સ્નેહનું સરનામું
સંકલન
સંગીઅખિલ
1
આટલા મોહક અને મોતી ભરેલાં ક્યાં મળે ?
ફૂલ પર ઝાકળથી આ પત્રો લખેલા ક્યાં મળે?
ઉંબરા પર પગ નથી મૂક્યો ને બસ આવો કહે,
આ નગરમાં માણસો એવા વસેલા ક્યાં મળે?
ધારણા સાચી પડી આજે તમારૂં આગમન !
બારણામાં તોરણો લીલા બનેલા ક્યાં મળે?
આ અતિથિનાં ભલા સન્માન આદર તો જુઓ,
ભર વસંતે અવનવા પર્ણો ઝૂકેલા ક્યાં મળે?
આંખ જો ખુલી તો એની શોધ આરંભી દીધી,
જોઉં ઓશિકા ઉપર શમણાં પડેલા ક્યાં મળે?
યત્ન પથ્થરથી કર્યા તો એકનાં કૈ થૈ ગયા,
દર્પણોનાં દેશમાં ચહેરા તૂટેલા ક્યાં મળે?
– યામિની ગૌરાંગ વ્યાસ
2
દોસ્ત, તાળું ન વાસ દરવાજે;
આવશે કોઇ ખાસ દરવાજે.
મારા ઘરમાં પ્રકાશ છે, રહેશે;
હોય છો ને અમાસ દરવાજે.
કેમ ભડકે બળી ગયો ઉંબર;
જઇને પગલાં તપાસ દરવાજે.
એ હવાથી ન આમ ખૂલી જાય;
એ હશે આસપાસ દરવાજે.
વાટ જોતાં ખડેપગે છે બેઉ;
વ્રુદ્ધ આંખોના શ્વાસ દરવાજે.
– યોગેન્દુ જોષી ‘યોગ’
3
અજંપાના ખચાખચ વન લઈને ક્યાં જશો?
અને ભૂલું પડેલું મન લઈને ક્યાં જશો?
જવું છે તો વિચારો બે ઘડી સર્પો વિશે,
આ અંગેઅંગમાં ચંદન લઈને ક્યાં જશો?
વળાંકો ભયજનક,પથરાળ રસ્તા છે બધે,
તમારું કાચનું વાહન લઈને ક્યાં જશો?
થયું છે સાવ રદબાતલ હવે છોડો મમત,
ચલણમાં જે નથી એ ધન લઈને ક્યાં જશો?
મરશિયાં, બેસણાં ને ખરખરા છે ચોતરફ,
કહો, પીડા અને ક્રંદન લઈને ક્યાં જશો?
— પારુલ ખખ્ખર
4
ચાલ એક આંટો બહાર મારી આવીએ,
બંધનોથી મુક્ત હવાને માણી આવીએ.
આમ તો સ્થળ ક્યાં કોઈ પણ બાકી હવે ?
કોઈના દિલ સુધી લટાર મારી આવીએ.
વદ્દીને દશકા બધું છોડીને સંસારમાં,
આપણું ગણિત ખોટું પાડીને આવીએ.
આપવાની મઝા શું હોય છે એ જાણવા,
વૃક્ષ કે પછી વાદળને મળી આવીએ.
પ્રાર્થનામાં આજે હવે માંગવું કશું નથી,
બસ, ખાલી એકવાર હાંક મારી આવીએ.
શબ્દની સાધનામાં જિંદગી ઓછી પડે,
હોય એ તો, નાની મોટી ભૂલ કરી આવીએ.
હસ્તરેખાઓ સુકાઈ જાય એ સારું નહિં,
કો’કના આંસુ લૂછી એને પલાળી આવીએ.
– મુકેશ જોશી
5
ખુદની સાથે મળવાનું રહી ગયું,
ભીતર તરફ વળવાનું રહી ગયું !
ટીકા કરતા રહ્યા હંમેશા અન્યની,
અને ખુદને પરખવાનું રહી ગયું !
