અમરો Rahul kudecha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અમરો

અમરો

રાહુલ કુડેચા

ક્યારેક ગાય મુકવાનો વારો મારો પણ આવી જતો. મોટે ભાગે તો મારા બાપુજી જ મુકવા જતા. એ સવારે વહેલા ઉઠી જતા અને મારા બા ને મદદ પણ કરે ચૂલો પેટાવી આપે અને ચા બનાવી આપે અને પછી મારા બા ચુલા પર રોટલી બનાવતા હોય અને મારા બાપુજી તેની સામેની બાજુમાં બેસે અને આ સવારના પ્રેમના પડછાંયાનો નજારો ક્યારેક હું પણ જોતો. જો વહેલો ઉઠું તો ખરેખર માં બાપ ના પ્રેમાંળ વાર્તાલાપ સાંભળવાનો અને જોવાનો લાહવો કંઈક ઔર જ હતો, અને હું પોતે પણ વિચારતો કે શું હું પણ આ નિભાવી શકીશ? જવાબ હતો કદાચ ?

પરંતુ આજે મારો વારો આવી ગયો અને વધારે પડતું શિયાળાની સવાર માં ગાય મુકવા માટે મારો વારો આવતો અને પાછી અમારી ગાય રખડું, ભટકું અને રેઢિયાર એટલે સવારે બીજાના ઘર ની બાજુમાં જે એઠવાડ હોય તે ગલી-ગલી માં ફોરે અને આડી અવડી પણ ભાગે એટલે ઘરે થી ગાય મુકવા ચાલતો થાવ એટલે જેમ યુદ્ધ લડવા જતા હોય તેમ શિખામણ ચાલુ કરે, કહે કે ગાય કોઈ ને લગાડે નહિ એનું ધ્યાન રાખજે અને પેલી ગલીમાં કાયમ જાય છે એટલે ત્યાં પહેલા થી આડું રહી જવું વગેરે. આ સમય વધુ પડતો શિયાળો જ હોય.

આ દરમિયાન રસ્તામાં મારો ભેટો દાન બાપા અને તેના ઘેટા બકરા સાથે થતો. અને ઓલો અમરો પણ ખરો તેના ઘેટા બકરા ની હાર નીકળતી હોય એટલે હું ઉભો ઉભો તેમને જોતો હોઉં છુ. અને પછી દાન બાપા પેલા અમરાને કહેતા હોય છે ચાલ અમરા ઓલી ગલી માં આડો ફરજે નકર ઓલી ભૂરી બકરી ઈમાં હોઈ જાહે બસ દાન બાપના આ કાયમના શબ્દો અને મારે અને અમરા ને મળવાનું આ જ ઠેકાણું, ત્યારે પણ હું અમરા ના ચહેરા માં અમરાની ખુદારી ભોળપણ મોઢા ઉપર અજ્ઞાન ની લાચારી એટલે કે કોઈ શેતાની નય પણ બસ નિર્ભય અને નીડર જીવનની પ્રમાણિકતા જોતો. મને એના દેખાવ ઉપર જોઈને દયા આવતી હું પણ ખાસ્સો દયાળુ મને એનો ડઘાયેલો, ભોળો, લાચાર, અને અજ્ઞાન ચહેરા પર દયા આવતી અને હું વિચારતો કે અમરો ભણી નહિ શકે તેની જીંદગી એ કેવી રીતે ગુજારશે તેની પાસે કોઈ જ્ઞાન નથી તે દુનિયા સાથે કેવી રીતે જીવી શકશે. હું જોતો કે કેવો બિચારો પેલો અમરો અને પેલી વાત પણ પાક્કી ખબર હતી કે એ ભણવાતો નથી જ જતો અને અને ભણશે પણ નહી તે બસ રખડે છે અને ઘેટા બકરા ચારે છે પણ તે તેના પરિવારને મદદ કરે છે અને હું તો ભણું છુ હું હોશિયાર છુ મને અંગ્રેજી આવળે છે મને ભણતા આવળે છે અને તે અજ્ઞાની અને અભણ છે બસ આજ પેલો હું!

મને બરાબર યાદ છે જ્યારે અમે નિશાળેથી છુટીને રીસેશ મા અપડ-કપડ રમતા ત્યારે અમરો પણ ત્યા આવતો પણ તેનો લઘર-વઘર વેશ અને અસ્તવ્યસ્ત વાળ અને ડધાયેલો ચહેરો જોઈ બધા તેને ખીજવતા અને મજાક ઉડાવતા અને મને થતુ કે તેને પણ કદાચ પેલી નિશાળની ચોપડીઓ સાથે અપડ-કપડ રમવુ હશે આમ હુ મારા મન સાથે અને અમરો તેના હૈયા સાથે સંવાદ કરી ત્યાથી ચાલ્યો જતો.

