સ્નેહ ની ઝલક - 37 Sanjay Sheth દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્નેહ ની ઝલક - 37



અહેસાસનો સ્પર્શ ૨

રાતના લગભગ સાડા બાર વાગ્યા હતા.

ગૌરવના હાથમાં જલ્પાની તસવીર હતી અને તેની પાછળ લાલ શાહીથી લખાયેલું વાક્ય હજુ તેની આંખો સામે હતું.

“પ્રેમ કરવો ગુનો નથી, ગૌરવ. પણ અમારી દુનિયાની છોકરીને પ્રેમ કરવાની કિંમત ચૂકવવી પડે છે.”

સામાન્ય માણસ માટે આ ધમકી હતી.

ગૌરવ માટે આ પુરાવો હતો.

કોઈ એવું હતું જેને તેમના સંબંધથી માત્ર વાંધો નહોતો, પરંતુ ડર હતો.

અને માણસ જ્યારે કોઈના પ્રેમથી ડરવા લાગે ત્યારે તેનો અર્થ એટલો જ હોય કે એ પ્રેમમાં એવી શક્તિ છે જે તેની આખી રમત બગાડી શકે.

ગૌરવે લિફાફો સાચવી લીધો.

બીજી તરફ જલ્પાની હાલત વધુ ખરાબ હતી.

અજાણ્યા નંબર પરથી આવેલો મેસેજ તે વારંવાર વાંચતી હતી.

“જો ગૌરવને જીવતો જોવા માંગતી હોય તો તેને સત્ય શોધતા રોકી દે.”

તેને હવે રોહન પર શંકા નહોતી.

ખાતરી હતી.

પરંતુ એક પ્રશ્ન હતો.

રોહન એકલો આટલું બધું કેવી રીતે કરી શકતો હતો?

ઘરની અંદરની માહિતી તેને કોણ આપતું હતું?

તેનો ફોન ક્યારે ક્યાં રહે છે, પપ્પા શું વિચારે છે, ગૌરવ વિશે ઘરમાં શું ચર્ચા થાય છે, જલ્પા ક્યારે બહાર જાય છે…

આ બધું કોઈ બહારના માણસને કેવી રીતે ખબર પડે?

બીજા દિવસે સવારે જલ્પાએ પોતાની માતા મીનાક્ષીબેનને પૂછ્યું,

“મમ્મી, મારો ફોન રોહનને કોણે આપ્યો હતો?”

મીનાક્ષીબેન થોડી ગભરાઈ.

“એ સમયે પરિસ્થિતિ એવી હતી…”

“કોણે આપ્યો હતો?”

“તારા કાકાએ.”

જલ્પા ચોંકી ગઈ.

“કાકાએ?”

રાજેશભાઈના નાના ભાઈ મહેશ મહેતા વર્ષોથી પરિવારના વ્યવસાયમાં જોડાયેલા હતા.

જલ્પા માટે તો તેઓ બીજા પિતા જેવા હતા.

“કાકા શા માટે?”

“તેમણે કહ્યું હતું કે રોહન ફોનમાંથી ગૌરવની માહિતી કાઢાવીને જાણી શકે કે એ છોકરો કેવો છે.”

જલ્પાના પગ નીચેથી જમીન સરકતી હોય એવું લાગ્યું.

એ જ દિવસે તેણે કાકાના રૂમમાં એક વાત સાંભળી.

મહેશ ફોન પર કોઈને કહી રહ્યા હતા,

“હવે જલ્પાને વધારે દબાણ ન કરશો. તેને શંકા ગઈ છે.”

જલ્પા દરવાજાની બહાર સ્થિર થઈ ગઈ.

બીજી તરફથી શું બોલાયું એ તેને સાંભળાયું નહીં.

પરંતુ મહેશકાકાનું આગળનું વાક્ય સ્પષ્ટ હતું.

“રોહનને કહેજો થોડા દિવસ શાંત રહે.”

જલ્પાની આંખો પહોળી થઈ ગઈ.

પોતાના કાકા?

શા માટે?

જવાબ વ્યવસાયમાં છુપાયેલો હતો.

મહેશભાઈએ વર્ષો પહેલાં કંપનીમાં ભારે નાણાકીય ગેરરીતિ કરી હતી. રોહનના પિતા વિક્રમ શાહને એની જાણ હતી. જો જલ્પા અને રોહનના લગ્ન થાય તો બંને પરિવારોનું વ્યાપારી જોડાણ મજબૂત બને અને જૂની ગેરરીતિ દબાઈ રહે.

રોહને મહેશને સ્પષ્ટ કહ્યું હતું,

“જલ્પા મારી થશે તો તમારું રહસ્ય સુરક્ષિત રહેશે.”

મહેશ પાસે બે રસ્તા હતા.

સત્ય સ્વીકારી પોતાના ભાઈનો વિશ્વાસ ગુમાવવો.

અથવા ગૌરવને રસ્તામાંથી હટાવી જલ્પાને રોહન તરફ ધકેલવી.

તેણે બીજો રસ્તો પસંદ કર્યો હતો.

પરંતુ માણસ એક ખોટું છુપાવવા જાય ત્યારે ઘણી નવી ખોટો જન્મે છે.

જલ્પાએ તરત ગૌરવને ફોન ન કર્યો.

તે જાણતી હતી કે ફોન પર નજર રાખવામાં આવી શકે છે.

તેણે પોતાની જૂની મિત્ર કાવ્યાને મળવાનું નક્કી કર્યું.

કાવ્યા ગૌરવને પણ ઓળખતી હતી.

“મારે ગૌરવ સુધી એક વાત પહોંચાડવી છે.”

“શું?”

જલ્પાએ એક નાનકડો કાગળ આપ્યો.

તેમાં માત્ર લખ્યું હતું,

“મેં તને ક્યારેય છોડ્યો નહોતો. કોઈએ આપણને અલગ કર્યા છે. મને તારા પર આજે પણ એટલો જ વિશ્વાસ છે. હમણાં મને મળવાનો પ્રયાસ ન કરતો. મને થોડો સમય આપ. — જલ્પા”

કાવ્યા એ કાગળ ગૌરવ સુધી લઈ ગઈ.

ગૌરવે વાંચ્યો.

એક વખત.

બીજી વખત.

ત્રીજી વખત.

અને પછી તેણે આંખો બંધ કરી.

અઠવાડિયાઓ પછી તેના હૃદય પરથી જાણે કોઈ પહાડ હટી ગયો.

જલ્પાએ તેને છોડ્યો નહોતો.

તેનો પ્રેમ ખોટો નહોતો.

તેનો વિશ્વાસ ખોટો નહોતો.

ખોટી હતી માત્ર પરિસ્થિતિ.

ગૌરવે કાવ્યાને કહ્યું,

“જલ્પાને કંઈ કહેવાની જરૂર નથી.”

“કેમ?”

“તેને ખબર છે.”

“શેની?”

ગૌરવ હસ્યો.

“કે હું રાહ જોઈશ.”

હવે જલ્પાએ પુરાવા એકઠા કરવાનું શરૂ કર્યું.

રિયાને શોધવી જરૂરી હતી.

કાવ્યાની મદદથી રિયા સુધી પહોંચવામાં આવી.

પહેલા તો રિયાએ બધું નકાર્યું.

પરંતુ જ્યારે જલ્પાએ કહ્યું,

“મારે તને સજા કરાવવી નથી. મારે ફક્ત એ માણસને રોકવો છે જે કાલે તારી સાથે પણ આવું કરી શકે છે.”

રિયાની આંખો નીચે થઈ ગઈ.

થોડીવાર પછી તે બોલી,

“મને પૈસા આપવામાં આવ્યા હતા.”

“કોણે?”

“રોહનના માણસે.”

“શું કરવા?”

“ગૌરવ સાથે ઓળખાણ કરીને ફોટા લેવા.”

“ચેટ્સ?”

“નકલી.”

“તારી પાસે પુરાવો છે?”

રિયાએ ફોન કાઢ્યો.

“મેં પૈસાની વાતના કેટલાક મેસેજ ડિલીટ કર્યા નથી.”

જલ્પાની આંખોમાં પહેલીવાર આશા આવી.