દૂરના સંબંધોમાં વ્યસ્ત રહ્યા સદા,
નિકટના સાથે ભળવાનું રહી ગયું!
કાબાથી કાશી સુધી પથ્થર પૂજ્યા કર્યા,
અને, ઈશ્વરને ઓળખવાનું રહી ગયું!
ગણ્યા કર્યા પેલા મુઠ્ઠીભર સિક્કા વ્યર્થ,
અને પેલું સુખ ગણવાનું રહી ગયું !
બે થોથા ભણી લીધા ને હોંશિયાર થઇ ગયા,
પણ, જ્ઞાન સમજવાનું રહી ગયું !
ઝપાટાભેર વહી રહી આ જિંદગી
અને સાલું......
આ જીવવાનું તો રહી ગયું !!
6
ગાર-લીંપ્યું આંગણું વરસો સુધી અકબંધ હોય
નીકળે છે એમ એ પગલાં કે જાણે અંધ હોય.
ચક્રવાતી હોય તું ને જિંદગી આ રાત હોય,
હોય સૂરજ ત્યાં સુધીનો આપણે સંબંધ હોય.
સાત સમદર પાર એની શોધ માટે મેં કર્યા,
ને સમય-રાક્ષસના કિલ્લામાં પરી એ બંધ હોય.
એ ભલે છાંયો ન દે પણ એ ના ખસે,
એટલો તો ભીંતની સાથે ઋણાનુબંધ હોય.
એટલે હું ફૂલને જોતો નહીં હોઉં કદાચ,
હું સતત ઝંખ્યા કરૂં છું એ ફક્ત સુગંધ હોય.
7
જે કહેવુ હોય એ જલદી કે સવાર પડે છે.
એ રુડા તારલીયા ટમટમે જોવા હોય તો જલદી જોઈ લે સપના...
જે કહેવું હોય એ જલદી કે સવાર પડે છે.
એ રુડી રાત વીતે છે
નવી સવાર પડે છે જે કહેવુ હોય જલદી કહી દે.
એક લેખક ઈચ્છે કોઈ એના ગુણગાન ગાઈ એ થી વિશેષ તો શું જોઈએ.
લે વાલી સવાર પડી ગઇ.
મિલન
8
આપી નથી અવરને કદી સંઘરી નથી
કુબ્જા નથી પીડા , તો નથી ; પણ પરી નથી
એક અર્થ છે પીડાનો તારી ગેરહાજરી
ને લાખ અર્થ પીડાના તારી હાજરી નથી
પ્રગટી શક્યું હજીયે કશું નિર્વિવાદ ક્યાં
પીડા હજી કિનારા લગી વિસ્તરી નથી
પીડા મેં ફેફસામાં પ્રથમ શ્વાસથી ભરી
પીડા સમયની સાથે કૈં ફેરા ફરી નથી
ઈચ્છા, પ્રથમ ચરણ પીડાનું હોય તો ભલે
મૃત્યુય આ સફરનું ચરણ આખરી નથી
સ્નેહી પરમાર
9
સમયને અવગણી ફેંકી ગયું છે કોઈ રસ્તામાં,
સમજના અર્થને છેદી ગયું છે કોઈ રસ્તામાં.
સૂરજના ઊગવા સાથે હશે સંધાન હલચલને,
તમારી જાતને ખેંચી ગયું છે કોઈ રસ્તામાં.
ગુલાબી એક પગલું સહેજ મલક્યું ચાલવા સાથે,
મધુર સ્વર સાંભળી બહેકી ગયું છે કોઈ રસ્તામાં.
સતત બસ ચાલવું, પણ ક્યાં સુધી; ઉત્તર જરી આપો.!
અમારો પ્રશ્ન અવહેલી ગયું છે કોઈ રસ્તામાં.
ક્ષણોના થાકનું પ્રસ્વેદ-બિંદુ લઈ હથેળીમાં,
અમારી આંખમાં બેસી ગયું છે કોઈ રસ્તામાં.
