ખાલી આકાશ - એક અવાજ જે ગૂંજતો રહ્યો Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખાલી આકાશ - એક અવાજ જે ગૂંજતો રહ્યો

પ્રકરણ ૩
ભૂખ અને અપમાન

સવારનો સૂર્ય મુંબઈના પ્રદૂષિત આકાશમાં દેખાયો ખરો, પણ કુર્લાની એ સાંકડી ગલીઓમાં તો તે માત્ર ઉકળાટ, ભેજ અને અજંપો જ લઈને આવ્યો. 

આર્યન સવારે મોડો જાગ્યો. તેની આંખો ભારે હતી અને માથું જાણે કોઈ લોખંડના હથોડાથી પીટાતું હોય તેમ ફાટફાટ થતું હતું. મોડા જાગવાનું કારણ કોઈ આળસ નહોતી, પણ જાગ્યા પછી જે વરવી હકીકતોનો સામનો કરવાનો હતો, તેનાથી બચવાનો આ તેનો એક છેલ્લો અને લાચાર પ્રયાસ હતો.

પેટમાં એક વિચિત્ર પ્રકારની બળતરા થતી હતી. એ ભૂખ હતી, જે છેલ્લા ચોવીસ કલાકથી તેના અસ્તિત્વને ધીમે ધીમે કોરી ખાતી હતી. તે ઊભો થયો અને ટેબલ પર પડેલા સ્ટીલના જૂના ડબ્બાને તપાસ્યો. ડબ્બો ખોલતા જ અંદરથી માત્ર ખાલીપો અને વાસી હવાની ગંધ બહાર આવી. તળિયે માત્ર થોડી ખાંડ અને ચાની પત્તી પડી હતી. દૂધ કે બિસ્કિટ લેવાના પૈસા તો ક્યારનાય મુંબઈની મોંઘવારીમાં ઓગળી ગયા હતા.
તેણે નળ ચાલુ કર્યો. કાટવાળા નળમાંથી આવતું ગરમ અને સહેજ ડોળું પાણી તેણે ગ્લાસ ભરીને પીધું. તેણે પોતાની ભૂખને છેતરવાનો પ્રયત્ન કર્યો, પણ પાણીથી માત્ર તરસ છીપાય છે. મન નથી ભરાતું. તેણે ખિસ્સામાં હાથ નાખ્યો અને હથેળીમાં રહેલા એ સિક્કાઓ બહાર કાઢ્યા.

"એક... બે... પાંચ... અને આ બે રૂપિયાના બે સિક્કા! સાત રૂપિયા!!" તે સ્વગત બબડ્યો.

તે એકલો જ રૂમમાં અટ્ટહાસ્ય કરી બેઠો. મુંબઈ જેવા માયાનગરમાં સાત રૂપિયામાં સન્માન તો ઠીક, એક સાદું વડાપાઉં પણ ન મળે. આ સાત રૂપિયા તેની ૨૬ વર્ષની જિંદગીની મિરાત હતી.

તે રૂમની બહાર નીકળ્યો. સીડીઓ ઉતરતા જ પડોશમાં રહેતા શુક્લાજી સાથે તેની નજર મળી. શુક્લાજી નિવૃત્ત સરકારી કર્મચારી હતા અને આખી ચાલીમાં પંચાત કરવા માટે જાણીતા હતા. તે હાથમાં છાપું અને મોઢામાં ઈલાયચી દબાવીને બેઠા હતા. આર્યનને જોતા જ તેમણે ચશ્મા નાક પરથી નીચે ઉતાર્યા.

"કેમ આર્યન બાબુ? આજે પણ ઓફિસ નથી જવાનું? કે પછી આજે પણ રવિવાર છે એવું માનીને બેઠા છો?" શુક્લાજીએ કટાક્ષમાં પૂછ્યું.

આર્યને જવાબ આપવાને બદલે નીચું જોઈને ચાલવાનું ચાલુ રાખ્યું, પણ શુક્લાજીનો અવાજ તેની પાછળ ચાલતો રહ્યો.