હવે રમત બદલાવાની હતી.

પરંતુ રોહન પણ મૂર્ખ નહોતો.

તેને ખબર પડી ગઈ કે રિયા જલ્પાને મળી છે.

એ જ રાત્રે રિયાનો ફોન બંધ થઈ ગયો.

તે પોતાના ફ્લેટમાંથી ગાયબ હતી.

જલ્પા ગભરાઈ ગઈ.

તે ગૌરવને મળવા માગતી હતી.

પરંતુ એ પહેલાં જ ઘરમાં બીજી જાહેરાત થઈ.

રાજેશભાઈએ પરિવાર સામે કહ્યું,

“આવતા રવિવારે જલ્પા અને રોહનની સગાઈ જાહેર કરીશું.”

જલ્પા ઊભી થઈ ગઈ.

“મારી મંજૂરી વગર?”

“તારા ભલા માટે.”

“મારું ભલું નક્કી કરવાનો અધિકાર મને છે.”

“જલ્પા!”

“પપ્પા, હું રોહન સાથે લગ્ન નહીં કરું.”

“એ ગૌરવ માટે?”

જલ્પાની આંખોમાં એક અજબ શાંતિ આવી.

“ના.”

રાજેશભાઈ આશ્ચર્યથી તેને જોયું.

“તો?”

“મારા માટે.”

રૂમમાં સન્નાટો છવાઈ ગયો.

“જે માણસ સાથે હું જીવન વિતાવવા માંગતી નથી તેની સાથે માત્ર તમારા વ્યવસાય, સમાજ કે પ્રતિષ્ઠા માટે લગ્ન કરું તો એ મારા જીવન સાથે અન્યાય છે.”

રોહન ત્યાં જ બેઠો હતો.

તે ઊભો થયો.

“જલ્પા, આપણે એકલા વાત કરીએ.”

“કંઈ બાકી નથી.”

“એક વાર.”

બંને બગીચામાં ગયા.

રોહનનો ચહેરો હવે બદલાઈ ગયો હતો.

“તું શું સાબિત કરવા માંગે છે?”

“સત્ય.”

“કયું સત્ય?”

“રિયા.”

થોડી ક્ષણ માટે રોહનના ચહેરા પરથી રંગ ઊતરી ગયો.

પરંતુ તરત સંભળી ગયો.

“કોણ રિયા?”

જલ્પા હસી.

“તારી સૌથી મોટી સમસ્યા ખબર છે?”

“શું?”

“તું પોતાને બધાથી વધારે બુદ્ધિશાળી માને છે.”

રોહન નજીક આવ્યો.

“અને તારી સમસ્યા એ છે કે તું હજુ સમજી નથી કે ગૌરવ તારા માટે યોગ્ય નથી.”

“યોગ્ય કોણ છે? તું?”

“હા.”

“જે મને મેળવવા માટે મારી જિંદગીના માણસને મરાવી શકે?”

રોહન ચૂપ થઈ ગયો.

જલ્પાએ તેની આંખોમાં જોયું.

“મને ધમકીનો મેસેજ મળ્યો છે.”

“તો પોલીસ પાસે જા.”

“જઈશ.”

રોહન હસ્યો.

“પુરાવો લઈને જજે.”

જલ્પાને પહેલીવાર સમજાયું કે તે કેટલો ખતરનાક છે.

તે પાછી ફરવા લાગી.

પાછળથી રોહન બોલ્યો,

“રવિવારે સગાઈ થશે.”

જલ્પા અટકી.

“સપનામાં.”

“થશે.”

“કેવી રીતે?”

રોહન ધીમેથી બોલ્યો,

“કારણ કે ક્યારેક માણસ પોતાની ખુશી માટે નહીં, જેને પ્રેમ કરે છે તેના જીવ માટે નિર્ણય લે છે.”

જલ્પા પાછળ ફરી.

“શું અર્થ?”

“ગૌરવને કંઈ ન થાય એવું ઇચ્છતી હોય તો રવિવારે સ્મિત સાથે વીંટી પહેરી લેજે.”

જલ્પાના ચહેરા પર ભય છવાઈ ગયો.

રોહન સ્મિત કરીને અંદર ચાલ્યો ગયો.

