સોરઠી બહારવટીયા
ભાગ -૩
(મહિયાનાં બહારવટાં)
©COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.
MatruBharti / NicheTech has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
નિવેદન
(પહેલી આવૃત્તિ)
સોરઠી સાહિત્યનું એક વિશેષ અંગ આજે સમેટાઈ જાય છે. માથા પરથી એક ગાંસડીનો બોજો નીચે ઉતારીને પ્રવાસી રાહતનો એક નિઃશ્વાસ નાખે છે. એક દસકાની અવધ નજીક દેખાય છે.
થોડાએકને અળખામણું, ઘણા મોટા સમુદાયનું આદરપાત્ર અને મને પોતાને તો પ્રિય કર્તવ્ય સમું આ બહારવટિયાનું ઈતિહાસ-સંશોધન બની શક્યું તેટલું સ્વચ્છ અને પ્રામાણિક બનાવવા હું મથ્યો છું. ઘણાઘણાઓએ મારી સહાયે આવીને બીજી રીતે દુષ્પ્રાપ્ય એવી નક્કર હકીકતો મને ભળાવી છે. એમાંના અમુક સહાયકોને તો હું ઇતિહાસના પાકા અભ્યાસીઓ માનું છું. આ બહારવટા-પ્રકરણમાં એક મહત્ત્વની ઐતિહાસિકતા ભરી હોવાથી તેઓની શ્રદ્ધાની હૂંફ કુતર્કોના થોડા સુસવાટોની સામે મને રક્ષણ આપી રહી છે. તેઓનાં કોઈનાં નામ અત્રે લખવાની મને મંજૂરી નથી કેમ કે બહારવટાપ્રકરણનું રાજદ્વારીપણું હજુ સમયદેવે સૌરાષ્ટ્રનાં દેશી રજવાડાંમાંથી ભૂંસી નથી નાખ્યું.
બે વર્ષો સુધી આ વિષય પર રજૂ થયેલા છૂટાછવાયા વિચારો તપાસીને, તેમ જ આને લગતું યુરોપી સાહિત્ય બન્યું તેટલું પચાવીને, મારી લાંબી મીમાંસા પણ અત્રે રજૂ કરી દઉં છું. એને હું વિચારશીલ આપ્તજનોની નજર તળેથી કઢાવી ગયો છું. તેઓએ મારી વિચારસરણી પર પોતાની વિવેકદૃષ્ટિની મોહર ચાંપી છે.
હું તો માત્ર એટલું જ સૂચવું છું કે કોઈ પણ એક યુગ અન્ય યુગને નરી પોતાની જ વર્તમાન વિચારણાની તુલાએ ન્યાયપૂર્વક ન તોળી શકે. ભૂતકાળના સંસ્કારોનું મૂલ મૂલવવા બેસતાં પહેલાં સર્વદેશીય, ઉદાર અને વિગતોમાંથી સાચો પ્રાણ તારવનારી દૃષ્ટિ જરૂરી છે. તે સિવાય તો યુગ એટલો વેગથી ધસે છે કે ગઈ કાલ અને આજ વચ્ચે પણ દૃષ્ટિભેદનાદરિયા ખોદાય છે; એટલે એ વેગીલી મનોદશાની સામે તો ભૂત-વર્તમાનનો કોઈ કલ્યાણ સંયોગ સંભવતો જ નથી. પણ અતીતનો અનુભવો-સંઘરો જેઓને મન કંઈકેય ઉપકારક હોય, તેઓને આવાં ઇતિહાસ-પ્રકરણોમાંથી તેજસ્વી વર્તમાન સર્જાવવા માટે મહાન પ્રાણબળ જડી રહેશે. મારી ફરજ એવી એક દૃષ્ટિ આપીને વેગળા રહેવાની સમજી હું વિરમું છું.
રાણપુર : શ્રાવણ સુદ બીજ, ૧૯૮પ (ઈ. સ. ૧૯ર૯)
ઝવેરચંદ મેઘાણી
(ત્રીજી આવૃત્તિ)
‘બહારવટાંની મીમાંસા’ એ શીર્ષક હેઠળ જે ૮૦ પાનાંનો પ્રવેશક આગલી આવૃત્તિઓમાં મૂકેલ હતો, તેનો મેં ‘ધરતીનું ધાવણ’એ નામના મારા લોકસાહિત્ય પરના વિવેચનાત્મક લેખોના સંગ્રહમાં સમાવેશ કરી નાખીને આ પુસ્તકનો બોજો ઉતાર્યો છે. લોકસાહિત્ય વિશેનાં મારાં બધાં પુસ્તકોની સળંગ સમગ્ર સમજણને સારુ ‘ધરતીનું ધાવણ’ અને ‘લોકસાહિત્ય’ એ બે લેખકસંગ્રહો
• વાચકે જોવા જ જોઈશે.
• ૧૯૯૭ની સંકલિત આવૃત્તિ : ‘લોકસાહિત્ય : ધરતીનું ધાવણ.’
કાદુ મકરાણી, ગીગો મહિયો વગેરેના આમાં મુકાયેલા કેટલાક કિસ્સાઓમાં આધારભૂત અને ચોટદાર કેટલીક માહિતી આપનાર જે વ્યક્તિનો નામોલ્લેખ જાણીબૂજીને આગળ કર્યો નહોતો (કેમ કે તે વ્યક્તિને પ્રકટ થવાની અનિચ્છા હતી.) તેનું નામ અત્યારે આપી શકાય છે, કારણ કે એ હવે આ પૃથ્વી પર નથીઃ એનું નામ શંકરપ્રસાદ હરપ્રસાદ દેસાઈ.
થોડાએક મહિના પર અમદાવાદ હતો. એલિસબ્રિજ પર પગપાળો ચાલ્યો જતો હતો. એકાએક એક ભાઈએ મારી સાથે થઈ જઈને વાત શરૂ કરીઃ “મારે તમને ઘણા વખતથી કંઈક કહેવું છે. ‘સોરઠી બહારવટિયા’ ભાગ ત્રીજામાં રામા વાળાની વાત આવે છે તેમાં અમારું ગોંડનું... ગામ ભાંગ્યાનો ઉલ્લેખ છે. તે વખતે હું હાજર હતો. હું એ જ પટેલનો દીકરો. રાતે આવ્યા... મને રોક્યો... મારા હાથમાં દીવો લેવરાવી મને આખું ઘર બતાવવા લીધો સાથે. મને કહે કે, ‘બીશ મા; તને કોઈ નહિ મારે.’ મને એક જણ છરી મારવા આવેલો, તેને આગેવાને મનાઈ કરી દીધી, મને ગામમાં બીજે ઘેર લૂંટવા ગયા ત્યાંય સાથે લીધેલો; અને એક ઘરમાંથી ગલાલ હાથ આવ્યો તે લઈને મારે માથે-મોંયે લગાડતો.
બહારવટિયો બોલતો કે ‘છોકરા, તને તારાં માવતર તો કોણ જાણે કયે દી ગલાલે રમતો (લગ્નમાં) કરશે, આજ તો હું રમાડી લઉં !”
આ વાત કરનારનું નામ ભાઈ ઘુસાલાલ.
મોવર સંધવાણી અને વાલા મોવર સાથે પોતાના પિતાને કેવી રીતે ભેટો થયેલો તેની ફક્કડ ઘટના શ્રી ધનસુખલાલ મહેતાએ પોતાની આત્મકથા ‘આથમતે અજવાળે’માં આપી છે.
પિતા વઢવાણમાં એજન્સીના ડેપ્યુટી એજ્યેકેશનલ ઇન્સ્પેક્ટર હતા. બાળકોને પોતે આ પ્રમાણે વાત કરતા : “તે વખતે મોરનો ત્રાસ કાઠિયાવડમાં ઘણો હતો. એક વખત રાતના, બળદના સગરામમાં હું અને તમારી બા એક ગામથી બીજે ગામ જતાં હતાં. સ્ટેટ તરફથી અમારા રક્ષણ માટે એક સવાર મળતો તે સગરામ પાછળ રહેતો. અચાનક, બે ગામની વચ્ચે, ખેતરમાં તાપણાં જણાયાં, અને અમારા સગરામને એક પરિચિત આદમી લાગુ થઈ ગયો. સવારે તેમ જ સગરામવાળાએ મને ધીમે રહીને કહ્યુંઃ ‘સાહેબ, આવી બન્યુંઃ મોરની છાવણી લાગે છે.’ વસ્તુસ્થિતિ જોઈને મેં સગરામ ઊભો રખાવ્યો; કુંજાનું પાણી ઢોળી નાખીને કુંજો લઈને હું તે તાપણા ભણી જવા માંડ્યો. લાગુ પાડેલો આદમી પણ અજબ થઈ ગયો. હું તો સીધો એ તાપણા પાસે જઈને ઊભો રહ્યો. બહારવટિયાઓ વાળુ કરતા હતા. મેં તેમાંના એકને કહ્યું, ‘પાણી થઈ રહ્યું છે, અને મારી બૈરીને તરસ લાગી છે. આટલું ભરી આપશો ?’
ક્ષણભર તેમણે એકેકની સામું જોયું, અને પછી પાણી ભરી આપ્યું. પોતે જમતા હતા એટલે એમના ધર્મ પ્રમાણે એમાંના એકે કહ્યું, “ખાવા બેસશો ? પણ ખાવામાં તો માત્ર રોટલા, મીઠું અને લસણિયો મસાલો છે.’ મેં હા પાડી અને પહેલે જ કોળિયે મીઠાની ચપડી મોંમાં નાખી અને હું હસી પડ્યો. તેમનો સરદાર બોલી ઊઠ્યો, ‘તમે મને ઓળખો છો ?’ મેં જવાબ આપ્યો, ‘મોર અને વાલિયાને કોણ નથી ઓળખતું ? પણ હવે રજા આપો તો પાછો જાઉં, કારણ કે બહુ મોડું થઈ ગયું છે.’
મોર મને ભેટ્યો અને બોલ્યો, ‘કૃષ્ણલાલભાઈ, ભારે કરી હોં !તમે પણ પાકા નીકળ્યા. પણ અમારું મીઠું ખાધું એટલે આજથી આપણે દોસ્ત. હવે મુસાફરીમાં આવા સવાર-બવાર રાખતા નહિ. અમને બધી ખબર પડે છે. રાતના તમે નીકળશો એટલે મારા બે માણસ સગરામ સાથે થઈ જશે. છતાં જરૂર પડે તો આટલો બોલ કોઈને કહેશો તો કાઠિયાવાડમાં કોઈ બીજા બહારવટિયાની તાકાત નથી કે મોરના દોસ્તને લૂંટે.’
જયસુખલાલના જન્મ સમયે વાલિયો જાતે આવીને રૂમાલ અને સવા રૂપિયો આપી ગયો હતો.
શ્રી મૂળચંદભાઈ આશારામ શાહ મળે છે ત્યારે મોવર સાથે એમના પિતાને પડેલો પ્રસંગ સાંભળવા આવવા કહે છે.
જૂના સૌરાષ્ટ્રને ઉછંગે આળોટી ગયેલાં આ ગુજરાતી અમલદારકુટુંબોનાં દિલોમાં આજે પણ પડઘા ઊઠે છે - એ કાઠિયાવાડી અસલવટનાં.
૧૯૪૪ ઝવેરચંદ મેઘાણી
(પાંચમી આવૃત્તિ)
લેખકના અવસાન પછી બહાર પડેલા એમના પુસ્તક ‘છેલ્લું પ્રયાણ’માં બહારવટિયા રાયદેનું વૃત્તાંત મુકાયેલં. એ વૃત્તાંતનું વધુ યોગ્ય સ્થાન અહીં લાગવાથી ત્રીજા ભાગમાં ઉમેર્યું છે.
‘રસધાર’ની માફક આ કથાઓમાં આવતા દુહા-છંદોની અશુદ્ધિઓ શ્રી રતુભાઈ રોહડિયા અને શ્રી તખતદાન રોહડિયાએ તારવી આપી એ બદલ એમના આભારી છીએ. આ બે મિત્રોએ સૂચવેલી શુદ્ધિઓ ઉપરાંત બાકીના તમામ કાવ્યાંશોની અતિ ઝીણવટભરી ચકાસણી કરી આપવાનું પ્રીતિકાર્ય શ્રી મકરન્દ દવેએ પોતાની નાજુક તબિયતને ગણકાર્યા વિના કર્યું એ ‘સોરઠી બહારવટિયા’
અને ‘રસધાર’નાં સુવર્ણજયંતી સંસ્કરણોનું એક સંભારણું બન્યું છે.
તળપદા સોરઠી શબ્દો અને રૂઢિપ્રયોગોની અર્થસારણી ‘રસધાર’(ભાગ-પ)માં છે એ આ કથાઓના વાચકોને પણ ઉપયોગી થશે.
૧૯૮૧ જયંત મેઘાણી
મહિયાનાં બહારવટાં
(સંવત ૧૯૦૯-૧૯૩૯ : ઈ.સ. ૧૮૫૩-૧૮૮૩)
ઐતિહાસિક માહિતી
કીનકેઈડ કે બીમન મહિયાઓ વિશે કશું જ લખતા નથી. કૅપ્ટન બેલ પોતાના ‘હિસ્ટરી ઑફ કાઠિયાવાડ’ (પાનું ર૩૮)માં આટલું એકપક્ષી લખાણ કરે છે :
“મહિયા નામની શાખાએ જૂનાગઢ પ્રદેશમાં હેરાનગતિ કરવા માંડી. જૂનાગઢ રાજ્યનાં ૧ર ગામ ખાતા આ લોકોએ ઈ.સ. ૧૮૭રમાં જૂનાગઢ પર ચુડાસમા રા’ના વંશને ફરી વાર આણવા શહેર પર હલ્લો કરેલો. આ કારણે તેઓનાં હથિયાર આંચકી લેવાયાં, એટલે તેઓ બહારવટે નીકળેલા, અને ઘણી મુસીબતે તેઓને ફોસલાવી પાછા વાળેલા. તે પછી તેઓની જાગીરોના સીમાડા દોરાયા, તેઓના હકો નક્કી થયા, અને હવે તેઓ રાજ્યની જે લશ્કરી ચાકરી નહોતા ઉઠાવતા તેના બદલામાં તેઓની ઉપર એક હળવો કર નખાયો. તેઓની અપીલ સરકારે કાઢી નાખી પરિણામે તેઓ ૧૮૮રના ડિસેમ્બરમાં ગામડાં છોડી એક તટસ્થ પ્રદેશના એક ડુંગરા પર ચડી ગયા. વાટાઘાટના બધા પ્રયત્નોની તેઓએ અભિમાનભરી અવગણના કરી.
“આ દ્વીપકલ્પની બીજી અસંતુષ્ટ અને ગુનો કરનાર કોમો પણ આ દાખલાને કદાચ અનુસરશે એવા ભયથી મહિયાઓને જો તેઓ શાંતિથી વીખરાય તો હથિયાર ઝૂંટવી કબજે કરવાનો હુકમ અપાયો. પરિણામે ધિંગાણું થયું તેમાં મહિયા ને પોલીસ બન્ને પક્ષમાંથી ઘણાના જાન ગયા. મહિયાઓની ફરિયાદો તપાસવા મિ. એસ. હેમીક (આઈ.સી.એસ.)ને પ્રમુખપદે એક કમિશન નિમાયું. મુખ્ય ફરિયાદ જૂનાગઢ રાજ્ય અને એની પોલીસ સામેની હતી. છ વર્ષ સુધી તકરાર લંબાઈ. સંતોષકારક ફેંસલો થયો અને રોકડ જમાબંદીને બદલે જમીનની બદલી ધોરણે સુલેહ થઈ શકી.”
કૅપ્ટન બેલનું અર્ધસત્ય ખુલ્લું કરનારી પ્રચુર કહીકતો ‘ધ બ્રુટલ મૅસૅકર્સ ઑફ ધ મહીઆઝ ઑફ જૂનાગઢ’ નામના એક કાઠિયાવાડી ભાઈએ લખેલ પુસ્તકમાં ભરી હોવાનું ચોક્કસપણે જાણ્યું છે, પણ એ ચોપડી દુષ્પ્રાપ્ય હોઈ એનો ઉપયોગ અત્રે થઈ શક્યો નથી. કૅપ્ટન બેલ એ કમિશનના ફેંસલામાંથી પણ કશું અવતરણ કરવાની હિંમત બતાવી શક્યા નથી. પોલિટિકલ એજન્ટના ઉચ્ચપદ પર વિરાજમાન રહીને એણે માત્ર રાજસત્તાઓના પોપટ બનવું જ પસંદ કર્યું છે. એ રાજપક્ષીએ પ્રજાપક્ષને તો લક્ષમાં લીધો જ નથી.
