Karpada ni saurya katha books and stories free download online pdf in Gujarati

કરપાડાની શૌર્યકથા - 2

રસધારની વાર્તાઓ -૨

ઝવેરચંદ મેઘાણી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


કરપડાની શૌર્યકથાઓ

૨. ફકીરો કરપડો

સુદામડાવાળા કનૈયા કુંવર જેવા મામૈયા ભાઇનું ખૂન થયું. તેવી જ રીતે ઉબરડાવાળા ભાઇ કલા ખાચરને પણ દારૂમાં કોઇએ ઝેર દીધું; એનો વંશ ગયો. આ બીજા ભાઇને મારનાર પણ લાખો ખાચર હતો એમ બોલાય છે.

ઉબરડાની ચોકીદારી પણ કરપડા જ કરતા હતા. ફકીરા કરપડાની અવસ્થા પાકી હતી. એના હાથમાં હવે તો તરવાર ધ્રૂજતી હતી. પણ લાખો ખાચર ઉબરડાનો ગરાસ ભોગવે, તે પહેલાં તો મારે મરી ખૂટવું, એવી એની પ્રતિજ્ઞા હતી. બગડ ગામમાંથી ખાચરોનો એક દીકરો લાવીને એણે ઉબરડાની ગાદી પર બેસાડ્યો. એનું નામ વેળો ખાચર.

એક દિવસ ફકીરો કરપડો ઘેર નથી. મૂળુ ખાચર અને લાખો ખાચર ઉબરડે ચડી આવ્યા. આવીને પોતાની બોઇઓને એમણે બહેનો કરીને રાખી. મૂળુ ખાચર પવિત્ર હતા. બાઇઓને એમણે બહેનો કરીને રાખી.

મૂળુ ખાચર નહોતા ત્યારે કરપડાઓ પણ ધ્રાંગધ્રા રાજની મદદ લઇને છોબારી આવ્યા. આવીને પોતાની બાઇઓને હાથ કરી. માણસો ફકીરાને કહેઃ “મૂળુ ખાચરનાં ઘરનાંને લઇને આપણે આપણું વેર વાળીએ.”

ફકીરાએ જવાબ દીધોઃ “બાપ! વહુનાં આણાં હોય પણ કાંઇ માનાં આણાં હોય? મૂળુ ખાચરના ઘરમાં આઈ છે, તે આપણી મા કહેવાય.”

ભાઇઓને ઘેર પહોંચાડ્યા પછી ફકીરો કરપડો રાજસાહેબનાં માણસો સાથે ભટકતો હતો. મચ્છુ નદીને કિનારે એ બધા ચાલતા હતા. ત્યાં તો સામે કાંઠે ખાચર ભાઇઓનું કટક ઊભેેલું દેખ્યું. દેખીને ફકીરાએ પોતાનાં અને રાજસાહેબનાં તમામ માણસોને પાછાં વાળી દીધાં. “બીજા સહુ બચે એટલા માટે હું એકલો આખા કટકને રોકીશ. મને મારવામાં બધા રોકાઇ જશે. હું હવે જિંદગી જીવી ચૂક્યો છું;

મને મરવા દ્યો, તમે આપણા ધણીને સંભાળા”, એમ કહીને એણે પોતાના વંશના જુવાનોને ઉબરડાનો માર્ગ પકડાવ્યો અને પછી નદીને કાંઠે કાંઠે એણે ઘોડી દોડાવી વચ્ચે ઓરિયાનો બાંધેલ ઊંચો ધોરિયો આવ્યો, તે વટાવ્યો. પણ બીજે જ ડગલે એક ભગદાળું આવ્યું; તેમાં પડતાં ઘોડીનો પગ ભાંગ્યો. બચવાની બારી રહી નહિ, કેમ કે સામે કાંઠે પણ શત્રુઓનું કટક દોડતું આવે છે.

તરવાર કાઢીને ફકીરો એકલો ઊભો રહ્યો. સામે કાંઠેથી એ એકલવાયા સ્વામીભક્ત વીરને મૂળુ ખાચર ધારી ધારીને નિહાળી રહ્યા. ફકીરાની ધોળી ધોળી દાઢીમૂછ પવનના ઝપાટામાં ફરકતી હતી; આથમતા સૂરજનાં કિરણ એની તરવાર ઉપર રાસ રમતાં હતાં; નદીનાં પાણી એ બુઢ્‌ઢા મોઢા ઉપર ઝળાંઝળાં થતાં હતાં; અને ફકીરો પડકારતો હતોઃ “હાલ્યા આવો, મૂળુ ખાચર, હાલ્યા આવો.”

મૂળુ ખાચરે પોતાની ફોજને કહ્યુંઃ “ખબરદાર, એની ઉપર બંદૂક છોડશો મા. ઊભા ઊભા એનાં દર્શન કરો. આવું રૂપ ફરી કે’દી દેખવાના હતા! વાહ વીર, વાહ! રંગ છે તારી જનેતાને.”

પણ એવું દર્શન કરવા માટે લાખા ખાચરની પાસે આંખો નહોતી. એની નજરમાં તો ઉબરડાળની કાળી કાળી રસાળી જમીન રમતી હતી. એણે પોતાના માણસને ઇશારો કર્યો. ગોળી છૂટીઃ હ મ મ મઃ ફકીરો ઢળી પડ્યો.

જખમમાંથી ખળળળ ખળળળ લોહીનો ધોરિયો છૂટ્યો છે, ફકીરાના શ્વાસ તૂટવા મંડ્યા છે. પણ છેલ્લી ઘડીએ એ શું કરતો હતો? પોતાની પછેડીની ફાંટમાં ધરતીની ધૂળ ભેગી કરતો હતો.

સામે કાંઠેથી સ્વર આવ્યોઃ “ફકીરા કરપડા! મરતી વખતે ચાળો ઊપડ્યો કે શું?”

આ કાંઠેથી જવાબ ઊઠ્યોઃ “ના, બાપ! આ તો મારા ધણીની ધરતીને મરતો મરતોય બાંધી જાઉં છું. ત્યાં જઇને કહીશ કે મારા ધણી! મરતાં મરતાંયે તારી જમીન લીધી છે, દીધી નથી.”

લીધી પણ દીધી નહિ, ધણિયુવાળી ધરા,

કીધી કરપડા, ફતેહ આંગત ફકીરિયા!

ફકીરાના રામ ઊડી ગયા. મૂળુ ખાચરે એના પગ પાસે બેસીને આંસુ પાડ્યાં. એણે પ્રતિજ્ઞા લીધી કે ઉબરડાની ચપટી માટી પણ મારે હવે ન ખપે.

ફકીરા કરપડાની ખાંભી અત્યારે મચ્છુને કાંઠે મોજૂદ છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED