Jindgi na dhabkar books and stories free download online pdf in Gujarati

જીંદગીના ધબકાર - 3

ઈમાનદાર ચોર

મૅડમ, આપણું પ્રાઈમી પેશન્ટ પેટમાં દર્દ ઊપડતાં સાત દિવસ વહેલું આવી ગયું છે, જલદીથી આવો, કદાચ ડિલિવરી થઈ જાય.’ રાત્રે અગિયાર વાગે ડૉ. રચનાબહેન સૂવાની તૈયારી કરતાં હતાં અને તેમના નર્સિંગ હોમમાંથી સિસ્ટરનો ફોન આવ્યો.

ડૉ. રચનાબહેન વ્યાસ સેટેલાઇટ એરિયામાં ડિલિવરી માટેનાં જાણીતાં ગાયનેકોલૉજિસ્ટ હતાં. હજુ પ્રાઇવેટ પ્રૅક્ટિસને સાત જ વર્ષ થયાં હતાં; પરંતુ તેમની સખત મહેનત અને આવડતથી તેમનું નામ જામી ગયું હતું.

ડિસેમ્બર મહિના અંતના સમયમા તેમનાપતિડૉ. નવીનભાઈ મુંબઈ સર્જિકલ કૉન્ફરન્સમાં ગયા હતા. સંતાનમાં ફક્ત એક જ દીકરી ફક્ત અગિયાર માસની થઈ હતી. તેમનાં સાસુ-સસરા ગામડે રહેતાં. ઘરમાં બીજું કોઈ નહોતું.

રાત્રે કામવાળી અને રસોઈવાળી બાઈ નવ વાગે જતાં રહે પછી આખા બંગલામાં ડૉ. રચના અને તેની બેબી નેહા સિવાય બીજું કોઈ નહીં.

ફોન આવતાં જ ડૉ. રચનાબહેન વિચારમાં પડી ગયાં. ઘરે ફક્ત એક વર્ષની નેહા સૂઈ રહી હતી, તેના દૂધ પીવાનો સમય થઈ ગયો હતો, “તેને એકલી મૂકીને જવું કઈ રીતે ?”

ત્યાં વળી નર્સિંગહોમ પરથી ફરીથી ફોન આવ્યો “મૅડમ, જલદી આવો. પેશન્ટ ડિલિવરીના દર્દથી બૂમો પાડે છે. સગાંઓ ભેગાં થઈ ગયાં છે, કહે છે જલદીથી ડૉક્ટરને બોલાવો, નહીંતર જિંદગીનું જોખમ છે.”

હવે ડૉ. રચનાબહેનને ગયા વગર છુટકારો જ ન હતો. તેમણે નેહા માટે દૂધની બૉટલ તૈયાર કરી તેને ઘોડિયાની બાજુમાં મૂકી દીધી, જેથી આવીને તરત જ દૂધ પિવડાવી શકાય. એક કલાકમાં ડિલિવરીના કેસને પતાવીને આવી જઈશ તેવો વિચાર કરી ડૉ. રચનાબહેને ઑટોમેટિક લૉક બંધ કરી, ગાડી સ્ટાર્ટ કરી.

રાત્રે ઠંડીમાં ચારેકોર નીરવ શાંતિ હતી. સોસાયટીમાં ચકલુંય ફરકતું ન હતું. કૂતરાં પણ ઠંડીમાં ખૂણામાં સંતાઈ ગયાં હતાં. દૂરદૂર સુધી ક્યાંય કોઈ માણસ દેખાતું ન હતું, ત્યાં ધીમેથી અંધારાની નીરવ શાંતિને ચીરતો એક પડછંદ પડછાયો સોસાયટીમાં ઊતરી આવ્યો.

રાતના સાડા અગિયાર વાગી ગયા હતા. કલ્લુદાદા ચોરીના ઇરાદે ધીમે પગલે આવી રહ્યા હતા, પણ ડૉક્ટરનું બોર્ડ જોઈને અટકી ગયા.ડૉક્ટરના ઘેર લાઇટો બંધ હતી, ડૉક્ટરની ગાડી દેખાતી ન હતી, નીરવ શાંતિ હતી. કલ્લુદાદાએ વિચાર્યું, આ બંગલામાંથી ચોરીનો સારો માલ મળશે અને ધીમે પગલે એક જ મિનિટમાં માસ્ટર કીથી ઘરનો દરવાજો ખોલી અંદર પેસી ગયો.

