વિરહ-મેળાપ vanraj bokhiriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિરહ-મેળાપ

વિરહ-મેળાપ

- ધડ ધિગાણે જેના માથા મસાણે એના,

પાળિયા થઇને પૂજાવુ ઘડવૈયા !મારે ઠાકોરજી નથી થાવુ.....(2)

-ઝવેરચંદ મેઘાણી

-સૌરાષ્ટ્રના અતળીયાર ગામોમાં ઘૂમી-ઘૂમીને ત્યાંની લોક-વાયકા, લોક-ગીત. લોક-સંસ્કૃતિ ગોતી-ગોતીને સૌરાષ્ટ્રની સંસ્કૃતિને જગત સામે જેમણે લાવી એવા મેઘાણીબાપના આ ભજનને રૂડી સતત ગાયા કરે. ગણગણ્યા કરે. સોરઠના ગીરના નેસડાઓમાં રેતી રૂડી માઁ વગરની અને ગરીબડા બાપની એકની એક દિકરી હતી, રૂડી સવારે ચોથા પહોરે ઉઠવું, વાસિંદા કરે, ગાય દોવે, ગામની પાદરે પાણી ભરવા જાય, ખેતરે મજુરી કરવા જાય, ઘરના વ્યવહાર પણ રૂડી જ હાચવે, ખરેખર રૂડયાભગતને ભગવાન દિકરીના રૂપમાં દિકરો જ આપ્યોતો.

-દિકરી, હેવ તો તારો બાપ માંગા નકારી નકારી ને થાકી ગ્યો સે.. ક્યા હૂધી મારી સેવા કરવાના બ્હાને ના-ના કરીહ?” સાંજના સમયે વ્યારૂ -પાણી કરીને ટૂટેલા ખાટલાને જેમ-તેમ બાંધીને આખા દીનો થાક ઉતારતો રૂડયાભગત પોતાના પગ દબાવતી દિકરીને બોલી ઉઠયો, 6 દાયકાનો નબળો, સતત ખાહતો દેહ, રાત પણ ધોળી લાગે તેવો કાળો વર્ણ, નૂર વગરની ઉંડી ગયેલી આંખો વાળો ચહેરો, ઢાંકવા ખાતર ડીલ પર ખમીસ ને પોતડી પેરેલી, અંજવાળા ખાતર રાખેલ દિવડો પણ હેવ રજા માંગતોતો, ખંડેર જેવા મકાનમાં ઓસરી-રહોડુ બેય એકમાં આવી જતુ ને ફળીયે એક મરવાને વાંકે જીવતી ગાય ખીલ્લાયે ખોડેલ હતી.

- “એટલી વેગળી લાગતી હોવ તો કાઢી મૂકોના મને..! ઓલો કારીયો રોજ પાછળ-પાછળ આવેસ, આપી ધો મને ત્યાં, કોડીયા પણ હારા આપહે તમણે...રૂડી ઉભી થઇને રડતી-રડતી બોલી ગઇ, ઊંચો મજબૂત દેહ પર ઓઢણું-કાપડું-ઘાહીયુ, શ્યામલો નિર્દોષ ચહરો-તેજવંતી આંખો, કાળા ભમ્મર વાળ તો કમરે પુગતા એવી રૂડીને બાપનું કે લાગી આવ્યું, ‘આટલા વરહ એટલે નથ કાઢયા, બાપુ! કે તમે પૈસાદારને ગોતો, મારી સેવા મારા માટે ભગવાન ની પુજા સમાન છે.”

