Darshnik Tatv Dr. Kamleshkumar K. Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Darshnik Tatv

ગુજરાતી લઘુનવલઃ

દાર્શનિક તત્ત્વ

ડૉ.કમલેશકુમાર કે. પટેલ

અર્પણ

મારા જીવનની કેડીને કંડારનાર એવા પરમ આદરણીય ગુરુજનો અને સ્નેહીજનોને અર્પણ......

એક ઉદીયમાન અધ્યયનકર્તાનું સ્વાગત

કથાસાહિત્યનાં વિવિધ સ્વરૂપોમાં લઘુનવલનું સ્વરૂપ નિજી વિશિષ્ટતાઓવાળું છે. બધાં કથાસ્વરૂપો માનવજીવનનું જ નિરુપણ કરે છે તેમ લઘુનવલનું સ્વરૂપ પણ માનવજીવનનું જ નિરુપણ કરે છે પણ એ મનુષ્ય વિશિષ્ટ પ્રકારનો હોય છે. ટૂંકીવાર્તા નાનામામુલી માણસના જીવનની કોઈ માર્મિક સમસ્યાપળનું નિરુપણ કરે છે, નવલકથા સમાજ સાથે સંઘર્ષ, સહમતિ કે સમાધાન કરી જીવતા મધ્યમવર્ગના માણસના જીવનનું નિરુપણ કરે છે, જ્યારે લઘુનવલ સમાજમાં રહેતા હોવા છતાં સમાજમાં શરીક નહીં થઈ શકતા, આત્મકેન્દ્રી અને પોતાની કોઈ જીવનસમસ્યામાં રત રહેતા મનુષ્યના જીવનનું નિરુપણ કરે છે.

મતલબ કે લઘુનવલ વિશ્વની નહીં પણ વ્યક્તિની, સમાજની નહીં વ્યષ્ટિની, સમાજલક્ષી નહીં પણ વ્યક્તિલક્ષી ચરિત્રનું નિરુપણ કરે છે; એવી વ્યક્તિ જે પોતાના અંગેની કોઈ દાર્શનિક સમસ્યાથી આક્રાંત હોય. આ કારણે લઘુનવલ એક જ ચરિત્રવાળી રચના હોય છે અને એ ચરિત્ર પોતાના અસ્તિત્વને સ્પર્શતી કોઈ સમસ્યામાં ઘેરાયેલું હોય છે. લઘુનવલનું વિષયવસ્તુ, આમ, દાર્શનિક ઈલાકાનું હોય છે. તેમાં આત્મપ્રેમ, આત્મદયા, આત્મઘૃણા, આત્મતિરસ્કાર, અનાત્મીકરણ જેવા વિષયોનું નિરુપણ થતું હોય છે. સંકુલ ભાવપરિસ્થિતિમાં મૂકાયેલા માનવીના માનસનું એમાં મર્મદર્શન રજૂ થતું હોય છે. એના લેખકનો આશય ચરિત્રભૂત નાયકના આત્મગહ્‌વરનું અવલોકન કરાવવાનો હોય છે. તેથી એક સાહિત્યસ્વરૂપ તરીકે લઘુનવલની એક અનન્ય લાક્ષણિકતા તે એનું દાર્શનિક તત્ત્વ છે.

ભાઈશ્રી કમલેશ પટેલે બહુ યોગ્ય રીતે આ મુદ્દો પકડીને આ અધ્યયન રજૂ કર્યું છે. લઘુનવલનો રચનાપિંડ કોઈ એક ચરિત્રની આસપાસ બંધાતો હોય છે. તેમાં અન્ય ચરિત્રો આવતાં હોય છે પણ એ આ કેન્દ્રીય ચરિત્રને ઉઠાવ આપવા માટે આલંબન કે ઉદ્દીપન વિભાવરૂપે જ આવે છે. એવાં કોઈ પાત્રોનું વિકાસશીલ ચરિત્રચિત્રણ લઘુનવલમાં થતું નથી. એવું ચિત્રણ તો માત્ર કેન્દ્રસ્થ ચરિત્રજે કથાનાયક હોય છે તેનું જ થાય છે.

ભાઈશ્રી કમલેશ પટેલે ગુજરાતી ભાષામાં લખાયેલી લઘુનવલોને સાથે રાખીને તપાસી જોયું કે એમાં નાયકરૂપે આવતું ચરિત્ર કેવું હોય છે. આગળ આપણે જોયું તેમ ૫ લઘુનવલનો લેખક સંકુલ ભાવસંવેદનોની ક્ષમતા ધરાવતી એકાદ વિશિષ્ટ પરિસ્થિતિનું સર્જન કરીને એ પરિસ્થિતિમાં મૂકાયેલા નાયકના મનોગતનું મર્મદર્શન કરાવવા પ્રયત્ન કરે છે. તેથી તે આ નાયકનાં મનનાં મંથનો, વિચારચંક્રમણો, ભાવદશાઓ, ભાવદ્વિધાઓ, લાગણીના ઝંઝાવાતો, મનના ઉધમાતો, ચિત્તક્ષોભો, ઔર્મિક સંક્ષોભોનું નિરુપણ કરી એની જે અસ્તિત્વમૂલક સમસ્યા હોય છે તેને સાકાર કરવા મથે છે.

એમને એમના અધ્યયન દ્વારા ખ્યાલમાં આવ્યું છે કે ગુજરાતી લઘુનવલનો નાયક વિવિધ પ્રકારની સમસ્યાઓનો મુકાબલો કરતો દેખાય છે. કેટલાક નાયકોની સમસ્યા અધ્યાત્મમૂલક છે, કેટલાકની ભાવનામૂલક છે, કેટલાકની અસ્તિત્વમૂલક છે, કેટલાકની ઉત્પત્તિમૂલક છે, તો કેટલાકની માન્યતા સંદર્ભે કે પછી વ્યક્તિત્વસ્થાપના સંદર્ભે છે.

ધીરુબહેન પટેલની લઘુનવલનો નાયક અધ્યાત્મમૂલક સમસ્યાથી કેવી રીતે ઘેરાયેલો છે તેનું વર્ણનવિવરણ કરી એમણે એ નાયકની દાર્શનિક સમસ્યા ઉજાગર કરી છે. ભાવનામૂલક સમસ્યાથી આક્રાંત નાયકની સમસ્યા સમજાવવા માટે એમણે હરીન્દ્ર દવેની ‘ગાંધીની કાવડ’ નામક લઘુનવલની સમીક્ષા કરી છે, પણ એ ઉપરાંત યશવંત ત્રિવેદીની ‘જલવીથિ’ , દિલીપ રાણપુરાની ‘સૂકી ધરતી, સૂકા હોઠ’ અને જયંત ગાડીતની ‘આવૃત્ત’ એ લઘુનવલોને નિમિત્તે નાયકોની ભાવનાઆદર્શો અને ધ્યેયપ્રાપ્તિની સમસ્યાઓમાં થયેલી સંડોવણી વડે એમની અસ્તિત્વલક્ષી મૂંઝવણો મૂર્ત કરી છે. રાધેશ્યામ શર્માની બે લઘુનવલો ‘ફેરો’ અને ‘સ્વપ્નતીર્થ,’ શ્રીકાંત શાહની ‘અસ્તિ’, લાભશંકર ઠાકરની ‘કોણ?’ , ચિનુ મોદીની ‘ભાવઅભાવ’, સુરેશ જોષીની ‘છિન્નપત્ર’, મધુરાયની ‘ચહેરા’, અને કિશોર જાદવની ‘નિશાચક્ર’ ને આધારે નાયકોની અસ્તિત્વમૂલક સમસ્યાઓ કેવી રીતે નિરુપાઈ છે તે સમજાવ્યું છે. પછીના પ્રકરણમાં સરોજ પાઠકની ‘ઉપનાયક’ અને જયંત ગાડીતની ‘કર્ણ’ લઘુનવલોના વિશ્લેષણવર્ણન વડે ઉત્પત્તિમૂલક સમસ્યા કેવી છે તે સમજાવ્યું છે. ત્યારબાદ બીજી બે લઘુનવલો શિવકુમાર જોશીકૃત ‘અસીમ પડછાયા’ અને દિનકર જોશીકૃત ‘યક્ષપ્રશ્ન’ને નિમિત્તે માન્યતામૂલક સમસ્યાઓથી ઘેરાયેલા નાયકોની ભૂમિકા સ્પષ્ટ કરી આપી છે. છેલ્લા પ્રકરણમાં ધીરુબહેન પટેલની ‘વાંસનો અંકુર’ અને ઈલા આરબ મહેતાની ‘દરિયાનો માણસ’ એ બે લઘુનવલોને આધારે આત્મપ્રસ્થાપનાની સમસ્યામાં ઘેરાયેલા નાયકોના મનોગતને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે.

આ રીતે ગુજરાતી ભાષાના અગ્રણી કથાસર્જકોની અગત્યની લઘુનવલોને આધારે લઘુનવલના નાયકની વિલક્ષણતા અને તેમની સમસ્યાઓ અંતર્ગત રહેલ દાર્શનિક સવાલોને સ્પષ્ટ કરવાનો આ અભ્યાસીએ પ્રયત્ન કર્યો છે. આ અભ્યાસ એક ઉદીયમાન આસ્વાદકનો આપણને પરિચય કરાવે છે. આ અધ્યયનમાં એમની વિદ્યાપ્રીતિ, અધ્યયનનિષ્ઠા, પરિશ્રમ વગેરેનો સુપેરે પરિચય થાય છે. આ યુવાન અભ્યાસી આ અધ્યયન વડે પોતાનું દ્વિતીય પુસ્તક પ્રકાશિત કરી રહ્યા છે ત્યારે તેઓ અધ્યયનપીચ પર લાંબો સમય ટકી રહીને વિદ્યાવ્યાસંગી બની ઉત્તરોત્તર સંગીન બનતા જતાં અધ્યયનો આપે એવી અભ્યર્થના સાથે એમનું સ્વાગત છે.