કલ્લુ ચોર ડૉક્ટરને ઘેર અંદર પહોંચી ધીમે પગલે બેડરૂમમાં પહોંચી ગયો, આખો સામાન ફેંદીને મુખ્ય તિજોરીની ચાવી શોધી કાઢી. ડૉ. રચનાના સોનાના સેટ, ડાયમંડનું પૅન્ડન્ટ અને રોકડ કાઢીને તેના થેલામાં ભરી દીધાં. લાઇટો બંધ કરીને તે ધીમે પગલે બહાર જવા જતો હતો ને બેબીના રડવાના અવાજે તેને અટકાવી દીધો.

એક વર્ષની નેહા ઊંઘમાં ઊઠીને ભૂખને લીધે રડતી હતી. કલ્લુને દયા આવી. ઘોડિયા પાસે ગયો તો બાજુમાં જ દૂધની બૉટલ પડી હતી. તેને તેની પ્યારી મુન્નીની યાદ આવી ગઈ. નાની હતી ત્યારે મુન્ની પણ આટલી જ માસૂમ અને પ્યારી દેખાતી હતી ને ! અને તે બે વર્ષ પહેલાંના ભૂતકાળમાં સરી પડ્યો.

તેની હસતી રમતી દોઢ વર્ષની મુન્નીને દૂધને લીધે જ ઝાડા-ઊલટી થયા હતા. તેની હાલત બેહાલ થતાં તે પ્રાઇવેટ ડૉક્ટર પાસે લઈ ગયો હતો. પણ પ્રાઇવેટમાં દાખલ કરવાના પૈસાની સગવડ ન હોવાથી તરત તેણે સિવિલની રિક્ષા કરી, પણ રસ્તામાંજ બેહાલ મુન્નીનું અવસાન થઈ ગયું. અત્યારે પણ આ વાત યાદ આવતાં કલ્લુ સમસમી ગયો, તેની આંખો ભીની થઈ ગઈ.

નેહાની તેને દયા આવી રહી હતી. તેણે વિચાર્યું ‘કઈ જાતની મા છે, દીકરીને ઘેર ભૂખી મૂકીને રાત્રે પૈસા કમાવા નીકળી પડી છે ?’

તેણે દૂધની બૉટલ હાથમાં પકડી ધીમેધીમે નેહાને પ્રેમપૂર્વક દૂધ પિવડાવ્યું. નેહા તેની સામે જોતાંજોતાં બધું દૂધ પી ગઈ અને હસીને આભારપૂર્વક તેની સામે જોઈ ફરી પાછી ઊંઘી ગઈ.

મુન્નીની યાદ કલ્લુના મનમાં ઊભરી આવતાં તેના હાથ ઢીલા પડી ગયા. નેહાને દૂધ પિવડાવ્યાનો સંતોષ તેના ચહેરા પર દેખાઈ રહ્યો હતો. ચોરેલા માલની થેલી તેણે નેહાના ઘોડિયા પાસેના ટેબલના ખાનામાં મૂકી દીધી અને એક કાગળ ઉપર ચિઠ્ઠી લખીને આવેલ પગલે પાછો જતો રહ્યો.

ડૉ. રચનાબહેનને ધાર્યા કરતાં વધારે મોડું થઈ ગયું હતું. બહુ મહેનતને અંતે ચાર કલાક બાદ તેમણે નોર્મલ ડિલિવરી કરાવી માતા અને નવજાત શિશુનો જીવ બચાવી લીધો હતો. રસ્તામાં તેમણે વિચાર્યું ‘એક કલાકની ગણતરીએ ગઈ હતી અને ચાર કલાક થઈ ગયા. નેહા ઊઠીને રડતી હશે, જલદી ઘેર પહોંચવા દે.’

ઘેર પહોંચતાં જ નીરવ શાંતિ જોતાં તેમને ફાળ પડી. જલદીથી ઘર ખોલી લાઇટ કરતાં બધો સામાન અહીંતહીં ફેલાયેલો જોતાં તેમના મનમાં ધ્રાસકો પડ્યો. અંદર પહોંચતાં તિજોરી ખુલ્લી જોઈ તેમને ખબર પડી ગઈ કે, ચોર આવ્યો લાગે છે. પણ નેહા તો શાંતિથી ઊંઘતી હતી. તેમણે તરત જ પોલીસની મદદ માટે ફોન જોડ્યો.