"પણ દિકરા! આમ ક્યા સુધી? ાંજ્યો બાપ અને દિકરી ઘરે હોય નાત મા કલંક જેવા હોય સે, અપડે તો ગરીબ સે, તારા કરીયાવર માટે પણ મારી પાહે કાય નથ, જે તને પસંદ કરીહે ઈ જ તારી હારે લગન કરીહે"

"બાપુ! ગરીબ સીએ, પણ માંયગાંગલા કે આબરુ વિનના નથ કે જે આવે ઈ લય જાય! મારે પરણવુ જ નથ, જે પોતાની શુરી ઘર મા બાયુ ને મારવા મા કાઢે તેની હારે 2-3 દાયકા કાઢવા કરતા તો 2-3 પળ એવા મરદ હારે કાઢવી સારી જે બીજાના જીવ કાજે પોતાનો જીવ આપી દેય, તમે પન ઘર માજ શુરા હતાને? બાપુ! હુ હમજણી થાવ તે પેલા જ મરી ગય મારી મા.." રીતસર રડવા લાગી રુડી.

"એની તો સજા ભોગવુ સુ મારા દિકરા! તારી માં તો દેવી હતી એટલે વેલી વઈ ગઈ..’ બાપ-દિકરી બેય રડવા લાગ્યા, બેયની ભિનાશમાં દિવો હોલવાઇ ગ્યો, આવી તો કેટલીય રાત વહી ગઇ હતી.

- શાંત રળીયામણા ગામમાં ગરીબી-અમીરીનો ભેદ તો હતો જ પણ શાંતિથી રહેવામાં માનતાં ગામમાં સ્વરક્ષા કરી શકે તેવા થોડા જ મરદ હતા, એક તો ગામડું પર્વતોની વચ્ચે આવેલું ને પાછું જે રાજ્યમાં આવતું તેનો રાજા શાંતિ-પ્રિય હતો એટલો લાંબો સમય ધિગાણા થાય એ બનતું જ નહી, ગામ એટલું જાહોજલાલીવાળું પણ ન હતું કે દૂશ્મનોની નજરૂમાં આવે, આમ છતાં એક સમય એવો આવ્યો કે દુશ્મન રાજ્યના લશ્કરે આ રાજાના રાજ છુપીથી આક્રમણ કર્યું ને રૂડીનું ગામ નઝરે ચડી ગ્યું, કાયરોની માફક રાતના બીજા પ્હોરે આવ્યા, બરછી-ભાલા-તલવારૂએ લોહીની નદીયુ વહાવી, ઘરૂ લૂંટ્યા ને બાયુને પણ ન મુકી, આવા સમયે જયારે ગામના બીજા મરદ ભાગતાતા ત્યારે એક મરદ મુંછાળો-છપ્પનની છાતી વાળો બે હાથે તલવારૂ લઇનેજય જન્મભૂમિનો નાદ કરીયે જતો દુશ્મનોના રામ રમાડયે જતોતો, રામભાઇ પુરા લશ્કર સામે એકલો ભારી પડયો, પછી તો રહી-સહી આબરૂં બચાવવા ગામના બીજા મરદો પણ મેદાને પડયા ને દુશ્મનોને ભગાડ્યા, પણ આ બધા વચ્ચે રામભાઇ ક્યા ગ્યા ઇ કોઇને ખબર ન પડી.

- સવારનો સમય. ગાયું ચરાવા જાતી, પ્રભાતિયા ગવાતાં, ક્યાંક લોઢા ટીપાતું, ક્યાંક લાકડું કપાતું, કરિયાણું ખુલ્યુ, કામ-ધંધા પાછા શરૂ થ્યા, કારણ?? કારણ રામભાઇની મર્દાનગીને કારણે ગામ દુશ્મનોની ચુગાંલમાં પુરેપુરું નતું આવ્યું ને ગ્યા વરહે વરસાદ ન થતા ગામના ખસ્તાહાલ હતા, દરરોજ-દરરોજ ન કમાય તો ખાવા ના પણ ન રહે.