રવિવાર આવ્યો.

મહેતા બંગલો સજાવવામાં આવ્યો હતો.

મહેમાનો આવવા લાગ્યા.

જલ્પા પોતાના રૂમમાં તૈયાર બેઠી હતી.

લાલ નહીં, સાદા સફેદ કપડાંમાં.

મીનાક્ષીબેન અંદર આવ્યાં.

દીકરીની આંખોમાં જોઈને પૂછ્યું,

“તું ખુશ નથી ને?”

જલ્પાની આંખો ભરાઈ ગઈ.

“મમ્મી, આજે પહેલીવાર તમે મને આ પૂછ્યું.”

મીનાક્ષીબેનની આંખો પણ ભીની થઈ.

“મને માફ કરજે.”

જલ્પાએ માતાને ભેટી લીધી.

“મારે ગૌરવ સાથે લગ્ન કરવા દો એવું હું નથી કહેતી. ફક્ત મારી જિંદગીનો નિર્ણય મને કરવા દો.”

માતા કંઈ બોલી શક્યાં નહીં.

નીચે સગાઈની તૈયારી શરૂ થઈ.

રોહન આત્મવિશ્વાસથી ઊભો હતો.

રાજેશભાઈએ જલ્પાને બોલાવી.

વીંટી લાવવામાં આવી.

રોહને હાથ આગળ કર્યો.

જલ્પાએ વીંટી હાથમાં લીધી.

તેના હાથ કંપી રહ્યા હતા.

રોહને ધીમેથી કહ્યું,

“સમજદાર છોકરી.”

જલ્પાએ તેની તરફ જોયું.

પછી અચાનક વીંટી ટેબલ પર મૂકી દીધી.

“આ સગાઈ નહીં થાય.”

હોલમાં સન્નાટો.

રાજેશભાઈ ગુસ્સાથી ઊભા થયા.

“જલ્પા!”

“પપ્પા, આજે મને બે મિનિટ આપો. પછી તમે જે નિર્ણય કરશો એ સાંભળીશ.”

રોહન આગળ આવ્યો.

“આ ડ્રામાની જરૂર નથી.”

એ જ સમયે પાછળથી અવાજ આવ્યો.

“જરૂર છે.”

બધાએ પાછળ જોયું.

દરવાજા પાસે ગૌરવ ઊભો હતો.

રોહનનો ચહેરો સફેદ પડી ગયો.

“તું અહીં?”

ગૌરવ શાંતિથી અંદર આવ્યો.

“મને આમંત્રણ નહોતું. પરંતુ વાત મારા પ્રેમની હતી એટલે આવવું પડ્યું.”

રાજેશભાઈ ગુસ્સે થયા.

“બહાર નીકળ.”

ગૌરવે હાથ જોડ્યા.

“પાંચ મિનિટ આપો. પછી હું પોતે ચાલ્યો જઈશ.”

જલ્પાએ પિતાને કહ્યું,

“પ્લીઝ.”

ગૌરવે પોતાના ફોનમાંથી એક ઓડિયો ચલાવ્યો.

અવાજ રોહનનો હતો.

“ગૌરવને કંઈ ન થાય એવું ઇચ્છતી હોય તો રવિવારે સ્મિત સાથે વીંટી પહેરી લેજે.”

હોલમાં મૃત્યુ જેવું મૌન છવાઈ ગયું.

રોહન જલ્પા તરફ જોયું.

“તું રેકોર્ડ કરતી હતી?”

જલ્પાએ કહ્યું,

“હા.”

પછી રિયાના મેસેજ બતાવવામાં આવ્યા.

નકલી તસવીરો.

પૈસાની લેવડદેવડ.

ગૌરવને મારનાર માણસોમાંથી એકની ઓળખ.

અને છેલ્લે મહેશકાકા અને રોહન વચ્ચેના વ્યવહારના પુરાવા.

રાજેશભાઈ પોતાના ભાઈ સામે જોઈ રહ્યા હતા.

“મહેશ?”

મહેશની આંખો નીચે થઈ ગઈ.

“મને માફ કર…”

એક જ ક્ષણમાં વર્ષોનો વિશ્વાસ તૂટી ગયો.

