Featured Books
શ્રેણી
શેયર કરો

લાલ રંગનું રહસ્ય - ૧ - લાલ રંગનું રહસ્ય

લાલ રંગનું રહસ્ય

( A study in Scarlate નો ગુજરાતી અનુવાદ )

લેખક : આર્થર કોનન ડોયલ

ભાગ ૧

પ્રકરણ ૧: શ્રીમાન શર્લોક હોમ્સ
પ્રકરણ ૨: અનુમાનનું વિજ્ઞાન
પ્રકરણ ૩: લૉરિસ્ટન ગાર્ડન્સનું રહસ્ય
પ્રકરણ ૪: જ્હોન રેન્સ પાસે શું કહેવા જેવું હતું
પ્રકરણ ૫: આપણી જાહેરાતથી એક મુલાકાતી ખેંચાઈ આવે છે
પ્રકરણ ૬: ટોબિયાસ ગ્રેગસન પોતાની કુશળતા બતાવે છે
પ્રકરણ ૭: અંધકારમાં પ્રકાશ

ભાગ ૨: સંતોનો પ્રદેશ

પ્રકરણ ૧: વિશાળ ક્ષારીય મેદાન પર
પ્રકરણ ૨: યુટાહનું ફૂલ
પ્રકરણ ૩: જ્હોન ફેરિયરની પયગંબર સાથેની વાતચીત
પ્રકરણ ૪: જીવન માટેની દોડ
પ્રકરણ ૫: બદલો લેનારા દેવદૂતો
પ્રકરણ ૬: ડૉ. જ્હોન વાટસનની યાદોનો ક્રમશઃ આગળનો ભાગ
પ્રકરણ ૭: નિષ્કર્ષ (અંત)

•••

ભાગ ૧

( ડૉ. જ્હોન એચ. વાટસનની યાદોમાંથી લીધેલો એક અંશ, જેઓ આર્મી મેડિકલ ડિપાર્ટમેન્ટમાં રહી ચૂક્યા છે. )

પ્રકરણ ૧

શ્રીમાન શર્લોક હોમ્સ

૧૮૭૮માં મેં લંડન યુનિવર્સિટીમાંથી ડૉક્ટર ઓફ મેડિસિન (M.D.) ની ડિગ્રી મેળવી અને લશ્કરમાં સર્જન બનવા માટે જરૂરી તાલીમ લેવા નેટલી ગયો. ત્યાં અભ્યાસ પૂરો કર્યા પછી, મારી નિયુક્તિ 'ફિફ્થ નોર્થમ્બરલેન્ડ ફ્યુસિલિયર્સ' (Fifth Northumberland Fusiliers) રેજિમેન્ટ માં આસિસ્ટન્ટ સર્જન તરીકે થઈ. તે સમયે મારી આ રેજિમેન્ટ ભારતમા તૈનાત હતી, અને હું ત્યાં પહોંચું તે પહેલાં જ બીજી અફઘાન લડાઈ શરૂ થઈ ગઈ હતી. બોમ્બે (મુંબઈ) ઉતર્યા પછી મને જાણ થઈ કે મારી ટુકડી દુશ્મનાવટવાળા પ્રદેશમાં આગળ વધી ચૂકી છે. મારા જેવા જ બીજા કેટલાક અધિકારીઓ સાથે હું પણ પાછળ ગયો અને હેમખેમ કંદહાર પહોંચી ગયો, જ્યાં મને મારી રેજિમેન્ટ મળી ગઈ અને મેં તરત જ મારી નવી જવાબદારી સંભાળી લીધી.

આ યુદ્ધે ઘણા લોકોને માન અને બઢતી અપાવી, પણ મારા માટે તે દુર્ભાગ્ય અને આપત્તિઓ સિવાય કશું ન લાવ્યું. મને મારી બ્રિગેડમાંથી હટાવીને 'બર્કશાયર્સ' (Berkshires) સાથે જોડવામાં આવ્યો, જેની સાથે રહીને મેં મેવાડની લોહિયાળ લડાઈમાં સેવા આપી હતી. ત્યાં મારા ખભા પર એક જેઝાઈલ (દેશી રાઈફલ) ની ગોળી વાગી, જેનાથી હાડકું ભાંગી ગયું અને સબક્લેવિયન ધમની છોલાઈ ગઈ. જો મારા વફાદાર ઓર્ડરલી મુરેએ હિંમત અને સૂઝબૂઝ દાખવીને મને ઘોડા પર નાખીને બ્રિટિશ છાવણી સુધી સુરક્ષિત ન પહોંચાડ્યો હોત, તો હું નક્કી જ ઘાતકી ગાઝીઓના હાથમાં પકડાઈ ગયો હોત.