ગુણવંત ઉપાધ્યાય
10
આખેઆખો માણસ જયારે કોઈ વાતે, આંસુ થઇ રેલાય એ કોઈ જેવી તેવી ઘટના છે ?!
છાતી પરનો ભાર અચાનક સૌની સામે ડૂસકાં થઇ પડઘાય એ કોઈ જેવી તેવી ઘટના છે ?!
આંખ વચાળે ચાસ બનાવી, જતન કરીને, સોના જેવાં શમણાં રોપ્યાં, ને ઉછેર્યાં, મ્હોરતાં પહેલાં-
એ શમણાઓ તૂટે તડાક દઈને ત્યારે કાચ થઇ ભોંકાય એ કોઈ જેવી તેવી ઘટના છે ?!
વરસો પહેલાં છુટો પડેલો એક ગોઠિયો થઇ આગંતુક સાવ અચાનક એક સવારે આંગણ આવે
ઓળખી એને આંખ તમારી, હૈયું એનું ઝળઝળીયે ભીંજાય એ કોઈ જેવી તેવી ઘટના છે ?!
ઉનાળાની ભર બપ્પોરે ધૂળની ડમરી, વાતી લૂ માં ગુલમહોર મહોરે ને ગરમાળો લૂમે લટકે,
એ જોઇને ‘બ્રેડ પરેડી’ કોઈ માણસ ભીનો થઇ હરખાય એ કોઈ જેવી તેવી ઘટના છે ?!
ભરચક્ક બસમાં કોઈ વૃદ્ધા ઉભા ઉભા જાત સંભાળી કરે મુસાફરી, જુવાનિયાં સૌ બેઠાં રહેતાં,
દિલમાં રામ વસે કોઈ જુવાન ઉભો થાય ને પેલી વૃદ્ધા પોરો ખાય એ કોઈ જેવી તેવી ઘટના છે ?!
કોડ ભરેલી કોઈ કન્યા પરણ્યાના થોડા દહાડામાં સાસરિયાના જુલમ-સિતમથી ઘર છોડીને,
બાપને ઉંબર આવી પહોંચે તે ઘડીઓમાં બાપનું દિલ કોરાય એ કોઈ જેવી તેવી ઘટના છે ?!
એક ગલુડિયું કઉં કઉં કરતુ માને શોધે ગલી ગલીમાં ત્યાં એક ભુલકું તેના ભાગનું દૂધ પીવડાવે,
ભુલકાનું મન નાચી ઉઠે ને મન મનમાં ‘આનંદ’ ઉત્સવ થાય એ કોઈ જેવી તેવી ઘટના છે ?!
અશોક જાની ‘આનંદ’
11
બાકી જિંદગીથી કોઈ ફરિયાદ નથી ,
બસ છેલ્લે ક્યારે મજા આવી એ યાદ નથી,
વ્યસ્તતા એ માઝા મૂકી છે બરાબર,
છેલ્લે ક્યારે રજા આવી એ યાદ નથી,
આંખના ખૂણા મેં સાફ કર્યા હતા કે ,
ખરી ગયું એ પાણી, એ યાદ નથી,
આમ તો સતત હાસ્ય રાખું છું ચહેરા પર,
સાચ્ચે હસ્યો તો ક્યારે એ યાદ નથી,
જે વરસાદમાં હું ભીંજાયો હતો દિલથી,
એ વરસ્યો તો ક્યારે એ યાદ નથી,
જીવતા જીવતા ઈચ્છાઓને બધાની,
ક્યારે હું મને જ ભુલ્યો એ યાદ નથી,
ઉભો નથી કતારમાં તારા મંદિરે ઈશ્વર,
પણ તને હું ભુલ્યો એવી ક્ષણ યાદ નથી.
12
બે-ત્રણ કિરણ કરતાં વધુ ચોરી ન થઈ શકે
આખા સૂરજની કોઈથી કોપી ન થઈ શકે
આકાશમાંથી છીપમાં હર જન્મમાં પડે
એક ટીપુ કે જે કોઈ દી’ મોતી ન થઈ શકે
કપમાં ભરીને પીવું છું અફસોસ એ જ કે
તારા કડક સ્વભાવની કોફી ન થઈ શકે
શું એને ફેવિક્વિકથી ચોંટાડી દીધી છે?