રોહન બહાર જવા લાગ્યો.

પરંતુ ગૌરવ તેની સામે ઊભો રહ્યો.

“રસ્તો છોડ.”

ગૌરવે કહ્યું,

“જઈ શકે છે. પણ એક વાત સાંભળતો જા.”

રોહન ગુસ્સાથી તેને જોયું.

ગૌરવે શાંતિથી કહ્યું,

“તને જલ્પા ક્યારેય મળી જ ન શકી હોત.”

“કેમ?”

“કારણ કે તું તેને પ્રેમ કરતો જ નહોતો.”

રોહન હસ્યો.

“મને પ્રેમ શીખવાડશે?”

“પ્રેમમાં માણસ જેને પ્રેમ કરે છે તેની ખુશી ઇચ્છે છે. તું તેની માલિકી ઇચ્છતો હતો.”

રોહન ગુસ્સામાં ગૌરવ પર હાથ ઉઠાવવા ગયો.

પણ રાજેશભાઈનો અવાજ ગૂંજ્યો.

“રોહન!”

બધા અટકી ગયા.

રાજેશભાઈએ દરવાજા તરફ ઈશારો કર્યો.

“બહાર.”

“અંકલ…”

“આજ પછી મારી દીકરીની આસપાસ દેખાતો નહીં.”

રોહન ચાલ્યો ગયો.

પણ હવે બીજો પ્રશ્ન સામે હતો.

ગૌરવ અને જલ્પા.

રાજેશભાઈ ગૌરવ સામે આવ્યા.

“આ બધાથી એ સાબિત થયું કે તું દોષી નહોતો.”

“જી.”

“એનાથી એ સાબિત નથી થતું કે હું આ સંબંધ માટે તૈયાર છું.”

જલ્પા કંઈ કહેવા ગઈ.

ગૌરવે હાથથી રોકી.

“મને ખબર છે.”

રાજેશભાઈ આશ્ચર્યથી તેને જોયું.

“તું લડવા આવ્યો હતો ને?”

“સત્ય માટે.”

“જલ્પા માટે નહીં?”

ગૌરવે જલ્પા તરફ જોયું.

“જલ્પાને મેળવવા માટે હું ક્યારેય લડ્યો નથી.”

“કેમ?”

“કારણ કે જલ્પા કોઈ ઇનામ નથી.”

રૂમમાં ફરી મૌન.

“હું ફક્ત એટલું ઇચ્છતો હતો કે તેની નજરમાં મારો પ્રેમ ખોટો ન રહે.”

ગૌરવે જલ્પાને જોયું.

“એ હવે જાણે છે કે મેં તેને દગો આપ્યો નહોતો. મારા માટે એટલું પૂરતું છે.”

જલ્પાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં.

ગૌરવે રાજેશભાઈને હાથ જોડ્યા.

“હવે હું જાઉં છું.”

તે પાછો ફર્યો.

“ગૌરવ…”

જલ્પાનો અવાજ આવ્યો.

તે અટક્યો.

પરંતુ પાછળ ન ફર્યો.

જલ્પા તેની પાસે આવી.

“ફરી મને છોડીને જશે?”

ગૌરવે ધીમેથી કહ્યું,

“તને છોડીને ક્યારેય ગયો જ ક્યાં હતો?”

જલ્પાની આંખોમાં આંસુ સાથે સ્મિત આવ્યું.

“તો રોકાઈ જા.”

ગૌરવે પહેલીવાર તેના પિતા તરફ જોયું.

પછી જલ્પાને.

“ક્યારેક પ્રેમમાં રોકાવા કરતાં રાહ જોવી જરૂરી હોય છે.”

અને તે ચાલ્યો ગયો.

આ વખતે જલ્પાએ તેને રોક્યો નહીં.

કારણ કે હવે તેને ગૌરવના પ્રેમ પર શંકા નહોતી.

આગળના મહિનાઓમાં ઘણું બદલાયું.

મહેશભાઈએ પોતાની ભૂલ સ્વીકારી. વ્યવસાયમાં થયેલી ગેરરીતિ સામે આવી. શાહ પરિવાર સાથેના વ્યવસાયિક સંબંધો તોડી નાખવામાં આવ્યા.