દર્દથી બેહાલ અને લાંબા સંઘર્ષોથી શારીરિક રીતે તૂટી ગયેલો હું, ઘાયલોના મોટા કાફલા સાથે પેશાવરની બેઝ હોસ્પિટલમાં પહોંચ્યો. ત્યાં મારી તબિયતમાં થોડો સુધારો થયો અને હું વોર્ડમાં ચાલવા તથા વરંડામાં રોકાય તડકો ખાવા લાયક થયો, એટલામાં જ હું 'એન્ટરિક ફીવર' (આંતરડાના તાવ)ની ઝપેટમાં આવી ગયો, જે આપણા ભારતીય પ્રદેશોનો મોટો અભિશાપ છે. મહિનાઓ સુધી મારા બચવાની કોઈ આશા નહોતી, અને જ્યારે આખરે હું ભાનમાં આવ્યો અને સાજો થવા લાગ્યો, ત્યારે હું એટલો બધો નબળો અને હાડપિંજર જેવો થઈ ગયો હતો કે મેડિકલ બોર્ડને નક્કી કરવું પડ્યું કે મને એક પણ દિવસ ગુમાવ્યા વગર તાત્કાલિક ઇંગ્લેન્ડ પાછો મોકલી દેવો જોઈએ. પરિણામે, મને 'ઓરોન્ટ્સ' નામના સૈનિક જહાજમાં રવાના કરવામાં આવ્યો, અને એક મહિના પછી પોર્ટસમાઉથના જેટી પર હું આવી પહોંચ્યો. મારું સ્વાસ્થ્ય પૂરેપૂરું બગડી ગયું હતું, પણ ઉદાર સરકારે મને આગામી નવ મહિના સ્વાસ્થ્ય સુધારવા માટે છૂટ આપી હતી.

ઇંગ્લેન્ડમાં મારા નામ માત્રના પણ કોઈ સગાંસંબંધી નહોતા, એટલે હું પવનની જેમ એકદમ મુક્ત હતો—અથવા એમ કહી શકાય કે એક દિવસના અગિયાર શિલિંગ અને છ પેન્સની આવક ધરાવનાર માણસ જેટલો મુક્ત હોઈ શકે. આવી પરિસ્થિતિમાં, હું સ્વાભાવિક રીતે જ લંડન તરફ ખેંચાયો, જે સામ્રાજ્યના તમામ નવરા અને બેકાર લોકો માટે એક મોટો કચરાપેટી સમાન ખાડો છે, જ્યાં સૌ કોઈ ખેંચાઈ આવે છે. ત્યાં હું સ્ટ્રેન્ડ વિસ્તારની એક પ્રાઇવેટ હોટલમાં થોડો સમય રહ્યો, અને એકદમ બેકાર, અર્થહીન જીવન જીવતો હતો. મારી પાસે જે પૈસા હતા તે પણ જરૂર કરતાં વધુ છૂટથી વાપરવા લાગ્યો. મારી આર્થિક સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે મને જલ્દી જ અહેસાસ થઈ ગયો કે કાં તો મારે આ મહાનગર છોડીને કોઈ ગ્રામ્ય વિસ્તારમાં જતા રહેવું પડશે અથવા મારી જીવનશૈલીમાં મોટો ફેરફાર કરવો પડશે. બીજો વિકલ્પ પસંદ કરીને, મેં હોટલ છોડીને કોઈ સસ્તી જગ્યાએ રહેવા જવાનું મન બનાવી લીધું.