પમી સપ્ટેમ્બર, ર૦૧ર ડૉ. નરેશ વેદ

શિક્ષકદિન નિયામક,

યુજીસી એકેડેમિક સ્ટાફકોલૅજ

સરદાર પટેલ યુનિવર્સિટી,

વલ્લભ વિદ્યાનગર

ગુજરાતી લઘુનવલઃ દાર્શનિક તત્ત્વએક અભ્યાસ શોધપ્રબંધ

ડૉ. કમલેશકુમાર કે. પટેલ કથાસાહિત્યના, વિશેષ કરીને ગુજરાતી લઘુનવલના ઊંડા અભ્યાસી છે. તેમણે ‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી લઘુનવલમાં નાયક’ (પ્ર.આ.ર૦૧૦)માં સ્વાતંત્ર્યોત્તર કાળની લઘુનવલોના નાયકોનો મનોવૈજ્ઞાનિક અભિગમપૂર્વક અભ્યાસ તેમણે રજૂ કર્યો હતો; જ્યારે તેમણે ‘ગુજરાતી લઘુનવલઃ દાર્શનિક તત્ત્વ’માં ગુજરાતી લઘુનવલોના કેટલાક કથાનાયકોનાં વલણવર્તન અને વાણીમાં પ્રગટતી વૈયક્તિક વિશેષતાઓવિચિત્રતાઓ અને મર્યાદાઓનું દાર્શનિક ભૂમિકાએ નિરીક્ષણ અને વિશ્લેષણ વિશદતાપૂર્વક વિગતે કર્યું છે.

પ્રસ્તુત અભ્યાસગ્રંથના પ્રયોજનને અનુલક્ષીને તેમણે ‘પ્રાસ્તાવિક’ નિવેદનમાં કહ્યું છે કે, ‘‘કિશોરકાળથી કત્થાસાહિત્યમાં વધારે રસ હોવાને કારણે વિવિધ સ્વરૂપો કરતાં લઘુનવલનું સ્વરૂપ વધારે લાઘવયુક્ત લાગતાં પસંદગીની કૃતિઓનો અભ્યાસ કર્યો છે. તેમાં નાયકના આંતરબાહ્ય વ્યક્તિત્વના ઘડતરમાં સામાજિક પરિબળો કેવો ભાગ ભજવે છે અને તેના વ્યક્તિત્વનાં આંતરબાહ્ય લક્ષણોનો માનવજીવન પર કેવો પ્રભાવ પડે છે, તે જાણવા અને સમજવાનો અહીં પ્રયત્ન કર્યો છે... પ્રત્યેક યુગના વિવિધ પ્રશ્નોનું જયાં સુધી સંપૂર્ણ નિરાકરણ ન આવે ત્યાં લગી તે પ્રશ્નો અંગેની શોધના પ્રયત્નો થતા જ રહે છે. આમ, અસ્તિત્વપરક મૂલ્યોને પામવાં, તેનું રક્ષણ અને સ્થાપન કરવું તે જ આ યુગના માનવનો પ્રાણપ્રશ્ન છે. તેને માટે સમાજ કે ધર્મવ્યવસ્થા અંતિમ નથી. પરંતુ તેની પાસે આગવું વૈયક્તિક દર્શન હોવાથી તેણે સ્વનિર્માણસ્વનિયતિના હક્કને પ્રસ્થાપિત કરવા પ્રયત્નો કર્યા છે. તેમાં તેને સફળતા કરતાં નિષ્ફળતા વધારે પ્રાપ્ત થઈ છે. છતાં માનવીની અનેકવિધ સમસ્યાઓ જેવી કે અધ્યાત્મકમૂલક, ભાવનામૂલક, અસ્તિત્વમૂલક, ઉત્પત્તિમૂલક, વિવિધ માન્યતાઓ સંદર્ભે અને પોતાના વ્યક્તિત્વસ્થાપન માટે નાયક સતત સંઘર્ષ કરતો જોવા મળે છે. આ નાયકો પરંપરાગત દાર્શનિક પીઠિકાથી સભાન હોવા છતાં પોતાના અસ્તિત્વને પામવા તે વૈયક્તિક દાર્શનિક પીઠિકા માટે પ્રયત્ન કરતા હોય છે.’’

કુલ આઠ પ્રકરણોમાં વિભાજિત આ ગ્રંથમાં (૧) પ્રથમ પ્રકરણમાં અભ્યાસવિષયક ભૂમિકા અપાઈ છે. (ર) બીજા પ્રકરણમાં અધ્યાત્મકમૂલક દાર્શનિક પીઠિકાસમસ્યા ધરાવતા નાયકોની સમસ્યાઓ રજૂ થઈ છે. (૩) ત્રીજા પ્રકરણમાં ભાવનામૂલક દાર્શનિક પીઠિકાસમસ્યા ધરાવતા નાયકો વિશે વાત થઈ છે. (૪) ચોથા પ્રકરણમાં અસ્તિત્વમૂલક દાર્શનિક પીઠિકાસમસ્યા ધરાવતા નાયકોની સમસ્યાઓની ચર્ચાવિચારણા સવિગત રજૂ કરવાનો ઉપક્રમ છે. (પ) પાંચમા પ્રકરણમાં ઉત્પત્તિમૂલક દાર્શનિક પીઠિકાસમસ્યા ધરાવતા નાયકોના પ્રશ્નોની છણાવટ થયેલી છે. (૬) છઠ્ઠા પ્રકરણમાં માન્યતા સંદર્ભે દાર્શનિક પીઠિકાસમસ્યા ધરાવતા નાયકોની મૂંઝવણો અને માન્યતાઓની ચર્ચા કેન્દ્રમાં રહે છે. (૭) સાતમા પ્રકરણમાં વ્યક્તિત્વસ્થાપન સંદર્ભે દાર્શનિક પીઠિકાસમસ્યાઓ ધરાવતા નાયકોની વ્યક્તિત્વસ્થાપન અંગેની સમસ્યાઓ લેખકના ધ્યાનવર્તુળના કેન્દ્રમાં રહે છે. (૮) આઠમા અંતિમ પ્રકરણમાં લેખકે ઉપર્યુક્ત પ્રકરણોમાં રજૂ થયેલ લઘુનવલોના કથાનાયકોની દાર્શનિક પીઠિકા અને સમસ્યાઓના અભ્યાસ દરમિયાન ધ્યાનમાં આવેલાં આ કથાનાયકોનાં વ્યક્તિત્વનાં આંતરબાહ્ય લક્ષણો, મનોવલણોમનોવળગણોમનોમંથનો અને આચારવિચારમાં તરી આવતી લાક્ષણિક વિશેષતાઓવિસંગતિઓ અને વિચિત્રતાઓ વિશેનાં પોતાનાં મંતવ્યો અને તારણો સંક્ષેપમાં દર્શાવ્યાં છે.

૧. ભૂમિકાઃ પ્રસ્તુત અભ્યાસગ્રંથમાં સમાવિષ્ટ લઘુનવલોના સ્વરૂપ અંગે લેખકે કહ્યું છે તેમ, ‘‘નવલકથા પાત્રપ્રધાન ન હોય તો ચાલે. તે સમાજપ્રધાન, પ્રસંગપ્રધાન કે વાતાવરણપ્રધાન હોઈ શકે. પરંતુ લઘુનવલ હંમેશાં પાત્રપ્રધાન હોય છે... કોઈ એક પાત્ર કેન્દ્રમાં હોવાથી તેની આસપાસ કથાનું સ્વરૂપ બંધાય છે. આ મુખ્ય પાત્રના જીવનની સમગ્ર જીવન પરિસ્થિતિઓનું આલેખન નહીં પરંતુ કોઈ એક ભાવપરિસ્થિતિને કેન્દ્રસ્થાને મૂકી તે નિમિત્તે નાયકનું જાત, જીવન, જગત પ્રત્યેનું સંવેદન કે ચિંતન પ્રગટ થતું હોય છે. એટલે કે નાયકના દૃષ્ટિકોણથી જીવનને જોવાનો અભિગમ હોય છે...નવલકથામાં અનેક પાત્રોના દૃષ્ટિકોણથી જીવન જોવાય છે... નવલકથામાં નાયક, અર્ધનાયક જેવા નાયકો જોવા મળે છે. પરંતુ લઘુનવલમાં નાયકનું સ્થાન આરંભથી અંત સુધી છવાયેલું હોય છે... તેની સમસ્યા, સંઘર્ષ આગવાં હોય છે. તેના ઉકેલો પણ આગવા હોય છે. તેનાં સુખ, દુઃખ, હર્ષ, આંસુ વૈયક્તિક હોય છે. તેનાં વર્તનવ્યવહારમાં વૈયક્તિકતાનો પાસ હોય છે. તેથી લઘુનવલ ભાવકને નાયકના વૈયક્તિક વિશ્વ સુધી પહોંચાડે છે. જે સર્જક નાયકના આવા વૈયક્તિક વિશ્વ સુધી ભાવકને યાત્રા કરાવે છે, તે સર્જકની કૃતિ લઘુનવલ તરીકે સફળ થઈ કહેવાય.’’

ર. આ પ્રકરણમાં અધ્યાત્મમૂલક દાર્શનિક પીઠિકાસમસ્યા ધરાવતા બે લઘુનવલોના નાયકોની વ્યક્તિગત વિશેષતાઓસમસ્યાઓને અનુલક્ષીને લેખકે વિગતપૂર્વક તેમની જીવનસરણી અને રહેણીકરણીમાં અનુસ્યૂત દાર્શનિક પીઠિકા અને સમસ્યાઓનું વિશદ વિવરણવિશ્લેષણ કર્યું છે.