૧. કનડાને રિસામણે
ગીરના ખોળામાંથી વિખૂટો પડી ગયેલ આ કનડો ડુંગરોઃ એની દક્ષિણે દાદરચો અને દાદરેચી નામના બે ડુંગરની જુગલ-જોડી ઊભી છેઃ એને અગ્નિખૂણે રાયડો ને રાયડી નામના ડુંગરા-બેલડીએ બેસીને જાણે અહોરાત વિવાહ જ ઊજવ્યા કરે છે. એની છેડાછેડી જાણે કો દી છૂટતી જ નથી. આઘે આઘે ઘેડના કાંઠા માથે સૂરજ જ્યારે આથમતો હોય છે ત્યારે દરિયાના પાણી ઉપર છવાતા ઝળેળાટ આંહીં કનડે ઊભેલાંનેય કોઈ કોઈ વાર નજરે દેખાય છે.
એવો આ કનડો ડુંગરો. સોરઠની શૂરવીર પદ્મણી હોથલ એક દિવસ એકલમલ બનીને બાપનું વેર વાળવા બાંભણિયા બાદશાહ ઉપર આંહીંથી ચડી હતી. બાપની મરણ-સજાઈ માથે આપેલા બોલ-કોલ પળાય નહિ ત્યાં સુધી પરણવું નહીં એવા વ્રત ધરનારી હોથલે એ બોલ પાળીને આંહીં કનડે આવી પુરુષના વેશ ઉતાર્યા હતા. વાંભ જેવડી લટો મોકળી મેલીને જે તળાવડીમાં હોથલ નાહવા પડેલી તે તળાવડીની મૂળ જગ્યા પણ કનડાની ગોદમાં બતાવવામાં આવે છે. જેની પાળે ચડીને એક દિવસ ઓઢાએ હોથલ નિહાળી
ચડી ચખાસર પાર, ઓઢે હોથલ ન્યારિયાં,
બિછાઈ બેઠી વાર, પાણી માથે પદમણી.
એ જ આ શંખાસર તળાવડીની પુરાયેલી જગ્યા : અને એ જ આ ડુંગરો, જ્યાં છેવટે લુંબઝુંબ વનરાઈને આંગણે
રણમેં કીધો માંડવો, બિછાઈ દાડમ ધ્રાખ,
ઓઢો હોથલ પરણીજે, સૂરજ, પૂરીજેં સાખ.
દાડમ અને દ્રાક્ષના એ વેલ-વળુંભ્યા માંડવામાં ઓઢાના ને હોથલના હથેવાળા મળ્યા, સોરઠની શૂરી સુંદરી ને કચ્છના વંકા મર્દ વચ્ચે છેડાછેડી બંધાણી અને ઈશ્વરની જમણી આંખ જેવા સૂરજે એ પરણેતરમાં સાક્ષી પૂરી એ જ શું આ કનડો ! ને એ જ શું આ સૂરજ ! ઓઢા-હોથલનાં ભોંયરાં આજ કોઈ વખંભર વનસ્પતિમાં ગાયેબ થયાં બોલાય છે. માલધારીઓ માલ ચારતાં ચારતાં એવી કોઈ વનરાઈ-ઢાંકી જગ્યા પાસેથી નીકળે છે, ત્યારે એ કોતરનાં ઊંડાણમાંથી પારેવાંના ઘુઘવાટ સાંભળીને તેઓના કાન ચમકે છે. ત્યાં કોઈક ઊંડું નવાણ હોવું જોઈએઃ કોઈ અકળ અગમ થાનક ત્યાં ગારદ થઈ ગયું હશેઃ આવી આવી કલ્પના અડાવતા ગોવાળો કનડામાં ભમે છે. કઠિયારાંના જોડલાં કરગઠિયાં વીણતાં વીણતાં માંહોમાંહે વાતો કરે છે કે “હોથલ તો હજી કનડે જીવતી છે, ઈ મરે નહિ ભાઈ ! ઈ તો દેવભોમની પદ્મણી હતી. તે દિવસ કચ્છમાં ઓઢે એનું નામ પણ છતરાયું કર્યું, તેથી
ચિઠિયું લખિયું ચાર, હોથલજે હથડે,
ઓઢા, વાચ નિહાર, અસાંજો નેડો એતરો.
-એમ છેલ્લા રામરામની ચિઠ્ઠી ઓઢા માથે લખીને હોથલ પદમણી પાછી આંહીં કનડે આવેલી. પણ પછી તો
ભૂંડું લાગે ભોયરું, ખાવા ધાતી વાટ,
ઓઢા વણનું એકલું, કનડે કેમ રેવાય !
આંહીં કનડામં એનો જીવ જંપતો નહોતો. તલખતી તલખતી, પાપી બહાર મીન તલખે તેમ તલખતી હોથલ આંહીં જ વસી છે. એકલી ને અટૂલી આંહીં જ દિવસ વિતાવે છે. આયખાના તો અમરપટા લખ્યા છે એટલે મરાતું નથી. ઝૂરતી હશે કોક ભોંયરાની અંદર.૧
એવી એવી વાતો કરીને આથમતે પહોરે, અંધારાં ઊતરવાની વેળાએ, ગોવાળો ને કબાડીઓ કનડેથી નીચા ઊતરે છે; ને, જાણે પોતાના મરેલા બેટા કે બાંધવોની ખાંભી ઉપર સિંદૂર ચડાવી રહી હોય તેવી અબોલ, ઉદાસ, અંધકારરૂપી કાળી કામળી ઓઢેલી કોઈ વિજોગણ મા-બહેન સમી સંધ્યા પણ કનડે ઊતરી પડે છે.
૧. જુઓ હોથલની સાંગોપાંગ દોહાવાળી સંપૂર્ણ કથા : ‘સૌરાષ્ટ્રની રસધાર.’
•
એવી એક સાંજને ટાણે દક્ષિણ દિશાએથી બે ઘોડેસવાર ડુંગરા ઉપર ચડ્યા આવે છે. ડુંગરના પેટાળે પડેલી લાંબી કેડીએથી બેય ઘોડા ઠેઠ ટોચ ઉપર પહોંચે છે. ડુંગરા ઉપર કેમ જાણે કોઈ માનવી સૂતેલાં હોય અને કેમ જાણે જરા જેટલા બોલાશથી પણ એની ઊંઘ ઊડી જશે એવી ચુપકીદી રાખીને એક અસવારે પલાણ છાંડ્યું અને બીજાની સામે પણ નાકે આંગળી મૂકી અબોલ રહેવાનો ઈશારો કર્યો. પગરખાં છેટે ઉતારીને બેય જુવાનો ડુંગર ઉપરના એ પહોળા ચોકની વચ્ચોવચ આવી ઊભા રહ્યા.
સાગ, સીસમ, દૂધલો, ધ્રામણ અને ખેરનાં ઝાડવાંનાં અધસૂકેલાં ઠૂંઠાં એ ચોકને કાંઠે કાંઠે છૂંટાંછવાયાં ઊભેલાં છે. વચ્ચોવચ એક મોટું ને બળી જળી ગયા જેવું સાગનું ઝાડવું ઊભું છે. એ ઝાડના થડ ઉપર સિંદૂરનાં બે ત્રિશૂળ કાઢેલાં છે. થડ પાસે બે પાવળિયા છે. તેના ઉપર પણ સિંદૂરનું અક્કેક ત્રિશૂળ આલેખ્યું છે. એ બે પાવળિયાની મોખરે એક, બે, ત્રણ, ચાર ને પાંચલાંબી હાર્યોમાં એંશીક જેટલી ખાંભીઓ ખાડેલી છે. પહેલી જ હાર્યમાં જમણા હાથ તરફની પહેલી બે ખાંભીઓ ઉપર બબ્બે ગોળ કૂંડાળાં કંડારેલાં છે. (બાઈ માણસનાં બે થાનેલાંની નિશાનીઓ લાગે છે.) બાકીની ખાંભીઓમાં કશું જ કોતરકામ નથી, જમીનમાં ખોડેલા સાદા પથરા જ છે. માત્ર એને સિંદૂર ચડાવ્યો છે. જાણે કોઈ ધરતીકંપ થાતાં આખો એક દાયરો ત્યાં બેઠો ધરતીમાં સમાયો હોય એવો દેખાવ લાગે છે.
“ભાઈ ! હું ખાંભી જુવારી લઉં. તમે આ પાણકાના ઢગલા ઉપર બેસો.”
એટલું બોલીને બેમાંથી એક મોટી ઉંમરના ને મોટી મૂછોવાળા અસવારે
એક ફૂટેલા નાળિયેરની રખડતી કાચલી ગોતી લીધી. અંદર દિવેલ પૂરીને વાટ્ય પલાળી અને ખાંભીઓની ડાબી બાજએ પાણકાઓની બનાવેલી આડશ વચ્ચે એનો દીવો પેટાવી, પાઘડીનો છેડો અંતરવાસ (ગળાની આસપાસ) નાખી પાયલાગણ કર્યું. બીજી કાચલીમાં સિંદૂર પલાળીને એ ખાંભીઓ ઉપર લેપ કરવા લાગ્યો. કામ પૂરું કરીને જ્યારે એ ઊઠ્યો ત્યારે એની ચળકતી મોટી આંખોમાં બે આંસુડાં હતાં. પાઘડીને છેડે આંસુ લૂછી નાખીને એ પોતાના ભેરુને ડુંગરાની જમણી બાજુએ લઈ ગયો. આંગળી ચીંધીને એક ધાર બતાવી. પૂછ્યું, “ઓલી ધારનું નામ શું, જાણો છો ?”
“ના.”
“એનું નામ તોપધાર. ત્યાં અમારા સામી તોપ ચડાવીને માંડેલી.”
“તમારા સામી ? કોણેે ?”
“જૂનાગઢના રાજે.”
“ક્યારે ?”
“આજથી છેતાલીસ વરસ ઉપર : સં. ૧૯૩૯ની પોષ સુદ પાંચમે. તે દિવસ સૂરજ હજુ ઊગ્યો નહોતો; માણસો હજુ જાગ્યાં નહોતાં; પંખીડાં બોલતાં નહોતાં; અને અમારા મહિયાઓની કતલ ચાલી હતી. આ કનડો અમારાં રાતાંચોળ લોહીની નીકોમાં નાયો’તો. અમારા નવસો મહિયા આંહીં કનડે ચડીને એક મહિના સુધી રહેલાં, તેમાંથી એંશીની કતલ થઈ ગઈ છે.”
“શા માટે નવસો ચડેલા ? બહાવટે ?”
“ના ભાઈ. બહારવટે નહિ, પણ રિસામણેઃ વગર હથિયારેઃ રાજ આપણો ધણી છે ને આપણને મનામણાં કરશે એવી આશાએઃ પણ મનામણાંને સાટે તે કુવાડા ચાલ્યા. અમારા એંશી જણ ચુપચાપ બેઠા બેઠા રામનું નામ લેતા કપાઈ ગયા.”
“વાહ વાહ ! શાબાશ મહિયા ! ઊંચામાં ઊંચી રાજપૂતી એનું નામ.
ત્યારે તો હવે મને એ આખી વાત કહો, ભાઈ !”
એક ઢોરા ઉપર બેય જણાએ બેઠક લીધી અને પછી મહિયા કોમના એ મોટી આંખોવાળા, આધેડ ઉંમરના માણસે વાત આદરીઃ
•
અમે મૂળ તો મારવાડના મેણા (મીણા) રજપૂત. છીએ અમે જે આણી મેર ઊતર્યા તે મહિયા કહેવાયા. આજથી ત્રણસો-સાડા ત્રણસો વરસ ઉપર અમારા વડાવા ભીમા મહિયાએ મારવાડ ઉપરથી ઊતરતાં ઊતરતાં સોહમણી સોરઠ ભોમમાં સોણલાં દીઠાં. વાતો સાંભળી કે કાંઈ લોભામણો હાલરા દેશ છે !
નીલાં તટ મચ્છુ તણાં, નીલી વાંકાનેર,
એકરંગીલા આદમી, પાણી વળેજો ફેર.
(મચ્છુ નદીના લીલા તટ : લીલૂડી વાંકાનેરની ધરતીઃ અને એકરંગીલા એ પ્રદેશના માનવીઃ એવો હાલાર દેશ છે. એ પ્રતાપ એના પાણીના છે.)
મચ્છુ કાંઠો અને મોરબી, વચમાં વાંકાનેર,
નર પટાધર નીપજે, પાણી હંદો ફેર.
એવા એકરંગીલા માનવીને પેદા કરનાર પાણીવાળાની દિશાએ અમારા વડવા ભીમા મહિયાએ ઉચાળા ઉતાર્યા. મચ્છુ અને પતાળિયોએ બે નદીઓ જ્યાં સંગમ થાય છે તેને કાંઠે વાંકાનેર નામનું એક ગામડું વસાવ્યું.
એક દિવસ ભીમા મહિયાની દોઢીએ આવીને એક બાઈ ઊભી રહી. હાથમાં બાળ તેડ્યું છે. આંખે આંસુ ઝરે છે. ભેળું રક્ષા કરનારું કોઈ નથી. ભીમે મહિયે પૂછ્યું, બે’ન ! કોણ છો તું ? શીદ આવવું થયું ? તને આંહીં રામરક્ષા છે. તારા દુઃખની વાત દિલ મોકળું મેલીને કહે, બા !”
“ભાઈ ! મારા ધરમના વીર ! હું પડખેના જાડેજા રાજાની રાણી છું.
પાટ-ઠકરાણી છું, પણ અણમાનેતી છું. અમને બેય શાક્યુંને દેવે દીકરા દીધા, પણ મારું ફૂલ બે ઘડી વહેલું અવતર્યું. તેથી બારો બાળક ટિલાત ઠર્યો ખરો કે ની ? એટલે અપર-મા એને મારવા ફરે છે. મને કોઈ સંઘરે તેમ નથી. આજ મચ્છુને કાંયે તમ જેવા રજપૂતનું બેસણું સાંભળીને તમારી ઓથ લેવા આવી છું.”
“વાહ વાહ ! મારાં વડાં ભાગ્ય, મારી બોન ! તું ભલે આવી. તારો જાડેજા રાજા કદીક બળિયો હશે, તો અમેય કે દી પારોઠનાં પગલાં દીધાં નથી. અમેય રજપૂત છીએ. તું તારે આંહીં સગી માનું પેટ સમજીને રે’જે.”
આંહીં રાણીને આશરો અપાયાની વાત ફૂટી ને ત્યાં પડખેના રાજમાંથી જાડેજો રાજા વાંકાનેર ભાંગવા માટે કટક લઈને ઊતર્યો.
અમારા ગામને ફરતી ફોજ વીંટીને પડ્યો કેમ કે ગઢ તો જિતાય તેવું નહોતું.
રાતમં ચાર-આઠ મહિયા જુવાનોએ ભીમાની રજા લીધી, પૂછ્યું કે “ફોગટની શીદ લડાઈ માંડવી ? મૂળ ધણીને જ ઢોલિયા સોતો ઉપાડી આણીએ તો કેમ ?”
“તો તો રંગ રહી જાય, બેટાઓ !”
ચોકીઓ ભેદીને ચાર મહિયાઓ રાજાના ડેરામાં ઊતર્યા. પોઢેલા રાજાને પલંગ સોતો ઉપાડી, દાંતોમાં ઉઘાડી તરવારો પકડી, મચ્છુનાં ઊંડાં પાણી વટાવીને ઢોલિયો દોઢીમાં હાજર કર્યો. રાજા તો હજી ભરનીંદમાં જ છે.
પ્રભાતે ભીમા મહિયાએ કસુંબો કાઢીને તૈયાર કર્યો. દાતણ ને ઝારી હાજર રાખ્યાં, મહેમાન જાગે તેની વાટ જોતા બેઠા. મહેમાને આંખો ઉઘાડી ત્યાં એ વસ્તી ગયો કે કાળના હાથમાં પડ્યો છું.
“જાડેજારાજ ! આ દાતણ કરીને મોં પખાળો. કસુંબો ખોટી થાય છે.”
એટલું કહીને ભીમા મહિયાએ અતિથિને દાતણ કરાવ્યું. કસુંબો પાતી
વેળા ફોડ પડાવ્યો કે “રાજ ! તમારાં ઠકરાણાં તો મારી ધરમની બે’ન છે. ક્યાંયે બચવાની બારી ન રહી ત્યારે મારા ઉચાળામાં એ રિસામણે આવી છે. હવે જો તમારે લડવું હોય તો અમે કટકા થઈ જાવા તૈયાર છીએ. બાકી અમારાં બે’નને પાછાં તમારા રાણીવાસમાં તો નહિ જ મોકલીએ. અમારો ભાણેજ આંહીં જ રે’શે. અમે એને વાંકાનેર ગામ દઈએ છીએ. બોલો ! તમે એને શું દ્યો છો, રાજ ?”