અમરાના મકાન ગામની વચ્ચે દેશી નરિયાવારા કાચા ચૂનાના ચણતર વાળા મકાન અને એ મકાન ના વધેલા ફળિયામાં ઘેટા બકરા રખાતા. આખી રાત ત્યાં ઘેટા બકરાનું મળ મૂત્ર રહેતું, છતાં અમરાને કે દનબાપા ને કોઈ ગંદકી ના લાગતી. આપના ગુજરાતી માં કહેવત છે, તેમ એક ઓસરીએ રહેતા અને આજે એ પશુ અને માનવનો પ્રેમ એટલોજ આઘો થઈ ગ્યો છે. આજે પશુઓ કોઈ પાળતું નથી કે નથી કોઈ સાચવતુ.

અમરો અમારા ગામનો ભાણેજ અને તેના બા અમારા ગામના દીકરી અને પેલા દાનબાપા તેમના નાના. હા નાનપણ માં તેના બાપુજી ગુજરી ગયા હોવાથી તેના બા અને અમરો અમારા ગામમાં તેના નાના પાસે રહેવા આવીયા હતા. અને ભરવાડ જ્ઞાતિ માં ભણાવવાનું ત્યારે ઓછુ, એટલે તેને નાના નો વ્યવસાય બકરા ચારવાનો હોવાથી તેને બકરા ચારવા જોડી દીધો અને બસ પછી અમરો કાયમ બકરા ચારવા જતો. અને હું જયારે ગાય મુકવા જાવ એટલે મારો અને અમરાનો ભેટો ચોક્કસ થતો અને હુ થોડી વાર ઉભો રહી તેને જોયા કરતો.

બસ ત્યાર પછી ઘણા વરસો સુધી અમરો મારા જીવનમાં થી ચાલ્યો ગયો. ક્યારેક વાડીમાં કામ કરતા અથવા ઘરે વાત-વાતમાં ક્યારેક ભરવાડ કુટુંબની કોઈ વાત હોય તો અમરો શબ્દ કાને જરૂર પડતો કેમકે અમરાના મામા એ મારા બાપુજીના ભાઈબંધ અને તેઓ બન્ને નાનપણમા ભેગા બકરા ચારતા જયારે આ વાત ઘરનાઓ દ્રારા થતી ત્યારે હુ અમરા વિશે જાણવા મારી વાત રાખી દેતો ખબર નય કેમ પણ અમરાની વાત નીકળતી ત્યારે હુ વધારે ઉત્સુક થઈ જતો અને તેના વિશે વધુ સાંભળવાની ઈચ્છા થતી પણ પછી મારા અને અમરા ની જીંદગી માં એક મોટો વિરહ આવીયો અને હુ તેને જાણે હમેશના માટે ભુલી ગયો લગભગ ૧૦ થી ૧૨ વર્ષ સુધી તે મારી જીંદગીમા થી ચાલ્યો ગયો.

અને આખરે એ શિયાળાનો દિવસ હતો અને લગભગ બપોર ની આસપાસનો સમય હતો અને એ નવાગામની ગોલાઈ પાસે મને એક ઘેટા-બકરા વાળો દેખાયો આવું તો મારે અઠવાડિયા માં બે ત્રણ વાર ઘણા ગોવાળિયા રસ્તામાં મને જોવા મળતા પરંતુ બકરા રસ્તા વચારે ચાલતા હોવાથી મારે ગાડીને ધીમી કરવી પડી અને મારું ધ્યાન પેલા ગોવાળ ઉપર ગયું જેવું મેં જોયું તો હું ગાડી ત્યાજ ઉભી રાખી ને વિચાર માં પડી ગયો અરે આતો પેલા અમરા જેવો લાગે છે એવું વિચારી ને હું ત્યાથી નીકળી ગયો અને પછી મેં ઘણીવાર વિચાર કર્યો કે શું પેલો અમરો હતો કદાચ હોઈ શકે ? લાંબા સમયથી વિરહના અંધારાએ મને અમરાને ઓળખવા ના દિધો અને એ પવન રૂપી વિચારમા એ અમરા રૂપી વિત્તોરીયો થોડી વારમા ક્યાંક અદ્રશ્ય થઈ ગયો.