(૧) ધીરુબહેન પટેલ રચિત લઘુનવલ ‘આગંતુક’(૧૯૯૬)માં કથાનાયક ઈશાન સ્વભાવે સરળ, નિખાલસ, અંતર્મુખ છે. તે સતત પોતાની વૃત્તિપ્રવૃત્તિઓનું આંતરનિરીક્ષણ અને વિશ્લેષણ તટસ્થ ભાવે કર્યા કરે છે. ઉત્તરકાશીમાં ગુરુ ઓમકારગિરિના આશ્રમમાં તે અન્ય શિષ્યો સાથે અધ્યાત્મસાધના અર્થે રહે છે. ‘‘ત્યાં શાસ્ત્રજ્ઞાન સાથે અધ્યાત્મજ્ઞાનની જ્યોત ગુરુ પ્રકટાવે છે. તેથી તે નિરપેક્ષભાવે સાદગીથી પોતાનું જીવન બ્રહ્માનંદમાં વિતાવે છે. તેને વર્તમાન જીવનની ચમકદમક આંજી શકતી નથી... સંસારસાગરનાં મોહમાયાનાં બંધનોથી મુક્ત બની ગુરુના શરણે નિજાનંદમાં રહે છે.ગુરુ ઓમકારગિરિની કૃપાથી જે જ્ઞાનની જ્યોત પ્રગટી છે તેને જીવનભર સાચવે છે. ઈશાન પંદર વર્ષના સાધુજીવન પછી આધારરૂપ ગુરુ અવસાન પામતાં ફરી આધાર વિનાનો બની જાય છે. માના મૃત્યુથી સંસાર છોડી સંન્યાસ લીધો, તેમ ગુરુજી મૃત્યુ પામતાં પાછો માની યાદ આવતાં ફરી સંસારમાં એટલે કે મુંબઈ ખેંચાઈ આવે છે.’’ પણ મુંબઈમાં ભાઈઓને ત્યાં તેને આવકાર મળતો નથી, બલ્કે બેઉ ભાઈઓને તે ભારરૂપ લાગે છે. મોટાભાઈ આશુતોષ તેના પ્રત્યે મમતાસ્નેહભાવ ધરાવે છે, પણ ભાભી રિમા તેને ઘરમાંથી વહેલી તકે વિદાય કરવા માગે છે. તે નાનાભાઈને ઘેર રહેવા આવે છે તે પ્રસંગે તેની ભાભી શાલ્મલી તેને ફલેટમાં અદ્યતન સજાવટવાળો ગેસ્ટરૂમ હોવા છતાં, નોકરની ગંદી ઓરડીમાં ઉતારો આપે છે. ઈશાન સદ્‌ગત માની છબી મેળવવાની ઈચ્છાથી આવ્યો છે, પણ તે મળતી નથી. બેઉ ભાભીઓ ઈશાન અહીંથી આશ્રમમાં પાછો ચાલ્યો જાય તેવા પેંતરા રચે છે. નોકર ફ્રાન્સિસ તેના પ્રત્યે આદરભાવ ધરાવે છે. પુત્રી ઈપ્સિતાના આગ્રહથી નિરંજનભાઈ ઈશાનને પોતાને ત્યાં પધારવા આગ્રહ કરે છે. તેમને ઘેર તે નિર્લેપ ભાવે રહે છે, બિમાર રજતની બ્રહ્મજિજ્ઞાસાને આંતરસૂચનો આપીને જાગ્રૃત કરે છે, તેથી તે બોલતો થાય છે. રજતમાં થયેલા નવા જીવનસંસારનું શ્રેય પોતે લેવાને બદલે તે ઈશ્વરકૃપાનું પરિણામ માને છે. ઈશાન રજતના પગનો અંગૂઠો કાળો પડી જાય છે તે પ્રસંગે તેને ડૉક્ટરની સલાહ પ્રમાણે સ્વિટ્‌ઝરલેન્ડ લઈ જવા સૂચવે છે, એમાં તેનો બૌધ્ધિક અભિગમ કારણભૂત છે. ઈશાનની સારવારથી રજત બોલતો થયો, એ ચમત્કારથી પ્રભાવિત થયેલા તેના બન્ને ભાઈઓ તેને પોતાને ઘેર રાખવા ખૂબ ઉત્સુક છે, એમાં તેમની ધનલોલુપતા દેખાઈ આવે છે. પણ કીર્તિ કે ધનવૈભવ પ્રત્યે નિઃસ્પૃહ એવો ઈશાન કથાના અત્ં ા ભાગ ે વદૃં ાવન તરફ ચાલ્યા ે જાય છ.ે લખે ક ે કહ્ય ું છ ે તમે , સાચો વિતરાગી અધ્યાત્મસાધક કેવો હોય તેનું એક ઉત્તમ દૃષ્ટાંત ઈશાન પૂરું પાડે છે.

(ર) પ્રીતિ દવે કૃત લઘુનવલ ‘દ્વિજ’(ર૦૦૦)નો નાયક આનંદ સુશિક્ષિત, બુધ્ધિશીલ યુવાન છે. સંસારમાં થયેલા કટુ અનુભવોથી હતાશ થઈ તે સ્વામી મુક્તાનંદજીની નિશ્રામાં ત્રણ વર્ષ જ્ઞાનોપાસના કર્યા પછી, બાર વર્ષની વધારે ઉગ્ર સાધના માટે નારાયણ આશ્રમમાં આવે છે. ત્યાં ચૈતન્યજી તેને પ્રેમભાવપૂર્વક સત્કારે છે. તેમની પોતાના પ્રત્યેની આત્મીયતાનો અનુભવ થતાં આનંદને પૂર્વજીવનની પ્રેયસી માનસી યાદ આવે છે. તે માનસીને, માતાને અને રાજલને મળવા ઝંખે છે. આનંદ દ્વિજત્વ દ્વારા, પોતાની ભૂલોનું પ્રાયશ્ચિત કરીને સ્થૂળમાંથી સૂક્ષ્મ પ્રજ્ઞાના માર્ગે પ્રયાણ કરી આત્મામાં લીન થવા ઈચ્છે છે. દિક્ષાપ્રાપ્તિ પછી તેના મુખ પર બ્રહ્મત્વનું તેજ પ્રગટે છે. તેને લાગે છે કે પોતાના વડીલોને અને ગુરુને દેવ સમજીને તેમની સેવા કરવી એ જ દ્વિજનો, બ્રહ્મચારીનો સાચો ધર્મ છે. લેખકે નોંધ્યું છે તેમ, ‘દ્વિજ’ના નાયક કરતાં ‘આગંતુક’નો નાયક નોખો છે, દશાંગુલ ચડિયાતો છે. કારણ કે ‘આગંતુક’નો નાયક ઈશાન કોઈ શારીરિક કે ભૌતિક જરૂરિયાતોથી પ્રાપ્તિમાં આવેલા અવરોધોને કારણે અધ્યાત્મદિશા તરફ ફંટાયેલો નથી. તેથી ‘દ્વિજ’ના નાયકમાં જોવા મળતું પલાયનવાદી વ્યક્તિત્વ કે દમિત ઈચ્છાનું જોર ઈશાનના વ્યક્તિત્વને ઝાંખું પાડતું નથી...’’

૩. (૧) ભાવનામૂલક દાર્શનિક પીઠિકાસમસ્યા ધરાવતા નાયકનું એક લાક્ષણિક દૃષ્ટાંત જયંત ગાડીતની લઘુનવલ ‘આવૃત’ના પાત્રમાં મળે છે. શિક્ષણ અને સંસ્કારનાં ક્ષેત્રોમાં વ્યાપેલા ભ્રષ્ટાચારદુરાચાર સામે ઝૂઝતો માનવી કેવી અવદશાને પામે છે તે ‘આવૃત’ના નાયક દ્વારા દર્શાવાયું છે. (ર) હરીન્દ્ર દવેની લઘુનવલ ‘ગાંધીની કાવડ’(૧૯૮૪)નો નાયક કરુણાશંકર ગાંધી પ્રબોધિત જીવનમૂલ્યો આદર્શોને વરેલો છે. પરંતુ તેની સ્વચ્છ પ્રતિમા અને પ્રતિષ્ઠાનો દુરુપયોગ કરીને ભ્રષ્ટાચારી સત્તાલોલુપ રાજકારણી નેતાઓ પોતાનો સ્વાર્થ સાધવા માટે તેને હાથો બનાવે છે. કરુણાશંકર અને તેની પત્ની તથા પુત્રને પણ જગમોહન પોતે બિછાવેલી પ્રપ્રંચજાળમાં ફસાવે છે. આથી ધનસત્તાના મોહમાં અંધ બનેલો નાયક છેવટે રીઢો રાજકારણી બની જાય છે. ધનવૈભવસત્તાની મોહમાયામાં આદર્શોભાવનાઓ સાથે બાંધછોડ કરવાના પ્રસંગે મનોદ્વિધા અનુભવતો કરુણાશંકર ગાંધીની કાવડ ન ઉપાડવાનો આત્મસંતોષ અનુભવે છે,અને ભ્રષ્ટાચારને કારણે તેનું આધ્યાત્મિક ભાવનાત્મક અધઃપતન થાય છે. (૩) યશંવત ત્રિવેદી રચિત લઘુનવલ ‘જલવિથિ’(૧૯૭૮)નો નાયક નૂતન વિશ્વના નિર્માણનું સ્વપ્ન સેવે છે. પત્ની નિયતિ પણ તેને આ કાર્યમાં સહકાર આપે છે. નાયક નિતાંત આંતર રાષ્ટ્રીય કેળવણીનો પ્રખર પુરસ્કર્તા છે. તે તોલ્સતોય, ગાંધીજી અને રવીન્દ્રનાથને પોતાના આદર્શ માને છે. પણ પોતાના ભાવનાવિશ્વને સાકાર કરી શકે તેવું ગજાદાર વ્યક્તિત્વ તે ધરાવતો ન હોવાથી તેના પ્રયત્નો વંધ્ય નીવડે છે. (૪) ‘સૂકી ધરતી સૂકા હોઠ’(૧૯૬૭) લઘુનવલમાં દિલીપ રાણપુરાએ નાયકને આદર્શો અને વાસ્તવિક વચ્ચે દ્વિધા અનુભવતો દર્શાવ્યો છે. ગાંધી ભાવનાઓને વરેલો નાયક ગ્રામોધ્ધાર, વ્યસનમુક્તિને માટે પ્રયત્નો કરે છે. પણ છેવટે તે પોતે જ કસુંબો પીતો થઈ જાય છે. ઉન્નત જીવનભાવનાઓ ધરાવતા નાયકની ભાવનાઓઆદર્શો ગાંધીપ્રેરિત અને આદર્શ કોટિના હોવા છતાં, તેમને આચરવા માટે આવશ્યક એવી સંકલ્પશક્તિ અને મનોદૃઢતાના અભાવે તેના પ્રયત્નો એળે જાય છે.

