Shahid Bhagatsingh MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • શંખનાદ - 15

  કેન્દ્રીય ગૃહ પ્રધાન Shri સતીશ શાહ સાહેબે સીબીઆઈ ઓફિસર વિક્ર...

 • નિયતી - 1

  આખી ઓફિસનું વાતાવરણ ગમગીન હતું. એકદમ શોક છવાયેલો હતો. બધા એક...

 • પ્રેમ સમાધિ - પ્રકરણ-87

  પ્રેમ સમાધિ પ્રકરણ-87 કાવ્યા કલરવનાં પ્રેમભીનાં સ્પર્શથી આકર...

 • બચપન કા પ્યાર...

  ગીરજાને સ્કૂલનો આજે પહેલો દિવસ હતો. એની મમ્મીએ એને બહુ મસ્ત...

 • કાળું ગુલાબ

  કાળું ગુલાબ​​મંગલપુર માં રાજા ઉદયસેનનું રાજ હતું. રાજા ઉદયસે...

શ્રેણી
શેયર કરો

Shahid Bhagatsingh


શહિદ

ભગતસિંહ

-ઃ લેખક :-

સિદ્ધાર્થ છાયા

siddharth.chhaya@gmail.com

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

“મેરા રંગ દે બસંતી ચોલા”

- શહિદ ભગતસિંહ

“મારૂં જીવન એક ઉમદા કાર્ય માટે સમર્પિત થયેલું છે અને તે છે મારા દેશની આઝાદી;

આથી દુનિયાની કોઈપણ અભિલાષા કે આરામ હવે મને પ્રલોભીત કરી શકશે નહીં.”

ઉપરનાં શબ્દો બોલનાર વ્યક્તિ એટલે ભગતસિંહ. ભારતમાં ભાગ્યેજ એવો કોઈ વ્યક્તિ હશે જે શહિદ વીર ભગતસિંહ વિશે નહીં જાણતો હોય. ભારતની આઝાદી માટે ખપી જનારા કેટલાય નામી શહિદોમાં ભગતસિંહનું નામ કદાચ પ્રથમ સ્થાને મૂકી શકાય. મૂળે ડાબેરી વિચારસરણી ધરાવનાર ભગતસિંહનો આશય ભારતમાતાને અંગ્રેજોની પક્કડમાંથી છોડાવવાનો જ હતો. તેમના આ આશયની પૂર્ત્િા માટે તેઓ હિંસાનો આશરો લેવાથી પણ ખંચકાતા નહોતા. આ કથા દ્વારા આપણે ભગતસિંહ વિશે કેટલીક જાણી-અજાણી વાતો વિશે પણ માહિતી મેળવશું.

ભગતસિંહનું બાળપણ અને યુવાની

ભગતસિંહની સાચી જન્મતારીખ ઉપલબ્ધ નથી, પરંતુ તેમનો જન્મ ૧૯૦૭ના સપ્ટેમ્બર માસમાં થયો હતો એવું ભારતના ઈતિહાસકારો જરૂર કહે છે. ભગતસિંહનું જન્મસ્થાન બ્રિટીશ ઈન્ડિયાના પંજાબના જરનવાલા તેહસીલ જે લ્યાલપુર જીલ્લામાં સ્થિત છે ત્યાં આવ્યું હતું. ભગતસિંહ એક શિખ પરિવારમાં જન્મ્યા હતા અને તેમનાં જન્મ સમયેજ તેમના પિતા અને બે કાકા કરતારસિંહ સરાભાની ગદર પાર્ટી માટે કાર્ય કરવાના આરોપ બાદ સજા કાપીને જેલમાંથી છૂટ્‌યા હતા. ભગતસિંહના પરિવારનાં અમુક સભ્યો મહારાજા રણજીતસિંહની સેનામાં પણ શામેલ હતાં. આથી ભારતની આઝાદી માટે સંઘર્ષ કરવાનાં સંસ્કાર તેમનામાં બાળપણથીજ આવ્યાં હતા. તેમનું આખુંયે પરિવાર રાજકીય રીતે કાર્યરત રહેતું હતું. તેમના દાદા પણ સ્વામી દયાનંદ સરસ્વતીની આર્યસમાજની ચળવળ સાથે સંકળાયેલા હતા.

