નેઈલ પોલિશ ARUN AMBER GONDHALI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નેઈલ પોલિશ

નેઇલ પોલિશ

પ્રકરણ – ૭

(વહી ગયેલી વાર્તા - લંડન પોલીસે સિફતથી ક્રેન કેમેરાના મોનિટરના દૃશ્ય જોતાં, શામજીભાઈની ઓફિસમાં અંજામ પામતી મોટી ઘટનાને અટકાવી એક ગેંગને ઝબ્બે કરી હતી, એમાં કોઈક એક વ્યક્તિનો ચહેરો ક્યાંક જોયો હોય એવું લાગતું હતું. હવે આગળ વાંચો.)

શામજીભાઈને પોલીસની ગતિવિધિ અંગે કંઈ ખબર ના પડી. પોલીસ એમના મદદે કેવી રીતે આવી તેનું આશ્ચર્ય થયું. લંડન પોલીસે શામજીભાઈની સાક્ષીમાં કેસ ફાઈલ કર્યો.

ગેંગના બધાની ઓળખ લેવામાં આવી. આ ગેંગમાં બધાજ ગુન્હાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલ યુવાનો હતા, જે આજ સુધી ગુન્હામાં પકડાયેલ નહોતા એટલે લંડન પોલીસ એમને પકડી શકી ન હતી. છેલ્લા બે વર્ષથી તેઓએ ઘણી બધી ગુન્હાહિત પ્રવૃતિઓને અંજામ આપેલ હતો. લંડન પોલીસને ઘણા બધા ગુન્હાઓનો ઉકેલ આવશે એવી ખાતરી હતી.

સૌથી મોટો સવાલ ગેંગના લીડરને હતો કે એ લોકો કેવી રીતે પકડાયા ? ગુનેગારોનું શાતિર દિમાગ એક જગ્યાએ માર ખાઈ ગયું, જયારે નીચે શૂટિંગ ચાલુ હતું ત્યારે એ બધું સહજ રીતે, ટ્રાફિકને નડતર ના થાય એ રીતે થઇ રહ્યું હતું. રસ્તાઓના સતત ટ્રાફિકની સાથે ઊંચાં કોમર્સીઅલ કોમ્પ્લેક્સની ઝલક બતાવી શકાય એ માટે ક્રેન કેમેરાને સેટ કરી રહ્યાં હતા. તે દરમિયાન ફરજ પરના ચાલાક સાર્જન્ટની નજર ક્રેન કેમેરાના મોનીટર પર હતી. ફર્સ્ટ ફ્લોર ઉપર ચાલી રહેલ ગતિવિધિ કંઈક શંકાસ્પદ હતી અને તરતજ ગતિવિધિઓના આધારે પોતાની ટિમ બોલાવી આ ગેંગને ઝબ્બે કરી હતી.

ગુનેગારોની જુબાની લેતા ખબર પડી કે ઘણાં દિવસોથી એ ગેંગના યુવાનો શામજીભાઈના ઓફિસની રેકી કરી રહ્યાં હતા. એ દિવસે શામજીભાઈની હીરાની એક મોટી ડિલ થવાની હતી અને ડિલિવરીના હીરા કોઈ લેવા આવી રહ્યું હતું, તે પહેલા શામજીભાઈને આંતરી, હીરાની લૂંટ કરવાનો એમનો પ્લાન હતો. તેઓ શામજીભાઈને હીરા સુપરત કરવા ધમકાવી રહ્યાં હતા અને કદાચ એ શામજીભાઈને શૂટ કરી શકે છે એનો અંદાજ પણ વાતચીત દરમિયાન શામજીભાઈને એમણે આપ્યો. શામજીભાઈની કિસ્મતે સાથ આપ્યો અને પોલીસની સતર્કતાને લીધે. એક મોટી ગંભીર ઘટના બનતી રોકી શકાઈ. તે દરમિયાન અનાસયે સેટ કરેલ ક્રેન કેમેરામાં એ આખા એપિસોડનું શૂટિંગ થઇ ગયું.

બીજા દિવસે ન્યૂઝ પેપરના આધારે ગેંગને ખબર પડી કે નીચે ચાલી રહેલા શૂટિંગ માટે ગોઠવેલા કેમેરામાં એમનું શૂટિંગ અનાયાસે થઇ ગયું હતું. પોલીસ પાસે હવે પાક્કા સબુતો હતા.

લંડન પોલીસ ચીફે જયની કંપની દ્વારા કરેલા લંડનની શૂટિંગના ફૂટેજની કોપી માંગી.