રાજાએ પણ અણમાનેતીના દીકરાને પોતાની જમીન કાઢી દીધી. બે’નને દીધેલું વાંકાનેર છોડીને મહિયા ચાલી નીકળ્યા. ત્યારથી વાંકાનેરનો રાજા મહિયાને મોસાળ કરી માનતો થયો. ભાઈ ! આ કનડાની કતલ થઈ ને, તે પહેલાં જૂનાગઢ રાજ સાથે મહિયાની તકરાર ચાલતી’તી ત્યારે વાંકાનેર રાજે અમને કહેવરાવેલું કે ‘શીદ તકરારમાં ઊતરો છો ? જૂનાગઢ જાકારો ભણે તો આંહીં આવતા રહો. ત્રણ ગામ આપું. મારાં તો તમે મોસાળ છો.’
પછી તો અમે રાજકોટનાકુવાડવા મહાલમાં જઈ વસ્યા. રાજકોટની ચાકરી કરી. થાનના ગોરખા ભગતે અમારા વડવા ભાણા મહિયાને સોણે આવી થાન પરગણું હાથ કરવાનો સંદેશો દીધો. અમે નાજા કરપડા નામના કાઠી પાસેથી થાન જીત્યું.
•
“વખત જાતાં તો અમારાં મહિયાનાં લોહી આયરના લોહી ભેળાં ભળ્યાં.”
“એ શી રીતે ?” મહેમાને પૂછ્યું.
“તે દી અમારો વડવો ભાણ મહિયો ભરજોબન અવસ્થાએઃ ઘોડીએ ચડીને ગામતરે નીકળેલાઃ ગુંદા ગામને પાદર અષાઢ મહિનાના મોરલાને ગળક દીધી ત્યાં એની ઘોડીએ ઝબકીને ઠેક મારી. હરણ જેવી ઘોડી પંદર હાથ ઉપર જઈ પડી. ભાણ મહિયો તો પલાણ પરથી ડગ્યા નહિ, પણ એની પાઘ એના માથા પરથી વીંખાઈને નીચે પડી ગઈ. પાઘ વીંખાતાં જ માથા ઉપરના પેનીઢક મોવાળાનો ચોટલો છૂટી ગયો. વીખરાયેલી જટાએ ઘોડીને પણ ઢાંકી દીધી. ચંદ્રમાને વાદળીઓ વીંટે એમ કાળી લટોઅ ભાણ મહિયાનું મોઢું છાઈ દીધું.
“કૂવાને કાંઠે, ટીબકિવાળી ચૂંદડીએ અને ભરત ભરેલે કાપડે બે પનિયારીઓ હેલ્ય ભરીને હાલું હાલું થાતી હતી, તે આ દેખાવ દેખીને થંભી ગઈ. ભાણ મહિયાનો ચોટલો સંકેલાણો, પાઘ બંધાઈ ગઈ, ઘોડી પાદર વટાવી અણદીઠ થઈ, તોયે બેમાંથી એક પનિયારી તો ખસતી જ નથી. એની આંખોની મીઠી મીઠી મીટ એ જ દિશામાં મંડાઈ ગઈ છે. માથે બેડું મેલ્યું છે તેનો ભાર પણ ભુલાણો. જાણે બાઈ કાગાનીંદરમાં ઘેરાણી. અંતે બીજી પનિયારીએ એને ઢંઢોળીઃ ‘કાં બા ! હવે તો બેડાને ભારે માથાની ટાલ્ય બળે છે, હો ! અને તમારે જો તમારી હેલ્ય પરબારી ત્યાં જ જઈને ઉતારવી હોય તો પછી મને ઘરભેળી થાવા દ્યો.’
“તે વખતે તો પનિયારી છાનીમાની ભોજાઈ ભેગી ચાલી ગઈ. પણ ઘેર ગયે એને જંપ ન વળ્યો. ભોજાઈનું મે’ણુંં માથામાં ખટકતું હતું અને નજરમાં રૂડો અસવાર રમતો હતો. હૈયું ક્યારનું એની પાછળ પંથ કરી રહ્યું હતું. ઘરમાંથી માણસો આઘાંપાછાં થયાં એટલે પોતે હેલ્ય લઈને ચાલી. પાદરને એ જ કૂવેથી પાણી ભર્યું અને હેલ્ય માથે ઉપાડી કુવાડવા ગામને માર્ગે પડી. ગામમાં જઈને ભાણ મહિયાની ડેલીએ ઊભી રહી. માથે હેલ્ય ને મોઢે મલીરનો ઘૂમટો; પગ ઉપર ઢળતી પડી છે રાતીચોળ જીમીઃ ભાણ મહિયો જોઈ રહ્યો. પાસવાનોને કહ્યું, ‘પૂછો, આ બાઈ કોણ છે ? અને શા કામે આવી છે ?’
“માણસો પૂછવા ગયા. ઘૂમટાવાળીએ કહેવરાવ્યું કે ‘ભાણ મહિયાને કહો, હું ગુંદા ગામના આયર જીવા પટેલની દીકરીઃ મારું નામ રાણદેઃ કુળની લાજમરજાદ મેલીને આવી છું. માટે આજ કાં તો મૂછોના વળ ઉતારી મૂછ નીચી કર, ને કાં તો આ હેલ્યને હાથ દે !’
“ભાણ મહિયો ઘડીભર વિચારમાં પડી ગયો. આયરોનાં વેર માથે લઈ જીવવું વસમું હતું. પણ તેથી વસમું તો હતું મૂછ નીચી કરવાનું કામ. મહિયો થઈને મૂછનો વળ કેમ કરી ઉતારે ? ઊઠીને એણે આયર કન્યાની હેલ્યે હાથ દીધો. રૂપાળી, રઢિયાળી અને શૂરવીરનું ઓઢણું ઓઢવા સગાંવહાલાંના વિજોગ સહેનારી રાણબાઈ ગઢમાં ચાલી ગઈ. શાં એનાં સોજાં શીળ ! ઓરડાય હસી ઊઠ્યા.
“બાઈના બાપ જીવા આયરને જાણ થઈ કે દીકરી મહિયા માથે મોહીને ગઈ. આયરનું ડિલ તપી હાલ્યું અને મહિયા ઉપર દળકટક હાંકવા મન કર્યું. મૂછો મરડીને આયર બોલ્યો કે ‘કુવાડવા ઉપર મીઠાનાં હળ જોડાવું તો હું આયર સાચો.”
‘આપા જીવા !’ ડાહ્યા ચારણો હતા તેમણે શિખામણ દીધી, ‘એમ કાંઈ મહિયો ગાંજ્યો નહિ જાય. અને પછી દેખાશો ભૂંડા. માટે હાથે કરીને માત્યમ ખોવા શીદ ચડો છો ?’
‘પણ મહિયો શું એમ મારી દીકરીને રાખે ?’
‘આપા ! દીકરી ગઈ છે તો મુછાળાને ને ? કોઈ નમૂછિયા ઉપર તો નથી મોહી ને ?’
‘ના.’
‘ત્યારે મહિયાને સગો બનાવી લે ને ! અરે ભૂંડા ! તારે તો ભડ વસીલો મળ્યો.’
“એ રીતે રાણદે આઈનો વસ્તાર મહિયા અને આયરનાં મોંઘાં લોહીમેળથી શોભી ઊઠ્યો. રૂપ ને શૂરાતન બેયનાં સરખાં પાણી મહિયાના વંશને ચડવા લાગ્યાં. એ રાણદે આઈનો દેહ અમારા શેરગઢ ગામના ટિલાત અમારાભાઈના ગઢમાં જ પડ્યો. ભાઈ ! હજી જાણે ગઈ કાલની જ વાત.”
•
“પણ તમે જૂનાગઢ પંથકમાં ક્યાંથી આવ્યા ?”
“નવાબના તેડાવ્યા આવ્યા’તા, ભાઈ ! નવાબને એક કોર કાઠીની ભીંસ. બીજી કોર ચોરવાડ-વેરાવળમાં રાયજાદા રજપૂતોનો દા બળે. ત્રીજી કોર બીલખાના ખાંટ ખાંડાં ખખડાવે. એ સહુની આડ દેવા નવાબે મહિયા નોતર્યા. કાઠી અને રાયજાદાનો તા ન ઝિલાવાથી મહિયા ત્રણ વાર તો આવી આવીને પાછા કુવાડવે ગયા. પણ આખરે મહિયાનાં નાકાં બંધાણાં. કાઠી ને રાયજાદાનાં જોર ભાંગ્યાં. મહિયાને ચોવીસી મળી. શેરગઢ, અજાબ અને કણેરી જેવાં અમારાં મોટાં મથક બંધાણાં. અમારું ટિલાત ખોરડું શેરગઢમાં વસાવ લાગ્યું. આજ પણ અમારા આગેવાન ધારાભાઈના ગઢમાં થાન ભાંગ્યું તે દિવસનાં કાઠીસાઈ માળડા, ચંદરવા વગેરે મોજૂદ છે. અમારે ઘેર હડ્ય રહેતી. અમારા બે હજાર મહિયાના એક જ શ્વાસઃ આજ તો એ વારા વહી ગયા. સમો પલટાઈ ગયો. કાયદા, કરારો અને કોરટોએ અમ ફરતા આંટા લઈ લીધા ને આંહીં કનડે ડુંગરે અમારાં ઢીમ ઢળી ગયાં.”
હાં હાં ! ઝટ એ વાત ઉપર આવો. અંધારાં ઘેરાય છે ને આ ડુંગરાની ખાંભીઓ જાણે સજીવન થાય છે. મારું હૈયું સ્થિર રહેતું નથી. હું આ ધરતીને રોતી સાંભળું છું. કનડાની વાત કહો.”
“સાંભળો ભાઈ ! સંવત ૧૯૩૯ની સાલ સુધી મહિયો કરવેરા વિનાનો હતો. લીલાં માથાં ઉતારી આપનાર મહિયાને માથે લાગા નહોતા. પણ પછી તો નાગરોનો કારભાર જામ્યો. અને મહિયા ઉપર રાજની ચિઠ્ઠી ઊતરી કે ‘કાંઈક કર તો તમારે રાજને ભરવો જ પડશે.’
“આવી તવાઈના જવાબમાં શેરગઢથી અમારા આગેવાન અમરાભાઈએ લખી મોકલ્યું કે ‘મહિયાને કર ન હોય, અમથી ખમાય નહિ.”
“તે વખતે મહોબતખાનજી ગાદીએ. કુંવર બહાદુરખાનજી શાહપર બાંધીને નોખા રહે. અમારા અમરાભાઈને તો બહાદુરખાન ‘ચીચા બાપુ’ કહીને બોલાવે ને અમારા મહિયાના એક દીકરાને પોતાની પાસે જ રાખે. એવાં હેત ને એવી પ્રીત. એ બહાદુરખાનજીએ અમરા મહિયાને કહેણ મોકલ્યું કે ‘ચીચા બાપુ ! તમે શાહપર આવો. આપણે વષ્ટિ કરીએ.’
“અમરો મહિયો ઘોડીએ ચડી શાહપર ગયા. બહાદુરખાનજીએ ઘણા ઘણા સમજાવ્યા, પણ ભાઈ ! સલાહ અવળી પડી ગઈ. પડખિયાએ અમરાભાઈને સમજાવી દીધા કે ‘રાતમાં ને રાતમાં દીકરાને લઈ શેરગઢ ભેળા થઈ જાઓ. નીકર ઠામ રે’શો !”
“અમરો મહિયો દીકરોન લઈ ચોરીચુપકીથી ચાલ્યો ગયો. સવારે બહાદુરખાનને ખબર પડી. એને પડખિયાએ ભંભેર્યો એટલે એને આ વાતની ખટક રહી ગઈ. મહોબતખાનનો દેહ પડ્યો, બહાદુરખાન તખ્ત પર આવ્યા. પછી એના હુકમ છૂટ્યા કે ‘હાં, મહિયા કર ન કબૂલે તો એનાં ખળાં જપત કરો.”
“અમારાં ખળાં પર જપ્તી બેઠી. પણ માથાકઢા મહિયા તો ચોરીછૂપીથી ખળાં ખાવા લાગ્યા. ફરી હુકમ છૂટ્યો કે ‘એનાં ઘાસચારોળાં જપત કરો.’”
“પછી તો અવધિ આવી રહી. ઢોરઢાંખર ઉપર જે ગુજારો ચાલતો તે અટકી ગયો.”
“માગશર મહિનાની મધરાતે અમે નીંદર કરતા હતા ત્યાં અમારા ચોરા પાસે એક સાંઢિયો ઝૂક્યો અને અસવારે ડેલીએ આવી અવાજ દીધો કે ‘મહિયા ભાઈઓ, જાગો !’ હવે ઊંઘવાનું ટાણું નથી રહ્યું !”
“બેબાકળા જાગીને અમે પૂછ્યું, ‘કેમ ભાઈ ! ક્યાંનો સાંઢિયો ?’
‘સાંઢિયો છે શેરગઢનો. અમરાભાઈએ કહેવરાવ્યું છે કે ઘેરઘેરથી અક્કેક મહિયો પ્રાગડના દોરા ફૂટ્યે કનડા ડુંગરને માથે આવી પોગે. હું જાઉં છું. મારે આજ રાતોરાત જ આખી ચોવીસી ફરવી છે.’
‘પણ, ભાઈ, બા’રવટે કે રિસામણે ?’
‘રિસામણે. હથિયાર હોય તે પણ ઘેર મેલીને નીકળજો.’
“એટલું કહીને સાંઢણી-સવાર ઊપડતે પગલે ચાલી નીકળ્યો.”
“અને પ્રાગડના દોરા ફૂટતાંની વાર તો કનડાને માર્ગે ઘોડા, સાંઢિયા, ગાડાં અને પાળાઓની કતાર બંધાઈ ગઈ. ચોવીસ ગામમાંથી નવસો મહિયા કનડે રિસામણે મળ્યા. અમારા મુખીને એક જ બોલે અમે કટકા થઈ જનારાઃ અમે મહિયા તો અમારા સરદારના શબ્દ પર તોપે બંધાઈ જનારાઃ એક ઘર પણ પોતાનો જણ મોકલ્યા વિના ન રહ્યું.”
“જ્યાં મોટો પુરુષ ન હોય તેનું શું ?”
“તે ઘરથી નાનો છોકરો આવે. તરસીંગડાવાળી બાઈઓએ ઘરમાં કોઈ પુરુષ નહોતો તે દસ વરસનો દીકરો મેલ્યો’તો.”
“એના ભેગી બે બે’નો આવી હતી તે વાત સાચી ?”
“એ વાતમાં મોટો ભેદ છે. હું હમણાં જ કહું છું. નવસો મહિયા કનડે બેઠા. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ એમ બેઠા જ રહ્યા. આસપાસ કાઠીનો મુલકઃ મધુવંતીને કાંઠે મેંદરડાના હાંડા જેવાં ગામડાંઃ વસ્તીને અમારી ભે તો બહુ લાગી કે મહિયા ક્યાંક લૂંટી ખાશે. પણ અમારા મુખી અમરાભાઈએ કહી દીધું કે ‘મહિયાના પેટનો હોય તે આંહીં ભૂખ્યો મરી જાય, પણ લૂંટફાટ ન કરે.’
“એટલો બોલ બસ હતો. અમારામાંયે ચોરીલૂંટ કરનારા હશે. અમારી મથરાવટી જ મેલી ગણાય. પણ કનડે તો અમે તપ તપવા મળ્યા’તા. ધણીની રામદુવાઈલોપવામાં મહિયો મહાપાપ ગણતો’તો. અમે કનડા ઉપર પોષ મહિનાની ટાઢ્ય વેઠતા અને ગાંઠનું ખીચડું ખાતા બેઠા. મનમાં આશા હતી કે હમણાં અમારો ધણી જૂનાગઢથી ઊતરશે અને અમને મનામણાં મેલશે. વષ્ટિઓ આવવા પણ માંડી. રાજે અમને કહેવરાવ્યું કે ‘વીંખાઈ જાઓ. કનડો છોડી દ્યો. પછી તમારો વિચાર કરશું.’