ભગતસિંહનાં દાદાને બ્રિટીશરો પ્રત્યેની ખાલસા હાઈસ્કુલની વફાદારી ગમતી નહોતી એટલે તેમણે ગામનાં અન્ય બાળકોથી અલગ જીને ભગતસિંહને દયાનંદ એંગ્લો વૈદિક હાઈસ્કુલમાં દાખલો અપાવ્યો હતો. ૧૯૧૯માં થયેલા જલિયાંવાલા બાગ હત્યાકાંડ બાદ, ભગતસિંહ જાતે એ સ્થાન જોવા ગયા હતા. આ પ્રવાસની તેમનાં મન ઉપર ખુબ ગંભીર અસર પડી હતી. ત્યારબાદ ૧૯૨૨ની ચૌરીચૌરા ઘટના બાદ ગાંધીજીએ અસહકારનું આંદોલન પાછું ખેંચી લેતાં ભગતસિંહનો ગાંધીજી પ્રત્યે મોહભંગ થઈ ગયો હતો. ત્યારબાદ ભગતસિંહ યંગ રેવોલ્યુશનરી મુવમેન્ટ સાથે જોડાયા હતાં અને જો બ્રિટીશરોને ભારતમાંથી ભગાડવા હોય તો હિંસાજ એકમાત્ર રસ્તો છે તેવા તે સંસ્થાના વિચાર પ્રત્યે આકર્ષાયા હતા.

૧૯૨૩માં લાહોરની નેશનલ કોલેજમાં જોડાયા બાદ તેમણે નાટ્‌ય પ્રવૃત્તિમાં પણ રૂચી દાખવવાની શરૂ કરી. આ સમય દરમ્યાનજ ભગતસિંહ હિંદુસ્તાન રિપબ્લિકન એસોશિએશન સાથે જોડાયા અને તેમના નેતાઓ રામ પ્રસાદ બિસ્મિલ, ચંદ્રશેખર આઝાદ અને અશ્ફાકુલ્લા ખાનના પરિચયમાં આવ્યાં. ૧૯૨૭ના મે મહિનામાં પોલીસને યુવાનોમાં ભગતસિંહના વધતા જતા પ્રભાવની ચિંતા થવા લાગી અને એકવર્ષ જુના લાહોર બોમ્બકાંડમાં તેમની શામેલગીરીનો ખોટો આરોપ મુકીને તેમને ગ્િારફ્તાર કરવામાં આવ્યા. જો કે એક મહિના બાદ તેઓ જામીન પર પણ છૂટી ગયા હતા. આ ઘટના બાદ ભગતસિંહે ઉર્દુ અને પંજાબી સમાચારપત્રોમાં લખવાનું શરૂ કર્યું. તેમની કોલમોમાં તેમણે ક્યારેય પોતાનું નામ ન લખતાં પરંતુ તેની જગ્યાએ તેઓએ બલવંત, રંજીત અને વિદ્રોહી જેવા ઉપનામ રાખ્યાં હતાં.

ભગતસિંહનું ક્રાંતિકારી જીવન

૧૯૨૮માં ભારતની રાજકીય પરિસ્થિતિનો તાગ મેળવવા સાયમન કમીશનની રચના કરવામાં આવી. આ કમીશનમાં એકપણ ભારતીય સભ્ય ન હોવાથી ભારતમાં તેનો ચારેકોર વિરોધ શરૂ થયો. આવાંજ એક વિરોધ પ્રદર્શનનું લાહોરમાં ૩૦ ઓક્ટોબર ૧૯૨૮ના દિવસે લાલા લાજપતરાયે નેતૃત્વ કર્યું. પોલીસને આ પ્રદર્શન બેકાબુ બનવાની બીક લાગતાં તે સમયનાં પોલીસ સુપ્રિટેન્ડેન્ટ જેમ્સ એ સ્કોટે લાઠીચાર્જનો આદેશ આપ્યો. પોલીસવાળાઓ નિર્મમતાથી દેખાવકારો પર તૂટી પડયા. આ લાઠીચાર્જને લીધે લાલા લાજપતરાયને પણ ઈજાઓ થઈ અને ૧૭ નવેમ્બર ૧૯૨૮ના દિવસે હાર્ટએટેકથી તેમનું મૃત્યુ થયું. ડોકટરોનાં મતે લાજપતરાયને થયેલી ઈજાઓ ઉપરાંત આ લાઠીચાર્જના શોકથી તેમનું મૃત્યુ થયું હોવાનું લાગી રહ્યું હતું. બસ, હિંદુસ્તાન રિપબ્લિક એસોશિએશનના નેતાઓનો ગુસ્સો ફાટી નીકળ્યો અને તેમણે લાલા લાજપતરાયના અપમૃત્યુનો બદલો લેવાનું નક્કી કર્યું.