૪. અસ્તિત્વમૂલક દાર્શનિક પીઠિકાસમસ્યાઓ ધરાવતા નાયકોનાં દૃષ્ટાંત રાધેશ્યામ શર્માની લઘુનવલ ‘ફેરો’(૧૯૬૮), ચીનુ મોદીની લઘુનવલ ‘ભાવ અભાવ’(૧૯૬૯),મધુરાય રચિત લઘુનવલ ‘ચહેરા’(૧૯૬૬), શ્રીકાન્ત શાહ કૃત લઘુનવલ ‘અસ્તી’(૧૯૬૬), સુરેશ જોશી કૃત લઘુનવલ ‘છિન્નપત્ર’(૧૯૬પ), લાભશંકર ઠાકરની લઘુનવલ ‘કોણ?’(૧૯૬૮) અને કિશોર જાદવ રચિત લઘુનવલ ‘નિશાચક્ર’(૧૯૭૯)ના નાયકોનાં ચરિત્રમાં મળે છે.

આ પ્રકરણના પ્રારંભે લેખકે પાશ્ચાત્ય તત્ત્વચિંતકો અને અસ્તિત્વવાદી જીવનદર્શનને આલેખતી કથાકૃતિઓ વિશે ભૂમિકારૂપે માહિતી આપી છે તે ઉપર્યુક્ત ગુજરાતી લઘુનવલોના નાયકોની દાર્શનિક પીઠિકા અને સમસ્યાઓને સમજવામાં ઉપયોગી નીવડે તેવી છે. (૧) ‘ફેરો’ લઘુનવલમાં અમદાવાદની એક પોળમાં રહેતાં દંપતી પોતાનો સૂરજદેવે આપેલો મૂંગો પુત્ર સૂરજદેવના આશીર્વાદથી બોલતો થશે, તેવી આસ્થા સાથે એ પુત્ર ‘ભૈ’ને લઈને સૂરજદેવના મંદિરે જવા નીકળે છે. આ દંપતી, ટ્રેનનાં પ્રવાસીઓ, સ્ટેશનોનાં નામ લેખકે સહેતુક આપ્યાં નથી. આ દંપતી વાચાળ છે, તો તેમનો પુત્ર સાવ મૂંગો છે. તેને બોલતો કરવાની તેમની તીવ્ર અભીત્સા વંધ્ય નીવડે છે, એ પ્રકારનો કથાનો અંત કરુણગર્ભ છે. કમલેશ પટેલે કહ્યું છે તેમ, ‘‘આ યુગની વિષમ અને વિસંગતિભરી પરિસ્થિતિ વચ્ચે જીવતા માનવીની દશા મૂંગા ભૈ દ્વારા પ્રતીકાત્મક રીતે સર્જકે રજૂ કરી છે... માનવજીવનનો એક નિષ્ફળ ‘ફેરો’ દર્શાવવામાં લેખક સફળ થયા છે. જીવનના વૈફલ્યને વ્યક્ત કરવામાં શબ્દના ઉપાદાનની શક્તિ લેખકે બરાબર કસી જોઈ છે. પ્રસંગમાંથી નિખરતું કૃતિ સમગ્રનું સૌંદર્ય તેને એક સ્વાયત્ત કૃતિ બનાવે છે.’’ (ર) ચીનુ મોદી કૃત ‘ભાવઅભાવ’નો નાયક ગૌતમ અસ્તિત્વપરક વ્યર્થતાની સભાનતાથી પીડાયા કરે છે. તે ગામની ભાગોળે આવેલી અવાવરુ વાવમાં પથ્થર નાખે છે ત્યારે ઉદ્‌ભવતાં કુંડાળાં સૂચક છે. આ વાવ અને તેમાં ઉદ્‌ભવતાં કુંડાળાં પ્રતીકાત્મક રીતે ગૌતમની મનઃસ્થિતિ સંકેતે છે. વ્યવહારજીવનમાં ગોઠવાઈ ન શકેલો ગૌતમ ભાવ અને અભાવ વચ્ચે ફંગોળાતો રહે છે. (૩) મધુ રાયની લઘુનવલ ‘ચહેરા’નો નાયક નિષાદ ‘‘પોતાના સાચા અસ્તિત્વથી અલગ પડી ગયેલો લાગે છે... ચહેરાની જગ્યાએ મહોરાંનો અનુભવ થાય તેવું જીવન જીવતો માનવ આ લઘુનવલમાં ઝીલાયો છે... નિષાદના પાત્ર દ્વારા આધુનિક માનવજીવનનું વરવું રૂપ પ્રગટ થયું છે... તે પરંપરાગત સ્થાપિત મૂલ્યો, સિધ્ધાંતો અને માળખાંઓ સામે બંડ અને વિદ્રોહની લાગણી ધરાવે છે... તે સમાજમાં રહીને પણ તેનાથી અલિપ્ત રહેવા મથે છે. તે તેની આસપાસના જીવાતા જીવન કરતાં જુદી જ રીતે જીવે છે.’’ (૪) શ્રીકાન્ત શાહની પ્રયોગશીલ લઘુનવલ ‘અસ્તી’માં નાયક પાશ્ચાત્ય અસ્તિત્વવાદી તત્ત્વદર્શનથી ખૂબ પ્રભાવિત છે. તે કલ્પનાશીલ, સ્વપ્નસેવી, આત્મનિરીક્ષક અને માનવીય અસ્તિત્વની વ્યર્થતા વિશે અતિ સભાન છે. જીવનની એકલતા, યાંત્રિકતા અને એકવિધતાથી અકળાયા કરતો આ નાયક સૃષ્ટિનો નાશ ઈચ્છે છે. ‘તે’ લાચારીવિવશતા અનુભવતો આધુનિક યુગનો દિશાશૂન્ય અને વિદ્રોહી યુવક છે. તેને આ સમગ્ર સંસાર એક કેદખાના જેવો લાગે છે.(પ) સુરેશ જોશી કૃત લઘુનવલ ‘છિન્નપત્ર’નો નાયક અજય અતિ સંવેદનપટુ છે. કૃતિના પચાસ ખંડોમાં વિભાજિત આ લઘુનવલમાં તેણે પ્રેયસી માલાને સંબોધીને લખેલા પત્રોમાં તેના છિન્નવિચ્છિન્ન વ્યક્તિત્વના અંશો મુકાયા છે. માલાની સ્વતંત્રતા ખંડિત ન થાય તે રીતે તેના પ્રેમને પામવા તે ઝંખ્યા કરે છે. તેનું પાત્ર એક પ્રણયમૂલક વિફળતાતૃષાથી પીડાયા કરતા કવિજીવરૂપે વિભાવિત થયેલું છે. કમલેશ પટેલે નોંધ્યું છે તેમ, ‘‘પ્રેમતત્ત્વની ઝંખનામાંથી જન્મતા વિષાદનું રૂપ કેવું હોય તેનું સત્ય રજૂ કરતી આ સંવેદનશીલ લઘુનવલ છે... અહીં અસ્તિત્વમૂલક વર્તુળમાં ઘૂંટાતા રહેતા માનુષિક પ્રેમની મર્યાદા ચીંધી છે... તેનું અસ્તિત્વ બળી ગયેલા કાગળ પરના અક્ષર જેવું છે.’’ (૬) ‘ફેરો’ પછીની રાધેશ્યામ શર્માની લઘુનવલ ‘સ્વપ્નતીર્થ’માં વયઃસંધિકાળમાંથી પસાર થઈ રહેલો એક અઢારઓગણીસ વર્ષનો તરુણ નવીન મંદબુધ્ધિવાળો છે અને વિદેહ પિતાને ઝંખ્યા કરે છે. વ્યભિચારી માતાના લગ્નબાહ્ય સંબંધોના સંકેત તેની ડાયરીની નોંધોમાં મળે છે. નવીનની ચેતનઅવચેતન ચિત્તની ગૂઢ સંકુલ સંવેદનાઓ તેનાં સ્વપ્ન અને ડાયરીની નોંધોમાં વ્યક્ત થઈ છે. નવીનની સંકુલ સંદિગ્ધ વૃત્તિઓના આલેખન અર્થે પ્રયોજાયેલ સ્વપ્ન અને સ્વપ્નમાં પણ સ્વપ્નની રચનારીતિના આયોજનમાં કર્તાની કળાગત સભાનતાસજ્જતા સવિશેષ ધ્યાનપાત્ર લેખાય તેવી છે. (૭) લાભશંકર ઠાકરની લઘુનવલ ‘કોણ?’ના નાયક ‘વિનાયક’નું પાત્ર છહૈં-ૐીર્િ રૂપે વિભાવિત થયેલું છે. પ્રિયતમા કેતકીની બેવફાઈથી ઊંડો આઘાત પામેલો વિનાયક આત્મહત્યા કરવા ઈચ્છે છે. પણ પછી આત્મઘાતનો વિચાર પડતો મૂકીને તે અસ્તિત્વ વિષયક ચિંતન કરવા પ્રેરાય છે. તેને પ્રેમની બુનિયાદ પોકળ લાગે છે. લેખકે કહ્યું છે તેમ, ‘કોણ’નો નાયક ધ્યેય પ્રતિ સડસડાટ તીર વેગે ધપે છે, એમાં ક્યાંય ગાંઠા કે વિધ્નો આવતાં નથી. આખી રચના ઉીઙ્મઙ્મ-ાહૈંીંઙ્ઘ વસ્ત્ર જેવી છે. એની પોતાની કુમાશ અને મજબૂતી વિનાયકના ‘વિચારમય અસ્તિત્વ’ના આલેખનને પામવાથી પરખાય છે. તેનું સભાન થતું જતું ચિત્ત, અને એ ચિત્તમાં જાગતા પ્રશ્નો અને અપાતા ઉત્તરોની હારમાળા આ રચનાનું હાર્દ છે.’’ (૮) કિશોર જાદવ રચિત લઘુનવલ ‘નિશાચક્ર’ના અનામી નાયકનું રતિમૂલક જાતીય સંવેદન અને અસ્તિત્વ પરક વિફળતાની વેદનામૂલક સભાનતા આ કૃતિનું નાભિકેન્દ્ર છે. અનામી સંવેદનપટુ નાયકના ત્રણ સ્ત્રીઓ સાથેના જાતીય સંબંધોની અનુભૂતિજન્ય વેદના આ લઘુનવલમાં સબળ કલમે કર્તાએ આલેખી છે. કમલેશ પટેલે નોંધ્યું છે તેમ, ‘‘નાયકના દિવાસ્વપ્ન દ્વારા તેના મનોવિશ્વમાં રહેલી ઝંખનાઓ તથા આનંદ અને પ્રસન્નતાને સર્જક પ્રતીકાત્મક રીતે પ્રકૃતિવર્ણન દ્વારા રજૂ કરી છે... અનંગલીલા તેને માટે અપ્રાપ્ય એવું કામ્ય છે, તો કમસાંગકોલા પ્રાપ્ય છતાં અકામ્ય છે. આ વિરોધને નક્કરતા આપવા કમસાંગકોલાના બાહ્યાંતર વ્યક્તિત્વને જુગુપ્સાકારક રીતે ઉપસાવતી વિગતનો કાર્યસાધક વિનિયોગ સર્જકે કરેલો છે... નાયકના ચિત્તમાં અનંગલીલાનું સૌંદર્ય અને કમસાંગકોલાનું ભદ્‌ાપણું સતત વિરોધાયા કરે છે... આ વિરોધ જ તેના દામ્પત્યજીવનમાં વિસંવાદ, વિખવાદ અને આશંકાઓને આમંત્રે છે. તેની સ્વપ્નસુંદરી ‘અનંગલીલા’ કાયમ માટે ચાલી જતાં તે બહુભોકતા, બહુપુરુષભૂખી, બહુભોગિની એવી કમસાંગકોલા સાથે લગ્ન કરે છે... એના પેલા સાહેબ સાથે એ જ ઘરમાં કામક્રીડા આદરતાં સહેજે અચકાય નહિ એવી કમસાંગકોલા સાથે તે ઘરસંસાર નિભાવ્યે જાય છે. એ પરિસ્થિતિને આપણે પરિસ્થિતિની વક્રતા ગણીશું કે નાયકની વિવશતા? તેની સાથેના વિખવાદી દામ્પત્યજીવનમાં કમસાંગકોલાની પિત્રાઈ બહેન લાનુલાનો પ્રવેશ તેના માટે એક મોટું આશ્વાસન બની રહે છે. લાનુલા આકર્ષક, વિનમ્ર, પ્રેમાળ અને મૃદુભાષી હોવાથી તેને તેનામાં પ્રેયસી અનંગલીલાનું સ્વરૂપાસંધાન અનુભવાય છે... તેના લાનુલા પ્રત્યેના યૌનસંકેતપૂર્ણ મનોભાવો કૂકડાના પ્રતીકથી સરસ રીતે વર્ણવાયા છે... ‘કોણ?’ના નાયકની જેમ ‘નિશાચક્ર’નો નાયક અસ્તિત્વપરક વિફળતાની વેદના અનુભવે છે... તેના દામ્પત્યજીવનમાં સદાય વિસંવાદ, વિખવાદ અને આશંકાઓ વ્યાપેલી હોવાથી અસ્તિત્વહીનતાનો અનુભવ કરે છે... તે પોતાની મનોવ્યથા સ્વપ્ન અને વિવિધ પ્રતીકો દ્વારા રજૂ કરે છે.’’ આ પ્રકરણમાં લેખકે અસ્તિત્વપરક દાર્શનિક પીઠિકાસમસ્યા ધરાવતા નાયકોનાં આંતરબાહ્ય વ્યક્તિત્વ અને વલણવર્તનની તુલના કરીને તેમની વૈયક્તિક વિશેષતાઓલાક્ષણિકતાઓ અને અસ્તિત્વપરક વિફળતાની વેદનાને યથાર્થ રીતે ઉપસાવી આપી છે.

