અણધારી મુલાકાત
ગજબ ખેલ ખેલે છે આ કિસ્મત.. ક્યારે કોને છોડાવે અને ક્યારે મળાવી દે એનો કોઈ અંદાજો પણ નથી લગાવી શકતું, આજે બહુ થોડા (પણ મારા માટે ઘણા) વખત પછી તેને આમ અચાનક જ મળાવી દીધી, એ પણ કંઈક અલગ જ અંદાજમાં..
ઘણા દીવસો પછી મોલમાં જવાનું થયું, આમ તો હવે જવાની ઈચ્છા જ થતી ના હતી, પણ કોઈક સાથે હતું એટલે તેની જવાબદારીને લીધે તેની સાથે આવવું પડ્યું. મોલમાં આવીને એ તરત લેડીસ કમ્પાર્ટમેન્ટમાં લઈ ગઈ અને પોતાના માટે વેસ્ટર્ન સાડી જોવા લાગી, એ કલર કોમ્બિનેશન અને ડિઝાઇનમાં ગુંચવાઈને ત્યાંની સેલ્સ ગર્લ સાથે વાતો કરવા માંડી, અને હું બાજુમાં ઉભા ઉભા ત્યાં લટકતા ડિઝાઈનર શોર્ટ્સ જોઈ એ શોર્ટ્સમાં એક વ્યક્તિને ઈમેજીન કરતો હતો, થોડી વારમાં તેને બંને હાથમાં એક-એક સાડી લઈ મને બતાવતા પૂછ્યું, 'આ બન્નેમાંથી કઈ સારી લાગશે.?' મને તો સાડી અને ગોદડાંનાં ઓછાડ બંને સરખા જ લાગે તોય થોડો વિચારવાનો ઢોંગ કરી એક પર આંગળી ચીંધી દીધી. પણ તેને થોડું મોં બગાડતા એ સાઈડ પર મૂકી, બીજા હાથની સાડીનું કાપડ જોતા બોલી, 'એના કરતા આની ડિઝાઇન સારી છે, નહીં.? અને કાપડ પણ સારું છે.' એટલે મેં હસીને હા પડી દીધી. એટલે એ એક લેવાનું નક્કી કરી, તેના કરતા પણ વધારે સારી સાડીની શોધમાં લાગી ગઈ.. અને હું બાજુમાં ઉભા ઉભા અલગ અલગ કાઉન્ટર પર નજર ફેરવતો હતો, ત્યાં Lakmeના સ્ટોર પર કોઈક ઓળખીતી વ્યક્તિ દેખાણી, આંખના અલગ અલગ કાજળના સિલેક્સનમાં કન્ફ્યુઝ હતી.. તેને જોતા જ હું તેની તરફ ચાલવા મંડ્યો, ક્યાં કારણથી અને ક્યાં સંબંધથી તેની પાસે જાવ છું એ પણ ના વિચાર્યું, અને ત્યાં જઈ હું શું કરીશ કે શું કહીશ એ નક્કી કર્યા વગર જ તેની બાજુમાં જઈને ઉભો રહી ગયો. તેની નજર મારા પર પડતા, મારી તરફ વળી આંખ પહોળી કરતા આશ્ચર્ય સાથે બોલી,
'હેય.. તું અહીંયા..??'
'હા, તારો પીછો કરતા કરતા અહીં સુધી પહોંચી ગયો..' મેં હસતા હસતા કહ્યું. કદાચ હસ્યો ના હોત તો એ મારા મજાકને સિરિયસ જ ગણી લેત..!
તેના દેખાવમાં ઘણો ફર્ક પડી ગયો હતો, હજી પાંચ મહિના પહેલા જ તો તેને મળ્યો હતો, ત્યારે સાવ સીમ્પલ દેખાતી અત્યારે વેસ્ટર્ન લુકમાં બમણી સુંદર લાગતી હતી. પહેલા હાથમાં Nokiaનો જુનો મોબાઈલ રાખતી અને હવે i-phone 5S હતો. ચહેરા પર કંઈ જ ના લગાવતી છોકરી અત્યારે મેક અપ, હોઠ પર આછી ગુલાબી લિપસ્ટિક, માથા-કપાળ વચ્ચે કંકુને બદલે લાલ પેન્સિલથી સિંદૂર અને ગળામાં મંગળસૂત્રથી સજ્જ હતી..
'કેમ છે.?' બીજો કાય શબ્દ ના મળતા મારાથી પુછાય ગયું.
પોતાના ડાબા હાથની 'J' લખેલી ડાયમંડની રિંગ અને હાથમાં રહેલા મોબાઈલની પાછળ ખાધેલા સફરજનનો સિમ્બોલ બતાવતા બોલી, 'ખૂબ ખુશ છું... પહેલા કરતા તો વધારે જ....'