પોલીસ અધિકારી સોન્ડર્સની હત્યા

ભગતસિંહ સાથે શિવરામ રાજગુરૂ, સુખદેવ થાપર અને ચંદ્રશેખર આઝાદે પેલા સુપ્રિટેન્ડેન્ટ જેમ્સ એ સ્કોટની હત્યા કરવાનું કાવતરૂં રચ્યું. પરંતુ ઓળખવામાં થાપ ખાઈ જતાં તેમણે ૧૭ ડિસેમ્બર ૧૯૨૮ને દિવસે આસીસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ જ્હોન પી સોન્ડર્સને ઠાર માર્યો. કોંગ્રેસ તો પહેલેથીજ હિંસાત્મક ચળવળનો વિરોધ કરતી હતી એટલે તેણે ભગતસિંહ અને તેમના મિત્રોની આ કાર્યવાહીને વખોડી નાખી, પરંતુ નૌજવાન ભારત સભા જેણે લાહોર રેલી આયોજિત કરી હતી અને લાલા લાજપતરાય જેનું નેતૃત્વ કરી રહ્યા હતા, તેણે પણ આ કાર્યની ઘોર નિંદા કરી. લાજપતરાયના સમાચારપત્ર ‘ધ પીપલ’ એ આ કાર્યની સખ્ત શબ્દોમાં ટીકા કરી. પરંતુ તેમ છતાં ભારતીય જનમાનસમાં ભગતસિંહ લોકપ્રિય થયા, કારણકે લોકોને તેમની હિંમત અને જેવા સાથે તેવા થવાના ઈરાદા પ્રત્યે ખુબ માન થયું અને વધુને વધુ લોકો તેમના દિવાના થવા લાગ્યા.

સોન્ડર્સને માર્યા બાદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂ ભાગીને લખનૌ, બનારસ અને હાવડા જતાં રહ્યા. પરંતુ થોડાં સમયબાદ તેઓ ફરીથી ભેગાં પણ થયાં. ભગતસિંહને હજીપણ એવું કોઈ મોટું કારનામું કરવું હતું જે કરવાથી બ્રિટીશ સામ્રાજ્યના પાયા હલી જાય. રામપ્રસાદ બિસ્મિલના કાકોરી કાવતરાએ વધુને વધુ લોકોને હિંદુસ્તાન રિપબ્લિક એસોશિએશન પ્રત્યે આકર્ષ્યા હતા. ફ્રાંસના અનાર્કીસ્ટ ઓગસ્તે વેઈલાં જેણે પેરિસના ચેમ્બર ઓફ ડેપ્યુટીઝ પર બોમ્બ ફેંક્યો હતો તેનાથી પ્રભાવિત થઈને ભગતસિંહ સેન્ટ્રલ લેજીસ્લેટીવ એસેમ્બલીની અંદર બોમ્બ ફોડવા માંગી રહ્યાં હતા. તેમના આ આશય પાછળ એક અન્ય કારણ પણ હતું. આ લેજીસ્લેટીવ એસેમ્બલીએ તે સમયે જાહેર જનતા સુરક્ષા બીલ તેમજ વેપાર વિવાદ બીલને નામંજૂર કરી દીધું હતું. પરંતુ વાઈસરોયે પોતાનાં ખાસ અને અમર્યાદ અધિકારોનો ઉપયોગ કરીને આ બીલો પરનો અમલ ફરીથી શરૂ કરાવ્યો હતો. ભગતસિંહનો મૂળ વિચાર એવો હતો કે એસેમ્બલીમાં બોમ્બ ફોડયા પછી બોમ્બ ફોડનાર વ્યક્તિઓ પોતપોતાની ધરપકડ વહોરી લે આથી જ્યારે તેમના પર અદાલતમાં કેસ ચાલે ત્યારે તેઓ વધુને વધુ લોકો સુધી આઝાદીની વાત ફેલાવી શકે.