“અમે જવાબ વાળ્યો કે ‘મહિયા ધર્માદો નથી ખાતા. માથાં દીધા બદલની જમીન ખાય છે. અમ માથે નવા લાગા ન હોય. બાકી તો ધણી છો. બધુંય આંચકી લ્યો ને ! અમારે લૂણહરામી થઈને રાજ સામી સમશેરું નથી ખેંચવી’.”
•
“એવે સમે એક દિવસ મોણિયા ગામથી શામળોભાઈ નામે ચારણ ઊતર્યા. મોણિયું એટલે તો આઈ નાગબાઈનું બેસણુંઃ અને નાગબાઈ તો મહિયાની ઈષ્ટદેવીઃ નાગબાઈ ઉપર અમારી હાડોહાડની આસ્થાઃ એ ચારણીનું છોરુ તે આ શામળોભાઈ. શામળાભાઈએ રાજની ને અમારી વચ્ચે વષ્ટિયું લાવવા-લઈ જવા માંડી. છેલ્લે દિવસ તો શામળોભાઈ અમને કસુંબા સાટુ અઢી શેર અફીણ સોત આપી ગયા. અને પોષ મહિનાની અજવાળી ચોથની રાત સૂસવતી હતી ત્યારે શામળાભાઈએ આશાભર્યો સંદેશો આણ્યો કે ‘વષ્ટિ લઈને રાજના મોટા અમલદાર કાલે પ્રભાતે મનામણે પધારશે, માટે હથિયાર પડિયાર હોય તેટલાં આઘાંપાછાં કરી દેજો.’
‘હથિયાર !’ મોટા ચોટલાવાળા મહિયા જુવાનોની આંખો તાપણાને અજવાળે ચમકી ઊઠી. ‘હથિયાર તો અમારા હાથમાંથી સરકારે સંવત ૧૯ર૯થી આંચકી લીધાં છે, શામળાભાઈ !’
‘આકળા મ થાવ, જુવાનો !’ શાણો સરદાર અમરો મહિયો બોલ્યો. ‘અને શામળાભાઈ ! હથિયાર હોય તોય આજ અમે વાપરવા નથી નીકળ્યા. આજે તો અમારે બેઠું બા’રવટું ખેડવું છે. આજ ધણીની સાથે કંઈ ઘાય હોય? અને તું તો અમારે ગૌસ્વરૂપઃ તું ચારણ આડો ઊભો હો ત્યાં હત્યા ન હોય. ખુશીથી સરકારના સરદારો પધારે.’
‘અને હથિયાર લેવાં હોત તો આંહીં કનડે શીદ બેસત ? ગર છેટી છે ?’ એક જુવાન નીકળ્યો. ‘શું કરીએ, ભાઈ ! આજ અમારો મુખી અમને ભામણપણાનું ભણતર ભણાવે છે.’
‘મહિયા જુવાનો !’ચારણે ખાતરી દીધી,‘હું તમને ઠાલો રૂડું મનવવા નથી આવ્યો. રાજના પેટમાં કૂડ નથી દેખાતું. તમારાં રિસામણાં રાજને ભારે પડે તેવાં છે. તમારે એક જ ડગલામાં ગર પડી છે, એટલે જ આજ રાજનાં મનામણાં આવે છે. આજની રાત જંપીને ઊંઘજો.’
“મહિના મહિનાના ઉજાગરા હતા. ભૂખ, ટાઢ ને તડકા ઘણાં ઘણાં વેઠ્યાં હતાં. ઘરના વિજોગ, ગરાસની ચિંતા અને મરવું કે મારવું તે વાતના વિચારો થકી મહિયા થાક્યા હતા. આજ નવસોયે જીવ જંપી ગયા. કાલ તો કનડેથી ઊતરીને ઘરને છાંયડે જાવું છે એવી ધરપત થકી મીઠી નીંદરે આંખો મળી ગઈ. ઘસઘસાટ નીંદરઃ પણ ત્યાં તો સૂરજની કોર ફૂટતાં અમને સૂતેલાંને કોણે જગાડ્યા ? મનામણાંને મીઠે બોલે નહિ, પણ બંદૂકને સણસણાટે ! આટલી સેના ક્યાંથી ઊમટી ? કનડો ઘેરી લીધો ! રાતમાં ને રાતમાં આ હજારું હથિયારવાળા ઊતર્યા ? સંધવાડના સાંતી ને કોસ છોડાવી છોડાવીને શું હજારુંને મોઢે સંધી ઉતાર્યા ? ઝબકેલાં મહિયામાંથી કેટલાકને પોતાનો ધર્મ સૂઝ્યો તે સામી છાતી પાથરીને ઊભા રહ્યા. ને બીજા દૃશ્ય ભૂલીને ડુંગરેથી દોટ દેતા ઊતરી ગયા. એંશી ને ચાર, ચોરાશી જવાંમર્દો, એક બોલ પણ બોલ્યા વિના ઊભા રહ્યા. એના લાંબા લાંબા ચોટલા ઝાલીને એક હારમાં બેસાડ્યા. પછી માથાં કાપ્યાં - તરવારે નહિ હો, કુવાડે. એની આ ખાંભિયું, ભાઈ ! એ ખાંભિયું અમારે પૂજ્યાનાં ઠેકાણાં. ચોરાશી જણાએ જીવ દઈ જાણ્યાં.”
“અને ઓલી બે બાઈઓની ખાંભીઓ વિશે શું ?”
“હા, લોકો બોછે છે કે તરસીંગડાવાળા બાળ મહિયાને સાચવવા બે બે’નો આવેલી. મહિના સુધી એ બે જુવાનડીઓ પોતાના બાળા ભાઈને વીંટીને બેસી રહી હતી. સાત ખોટનો એક જ કલૈયા કુંવર જેવો એ ભાઈ હતો. કતલ ચાલતી’તી તે ટાણે ‘અમારા ભાઈને મારશો મા !ભલા થઈને મારશો મા ! એને સાટે અમને મારી નાખો !’ એવી કાળી વરાંસ્યો નાખતી એ બે’નોએ પોતાના ભાઈની કતલ કરનારની આડા દેહ દીધેલા એટલે એને પણ કાપેલી. પણ વળી કોઈક આ વાતને ખોટી ઠરાવે છે. મુખીઓ કહે છે કે એક મહિના સુધી કોઈ બાઈ માણસ અમારા સંઘમાં નહોતું. મુખીનો હુકમ જ નહોતો. તેમ છતાં ફોજવાળા વાતો કરે છે કે ‘અમે જ્યારે કાપતા હતા ત્યારે એક નાની કુંવારકા એક રૂડારૂપાળા બાળ મહિયાની આડાં અંગ દઈને ઘા નાખતી હતી કે ‘મારા ભાઈને મ મારો ! મારા વીરને મ મારો ! એને સાટે મને મારો !’ એને પણ અમે તો મારેલી. પછી ગાડામાં નાખીને અમે સહુનાં માથાં લઈ જતા હતા ત્યારે પણ એક ગાડે એક આંગડિયાળી કુંવારકાનું શબ સૂતેલું દેખાતું હતું. દેહ પર જખમ નહોતો, રગતનો છાંટો નહોતો, પણ મરેલી પડી હતી. કોણ જાણે કેમ થયું, પણ જૂનાગઢ પહોંચતાં પહેલાં એ શબ અલોપ થઈ ગયું... વોંકળો વળોટ્યા પછી અમે એને દેખી જ નહિ.’ આમ ગિસ્તવાળા વાતો કરતા હતા.”
“કોણ હશે એ કુંવારકા ?”
“બીજી કોણ ? આઈ નાગબાઈ ! પાંચ મહિયા મરે ત્યાં આઈ પણ ભેળી મરે છે. વારે વારે મરે છે, બાપ ! મરી ન જાણ્યો એક શામળોભાઈ ચારણ.”
“ખૂટામણા હશે ?”
“ના, ના, ના, ના ! હોય નહિ, કહેનારની જીભ કપાય. ચારણ છેતરાઈ ગયેલો. એ સમજ્યો નહિ. દગાની રમત એના કળ્યામાં ન આવી; એટલે એણે જોયું ને અમે કપાણા.”
“તો એણે મરવું’તું.”
“હા, એણે મરવું’તું. પણ એને મરતાં આવડ્યું નહિ, આખી ચારણ કોમને એને ફટકાર દીધો.”
“તમે મહિયા આ વાતને કેવા દિલથી યાદ કરો છો ?”
“ઊજળા દિલથી. અમે જૂનાં વેર જગાડવા આ ખાંભીઓ નથી જુવારતાં. અમે તો જુવારી જુવારીને સંભારીએ છીએ કે ખાનદાનીથી મોતને શી રીતે ભેટાય છે ? અમે મરી જાણવાના પાઠ ભણીએ છીએ. બાકી વેર કેવાં ? કડવાશ કેવી ? માનવી બિચારો કોણ માત્ર ? જે માનવી મત્ય ભૂલી જાય, તેના ધોખા શા હોય ? ખાંભીઓ અને ઇતિહાસની વાતો ઝેરવેર શીખવવા સાટુ ન્હોય.”
“પછી રાજને માથે શું થયું ?”
“અમારી સો બાઈઓ રાજકોટ ગઈ. જઈને સરકારને જાણ દીધી.
સરકારનું કમિશન બેઠું. કંઈક રમતો રમાણી. નવાબ ખા. બ. સાલેહહિંદી અને બાપાલાલભાઈનો કારભાર તૂટ્યો. સરકારને ઠપકો મળ્યો. થોડીક તોપની સલામી કમી થઈ ને અમારા હક અખંડ રહ્યા. અમને એજન્સીની હકૂમત હેઠળ લીધા. અમારે રાજને રૂપિયા પાંચ હજાર સાતસો એંશી ખરચ ભાગે આપતા ઠર્યા. ત્રણ વરસ પછી અમે રાજને કુલ સાઠ સાંતીની જમીન કાઢી આપીને એ કરમાંથી મોકળા થયા અને પાછા જૂનાગઢ રાજ્યની હકૂમતમાં આવ્યા. આજ અમારા ઉપર લાગો નામ ન મળે. આ અમારી કથની થઈ, ભાઈ !
“હાલો હવે ચંદ્રમા ચડ્યો છે. શૂરાપૂરાને જાગવાની વેળા થઈ છે. હવે આપણે ઊતરી જઈએ.”
ર. ગીગો મહિયો
ઘરતરફ વળતી ઘોડીઓ ઝપાટે પંથ કાપવા લાગી. રૂપાવરણી રાતને શીળે પહોરે વનરાઈ જંગલી ચમેલીની સુગંધે મહેકતી હતી. એ ડુંગર, એ રણથળ ને એ ખાંભીઓને પાછળ મેલીને અસવારો આઘેરા નીકળી ગયા. કતલની ધણેણાટી, હત્યાની કરુણા અને શૂરાનાં મૂંગાં સમર્પણનું વાતાવરણ વાંસે રહી ગયું હતું. અદાવતનાં ઝેર નિતારી નાખે એવી -
અગર ચંદણ રાત
ચાંદા પૂનમ રાત
ચાંદલિયો ક્યારે ઊગશે ?
તારોડિયો ક્યારે ઊગશે ?
એ ગીત માંહેલી ચંદન-છાંટી રાત હતી. મહિયા અસવારે બીડી ઝેગવી એટલે મહેમાન સમજ્યો કે મહિયો નવા તોરમાં દાખલ થઈ ગયો છે. એટલે મહેમાને વાત ઉચ્ચારી કે “તમારો ગીગો મહિયો બહારવટે ચડ્યો હતો તેની શી હકીકત છે, કહેશો ?”
“ગીગો મકો૧ ને ? કણેરી ગામનો ગીતો ને ? હા, હા. ગીગો તો મકરાણીઓનો મોટો કાળઃ મકરાણી મલક આખાને ધમરોળે, પણ ગીગાની કણેરીને સીમાડેય ન છબે, ભાઈ ! ગીગો તો ગરનો સાવજ કહેવાણોઃ સાંભળો એની ખ્યાતિયુંઃ
૧ મહિયાની એક શાખ.
બાબીથી બીનો નહિ, ખત્રીવટ ખાગે,
ભૂપ મોટા ભાગે, ગરની સાવજ ગીગડો.
(ગિરનો સિંહ એ ગીગો જૂનાગઢના બાબી રાજાથી ન બીનો અને એણે તરવારથી ક્ષત્રીવટ ખેલી. મોટા રાજા પણ એનાથી ભાગતા હતા.)
“અને, ભાઈ !
પટેલિયા પ્રગણા તણા, જૂને રાવું જાય
ડણકે ડુંગરમાંય, ગાળે સાવજ ગીગડો.
(પરગણાના પટેલો ગીગાના ત્રાસ સામે દાદ કરવા જૂનાગઢ જાય છે અને ગિરનો સિંહ ગીગો તો ડુંગરમાં ગર્જના કર્યા જ કરે છે.)
ઊનેથી જૂના લગે, નારીન ભરે નીર,
નત્યની રીડોરીડ, ગરનો સાવજ ગીગડો.
(ઊના ગામથી માંડીને જૂનાગઢ સુધી સ્ત્રીઓ પાણી નથી ભરી શકતી. રોજ રોજ બૂમો પડે છે. એવી હાક ગિરના સિંહ ગીગાની બોલી ગઈ.)
“ને વળી, ભાઈ ! કેવો નામી મરદ ગીગો !
કેસર જ્યું લેવા કચ્છ, લાંબી સાધછ લા,
માંડછ પગ મૈયા, ગઢે ને કોટે ગીગડા !
(હે ગીગા ! તું કેસરીની માફક લાંબી ડણક દે છે, અને ગઢે નો કોટે
તારા થાપા મારે છે.)
“અરે, શી એની શિરજોરી !
ટીંબી જેવડું ગામડું, સૂંથી ફાટ્યો મિયાં,
સિંહ વછૂટ્યા સામટો, ગરુ મળી ગયો ગીગડો !
“એ ગીગો ને ? કૈંક ગોરખધંધા કર્યા હતા એણે પણ એ તો વહેલાંની, કનડાની કતલ પહેલાંની, વાત. સંવત ૧૯૦૯માં ગીગો બા’રવટે નીકળ્યો ! એનું બા’રવટું કોઈ રાજ ઉપર નહોતું. કટંબ-કળો હાલતો હતો, એમાંથી ગીગાનું ગાંડપણ સળગી ઊઠ્યું. એ મૂળ વાતમાં તો કંઈ માલ જ નહોતો. પણ અસલ વારાની ગાંડપ જ ગણાય.
“ગીગો મૂળ કણેરી ગામનો રહેવાસીઃ મકા શાખનો મહિયોઃ બાપનું નામ મૂળો મકોઃ ગરાસને કારણે કાકાઓની સામે અણબનાવ મંડાણો હતો. ચાર પિત્રાઈઓ એની સામી પાર્ટીમાં હતાઃ એક નામેરી, બીજો કરણો, ત્રીજો રતો અને ચોથો અમરોઃ એમ ચાર કાકાઃ સહુનો ઉકરડો એક ઠેકાણે સૈયારો પડે. પણ એમાંથી ખાતર ભરી જાય ફક્ત કાકાના ખેડુઓ. ગીગલે લીધો વાંધો. કહે કે ભાગે પડતું ભરવા દઉં. ત્યારે ચાર કાકા આડા ફરીને ઊભા રહ્યા અને અણછાજતું વેણ બોલી ગયા કે ‘જા જા હવે, ભૂંડણના ! તારાથી શું થાતું’તું ?’
“‘ભૂંડણનો’ કહ્યો ત્યાં ગીગાની ખોપરીમાં ખટાકો બોલી ગયો. જુવાનજોધ આદમી. કોઈનો ટુંકારો ખાધેલ નહીં. ઘણા દિવસની ઝીણીમોટી કનડગત હાલી આવે. એમાં આજ અઘટિત વેણ સાંભળ્યું. તે ટાણે ગીગો ઘૂંટડો ઉતાીર તો ગયો, પણ એટલું કહી દીધું કે ‘કાકા, ભૂંડણનો છું કે સિંહણનો, તે તો તમે હવે જોજો !’
“ધાનનો કોળિયો એને ઝેર થઈ ગયો. ઘરમાં, ગામમાં ક્યાંયે જીવને ગોઠ્યું નહીં. પોતાના ચાર ભાઈઓને લઈને ગીગો કુટુંબ માથે જ રિસામણે નીકળી ગયો.”
“કણેરીથી ઉગમણે પડખે થોડેક છેટે પ્રાંસળી નામે ગામડું છે. પિત્રાઈના સંતાપથી ગળે આવી રહેલ ગીગો પ્રાંસળીમાં એક દિવસ બપોરે મહેમાન થયો છે. ભાઈબંધોની પાસે કાકાઓની કનડગત ગાય છે. વાત કરતાં કરતાં એના મોંમાંથી વચન નીકળી ગયું કે ‘હવે તો ગળોગળ આવી ગયો છું, ભાઈ !”