કે ભૂખ પેટથી કદી નોખી ન થઈ શકે?
ટેટૂની જેમ જીભ પર ત્રોફાવશે બધા
સૌરાષ્ટ્ર જેવી ક્યાંય પણ બોલી ન થઈ શકે
કુલદીપ કારિયા
13
એવી રીતે થોડી કૈં લાગણીઓ જાગે?
પાણી તો ના હોય અને તું પથ્થર નાંખે.
એક તફાવત જળનો એને સમજાવો એ,
રણમા જાળ બીછાવે છે માછલીઓ માટે.
પાસે જઇને ભ્રમણાનું પણ સુખ ગુમાવ્યું,
ડુંગર તો રૂપાળા લાગે... આઘે --.આઘે.
અધ-ખુલ્લી બારીની સામે કેસ લખાવો,
એક કૂતુહલ રોજ અમારા મનને વાગે.
એમ વિતાવ્યા છે મેં દિવસો તારા વિના,
કંજૂસ પાઇ પાઇના........ હિસાબો રાખે.
14
ખુશ્બૂમાં ખીલેલા ફૂલ હતાં ઊર્મિમાં ડૂબેલા જામ હતા,
શું આંસુનો ભૂતકાળ હતો – શું આંસુનાં પણ નામ હતાં.
થોડીક શિકાયત કરવી’તી થોડક ખુલાસા કરવા’તા,
ઓ મોત જરા રોકાઈ જતે – બેચાર મને પણ કામ હતાં.
હું ચાંદની રાતે નીકળ્યો’તો ને મારી સફર ચર્ચાઈ ગઈ,
કંઈ મંઝિલ પણ મશહૂર હતી – કંઈ રસ્તા પણ બદનામ હતા..
15
રાતે કતાર સપનાંની નીકળી હશે,
એકાંતમાં તું એ રીતે તો છળી હશે,
પર્વત ધરે કે હોઠો પર વાંસળી મૂકે,
ક્યારેક, ક્યાંક ચર્ચાઈ આંગળી હશે?!
તાજા ગુલાબને જોયું ને ત્યાં તો શક્ય છે,
ચૂંટવા હૃદયની ઈચ્છાઓ સળવળી હશે.
સામેથી આપ મળવા આવ્યાં ! થયું મને,
એકાદ હસ્તરેખા સાચ્ચે ફળી હશે.
થોડી ઘણી પીગળતી ગઈ લાગણી સહજ,
ત્યારે જ તો ગઝલ મારી ઝળહળી હશે !
કાગળ અજાણ કહે છે મારી જ વારતા,
લખનારે જિંદગીને ક્યાં સાંભળી હશે?!
રસ્તે ધરાર પણ અટક્યો ના ‘પથિક’ હું તો,
મંઝિલ સુધી ઘણીયે ઠોકર મળી હશે !
જૈમિન ઠક્કર ‘પથિક’
16
પાનખરમાં લીલા વગડા થઈ ગયા,
આ તરફ શું એના પગલાં થઈ ગયા.
રાત જેવી રાત ઉજળી થઈ ગઈ,
રૂપના કૈં એના તડકા થઈ ગયા.
ખુદના માટે પણ હતા દુર્લભ અમે,
આપના માટે અમસ્તા થઈ ગયા.
થાય શું બીજું પ્રતિક્ષામાં અહીં,
રાત-દિવસ બેઉ સરખા થઈ ગયા.
જે અડોઅડ બેસતા’તા આપણી,
કોણ જાણે કેમ અળગા થઈ ગયા.
હાથ વાંસા પર ફર્યો’તો મિત્રનો,
સેંકડો ઊંડા ઉઝરડા થઈ ગયા.
રંગોળી રૂપે હતા રંગો અહીં,
કેમ એ લીલા ને ભગવા થઈ ગયા.