મેં આ નિર્ણય કર્યો તે જ દિવસે, હું ક્રાઇટેરિયન બાર પર ઊભો હતો, ત્યારે કોઈએ મારા ખભા પર થાપ મારી. પાછળ ફરીને જોયું તો મારા Barts (બાર્ટ્સ હોસ્પિટલ) ના દિવસોનો જૂનો ઓળખીતો યંગ સ્ટેમફોર્ડ નજરે પડ્યો. લંડન જેવા વિશાળ જંગલમાં કોઈ પરિચિત ચહેરો મળી જવો એ એકલવાયા માણસ માટે ખૂબ જ આનંદની વાત છે. જૂના દિવસોમાં સ્ટેમફોર્ડ મારો કોઈ ખાસ મિત્ર નહોતો, પણ આ વખતે મેં ઉત્સાહથી તેનું સ્વાગત કર્યું અને તે પણ મને જોઈને ખૂબ જ ખુશ થયો. ખુશીના માર્યા મેં તેને હોબોર્ન (Holborn) માં મારી સાથે લંચ લેવા માટે આમંત્રિત કર્યો અને અમે બંને એક ઘોડાગાડીમાં બેસીને નીકળી ગયા.

"વાટસન, તું આ શું હાલત બનાવી બેઠો છે?" ભીડભાડવાળી લંડનની સડકો પર ગાડી દોડતી હતી ત્યારે તેણે આશ્ચર્યથી પૂછ્યું, "તું તો સાવ લાકડા જેવો સૂકાઈ ગયો છે અને ત્વચા પણ તડકામાં તપીને એકદમ કાળી પડી ગઈ છે."

અમે અમારી મંઝિલ પર પહોંચ્યા ત્યાં સુધીમાં મેં મારી આપવીતી ટૂંકમાં તેને કહી દીધી.

મારી મુસીબતો સાંભળીને તેણે સહાનુભૂતિથી કહ્યું, "અરે બિચારા! તો હવે આગળ શું વિચાર છે?"

મેં જવાબ આપ્યો, "રહેવા માટે કોઈ જગ્યા શોધી રહ્યો છું. આ કોયડો ઉકેલવાનો પ્રયત્ન કરું છું કે યોગ્ય ભાડામાં આરામદાયક રૂમ મળી શકે કે નહીં."

મારા સાથીએ કહ્યું, "એ તો અજીબ યોગાનુયોગ છે; આજે તું બીજો માણસ છે જેણે આ જ વાત કરી છે."

મેં પૂછ્યું, "અને પેલો પહેલો માણસ કોણ હતો?"

"એક ભાઈ છે જે હોસ્પિટલની કેમિકલ લેબોરેટરીમાં કામ કરે છે. આજે સવારે તે બળાપો કાઢતો હતો કે તેને કોઈ એવો સાથી નથી મળી રહ્યો જે તેની સાથે મળીને સરસ રૂમનું ભાડું અડધું અડધું વહેંચી શકે, કારણ કે એ રૂમ તેના બજેટ કરતા મોંઘા છે."

મેં ઉત્સાહથી કહ્યું, "અરે વાહ! જો તેને ખરેખર કોઈ એવો માણસ જોઈએ છે જે રૂમ અને ખર્ચ બંને વહેંચી શકે, તો હું તેના માટે એકદમ યોગ્ય વ્યક્તિ છું. એકલા રહેવા કરતાં કોઈની સાથે ભાગીદારીમાં રહેવાનું મને વધુ ગમશે."

યંગ સ્ટેમફોર્ડે તેના વાઇનના ગ્લાસ પાછળથી મારી સામે થોડી વિચિત્ર નજરે જોયું. તેણે કહ્યું, "તમે હજી શર્લોક હોમ્સને ઓળખતા નથી; કદાચ કાયમી સાથી તરીકે તમને તે ન પણ ગમે."

"કેમ, તેનામાં શું ખામી છે?"

"ઓહ, મેં એવું નથી કહ્યું કે તેનામાં કોઈ ખામી છે. તેના વિચારો થોડા અલગ છે—વિજ્ઞાનની કેટલીક શાખાઓમાં તે પાગલ જેવો રસ લે છે. જ્યાં સુધી હું જાણું છું, તે એક સારો ભલો માણસ છે."

મેં પૂછ્યું, "કોઈ મેડિકલનો વિદ્યાર્થી લાગે છે?"

"ના—તે કઈ લાઇન પકડવા માંગે છે તેની મને કોઈ ખબર નથી. હું માનું છું કે તેને એનાટોમી (શરીરરચના) નું સારું એવું જ્ઞાન છે અને તે અવ્વલ દરજ્જાનો રસાયણશાસ્ત્રી (કેમિસ્ટ) છે; પણ જ્યાં સુધી હું જાણું છું, તેણે ક્યારેય કોઈ પદ્ધતિસરના મેડિકલ ક્લાસિસ નથી કર્યા. તેનો અભ્યાસ ખૂબ જ અનિયમિત અને અજીબોગરીબ છે, પણ તેણે એટલું બધું અટપટું અને અનોખું જ્ઞાન મેળવેલું છે કે તેના પ્રોફેસરો પણ આશ્ચર્યચકિત થઈ જાય."