- આ બધા વચ્ચે ગામના છેવાડે રેતી રૂડી ને ધિગાણા થયાની ખબરૂ ન હતી, સવારના પહોરમાં હાંડા-બેડું લઇ નદીકાંઠે પાણી ભરવા ગઇ ત્યારે ગામની પાદરે ધિગાણાની વાતુ સાભરતી ગઇ, હજુય ગામમાં ફફડાટ હતો, આ સમયે બાય માણહ ઘરની બ્હાર નોતી નીકળી ને રૂડીને જાતી જોઇ બધા હસતાતા કે રૂડલીને પોતાનો જીવ વાલો સે ક નઇ? પણ, રૂડી આ બધાને જવાબ વાળવામાં નોતી માનતી! ગામના મોઢે થોડા ગરણા બંધાય? એ તો રૂડીની બીજી ઘણી વાતુ થાતી પણ..!

- “પાણી! પાણી!” રૂડી નદીકાઠે હાંડો-બેડું ભરીને જાતીતી ત્યાં ઝાડી-ઝાંખરાની પાછળ જાણે કે ગેબી અવાજ હોય તેમ સંભળાયો, બીજી કો બાય માણહ હોત તો બી-બી ને મરી જાત પણ આ તો રૂડીબાઇ હતી, હાંડો મુકી એકબાજુ ને ઝાંખરાની ઓલી પાર ગઇ, ને જોયું તો ઝાંખરીની વચ્ચે પાંચ હાથ પુરો મરદ મુંછાળો લોહીની નદીયુંથી ન્હાયેલો જણ બેય હાથમાં તલવારૂ સાથે બેભાન પડેલ હતો, તલવારૂની મૂંઠ એવી વળી ગયેલી કે જેવો-તેવો મરદ તો મુંઠ ખોલી જ ન શકે, રૂડી ને ગમ નોતી પડતી કે શું કરે? એકલી બાય માણહ ને આ જણ તો બે માણહથી પણ ન ઉપડે!!! રૂડી પાછી વળી હાંડાનું પાણી ખોબે લઇ પેલા તો જણને ભાનમાં લાવવા મથવા લાગી, પાણી પાયુ પણ પાણી મોઢે જાય નઇ, ઘાના કારણે સતત જણ કણહતોતો, રૂડીએ ઓઢણું ફાડીને જણના પીઠના ઘાને બાંધ્યો, પણ, હેવ આ જણ એકલો મુકાય ઇમ નોતુ ને આજુબાજુ કોઇ દેખાતું નોતુ.

- “એ કાળીયા ઠાકર! હેવ જે થાય ઇ..’ રૂડીએ હિમ્મત ભેગી કરીને જણ ની પાહે ગઇ, પેલ્લા તો હાથમાંથી મુંઠ કાઢી, પછી આગળ નમીને ડાબા ખંભે લેવા ગઇ, બેભાન મરદ હલવાનો પણ ક્યાથી? ને ખેચીને ઢહડવો પણ કેમ? પાછું વળાય નઇ ને આ મરદને એકલો મુકાય નઇ! રૂડીના અંતરે સિંહણ જાગીમાઁ જોગમાયાનામ જપતી-જપતી મરદને ઊચક્યો ખંભે ને હાલી નીકળી ગામ તરફ..! જાણે સાક્ષાત જોગમાયા આવતી હોય તેવી ખુલ્લે વાળે આવતી રૂડીને જોઇ ગામના માણહો બીકના માર્યા મોઢે આગળા મુકી ગ્યા, વાતુ થવા લાગી, ‘બાય માણહે મરદને અડાય? ગામના મરદો મરી ગ્યાતા?’ પણ, રૂડીને તેમાં ધ્યાન નોતું, ઇ તો મરદને ઘેર લઇ ગઇ, ઘેર જઇ મરદને ખાટલે સુવડાવી, કપડાં કાઢી ને પુરા દેહના ઘા સાદા પાણી થી ધોયાં ને હળદરનો લેપ મરદના દેહના ઘા પર લગાડ્યો, તાવ આવ્યો હોય તેવા ધગધગતા કપાળે ભીનુ મીંઠાવાળું પોતું લગાડ્યું, નાના-મોટા ઢાબળા તેના દેહને ઓઢાડયા ને પછી પોતાના કામે વળગી.