"અરે ભાઈ, સાંભળો તો ખરા! અત્યારના જમાનામાં આમ ઘરે ભરાઈ રહેવાથી કંઈ નથી મળતું. મારો દીકરો જો! કેનેડામાં ડોલર છાપે છે. ગઈકાલે જ ફોટો મોકલ્યો. એણે નવી ગાડી લીધી છે. ભણવામાં થોડી મહેનત કરી હોત, તો આજે તારે આ કુર્લાની ગલીઓમાં પરસેવો ન પાડવો પડત. હવે તો આ ઉંમરે ઘરેથી પૈસા મંગાવતા પણ શરમ આવવી જોઈએ, ખરું ને?"

આ શબ્દો આર્યનના કાનમાં ગરમ સીસાની જેમ ઉતર્યા. તેને ઈચ્છા થઈ કે પલટીને કહી દે, "શુક્લાજી, તમારા દીકરાને નસીબે સાથ આપ્યો છે, મને મહેનતે દગો દીધો છે." પણ તેના ગળામાં ભૂખનો સોષ પડ્યો હતો. 

અપમાન જ્યારે રોજિંદું બની જાય, ત્યારે માણસની સહનશક્તિ કાં તો પથ્થર જેવી બની જાય છે અથવા કાચની જેમ તૂટી જાય છે. આર્યન અત્યારે એ બંને વચ્ચેની નાજુક સ્થિતિમાં હતો. તે ઝડપથી ગલીની બહાર નીકળી ગયો.

તે ચાલતો રહ્યો અને છેવટે સ્ટેશન પાસેના એક જૂના બસ સ્ટોપના બાંકડા પર બેસી ગયો. સામે રસ્તા પર મુંબઈની રફ્તાર દોડી રહી હતી. કિંમતી ગાડીઓ, જેમના કાચની અંદર બેઠેલા લોકો એસીની ઠંડકમાં હસતા-મોજ કરતા દેખાતા હતા.

"શું આ એ જ પૃથ્વી છે જ્યાં હું રહું છું?" તેણે આકાશ તરફ જોઈને પૂછ્યું. "એક તરફ હજારો કરોડોના બંગલા છે અને બીજી તરફ મારા જેવો એક યુવાન પંદર રૂપિયાનું વડાપાઉં ખરીદવા માટે પણ અસમર્થ છે! આટલો બધો અન્યાય કેમ?"

બપોરના બે વાગ્યા હતા. તડકો હવે ચામડી બાળી રહ્યો હતો અને ભૂખ અસહ્ય બની ગઈ હતી. આર્યનને આંખે અંધારા આવવા લાગ્યા. આત્મસન્માનની મોટી મોટી વાતો પુસ્તકોમાં વાંચવી ગમે, પણ જ્યારે પેટ ખાલી હોય ત્યારે એ બધી વાતો નિરર્થક લાગે છે. તે પોતાની ઓળખાણની એક કરિયાણાની દુકાને ગયો. મનમાં વિચાર્યું કે, પચાસ રૂપિયા ઉધાર માંગશે, તો બે દિવસનું જમવાનું નીકળી જશે.

પરંતુ જેવો તે દુકાન પાસે પહોંચ્યો તો તેણે જોયું કે, દુકાનદાર હસમુખભાઈ કોઈ બીજા ગ્રાહક સાથે વાત કરી રહ્યા હતા. હસમુખભાઈએ આર્યન તરફ આંગળી ચીંધીને ધીમેથી કંઈક કહ્યું અને એ બંને ખડખડાટ હસવા લાગ્યા. આર્યનને લાગ્યું કે, તેની ગરીબી, તેના ફાટેલા કોલર અને તેની લાચારીનો જાહેરમાં તમાશો બની રહ્યો છે.

"આ પેલો જ છે ને, જે રોજ લેવા આવે છે પણ પૈસા આપવામાં ઠાગાઠૈયા કરે છે?" ગ્રાહકનો અવાજ આર્યન સુધી પહોંચ્યો.

તેના પગ થંભી ગયા. ઉધાર માંગવા માટે લંબાવેલી હથેળી આપોઆપ મુઠ્ઠીમાં બદલાઈ ગઈ. તે ત્યાંથી કંઈપણ બોલ્યા વગર જ પાછો વળી ગયો.

"ના, ભીખ તો નહીં જ માંગુ," તેણે દાંત ભીંસીને મનોમન નક્કી કર્યું.

પણ નિયતિને કદાચ તેની વધુ કસોટી લેવી હતી. એ જ ક્ષણે તેની સામેથી એક નાનકડો છોકરો ગરમાગરમ સમોસા ખાતો પસાર થયો. એ તળેલા સમોસાની સુગંધ હવામાં ભળી અને આર્યનના પેટમાં ફાળ પડી.