પરંતુ સૌથી મોટો બદલાવ રાજેશ મહેતામાં આવ્યો.

એક દિવસ તેઓ ગૌરવના ઘરે પહોંચ્યા.

નાનું ઘર.

દરવાજો ગૌરવની માતાએ ખોલ્યો.

રાજેશભાઈ અંદર બેઠા.

દીવાલ પર ગૌરવના પિતાનો શિક્ષક તરીકે મળેલો સન્માનપત્ર હતો. બાજુમાં પુસ્તકો ભરેલું કબાટ.

ગૌરવ આવ્યો.

“તમે?”

રાજેશભાઈએ કહ્યું,

“તારી સાથે વાત કરવા આવ્યો છું.”

બંને બેઠા.

થોડીવાર મૌન.

પછી રાજેશભાઈ બોલ્યા,

“હું આખી જિંદગી માણસની કિંમત તેની સફળતા અને પૈસાથી માપતો આવ્યો.”

ગૌરવ સાંભળતો રહ્યો.

“તારી પાસે મારી દીકરીને આપવા શું છે?”

પ્રશ્ન કડક હતો.

ગૌરવે થોડું વિચાર્યું.

“તમારી પાસે જે છે એટલું પૈસું કદાચ ક્યારેય નહીં આપી શકું.”

રાજેશભાઈ ચૂપ રહ્યા.

“પણ એક વચન આપી શકું.”

“શું?”

“જલ્પા મારા કારણે ક્યારેય પોતાનું અસ્તિત્વ ગુમાવશે નહીં.”

રાજેશભાઈની આંખો પહેલીવાર નરમ થઈ.

ગૌરવ આગળ બોલ્યો,

“હું તેને મારી પત્ની કરતાં પહેલાં એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે સન્માન આપીશ. તેની ખુશી મારી સાથે હોય તો જીવનભર સાથે રહીશ. અને જો ક્યારેક મારી સાથે રહીને તે ખુશ ન હોય તો તેને બંધનમાં નહીં રાખું.”

રાજેશભાઈએ પૂછ્યું,

“આટલો પ્રેમ કરે છે?”

ગૌરવ હસ્યો.

“કદાચ.”

“કદાચ?”

“પ્રેમ કેટલો છે એ માપવાની કોઈ રીત નથી.”

રાજેશભાઈ ઊભા થયા.

દરવાજા સુધી પહોંચ્યા.

પછી પાછળ ફરીને બોલ્યા,

“આવતા રવિવારે ઘરે આવજે.”

“શા માટે?”

રાજેશભાઈના ચહેરા પર નાનું સ્મિત આવ્યું.

“આ વખતે આમંત્રણ છે.”

રવિવારે ગૌરવ મહેતા પરિવારના ઘરમાં ગયો.

એ જ હોલ હતો.

જ્યાં થોડા મહિના પહેલાં તેને અપમાનિત કરવામાં આવ્યો હતો.

આજે જલ્પા સામે ઊભી હતી.

રાજેશભાઈએ દીકરીનો હાથ પકડ્યો.

થોડી ક્ષણ તેને જોયો.

પછી એ હાથ ગૌરવના હાથમાં મૂક્યો.

“પૈસામાં તું મારા કરતાં ગરીબ હોઈ શકે છે.”

ગૌરવ મૌન રહ્યો.

“પણ આજે સમજાયું કે સંબંધોમાં કદાચ તું મારા કરતાં વધારે અમીર છે.”

જલ્પાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં.

ગૌરવે તેનો હાથ પકડ્યો.

વર્ષોની રાહ પછી.

કેટલા ષડયંત્રો પછી.

કેટલી ગેરસમજો પછી.

આ સ્પર્શ આવ્યો હતો.

થોડીવાર પછી બંને બગીચામાં એકલા બેઠાં હતાં.

જલ્પાએ ગૌરવના ખભા પર માથું મૂક્યું.

“ગૌરવ?”

“હં?”

“આટલા સમય પછી મારો હાથ પકડીને કેવું લાગે છે?”