“સંબંધીઓ એને ઠારે છે, ‘ગીગા ! હોય, કુટુંબ હોય ત્યાં એમ જ ચાલે.’ ભેળાં પડેલાં ભાણાં કોઈક દિવસ ખખડેય ખરાં. પણ એ વાત ઉપર વેરનાં બી ન વવાય. આપણાં બળજોર એમ ધૂડ જેવી વાતમાં ખોઈ બેસાય છે, મારા બાપ ?”
“રોટલા ખાઈને હોકો પીતાં પીતાં જુવાન ગીગલો ઝોલે ગયો. એટલે એના સોળે ભેરુબંધો છાનામાના ત્યાંથી સરીને નીકળી ગયા. થોડી વારે ગીગો જાગ્યો. બે ઘડીની નીંદરમાં એના અંતરની આગ કંઈક ઓછી થઈ ગઈ હતી. પણ જાગીને જોયું તો સોળમાંથી એકેય સંગાથી ન મળે. ગીગાને વહેમ આવી ગયો, ‘નક્કી મને કાળી ટીલી દેવા ગયા !’ એમ બોલતો એ ઊઠ્યો. કણેરીને માર્ગે એણે દોટ દીધી. કણેરીનું પાદર થોડુંક છેટું રહ્યું ત્યાં ફડાફડી અને રીડિયા-ચસકા સંભળાણા. એ સાંભળતાં જ ગીગાના પગ ભાંગી ગયા. મનમાં ભે પેસી ગઈ. પાદરે પહોંચીને જોયું તો ચાર કાકામાંથી રતા અને અમરાની બે લાશો પડી હતી. લોહીની ખાંદણ મચી ગઈ હતી. અને ખૂન કરીને ભાઈઓ ઊભા હતા. ભાઈઓએ સાદ કર્યો કે ‘હાલ્ય ગીગા ! આનાં લોહી પીએ.’
“‘અરે, બસ કરો, બાપ ! તમે ઢીમ ઢાળી દીધાં. આવડી ઉતાવળ? મારો મનખ્યો બગાડી મૂક્યો !’
“કાકાની લાશ ઉપર ગીગે પોતાની પછેડી ઓઢાડી દીધી. અને પોતે પડખે બેસીને પોક મેલી રોયો. સાચે આંસુડે રોયો. પછી તો માથે બે ખૂન ચડ્યાં. ધોડવું’તું ને ઢાળ આવ્યો ! ખૂનને સાટે ફાંસીએ ચડવાનો કાયદો એ વખતના માણસોને ભાવે શેનો ? એટલે એણે પોતાના માણસોને કહ્યુંઃ ‘ભાઈ, આમેય હવે મોત તો માથે ગાજી જ રહ્યું છે, તો પછી ડાહ્યાડમરા થઈને કૂતરાને મોતે શીદ મરવું ? મલકમાં નામાંકામાં રહી જાય એ રીતે થોડીક મરદાઈ પણ ભજવી લેશું ને ?’
•
“આવે કુટુંબી કારણે ગીગો બહાર નીકળ્યો. અને ગીગાની વાંસે જૂનાગઢની ગિસ્તો છૂટી. ગીરના ડુંગરમાં ગીગો ડણકો દેવા લાગ્યો અને ગામડાં ભાંગવાનો આદર કર્યો. એમાં એક દિવસ એને એક આદમીએ આવીને બે વાતના વાવડ દીધા કે ‘ગીગા મકા ! તમારા બાપ મૂળુ મકાનો દેહ છૂટી ગયો.’
‘શી રીતે, ભાઈ ?’
‘મૂળુ મકો ભાગતા ફરતા’તા, એમાં ઝલાણા, એને જૂનાગઢ લઈ જાતા’તા. એમાં દાત્રાણા ગામની પાસે નાગડી ગામને ચોરે મૂળુ મકે શરમના માર્યા પેટ તરવાર નાખીને પ્રાણ કાઢ્યા; ને બીજું તો તમે આંહીં લહેર કરો છો પણ તમારી કણેરીને માથે તો મકરાણીની એકના સાટાની ત્રણ ગિસ્તો પડી છે.’
‘રંગ જૂનાગઢને. મારી કણેરીની કીર્તિ વધી. ગીગાને માટે ત્રણ-ત્રણ ગિસ્તો ! ગીગો ઠેઠ ગરમાં, ને ગિસ્તોના પહેરા ચાળીસ ગાઉ છેટે કણેરીમાં! રંગ ! કોણ કોણ છે એના આગેવાન ?’
‘એક તો શંકર, બીજો બાદશા જમાદાર ને ત્રીજો અભરામ પાડાળો. ત્રણેય મકરાણીઓ.’
‘ભાઈ ! ભાઈ ! ત્રણેય જણા મરદના દીકરા ! એને વાવડ દ્યો કે ગીગો આંહીં બેઠો બેઠો તમારી વાટ જોવે છે. કદાચ એને ખબર નહિ હોય.’
‘બરાબર ખબર છે. પણ કણેરીમાં એને કાંઈ દખપીડા નથી.’
‘તે આપણે જ સામે ચાલીને જઈએ. એને શીદ ફેરવણી કરાવવી?’
ગરમાંથી ગીગો ચડ્યો. કણેરીને સીમાડે આવીને સહુ ઊતરી પડ્યા. શુકન જોયા વિના ગીગો કદી કોઈ ગામના સીમાડામાં પગ મેલતો નહિ. શુકન જોાવની રીત પણ નોખી જ ભાતની. સીમાડે સહુ બેસે ને પોતે સૂએ. સૂતાં સૂતાં આંખમાં નીંદર ભરાય એટલે પોતે ઊભા થાય. કાં તો પાછો ફરી જાય, ને કાં તો શ્રીફળ લઈને સીમાડામાં દાખલ થાય. કણેરી માથે ચડવામાં શુકન જોયાં તો સારાં નીવડ્યાં. નાળિયેર લઈને ગીગો આગળ થયો. વાંસે એનું દળ હાલ્યું. ગામને પાદર જઈને ઝાંપાના પથ્થર ઉપર નાળિયેર વધેર્યું. સહુએ માતાજીની શેષ ચાખી ને પછી ગામમાં પગલાં દીધાં. બરાબર ચોકમાં જ ગિસ્તો પડી છે. પણ મોતની ભે તો ગીગાને રહી નહોતી. ‘જે નાગબાઈ’ લલકારીને ગીગો પડ્યો. એમાં બે કોરથી સાઠ સાઠ દેશી બંદૂકો છૂટી, પણ ગીગાના જણમાંથી એક જણને જખમ થયો. બીજા બધા કોરેકાટ રહી ગયા.
‘હાં ભેરુબંધો ! આઈ નાગબાઈ આજ ભેરે છે.’ એમ બોલીને ગીગો ઠેક્યો. ધૂધકારીને જેમ દોટ દીધી તેમ મકરાણી શકર, બાદશા જમાદાર ને અભરામ પાડો ત્રણેય ભાગ્યા. ગીગાએ પે’લા બેને તો હડફેટમાં લઈ પછાડી બંદૂકે દીધા. પણ અભરામ પાડો ઝાડ ઉપર ચડી ગયો. એને ગોતતા ગોતતા બહારવટિયા પાદર આવ્યા, ને જેમ ઊંચે નજર કરે તેમ ત્યાં ઝાડની ડાળ્યે અભરામને દીઠો. જેમ ગીગે બંદૂક નોંધી તેમતો અભરામે ડિલ પડતું મેલ્યું. આવી પડ્યો ગીગાના પગમાં. પગ ઝાલી લીધા, બોલ્યોઃ ‘એ ગીગા ! તેરા ગુલામ !’
‘હે... ઠ મકરાણી ! ખાઈ બગાડ્યું ? જા ભાગી. હું ગીગો. હું શરણાગતને ન મારું. જા ઝટ જૂનાગઢ, ને વાવડ દે કે ગીગો આજ કણેરીમાં જ રે’વાનો છે.’
અભરામને જીવતો જવા દીધો. પોતે કણેરીમાં આખો દિવસ રોકાણો. બાપનું સ્નાન કર્યું, અને ‘હવે મકરાણી ફરી વાર આવે તો મને છીંદરડીની ઝાડીમાં વાવડ દેજો !’ એટલું કહી ગીગો ચડી નીકળ્યો.”
•
“કણેરીને પાદર જેને પૂરો કર્યો એ જ બાદશાહ જમાદારનો જુવાન દીકરો બીજી ગિસ્ત લઈને મહિયાવાડ ખૂંદવા માંડ્યો અને શેરગઢ ગામને ચોરે બેસી બડાઈ હાંકવા લાગ્યો કે ‘અબે ગીગા ગીગા ક્યા કરતે હો ? ઓ તો બચાડી ગગલી. નામ જ ગીગલી ! ઓ બચાડી ક્યા કરે ? એક વાર મેરેકુ મોક મિલ્ જાય, તો મેં ગીગલીકુ બતા દૂં.’
જમાદાર જ્યારે બોલવામાં હદ છાંડવા લાગ્યા ત્યારે એક ગામેતી ગરાસિયાથી ન સહેવાણું. એણે કહ્યું કે તો પછી જમાદાર, આ પડ્યો ગીગલો છીંદરીની ઝાડીમાં. ક્યાં છેટું છે ? કરો ને પારખું !’
‘જમાદાર હતા ચઢાઉ ધનેડું. ચડ્યા. જાણભેદુ હતા તેઓ એને જગ્યા ચીંધાડવા ચાલ્યા. છીંદરીની ઘાટી ઝાડીમાં એક ભેખડની ઓથે ગીગો એની ટોળી સાથે બેઠેલો. ગિસ્તને ભાળતાં જ બહારવટિયા ભેખડની પછવાડે બીજે ઠેકાણે ઓથ લઈ ગયા અને દુશ્મનને ભૂલથાપ દેવા માટે પોતાની પાઘડીઓ ભેખડની ટોચે મૂકી. આંહીં મકરાણી જમાદાર મોતીમાર હતો. એક વડલાની ઓથ લઈને થડની વચ્ચે થોડોક ભાગ હતો ત્યાંથી ગોળીઓ છોડવા લાગ્યો. પટોપટ ગોળીઓ પાઘડીઓને લાગતી ગઈ. ગીગાની આંખ બીજ જગ્યાએથી ઘણીય ગોતે છે કે ગોળીઓ આવે છે ક્યાંથી ? કોઈ બંદૂકદાર તો દેખાતો નથી. એમાં ગીગાએ વડલાની બે જાડી વડવાઈઓ એકબીજી સાથે અડોઅડ હતી તેની ચિરાડમાં કાંઈક હલચલ દીઠી. બરાબર ચિરાડમાં નોંધીને બંદૂક ચલાવી. પહેલે જ ભડાકે જમાદાર ઢળી પડ્યા.
જમાદારની મૈયતને ઉપાડી શેરગઢ લાવ્યા. હજી તો સવારે જે જમાદારે શેખી કરી હતી. તેની જ મૈયત દેખીને મહિયા પેટ ભરીભરીને હસ્યા.”
•
ફાગણ સુદ પૂનમની હોળી તો સહુ પ્રગટે, પણ ગીગા બંકડાની હોળી નોખી જ ભાત્યની. જૂનાગઢથી વેરાવળ જાવાની ધોરી સડક હતી. એ સડકને કાંઠે, પાણીધરા ગામને સીમાડે, આજે જે ગીગાધાર કહેવાય છે તે ધાર ઉપર ગીગો ચોડેધાડે રહેતો હતો. એમાં કોઈએ યાદ આપ્યું કે ‘આજ ફાગણ સુદ પૂનમ છે, ગીગા ! આજ ક્યાંઈક હોળી માતાનાં દર્શન કરવા અને દુહા સાંભળવા જોઈએ.’
વિચાર કરીને ગીગો બોલ્યો કે ‘આપણે આંહીં આપણી નોખી હોળી પરગટીએ અને દુહા રાસડા ગાવા માટે સહુને આંહીં જ બોલાવીએ તો કેમ?’
‘તો વધુ સારું.’
‘ઠીક ત્યારે, અટાણથી સડકને કાંઠે ઓડા ઝાલીને બેસી જઈએ અને હોળી માતાનો પૂજાપો સરસામાન ભેળો કરીએ.’
રૂ-કપાસના ધોકડાં લઈને ગાડાંની હેડ્યો જૂનાગઢની વેરાવળ જાય છે. ધોરીને ગળે ટોકરીઓ વગડે છે. મોટી બજાર જેવી રાહદારી સડક ઉપર બહારવટિયાની તલભાર પણ બીક નથી. ગાડાખેડુ કાગાનીંદર કરતાં કરતાં હાંક્યો જાય છે. એમાં ગીગાધાર ઢૂકડા આવતાં ત્રાડ પડી કે ‘ગાડાં થોભાવો!’
‘કાં ભા ? નવાબ સરકારનાં ધોકડાં છે.’
‘હા, એટલે જ અમે તાણ્ય કરીએ ને, ભાઈ ! ઉતારી નાખો ધોકડાં.’
ગાડાખેડુઓ કળી ગયા કે આ તો ગીગાનો થાપો પડ્યો છે. ધોકડાં ઉલાળી નાખ્યાં.
‘તમારું ભાડું કેટલું ઠર્યું’તું, ભાઈ ?’
‘આ લ્યો, ભાડું ચૂકતે લેતા જાવ. તમારાં છોકરાંને આજ વરસ દિવસને પરવે ખજૂરટોપરાં વિના ન રખાય. અને કોઈ પૂછે તો કહેજો કે ગીગે હુતાશણી પ્રગટવા સાટુ ધોકડાં રોકી લીધાં છે.’
પોતપોતાનું પૂરેપૂરું ભાડું લઈને ગાડાવાળાએ ગાડાં હાંક્યાં ત્યાં તો ગીગાને કાંઈક સાંભળ્યું. બૂમ પાડી, ‘એલા ભાઈ, આજ આંહીં હોળી પરગટશું, રમશું ને ગાશું. રોકાઈ જાવ ને ?’
‘બાપા, અમને માફ કરો, અમારે માથે માછલાં ધોવાશે !’
‘હેઠ બીકણ ! ઠીક, મંડો ભાગવા. રસ્તે જે મળે એને કહેતા જાજો કે પાણીધરાને સીમાડે ધાર માથે ગીગાએ આજ રાતે સહુને દુહા ગાવા ને ખજૂર ખાવા તેડાવ્યા છે. ગિસ્તું મને ગોતતી હોય તો એને પણ કહેજો, હો કે.’
‘પણ ગીગા મકા !’ ભેરુ બોલ્યા, ‘ખજૂરટોપરાંનો બંદોબસ્ત કરવો પડશે ને ?’
‘ભાઈ, આંહીં બેઠે જ એ બધું થઈ રહેશે, આંહીંથી જ ખજૂરનાં
વાડિયાં, તેલના કૂડલા, ટોપરાંના કોથળા વગેરે હોળીની સંધીએ સામગ્રી નીકળશે. જોઈએ તેટલી ઉતરાવી લેજો. પણ ગાડાખેડુને ભાડાંની કોરિયું ચૂકવવાનું ભૂલશો નહીં. આજ મોટા તહેવારને દિવસ એનાં છોકરાંને હોળીના હારડા વગર ટળવળાવાય નહીં, હો કે !’
સાંજ પડી ત્યાં સડકને કાંઠે રૂનાં ધોકડાં, તેલના કૂડલા, ખજૂરનાં વાડિયાં, ટોપરાના વાટકાના કોથળા, શીંગોની ગૂણો વગેરેના ગંજ ખડકાણા અને રૂનાં ધોડકાંમાં તેલના કૂડલા મૂકીને ગીગાએ હોળી ગોઠવી. આજુબાજુનાં ગામડાંમાં ખબર પડી હતી એટલે રાત પડ્યો લોકોનો પણ ઠીક ઠીક જમાવ થઈ ગયો. પૂનમના ચાંદે ગિરનારની ટુંકો વચ્ચેથી જેમ ઝળહળતી કોર કાઢી, તેમ આંહીં ગીગાધારે પણ હોળીની ઝાળ નીકળી. આસપાસનાં ગામડાંમાં છાણાંની હોળીઓના ભડકા દેખાતા હતા તેની વચ્ચે ગીગાની હોળીની ઝાળો તો આભે જાતી અડી. બહારવટિયે પ્રદક્ષિણા દઈને પાણીની ધારાવડી દીધી. હોળીમાં નાળિયેર હોમ્યાં. કૂદી કૂદીને ઝાળો વચ્ચેથી નાળિયેરો કાઢી લેવાની હોડ રમાણી. અને પછી જેમ ઝાળ નમવા માંડી, ચાંદો આકાશે ચઢીને રૂપાના રસની રેલમછેલ કરવા માંડ્યો, તે વખતે આંહીં ગીગાધારે સોરઠના સરખેસરખા દુહાગીરો સામસામી પંગતો કરી કરીને દુહાની રમઝટ બોલાવવા લાગ્યા. દાંડિયારાસ રમાણા. આખી રાત આભમાં ને ધરતીમાં, બેય ઠેકાણે, આનંદના ઓઘ ઊમટ્યા. પ્રભાતે પોતાનો નેજો ઉપાડીને ગીગો ગીગાધાર માથેથી ઊતરી ગયો, ગરની વાટ ઝાલી લીધી.
