#હાર્ટઅટેક
ભાગ 1 હૃદયની સામાન્ય રચના અને બ્લોકેજ (Plaque) નું નિર્માણ
હૃદય એ આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ છે, જે આપણા ડાબા ભાગ તરફ છાતીની મધ્યમાં આવેલું છે. તેનો આકાર સામાન્ય રીતે માણસની બંધ મુઠ્ઠી જેવડો હોય છે. હૃદય મુખ્યત્વે સ્નાયુઓનું બનેલું એક પંપ છે જે સતત કામ કરે છે.
હૃદયની અંદરની રચનાને ૪ મુખ્ય ખાના (Chambers) માં વહેંચવામાં આવી છે:
ઉપરના બે ખાના: જેને એટ્રિયમ (Atrium) અથવા કર્ણક કહેવાય છે (ડાબું કર્ણક અને જમણું કર્ણક). આ ખાના લોહીને સ્વીકારવાનું કામ કરે છે.
• નીચેના બે ખાના: જેને વેન્ટ્રિકલ (Ventricle) અથવા ક્ષેપક કહેવાય છે (ડાબું ક્ષેપક અને જમણું ક્ષેપક). આ ખાના લોહીને પંપ કરીને શરીરની બહાર ધકેલે છે.
આ ખાનાઓની વચ્ચે ૪ વાલ્વ (Valves) આવેલા હોય છે, જે દરવાજા જેવું કામ કરે છે. આ વાલ્વ સુનિશ્ચિત કરે છે કે લોહી હંમેશાં એક જ દિશામાં વહે અને ક્યારેય ઊંધું (Backward) ન મારે.
. હૃદય કેવી રીતે કામ કરે છે?
હૃદયનું મુખ્ય કામ આખા શરીરમાં ઓક્સિજનયુક્ત શુદ્ધ લોહી પહોંચાડવાનું અને અશુદ્ધ લોહીને સાફ કરવા મોકલવાનું છે. આ પ્રક્રિયા સેકન્ડોમાં થાય છે:
૧. અશુદ્ધ લોહીનું આગમન: આખા શરીરમાં વપરાયેલું અશુદ્ધ લોહી (ઓક્સિજન વગરનું) હૃદયના જમણા ભાગમાં (Right Atrium) આવે છે.
૨. ફેફસાં તરફ પ્રયાણ: જમણું વેન્ટ્રિકલ આ અશુદ્ધ લોહીને ફેફસાં (Lungs) માં મોકલે છે. ફેફસાં આપણે લીધેલા શ્વાસમાંથી ઓક્સિજન લોહીમાં ભેળવે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે.
૩. શુદ્ધ લોહીનું રીટર્ન: ફેફસાંમાંથી ઓક્સિજન વાળું એકદમ શુદ્ધ (લાલ ચણક) લોહી હૃદયના ડાબા ભાગમાં (Left Atrium) પ્રવેશે છે.
૪. આખા શરીરમાં પંપીંગ: હૃદયનું સૌથી મજબૂત ખાનું એટલે કે ડાબું વેન્ટ્રિકલ (Left Ventricle) આ શુદ્ધ લોહીને જોરથી પંપ કરીને એઓર્ટા (Aorta - મુખ્ય ધમની) દ્વારા આખા શરીરના અંગો, મગજ અને કોષો સુધી પહોંચાડે છે.
મહત્વ ની વાત
(કોઈ નસો હૃદયને પણ લોહી આપે છે): આખા શરીરને લોહી પૂરું પાડનાર હૃદયને પોતાને પણ સતત કામ કરવા માટે ઓક્સિજન અને લોહીની જરૂર પડે છે. હૃદયની બહારની દીવાલ પર આવેલી નાની નસો, જેને કોરોનરી ધમનીઓ (Coronary Arteries) કહેવાય છે, તે હૃદયના સ્નાયુઓને લોહી પહોંચાડે છે. હાર્ટ અટેક આ જ નસોમાં સમસ્યા થવાથી આવે છે.
બ્લોકેજ
આપણી ધમનીઓ (Arteries) અંદરથી એકદમ લીસી અને લવચીક (Flexible) પ્લાસ્ટિકની પાઇપ જેવી હોય છે, જેમાંથી લોહી આસાનીથી વહી શકે છે. પરંતુ સમય જતાં ખરાબ ટેવોને લીધે તેમાં કચરો જામવા લાગે છે, જેને મેડિકલ ભાષામાં પ્લેક (Plaque) અથવા બ્લોકેજ કહે છે. આ પ્રક્રિયા રાતોરાત નથી થતી, તેમાં વર્ષો લાગે છે.