ગૌરવ હસ્યો.

“સાચું કહું?”

“હા.”

“કંઈ નવું નથી લાગતું.”

જલ્પાએ માથું ઊંચું કર્યું.

“એટલે?”

ગૌરવે તેની આંખોમાં જોયું.

“કારણ કે હું તને વર્ષોથી સ્પર્શતો આવ્યો છું.”

“ક્યારે?”

“જ્યારે તું મારી પાસે નહોતી ત્યારે.”

જલ્પા મૌન થઈ ગઈ.

ગૌરવે તેનો હાથ પોતાના હૃદય પર મૂક્યો.

“લોકો પ્રેમને સ્પર્શમાં શોધે છે, જલ્પા. મેં તો દૂર રહીને તારા અહેસાસોને સ્પર્શ કરીને પ્રેમ કર્યો છે. મેં તારા અહેસાસને મારા આત્મામાં અનુભવ્યો છે.”

જલ્પાની આંખોમાંથી એક આંસુ સરક્યું.

“અને જો ફરી ક્યારેક દૂર જવું પડે?”

ગૌરવ હસ્યો.

“તો શું?”

“યાદ નહીં આવે?”

“બહુ આવશે.”

“ખોટ નહીં લાગે?”

“દરેક ક્ષણે લાગશે.”

“તો પછી?”

ગૌરવે આકાશ તરફ જોયું.

“અંતર એ પ્રેમની ગેરહાજરી નથી, જલ્પા. અંતર તો માત્ર બે શરીર વચ્ચે હોય છે. જે વ્યક્તિ આત્મામાં વસતી હોય તેને દૂર કોણ કરી શકે?”

જલ્પાએ તેનું માથું ફરી ગૌરવના ખભા પર મૂકી દીધું.

સાંજ ધીમે ધીમે ઢળી રહી હતી.

આકાશમાં સૂર્યનો છેલ્લો કેસરી રંગ હતો.

પવનમાં હળવી ઠંડક હતી.

અને લાંબા સમય પછી બંને વચ્ચે કોઈ ડર નહોતો.

કોઈ રોહન નહોતો.

કોઈ ખોટો મેસેજ નહોતો.

કોઈ અમીર-ગરીબની દીવાલ નહોતી.

માત્ર બે હાથ હતા.

અને બે આત્માઓ.

થોડા મહિનાઓ પછી ગૌરવ અને જલ્પાના લગ્ન થયા.

લગ્નમાં ખૂબ ભવ્યતા હતી, પરંતુ ગૌરવ માટે સૌથી કિંમતી ક્ષણ ત્યારે આવી જ્યારે ફેરા પહેલાં જલ્પાએ ધીમેથી પૂછ્યું,

“એક વાત પૂછું?”

“આજે પણ?”

“જીવનભર પૂછતી રહીશ.”

“પૂછ.”

“આપણી પ્રેમકથામાં સૌથી સુંદર ક્ષણ કઈ હતી?”

ગૌરવે વિચાર્યા વગર કહ્યું,

“એ દિવસો જ્યારે તું મારી પાસે નહોતી.”

જલ્પાએ આંખો મોટી કરી.

“શું?”

ગૌરવ હસ્યો.

“કારણ કે એ દિવસોએ મને શીખવ્યું કે હું તને તારી હાજરી માટે પ્રેમ નથી કરતો. હું તને તારા અહેસાસ માટે પ્રેમ કરું છું.”

જલ્પાએ તેનો હાથ પકડી લીધો.

“અને મને એ દિવસોએ શીખવ્યું કે સાચો માણસ એ નથી જે હંમેશા તમારી બાજુમાં દેખાય.”

“તો?”

“સાચો માણસ એ છે જે દૂર રહીને પણ તમારા હૃદયની બાજુમાં રહે.”

ફેરા શરૂ થયા.

અગ્નિ સાક્ષી હતી.

પરિવાર સાથે હતો.

પણ કદાચ તેમના પ્રેમનો સૌથી મોટો સાક્ષી એ સમય હતો જેમાં બંને એકબીજાથી દૂર રહ્યા હતા.

કારણ કે નજીક રહીને પ્રેમ કરવો સુંદર છે.