- સાંજ સુધીમાં ગામમાં વિજળીવેગે આ વાત ફેલાઈ ગઇ, રૂડીયોબાપા આવતોતો ત્યારે જ તેમના કાને આ વાત ગઇ કે રૂડીએ કોઇ અજાણ્યા મરદને ઘરમાં ઘાલ્યો સે! શામાટે? કે કઇ રીતે? તેવા સવાલો રૂડીયાબાપાના મનમાં જ ન આવ્યા ને આગઝરતો ક્રોધ મનમાં લઇને ઘેર આવ્યા! રૂડી ન દેખાણી ને સૌથી પેલ્લી નજર ખાટલે સુતા મરદ પર ગઇ, ક્રોધમાં આગળ-પાછળ વિચાર્યા વિના ખાટલો પકડીને કર્યો ઊંધો ને મરદ પટકાયો જમીનમા!!

- “બાપુ!” રૂડીયોબાપા મરદને પકડે એ પહેલાં તો રૂડી આવી ગઇ, રૂડીયોબાપો ગ્યો તેની પાસે ને વાળ પકડીને મારવાં ગ્યા, “મારી નાંખો મને, બાપુ! પણ, ઇ પેલ્લા મારી વાત તો સાંભળો! તમને મારા સમ!રૂડીએ આજીજી કરી ને રૂડીયાબાપા બુધ્ધિ આવી, રૂડીના વાળ છોડ્યા ને રૂડીએ સવારની બિનાં કિધી, રૂડીયોબાપો પારાવાર પસ્તાયા!!

- “મને માફ ક, દિકરા! નાતના મોઢે સાંભળતાં મારી મતિ મારી ગઇ, રૂડીયાબાપાએ માફી માંગી, રૂડીએ માફ કર્યા ને પછી તો બાપ-દિકરી મરદ મુંછાળાની સેવા કરવા લાગ્યા, 2 -3 દિની સેવાના પ્રતાપે મરદ ભાનમાં આવ્યો, બપોરના ટાણે ભાનમાં આવતાં જ રૂડી દેખાણી, ગાયનાં વાસિંદા -દોવણા-ઘરકામ કરતી રૂડી એ મરદ જેને ગામ આખુંરામભાઇતરીકે ઓળખે તેની આંખોમાં વસી ગઇ.

- “ગામ આખું તમારા વખાણ કરતા થાકતા નથ! રામ! હું તો મારા કાળીયા ઠાકરને વારંવાર આભાર માનું સુ કે મારી અક્કલને જોર આપ્યું કે હું તમને ઘેર લઇ આવી શકી, નક્કર આપણું ગામ તો નમાલાઓનું ગામ સે!રામભાઇને ભાન આવીતી પણ ઘા રૂઝવવામાં વાર હતી હજુ ખાટલે હતા ત્યારે રૂડી સતત તેની સાથે વાતો કરતી, રૂડીની વાતો ભોળપણ થી ભરેલ ને સાચનો રણકાર હતો.

- “આજે હું જીવું સુ એ તમારા જ જોરના કારણે...” રામ પણ વારંવાર રૂડીનો આભારી થઇ જતો, ક્યારેક તો રૂડીનો હાથ પણ પકડી લેતો, “આવા હાથોમાં તરવારૂ હોય તો કોની તાકાત છે કે આપણા ગામ સામે જુવે. મને ગર્વ સે કે તમારા હાથે હું બય્ચો!

નાનપણમાં ખુબ તરવારૂ ફેરવી સે, હજીયે તરવારૂ ફેરવતા આવડે સે, હો!રૂડી જવાબ વાળતી, બન્ને વચ્ચે કંઇક એવું જોડાણ થયું જે શબ્દોથી ન કહી શકાય!