૧૦ મિનિટમાં જીપમાં સબઇન્સ્પેક્ટર રાઓલ સાહેબ તથા બે જમાદારનો કાફલો ડૉક્ટરને ઘેર આવી ગયા. આખા ઘરમાં બધે ફરી વળ્યા પણ કોઈ માણસ ક્યાંય હાજર જણાયો નહીં. બેડરૂમમાં મુખ્ય તિજોરી ખુલ્લી હતી, અંદરથી બધા જ દાગીના અને રોકડ ગુમ હતી. ડૉ. રચનાબહેનને રડવું આવી ગયું. અંદાજે ચાર લાખનો માલ ચોરાઈ ગયો હતો.

નેહાના ઘોડિયા પાસે જતાં, જોયું તો દૂધની બાટલી ખાલી હતી.

ડૉ. રચનાબહેનને નવાઈ લાગી, આ બૉટલ ખાલી કેમ છે ? મેં તો દૂધ પિવડાવ્યું નથી.

નેહાની દૂધની બૉટલ નીચે એક ચિઠ્ઠી પડી હતી. ખોલીને વાંચી.

“ડૉક્ટરસાહેબ છો તો શું થયું ? અડધી રાત્રે પૈસા કમાવાને બદલે પોતાના બાળકનું તો ધ્યાન રાખો. મેં એક દીકરીને દૂધને લીધે જ ગુમાવી છે.

તમારી દીકરીને પણ દૂધ પાયું છે, એટલે દીકરીને ઘેર ચોરી કેમ કરાય ? ચોર છું પણ દિલ તો માનવીનું છે. ચોરેલો માલ ટેબલના ખાનામાં મૂકતો જાઉં છું. હવેથી આવી ભૂલ ના કરતાં. એક ચોર.”

ટેબલનું ખાનું ખોલતાં એક થેલીમાંથી તમામ મુદ્દામાલ-દાગીના અને રોકડ અકબંધ મળી ગયાં. પી.એસ.આઈ. રાઓલ સાહેબ અને બંને જમાદાર અચંબામાં પડી ગયા.

ડૉ. રચનાબહેન શાંતિથી ઊંઘી રહેલી નેહાને જોઈ રહ્યાં. જીવના જોખમે ચોરી કરવા આવેલા ચોરની માનવતા અને શરાફત યાદ કરતાં તેમની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. ડૉક્ટરની ફરજ અદા કરતાં તેમણે અડધી રાત્રે માતા અને બાળકનો જીવ બચાવેલ તેનો આનંદ હતો, પણ ચોરની શિખામણ પણ તેમને યાદ રહી ગઈ.

ચોરેલો મુદ્દામાલ મળી જતાં હવે કોઈ કેસ બનતો ન હોઈ પોલીસ પાર્ટી, ચોરની શરાફતને સલામ કરતાં પાછી ફરી.

***

નિષ્ઠાવાન ડોક્ટર

“ડૉક્ટર આ બૅગમાં દોઢ કરોડનાં સોનાનાં બિસ્કિટ છે, જે તમારે માટે છે.” એક લુખ્ખો બટકો માણસ નવી મજાની કાળા રંગની સૂટકેસ ખોલીને ડૉક્ટરને બતાવી રહ્યો હતો. ટપોરી જેવા લાગતા બટકાએ ગોગલ્સ પહેર્યાં હતાં.

ડૉ. જયેશ પુજારા વિચારમાં પડી ગયા. શહેરના જાણીતા હાર્ટસર્જન ડૉ. પુજારાના હાથે હજારો હૃદયરોગીઓ બચી ગયા હતા. સૌથી સિનિયર હાર્ટ સર્જન તરીકે પૂર્ણ નામના અને સફળતા મળી હોવાથી તેમના હાથે હાર્ટસર્જરી કરાવવા લાઇનો લાગતી. આજે સવારે શહેરના જાણીતા એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ, સી.આઈ.ડી. ઑફિસર રાણાસાહેબની બાયપાસ સર્જરી હોવાથી ડૉ. પુજારા વહેલા આવી ગયા હતા.