આ પ્રક્રિયા સ્ટેપ-બાય-સ્ટેપ નીચે મુજબ થાય છે:
સ્ટેપ ૧: ધમનીની અંદરની દીવાલને નુકસાન (Endothelial Damage)
ખોટી લાઈફસ્ટાઈલ, હાઈ બ્લડ પ્રેશર (BP), સિગારેટ કે બીડીનો ધુમાડો, અથવા લોહીમાં સુગરનું ઊંચું પ્રમાણ (ડાયાબિટીસ) ના કારણે ધમનીની સૌથી અંદરની નરમ દીવાલ (Endothelium) માં નાના-નાના ચીરા પડે છે અથવા તે છોલાઈ જાય છે.
સ્ટેપ ૨: કચરો જમા થવો (Accumulation of LDL Cholesterol)
જ્યારે અંદરની દીવાલ છોલાય છે, ત્યારે લોહીમાં વહેતું ખરાબ કોલેસ્ટ્રોલ (LDL Cholesterol) અને ચરબી તે ચીરા વાળા ભાગમાં ભરાઈ જાય છે. શરીર તેને સાફ કરવા માટે પોતાના ડિફેન્સ સેલ્સ (White Blood Cells) મોકલે છે, પરંતુ ત્યાં સોજો (Inflammation) આવી જાય છે અને ચરબી, કેલ્શિયમ તેમજ કોષોનો એક કડક ગઠ્ઠો બની જાય છે. આને જ બ્લોકેજ કહે છે.
સ્ટેપ ૩: લોહીનો માર્ગ સાંકડો થવો (Narrowing of the Artery)
જેમ-જેમ બ્લોકેજ વધતું જાય (૧૦%, ૩૦%, ૫૦%), તેમ-તેમ લોહી વહેવાનો રસ્તો સાંકડો થતો જાય છે. જ્યારે બ્લોકેજ ૭૦% થી વધુ થઈ જાય છે, ત્યારે સામાન્ય ચાલતી વખતે કે દાદર ચડતી વખતે છાતીમાં દબાણ કે દુખાવો થાય છે, જેને એન્જાઈના (Angina) કહે છે.
સ્ટેપ ૪: પ્લેક ફાટવો અને હાર્ટ અટેક (Plaque Rupture - ધ ક્લાઈમેક્સ)
ઘણા લોકોને ૫૦% બ્લોકેજ હોય તો પણ અચાનક હાર્ટ અટેક આવી જાય છે, તેનું કારણ આ સ્ટેપ છે. ક્યારેક અચાનક બ્લડ પ્રેશર વધવાથી કે ભારે માનસિક તણાવને કારણે ધમનીની અંદર જામી ગયેલો આ બ્લોકેજ (Plaque) નો ઉપરનો ભાગ ફાટી જાય છે (Rupture).
જેવો આ ગઠ્ઠો ફાટે છે, શરીરની સિસ્ટમ તેને વાગ્યાનો ઘા સમજીને ત્યાં લોહી વહેતું અટકાવવા માટે લોહી ગંઠાઈ જવાની (Blood Clot) પ્રક્રિયા શરૂ કરી દે છે. સેકન્ડોની અંદર ત્યાં લોહીનો મોટો ગઠ્ઠો જામી જાય છે જે નસને ૧૦૦% બંધ (Block) કરી દે છે. આના કારણે હૃદયના જે ભાગમાં લોહી જતું હતું તે એકદમ બંધ થઈ જાય છે અને હૃદયના સ્નાયુઓ મરવા લાગે છે. આ સ્થિતિને જ હાર્ટ અટેક કહે છે.
ટૂંકમાં કહું તો
હૃદય એક પંપ છે અને નસો તેની પાઇપલાઇન છે. પાઇપલાઇનમાં કચરો (કોલેસ્ટ્રોલ) જામવો એ બ્લોકેજ છે, અને તે કચરાનું અચાનક ફાટીને રસ્તો ૧૦૦% બંધ કરી દેવો એ હાર્ટ અટેક છે.
હવે આગળ ના 2 ભાગ માં આપણે જોશું કે જેનિટિક્સ અને ફેમિલી હિસ્ટ્રી (વારસાગત હાર્ટ અટેકનું જોખમ અને નાની ઉંમરે કરાવવાના ટેસ્ટ) શું છે,?
માહિતી ગમે હોય , સમજાઈ હોય તો શેર, ફોલો, કમેન્ટ કરજો બીજા સુધી પહોંચાડજો
#કૃષ્ણસખી
#MansiDesaiShastriNiVartao
#Heartattack