સૌ સમસ્યાનો હતો એક જ ઉપાય,
મૌન જો સેવ્યું તો રસ્તા થઈ ગયા.
’મીર’ મેં પણ સાદ પાડ્યો’તો કદી,
વ્યર્થ એ ઘુમ્મટના પડઘા થઈ ગયા.
ડૉ. રશીદ મીર
17
ચારે બાજુથી મેઘ ખાંગો છે,
આપણો ડૂબતો ઇલાકો છે.
એમ દોડે છે શહેરમાં લોકો,
જાણે જંગલમાં કોઇ હાકો છે.
આયનામાં ફકત ના મોઢું જો,
એના કૈં કેટલા વિભાગો છે.
પેલા પોપટની જેમ ઇચ્છાનો,
આપણી ડોકમાં ય ધાગો છે.
ક્યાંય પણ નામનો નથી ઉલ્લેખ,
એમને એટલો જ વાંધો છે.
ઊંઘ આવે તો શી રીતે આવે,
સાંઇની ગોદડીમાં સાંધો છે.
’મીર’ એને ય ભુલાવી બેઠા,
જે હતો સાથે હવે સામો છે.
ડૉ. રશીદ મીર
18
એકલ દોકલ વરસાદે કેવી ભીંજાતી હું,
વાત વાતમાં વ્હાલમ વાદળ ઓઢાડીને છૂ.
સાંજ પડે ને વ્હાલમ આવી પૂછે, ‘કેમ છો રાણી’,
છે મજા એવું બોલીને છલકે આંખે પાણી,
તો આંસુના દિવાને એ પછી એણે ફૂંક મારી – ‘ફૂ’
વ્હાલમ ક્યારે દરિયો દિલનો ઢોળે,
ક્યારે વ્હાલમ મૂકી માથું સૂવે મારે ખોળે.
ને મેં કહ્યું કે રોકાઈ જા, તો એ કહે – ‘ઉંહુ
એકલ દોકલ વરસાદે કેવી ભીંજાતી હું,
વાત વાતમાં વ્હાલમ વાદળ ઓઢાડીને છૂ.
મુકેશ માવલણકર
19
આજ, ગમતી જિન્દગી ક્યાં છે ?
ચાંદ છે પણ ચાંદની ક્યાં છે ?
છે બધે અંધારની છાયા,
માણસાઈ રોશની ક્યાં છે ?
આંજવા છે એકબીજાને,
ખુશ રહે દિલ, સાદગી ક્યાં છે ?
જાન આવે એક મડદામાં,
ઓ ખુદા એ બંદગી ક્યાં છે ?
પ્રેમમાં ‘જય’ સૌ પડે લેકિન,
‘મજનું-લયલા’ આશિકી ક્યાં છે ?
જયવદન વશી
20
આંખમાં છો ને ભીની ઝલક ઊઘડે,
મેઘ વરસી પડે તો ફલક ઊઘડે.
ગાલ પર કોઈ શમણાનું પીંછુ ફરે,
પોપચાં થરથરે ને પલક ઊઘડે.
રોજ લાગે કોઈ યાદ કરતું હશે,
રોજ છાતીમાં ઝીણી સલક ઊઘડે.
પારકા દેશમાં તારી યાદ આવતાં,
ઘર તો ઘર, આખેઆખો મલક ઊઘડે.
છો ખલીલ ! આજ મન થોડું હળવું થતું,
આંખમાં છોને ભીની ઝલક ઊઘડે.
21
એક રાતે થયો વરસાદ ઘણો,
હું પણ રડ્યો આખી રાત ઘણો,
ઘણા ગમ હતા જમાનાના પણ,
હું એકલો હતો એ રાતે ઘણો,
પછી આંખોથી શ્રાવણ વરસ્યો,
જ્યારે સવાર પડી આવ્યો વિચાર ઘણો.
એ વાદળો પણ હતા કેટલા એકલા,
જે બની વરસાદ વરસ્યો આખી રાત ઘણો…
નીશીત જોશી
22
અળખામણો હું એમ કૈં અમથો નથી થયો !!