મેં પૂછ્યું, "તે આગળ શું બનવા માગે છે, એ વિશે તે ક્યારેય પૂછ્યું નહોતું?"

"ના; તેની સાથે વાત કઢાવવી એટલી સહેલી નથી, જો કે જ્યારે મૂડ સારો હોય ત્યારે તે ખુલીને વાતો કરે છે."

મેં કહ્યું, "મને તેને મળવું ગમશે. જો મારે કોઈની સાથે રહેવું જ હોય, તો હું શાંત અને અભ્યાસુ સ્વભાવના માણસને પસંદ કરીશ. મારામાં હવે વધુ શોષ કે ઉત્તેજના સહન કરવાની તાકાત નથી.

અફઘાનિસ્તાનમાં મેં બાકીની જિંદગી માટે પૂરતો ઘોંઘાટ અને ઉત્તેજના જોઈ લીધી છે. હું તમારા આ મિત્રને કેવી રીતે મળી શકું?

મારા સાથીએ જવાબ આપ્યો, "તે ચોક્કસ લેબોરેટરીમાં જ હશે. કાં તો તે અઠવાડિયા સુધી ત્યાં જતો નથી, અથવા પછી સવારથી સાંજ સુધી ત્યાં જ કામ કરતો હોય છે. જો તમારી ઈચ્છા હોય, તો જમ્યા પછી આપણે ગાડીમાં ત્યાં જઈ શકીએ."

મેં કહ્યું, "ચોક્કસ," અને પછી અમારી વાતચીત બીજા વિષયો પર વળી ગઈ.

હોબોર્નથી નીકળીને જ્યારે અમે હોસ્પિટલ તરફ જઈ રહ્યા હતા, ત્યારે સ્ટેમફોર્ડે મને એ gentlemen વિશે થોડી વધુ માહિતી આપી જેની સાથે હું રૂમ શેર કરવા માંગતો હતો.

તેણે ચેતવણી આપતા કહ્યું, "જો તમારું તેની સાથે ન ફાવે તો મને દોષ ન દેતા. લેબોરેટરીમાં ક્યારેક મુલાકાત થવા સિવાય હું તેના વિશે કશું ખાસ નથી જાણતો. આ વ્યવસ્થા તમે જ સૂચવી છે, એટલે એની જવાબદારી તમારી પોતાની રહેશે."

મેં મારા સાથી સામે તીખી નજરે જોતા કહ્યું, "જો નહીં ફાવે તો અલગ થઈ જવું કોઈ મોટી વાત નથી. સ્ટેમફોર્ડ, મને એવું લાગે છે કે આ બાબતથી હાથ ધોઈ નાખવા પાછળ તારું કોઈ ચોક્કસ કારણ છે. શું આ ભાઈનો સ્વભાવ ખૂબ જ ખતરનાક છે, કે બીજું કંઈ છે? આમાં આડાઅવળા શબ્દો વાપરવાની જરૂર નથી, સાફ સાફ કહે."

તેણે હસતાં હસતાં જવાબ આપ્યો, "જે વર્ણવી ન શકાય તેને વ્યક્ત કરવું સહેલું નથી. હોમ્સ આપણી રૂઢિચુસ્ત સોસાયટી માટે કંઈક વધુ પડતો વૈજ્ઞાનિક (scientific) છે—તેનો સ્વભાવ ક્યારેક નિર્દયી (cold-blooded) જેવો લાગે છે. હું કલ્પના કરી શકું છું કે તે કોઈ મિત્રને નવી શોધાયેલી વનસ્પતિની ઝેરી દવા (alkaloid) નો નાનો ટુકડો માત્ર એટલા માટે ચખાડી દે, કે તેને તેની અસરનો સાચો અંદાજ આવી શકે—કોઈ દુશ્મનાવટ કે દ્વેષભાવ વગર હો! અને તેની ખાસ વાત એ છે કે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે તે ખુદ પોતાની ઉપર પણ એ જ તત્પરતાથી એ પ્રયોગ કરી લે. તેને ચોક્કસ અને સચોટ જ્ઞાન મેળવવાની ઘેલછા છે."