પંજાબ એસેમ્બલી બોમ્બકાંડ

ભગતસિંહનાં સાથીઓએ પહેલાં તો બોમ્બ નાખવા પોતાને જવા માટેની ભગતસિંહની માંગણીનો અસ્વીકાર કર્યો. આનું મુખ્ય કારણ એમ હતું કે જ્યારે ભગતસિંહ સરેન્ડર કરી દે ત્યારે પેલો જુનો સોન્ડર્સનો કેસ પણ ફરી શરૂ થઈ શકે એમ હતો અને એમાં ભગતસિંહને ફાંસી જ થવાની હતી. છેવટે ખુબ વિચારણા કર્યા બાદ ભગતસિંહને એસેમ્બલીમાં બોમ્બ નાખવા જવા દેવાની છૂટ આપવામાં આવી. ૮ એપ્રિલ ૧૯૨૯ના દિવસે ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત એસેમ્બલીમાં ગયા. એસેમ્બલીનું સેશન ચાલી રહ્યું હતું ત્યારે દર્શક દીર્ઘામાંથી તેમણે બે બોમ્બ વારાફરતી એસેમ્બલીમાં ફેંક્યા. આ બોમ્બ કોઈ જાનહાની કરી શકે તેવા શક્તિશાળી નહોતાં, પરંતુ તેણે અમુક એસેમ્બલી મેમ્બરોને ઈજા જરૂર પહોંચાડી. ઈજા પામનારમાં વાઈસરોયના એક્ઝીક્યુટીવ કાઉન્સીલના ફાઈનાન્સ મેમ્બર જ્યોર્જ અર્નેસ્ટ શુસ્ટરનો પણ સમાવેશ થતો હતો. બોમ્બ ફૂટ્‌યા પછી થયેલા ધુમાડાનો લાભ લઈને ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત ભાગી શક્યા હોત, પરંતુ તેઓએ તેની બદલે એસેમ્બલીમાં અંગ્રેજ સરકાર વિરૂદ્ધ પેમ્ફલેટ ફેંક્યા અને ‘ઈન્કલાબ ઝિન્દાબાદ’ ના નારા લગાવ્યા. તરતજ તેમની ધરપકડ થઈ અને તેમને વારાફરતી દિલ્હીની જુદીજુદી જેલોમાં રાખવામાં આવ્યાં.

ભગતસિંહ પર અદાલતી કાર્યવાહી

ધરપકડ થયા બાદ ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત પર કાર્યવાહી ચાલુ થઈ અને કોર્ટમાં કેસ પણ ચાલ્યો. કોર્ટમાં ચાલેલા આ કેસને ભગતસિંહે ‘અંગ્રેજ સરકારનું નાટક’ ગણાવ્યું. કોર્ટમાં આપેલા સ્ટેટમેન્ટમાં આ બંનેએ બોમ્બ ફેંકવાના તેમના કાર્યને તેમણે માનવતા વિરૂદ્ધનું કૃત્ય ગણવાથી ઈનકાર કર્યો. તેમણે લાહોરના અખબાર ધ ટ્રીબ્યુને તેમને મુર્ખ ગણવાની પણ ટીકા કરી. તેમણે પોતાના આ કાર્યને દબાયેલા અને કચડાયેલાઓએ કરેલા એક કાર્ય માત્ર ગણાવ્યું અને આથી તેમને હિંસા કરવાનો બિલકુલ હક્ક છે એમ પણ જણાવ્યું. બટુકેશ્વર દત્ત વતી અસફ અલી નામના વકીલે કેસ લડયો જ્યારે ભગતસિંહ પોતાનો કેસ જાતેજ લડયા. ૧૨ જુનના દિવસે આ બંનેને જન્મટીપની સજા થઈ.