સીઆઈડીના ડીસીપી રાણાસાહેબના નામ માત્રથી અંધારી આલમના ગુંડાઓ ધ્રૂજી ઊઠતા. કોઈ પણ ગુનેગારને શેહશરમ કે લાલચ અથવા તો લાંચરુશવત વગર પકડી લેવામાં તે માહીર હતા.

બે વર્ષથી જ આ શહેરમાં તેમની બદલી થઈ હતી પણ તેમાં તો તેમના નામનો ડંકો વાગવા લાગ્યો હતો.

રાણાસાહેબના આવવાથી કાળિયો અને તેમના સાથીદારો કોઈ પણ કામ આસાનીથી કરી શકતા નહીં. આખા શહેરમાં કાળિયાની ગૅંગ અંધારી આલમમાં નામચીન હતી. ગેરકાયદે દારૂની હેરાફેરી, ગેરકાયદે જુગારના અડ્ડા, જમીન પચાવી પાડવી, લાખોની ખંડણી માંગવી જેવાં કામો કાળિયાની ગૅંગ માટે સાવ આસાન હતાં. પણ હવે રાણાસાહેબના આવવાથી બધાં કામો ઠપ્પ થઈ ગયાં હતાં. કાળિયો અને તેના સાથીદારો ચિંતામાં ડૂબી ગયા હતા. અંતે બધાએ ભેગા થઈ રાણાસાહેબને જ પતાવી દેવાનું નક્કી કર્યું.

કાળિયાએ પોતાના ખાસ શુટર લંબુને બોલાવી રાણાસાહેબને પતાવી દેવા હુકમ કર્યો; પરંતુ રાણાસાહેબની ચપળતા અને શેરદિલી આગળ લંબુ મહાત થઈ ગયો.

શિકાર કરને કો આયે, શિકાર હો ગયે, જેવો ઘાટ થયો. રાણાસાહેબની એક જ ગોળીથી લંબુ વીંધાઈને કાયમ માટે શાંત થઈ ગયો.

કાળિયાની ગેંગના માણસો હતપ્રત થઈને ગુસ્સે ભરાયા, તેમણે ખાસ મુંબઈથી સોપારી કિલરને પચાસ લાખ આપી બોલાવી લીધો હતો. મુન્નો ખતરનાક કિલર હતો.

બીજા જ દિવસે રાણાસાહેબની બાઇકની પાછળ મુન્નાની ટ્રક સ્પીડમાં દોડી રહી હતી; પરંતુ રાણાસાહેબની ચકોર નજરમાં મુન્નાની હરકત આવી ગઈ, અને સાહેબે અચાનક બાઇક સાઇડમાં વાળી દેતાં મુન્નાની ટ્રક સીધી સ્પીડમાં ઝાડ સાથે અથડાઈ અને મુન્નો બેભાન હાલતમાં હૉસ્પિટલમાં !!

હવે કાળિયાની સમજમાં આવતું નહોતું કે આ કાંટાને દૂર કરવો કઈ રીતે ? જાગ્રત રાણાસાહેબને પતાવી દેવા સરળ ન હતું. ત્યાં તો સમાચાર આવ્યા કે રાણાસાહેબની બાયપાસ સર્જરી ડૉ. પુજારા હસ્તક છે અને કાળિયાએ દોઢ કરોડના સોના સાથે કામ પતાવવા બટકાને મોકલી દીધો, ડૉક્ટરસાહેબ પાસે.

“આટલા બધા રૂપિયાનું સોનું શેના માટે છે ? મારે શું કરવાનુું છે ?” ડૉક્ટરે પૂછ્યું.

“તુમ્હારે કુછ કરનેકા નહીં હૈ, આજ રાણાસાબ કા ઑપરેશન હૈ ઉસકો ટપકા દેનેકા હૈ, ઐસા ભાઈને બોલા હૈ.” બટકો બોલ્યો.

“હેં !” ડૉ. પુજારા હબકીને ગભરાઈ ગયા. “ભાઈ, મેરા કામ જિંદગી દેને કા હૈ, જિંદગી લેને કા નહીં હૈં” તેમણે ગભરાઈને ગુસ્સામાં આવીને કહ્યું.

“તુમને અભી તક વોહી તો કીયા હૈ કીતને લોગો કો બચાયા, ક્યા મિલા ? હમ દેઢ કરોડ કા સોના ખાલી એક જિંદગી ટપકાને કા દે રહે હૈ, ઈતના કમાને કે બાદ ઔર કોઈ કામ કરને કી જરૂરત નહીં રહેગી.” બટકાએ કુટિલતાપૂર્વક હસતાં જવાબ આપ્યો.