પરંતુ દૂર રહીને વિશ્વાસ જીવતો રાખવો અસાધારણ છે.

દુનિયાએ તેમના વચ્ચે પૈસા મૂક્યા.

તેમણે પ્રેમ પસંદ કર્યો.

પરિવારે પ્રતિષ્ઠા મૂકી.

તેમણે વિશ્વાસ પસંદ કર્યો.

રોહને ખોટ મૂકી.

તેમણે સત્ય પસંદ કર્યું.

સમયે અંતર આપ્યું.

તેમણે અહેસાસ પસંદ કર્યો.

અને અંતે જીવનને પણ સ્વીકારવું પડ્યું કે કેટલાક સંબંધો માણસ નથી બનાવતો.

આત્માઓ બનાવે છે.

વર્ષો પછી પણ વરસાદની કોઈ સાંજે ગૌરવ બારી પાસે બેઠો હોય અને જલ્પા પૂછે,

“શું વિચારે છે?”

ત્યારે તે સ્મિત કરીને એક જ જવાબ આપતો,

“એ જ જૂની વાત.”

“કઈ?”

ગૌરવ તેને નજીક ખેંચીને કહેતો,

“લોકો પ્રેમને સ્પર્શમાં શોધે છે… અને મેં તો તને સ્પર્શ્યા પહેલાં જ તારા અહેસાસોને પ્રેમ કરી લીધો હતો.”

જલ્પા હસીને પૂછતી,

“અને હવે જ્યારે હું પાસે છું?”

ગૌરવ તેના હાથને પોતાના હાથમાં લઈને કહેતો,

“હવે સ્પર્શ માત્ર એ વાતની સાક્ષી છે કે જેને મારો આત્મા વર્ષોથી અનુભવી રહ્યો હતો, એ આજે મારી બાજુમાં છે.”

કદાચ આ જ પ્રેમની સૌથી સુંદર પૂર્ણતા હતી.

પ્રેમ એ કોઈને મેળવી લેવાનું નામ નથી.

પ્રેમ એ કોઈને પોતાના અહંકારની મિલકત બનાવવાનું નામ નથી.

પ્રેમ એ કોઈના જીવનના બધા રસ્તા બંધ કરીને તેને પોતાની તરફ આવવા મજબૂર કરવાનું નામ પણ નથી.

સાચો પ્રેમ તો કોઈ વ્યક્તિને એટલી સ્વતંત્રતા આપવાનું નામ છે કે તે આખી દુનિયા જોઈ શકે અને છતાં પોતાની ઇચ્છાથી પાછી તમારી પાસે આવે.

રોહન જલ્પાને મેળવવા માગતો હતો.

ગૌરવ જલ્પાને ખુશ જોવા માગતો હતો.

અને કદાચ આ જ બંને વચ્ચેનો સૌથી મોટો તફાવત હતો.

એકનો પ્રેમ માલિકી હતો.

બીજાનો પ્રેમ અહેસાસ.

માલિકી અંતે હારી ગઈ.

અહેસાસ જીતી ગયો.

કારણ કે હાથને હાથથી અલગ કરી શકાય છે.

રસ્તાઓને અલગ કરી શકાય છે.

ફોન છીનવી શકાય છે.

ખોટા મેસેજ મોકલી શકાય છે.

ગેરસમજ ઊભી કરી શકાય છે.

પરિવાર વચ્ચે દીવાલ ઊભી કરી શકે છે.

પૈસા માણસને ડરાવી શકે છે.

પરંતુ જે વ્યક્તિ એક વખત આપણા આત્મામાં પોતાનું સ્થાન બનાવી લે…

તેને દુનિયાની કોઈ શક્તિ આપણાથી સાચે દૂર કરી શકતી નથી.

ગૌરવ અને જલ્પાની પ્રેમકથા કદાચ આ જ વાતની સાક્ષી બની રહી.

લોકો પ્રેમને સ્પર્શમાં શોધતા રહ્યા…

અને ગૌરવ તથા જલ્પાએ એકબીજાના અહેસાસને સ્પર્શીને આખું જીવન પ્રેમ કરી લીધું.

સમાપ્ત