"એ તો બરાબર જ છે ને!"

"હા, પણ ક્યારેક આ બાબત અતિશય વધી જાય છે. જ્યારે તે પોસ્ટમોર્ટમ રૂમમાં લાશો (bodies) પર લાકડીથી પ્રયોગ કરીને એ ચકાસવા લાગે કે મર્યા પછી શરીર પર કેવી રીતે અને કેટલા નિશાન પડે છે, ત્યારે આ બધું થોડું વિચિત્ર લાગે છે."

"લાશો પર પ્રયોગ?!"

"હા, એ જોવા માટે કે મૃત્યુ પછી શરીરમાં નીલ (bruises) કેવી રીતે પડે છે. મેં મારી પોતાની આંખે તેને આવું કરતા જોયો છે."

મેં પૂછ્યું, "અને તેમ છતાં તું એમ કહે છે કે તે મેડિકલનો વિદ્યાર્થી નથી?"

"ના. ભગવાન જાણે તેના અભ્યાસનો હેતુ શું છે. બાકી, આ આપણે આવી ગયા છીએ, અને તેના વિશે તમારે જાતે જ અભિપ્રાય બાંધવો પડશે."

તે બોલતો ગયો તેમ અમે એક સાંકડી ગલીમાં વળ્યા અને એક નાના સાઇડ-ડોરથી વિશાળ હોસ્પિટલના એક હિસ્સામાં પ્રવેશ્યા. આ જગ્યા મારા માટે જાણીતી હતી, એટલે મને કોઈ રસ્તો બતાવનારની જરૂર નહોતી. અમે પથ્થરની સૂકી સીડી ચડીને લાંબી કોરિડોર પાર કરી, જેની દીવાલો ચૂનાથી સફેદ કરેલી હતી અને કથ્થઈ રંગના દરવાજા હતા. તેના એક છેડે એક નીચી કમાનવાળો રસ્તો કેમિકલ લેબોરેટરી તરફ જતો હતો.

આ એક ઊંચો અને વિશાળ હોલ હતો, જે અસંખ્ય બોટલોથી ભરેલો અને વેરવિખેર હતો. રૂમમાં પહોળા, નીચા ટેબલો વેરવિખેર પડેલા હતા, જેના પર રીટોર્ટ્સ (કાચના વાસણો), ટેસ્ટ-ટ્યુબો અને ભૂરી જ્યોતવાળા નાના બનસેન બર્નર ગોઠવાયેલા હતા. રૂમમાં માત્ર એક જ વિદ્યાર્થી હતો, જે એક ખૂણાના ટેબલ પર ઝૂકીને પોતાના કામમાં મશગુલ હતો. અમારા પગના અવાજ સાંભળીને તે પાછો ફર્યો અને ખુશીની ચીસ પાડતા ઊછળીને ઊભો થયો. "મને મળી ગયું! મને મળી ગયું!" તેણે હાથમાં ટેસ્ટ-ટ્યુબ પકડીને મારા સાથી તરફ દોડતા દોડતા બૂમ પાડી. "મને એક એવો પદાર્થ (reagent) મળી ગયો છે જે માત્ર અને માત્ર હિમોગ્લોબિન (લોહીના કણો) ના સંપર્કમાં આવવાથી જ પ્રક્રિયા કરે છે, બીજા શેનાથીય નહીં." જો તેને સોનાની ખાણ મળી ગઈ હોત, તો પણ તેના ચહેરા પર આટલો મોટો આનંદ ન છલકાત.

સ્ટેમફોર્ડે અમારો પરિચય કરાવતા કહ્યું, "ડૉ. વાટસન, આ મિસ્ટર શર્લોક હોમ્સ છે."

તેણે એકદમ ઉષ્માભેર મારો હાથ મજબૂતાઈથી પકડતા કહ્યું, "કેમ છો?" અને ઉમેર્યું, "તમે અફઘાનિસ્તાનથી આવ્યા છો, એમ લાગે છે."

મેં આશ્ચર્યથી પૂછ્યું, "તમને આ ખબર કેવી રીતે પડી?"

તે મનોમન હસતા હસતાં બોલ્યો, "રહેવા દો ને. અત્યારે મહત્વની વાત હિમોગ્લોબિનની છે. મારી આ શોધનું મહત્ત્વ તો તમને સમજાઈ ગયું હશે ને?"