ડૉક્ટરનું દુષ્ટ મન ચકડોળે ચડ્યું. વાત તો સાચી છે. ચાલુ ઑપરેશને દર્દીને પતાવી દેવો સરળ હતું. જેમાં કોઈને બહુ શંકા પણ ન થાય. બહુ બહુ તો ઑપરેશન ફેઈલ થયું કહેવાય. ડૉક્ટરે વિચારમાં કાંઈ જવાબ ન આપ્યો. ખાલી આટલું જ બોલ્યા : “દેખતે હૈ !” બટકાને થયું, કામ થઈ ગયું છે. તેણે તો બહાર જઈ બૉસને મોબાઇલથી ખુશખબર આપી દીધા “બૉસ, કામ હો ગયા હૈ.”

આજે ઑપરેશન થિયેટરના ફુલ ઍરકન્ડિશનમાં પણ ડૉ. પુજારાને પરસેવો વળી રહ્યો હતો. ઑપરેશન આસિસ્ટન્ટ ડૉ. ગિરિ અને સિસ્ટરને આ જોઈ નવાઈ લાગી. ડૉ. પુજારાનું સદાચારી મન બળવો પોકારી ઊઠ્યું. “ડૉક્ટર આ તું શું કરી રહ્યો છે ?” અને ડૉક્ટરને આંખે અંધારાં આવવા લાગ્યાં.

તેમણે આસિસ્ટન્ટ ડૉ. ગિરિને કહ્યું, “મને સારું નથી લાગતું, થોડી રાહ જુઓ. હું બહાર જઈ પાણી પી સ્વસ્થ થઈને આવું છું.”

ડૉ. પુજારાએ ગાઉન અને ગ્લોઝ કાઢીને પોતાની ઑફિસમાં જઈ બારીનો પડદો હટાવ્યો.

બહાર લોકોની ભીડ હારતોરા અને મીઠાઈનાં બૉક્સ લઈ બુમરાણ મચાવી રહી હતી. ડૉક્ટરે બેલ મારી પ્યૂનને બોલાવ્યો અને પૂછ્યું,

“અરે રામુ આ શું છે ? શેની ભીડ છે ?”

“ડૉક્ટર સાહેબ, આ તો બધા રાણાસાહેબે બચાવેલા અને છોડાવેલા લોકો આપનું બહુમાન કરવા અને રાણાસાહેબના અભિવાદન માટે ઊભા છે.” રામુએ જવાબ વાળ્યો.

“શી વાત છે ? આટલા બધા લોકો સ્વયંભૂ રીતે !” ડૉક્ટરે આશ્ચર્ય વ્યક્ત કર્યું.

“રાણાસાહેબ તો આ ગરીબો અને લાચારો માટે દેવ જેવા છે. કેટલી બધી બહેનો-દીકરીઓની આબરૂ તેમણે જીવના જોખમે બચાવી છે. આ બધા ગરીબોને કે તેમનાં સગાંઓને રાણાસાહેબે જરાપણ લાંચ લીધા વગર બચાવ્યાં છે.” રામુ એકીશ્વાસે બોલી ગયો.

“ખરેખર ?” ડૉક્ટર પુજારા રાણાસાહેબની વાતોથી અભિભૂત થઈ ગયા.

“સાહેબ, પેલી બે ગરીબ બહેનોના પતિઓને રાણાસાહેબે જીવના જોખમે બચાવ્યા હોવાથી ખુલ્લા પગે ચાલતા અંબાજી જવાની માનતા માની છે.” ફરીથી રામુએ ખુલાસો કર્યો.

“હેં !” ડૉક્ટરના સદાચારી મને દુષ્ટ મનને જોરદાર લપડાક મારી. ડૉક્ટરનું કર્તવ્ય છે માણસની જિંદગી કોઈ પણ ભોગે બચાવી લેવાનું. તું સોનાની લાલચમાં આટલી મહાન, નિઃસ્વાર્થ વ્યક્તિને મિટાવવા બેઠો છે ?

અંતે ડૉક્ટરના સદાચારી મનનો વિજય થયો. તેમણે હિંમત અને આત્મવિશ્વાસ એકઠો કરી બહાર બેઠેલા બટકાને હુકમ કર્યો. “તારી આ સૂટકેસ ઉઠાવ અહીંથી, નહિ તો તને પકડાવી દઈશ.”