- “...પણ! મેં તમારા જેવી નોતી જોઇ, જે મારા જેવા મરદને ઉપાડી જાય, ધન્ય સ ઇ માઁ ને..!” રામે જ્યારે માઁ યાદ કરી ત્યારે રૂડી રડી પડતી! રામ તેણીના રડવાનું કારણ સમજી જતો ને તેના આંખે પણ આંસુ વહી જતા, આ રૂદનના કોઇ બોલ ન હોવા છતાં બન્ને એકબીજાને ઘણું કહી નાંખતા! થોડા દિવસ રામ ત્યા જ રોકાયો, પણ ગામ લોકો થી એ ના જોવાયુ, એ કે તો આંગણે ગામ ભેગુ કર્યુ, ત્રણેયને ગામ બહાર કરવા.!

- “તમે પોતાને સમજો સો હું? આ બાપ-દિકરીએ મારી સેવા જ તો કરી સે, મને પરણાવી હોત તો પણ તમારા બાપનું જાય સે હું? બે પખવાડીયા પેલા ઢીગાણે શુરા ન થ્યા ને આઇ આવી ને શુરાઇ બતાવો સો?” રામ એ બચાવ ક્યૉ પણ ગામ લોકો ના માન્યા.

"રામા! તુ આ ગામનો ને આ જ નાતનો સે, પરણવાની તો વાત જ ક્યા આવી? ને બે-બે પખવાડીયા એક જ ઘરમાં રે તો ગામ માં વાતો તો થાય ને?.."

"ગામ તો વાતું જ કરવાનું છે, કોણ ગ્યુંતુ રામને જોવા કે રામ જીવે છે કે નહી..? આ બાઈ એ મને નવું જીવન આપ્યું, તે તમને નથ દેખાતું?.." રામ હવે લડી લેવાના મન સાથે બોલ્યો, "જો તમને લાગતું હોય કે અમે ખોટું કર્યુ સે તો ઠીક સે, હુ હમણા જ નીકળી જાવ સુ, પસી કરો વાતું..રામ અંદર ગયો, નાનકડું પોટલું તૈયાર કર્યુ, રૂડી પાછળ આવી.

..મરૂડી વધુ બોલી ના શકી, આંખે આંસુ આવ્યા, રામે આંસુ લુછ્યાં રૂડીને ભેટી પડ્યો, બન્ને ખુબ રડ્યા, છતા મન મકકમ કરીને પાછું જોયા વગર રામ ત્યાથી નિકળી ગ્યો કોઇ અજાણે દેશ જવા!!

- રામના ગયા પછી રૂડી દિવસે-દિવસે નબળી થાતી ગઇ, કામ તો કરે, ખાય-પિવે પણ જાણ તેણીના ચહેરાનું તેજ ઓસરી ગ્યું, રાતના અંધારે આપણે ખુદો પડછાયો નથી જોઇ શકતા તો આંખોથી વહેતા આંસુ ક્યાથી જોઇ શકવાનાં!! રાતે નીંદરુ વેરણ થઇ, રૂડીયોબાપો આ વિરહ જોઇ-સાંભળી-સમજી શકતો હતો, પણ કોને કૈ? કેટલાય લગન માટે માંગા આવે પણ રૂડી ના જ પાડે! જોકે, રૂડી રામના ખબર કઢાવી શક્તી, તે જે ગામ ગયોતો, ત્યાં જઇ શક્તીતી, પણ રૂડીએ પોતાના પ્રેમના પરિમાણ કંઇક ઉંચેરા જ આક્યાતા.

- “દિકરા! રાજીઆઇ તને યાદ કરે સે, 2-3 દિજઇ આવને! ઇ તારી માઁની માઁ સે! હેવ કેટલાં દિના મેમાન? છેલ્લી ઘડીએ તુ તેમની હારે રઇ તો સદગતિ મળહે..” એક રાતે રૂડીયોબાપાએ દીકરીને કીધું, રૂડીએ હામ ભરી.