મેં જવાબ આપ્યો, "રસાયણશાસ્ત્રની દૃષ્ટિએ તે રસપ્રદ છે ચોક્કસ, પણ વ્યવહારિક રીતે——"

"અરે ભાઈ, આ તો ફોજદારી કાયદા (medico-legal) ના ઈતિહાસની સૌથી શાનદાર વ્યવહારિક શોધ છે. શું તમને સમજાતું નથી કે આનાથી લોહીના ડાઘની અચૂક અને ચોક્કસ ખાતરી થઈ જશે? હાલો મારી સાથે અહીં!"

તેણે ઉત્સાહમાં મારા કોટની બાંય પકડીને તેને પોતાની કામ કરવાની ટેબલ તરફ ખેંચી લીધો. "ચાલો થોડું તાજું લોહી લઈએ," એમ કહીને તેણે પોતાની આંગળીમાં એક લાંબી સોય (bodkin) ભોંકી અને કેમિકલ પીપેટની મદદથી નીકળેલા લોહીનું એક ટીપું બહાર કાઢ્યું. "હવે, હું લોહીના આ નાના ટીપાને એક લીટર પાણીમાં ભેળવું છું. તમે જોઈ શકો છો કે હવે આ મિશ્રણ શુદ્ધ પાણી જેવું જ દેખાય છે. આમાં લોહીનું પ્રમાણ દસ લાખ ભાગમાં એક ભાગ જેટલું જ હશે. તેમ છતાં, મને પૂરો વિશ્વાસ છે કે આપણે આમાંથી યોગ્ય પ્રતિક્રિયા (reaction) મેળવી શકીશું."

આટલું બોલતા જ તેણે કાચના વાસણમાં થોડા સફેદ સ્ફટિકો નાખ્યા અને પછી કેટલાક ટીપાં પારદર્શક પ્રવાહીના ઉમેર્યા. એક જ સેકન્ડમાં વાસણનું પ્રવાહી ઘેરા મહોગની (ડાર્ક મરૂન) રંગનું થઈ ગયું અને જારના તળિયે કથ્થઈ રંગનો કચરો બેસી ગયો.

તે તાળીઓ પાડતા બોલી ઉઠ્યો, "હા! હા! આને કહેવાય!" અને એવો ખુશ દેખાતો હતો જાણે કોઈ નાના બાળકને નવું રમકડું મળી ગયું હોય. "તમને આના વિશે શું લાગે છે?"

મેં કહ્યું, "આ તો ખૂબ જ સૂક્ષ્મ અને સચોટ પરીક્ષણ (test) લાગે છે."

"અદ્ભુત! અદ્ભુત! પેલી જૂની ગ્વાઇકમ (Guiacum) ટેસ્ટ તો બહુ અસ્પષ્ટ અને શંકાસ્પદ હતી. એવી જ રીતે માઈક્રોસ્કોપથી લોહીના કણો તપાસવાની રીત પણ નકામી છે જો ડાઘા થોડા કલાક જૂના હોય. જ્યારે આ પદ્ધતિ જૂના કે નવા, બંને પ્રકારના લોહીના ડાઘ માટે એકસરખું કામ કરે છે. જો આ ટેસ્ટ પહેલાં શોધાઈ હોત, તો દુનિયામાં એવા સેંકડો ગુનેગારો છે જેઓ આજે ખુલ્લેઆમ ફરી રહ્યા છે, પણ તેઓ ક્યારનાય ફાંસીએ લટકી ગયા હોત."

મેં ધીમા અવાજે કહ્યું, "ખરેખર!"

"ગુનાના કેટલાય કેસો આ એક જ મુદ્દા પર અટકેલા હોય છે. કોઈ ગુનાના મહિનાઓ પછી શંકાસ્પદ વ્યક્તી પકડાય છે. તેના કપડાં તપાસવામાં આવે છે અને તેના પર કથ્થઈ ડાઘા જોવા મળે છે. હવે સવાલ એ થાય છે કે શું આ લોહીના ડાઘ છે, કે કીચડના, કે કાટના, કે પછી ફળના રસના? આ સવાલે કેટલાય નિષ્ણાતોને માથાકૂટ કરાવી છે, અને કેમ? કારણ કે અત્યાર સુધી કોઈ ભરોસાપાત્ર ટેસ્ટ જ નહોતી. હવે આ 'શર્લોક હોમ્સ ટેસ્ટ' આવી ગઈ છે, એટલે આગળથી કોઈ મુશ્કેલી નહીં રહે."