ડૉક્ટર હવે ફરી પાછા સક્રિય થઈ ઑપરેશન થિયેટરમાં આત્મવિશ્વાસ સાથે પ્રવેશ્યા અને ઝડપથી ઑપરેશન કરવા માંડ્યા. કલાકમાં તો બહાર આવી જાહેરાત કરી. રાણાસાહેબનું ઑપરેશન સફળ થયું છે.

ગરીબ અને લાચાર લોકોનું ટોળું નાચતા-કૂદતા આવી ડૉક્ટરને હારતોરા કરી બધાને પેંડા વહેંચી રહ્યા હતા. બહેનો અને દીકરીઓ ખુશખુશાલ હતી, હવે તેમને કોઈને કાળિયાની ગેંગનો ડર ન હતો.

બટકાના હાથમાં રહેલી સૂટકેસમાં રહેલું સોનું ઝાંખું પડી ગયું હતું. તેણે તરત બૉસને મોબાઇલ કર્યો. “બૉસ કામ નહીં હુઆ હૈ.”

ડૉ. પુજારા પહેલી વખત પોતાના આ સફળ ઑપરેશન બદલ ખુશ થઈ ગયા. તેમની આંખોના ખૂણા ભીના થઈ ગયા હતા.

હૉસ્પિટલની બહાર એક બટકો ટપોરી કાળી સૂટકેસ સાથે ભાગી રહ્યો હતો.

***

શાક્ષી ફરી જશે તો ?

જીતુભાઈ છ મહિનામાં ચોથી વખત ઘીકાંટા કૉર્ટમાં જવા વાડજના બસસ્ટૅન્ડ ઉપર ઊભા હતા. પહેલાં ત્રણ વખત તો સાક્ષી તરીકે કૉર્ટમાં ગયા, પણ મુદત પર મુદત જ પડતી હતી. આજે કેસની ફાઈનલ સુનાવણી હતી. દોઢ વર્ષ પહેલાંની એ કમનસીબ સાંજ યાદ આવતાં જીતુભાઈ પાછા કમકમી ગયા.

એ શિયાળાની સાંજે અંધારું વહેલું થઈ ગયું હતું. તે ચાલતા રાતના આઠેક વાગે સરખેજ - ગાંધીનગર હાઈવે પર એકલા જઈ રહ્યા હતા. ત્યાં પાછળથી સાઇકલ ઉપર ચોવીસેક વર્ષનો એક નવજુવાન પસાર થતાં અથડાયો. તરત જ તેણે સાઇકલ ઊભી રાખી અને સૉરી કહ્યું. કંઈ વાગ્યું નથી ને તેની ઔપચારિકતા દાખવી. જીતુભાઈને કંઈ થયું ન હતું. તેથી તે શ્રમજીવી યુવાન સાઇકલ ઉપર આગળ નીકળી ગયો.

તે થોડેક દૂર ગયા હશે ત્યાં પાછળથી એક મોટી લક્ઝરી કાર સ્પીડમાં આવી અને તેણે જોરથી સાઇકલવાળાને ઉડાવી દીધો.

લગભગ દશેક ફૂટ ઊછળીને તે નવજુવાન નીચે પછડાયો અને તેની ખોપરી ફાટી ગઈ. લોહીની નદી વહેવા લાગી. જીતુભાઈ દોડ્યા. કારવાળો નબીરો પીધેલો હોય તેમ લાગતું હતું. તેણે એક મિનિટ ગાડી ઊભી રાખી અને પછી પેલા ઘાયલને મદદ કરવાને બદલે ગાડી ભગાવી દીધી. અનાયાસે જીતુભાઈએ તેની સફેદ લક્ઝરી ગાડીનો નંબર જોઈ, લખી લીધો. બે મિનિટમાં તરફડિયાં બાદ તે યુવાન હેડઇન્જરીથી મૃત્યુ પામ્યો, માનવતા ખાતર જીતુભાઈએ તરત જ પોલીસ બોલાવી તમામ વિગતથી વાકેફ કર્યા.

પોલીસ બયાનમાં તેમણે ગાડીનો નંબર સફેદ લક્ઝરી કાર અને તેમાં બેઠેલા નબીરાનું વર્ણન પણ સાક્ષી તરીકે લખાવી દીધું.

