Featured Books
શ્રેણી
શેયર કરો

ભૂલ છે કે નહીં ? - ભાગ 116

વેકેશનમા મારા ઘરે ગઈ હતી રહેવા માટે. પણ મેં જોયું કે મારા ઘરે લગભગ રોજ પૈસા માટે ઝઘડા થવા લાગ્યા. એવામાં ભાભી ને ફરી સારા દિવસો જતા હતા. મને લાગ્યું કે હવે બધું સારું થઈ જશે. અને હું ઘરે આવી ગઈ. દિકરાનો ટ્યુશનનો સમય બદલાય ગયો હતો. એની સાથે એવું નક્કી કર્યું કે તમે ઘરે હશો ત્યારે તમે એને ટયુશન મૂકી આવશો અને જ્યારે તમે નહીં હોવ ત્યારે એ બસ સ્ટોપ પરથી બસ પકડી ને જતો રહેશે. અને રાતે ઘરે ટયુશન પતાવીને હું એને લેવા જઈશ. અને એ પ્રમાણે આપણી અને દિકરાની દોડધામ શરૂ થઈ ગઈ. એ સમય એવો હતો કે રાતે સાત વાગ્યા પછી ગામ થી શહેર જવાવાળા કોઈ ન મળે અને આવતા પણ કોઈ ન મળે. છતાં હિંમત રાખીને હું રાતે સાડા આઠ વાગ્યે નીકળતી અને દિકરો સાડા નવે છૂટે ત્યારે એને લઈને આવતી લગભગ દસ વાગી જતા અને ત્યાર પછી અમે ખાતા. તમે જ્યારે એને લઈને જતા તો ત્યાં જ કશે આમ તેમ બેસી રહેતા દિકરાનું ટયુશન પૂરું થાય ત્યાં સુધી. જેથી પેટ્રોલનો ખર્ચો વધી ન જાય. અને રાતે દસ વાગ્યે જ દિકરા સાથે ખાતા. અને ત્યાર પછી દિકરો કોઈ પણ જાતનો કંટાળો કર્યા વગર વાંચવા બેસી જતો. દિવસો જતાં ભાભીએ દિકરીને જન્મ આપ્યો. એનું રમાડવાનું મારા ઘરે જ રાખ્યું હતું. આમ જોવા જઈએ તો એના માટે કોઈ ઘરેણું લેવું પડે. પણ તમે કે મમ્મી કોઈ કંઈ બોલ્યું જ નહીં. મને એમ પણ ન કહ્યું કે મે દિકરી માટે તારે કંઈ લેવું હોય તો લઈ આવ. હવે મારે જાતે વિચારવાનું હતું કે શું લઉં. કંઈ વધારે કિંમતનું લઈ શકું એવી પરિસ્થિતિ તો હતી નહીં છતાં એકવાર પણ કહેવા પૂરતું તમારા બે માંથી કોઈએ કંઈ જ ન કહ્યું. બેનની નણંદને ત્યાં દિકરી આવેલી ત્યારે મમ્મીએ કહી દીધું હતું કે સોનાની કંઈ વસ્તુ લેવી પડશે. તો આ વખતે કેમ કંઈ ન બોલ્યા. હું તો હજી વિચારતી હતી કે શું લઉ એટલામાં તો મમ્મીનો ફોન આવ્યો હતો કે કંઈ લાવતી નહીં ભાઈ તો ના પાડે છે કે હું કોઈનું કંઈ લેવાનો નથી. આ સાંભળીને મને થોડી શાંતિ થઈ ગઈ કે હાશ હવે અમુક રૂપિયા હું દિકરીને આપી દઈશ અને કંઈ લેવું નહીં પડે. આમ દિકરીને રમાડવાનું એમ જ પતી ગયું. આ બાજુ બનેવી ફરીથી તમારી પાસે પૈસા માગતા હતા. ને તમે મમ્મીને કહ્યું એટલે એમણે તો તરત જ કહી દીધું કે આપી દે જેટલા માગે છે એટલા ખેતીના પૈસામાંથી. એ તો સારું હતું કે આપણે ખેતીના પૈસા ક્યારેય પણ ઘરમાં વાપરતા ન હતા એટલે તમે બનેવીને આપી દીધા. પણ આ જ વસ્તુ મમ્મી મારા ભાઈની દિકરી માટે કંઈ લેવાનું હતું તો કહી શકતે ને કે તમારી પાસે પૈસા ન હોય તો ખેતીના પૈસામાંથી કંઈ સારી વસ્તુ લઈને આપી દે. પણ એવું થયું ન હતું. તમે બનેવીને પૈસા આપ્યા ત્યારે એમણે કહ્યું કે ઘરમાં કોઈને વાત ન કરતા કે મેં તમારી પાસે પૈસા લીધા છે. એમની એ વાતનો સીધો મતલબ એ થતો હતો કે તેઓ પૈસા ખોટી જગ્યાએ વાપરી રહ્યા હતા. આ સીધી સાદી વાત તમારા મગજમાં કેમ ન આવી કે પછી આવી હોય તો પણ તમે મને કહ્યું નહીં. આવી રીતે તો એમણે લગભગ ત્રણ ચાર વખત તમારી પાસે પૈસા માગ્યા અને તમે મમ્મીના કહેવાથી આપ્યા પણ ખરા. આમ કરતાં કરતાં દિવાળી આવી ગઈ. વેકેશનમાં બેન ઘરે રહેવા આવ્યા હતા પણ તમે કે મમ્મીએ એમને કહ્યું જ નહીં કે બનેવી તમારી પાસેથી થોડા થોડા સમયે પૈસા લઈ જાય છે. મને નવાઈ લાગી કે એકવાર તમારે બેનને ટકોર તો કરવી હતી પણ તમે કંઈ જ ન કહ્યું.