પ. પાંચમા પ્રકરણમાં ઉત્પત્તિમૂલક દાર્શનિક પીઠિકા અને સમસ્યાઓ ધરાવતા નાયકોની પોતાનાં મૂળકુળને શોધવાપામવાની વૃત્તિપ્રવૃત્તિઓનું સવિગત આલેખન કરવાનો લેખકનો ઉપક્રમ ફળપ્રદ નીવડ્યો છે. (૧) સરોજ પાઠકની લઘુનવલ ‘ઉપનાયક’માં અસ્તિત્વના મૂળનો પ્રશ્ન મનોવૈજ્ઞાનિક અભિગમપૂર્વક ઉપસાવાયો છે. નાયક વિદ્યુત(છોટુ)નો જન્મ અને ઉછેર વિચિત્રવિષમ સંયોગોમાં થયેલો હોવાથી નાનપણથી જ તે તીવ્ર માનસિક આઘાતને કારણે મનોરુગ્ણતાથી પીડાયા કરે છે. તે નંદુમાસીના પૂર્વજીવનની વિગતોમાંથી સત્ય તારવીને પોતે નંદુવત્‌ માસીના લફરાનું જ પરિણામ છે, એમ માને છે. આ કારણે વિદ્યુત માસીએ સ્નેહથી ઉછેરેલો હોવા છતાં તેમના પ્રત્યે સ્નેહ, સમભાવ અનુભવી શકતો નથી. તેની સ્મૃતિસંવેદનાના ખંડિત અંશો, તેના મનોરુગ્ણતામૂલક આઘાતપ્રત્યાઘાતો, જાગ્રતઅર્ધજાગ્રત ચિત્તના વૃત્તિ વ્યાપારો, ચેતનાપ્રવાહની સપાટી પર તરતા વિચારોબુદ્‌બુદો અને ભીતરમાં છુપાયેલાં વમળો, તરંગો તથા કલ્પનાના બુટ્ટાઓ વગેરેને સર્જકે મનોવૈજ્ઞાનિક રીતે કલ્પકતાપૂર્વક આલેખ્યા છે. (ર) જયંત ગાડીતની લઘુનવલ ‘કર્ણ’(૧૯૭૯)નો નાયક હર્ષદ બારોટ પણ પોતાની મા કોણ છે તે શોધવા વ્યગ્રતાવ્યાકુળતાપૂર્વક સતત પ્રયત્નો કર્યા કરે છે. મનસુખ મહેતા સાથે ઓળખાણ થતાં માણસ પારખું શેઠ તેને રાજકારણમાં પોતાનો હાથો બનાવવાના હેતુસર મદદ કરે છે. એવામાં ગામડેથી અજવાળી માસીનો પત્ર આવતાં તેમાં ‘મા’ આવવાની છે તેનો ઉલ્લેખ હોવાથી માને મળવા માટે તે અધીરાઈ અને વિહ્‌વળતાવ્યાકુળતા અનુભવે છે. પોતાની માતા કોણ છે, શા માટે તેણે પોતાનો ત્યાગ કર્યો હશે, એ જાણવાની તેની અધીરાઈ જોઈને અજવાળી માસી અનિચ્છાએ તેને મા વિશેની વિગતો જણાવે છે. નાયક છેલ્લે મરતાંમરતાં તેની માને જોવા આંખો ખોલે છે, પણ હંમેશને માટે તેની આંખો ખુલ્લી જ રહી જાય છે. આથી માતાની અર્થાત્‌ પોતાનાં મૂળકુળની શોધની તેની પ્રવૃત્તિ વંધ્ય નીવડે છે. ‘મહાભારત’ગત કર્ણની સ્અંરનો વિનિયોગ કરીને, નાયક હર્ષદ બારોટ પોતાની માતા કોણ છે એ જાણવાનો પ્રયત્ન કરે છે પણ તેનો પ્રયત્ન એળે જાય છે એવું કર્તાએ સૂચવ્યું છે.