હિંદુસ્તાન રિપબ્લિક એસોશિએશન લાહોર અને સહરાનપુરમાં બોમ્બ ફેકટરીઓ ચલાવતી હતી. ભગતસિંહે જે વર્ષે એસેમ્બલીમાં બોમ્બ ફેંક્યા એજ વર્ષે લાહોરની ફેક્ટરી પર પોલીસે દરોડા પાડયા અને સુખદેવ, કિશોરી લાલ અને જય ગોપાલની ધરપકડ કરી. ત્યારબાદ થોડાજ સમયમાં સહરાનપુરની ફેક્ટરી પણ શોધી લેવાઈ, પરંતુ અહીં કામ કરતાં વ્યક્તિઓ તાજનાં સાક્ષી બની જતાં અને તેમણે આપેલી માહિતીઓ એકઠી કરીને પોલીસને સોન્ડર્સનો કેસ તેમજ એસેમ્બલીમાં બોમ્બ ફેંકવાના કાવતરૂં કરવાવાળા વ્યક્તિઓ એકજ છે એ શોધી કાઢવામાં સફળતા મળી. આથી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂ ઉપરાંત બીજા ૨૧ વ્યક્તિઓ પર સોન્ડર્સના ખૂનનો આરોપ મુકીને કેસ ચલાવવામાં આવ્યો. આ કેસ શરૂ થતાંજ ભગતસિંહને દિલ્હીની જેલમાંથી મિયાંવાલી જેલમાં ખસેડવામાં આવ્યાં. અહીં પણ ભગતસિંહમાં રહેલો ક્રાંતિકારી શાંત રહ્યો નહીં. આ જેલમાં ભગતસિંહે જોયું કે ભારતીય અને યુરોપિયન કેદીઓ વચ્ચે ભેદભાવ થઈ રહ્યો છે. દિલ્હીની જેલમાં માં ભગતસિંહને જે ખોરાક આપવામાં આવતો હતો તેની સામે આ ખોરાકની ગુણવત્તા અત્યંત નબળી હતી. આ ઉપરાંત તેમનાં સંડાસ-બાથરૂમની હાલત પણ એકદમ દયનીય હતી. આટલુંજ નહીં અહીં ભારતીય કેદીઓને ખુબ કડક હાથે મજુરી કરાવવામાં આવતી. ભગતસિંહ પોતાને રાજકીય કેદી ગણાવતાં આથી તેમના જેવા અસંખ્ય રાજકીય કેદીઓ પાસે આવું કૃત્ય ન કરાવાય તેવી માંગણી તેમણે જેલનાં સત્તાવાળાઓ સમક્ષ કરી. પરંતુ તેમની આ માંગણી ન સ્વીકારતા ભગતસિંહ અને અન્ય રાજકીય કેદીઓ હડતાલ પર ઉતરી ગયાં.

ભગતસિંહની આ હડતાલને જેલની બહારથી પણ ખુબ બહોળો ટેકો મળ્યો. લાહોરના અખબારોએ ખાસકરીને આ હડતાલ વિશે ખુબ લખ્યું. આટલુંજ નહીં મોહમ્મદઅલી જીન્નાએ પણ એસેમ્બલીમાં આ મુદ્દો ઉઠાવ્યો અને વિરોધ કર્યો. પંડિત જવાહરલાલ નહેરૂ પણ મિયાંવાલી જેલમાં ગયા અને ભગતસિંહને મળ્યાં. ત્યારબાદ તેમણે પણ બ્રિટીશ સરકારને આ કેદીઓને રાજકીય કેદી ગણીને યોગ્ય સુવિધાઓ આપવાની વિનંતી કરી. આ દરમ્યાન અનશન કરી રહેલાં એક કેદી જતિન્દ્ર નાથ દાસનું અવસાન થયું અને લોકોમાં રોષ ફેલાયો. આ ઘટનાનાં વિરોધમાં પંજાબ લેજીસ્લેટીવ કાઉન્સીલમાંથી બે સભ્યોએ રાજીનામાં આપ્યાં તેમજ મોતિલાલ નહેરૂએ સફળતા પૂર્વક સફળતાપુર્વક કાર્ય મોકુફીનો પ્રસ્તાવ પણ પાસ કરાવ્યો. આ હડતાળે ભગતસિંહની લોકપ્રિયતાને આસમાને પહોંચાડી દીધી, પરંતુ સરકારે તેમના વિરૂદ્ધ ચાલી રહેલા કેસને પણ ગતિ આપવાની શરૂઆત કરી દીધી.