•
ખીલાવડ ગામના ગામેતી, જોખિયા શાખના મુસલમાન નામે સભાગો જમાદાર, ગિસ્ત લઈને ઊતર્યા છે. ગાળે ગાળે ગીગાને ગોતે છે. એમાં વાવડ મળ્યા કે ગીગો તો દાદરેચા ડુંગર ઢૂંકડો રાણાધારના નેસ પાસે પડ્યો છે. બાતમીદારે કહ્યું કે ‘જમાદાર સાહેબ, ઈ સાવજની બોડમાં જવા જેવું નથી. એને આપણે પહેલો બહાર નીકળવા દઈએ.’
પણ જમાદારને પોતાની ભુજાનું અભિમાન હતું. એણે કહ્યું કે ‘સાવજને
પડમાં આવવા દઈને મારવામાં શી બહાદુરી બળી છે ! બોડમાં જઈને બંદૂકે દઉં તો જ સાચો સિપાઈબચ્ચો !’
“જમાદાર, રેવા દ્યો.” પણ જમાદારને તો ખેંચ પકડમાં વધુ જોર આવ્યું. જાડા જણને બંદૂકો સહિત ઉપાડ્યા. ત્યાં ગીગાનો નેજો દેખાણો. નેજા વિના તો ગીગો ક્યાંય રહેતો નહિ. વાર આવતી દેખાણી. ઘડીક થયું ત્યાં વારે બહારવટિયાને વીંટી લીધા. એટલે હોકો હેઠે મેલીને ગીગે તરવાર લીધી, પકડીને જેમ સામે પગલે દોટ દીધી તેમ ગિસ્તના મકરાણીઓએ બંદૂક સોતા પડ દઈ દીધું. જમાદાર ઘોડેસવાર હતો તે એકલો ઊભો થઈ રહ્યો. દોડીને ગીગે ઘોડાની વાઘ ઝાલી લીધી એટલે ચતુર જમાદારને ઓસાણ ચડી ગયું. એણે ગીગાને રંગ દીધા, ‘શાબાશ ગીગા ! શાબાશ તારી જણનારીને, સો સો શાબાશિયું છે તુંને, શૂરા ! હવે બસ કરી જા, દોસ્ત !’
શાબાશી સાંભળીને ફુલાઈ ગયેલા ગીગાએ ઘોડાની વાઘ છોડી દીધી અને કહ્યું કે ‘જમાદાર, જાઓ પધારો ! વળી જે દી પાણી ચડે તે દી આવજો. ગીગાનું ઠેકાણું ગરમાં અછતું નથી હોતું. એનો તો મલક છતરાયો નેજો ફરકે છે.’
દાદરેચા ડુંગર પાસે ગીગાનું આ રહેઠાણ હજુ પણ ગીગા પથારી અને ગીગા વીરડો એવે નામે ઓળખાય છે.
•
ગોધમાં ડુંગરની તળેટીમાં નાગડી નામનું ગામ છે. એ ગામના એક ખેડુના ઘરમાં ખરે બપોરે ખેતરે ભાત દેવા સારુ પટેલની દીકરા-વહુ તૈયાર થતી હતી. પણ બાપને ઘેરથી તાજી જ આણું વળીને આવતી હતી અને માવતરે કરિયાવર પણ કોડે કોડે અઢળક આપ્યો હતો એટલે આ જુવાન વહુને પહેરવા-ઓડવાના લહાવા લેવા બહુ ગમતા હતા. વળી, પોતાના પિયુજીને જ ભાત જમાડવા જવા કરતાં બીજો કયો વધુ રૂડો અવસર પહેરવા-ઓડવાનો હોય ? ખેડુની દીકરા-વહુએ ભરત ભરેલાં કાપડું ને થેપાડું તો પહેર્યાં, તેના ઉપર રાતા ગલરેટાનો સાડલો ઓઢ્યો, પણ તે ઉપરાંત એણે તો હાથ, પગ, ડોક અને નાક-કાનમાં જેટલાં હતાં તેટલાં ઘરાણાં પણ ચડાવ્યાં. એક તો જુવાન કણબણ અને એમાં આ શણગાર ! રૂપની જ્યોતો છૂટી ગઈ. પણ જેમ ભાતની તાંસળી ને છાશની દોણી મોતિયાળી ઈંઢોણી ઉપર લઈ માથે ચઢાવ્યાં તેમ સાસુની નજરે પડી. સાસુની આંખ ફાટી થઈ. પૂછ્યુંઃ
“અરે વહુ, આ પીળી ધમરખ થઈને ક્યાં હાલી ?”
“બીજે ક્યાં વળી ! ખેતરે ભાત દેવા.”
“અરે, પણ અડબોત મારીને આ તારાં લાડ ઉતારી લેશે, મોટી સાહેબજાદી !”
“કોણ ઉતારતો’તો વળી ?”
“ઓલ્યો તારો બાપ !”
“પણ કોણ ?”
“ઓલ્યો બહારવટિયો ગીગલો મૈયો આંહીં ગોધમાની ગાળીમાં વાટ જોઈને જ બેઠો હશે.”
“લ્યો રાખો રાખો, બઈજી ! તમે તો દેખી જ નથી શકતાં. તમારી આંખ્યુંમાં મૂઠી મરચાં ભરો, મરચાં ! હું તો આ હાલી.”
આખાબોલી અને અબૂધ કણબણ કાંબી-કડલાં રણકાવતી અને ફરડ ફરડ લૂગડાં ગજાવતી ચાલી નીકળી. વાંસે વૃદ્ધ સાસુએ એકલાં આખું ગામ સાંભળે તેમ બડબડ બોલ્યા જ કર્યું, અને આંહીં જ્યાં વહુ ગામ મેલીને છેટેરી નીકળી, તેમ ગોધમે ડુંગરેથી તીણી આંખો ફેરવતા ચાડિકાએ બહારવટિયાને કહ્યું કે “આપા ગીગા ! કોક ભતવારી જાય. જાડા જણનું ભાત લાગે છે.”
“હાં, દોડો. ભાત લઈ લ્યો, અને ઘરેણું હોય તો એ પણ હાથખરચી સાટુ ઠીક પડશે.”
બિલ્લીપગા બહારવટિયા દોડીને બાઈ આડા ફરી વળ્યા. એને પડકારી, “ઊભી રે,’ બાઈ !”
બંદૂકવાળા બોકાનીદારોને ભાળી ભે ખાઈ કણબણ થંભી ગઈ. “બાઈ, ઈ ઘરાણાં ને ઈ ભાત આંહીં હેઠે મેલીને હાલી જા, બાપ.” બહારવટિયાએ એક સૂંડી ભરાય તેટલાં સોનાંરૂપાં ભાળીને ભાન ગુમાવ્યું.
“તમે કોણ છો ?” કરડી આંખવાળા અને બીજાથી સવાયા પ્રભાવશાળી દેખાતા જણને બાઈએ બેસી ગયેલા અવાજે પૂછ્યું.
“હું ગીગો મૈયો. બાઈ ! તું વાર લગાડ એટલું નકામું છે. ઠાલી ચીથરાં શીદ ફાડછ ?”
“તમે પોતે જ ગીગા બાપુ ?”
“હા, હું બાપુ-ફાપુ નહિ, પણ ગીગો ખરો - અરે ગીગલો કહે તોય શું ? અમારે તો કામનું કામ છે ને ? અમારે મકરાણીનાં માથાં જોવે ને શાહુકારોનાં સોનાંરૂપાં જોવે. કાઢી દે ઝટ.”
“વોય માડી ! તયેં તો મારી કાળજીભી સાસુનું કહેવું સાચું પડ્યું!” એટલું કહીને કણબણ ચારેકોર જોવા લાગી.
“શું કહ્યું’તું તારી સાસુએ ? ઈયે અમારે સાંભળવું પડશે ? ઠીક બાઈ, કહી નાખજે ઝટ. અમે ભૂખ્યા છીએ.’
“મારી સાસુએ કહ્યું’તું કે આ ઘરાણાં ઠાંસીને જાછ તે તારો બાપ ગીગો બા’રવટિયો ગોધમેથી ઊતરીને લૂંટી લેશે ! મેં કહ્યું કે ભલે મારો બાપ ગીગો લૂંટી લ્યે.”
“મને તારો બાપ કહ્યો’તો તારી સાસુએ ? સાચોસાચ ?”
“હા, સાચોસાચ.”
“તયીં તો હું તારો બાપ ઠર્યો. ભાઈ જુવાનો ! હું બાપ થઈને આ દીકરીને લૂંટું ?”
“અરેરે, લૂંટાય કાંઈ ?”
“ઊલટાનું કાપડું દેવું જોવે ને ?”
“હા જ તો.”
“એલા ભાઈ, આપો એને મૂઠી ભરી કોરિયું. પણ એલી દીકરી, તું દીકરી ઠરી એટલે બાપ ભૂખ્યો હોય એને ખવરાવ તો ખરી ને ?”
“હા જ તો, બાપુ.”
“ત્યારે મેલી દે ભાતના રોટલા, અમે ગોધમે જઈને પેટ ઠારશું. છાશની દોણીય દઈ દેજે. તારી તાંસળી પાછી લઈ જા. દીકરીના ઘરનું ઠામડુંય મારે ન ખપે.”
“બાપુ, વધુ છાશરોટલા લઈ આવું ?’ હરખે ઊભરાતી કણબણે પૂછ્યું.
“ના. હવે તું આવતી નહિ, નકર કોક ખાટસવાદિયા તને લૂંટશે ને નામ ગીગાનું લેશે. ભાગવા માંડ ઝટ.”
•
ગીરના ગાળા વટાવતી એ ચારણીઆણીઓ ચાલી આવે છે. લોકો વાતો કહે છે કે બેય કાળીલા ગામની હતી. એક વહુ ને બીજી સાસુઃ એક જુવાન ને બીજી આધેડ ઉંમરનીઃ બેયને માથે કાળી ઝેબાણ કામળીઓ ઝૂલે છે. ઘેરા રંગનાં લૂગડાંમાં ગૌરવર્ણા મોઢાં અંધારતી સાંજના આથમણા રંગો જેવાં ખીલી ઊઠે છે. બરોબર બપોર માથે આવ્યો, વગડો વરાળો નાખવા માંડ્યો, અને સીમમાં પાંખી પાંખી વાડીઓના કોસ છૂટવા લાગ્યા, ત્યારે ચારણ્યો આદસંગ પાસે પાટી ગામને પાદરે આવી.
“ફુઈ ! તરસ લાગી છે.” જુવાનડીએ અધીરાઈ બતાવી.
“ભલેં બાપ ! હાલો આ ઝાંપા ઢૂકા ફળીમાં પી આવીએ.”
ગામ ઉજ્જડ છે. ઊભી બજારે એક પણ માણસ દેખાતું નથી. બોલાસ પણ ન મળે. પાદર પાસે મોટી ડેલી હતી. તેમાં દાખલ થઈને ચારણ્યો ઓસરીએ પહોંચી. લાંબી લાંબી એક જ ઓસરીએ ત્રણ-ચાર ઓરડા હતા, અને તેમાંથી છેલ્લા ઓરડામાં કાંઈક તૂટવાના ધડાકા થાતા લાગ્યા. સામે ઓરડે જઈને ઓસરી પાસે ઊભાં રહી મોટેરી ચારણ્યે અવાજ દીધો કે “કોક અમને વાટમાર્ગુને ટાઢાં પાણી પાજો, બાપ !”
ઓરડામાંથી એક આધેડ બાઈ બહાર નીકળી અને ઓસરીમાં પાણિયારું હતું ત્યાંથી કળશિયો ભરીને બન્ને મુસાફરોને પાણી પાયું.
“હાશ ! ખમ્મા તુંને દીકરી ! મારાં પેટ ઠર્યાં. તારાંય એવાં ઠરજો! અમૃત જેવું પાણી, હો !” એમ કહીને મોટેરી ચારણ્યે આશીર્વાદ આપ્યા અને છેલ્લે ઓરડે ધડાકા જોશભેર સંભળાવા લાગ્યા. ચારણ્યે બાઈને ચૂપ જોઈને પૂછ્યુંઃ “આ શું થાય છે ? આ ધડાકા ને આ ગોકીરા શેના છે, બાપ ?”
“કાંઈ નહિ, આઈ ! તમ તમારે હવે સિધાવો,” બોલતાં બોલતાં બાઈની આંખોમાં જળ ઊભરાણાં.
“અરે બાપ, તું કોચવાછ શીદ ? શી વાત છે ? કહે ઝટ. હું આંહીંથી તે વિના જોઈશ નહિ.”
ધડાકા ને હાકોટા વધે છે. “આઈ ! અમારાં ફૂટી ગયાં. અમને લૂંટે છે. તમે ઝટ મારગે ચડો.”
“અરે કોણ લૂંટે છે ?” જુવાન ચારણી આંખ રાતી કરતી પૂછે છે.
“ગીગલો મૈયો. પણ આઈ ! તમે તમારે મારગે પડો.”
મોટી ચારણ્યે જુવાન ચારણ્યની સામે જોયું. પલકારમાં બેયની આંખોએ જાણે સંતલસ કરી લીધી. મોટેરી ચારણ્ય ઓસરીએ ચડી. પાછળ જુવાનડીએ પગલાં માંડ્યાં. અંદર જઈને જોયું. બેઠી બેઠી બાઈઓ રુએ છે. બે પટારાઃ તાજા આણાના ઘરમાં આવ્યા હોય તેવા ચળકતાઃ પિત્તળને પતરે નકસી કરીને શણગારેલાઃ એવા બે પટારા ઓરડામાં પડ્યા છે. ચારણ્યો ઓરડે આવી એટલે જાણે ઘરમાં દીવા થયા. ઘેરે અવાજે ચારણ્યે પૂછ્યું, “તમારું જરજોખમ ક્યા ઓરડામાં છે, બાઈયું ?”
“આ ઓરડામાં, આઈ ! અમે હજી આણું વાળીને બાપને ઘેરથી હાલી આવીએ છીએ, ને હમણાં અમારાં અભરેભર્યા પટારા તૂટશે, આઈ !” જુવાન વહુઓ ફાળે જાતી જાતી છાનું છાનું કહેવા લાગી.
“તમારા મરદો - તમારાં ઓઢણાંના ધણી - ક્યાં ?”
“ભાગી ગયા - બા’રવટિયાની ભેથી.”
“ભાગી ગયા ? તમને મેલીને ? જાતે કેવાં ?”
“આયર.”
“હાય હાય જોગમાયા ! આયરોનું પાણી ગયું ?”
“આઈ ! તમે ઝટ નીકળી જાઓ.”
બેય ચારણ્યે એકબીજાની સામે જોયું; ફરી વાત કરી અક્કેક પટારા ઉપર અક્કેક ચડી બેઠી, કામળીઓ માથા પરથી ઉતારીને કેડ્યે વીંટી લીધી. મોવાળા મોકળા મેલ્યા. મોં ઉપર લટો રમવા માંડી ને આંખની અંદર લાલપ ઘૂંટાવા લાગી. મોટેરીએ આયરાણીઓને કહ્યું, “બાઈયું ! બે મોટા ઉપરવટણા લાવજો તો !”
પાણા આવ્યા. દસ-દસ શેરિયા પથ્થર. હાથમાં લઈને બેય જણીઓ બેઠી. ત્યાં તો બોકાસો ઢૂકડો આવ્યો. બુકાનીદાર લૂંટારા, ભેરવ જેવા ભયંકર, હાથમાં લાકડી, તરવારો ને ખભે બંદૂકો લઈ ઓરડે આવ્યા. નજર કરતાં જ ઓઝપાયા. થંભીને ઊભા થઈ રહ્યા. એકબીજા સામે નજરો નોંધી. વેશ ઉપરથી વરતી ગયા. અણસાર પણ ઓળખાઈ. અંદરોઅંદર વાતો કરીઃ ‘ચારણ્યું લાગે છે.’