- “બાપુ! દલાકાકાને મળી આવી, તે તમારા ખાવા -પીવાનું ધ્યાન રાખશે..” એક સવારે પોટલું તૈયાર કરતી રૂડી બોલી, “બાપુ! પોતાનુ ધ્યાન રાખજો! રૂડીના રામ-રામ!” મનમાં કંઇક બીજું જ ધારીને નીકળી પડી રૂડી! રૂડીયોબાપો આ રામ-રામનો અર્થ ન સમજી શક્યા.

- જે રામના કારણે ગામ પર દુશ્મનો કબજો ના કરી શક્યા એ રામને શોધવા દુશ્મનો પાછા આવ્યા, વખતે દુશ્મનો માત્ર રૂડ-રામના ગામને નહી પણ આજુબાજુના ચાર-પાંચ ગામોને ઘમરોળવા આવ્યા, આ વખતે તો રાજાએ પોતાની રજવાડી સેના આ ગામોની આસપાસ ખડકી દીધી, રૂડી-રામના ગામને તો દુશ્મનોએ ખુબ જલદીથી જીતી ગ્યા, પણ! પાસેના આથમણા ગામને જીતવા દુશ્મનો આંખે અંધારા આવી ગ્યા, ઘણા દિવસો સુધી દુશ્મનોના ફાવી શક્યા, દુશ્મનો અંતે થાકયા ને શરણાગતિ સ્વીકારી લીધી, ત્યારબાદ દુશ્મનો સામે લડનાર શહીદો-મૃત્યુ પામનારાઓના સન્માન તેમજ ઓળખાણ કરવાનો કાર્યક્રમ યોજાયો, રૂડીયોબાપો પણ ગયા મનમાં ધાસ્તી સાથે! નદીકાઠે આવેલ રૂડીયોબાપાના ગામે આ કાર્યક્રમ રાખેલ હતો, સૌપ્રથમ તો મૃતદેહોની ઓળખ કરવાની હતી, ઘણાબધા મૃતદેહો ઓળખાયા બાદ સેનાપતિએ જાહેરાત કરી કે બે સિવાય તમામ શહીદો ઓળખાય ગયા છે, પણ આ મૃતદેહોના માથા કપાયા હોવાથી ઓળખતા નથી, તેમના હાથમાં બે-બે તરવારૂ એવી પકડાયેલ છે કે મર્યા પછી પણ કોઇ તરવારૂ કાઢી શકયું નથી! ...અને રૂડીયોબાપાને ધ્રાસ્કો પડ્યો, ટોળાની છેલ્લે ઊભેલો ડોહો ટોળુ વિધંતો એવો દોડ્યો કે જાણે જીવ જ નિકળવાનો બાકી હોય, એ બાય ને જણના મૃતદેહો પાસે પુગતા-પુગતા રૂડીયોબાપો પણ મૃતદેહો આગળ ઢળી પડ્યો.

રૂડી!.. રામ!...” રૂડીયોબાપો ધ્રુસકે- ધ્રુસકે રડવા લાગ્યો.

- થોડા દિવસો બાદ જ્યારે રાજાએ શહીદોની ખાંભી બનાવવાની જાહેરાત કરી ત્યારે રૂડી-રામની પણ ખાંભી બનાવવા ગામવાસીઓ રૂડીયોબાપાને મનાવવા લાગ્યા પણ રૂડીયોબાપા તો હમેંશા ન જ પાડતા રહ્યા ને ગણગણતા રહ્યા.

ધડ ધિગાણે જેના માથા મસાણે એના.

પાળિયા થઇને પૂજાવુ ઘડવૈયા! મારે ઠાકોરજી નથી થાવુ.....(2).