ફાંસીની સજા અને શહીદી

૧લી મે ૧૯૩૦ના દિવસે લોર્ડ ઈરવીને ઈમરજન્સી જાહેર કરી અને ભગતસિંહના કેસ માટે ખાસ ત્રણ જજોની બેંચની રચના કરી. આ સ્પેશિયલ ટ્રીબ્યુનલે ૩૧ ઓક્ટોબર ૧૯૩૦ના રોજ પોતાના ૩૦૦ પાનાનાં ચુકાદામાં ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને પોલીસ અધિકારી સોન્ડર્સના ખૂન માટે જવાબદાર ગણવામાં આવ્યાં અને તેમને ફાંસીની સજા કરવામાં આવી. અન્ય ૧૨ અભિયુક્તોને સખ્ત જન્મટીપની સજા કરવામાં આવી. આ સજાની સ્વાભાવિકરીતે ભારતભરમાં ટીકા કરવામાં આવી અને તેના જબરદસ્ત પ્રતિભાવો પણ આવ્યાં. બ્રિટીશ સરકારની નિસ્પૃહતા એટલી હદ સુધી વિકાસ પામી હતી કે ભગતસિંહ અને તેમના સાથીઓને આગળ અપીલ કરવા માટેનો મોકો પણ આપવામાં નહોતો આવ્યો. ૧૪ ફેબ્રૂઆરી ૧૯૩૧નાં દિવસે તે સમયનાં કોંગ્રેસ પ્રમુખ મદન મોહન માલવિયાએ લોર્ડ ઈરવીન સમક્ષ દયાની અરજી કરતો પત્ર મોકલ્યો. પરંતુ સમય જતાં તેને નામંજૂર કરવામાં આવ્યો. હિંદુસ્તાન રિપબ્લિક એસોશીએશને પણ ભગતસિંહ અને તેના સાથીઓને જેલમાંથી ભગાડી જવાના પ્રયાસો કર્યા. આવાંજ એક પ્રયાસરૂપે ભગવતી ચરણ વોહરાએ કેટલાંક બોમ્બ પણ બનાવ્યાં. પરંતુ જેલમાં લઈ જતાં પહેલાંજ અકસ્માતે એ બોમ્બ ફૂટી જતાં ભગવતી ચરણનું સ્થળ પર જ મૃત્યુ થયું. પરંતુ ભગતસિંહ પર આ સજાની ઘોષણાની કોઈજ અસર નહોતી થઈ. પોતાનું મૃત્યુ નિશ્ચિત હોવા છતાં, તેમણે જેલમાંથી લોર્ડ ઈરવીનને એવો પત્ર લખ્યો હતો કે તેમની સાથે યુદ્ધ કેદી જેવો વ્યવહાર કરવામાં આવે અને આથી તેમને ફાંસી નહીં પરંતુ ગોળીઓથી વીંધી દેવામાં આવે.

બીજી તરફ સમગ્ર દેશમાં ભગતસિંહની લોકપ્રિયતાની હદ તમામ સીમાઓ વટાવી ચુકી હતી, ઉપરાંત ભગવતી ચરણના મૃત્યુએ પણ બ્રિટીશ સરકારને ચિંતામાં નાખી દીધી હતી. આથી ૨૪ માર્ચ ૧૯૩૧ જે ભગતસિંહ અને તેના બે સાથીઓની ફાંસીની સજાનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો, તેને પણ અગ્િાયાર કલાક આગળ લઈ જીને ૨૩મી માર્ચ ૧૯૩૧ને દિવસેજ સાંજે સાડાસાત વાગ્યાનો નક્કી કરી લેવામાં આવ્યો. ઈતિહાસકારો તરફથી એવું જાણવામાં આવ્યું હતું કે કોઈપણ ભારતીય મેજીસ્ટ્રેટ આ ફાંસીની સજા વખતે હાજર રહેવા નહોતો માંગતો. પરંતુ કાયદાની જરૂરિયાત પ્રમાણે એમ કરવું જરૂરી પણ હતું, આથી જેમણે ભગતસિંહ અને તેમના સાથીઓના ડેથ વોરંટ પર સહીન કર્યા હતા તે ઓનરરી બ્રિટીશ જજે આ સમયે હાજરી આપી હતી.

ભગતસિંહથી બ્રિટીશ સરકાર એટલીબધી ડરી ગઈ હતી કે તેમના મૃત્યુ પછી પણ તેમની અંતિમક્રિયા કરવામાં અને ત્યારબાદ પણ તેમનાં પાર્થ્િાવ દેહનું સન્માન જાળવવામાં ન આવ્યું. ફાંસી બાદ જેલની પાછલી દીવાલ તોડીને એક ગુપ્ત જગ્યાએ તેમનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં. ત્યારબાદ ગંદાસિંહવાલા ગામ જે પંજાબના ફિરોઝપુરથી લગભગ દસેક કિલોમીટર દુર હતું તેની પાસેથી પસાર થતી સતલજ નદીમાં તેમનાં અસ્થિ પણ કોઈજ માન-સન્માન આપ્યા વગર ફેંકી દેવામાં આવ્યાં હતા. આ તમામ ઘટનાઓ અત્યારે, આટલાં વર્ષો બાદ પણ આપણને રોષ અપાવે છે, પરંતુ તે એ હકિકત પણ સામે લાવે છે કે પોતાની વિરૂદ્ધ ઉઠેલા કોઈપણ અવાજને દબાવવા બ્રિટીશ સરકાર કેટલી નીચી હદ સુધી જી શકતી હતી.