કારણ : કદી હું કોઈનો ચમચો નથી થયો .
ડૂબી જવાનું આમતો મંજૂર ત્યાં કર્યું ,
કેવળ તરી લેવા જ હું હલકો નથી થયો .
વાણી પ્રદૂષણથી નથી વિશેષ એ કશું ,
જે શબ્દ ફેકાયા પછી પડઘો નથી થયો .
હા ,રાત હો તો રક્તમાં ભળવાની ટેવ છે ,
સહેજે ય પડછાયો કદી અળગો નથી થયો .
રાતી ચણોઠી ઘાસ નીચે રાખનાર કહે :
થઇ સાંજ ફળીયે ફૂંકતા : તણખો નથી થયો .
આખા ભરેલા ગ્લાસની સમજાય છે કથા ?
ના .કેમ કે તું કોઈ દી અડધો નથી થયો .
છે આટલી નિરાંત મારા ખોરડે ઘણી ,
છાંયો ભલે હું ના થયો : તડકો નથી થયો .
હેમંત ગોહિલ ‘મર્મર’
23
શ્વાસો મરે પળે પળે એની કશી દવા નથી ,
છેવટ પછી મરણ મળે એની કશી દવા નથી .
ફોગટ હવે તમે સદાય ફૂંક મારતા રહો ,
માણસ અગન વગર બળે એની કશી દવા નથી .
માટે જ કહું છું ચાલજો ચેતી જરાક ઘાસમાં ,
ઘાયલ થયા જો ઝાકળે , એની કશી દવા નથી .
મારા જ કારણે બને છે રોજ રોજ આમ તો ,
પગલાં દબાય પગ તળે એની કશી દવા નથી .
ટાણું અષાઢનું ફરે છે આજકાલ આંગણે ,
જો ડામ દીધો વાદળે એની કશી દવા નથી .
સૂકાય છે ગળું અને પીટાય ઢોલ ગામમાં ,
વેચાય છે તરસ જળે એની કશી દવા નથી .
વીતી ગયો સમય બધો કલ્પાંતમાં સવારનો ,
સમજાવ ,સાંજ તો ઢળે એની કશી દવા નથી .
હેમંત ગોહિલ ‘મર્મર’
24
કૈંક ચોમાસાં અને વરસાદ રાધા,
એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા,
ને ઝુરાપાનું સુદર્શન આંગળીએ,
રોજ છેદી નાખતો જે સાદ રાધા,
એટલે તો જિંદગીભર શંખ ફૂંક્યો,
વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા,
કૃષ્ણને બહેલાવવાને આજ પણ,
ચોતરફ બ્રહ્માંડમાં એક નાદ રાધા,
કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.
અજ્ઞાત
25
શું સાંજ, શું સવાર અમે ચાલતા રહ્યા,
કીધા વિના પ્રચાર અમે ચાલતા રહ્યા.
નિષ્ક્રિય થઈને જીવવું બદતર છે મોતથી,
રાખીને એ ખુમાર, અમે ચાલતા રહ્યા.
અવરોધ એવા કંઈક હતા જો કે રાહમાં,
ત્યાગીને સૌ વિચાર અમે ચાલતા રહ્યા.
એક આદમીને એથી વધારે શું જોઈએ ?
આપીને સૌને પ્યાર અમે ચાલતા રહ્યા.
બસ લક્ષ્ય પામવાની હતી અમને ખેવના,
સુખનો ગણી પ્રકાર અમે ચાલતા રહ્યા.
સહકારની અપેક્ષા અમારી ફળી નહીં,
ઉચકી બધાનો ભાર અમે ચાલતા રહ્યા.
‘રાઝ’ નવસારવી
26
એના હાથોમાં જે સરનામું છે,
એ ઠેકાણું તો મારા ઘરનું છે !
એક સુરાલય છે આપણું મિત્રો,
બાકી આખું જગત તો એનું છે !
તારે શું કહેવું છે હું જાણું છું,
તને મારે પણ એ જ કહેવું છે !