વાત કરતી વખતે તેની આંખો ચમકી રહી હતી અને તેણે કલ્પનામાં કોઈ તાળીઓ પાડતી ભીડ સામે ઝૂકતા હોય તેમ પોતાના હૃદય પર હાથ મૂકીને નમસ્કાર કર્યા.

તેના આ જોશથી મને ખૂબ નવાઈ લાગી, મેં કહ્યું, "તમને અભિનંદન આપવા જ રહ્યા."

"ગયા વર્ષે ફ્રેન્ચફર્ટના વોન બિસ્ચોફનો કેસ યાદ કરો. જો આ ટેસ્ટ હોત તો તેને ચોક્કસ ફાંસી જ થઈ હોત. એ જ રીતે બ્રેડફોર્ડનો મેસન, અને કુખ્યાત મુલર, મોન્ટપેલિયરનો લેફેવર, અને ન્યુ ઓર્લિયન્સનો સેમસન—આવા તો વીસ જેટલા કેસો ગણાવી શકું છું જેમાં આ ટેસ્ટ નિર્ણાયક સાબિત થાત."

સ્ટેમફોર્ડે હસતાં હસતાં કહ્યું, "તમે તો ગુનાખોરીનું જીવતું-જાગતું કેલેન્ડર લાગો છો. તમારે આ વિષય પર કોઈ છાપું શરૂ કરી દેવું જોઈએ. નામ આપવાનું—'ધ પોલીસ ન્યૂઝ ઓફ ધ પાસ્ટ' (ભૂતકાળના પોલીસ સમાચાર)."

શર્લોક હોમ્સે પોતાની આંગળીના છેડા પર વાગેલા કાણા પર નાની પટ્ટી લગાવતા કહ્યું, "તેનાથી પણ રસપ્રદ વાંચન બની શકે છે." તેણે મારી તરફ ફરીને સ્મિત આપતા આગળ કહ્યું, "મારે થોડી સાવચેતી રાખવી પડે છે, કારણ કે હું ઝેરી રસાયણો (poisons) સાથે ઘણો વહીવટ કરું છું." તેણે પોતાનો હાથ આગળ ધરીને બતાવ્યો, અને મેં જોયું કે તેની આંગળીઓ અને હથેળીઓ આવા જ ડાઘ-ધબ્બા અને સ્ટ્રોંગ એસિડથી બગડેલી તથા પટ્ટીઓથી ભરેલી હતી.

સ્ટેમફોર્ડ ઊંચા ત્રણ પાટિયાવાળા સ્ટૂલ પર બેસતા અને પગથી બીજું સ્ટૂલ મારી તરફ ખસેડતા બોલ્યો, "અમે અહીં કામસર આવ્યા છીએ. મારા આ મિત્રને રહેવા માટે રૂમ જોઈએ છે, અને તમે અગાઉ ફરિયાદ કરી રહ્યા હતા કે તમારી સાથે રૂમ શેર કરવા કોઈ મળતું નથી, એટલે મને થયું કે હું તમને બંનેને ભેગા કરી દઉં."

મારા સાથે રૂમ શેર કરવાની વાત સાંભળીને શર્લોક હોમ્સ ખૂબ જ ખુશ થઈ ગયો. તેણે કહ્યું, "મેં બેકર સ્ટ્રીટમાં એક ફ્લેટ જોયો છે, જે આપણને બિલકુલ માફક આવી જશે. તમને સ્ટ્રોંગ તમાકુની વાસથી કોઈ વાંધો નથી ને?"

મેં જવાબ આપ્યો, "હું તો હંમેશાં 'શિપ્સ' (એક પ્રકારની તમાકુ) જ પીઉં છું."

"બસ ત્યારે, વાંધો નહીં. હું લેબોરેટરીનું સામાન અને કેમિકલ્સ અવારનવાર રૂમમાં લાવતો હોઉં છું અને પ્રયોગો પણ કરું છું. શું તમને તેનાથી કોઈ તકલીફ પડશે?"

"બિલકુલ નહીં."