આંમ સાંજે હું જયારે ઘરે આવિયો અને અમે સાંજનું વાળું કરતા હતા, ત્યારે મેં મારા બાપુજીને વાત-વાતમાં અમરા વિશે વાત કરી કે બાપુજી અમારો અહી મોરઝર આવીયો કે શું?મેં અમરા જેવોજ ચહેરો આજે નવાગામ પાસે ની ગોલાઈ પાસે જોયો કદાચ એજ હતો તો બાપુજી કહે હા અમરાને ત્યાં મોરું વરહ હોવાથી તેના માલ(માલ એટલે ઘેટા બકરા) ને નાભાડવા માટે અહી આવીયો છે એવુ અમરાના દેવા મામાએ મારા બાપુજીને કહેલુ અને લગભગ બે ત્રણ મહિના અહી રોકાશે બસ પછી તે સાંજે હું મારી જાત અને અમરા વિશે જે મારા વિચાર હતા તેને વાગોળતા વાગોળતા હું સુઈ ગયો.

અને બીજે દિવસે ફરી એજ જગ્યાએ અમારો મને પાછો મળે છે અને ખબર નહિ પણ મારી જાત એને જોવા માટે થંભી જાતિ મને તેના ચહેરા ને જોવાનું મન થતું અને હું મારી ગાડી ઉભીં રાખી ને લગભગ પાંચ સાત મીનીટ તેના એ ભોળા, લાચાર, દયાળુ, નિસ્વાર્થ ચહેરા ને જોવા માટે ઉભો રહી જતો અને પછી અખો દિવસ અને રાત મારી જીંદગી અને અમરાની જીંદગી સાથે સરખાવતો અને કેવું પરિવર્તન થયું એ વિશે હું વિચારતો તો એની જાત તો એને એજ હતી એ ભોળો, લાચાર પણ સુખી અને દયાળુ ચહેરો તે અજ્ઞાની, અભણ અણસાર વાળો ચહેરો એ જ અમરો અને હું!! બસ એજ પેલો ભણલ??

હું ખુબ ભણ્યો બી. સી. એ. કર્યું એમ. સી. એ કર્યું અને હજી ભણું છું પણ પેલા અમરા જેવો સુખી ક્યાં છું અને હજી ભણુ છુ એટલે જાત પર વિશ્વાસ પણ કયા છે અને આ કરીને હજી આ ભણવુ છે કે કરવુ છે તેથી મનમા સ્થિરતા પણ કયા છે અને તે ભલે અભણ અને નિરક્ષર છે પરંતુ તેની પાસે એક ચોક્કસ ધ્યેય તો છે તે ગોવાળ છે તે પશુ અને તેના પરીવારને સાચવે છે એવું મને મારું મન કહી રહ્યું હતું અને હુ મારા પરમ મીત્ર વોટ્સ એપ અને ફેસબુકમા રાચતો હવે તો તેનાથી પણ હુ ગભરાવ છું અને કોઈ મારા થી આગળ નીકળી જશે તો એની પણ બીક છે કોઈ મિત્ર કે સબંધી જયારે બહાર કે વિદેશ ફરવા જાય એવા સમાચાર મળે તો હું ક્યારે જઈશ કે જઈ શકીશ કે નહિ?તેનો ડર છે આજે મારો બહારનો ચહેરો અમરા જેવો જ છે પરંતુ અંદર થી એ સહનશીલતા, ભોળપણ, ખુદ્દારી, પ્રમાણિકતા તેમજ દયા, પ્રેમ અને કરુણાની અણસાર ક્યાંક ભૂસાઈ ગઈ છે.

હવે હું પણ ઈ અમરાની જેમ જીવવા માંગું છું અને તમારા માંથી પણ ઘણા એવા હશે કે જે કદાચ મારી જેમ પેલો અમારો બનીને રહેવા માંગતા હશે સાચુને નય કેવો પેલો અમરો!! કે જ્યાં કોઈ બીક કે ડર નથી એક નિર્ભય મસ્ત મન અને બસ પેલી પ્રકૃતિની સાથે કે જ્યાં જીવવા અને મરવાની કોઈ પરવાહ નથી બસ મારે પણ પેલા અમરા ની જેમ લાચાર દયાળુ ચહેરો બનીને કોઈ ના દિલ માં રહેવું છે અને આ જીંદગી કે દુનિયા માં અમરો બનીને રહેવું છે બસ પેલો અભણ અમારો!!!!