૬. માન્યતા સંદર્ભે દાર્શનિક પીઠિકાસમસ્યા ધરાવતા નાયકોની પૂર્વજન્મ પૂર્નજન્મ વિશેની ચર્ચાવચારણા આ પ્રકરણમાં વિસ્તારપૂર્વક થઈ છે. (૧) શિવકુમાર જોશીની લઘુનવલ ‘અસીમ પડછાયા’નો નાયક શમિક ઠાકોર પોતાની સ્મૃતિઓને વર્તમાનમાં અનુભવતો હોય તેવી ભ્રમણાથી પીડાય છે. બ્રાહ્મણ પરિવારમાં જન્મેલો આ નાયક હિન્દુ ધર્મનાં પુરાણોથી પરિચિત છે. અબ્રાહ્મણ શિલ્પા સાથેનું તેનું દામ્પત્યજીવન સુખી છે. કવિજીવ શમિક કવયિત્રી એલિનોર વાઈલિનાં કાવ્યોથી ખૂબ પ્રભાવિત છે. જિની અને વોલેસ સાથેની પ્રથમ મુલાકાત પ્રસંગે તેને ક્યાંક જોઈ હોવાની સ્મૃતિઓમાં સરી પડેલો શમિક મનોમન મૂંઝાય છે. પણ આ સ્મૃતિઓની વાત અંધશ્રધ્ધામાં ખપી ન જાય એ હેતુસર તે છુપાવે છે. ભારતીય પુરાણો વિશે તે જિનીને માહિતી આપે છે. જિની પોતાને ગમતી હોવા છતાં તે સમજદારીપૂર્વક તેની સાથે અંતર જાળવે છે. તેને મિત્ર વલયે આપેલી પિએટની મૂર્તિમાં માતા મેરી અને જિનીની મુખમુદ્રામાં સામ્ય લાગતાં તેની નજરમાં કોઈ બીજી દુનિયાનું સ્વપ્ન હંમેશાં તરતું હતું એ પ્રગટ થાય છે. કમલેશભાઈએ કહ્યું છે તેમ, ‘‘અસ્તિત્વના ઉત્તમોત્તમ અંશોને પામવા માટેના પ્રયત્નોરૂપે સ્મૃતિભ્રમનો આશરો સર્જકે અહીં લીધો છે. નાયકની અવઢવભરી મનોસ્થિતિ કથાનો આસ્વાદ્ય અંશ છે.’’ (ર) દિનકર જોશીની લઘુનવલ ‘યક્ષપ્રશ્ન’નો નાયક પણ આવી જ મનોદ્વિધાથી પીડાય છે. પૂર્વજન્મની સ્મૃતિવિસ્મૃતિ વચ્ચે દ્વિધાજન્ય મૂંઝવણ અનુભવતો નાયક ભગીરથ નથી વર્તમાનમાં કે નથી અતીતમાં જીવી શકતો. પૂર્વજન્મની સ્મૃતિને વર્તમાન સમજીને જીવવા જતાં તેનું જીવન દુઃખદ બની જાય છે. વર્તમાન જીવનની વાસ્તવિક પરિસ્થિતિને તે ભ્રામક માને છે. તેથી તે કહે છેઃ ‘‘પોતે ભગીરથ નહીં પણ આનંદ છે, પોતાને એક નાનકડું ઘર છે. ફળિયામાં નાળિયેરીનું ઝાડ છે અને થોડા મહિના પછી પોતે બાપ બનવાનો હતો.’’ તેની આ વિચિત્ર સ્મૃતિકથા સાંભળીને, મૂંઝવણ અનુભવતી તેની પત્ની અંધશ્રધ્ધામાં માનતી ન હોવા છતાં દોરાધાગા કરાવે છે. તે મિત્રોને પણ ઓળખતો ન હોય તેવી રીતે વર્તે છે. પૂર્વભવની સ્મૃતિઓને સાચી માની લઈને તે મુંબઈ જવા ઈચ્છે છે. તે માને છે કે ત્યાં પોતાની પત્ની નીલા છે, મિત્ર સુકેતુ છે અને પુત્ર પણ છે. આથી તે મુંબઈ પહોંચી જાય છે. ત્યાં તે પૂર્વજન્મના આનંદના ઘરને શોધે છે. જૂના ઘરની જગ્યાએ બાંધેલા નવા મકાન ‘દર્પણવિલા’માં તે જાય છે પણ ત્યાં તેને કોઈ ઓળખતું નથી. તેને આનંદ બની જીવવું છે પણ તે શક્ય ન હોવાથી ઘેર પાછો આવે છે. આમ, નાયક બાહ્ય રીતે ભગીરથ, પણ આંતરિક રીતે આનંદ છે. તે પોતાને ક્યાંય સ્થાપી શકતો નથી, તેનું જીવન દુઃખકર બની જાય છે. કમલેશ પટેલે કહ્યું છે તેમ, પ્રસ્તુત લઘુનવલમાં લેખકે માનવના આત્મસ્થાપનના પ્રશ્નને કેન્દ્રમાં રાખીને નાયકના ચરિત્રનું નિર્માણ કરેલું છે.

૭. વ્યક્તિત્વસ્થાપન સંદર્ભે દાર્શનિક પીઠિકાસમસ્યા ધરાવતા નાયકોનાં ચરિત્રમાં અનુસ્યૂત સમસ્યાઓ (૧) ધીરુબહેન પટેલ કૃત ‘વાંસનો અંકુર’(૧૯૬૮) અને ઇલા આરબ મહેતાની લઘુનવલ ‘દરિયાનો માણસ’માં કેન્દ્રસ્થાને રહે છે.(૧) ‘વાંસનો અંકુર’માં દાદાજી કહે તે રીતે નહિ પણ પોતાની મરજી મુજબ સ્વતંત્ર રીતે જીવવા માગતા કિશોર કેશવની વૃત્તિપ્રવૃત્તિઓ અને તેની પાછળ રહેલી મનોભૂમિકા લેખિકાએ દર્શાવી છે. દાદાજીના મનાઈ હુકમની પરવા કર્યા વિના તે કૉલેજમાં વાસંતી પોતાને ગમતી જ હોવા છતાં તેની સાથે ચા પીવા જાય છે. પિતા તેને દાદાની આજ્ઞા પ્રમાણે વર્તવાનું કહે છે ત્યારે તે વિરોધ કરે છેઃ ‘કોણે નક્કી કર્યું? ને દાદાજી કંઈ ભગવાન નથી કે એમણે જે નક્કી કર્યું એ જ થવું જોઈએ.’ મનોમન તે દાદાજી રમણિકલાલને ધિક્કારે છે. તેનો બંડખોર મિજાજ તેનાં વલણવર્તનમાં તરી આવે છે. દાદાએ તેને માટે સ્થાપેલી ફેક્ટરીમાં તેને જરાય રસ નથી. દાદાજીએ પસંદ કરેલી કન્યા સુવર્ણા પોતાને ગમતી હોવા છતાં, તે તેમની ઈચ્છા અનુસાર લગ્ન કરવાની ના પાડે છે. દાદાજી પ્રત્યે માનઆદર ધરાવવા છતાં, તેમના પ્રભાવમાંથી મુક્ત થઈ નિજનિરાળી રીતે જીવવા મથતા તરુણની આ કથા છે. વાંસના અંકુરની જેમ જાતે ગાંઠો છેદીભેદીને, આત્મસ્થાપન અર્થે કૃત સંકલ્પ એવા કિશોરની આ કથા આસ્વાદ્ય છે. (ર) ‘દરિયાનો માણસ’ લઘુનવલનો નાયક દેવાંગ મા અને ભાઈની અનિચ્છા હોવા છતાં શિપિંગના અભ્યાસ અર્થે મુંબઈ જાય છે અને દરિયાનો માણસ બનવા પુરુષાર્થ આદરે છે. કોઈ કંપનીમાં શિપિંગ ઑફિસર તરીકે કામ કરતા દેવાંગની બન્ને કીડની નિષ્ફળ જતાં ડૉક્ટર કીડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપે છે, તેથી પત્નીને આશા છે દેવાંગ બચી જશે. ચારુ પોતાની કીડની આપવા તૈયાર છે, પણ બ્લડગ્રુપ અને ટિસ્યુ મેચ થતાં નથી. આવું બ્લડગ્રુપ તેના ભાઈ હેમાંગનું છે. પણ જેણે દગો કરી તેની પ્રેયસીને પત્ની બનાવી હતી, એ હેમાંગની કીડની લેવા તે ધરાર ના પાડે છે. છતાં હેમાંગને આવેલો જોઈ તે ઉદાર હૃદયે ભાઈને ક્ષમા આપે છે. હેમાંગનો દોષ સ્વીકારી તે એની દામ્પત્ય નૌકાને ઉગારી લે છે, પોતે ન કરેલી ભૂલની એની પાસે માફી માગે છે. પોતાને હેમાંગની કીડની મેચ થતી નથી એવું જણાવીને દેવાંગ સાચા અર્થમાં દરિયાદિલી દાખવીને દરિયાનો માણસ બની રહે છે.

આ બન્ને લઘુનવલોના નાયકોમાં જોવા મળતું સામ્ય એ છે કે તેઓ પોતાને પ્રાપ્ત થયેલા વાતાવરણ અને વારસાને સ્વીકારવાને બદલે પોતાનાં વ્યક્તિત્વની સ્થાપના અર્થે, દૃઢતાપૂર્વક સંજોગોનો પ્રતિકાર કરી સતત પુરુષાર્થ કરે છે. ‘વાંસનો અંકુર’માં દાદાજીનો સત્તાશીલ પ્રભાવ નાયકના આંતર સંઘર્ષ અને વિદ્રોહને માટે નિમિત્તરૂપ બને છે, તો ‘દરિયાનો માણસ’ લઘુનવલનો નાયક દેવાંગ માતાના વિચારો પ્રમાણે નહિ પણ પોતાના આગવા વિચારો અનુસાર જીવવાનો સંકલ્પ કરે છે. ભાઈના કપટનો બે વાર ભોગ બનેલો દેવાંગ પોતાનું સ્વત્વ જીવનના ભોગે પણ જાળવી જાણે છે. તેની સમર્પણ ભાવના અનન્ય છે, જ્યારે ‘વાંસનો અંકુર’નો નાયક પોતાની માતાના મૃત્યુ પછીની વિધિઓ બીજો કોઈ કરે છે તે સહી શકતો નથી અને અપરાધભાવથી પીડાય છે. આમ, આ બન્ને લઘુનવલોના નાયકો પોતાની રીતે વ્યક્તિત્વસ્થાપન અર્થે પુરુષાર્થ કરતા દર્શાવાયા છે.