તેને લાગ્યું કે, તે કાયર છે! તે લાચાર છે! આ શહેર તેને કંઈ જ આપવા તૈયાર નથી! અહીં રહેવું એટલે તિલ-તિલ મરવું!

સાંજે તે થાકેલા પગલે પાછો ચાલીમાં આવ્યો ત્યારે પરિસ્થિતિ વધુ ગંભીર હતી. તેના મકાનમાલિક, ખન્ના શેઠ, તેની રૂમની બહાર જ બીજા બે-ત્રણ ભાડૂતો સાથે ઉભા હતા.

"આર્યન! ક્યાં હતો આખો દિવસ?" ખન્ના શેઠે ગર્જના કરી.

"શેઠ, એ તો જરા કામથી..." આર્યનનો અવાજ સાવ ક્ષીણ હતો.

"કામ? કેવું કામ? તારું કામ તો રખડવાનું છે! આ ત્રીજો મહિનો બેઠો છે. તે એક રૂપિયો પણ આપ્યો નથી. તને શું લાગે છે, હું અહીં અનાથાલય ચલાવું છું?"

"શેઠ, પ્લીઝ... આવતા અઠવાડિયે ચોક્કસ ગોઠવણ થઈ જશે."

"ચોક્કસ?!! તારા આ શબ્દ પર હવે કોઈને વિશ્વાસ નથી. જો કાલે સવાર સુધીમાં ભાડું નહીં મળે, તો તારો આ કચરો બહાર ફેંકી દઈશ અને રૂમને મોટું તાળું મારી દઈશ. આ મારો છેલ્લો ઈશારો છે, સમજી ગયો?"

આજુબાજુના લોકોએ સહાનુભૂતિ બતાવવાને બદલે શરમના ડરે પોતાની બારીઓ બંધ કરી દીધી. આર્યન મૌન રહ્યો. તેની પાસે કહેવા માટે ન તો કોઈ દલીલ હતી, ન તો કોઈ ખાતરી.

તે પોતાની અંધારી ખોલીમાં ભરાઈ ગયો. અંદર જઈને તેણે ધ્રૂજતા હાથે દરવાજો બંધ કર્યો અને અંધારામાં જ ખૂણામાં બેસી ગયો. તેની અંદર હવે લાઈટ ચાલુ કરવાની પણ હિંમત બચી નહોતી. કારણ કે, પ્રકાશમાં તેને પોતાની લાચારી વધુ સ્પષ્ટ દેખાતી હતી. તેને એ પળ યાદ આવી જ્યારે તે નાનો હતો અને તેના ગામડે તેની માતા તેને આગ્રહ કરી કરીને જમાડતી હતી. 'બેટા! હજી એક રોટલી લઈ લે', 'બેટા!  ભૂખ્યા ન રહેવાય!' એ અવાજો અત્યારે તેના કાનમાં હથોડાની જેમ વાગતા હતા.

જ્યારે તમારી પાસે પહેરવા માટે જૂતા ન હોય ત્યારે દુનિયા તમારા પગ જોવે છે, પણ જ્યારે તમારી પાસે ઉભા રહેવા માટે જમીન જ ન હોય ત્યારે આખી દુનિયા તમને જોવાની જ બંધ કરી દે છે. આર્યન માટે હવે આખું જગત અદ્રશ્ય થઈ ગયું હતું.

રાત્રે ફરી વરસાદ શરૂ થયો. છત પરથી પાણી ટપકવાનો એ જૂનો અવાજ ફરી શરૂ થયો. ટપ... ટપ... ટપ... પણ આજે એ અવાજ તેને સંગીત નહીં, પણ આખા મુંબઈનો કટાક્ષ લાગતો હતો. આ અપમાન..!! આ ભૂખ...!! અને આ નિરંતર મળતી નિષ્ફળતાની ત્રિવેણીએ આર્યનને એક એવા અંતિમ નિર્ણય તરફ ધકેલી દીધો હતો, જેની કલ્પના તેણે ક્યારેય સ્વપ્ને પણ કરી નહોતી.

તેણે ટેબલ પર પડેલી પેન ઉઠાવી. કાગળ પર પહેલો શબ્દ લખ્યો: "અંત..!!"