ભગતસિંહનો વારસો

ભગતસિંહ જયારે જીવતા હતાં ત્યારેતો તેમણે પોતાની દેશભક્તિ દ્વારા ભારતીયોના દિલ જીતીજ લીધા હતાં, પરંતુ મૃત્યુ બાદ પણ તેઓ હજીયે આપણા દિલો પર રાજ કરે છે. તેમના મૃત્યુ પછી નેતાજી સુભાષ ચંદ્ર બોસે કહ્યું હતું કે, “ભગતસિંહ ભારતનાં જાગૃત યુવાનોનું પ્રતિક હતા. પંડિત જવાહરલાલ નહેરૂએ પોતાની શ્રદ્ધાંજલિમાં કહ્યું હતું કે “ભગતસિંહ એક એવો તણખો હતાં જેમણે આ દેશમાં ફેલાયેલા લાંબા અંધકારમાં પોતાના કાર્યો દ્વારા રોશની ફેલાવીને તેને ઝળાહળા કરી દીધું હતું.” તે સમયનાં ઈન્ટેલિજન્સ બ્યુરોના ડાયરેક્ટર સર હોરાસ વિલિયમ્સને ભગતસિંહના મૃત્યુના ચાર વર્ષ બાદ એક જગ્યાએ નોંધ કરી હતી કે, “જે રીતે ભગતસિંહના ચિત્રો ભારતનાં દરેક શહેર અને ગામડાઓમાં વેંચાઈ રહ્યા છે મને એવું લાગે છે કે આ સમયે તેમની લોકપ્રિયતા કદાચ મિસ્ટર ગાંધી કરતાં પણ વધુ છે.”

ભગતસિંહ છેલ્લા સમય સુધી એવું માનતા કે, “તમે કોઈએક વ્યક્તિને આસાનીથી મારી શકો છો, પરંતુ તમે તેનાં વિચારોને ક્યારેય મારી શકતા નથી. મહાન રાજ્યો પણ એકસમયે ધૂળ ચાટતાં થઈ જાય છે, પરંતુ વિચારો કાયમ જીવતાં રહે છે.” ભગતસિંહનાં આ વિચારો કેટલા સાચાં છે તેની પ્રતીતિ આજે આપણે કરી શકીએ છીએ. ભારતનો આજનો એટલેકે એકવીસમી સદીનો યુવાન પણ પ્રેરણા માટે અન્યકોઈ સ્વતંત્ર સેનાની કરતાં ભગતસિંહ તરફ વધુ જુવે છે. આઝાદ ભારતમાં પણ ભગતસિંહ પર કેટલીયે ફિલ્મો બની છે. જેમાં શહીદ-એ-આઝમ ભગત સિંઘ (૧૯૫૪), શહીદ ભગતસિંહ (૧૯૬૩), શહીદ (૧૯૬૫), શહીદ-એ-આઝમ, ૨૩ માર્ચ ૧૯૩૧ઃ શહીદ, ધ લેજન્ડ ઓફ ભગતસિંહ (બંને ૨૦૦૬) અને રંગ દે બસંતી (૨૦૦૬) જે આજનાં યુવાનો પર ભગતસિંહના વિચારોના પ્રભાવને ચરિતાર્થ કરતી હતી.

ભારતના ઈતિહાસનાં પાનાં આવાં કેટલાય શહિદોના બલિદાનોથી ભરેલાં છે, ભગતસિંહ જેવા શહીદો પર દેશને કાયમ ગર્વ રહેશે. તેમણે તેમના સમયમાં તેમનાથી બનતું કરીને દેશને આઝાદી અપાવવાનું કાર્ય કર્યું. ભગતસિંહના વિચારો સાથે અસહમતી હોઈ શકે, પરંતુ તેમના લક્ષ્ય પ્રત્યે નહીં. આવાં મહાન દેશભક્તને શત શત નમન.