એનું મળવું ન મળવા જેવું હતું,
એનું જોવુંય જોવા જેવું છે !
પહેલા આ વાતનો ખુલાસો કર,
તારે દિલ દેવું છે કે લેવું છે ?
એ ખુદા છે તો એના ઘરનો હશે,
એને ક્યાં મારા ઘરમાં રહેવું છે !
તું સહજ મનની આંખ ખોલ ને જો,
તારી સામે જ કોઈ બેઠું છે !
આ ગઝલ તો તમારી છે, ‘ઓ અદી’
એમાં જે દર્દ છે એ કોનું છે ?
અદી મિર્ઝા
27
તું તો સમરથ, હું ભાગ્યથી રાંક
સૈયાં રે! મારો કિયો ગુનો, કિયો વાંક ?
ખાગા થઇ વરસે છે બારે ગગન
એની વાંછટ જીવને ન અડકે,
ઉકળતા દિ' અને બળબળતી રાત
મારી ખોબા શી છાતીમાં ખળકે,
દઇ મારગ કંઇ દીધા વળાંક...
જીવતર દીધું દઇને શ્વાસોનું પીજરૂં,
વેરીને સપનાનું ચણ
ચીતરેલી બારીમાં મુક્યું આકાશ
દીધું ઊડવું દઇ પાંખોમાં વ્રણ
મને વ્હાલપના રેશમથી ઢાંક.
હરિશ્વંદ્ર જોષી
28
સૈયા, તું તો રે'જે મારી ભેર
સાંકડ્યુંથી તારવીને લઇ જાને ઘેર
તારા લગી જાવું મારે
વ્હેંત છેટું રેવું તારે
દોડી દોડી પહોંચીને, ઊભી એક જ કેર...
વચનને વળગી છું,
ભીનું ભીનું સળગી છું,
વૈજ્યંતી જેવી મેં તો રોઇ આંશું સેર....
આંગળી મુકાણી જ્યાંથી
મુજથી ખોવાણી ત્યાંથી
નદી તલખે રે સાયર, થાવા તારી લ્હેર....
હરિશ્વંદ્ર જોષી
29
#જીવવું પડે
મજબુરીનું નામ છે જિંદગી જતાં, સહન કરવી પડે છે.
કુદરતની આ થપાટ જે, હસતાં મુખે પણ સહન કરવી પડે.
છીનવી લીધી આખી જિંદગી છતાં, ખુશ રહેવું પડે છે.
લાચાર હું જેને કોઇના સહારે જીવવું પડે છે.
મજબુરીનું નામ છે જિંદગી છતાં, સહન કરવી પડે છે.
નથી ગમતું છતાં પણ લોકો વચ્ચે જીવવું પડે છે.
પોતાના જ બાંધી દે છે, કસમ દઇને જ્યારે,
ત્યારે મરતાં મરતાં પણ જીવનમાં જીવવું પડે છે.
ચેતના ગોહિલ, મહુવા
30
#મને ગમે
એવું તે શું છે તારામાં, કે આ ધરતી પર તારી આસપાસ રહેવું ગમે.
આપે છે તું જે કંઇ મલકાટ સાથે, વાઘબાણ એ સઘળું સહેવું ગમે.
તારા હર એક શબ્દને મનથી સાંભળું છું, તને તારા જ શબ્દ વડે કહેવું ગમે.
હોઠ પર સ્મિતને આંખમાં ઝળહળતું પાણી, તારામાં મને એ ક્યારેક જોવું ગમે.
તારા જીવનથી હા પ્રભાવિત છું હું, માટે તને ઓળઘોળ થઇને વીંટળાઇ રહેવું ગમે.
વાતે વાતે એ કઠોર શબ્દોને વળી નાજુક નિખાલસતા, એ અદ્ભુતતાને અનુભવવું ગમે.
હા, તું જ છો મારા હદયના એક ઊંચાને અલગ સ્થાન પર મને એ મનોમન કહેવું ગમે.
નિરલ હરિયાણી, પીથલપુર