“વાંધો નહીં, કહી જોઈએ. નીકર પછી એની પત્ય નહીં રાખીએ.” એક આદમીએ ચારણ્યોને વીનવી જોઈઃ “આઈયું ! અમે તમને પગે લાગીએ છીએ. હેઠાં ઊતરો.”
“બાપ !” ચારણી ઊંડે ગળે બોલી, “હેઠાં તો હવે આ ભવ ઊતરી
રીયાં.”
“તો અમારે બાવડે ઝાલીને ઉતારવાં જોશે.”
“તો તો બાપ ! લોહીએ તુંને ઘોળી જ દઈએ ને ?” એ વેણ જુવાનડીનાં હતાં. સાંભળતાં લૂંટારાનાં કઠોર હૈયાં પણ કાંપી ઊઠ્યાં.
“બોલાવો આપા ગીગાને,” એક જણે બીજાને કહ્યું.
ગીગો ગામમાં બીજે ઠેકાણે લૂંટતો હતો. ત્યાંથી આ ખબર સાંભળીને ઊપડતે પગલે આવી પહોંચ્યો. એણે ચંડીરૂપ ધરીને બેઠેલી બે ચારણ્યો દીઠી. એણે પાઘડીનો છેડો અંતરવાસ નાખીને હાથ જોડી વિનવણી કરી કે “આઈયું! દયા કરીને હેઠિયું ઊતરો, અમારે બહુ વપત્ય પડી છે. અમે બોડી બામણીને ખેતરે નથી આવ્યા. આ જ ખોરડાનો ધણી કુંભો વાઘ મને ન કહેવાનાં વેણ કહેવરાવતો હતો. અને આજ હું ઈ આયરુંનાં પાણી માપવા આવ્યો છું. તમારે ને એને શા લેવા દેવા ? ગીગો તમારે ચરણે તમે કહો ઈ ધરે. હેઠાં ઊતરો.”
“વિસામા ! બાપ, વિસામા !” ચારણીએ ઠપકામાં હેત ભેળવીને જવાબ દીધો. “વિસામા ! તું ગીગો આજ ઊઠીને અમને મોરાપાં ખાનારિયું માનછ ? અરે વિસામા ! આવડાં બધાં વેણ ?”
“આઈ ! કોઈ રીતે ઊતરો ?”
“પણ એવડું કારણ ?”
“વિસામા ! અમે વાટેથી આવીને આ ઘરનાં પાણી પીધાં.”
“પાણી પીધાં ? બસ, એટલા સાટુ ?”
“બસ બાપ ! પાણી પીધાં એટલા સાટુ.”
ગીગો ઊભો થઈ રહ્યો. એકેએક જણ અબોલ ઊભું છે. સહુના શ્વાસ સંભળાય છે. આગ ભાળીને વનમાં ભયંકર વનચરો પણ પૂંછડીઓ સંકોડી જાય તેવું આ લૂંટારાઓનું બની ગયું. થોડીક વાર થઈ. ચારણ્યે છેલ્લી વાર કહ્યુંઃ “ગીગા ! બાપ ! ઠાલો ખોટી મ થા. અમે પાણી પીધાં છે. અને હવે લૂંટ્યું એટલું લઈને ભાગવા માંડજે, ગીગા !”
ગામ ભાંગ્યા વગર ગીગો ચાલી નીકળ્યો. કેટલાય દિવસ સુધી એના મનમાં ભણકારા બોલતા રહ્યા, કે “વિસામા અમે એનાં પાણી પીધાં છે !’
•
રમજાન માસ પૂરો થઈને ઈદનું સવાર પડતું આવે છે. પ્રભાસપાટણથી ઈશાન ખૂણા તરફ એક માફાળું વેલડું ચાલ્યું જાય છે. અને વેલડા વાંસે એક પગવાળો વોળાવિયો ચાલ્યો આવે છેઃ પગના અંગૂઠાયે ન દેખાઈ જાય એવડો લાંબે અંગરખો પહેરેલો અને તે ઉપર કમરથી છાતી સુધી અરધાક તાકાની ભેટ બાંધેલીઃ એ ભેટમાં કટાર અને જમૈયા ધરબેલાંઃ ખભે ઢાલ, કેડે તરવાર અને હાથમાં જામગરીવાળી અમદાવાદી બંદૂક હતીઃ સિત્તર વરસ વટાવી ગયેલ બુઢ્ઢો વોળાવિયો પૂરી પરજથી વેલડાને પડખે વહ્યો આવે છે.
એની પછવાડે પછવાડે એક વૃદ્ધ બાઈ પોતાના બે વરસના દીકરાને તેડીને ચાલ્યાં આવે છે. બાળકના શરીર ઉપર શીતળાનાં તાજાં ચાઠાં છે. દાદીમા અને દીકરો, બેયનાં શરીર ગૌરવરણાં છે. કરચલિયાળી મુખમુદ્રામાંથી જૂના કાળની નાગરી ન્યાતની નમણાઈ અને જવાંમર્દી નીતરે છે.
“માજી ! હવે કેટલા દિવસ બાકી રહ્યા ?” બુઢ્ઢા વોળાવિયાએ ડોશીમાને રસ્તે ચાલતાં પૂછ્યું.
“આજ છેલ્લો જ દી છે, મિયાં ! આજ માતાજીની પાસે શિવપ્રસાદને છેલ્લી વાર પગે લગાડી આવીએ એટલે મારી બાધા છૂટી જાશે. તમને બરાબર રોજા મહિનામાં જ રોજ રોજ પંથ કરાવવો પડ્યો છે ના, તે મારો જીવ બળે છે, મિયાં !”
“અરે, શું બોલ છો, દાદીમા ? એમા ંક્યો મોટો પંથ પડી ગયો ? અને મારું ક્યાં એક પણ રોજું પડ્યું છે ? આપણે તો રોજ ભળકડે નીકળીએ છીએ ને દી ઊગ્યે તે પાછાં પાટણ ભેળાં થઈ જઈએ છીએ. એટલે મારે તો સરગી કરવામાં અને રોજું ખોલવામાં કાંઈયે નડતર થાતી નથી. બાકી ધરમ પાળવામાં તકલીફ તો પહેલી જ હોય ને ? તમે જુઓ ને, આટલી અવસ્થાએઃ સુંવાળાં માણસઃ ઓઝલપડદો પાળનારાંઃ તોય બેટાની સાટુ બાધા રાખી રોજ પગપાળાં બે-ત્રણ ગાઉની ગીર વીંધી શીતળાજીને જુવારવા આવો છો ! આસ્થા કાંઈ રસ્તામાં પડી છે, દાદીમા ?”
“આસ્થા તો શું, ભાઈ ? એ તો ઓલાદના એવા મોહ કુદરતે કરી મેલ્યા છે ને, મિયાં !”
આવી વાતો થાય છે. હિરણ નદી ગાજતી ગાજતી નજીક ને નજીક આવતી જાય છે. શીતળા માતાની દેરીની ધજા દેખાવા લાગી છે. અંદર દીપડા પડ્યા હોય એવી વંકી જગ્યા વીંટળાઈ વળી છે. માં એક ઘોડેસવાર આડો ફરીને ઊભો રહ્યો. હાથમાં બંદૂક હતી તે વોળાવિયા તરફ તાકીને બુઢ્ઢાં બાઈને કહ્યું, “પગનાં કડલાં કાઢી નાખો.”
બુઢ્ઢો વોળાવિયો મિયાં ધસીને વચ્ચે આવ્યો. બંદૂક ખભે ચડાવી. ઝીણી આંખે તાકીને પૂછ્યું કે “કોણ, જહાંગીરો કે ?”
“હા, ફરજલ્લા મિયાં ! હું જહાંગીરો. તમે કોરે ખસી જાવ. તમે સૈયદ છો.”
“હું ખસી જાઉં ? હું સૈયદબચ્ચો ખસી જાઉં, ને તું મારા ધણી દેસાઈની માનાં કડલાં ઉપર હાથ નાખે ?”
“મિયાં ! તમે સૈયદ છો. માગો, તો જવા દઉં.” બહારવટિયો બોલ્યો.
“ના ના બચ્ચા ! માગવા નથી નીકળ્યો. ઢાલ-તરવાર બાંધીને આવ્યો છું. હું ઉદેશંકર દેસાઈનો ચાકર. વાસ્તે જહાંગીરા, માટી થા !” બુઢ્ઢાએ બંદૂક છાતીએ ચડાવી.
બેટા સોતાં માજીએ આડા ફરીને પોતાના નેકીદાર નોકરને કહ્યું, “મિયાં ! તમે રેવા દ્યો. આજ ઈદ જેવા મોટા દિવસે મારાં બે કોડીનાં કડલાં સાટુ સૈયદના દીકરા મરે તો મારે દુનિયામાં જીવવું ભારી થઈ પડે.”
“અરે, આ શું બોલો છો, માજી ?” મિયાંના મોં ઉપર બોંતેર વરસની નિમકહલાલી તરવરી આવી. “બે દોકડાનો જહાંગીરો માજીનાં કડલાં કાઢી જાય તો મેં ત્રીસ વરસનું ખાધેલું નિમક આજ ઈદને દા’ડે ધૂળે મળી જાયને !”
માજીની આંખોમાં જળજળિયાં આવી ગયાં. લૂંટારાની સામે જોઈને માજીએ પોતાના બોખલા મોંમાંથી મોતીના દાણા જેવાં વેણ પડતાં મૂક્યાં, “જહાંગીરા ! તુંયે મુસલમાનનો દીકરો છો. આજનો દિવસ મિયાંનું વચન રાખ. નીકર મારાં ધોળાં લાજશે.”
જહાંગીરો પીગળતો લાગ્યો. એટલે ચતુર નાગરાણીએ આગળ ચલાવ્યું, “જા, દીકરા, ચાલતો થા ! કડલાં હું તને કાલે દઈ મેલીશ. તું મારા પાટણનો રહીશ. તારા માથે વસમા દી આવ્યા છે એ અમે જાણીએ છીએ. બેમાંથી કોઈને હું નહિ મરવા દઉં. જો, હું દેસાઈ કુળમાં પાકી છું. બોલ્યું નહિ ફરું.”
જહાંગીરાને પૂરી ઓળખાણ પડી ગઈ. બહારવટિયો બહુ ભોંઠો પડ્યો. મૂંગો મૂંગો ઘોડી વાળીને ચાલ્યો ગયો. આ જહાંગીરો મૂળ તો પાટણનો ખેડૂતઃ પછી ભયાતોમાં જ જમીનનો વાંધો પડ્યો તેમાં બહારવટે નીકળેલો અને પછી તો કેટલાક ડાહ્યા માણસોએ વચ્ચે પડી રાજ સાથે એનું સમાધાન કરાવેલું. પોતે પાછો પાટણમાં ખેડ કરવા માંડેલો.
•
એ જહાંગીરાએ એક વાર ખાનદાની ખોઈ બેસી ગીગલાને લાખ રૂપિયાની ખોટ ખવરાવી હતી. ગીગાનો દી વાંકો બેઠેલ એટલે વણસમજ્યો એય મૂરખા જહાંગીરાનો દોર્યો દોરાણો. નાઘેર પંથકમાં ગોરખનાથજીની ગોરખમઢીની જગ્યાનો બાર ગામનો ગરાસઃ એ ગરાસે મહંતના બે ચેલકાઓ વચ્ચે ઝઘડો સળગાવ્યો. એક ચેલકાએ બીજાને ઉકેલી નાખવાનો તાલ રચ્યો. જહાંગીરાને કામ સોંપાણું. જહાંગીરાએ ગીગલાના બહારવટાની ઓથે એ કાળું કામ કરી નાખવાનું માથે લીધું. મહંતના અજોઠા ગામને ભાંગવા જહાંગીરો ગીગલાને તેડી લાવ્યો. વાળુ ટાણે અજોઠામં મહિયાઓની હાકલ પડી. પણ સારે ભાગ્યે બજારમાં જ ગીગાને એક બ્રાહ્મણ મળ્યો. બ્રાહ્મણે ગીગાને કહ્યું કે ‘ફટ છે તને, ગીગા ! ધરમનો થાંભલો ગીગો ઊઠીને ભેખ મારા આવ્યો છો?’
ગીગો ચમક્યો. ગરદન ફેરવીને જહાંગીરાને પૂછ્યું, “કાં ભેરુ ! આ શી રમત છે ?”
ગીગલાની કરડી આંખ જહાંગીરાના કલેજામાં પેસી ગઈ. સાચી વાત આપોઆપ બહાર આવી ગઈ.
“ગોર !” ગીગો બ્રાહ્મણ તરફ વળ્યો, “તમે મારું સત-માતમ રખાવ્યું. તમને રંગ છે. ને જહાંગીરા ! તને ફટકાર છે.”
એટલું કહીને ગીગો બહાર નીકળ્યો. એણે સીમાડે જઈને કાંઈક વિચાર કરી લીધો. પોતાના ભાઈ પુનિયાને કહ્યું કે ‘નાઘેરમાં આવ્યા છીએ તો ઠાલે હાથે નથી જવું. હાલો બીજ માથે પડીએ.’
નાઘેરમાં સરસ્વતી નદીને કાંઠે બીજ નામનું ગામડું છે. જેવું એનું નામ એવી જ એની રૂડપ. લોકો પહેલા પહોરની મીઠી નીંદરમાં પડેલા. તે વખતે લૂંટારા છાનામાના ગામમાં પેસી ગયા. સડેડાટ સરકારી ઉતારા પર પહોંચ્યા. ભેળો જાણભેદુ હતો તેને પૂછ્યું કે “ઓસરીએ ઈ ઊંચા ઢોલિયા ઉપર કોણ સૂતું છે ?”
“પાટણવાળા દેસાઈ ઉદેશંકર.”
“ઉદેશંમર કાકો ? તયીં તો સાવધાન રે’વા જેવું. જો જાગી ગયો તો ઈ નાગરબચ્ચો આપણા પાંચને ઠામ રાખશે.”
હળવે પેંતરે ઢોલીએ પહોંચી જઈને ગીગલો એ સૂતેલા પડછંદ આદમીની
છાતી ઉપર ઉઘાડો જમૈયો લઈ ચડી બેઠો. ઊંઘણો આદમી જાગ્યો. અંધારે તારાના
તેજમાં છાતી ઉપરનો માણસ ઓળખાયો નહિ. પૂછ્યું, “કોણ તું ?”
“ઉદેશંકર કાકા ! ન ઓળખ્યો મને ?”
“ગીગલો કે ? હે કમતિયા ! મારે ને તારે શું વેર કે આમ ચોરટાની જેમ છાતીએ ચડી બેઠો ? હે બાયલા ! પડકારીને ન આવી શક્યો ? મરદનાં પારખાં તો થાત !”
“કાકા, મારે ક્યાં તમારી હારે વેર છે ? તમે તો સોમનાથજીના ગણ છો. પણ તમે એકવચની અને ધરમવાળા કહેવાઓ છો એટલે તમને મારા અંતરની બે વાતું કહેવા આવ્યો છું.”
“તો કહે.”
“ના, આંહીં નહિ. ગામ બહાર હાલો.”
“ભલે, હાલો.”
અંધારે અંધારે ઉદયશંકર દેસાઈએ પોતાની ડોકમાંથી હેમનો સાતસરો હાર સેરવીને ઢોલિયા નીચે પાડી નાખ્યો. પોતે ઊભા થયા. લૂગડાં પહેરવા લાગ્યા.
એટલો બોલાસ થતાં તો આઘેરે ખાટલેથી એક આદમીએ જાગીને પડકાર દીધો કે “કોણ છે એ ઉતારામાં ?”
“આદમ મકરાણી !” ઉદયશંકર દેસાઈએ ઉત્તર, દીધો, “કોઈ નથી. સૂઈ જાવ તમે તમારે.”
દેસાઈનો વફાદાર અને શૂરો વિલાયતી આદમ જમાદાર સમજી ગયો. બંદૂક લઈને દોડ્યો. કોઠા માથે ચડી ગયો. ઉપરાઉપરી બંદૂક નીરવા લાગ્યો. મહિયા જોઈ રહ્યા. ને વખાણ કરવા લાગ્યા કે ‘વાહ લોંઠકાઈ ! ખરો માટી!’ પણ એક મહિયા જુવાને પાછળથી ચડી, પગ ઝાલી આદમને ઝીંક્યો. ઝીંકીને દાબી દીધો. દબાયેલો આદમ મહિયાઓને મોં ફાટતી ગાળો કાઢવા માંડ્યો.