‘ઉપસંહાર’માં લેખકે પ્રસ્તુત લઘુનવલોના અભ્યાસના નિષ્કર્ષરૂપે નોંધ્યું છે તેમ, ‘આગંતુક’નો નાયક ઈશાન ‘અથાતો બ્રહ્મજિજ્ઞાસા’ના સંકલ્પથી સ્વને પામવા મથે છે. પણ તેમાં અવરોધો છે. કૌટુંબિક અને સંન્યસ્ત જીવનના કેટલાક પ્રસંગો દ્વારા તેનું ટ્ઠઙ્મૈીહટ્ઠર્ૈંહ રજૂ થયું છે તે એકલો છે પણ થાક્યો નથી. ‘અથાતો બ્રહ્મજિજ્ઞાસા’નો સંકલ્પ તેને દોરે છે. પણ અન્ય નાયકોનો જીવન પ્રત્યેનો નકારાત્મક અભિગમ આ લઘુનવલોમાં વધુ નિરુપાયો છે. તેમની ખિન્નતા, છિન્નતા, મૃત્યુએષણા આ લઘુનવલોમાં વિશેષ જોવા મળે છે. ‘...સ્વ’ને પામવા, સ્થાપવા મથતા આ નાયકો વિશિષ્ટ અર્થમાં જીવનમર્મી’ બનવા મથતા જણાય છે પણ તેમનું ‘વૈયક્તિક દર્શન’ મૌલિક નથી, પણ અસ્તિત્વવાદી વિચારસરણીના પ્રભાવથી પ્રેરાયેલું છે. વળી આ વૈયક્તિક દર્શનમાં ઊંડાણ પણ નથી. છતાં વૈયક્તિક સત્ય પામવા પ્રત્યેની તેમની સભાનતાનો અહીં પરિચય મળે છે.’’

પ્રસ્તુત શોધપ્રબંધનું આયોજન કર્તાના પ્રયોજનને અનુરૂપ અને સુરેખ છે. અભ્યાસગત લઘુનવલોના નાયકોની દાર્શનિક પીઠિકા અને સમસ્યાઓને અનુલક્ષીને થયેલી ચર્ચાવિચારણામાં તેમની બહુશ્રુતતા, તુલનાત્મક અભ્યાસપધ્ધતિ, યથાસ્થાને દૃષ્ટાંતો આપીને પોતાના વક્તવ્યનું પ્રતીતિકર રૂપમાં અન્ય વિવેચકોનાં મંતવ્યો સહિત પ્રતિપાદન કરવાની ચીવટ અને સજ્જતા સવિશેષ ધ્યાનપાત્ર લેખાય તેવી છે. આશા છે કે આ અભ્યાસગ્રંથ કથાસાહિત્યમાં અને વિશેષ કરીને ગુજરાતી લઘુનવલના સાહિત્યમાં રસ ધરાવતા અભ્યાસીઓને ઉપયોગી નીવડશે.

બાબુ દાવલપુરા

ઝ્રર્/ અનિલ પટેલ

‘સાજ’, અભિષેક ફ્લેટ્‌સ સામે, ડૉ. કુરિયન એન્કલેવ,

આણંદ૩૮૮૦૦૧ ફોન નં. (૦ર૬૯ર) ર૪ર૦૮૪

આશીર્વચન

વિજ્ઞાન અને ટેક્‌નોલૉજીના વિકાસની સાથે વિશ્વ ઘણું સાંકડુ બન્યું પણ સર્જકનું સંવેદન વિશ્વ વિશાળ બન્યું છે. તેથી સર્જકના ચિત્તહૃદયને માત્ર પોતાના ગામ, રાજ્ય કે દેશના લોકોની સમસ્યા જ નહિ, પરંતુ વિશ્વના કોઈપણ માનવીના અસ્તિત્વની સમસ્યા તેને સ્પર્શતાં તેનું હૃદય ખળભળી ઊઠે છે. તેથી તે પોતાની સંવેદનાને નાયકના માધ્યમથી સાહિત્યમાં સ્વાભાવિક રીતે રજૂ કરે છે. સાંપ્રત સમયમાં માનવજીવનના જગત અને જાત પ્રત્યેના દૃષ્ટિકોણ બદલાયા હોવાથી માનવમાનવ વચ્ચેના, સ્ત્રીપુરુષ વચ્ચેના, માનવી અને સમાજ વચ્ચેના, ઈશ્વર અને માનવી વચ્ચેના સંબંધોમાં તથા જીવનમૂલ્યોમાં પણ આમૂલ પરિવર્તન આવતાં માનવજીવન વધારે સંકુલ બન્યું છે. તેથી નાયકની બાહ્ય ચેતના કરતાં તેની આંતરિક ચેતનામાં ડોકિયું કરતાં તેનું સમગ્ર જીવન કેવું દોલાયમાન થાય છે. તે સર્જકે દાર્શનિક ભૂમિકા થકી બતાવવાનો હાર્દિક પ્રયત્ન કર્યો છે.

કથાસાહિત્યના અનેક સ્વરૂપો કરતાં લઘુનવલનું સ્વરૂપ વધારે લોકભોગ્ય હોવાથી તેને પસંદ કરી મહત્ત્વની લઘુનવલોનો ખૂબ જ ઊંડાણપૂર્વક અહીં અભ્યાસ કર્યો છે. લઘુનવલના કેન્દ્રસ્થ પાત્ર નાયકને ધ્યાનમાં રાખીને તેના જીવનની એકાદ સંકુલતાભરી સંવેદના, સમસ્યા કે દૃષ્ટિબિંદુને ઉઠાવ આપવા માટે નાયકના આંતરબાહ્ય લક્ષણોને કેન્દ્રમાં રાખીને સર્જકે અભ્યાસ કર્યો છે. વર્તમાન માનવજીવનને કેન્દ્રમાં રાખી નાયકોના વિવિધ પ્રકારો દ્વારા સર્જકે માણસ કેવા પ્રકારનો જીવન સંઘર્ષ અનુભવે છે તેનો દાર્શનિક ભૂમિકા થછી અભ્યાસ રજૂ કર્યો છે. સર્જકે નાયકની માનવીય સંવેદનાઓ, લાગણીઓ, વેદના, સમસ્યા અને સારાનરસા વિવિધ પાસાઓને કેન્દ્રમાં રાખી તેના લક્ષણોને આધારે અહીં વિવિધ પ્રકારો પાડી બતાવવાનો પ્રયત્ન કર્યો છે.

પ્રસ્તુત પુસ્તકમાં લેખકે માનવ મનની વૃત્તિઓ અને તેના ભાવ સંવેદનને ગહનતાથી અભિવ્યક્ત કરવાનો ઉમદા પ્રયત્ન કર્યો છે. તેમણે વર્તમાન માનવની અધ્યાત્મમૂલક, ભાવનામૂલક, અસ્તિત્વમૂલક, ઉત્પત્તિમૂલક, માન્યતામૂલક સમસ્યાઓ કે પછી પોતાના વ્યક્તિત્વ સ્થાપન માટે પ્રયત્ન કરતા નાયકને દાર્શનિક ભૂમિકા થકી કેવો સંઘર્ષ અનુભવે છે તે બતાવવાનો પ્રયત્ન કર્યો છે. વર્તમાન નાયકો પોતાના જીવનમાં સામાજીક, આર્થિક, ધાર્મિક, કે જીવનસંબંધિત, અનેકવિધ સમસ્યાઓમાં સપડાયેલા હોવાથી બહાર આવવા માટે કેવા પ્રયત્નો કરે છે તે બતાવ્યું છે. માનવી જીવે ત્યાં સુધી જીવનમાં કંઈક ને કંઈક પ્રાપ્ત કરવા માટે મથામણ કરતો જ હોય છે. પરંતુ તેની બધી ઈચ્છાઓ ફળીભૂત થાય તેવું શક્ય હોતું નથી. પરંતુ જ્યારે તેને નિષ્ફળતા પ્રાપ્ત થાય છે ત્યારે તે કેવી આંતરિક પીડા અનુભવે છે તે અંગેનો વિવિધ કૃતિઓના નાયકોના આંતરબાહ્ય લક્ષણોને કેન્દ્રમાં રાખી અભ્યાસ કરવામાં આવ્યો છે, તે ખૂબ પ્રશંસનીય છે. સર્જકની કાર્યદક્ષતા અને કર્મનિષ્ઠા જોતા હજુ પણ તેમની પાસેથી વધારે સારા પુસ્તકો પ્રાપ્ત થાય તેમ મને લાગે છે. તેઓ એક આદર્શ શિક્ષક હોવાની સાથે સાથે સારા અભ્યાસી પણ છે. તે ભવિષ્યમાં ગુજરાતી સાહિત્ય જગતને પોતાની સાહિત્યિક પ્રતિભાને કારણે ઉત્તમ પુસ્તકો પ્રદાન કરશે. તેવો મને સંપૂર્ણ વિશ્વાસ છે.

ગુજરાતી સાહિત્ય પ્રત્યેની કોઠાસૂઝ અને લગાવ ધરાવતા અમારી શાળાના શિક્ષક ડૉ. કમલેશ પટેલ વિદ્યાર્થીઓના જીવન ઘડતર માટે પણ હંમેશાં પ્રયત્નશીલ રહે છે. તેઓ ગુજરાતભરમાં નામના ધરાવતી શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ સંચાલિત ડી. ઝેડ. પટેલ હાયર સેકન્ડરી સ્કૂલના વિજ્ઞાન પ્રવાહમાં છેલ્લા દાયકાથી કર્મયોગી બની શૈક્ષણિક કાર્ય ખૂબ જ નિષ્ઠાપૂર્વક કરે છે. તેમના આ પ્રશંસનીય પ્રયાસ માટે તેમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું.

