને તે માટે ૧૯૮૭ની ચૂંટણીમાં ભારે ગરબડી થઈ. જેવાં પરિણામો જાહેર થયા કે તરત જ તેમની સામે પ્રોટેસ્ટ શરુ થઈ ગયા. લાંબા સમય સુધી હડતાળો પડી. અને તે વાતાવરણ હિંસક બન્યું.
  • આ હિંસક પ્રોટેસ્ટનો ફાયદો ઉઠાવવા પાકિસ્તાને જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ અને હિઝબુલ મુજાહિદ્દીન જેવાં આતંકવાદી સંગઠનોને તેમાં ભેળવી દીધા. તેમને પાકિસ્તાને કાશ્મીરની આઝાદી સાથે જોડી દીધા.
  • યુવાન કાશ્મીરી છોકરાઓને LoCની પેલે પાર લઈ જઈને પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો દ્વારા તાલીમ આપવામાં આવતી થઈ.
  • મુખ્ય મુદ્દો, એટલે કાશ્મીરી પંડિત. તે કાશ્મીર ઘાટીની એક લઘુમતી જાતિ હતી. કાશ્મીર ઘાટીમાં લગભગ ૩ લાખ જેટલા કાશ્મીરી પંડિતો હતા. તેઓની સંખ્યા ઓછી હતી પરંતુ તેઓ ખૂબ અસરકારક હતા. તેઓ સારી નોકરી પર હતા, સારી પોસ્ટ ધરાવતા હતા, ધનિક હતા અને શિક્ષિત હતા. આ કાશ્મીરી પંડિતોના વિરુદ્ધમાં ધમકીઓ આવવાની શરુ થઈ. એક કાશ્મીરી પંડિત એવા હાઈકૉર્ટના જજને ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી. આવી અનેક હત્યાઓ થઈ. છેવટે, સમાચારપત્રોમાં જાહેર રીતે આવવા લાગ્યું કે, કાશ્મીરી પંડિતોએ કાશ્મીર છોડી દેવું જોઈએ. લાઉડસ્પીકર પર ઘોષણા થવા લાગી કે, જો કાશ્મીરી પંડિતો કાશ્મીર નહીં છોડે તો તેમના પર જાતીય હુમલાઓ કરવામાં આવશે.

    અંતે, ૧૯-૨૦ જાન્યુઆરી,૧૯૯૦ની રાત્રે લગભગ અઢીથી ત્રણ લાખ કાશ્મીરી પંડિતોએ કાશ્મીર ઘાટી છોડી દીધી. ઘણાં લાંબા સમયથી પ્રોટેસ્ટ શરુ હોવાને લીધે ’૮૭માં બનેલી ફારુખ અબ્દુલ્લાની સરકારે રાજીનામું આપ્યું હતું. ત્યારે કોઈ સરકાર નહોતી. કાયદાવિહોણી પરિસ્થિતિ હતી. લો & ઓર્ડર સંપૂર્ણપણે ભાંગી પડ્યું હતું. તેથી પણ કાશ્મીરી પંડિતોએ નિ:સહાય અનુભવીને કાશ્મીર ઘાટી છોડી હતી. આ લોકો આજે પણ દિલ્હીમાં કેમ્પમાં રહે છે. તેઓની સ્થિતિ ખૂબ ખરાબ છે. તેથી ઘણીવાર અવાજ ઉઠે છે કે, તેઓને ફરીથી તેમના સ્થાને સ્થાપિત કરવા જોઈએ. પરંતુ, તેના માટે પણ કોઈ રાજકીય પાર્ટી તૈયાર નથી.

    આર્મ્ડ ફોર્સિઝ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ લાગુ કરતા ચૌદ વર્ષ સુધી ભારતીય સૈન્યે ખાસ અધિકારો સાથે કામ કર્યું. અને અંતે, ૨૦૦૪ બાદ આતંકવાદી પ્રવૃત્તિઓમાં થોડો ઘટાડો થયો. વિશ્વમાં બહુચર્ચિત કાશ્મીર મુદ્દાનો ઉકેલ દિવસે ને દિવસે પેચીદો બનતો જાય છે. જેમાં ભારત અને પાકિસ્તાન સાથે હવે ચીન પણ જોડાયું છે અને તેમાં આતંકવાદનો કહેર પણ! ભારતે તેના પુરાવાઓ મજબૂત કરીને દાવો મેળવવામાં મહેનત કર્યા સિવાય છૂટકો નથી. ઉપરાંત, ૧૯૭૨ના શિમલા કરાર મુજબ એવું નક્કી થયું છે કે, ‘આ ઝઘડાનો ઉકેલ બંને દેશો (ભારત-પાકિસ્તાન) સાથે મળીને જ લાવશે. તેમાં અન્ય કોઈ સંસ્થા કે સંગઠન જોડાશે નહીં.’ એટલે હવે એવું થાય છે કે, બંને દેશો સીમા પર છમકલાં કરતાં રહે અને મુદ્દો સળગતો રાખ્યા કરે છે.