ગાળો સાંભળીને પૂને મહિયે કહ્યું, “એ જમાદાર! મરદ થા. ગાળ્યું મ કાઢ.”
પણ આદમની જીભ ન અટકી, ત્યારે ગીગાએ કહ્યું, “પૂના ! એ પોતે તો બહાદરિયો છે, પણ જીભ જ અવળચંડી છે. માટે એ રાંડ જીભને જરા જામગરી ચાંપજે.”
આદમની જીભને ટેરવે પૂને જામગરીનો ડામ દીધો. આદમ ચૂપ થયો. એટલામાં પૂનાને કાંઈક વહેમ આવતાં તેણે દેસાઈના પલંગ હેઠળ બરછી ફેરવી. ફેરવતાંની વાર જ અંધારે ચીસ પડી કે ‘એ બાપા ! મને મારો મા. આ લ્યો, આ દેસાઈનો અછોડો.’
પલંગ નીચે છુપાનાર એક માળી હતો. એને પૂનાએ બહાર ખેંચ્યો. એના હાથમાંથી ઉદયશંકર દેસાઈનો સેરવી નાખેલો હેમનો હાર ઝૂંટવી પૂને મહિયે થપ્પડ મારી કહ્યું કે ‘હે નિમકહરામ ! તારા ધણીના હાર સાટુ બરછી પણ ન ખમી શક્યો ?’
આખો દાયરો દેસાઈને લઈને ગીર તરફ ગયો. સારી પેઠે આઘા આવ્યા પછી ગીગાએ દેસાઈને કહ્યું કે “કાા ! મારા પેટની આટલી જ વાત કહેવી હતી કે મારું અકાળે મોત થાશે. પણ મારે દીકરા નથી એટલે મારી ઉત્તરક્રિયાનો બંદોબસ્ત કરું. તમે ધરમવાળા છો તે પાણી મેલો કે મારી વાંસે બ્રાહ્મણ જમાડશો. આટલું કરો તો મારા પેટમાં ટાઢક થાય.”
દાંત કાઢીને દેસાઈએ કહ્યું, “ગીગા, આટલા સારુ આવડી ખટપટ કરી ? હાલતે રસ્તે કહેવરાવ્યું હોત તોય હું ન કરી નાખત !”
“બસ, કાકા, હવે પધારો. કોઈ તમારું નામ ન લ્યે.”
“રામ રામ, ગીગા !”
દેસાઈ ચાલ્યા ગયા. સવાર પડ્યું ત્યારે ગીગાએ પૂનાને ખભે લટકતી રૂપિયા જડેલ, પટાવાળી એક નવી તરવાર દીઠી. પૂછ્યું, “પૂના, આ તરવાર ક્યાંથી ?”
“દેસાઈની. ઉતારામાંથી કમાણા.”
“ઠીક ! ઈ હાર ને ઈ તરવાર મારી પાસે લાવો.”
•
બહારવટું ખેડતાં પાંચ વરસ પૂરાં થવા આવ્યાં, અને ગીગાના મોતની સજાઈ પથરાવા માંડી. માણસનાં પાપ માણસને માયલી કોરથી ખાઈ રહ્યાં હોય છે એની ખબર એને નથી હોતી. ગીગાને પણ મરવું તો હતું જ, એટલે માઝા મેલીને ગામડાં ભાંગતો હતો. એમાં એને એક સંધી મળ્યો. સંધી ગીરમાં ઘાસચારાનું એક સારું ઠેકાણું જોઈને પોતાનો માલ ચારવા જાય. પણ એક ચારણનું મવાડુંયે ત્યાં આવીને હંમેશાં પડે. આમ ઘાસચારામાં ભાગ પડે એ સંધીને ગમે નહિ. ચારણોનું કાસળ કાઢવા માટે સંધી ગીગા ભેળો ભળ્યો અને થોડાંક ગામતરાં પછી એણે ગીગાને કહ્યું કે “ગીગા, હવે એક મારું ગામતરું તો કરવું જોવે ને, ભાઈ ?”
ગીગો કહે, “ભલે, હાલો.”
ગીગાને ગંધ પણ નહિ કે સંધી કોના ઉપર તેડી જાય છે.
આખી ટોળી ગીરના એક નેસડા ઉપર આવી પહોંચી. ગીગાએ માન્યું કે નેસ આયરનો, કાં રબારીનો હશે. કાળી રાતે લૂંટ માંડી અને કાળો કળેળાટ બોલ્યો. પોતે લૂંટે છે ત્યાં કાને અવાજ પડ્યો કે “આપા ગીગા ! અમારે માથે ? ગાયુંને માથે ? તુંને આંહીં કોણ તારો કાળ તેડી લાવ્યો ?’
ગીગાએ મીટ માંડી. લોબડિયાળી ચારણ્યો દીઠી. પૂછ્યું, “તમે કોણ છો ?”
“અમે તારાં કળીયાં, બાપ ! અમે ચારણ્યું.”
ગીગાને ભાન આવ્યું. હાકલ પાડી કે “આપણને છેતરનાર ઓલ્યા સંધીને ઝાલજો, ભાઈ.”
પણ સંધી તો ગીગાને પાપમાં ધકેલીને ભાગી નીકળ્યો હતો.
તુંને તારો કાળ તેડી લાવ્યો ! એ વચન ગીગાના માથામાં ગાજતું હતું. કાળી રાતને અંધારે પણ પોતાનું કાળું પાપ જાણે એને નજરોનજર તરવરતું દેખાણું. લૂંટનો ઢગલો ગીગાએ પાછો મુકાવ્યો. હાથ જોડીને બોલ્યો, “આઈયું ! તમે મને શારાપ્યો. હવે મને માફી આપો.”
“બાપ ! વિસામા !” ચારણ્યો બોલી, “અમે મૂઠ્ય થોડી નાખી છે તે વાળી લઈએ ! અમારી તો આંતરડી બોલી છે. એમ બીજું કાંઈ નથી જાણતાં.”
“ઠીક આઈયું ! તો પછી આ મારાં હથિયાર તમારે પગે ધરું છું. હવે તો તમે તમારે હાથે બંધાવો તો જ બાંધવાં છે.”
“ના, ના, ના. અમે કોઈનાં હથિયાર ન છોડાવીએ, મારા વીર ! મહા પાપમાં પડીએ. લઈ જા તારાં પાછાં.”
એમ કહીને ચારણ્યોએ પોતાને હાથે ગીગાને હથિયાર પાછાં બંધાવ્યાં અને કહ્યું, “ગીગા, આટલું એક નીમ રાખજે. એક મહિના સુધી ગામતરે ચડીશ મા. મહિના પછી તેર ચારણ્ય કુંવારકાને જમાડજે. જોગમાયા તારાં રખવાળાં કરશે.”
ગીગો ચાલી નીકળ્યો. એનું હૈયું ડંખવા લાગ્યું હતું. બહારવટાનાં પાપ એની આંખ સામે ઓળારૂપે ઊભાં થયાં હતાં. મનના સંતાપ શમાવવા માટે ગીર છોડીને પોતે કોઈ ગામમાં પોતાના એક ફરીક જાતના ગામેતી ભાઈબંધ મોરલીશાને ઘેર આવ્યો ને ત્યાં છુપાઈને રહેવા લાગ્યો.
•
થોડે દિવસે મોરલીશાનાં લગ્ન થતાં હતાં. જાન માંગરોળ ગામે જવાની હતી. મોરલીશાએ ગીગાને કહ્યું, “ગીગા મહિયા, તમારે જાનમાં આવવું જોશે.”
“ભાઈ ! મને લઈ જવો રે’વા દે. ચારણ્યુંએ મને એક મહિના સુધી ગામતરે ન ચડવાનું નીમ દીધું છે.”
“અરે યાર ! એ તો ગામ ભાંગવા જવાનું નીમ અને આ તો જાનમાં આવવાનું છે. એમનાં નીમ આડે ન આવે.”
“પણ ભાઈ ! વખત છે ને હું ઓળખાઈ જઈશ તો બીજું તો કાંઈ નહિ, પણ તારો વિવાહ વણસી જશે.”
“કોઈ નહિ ઓળખે, હાલો. બાકી ગીગો જાનમાં ન હોય તો મારે પરણવા જવું હરામ છે.”
ગીગો મિત્રની જાનમાં ચાલ્યો. બહારવટિયો વતું કરાવે નહિ, અને લૂગડાં પણ લીલી અતલસનાં પહેરે, એટલે લાગે ફકીર જેવો. કોઈ ઓળખે તેમ નહોતું. પણ જાન તરફથી માંગરોળમાં એક દાયરો કરવામાં આવ્યો. ગામના કસુંબો લેનાર તમામ માણસોને દાયરે કસુંબો પીવા આવવાનું નોતરું દેવાણું. એમાં શેરગઢ ગામનો દયારામ નામ એક બ્રાહ્મણ પણ બંધાણી હોવાથી જઈ ચડ્યો. મહિયાના મુલકમાં રહેનાર એ બ્રાહ્મણે ગીગા મહિયાનું મોં ઓળખ્યું. બોલી ઊઠ્યો, “ઓહો, ગીગા મકા ! તમે આંહીં !”
“ચૂપ !” ગીગાએ નાક ઉપર આંગળી મૂકી.
પણ દાયરામાં એ વાત અછતી ન રહી. રાજદરબારમાં ખબર પહોંચી ગયા અને રાજખાતામાં મસલત ચાલીઃ ‘શી રીતે ઝાલવો એને ? જીવતો તો ઝલાશે નહિ. ઉઘાડે ધિંગાણે તો આપણા કૈંક જણ ઊડી જશે. માટે પહેલા ંતો એને બેભાન બનાવો.’
આંહીં દાયરો ચાલે છે, ત્યાં તો મોરલીશા જમીનદારના માનમાં રાજ તરફથી દારૂ, માજમ, મફર વગેરે કેફી પદાર્થોની બનાવેલી મીઠાઈઓના ખૂમચા આવવા લાગ્યા. આગ્રહ કરી કરીને સહુને ખવરાવવા લાગ્યા. ગીગો દારૂ નહોતો પીતો પણ તે દિવસના ગુલતાનમાં એણે હદ બહારનો કેફ કર્યો. બહારવટિયો અને એના માણસો કેફમાં બૂડાંબૂડાં થઈ ગયા. હવે એ લોકો હથિયાર ચલાવી શકે તેમ નથી એવી બાતમી પહોંચતા તો દરબારી ગિસ્ત ભરીબંદૂકે છૂટી.
‘ગીગા મહિયા ! દગો ! ગિસ્ત આવી !’ એવી બૂમ પડી. ઘેનમાં ચકચૂર બહારવટિયા ચમક્યા, લથડિયાં લેતા ઊઠ્યા. ઊગમણે દરવાજે ભાગ્યા. બીકને લીધે કેફ થોડો કમી થયો, પણ ગિસ્ત એનાં પગલાં દબાવતી દોડી. બરાબર મખદૂમ જહાનિયા પીરની દરગાહ પાસે બેહોશ થઈ ને ગીગો ઊભો રહ્યો. બીજા બધા આંબલી પર ચડી ગયા અને પોતે ગિસ્ત આવી પહોંચે તે પહેલાં પોતાને જ હાથે પેટ તરવાર ખાઈ ઢળી પડ્યો. ગિસ્તના માણસો આવી પહોંચ્યા ત્યારે ગીગો છેલ્લા શ્વાસ લેતો હતો. ઓચિંતું એને કાંઈક યાદ આવ્યું. એણે પડકારીને કહ્યું કે “ભાઈઓ, તમે સિપાહીના દીકરા છો; હું કરજમાં ન મરું એટલા સારુ વીનવું છું કે આ હાર અને આ તરવાર પાટણવાળા દેસાઈ ઉદેશંકરકાકાને પાછાં પોગાડજો ! કહેજો કે તે દી રાતે બીજ ગામેથી ગીગલો ચોરી ગયેલો.”
૧ સૈયદ મખદૂમ જહાનિયા, સૈયદ સિકંદર જહાનિયા વગેરે માંગરોળમાં પહેલા મુસલમાન સંતો અને શાહઆલમ સાહેબના શિષ્યો હતા. તેમને મળેલું ગામ મક્તમપોર પહેલાં દેવલપુર કહેવાતું. રા’મંડળિક પર મહમૂદ બેગડાને ચડાવી લાવનાર એ લોકો જ હતા એમ કહેવાય છે.
પોતાના ગળામાંથી નવસરો હેમનો હાર અને કમ્મરમાંથી રૂપિયાજડિત પટાવાળી તરવાર ઉતારીને ગીગાએ ધરતી પર ઢગલો કર્યો.૧ તે પછી તરત એના શ્વાસ છૂટી ગયા. બીજાઓને પણ ગિસ્તે આંબલી પરથી બંદૂક મારી મારીને પછાડ્યા.
૧ આ હાર ને તરવાર દેસાઈ ઉદયશંકરને કોઈએ નહોતાં પહોંચાડ્યાં એટલે દેસાઈએ અરજ હેવાલ કરતાં અજાબ મુકામે પોલિટિકલ એજન્ટ કૅપ્ટન લૅન્ગ મારફત તરવાર પાછી મળી. પણ હાર તો સિપાઈઓએ લૂંટમાં વહેંચી ખાધેલો, તેથી તેની કિંમતનાં રોકડ નાણાં મળ્યાં. એ નાણાં આ એકવચની નાગરે ગીગા મહિયાની પાછળ ધર્માદામાં ખરચી નાખ્યાં હતાં. આ દેસાઈ કુટુંબની જવાંમર્દી આ વૃત્તાંતોમાં ઠેર ઠેર ઝલકે છે. આગળ આલેખેલાં નાગરાણી તે આ ઉદયશંકરનાં જ માતૃશ્રી; અને કાદુની કથામાં હરભાઈ નામનું પાત્ર તે આ ઉદયશંકરના જ પુત્ર.
આ દેકારાની અંદર ગિસ્તની પછવાડે જ મોરલીશા ચાલ્યો આવતો હતો. આવીને એ ગીગાની લાશ પર ઊભો રહ્યો. આંખો બીડીને થોડી વાર એણે ધ્યાન ધર્યું, ને પછી એણે ગીગાની જ તરવાર એ લાશ પરથી ઉપાડી.
“હાં ! હાં ! હાં ! બાપુ !” કહીને માણસોએ એના હાથ ઝાલ્યા.
“તમે ખસી જાઓ, ભાઈ ! જીદ મરો મા. આજ મારે બાંધ્યે મીંઢોળે જ ગીગાની ભેળા થઈ જવું જોએ.”
હાથ છોડાવી મોરલીશાએ પેટ તરવાર નાખી. ગીગાની લાશ ઉપર જ પોતે પ્રાણ છોડ્યા. સંવત ૧૯૧૩ની આ વાત.”
•
“આવાં આવાં ઘેલૂડાં એ જુગનાં માનવી હતાં, ભાઈ ! મોતની ભારી મીઠું કરી જાણતા. મેં તો તમને બેય જાતનાં મોત વર્ણવી દેખાડ્યાં. બેમાંથી ક્યું ચડે એ તો તમે સમજો. આ અમારો ઇતિહાસ.”
“આટલો બધો ઇતિહાસ તમને કડકડાટ મોઢે ?” મહેમાન જાણે સ્વપ્નમાંથી જાગ્યો.
“અમે તો, ભાઈ, અભણ માણસ. અમારા ઘરની વાતો અમે ક્યાં જઈ આલેખીએ ? ક્યાં જઈ વાંચીએ ? એટલે કાળજાની કોર ઉપર કોતરીને રાખીએ છીએ, છોકરાંઓને અને બાયુંને શીખવીએ છીએ. ને તમ જેવા કોઈ ખાનદાન આવે તો એને અંતર ખોલીને સંભળાવીએ છીએ. બાકી તો, આજ આ વાતોને માનવાયે કોણ બેઠું છે ? અને સહુને કાંઈ પેટ થોડું દેવાય છે ? આજે તો ચોય ફરતો દા’ બળે છે.”
ઓચિંતાની ઘોડીઓએ હાવળ દીધી. ભૂતકાળના ઇતિહાસમાં ભમતો મહિયો જુવાન ઝબકીને પાછો ભાનમાં આવ્યો. ગામનો કોઠો કળાણો.
કોઠા ઉપર બેઠું બેઠું અધરાતે એક ઘુવડ બોલતું હતુંઃ મુએલાને સંભારી સંભારીને મા જાણે મરશિયા ગાતી હતી !
•