છ માસ બાદ આ ઍક્સિડન્ટ કેસ કૉર્ટમાં ચાલવા ઉપર હતો. એક વર્ષથી ચાલતા કેસની આજે છેલ્લી મુદ્દત હતી. ગાડીના નંબર ઉપરથી તે ચલાવનાર બેદરકાર નબીરાને પોલીસે ઝડપી લીધો હતો.

જીતુભાઈ ઊભાઊભા પોતાની જાતને ઠપકો આપી રહ્યા હતા. ‘હું આવા બધા લફરામાં ક્યાં પડ્યો ! કૉર્ટના ત્રણ ધક્કા તો થઈ ગયા, આ ચોથો ધક્કો છે. હજુ મારે મારી દીકરીના મેડિકલ કૉલેજની ફીના ત્રણ લાખનો બંદોબસ્ત નથી થઈ શક્યો. બૅંકમાં લોનની વ્યવસ્થા કરવા જવાનો પણ ટાઇમ નથી મળતો. ત્યાં મોટી બ્લૅક કલરની સિટી હોન્ડા કાર તેમની બાજુમાં ઊભી રહી. અંદરના એક માણસે કહ્યું, ‘આવો જીતુભાઈ, તમારે કૉર્ટમાં જવું છે ને, અમે પણ એ તરફ જ જઈ રહ્યા છીએ.’

જીતુભાઈને નવાઈ લાગી. આ અજાણ્યા માણસને કઈ રીતે બધી ખબર છે ? પણ મફતમાં ગાડીમાં લિફ્ટ મળતી હોવાથી બેસી ગયા. ગાડીમાં પાછળ બે માણસો બેઠા હતા. રસ્તામાં એક માણસે ઓળખાણ આપતાં કહ્યું, “આ શેઠ જીવણલાલ છે. તે અનેક કૉલેજોમાં ટ્રસ્ટી છે. શેઠ ખૂબ જ દયાવાન અને ધર્મિષ્ઠ છે.”

“અરે, મારી બેબી મેડિકલ કૉલેજમાં છે. હજુ સુધી તેની ફીના ત્રણ લાખની વ્યવસ્થા થતી નથી.” જીતુભાઈ નિરાશાપૂર્વક બોલ્યા.

“હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. શેઠ જીવણલાલ તમારે બદલે ફી ભરી દેશે” સાથે બેઠેલા શેઠના મૅનેજરે કહ્યું, “પણ તમારે એક નાનું કામ કરવાનું છે.”

“શું કામ છે ? મારાથી થાય તેમ હોય તો જરૂર કરીશ.” જીતુભાઈ બેબીની ફીની વ્યવસ્થા થતી હોવાથી ખુશ હતા.

“આજે સુનાવણીમાં તમારે ફક્ત એટલું જ કહેવાનું કે એ દિવસે અંધારું થઈ ગયું હોવાથી મને ગાડીનો નંબર કે ડ્રાઇવરનો ચહેરો સ્પષ્ટ દેખાતો ન હતો, બસ !” મૅનેજરે સમજાવ્યું.

જીતુભાઈને થયું આ લોકોને મારી બધી વિગતની ખબર કઈ રીતે પડી ? પણ પછી વિચાર્યું ઃ “ચાલો બેબીની ફી ભરાઈ જતી હોય તો આવું અસ્પષ્ટ કહેવામાં શું છે ? એમાં આપણને નુકસાન કંઈ નથી.” તેથી તેમણે કહ્યું, “સારું.”

તેમને કૉર્ટમાં પહોંચતાં સાડા અગિયાર વાગી ગયા. બાર વાગ્યાની તો મુદ્દત હતી. તેથી જીતુભાઈ ગાડીમાંથી ઊતરી ચા પીવા લારી ઉપર ગયા. સામેથી એક એંસી વર્ષનાં માજી લાકડી સાથે ભટકાયાં અને પડી ગયાં. નિઃસહાય વૃદ્ધ માજીનાં કપડાં પર રહેલાં છ થીંગડાં તેમની ગરીબીની ચાડી ખાતાં હતાં. ચશ્માંની ફ્રેમ તૂટી ગયેલી, તેની જગ્યાએ દોરી બાંધી હતી. તેમના હાથ અને પગ ધ્રૂજી રહ્યા હતા. એકલાં માજીને કૉર્ટમાં જોઈ જીતુભાઈથી અનાયાસે પુછાઈ ગયું, “કેમ આ ઉંમરે એકલાં કૉર્ટમાં આવ્યાં છો ?”