ત્યાં જ તેનો ફોન વાગ્યો અને તેને કાન પાસે રાખી વાત કરી, 'હા બેબી... ક્યાં મૂવીની ટિકિટ મળી.?... ઓહ્હ ગ્રેટ... થર્ડ ફ્લોર ને... હા ચાલ, 5 મિનિટમાં પહોંચી.. બાય...' અને ફોન કટ કર્યો..
મારી સામે જોય સ્માઈલ કરી અને હાથમાં પહેલાની જેમ જ મોબાઈલ ફેરવવા માંડી. શું વાત કરવી એ વિશે જ લગભગ બંને વિચારતા હતા. સમય કેટલો બદલાય ગયો હતો.. અઢી વર્ષ જેની સાથે રાત-દિવસ વાત કરવામાં ક્યારેય પળવાર ય ના વિચારતા અને એક બીજાની પળે-પળની ખબર રાખતા બંને, માત્ર પાંચ મહિના પછી એક બીજા સાથે વાત કરવામાં પણ મૂંઝવણ અનુભવતા હતા. અને છેલ્લે મેં પૂછ્યું, 'અહીં કેમ..??'
'બસ એમ જ, ફરવા આવ્યા છીએ, મારા હસબન્ડ પણ અહીં જ છે, ઉપર INOXમાં મૂવીની ટિકિટ લેવા ગયા, સો હું અહીં શોપિંગ કરતી હતી..'
ફરી પછી 30 સેકન્ડ માટે લગભગ શાંતિ અને હું મારી આંખ છુપાવવા આજુ બાજુ જોવા લાગ્યો, ફાઇનલી એને પૂછ્યું, 'તું અહીં.. લેડીસ કમ્પાર્ટમેન્ટમાં..??'
એટલે મેં આજુ બાજુ જોઈ સાડીનું બીલ પે કરતી છોકરી બતાવી કહ્યું 'તેની સાથે આવ્યો છું, તેને કંઈક મેરેજની શોપિંગ કરવી હતી, માટે..'
પેલી તરફ જોઈને તે કદાચ ખુશ થઈ ગઈ અને બોલી, 'વાહ, તારી ચોઈસ મસ્ત છે, તું પણ મેરેજ કરે છે એમ ને, સરસ.. આ જ લાઈફ છે, જૂની કોલેજ લાઈફ ભૂલી જઈને જિંદગીમાં આગળ વધવાનું... હવે હું વધારે ખુશ થઈ..' હું કાંઈ બોલ્યા વગર ઉભો રહ્યો અને તેને વાત પુરી કરતા કહ્યું, 'સારું.. ચાલ બાય... મારો કોઈક વેઇટ કરે છે.' મેં પણ બાય કહ્યું અને એ જતી રહી.
હું બીજી તરફ વળ્યો, ત્યાં કેસ કાઉન્ટર પર બિલ આપીને તે હાથમાં પ્લાસ્ટિક બેગ લઈને મારી પાસે પહોંચી કે તરત પૂછી લીધું, 'કોણ હતી એ..??'
'કોલેજની જૂની ફ્રેન્ડ હતી..' મેં બીજી તરફ જોઈ ચહેરો છુપાવતા જવાબ આવ્યો.
'ક્યાંક તારી આ એ જ ફ્રેન્ડ ના હતીને કે જેને લીધે તું મેરેજ કરવાની ના પડે છે..!?' તેને આંખ મારતા મજાકમાં કહ્યું.
'શું ભાભી, તમે પણ..!!' મેં થોડું મોઢું બગાડવાનો ઢોંગ કરતા કહ્યું, 'તમે પણ મસ્તીના મૂડમાં લાગો છો, તમારી સાથે તો મારે આવવાની જરૂર જ ના હતી, આતો ભાઈ કામમાં હતા અને એને ફોર્સ કર્યો એટલે આવ્યો.' એ મોટેથી હસવા લાગી અને મેં હવે મસ્તી કરતા કંટીન્યુ કર્યું, 'એક સિંપલ સી સાડી લેવામાં કેટલો ટાઈમ લગાડો છો, ખબર નહીં ભાઈ જિંદગી ભર તમને કેમ સહન કરશે..?'
બંને હસી પડ્યા અને બહાર નીકળી Archies Gallery તરફ ચાલવા લાગ્યાં, એ બોલી, 'મારે હજી તો મારા ફિયાન્સે માટે લવ-કાર્ડ પણ લેવાનું છે, ખબરદાર જો તે તારા ભાઈને આ ગીફ્ટ વિશે કીધું તો.. અને ચાલ તું પણ તારી પ્રિન્સી માટે ગીફ્ટ લઈ લેજે...'
'ના.. મારે હવે લગભગ ક્યારેય આવા કાર્ડ લેવાની જરૂર નહીં પડે..' કહી મેં પાછળ ફરી જોયું અને પાંચ મહિનામાં જ અજનબી બનેલી વ્યક્તિ પર થોડી ભીની આંખે છેલ્લી ઝાંખી નજર નાખી લીધી...!!!