જયારે શામજીભાઈને ખબર પડી કે એમના ઉપર અટેક થયો તેનું શૂટિંગ પોતાના જમાઈ જયની કંપની દ્વારા થઇ રહ્યું હતું તો એમણે જય અને દિનકરરાયના ખુબ આભાર માન્યો. દિકરી લાવણ્યાએ તો પિતાની ઘાત ટળી એ માટે એક હવન અને પૂજા કરાવી નાખવાં પિતાજીને સલાહ આપી.

જયની કંપનીએ જરૂરી બધી શૂટિંગો અને ફોટોગ્રાફી પુરી કરી અને હવે એડિટિંગ ટિમનું કામ શરુ થયું. નક્કી કરેલ થીમ અનુસાર જાહેરાતો બનાવવાની હતી જેથી જયની કંપનીના સક્સેસફુલ પચાસ વર્ષની ઉજવણી આખું ઇંગ્લેન્ડ જાણી શકે.

લગભગ પાંચ મહિનાની મહેનત બાદ બધી જાહેરાતો પ્રિન્ટીંગમાં અપાયી. રસ્તાઓ માટે હોર્ડિંગ, ન્યૂઝ પેપર માટે ડિઝાઇન, ઇલેક્ટ્રોનિક મીડિયા માટે ડિજિટલ પ્રિન્ટ્સ, મેગેઝીન માટે આઈ કેચિંગ ફૂટેજ એટલે કે દરેક ક્ષેત્રમાં ડિનો ગ્રાફિક્સના પચાસ વર્ષની સફળતા કવર થઇ હતી. દરેક એડવર્ટાઈઝમેન્ટ લાજવાબ હતી.

હવે સફળતાની ઉજવણીની તારીખ નક્કી કરવાની હતી. સર્વ સંમતિથી નજીકમાં જ આનંદીની વરસગાંઠ આવી રહી હતી, તેજ દિવસે આ કાર્યક્રમની ઉજવણી કરવાનું નિશ્ચિત થયું. દિનકરરાયે પોતાના કર્મચારીઓને એમના સહકાર માટે સારામાં સારા ઉત્તમ ભેટો આપવાનું નક્કી કર્યું.

કંપનીના પચાસ વરસ પુરા થવાની ખુશીની સાથે, ઉર્મિબેન અને લાવણ્યાએ પણ પોતાનો એક પ્રોજેક્ટ તૈયાર કરી રહ્યા હતા અને એમનો પણ વિચાર હતો કે સાસુ-વહુના આ નવા વેન્ચરનું ઉદઘાટન પણ એજ દિવસે થાય. એમનો આખો પ્રોજેક્ટ ન્યૂ મોડેલ્સને તકતા ઉપર મુકવાનો હતો, કંઈક નવા રૂપે. નવા વેન્ચરમાં જયની કંપનીનો પણ ઉપયોગ થવાનો હતો ફોટોશૂટ માટે. નવા વેન્ચરનું નામ રખાયું – વુમન્સ (Woman’s). શરૂઆત નાના પાયા ઉપર કરવાની હોવાથી એની કોઈપણ જાહેરાતો કરવાની નહોતી. ફક્ત ન્યુઝ પેપરમાં એ દિવસે જ એની જાહેરાત કરવાનું નક્કી કર્યું હતું.

જયની કંપની દ્વારા પોલીસને આપેલા શૂટિંગ અને ફોટોગ્રાફના ફૂટેજ ખુબ ઉપયોગી થયા. પોલીસ ઘણા ગુન્હાઓ ઉકેલી શકી અને બાકી રહેલા ગુન્હેગારો એક યા બીજી રીતે પકડાયા. ટૂંકમાં લંડનમાં છેલ્લા ત્રણ ચાર મહિનાથી ગુન્હાઓ ખુબ જ ઓછા થયા. ઇન્વેસ્ટિગેશન દરમિયાન કિરણનો ખૂની કોણ હતો તેની જાણ થઇ અને એને સજા પણ થઇ. જયારે કિરણના ખૂનીની વિગત ન્યુઝ પેપરમાં આવી ત્યારે ખબર વાંચતા શામજીભાઈ ના આંખોમાં આંસુ આવી ગયા. પોતાની પત્ની સ્વ. કિરણના પરિવારની ખુબ જ સંભાળ કરતા હતા. પરંતુ જયારે એમણે એ ખૂનીને જોયો ત્યારે એ વ્યક્તિ કોઈક ઓળખીતી કે જોવામાં આવેલ હોય એવું અંદરથી થઇ રહ્યું હતું, પરંતુ ચોક્કસ નક્કી કહી શકાય એવું નહોતું. ખુબ વિચાર કરતા એવું લાગ્યું કે જે દિવસે એમના ઉપર એટેક થયો હતો તે ટીમમાં આ વ્યક્તિ હાજર હતી. શામજીભાઈને કદાચ એ વ્યક્તિને પહેલા જોયા હોય કે ઓળખતા હોય એવું પણ ચોક્કસ લાગતું હતું. હવે એ વ્યક્તિનો તાગ મેળવવો જરૂરી હતો. એમણે પોતાને માટે કામ કરી રહેલી પ્રાઇવેટ ડિટેક્ટિવ એજન્સીને ઇન્વેસ્ટીગેટ કરવા જણાવ્યું. શામજીભાઈ હવે આ વ્યક્તિ માટે ખુબ જ સજાગ થઇ ગયા હતા. પોતાની સાથે બનેલ બે ઘટનાઓને લક્ષમાં લઈ સિક્યુરિટી અને સિક્યુરિટીના સાધનો અને એલાર્મ સિસ્ટમ વગેરે અપડેટ કરી દીધા.

દિનકરરાયની કંપની - ડિનો ગ્રાફિક્સના પુરા થતા પચાસમાં વર્ષનું સેલિબ્રશન ખુબ જ ઉમંગ અને ઉત્સાહથી થયું. આલીશાન રિસોર્ટમાં ભવ્ય સેટ ઉભા કરવામાં આવ્યા હતા. ઉત્તમ સંગીત સાથે ઇન્ડિયન સંગીતની મહેફિલ સજાવી હતી. શામજીભાઈનું ફેમિલી અને દિનકરરાયનું ફેમિલી ખુબ જ આનંદમાં હતું. કાર્યક્રમની સાથે પૌત્રી આનંદીના જન્મ દિવસની વરસગાંઠ પણ ઉજવવામાં આવી. ઈન્ડિયાથી અને વિદેશથી ઘણાં મહેમાનો દિનકરરાય અને જય ને અભિનંદન (Best wishes) આપવા આવ્યા હતા. વિદેશમાં ભારતીય નિવાસીઓએ લંડનની પ્રગતિમાં પોતાનું નામ જોડી દીધું હતું.

કાર્યક્રમની છેલ્લી પાયદાન ઉપર લાવણ્યાના નવા વેન્ચર - ઉદ્યોગ સાહસ વુમન્સ (Woman’s) ની જાહેરાત થઇ ત્યારે આમન્ત્રિતોએ એને ખુબ વધાવી. આ નવા વેન્ચરમાં નવા મોડલોને સ્ક્રીન ઉપર લાવવાનું સાહસ હતું. જય અને લાવણ્યાએ એક અનોખી દસ મિનિટની કલીપ બનાવી હતી. તેની મુખ્ય મોડેલ લાવણ્યા હતી. પ્રથમ નવા મોડેલને આકર્ષક રીતે લંડનમાં પ્રસ્તુત કરવામાં આવી હતી એક સુંદર પરિભાષામાં. કંઈક જુદી રીતે. સંપૂર્ણ લિબાસમાં પણ સ્ત્રી (વુમન) અતિ સુંદર હોઈ શકે છે એવી અદ્ધભૂત પ્રસ્તુતિ.

આ નવી સોચના પ્રસ્તુતિથી પશ્ચિમી મહેમાનો અને એમની પત્નીઓ આશ્ચર્યચકિત થઇ ગયા. પશ્ચિમી સ્ત્રીઓને પોતાનો માન મરતબો ઉચ્ચ સ્થાને મુકાયાનો અહેસાસ થયો. સ્ત્રીના મૂલ્યોને ઉજાગર કરવામાં આવ્યા હતા. સ્ત્રીનો ભલે નોકરી પેશામાં કે પ્રસ્તુતિમાં ઉપયોગ થતો હોય પણ એની ભાવનાઓનું અપમાન થવું ના જોઈએ એ કલાત્મક રીતે દર્શાવ્યું હતું. દરેક સ્ત્રી ઇચ્છતી હતી અને કહેતી હતી કે This is the right way of Advertisement.

તાળીઓના ગડગડાટ સાથે સમારંભની પુર્ણાહુતી થઇ.

બીજા દિવસે શામજીભાઈએ પોતાના ઘરે હોમ-હવન અને પૂજાનો કાર્યક્રમ રાખ્યો. ઈન્ડિયાથી આવેલા મહેમાનોએ વિદેશમાં ભારતીય પરંપરાના વખાણ કર્યા.

પૂજાની સમાપ્તિ બાદ, લંડન પોલીસનો શામજીભાઈને ફોન આવ્યો કે કિરણના ખૂની તરીકે સજા પામેલ કેદી જેલમાંથી ભાગી ગયો છે, સાવધાન રહેશો. Please take care and precautions. We are also arranging watch and protection.

(ક્રમશઃ)