"તો ઠીક છે—મારી બીજી મર્યાદાઓ પણ સાંભળી લો. હું ક્યારેક ડિપ્રેશનમાં (દુઃખી મૂડમાં) આવી જાઉં છું અને દિવસો સુધી મોંમાંથી એક શબ્દ પણ બોલતો નથી. એવા સમયે જો હું મૌન રહું તો એવું ન સમજતા કે હું તમારા પર ગુસ્સે છું. બસ, મને મારા હાલ પર છોડી દેજો, હું થોડા સમયમાં જાતે જ ઠીક થઈ જઈશ. હવે તમે તમારી ખામીઓ સ્વીકારી લો. બે માણસો સાથે રહેવાનું શરૂ કરે તે પહેલાં એકબીજાની ખરાબ આદતો જાણી લેવી સારી."

આવા આકરા સવાલ-જવાબ પર મને હસવું આવી ગયું. મેં કહ્યું, "હું એક બુલ પપ (કૂતરાનું બચ્ચું) રાખું છું, મને બૂમાબૂમ કે ઘોંઘાટ બિલકુલ પસંદ નથી કારણ કે મારા સ્નાયુઓ નબળા છે (અફઘાનિસ્તાનની અસર), હું ગમે તેવા અસમયે વહેલો ઉઠી જાઉં છું અને હું અત્યંત આળસુ છું. જ્યારે મારી તબિયત સારી હોય છે ત્યારે મારી પાસે બીજા પણ થોડા અવગુણો છે, પણ હાલ પૂરતા આ મુખ્ય છે."

તેણે ચિંતાતૂર થઈને પૂછ્યું, "શું તમે તમારી આ યાદીમાં વાયલિન વગાડવાને પણ ઘોંઘાટમાં ગણો છો?"

મેં જવાબ આપ્યો, "એ વગાડનાર પર આધાર રાખે છે. સરસ રીતે વગાડેલું વાયલિન તો દેવતાઓ માટે પણ લ્હાવો છે—પણ જો ખરાબ રીતે વગાડે તો——"

તે એક મોટા આનંદી હાસ્ય સાથે બોલી ઉઠ્યો, "ઓહ, તો વાંધો નથી! મને લાગે છે કે આપણી વચ્ચે બધું નક્કી સમજી શકાય—બશરત રૂમ તમને પણ પસંદ આવે."

"આપણે તેને ક્યારે જોવા જઈશું?"

તેણે જવાબ આપ્યો, "કાલે બરાબર બપોરે મને અહીં લેવા આવી જજો, એટલે આપણે સાથે જઈને બધું નક્કી કરી લઈશું."

મેં તેનો હાથ મીલાવતા કહ્યું, "ચોક્કસ—બરાબર બપોરે બાર વાગે."
અમે તેને તેના કેમિકલ્સના કામમાં વ્યસ્ત મૂકીને હોટલ તરફ ચાલતા થયા.

અચાનક અટકીને સ્ટેમફોર્ડની તરફ ફરતા મેં પૂછ્યું, "એક વાત તો કહો ભાઈ, પેલાને કેવી રીતે ખબર પડી કે હું અફઘાનિસ્તાનથી આવ્યો છું?"

મારા સાથીએ એક રહસ્યમય સ્મિત આપ્યું. તેણે કહ્યું, "બસ, આ જ તેની ખાસિયત છે. ઘણા લોકો એ જાણવા માટે મથે છે કે તે આ બધી બાબતો કેવી રીતે શોધી કાઢે છે."

હાથ ઘસતા મેં ઉત્સાહથી કહ્યું, "ઓહો! તો કોઈ રહસ્ય છે એમ? આ તો બહુ મજાની વાત છે. આપણને બંનેને ભેગા કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. પેલા કવિએ કહ્યું છે ને—'માનવજાતનો સાચો અભ્યાસ તો માનવ જ છે'."

સ્ટેમફોર્ડે વિદાય લેતા કહ્યું, "તો પછી તમે જ તેનો અભ્યાસ કરજો. જો કે, તે તમારા માટે એક અટપટો કોયડો સાબિત થશે. હું શરત મારવા તૈયાર છું કે તમે તેના વિશે જેટલું જાણશો, તેના કરતાં વધુ તે તમારા વિશે જાણી લેશે. આવજો!"

મેં કહ્યું, "આવજો!" અને મારા નવા પરિચિત વિશે ખૂબ જ આશ્ચર્ય અને રસ અનુભવતો મારી હોટલ તરફ આગળ વધી ગયો.


ક્રમશઃ