માજીએ રડતાં-રડતાં કહ્યું, “બેટા, મારો એકનો એક દીકરો દોઢ વર્ષ પહેલાં સરખેજ હાઈવે ઉપર કચડાઈને મરી ગયો. એકનો એક આધાર છીનવાઈ જતાં હવે મારે ખાવા-પીવાના પણ સાંસા પડી ગયા છે. તેથી ન્યાય માટે આવી છું.”

જીતુભાઈને પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો, આ તો એ જ શ્રમજીવી યુવાનનાં વૃદ્ધ નિઃસહાય મા છે !

કૉર્ટ-રૂમમાં તેની આગળ જ જીવણલાલ બાજુના યુવાનને ધીમેધીમે કહી રહ્યા હતા, “બેટા, આજે તું નિર્દોષ છૂટી જઈશ. મેં સાક્ષીને ફોડી નાખેલ છે.”

જીતુભાઈ સમસમી ગયા. તેમની નજર સમક્ષ માજીનો રડમસ દયામણો ચહેરો કરગરી રહ્યો હતો : “મને ન્યાય અપાવજો.”

જીતુભાઈનો સાક્ષી તરીકે નંબર આવતાં ગીતા ઉપર હાથ રાખી સોગંદ લીધા : હજુ તેમનું મન દ્વિધામાં હતું. તેમની દીકરીની ફી મફતમાં ભરાઈ જતી હતી. તેના બદલામાં થોડું અસ્પષ્ટ બોલવામાં શો વાંધો છે ? ધર્મરાજ યુધિષ્ઠિર પણ યુદ્ધમાં અસ્પષ્ટ જ બોલ્યા હતા ને ! ત્યાં તો તેનું ધાર્મિક મન પોકારી ઊઠ્યું, “આ માજીની હાલત તો જો ! બિચારાંના એકના એક દીકરાને વાંક વગર બેદરકારીપૂર્વક ઉડાવી દેનારને તું બચાવી લેવા મથી રહ્યો છે ? તો-તો સત્ય ઉપરથી લોકોનો વિશ્વાસ ઊઠી જશે.” અને તરત જ મક્કમતાપૂર્વક તેમણે નિર્ણય લીધો. સત્યનો અસત્ય ઉપર વિજય થયો.

જીતુભાઈ ગાડીનો નંબર કડકડાટ બોલી ગયા અને આરોપી જીવણલાલના યુવાન નબીરાને મક્કમતાપૂર્વક ડ્રાઇવર તરીકે ઓળખી બતાવ્યો.

જજ સાહેબે ચોક્કસ બયાનને આધારે આરોપીને બેદરકારીપૂર્વક ગાડી ચલાવવા બદલ પાંચ વર્ષની જેલ અને ડોશીમાને વળતર પેટે સાત લાખ રૂપિયા આપવાનો ઑર્ડર કર્યો.

જીવણલાલ ગુસ્સાથી લાલચોળ થઈ વિચારી રહ્યા હતા : “ત્રણ લાખમાં ફોડેલો સાક્ષી એકદમ ફરી કેમ ગયો ?”

માજીના સરકારી વકીલે જીતુભાઈ પાસે જઈ આભાર માનતાં કહ્યું, “ખરેખર, તમે માનવતા અપનાવી માજીને ન્યાય અપાવેલ છે. જો તમે આરોપીને ઓળખવામાં કે ગાડીના નંબર બાબતે કદાચ અસ્પષ્ટ શબ્દ વાપરત તો, તે એક જ શબ્દ ઉપર આરોપી શંકાનો લાભ લઈ નિર્દોષ છૂટી જાત.”

ધ્રૂજતા હાથે આંખોનાં આંસુ લૂછતાં માજીને જોઈ સંતોષપૂર્વક જીતુભાઈએ બેબીની ફી માટે લોન લેવા બૅંક તરફ જવા પગ ઉપાડ્યા. આંખે પાટા બાંધેલ ન્યાયની દેવી જાણે કે સ્મિત સાથે જીતુભાઈ ઉપર હેત વરસાવી રહી હતી.

******

બીજા રસપ્રદ વિકલ્પો