ડૉ. મહેશભાઈ જી. પટેલ

કૉ. ઓર્ડિનેટરશ્રી

શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ,

આણંદ સંકુલ

નિવેદન

કિશોરકાળથી કથાસાહિત્યમાં વધારે રસ હોવાને કારણે વિવિધ સ્વરૂપો કરતાં લઘુનવલનું સ્વરૂપ વધારે લાઘવયુક્ત લાગતાં તેના વિશે વધારે ઊંડાણ પૂર્વક અભ્યાસ કરવાના આશયથીં પસંદગીની કૃતિઓનો અભ્યાસ કર્યો છે. તેમાં નાયકની દાર્શનિક ભૂમિકાને કેન્દ્રમાં રાખી તેના આંતરબાહ્ય વ્યક્તિત્વના ઘડતરમાં સામાજિક પરિબળો કેવો ભાગ ભજવે છે અને તેના વ્યક્તિત્વનાં આંતરબાહ્ય લક્ષણોનો માનવજીવન પર કેવો પ્રભાવ પડે છે, તે જાણવા અને સમજવાનો અહીં પ્રયત્ન કર્યો છે.

વર્તમાન સમયમાં માનવજીવનની વિવિધ સમસ્યાઓને સર્જકો સાહિત્યના માધ્યમથી રજૂ કરતા હોય છે. દરેક યુગનો સર્જક પોતાની આસપાસના માનવજીવનને અને સામાજિક વાતાવરણને કેન્દ્રમાં રાખીને સાહિત્યકૃતિનું નિર્માણ કરતો હોય છે. પ્રત્યેક યુગના વિવિધ પ્રશ્નોનું જયાં સુધી સંપૂર્ણ નિરાકરણ ન આવે ત્યાં લગી તે પ્રશ્નોના ઉકેલ માટે સતત પ્રયત્નો થતા જ રહે છે. આમ, અસ્તિત્વપરક મૂલ્યોને પામવા, તેનું રક્ષણ અને સ્થાપન કરવું તે જ આ યુગના માનવનો પ્રાણપ્રશ્ન છે. તેને માટે સમાજ કે ધર્મવ્યવસ્થા અંતિમ નથી. પરંતુ તેની પાસે આગવું વૈયક્તિક દર્શન હોવાથી તેણે સ્વનિર્માણ અને સ્વનિયતિના હક્કને પ્રસ્થાપિત કરવા પ્રયત્નો કર્યા છે. તેમાં તેને સફળતા કરતાં નિષ્ફળતા વધારે પ્રાપ્ત થઈ છે. છતાં માનવની અનેકવિધ સમસ્યાઓ જેવી કે અધ્યાત્મમૂલક, ભાવનામૂલક, અસ્તિત્વમૂલક, ઉત્પત્તિમૂલક, વિવિધ માન્યતાઓ સંદર્ભે કે પછી પોતાના વ્યક્તિત્વસ્થાપન માટે નાયક સતત સંઘર્ષ કરતો જોવા મળે છે. આ નાયકો પરંપરાગત દાર્શનિક પીઠિકાથી સભાન હોવા છતાં પોતાના અસ્તિત્વને પામવા માટે તે વૈયક્તિક દાર્શનિક પીઠિકાએ કેવા પ્રયત્નો કરતા હોય છે. તે વિવિધ લઘુનવલોના નાયકોનાં આંતરબાહ્ય વ્યક્તિત્વ અને તેમનાં લક્ષણો દ્વારા બતાવવાનો અહીં પ્રયત્ન કર્યો છે. તેથી આ વિવેચન સાહિત્યના અભ્યાસીઓને ઉપયોગી બની રહે તેવી આશા સાથે પ્રકાશિત કરી રહ્યો છું.

ીએચ.ડી.ના સંશોધન સંદર્ભે અનેક સમસ્યાઓ ઉદ્‌ભવેલી ત્યારે મારાં માર્ગદર્શકશ્રી નિાકિનીબેન ંડ્યાએ યોગ્ય માર્ગદર્શન આપીને મારી સાહિત્યિક પ્રતિભાને બહાર લાવવામાં ખૂબ મોટો ફાળો આપ્યો છે. તેઓ બહુમુખી પ્રતિભા ધરાવતાં હોવાથી મારી દરેક મુશ્કેલીઓને સરળતાથી ઉકેલી આપતાં હોવાથી તેમનો સહહૃદયતાથી આભાર માનું છું

મને પુસ્તક પ્રકાશિત કરવા માટે સદાય પ્રોત્સાહન પૂરું પાડનાર પરમ આદરણીય સ્વ.પ્રા.કે.બી.પટેલ સાહેબ, સાહિત્યિક વડીલ મિત્રો એસ.કે.ઉપાધ્યાય, ડૉ.માનસિંહ ચૌધરી, ડૉ. હેમંત દવે, ડૉ.દિનેશ ચૌધરી અને ડૉ.પંકજ સુવેરાનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું.

મારા આ પુસ્તક માટે મને સમયસર સહર્ષ આવકાર લખી આપનાર પરમ આદરણી એવા ડૉ. નરેશ વેદ સાહેબ અને સુંદર પ્રસ્તાવના લખી આપનાર બાબુ દાવલપુરા સાહેબનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું.

મને સદાય સાહિત્ય સર્જન માટે પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડનાર સાહિત્યિક વડીલ મિત્ર એવા પ્રો.સી.વી.મહેતા સાહેબ અને મારી સંસ્થાના કૉ. ઓર્ડિનેટરશ્રી ડૉ. મહેશભાઈ જી. પટેલ સાહેબ સતત સમાજ સેવાના અને અન્ય કાર્યોમાં વ્યસ્ત હોવા છતાં મારા આ કાર્યને બિરદાવી સુંદર આશીર્વચન પાઠવ્યાં તે બદલ તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું.

મારા આ કાર્યમાં સદાય મને પ્રોત્સાહિત કરનાર ડૉ. ચન્દ્રકાન્ત શેઠ, ડૉ. એમ. સી. પટેલ, ડૉ. મણીલાલ હ. પટેલ, પ્રિ. કે. એસ. પટેલ, ડૉ. શરદભાઈ પટેલ, પ્રિ.આર.વી.પટેલ અને મારી સંસ્થાના આચાર્યશ્રી રાજેશભાઈ કાછીયા, સ્ટાફ મિત્રો તથા પ્રત્યક્ષ કે પરોક્ષ સહકાર પૂરો પાડનાર સર્વનો આભાર માનું છું.

મારા પરિવારનો અને ખાસ કરી મારી ધર્મપત્ની નિતલે બાળકોને સાચવવાની સઘળી જવાબદારી પોતે ઉપાડી લઈ મને મુક્તતાથી કાર્ય કરવા માટે સદાય સાથ અને સહકાર પૂરો પાડતી હોવાથી હું આ પુસ્તકને સમયસર પૂરું કરી શક્યો એ બદલ તેનો સહૃદયતાથી આભાર માનું છું.

આ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમીના આર્થિક ટેકાની સાભાર નોંધ તો અવશ્ય લેવી જ પડે. એ માટે અકાદમીના મહામાત્ર અને પદાધિકારીઓનો પણ ઋણ સ્વીકાર કરું છું.

મારા આ પુસ્તકને સમયસર ટાઈપ કરી આપનાર મિત્ર ટિંકેશ અને મુદ્રણકાર્ય કરી આપનાર અર્પણ પ્રિન્ટિંગ પ્રેસ તથા વિતરણની સહર્ષ જવાબદારી સ્વીકારનાર એમ. એમ. સાહિત્ય પ્રકાશનના શ્રી યાકુબભાઈ મલેકનો અને પાર્શ્વ પ્રકાશનના બાબુભાઈ શાહનો આભાર માનું છું.

મારું આ વિવેચનનું દ્વિતીય પુસ્તક પ્રકાશિત કરતાં હું આનંદ અને હર્ષની લાગણી અનુભવું છું. મારી આ સાહિત્યક્ષેત્રે શરૂઆત હોવાથી કોઈ ત્રિુટ રહી ગઈ હોય તો ક્ષમ્ય ગણશો.

ર૬/૦૯/૨૦૧૨ ડૉ. કમલેશ કે. ૫ટેલ

ડી. ઝેડ. પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ, આણંદ

અનુક્રમણિકા

૧. ગુજરાતી લઘુનવલમાં દાર્શનિક પીઠિકાસમસ્યા ધરાવતા : નાયક

૧. ભૂમિકા

૨. અધ્યાત્મમૂલક દાર્શનિક પીઠિકાસમસ્યા ધરાવતા નાયક

૩. ભાવનામૂલક દાર્શનિક પીઠિકાસમસ્યા ધરાવતા નાયક

૪. અસ્તિત્વમૂલક દાર્શનિક પીઠિકાસમસ્યા ધરાવતા નાયક

૫. ઉત્પત્તિમૂલક દાર્શનિક પીઠિકાસમસ્યા ધરાવતા નાયક

૬. માન્યતા સંદર્ભે દાર્શનિક પીઠિકાસમસ્યા ધરાવતા નાયક

૭. વ્યક્તિત્વ સ્થાપન સંદર્ભે દાર્શનિક પીઠિકાસમસ્યા ધરાવતા નાયક

૮. ઉપસંહાર

૨. પરિશિષ્ટ

૧. પાદટીપ

૨. ગ્રંથસૂચિ

૩. સંદર્ભસૂચિ