એક કિનારા વાળી નદી Kirit Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક કિનારા વાળી નદી

બધીજ નદીઓને બે કિનારા હોય છે. બંને કિનારા એકબીજાને જોઈ શકે, પવનના સંદેશા મોકલી શકે, પણ ક્યારેય મળી શકતા નથી. જીવનમાં પણ કેટલાક પ્રેમ એવા જ હોય છે—સાથ વગરના, સ્પર્શ વગરના, છતાં આખી જિંદગી હૃદયમાં વહેતા.
આ વાત છે અર્જુન અને મીરાની.
સત્તર-અઢાર વર્ષની ઉંમર. ગામની ધૂળિયાળી શેરીઓ, ખેતરની પગદંડીઓ, વડલાની છાંય અને શાળાની ઘંટડી. બંને એક જ શાળામાં ભણતા. અર્જુન શાંત, અભ્યાસુ અને સંસ્કારી. મીરા નિર્મળ હાસ્ય ધરાવતી, આંખોમાં સપનાઓ લઈને ફરતી.
બંને રોજ મળતા. ક્યારેક પુસ્તકની આપ-લે, ક્યારેક પાણીના ઘડામાંથી એક જ લોટામાં પાણી પી લેવું, ક્યારેક મેળામાં દૂરથી નજર મળી જવી. પ્રેમ હતો—ખૂબ હતો. પરંતુ એ પ્રેમને શબ્દો મળ્યા નહોતા.
અર્જુન વિચારે, "આજે કહી દઈશ."
પણ સામે મીરાની નિર્દોષ આંખો આવતી અને શબ્દો ગળામાં જ અટકી જતા.
મીરા પણ મનમાં અનેકવાર કહેતી, "એકવાર તે બોલી જાય તો આખી જિંદગી એની થઈ જાઉં."
પણ સમાજનો સંકોચ, પરિવારનો ડર અને સમયની શરમ બંનેના હોઠ સીવી દેતા.
સમયને તો વહેવું જ હતું.
એક દિવસ મીરાના લગ્ન નક્કી થઈ ગયા.
અર્જુનને ખબર પડી ત્યારે વરસાદ પડતો હતો. એ દિવસે વરસાદ માત્ર આકાશમાં નહોતો વરસ્યો; એક યુવાનના હૃદયમાં પણ ધોધમાર વરસ્યો હતો.
લગ્નના દિવસે અર્જુન દૂર ઊભો રહ્યો. વાજતે-ગાજતે નીકળતી જાનમાં તેણે પોતાની જિંદગીનું સૌથી સુંદર સ્વપ્ન વિદાય લેતું જોયું.
એ પછી બંને પોતાની પોતાની દુનિયામાં વ્યસ્ત થઈ ગયા.
અર્જુન શિક્ષક બન્યો.
બાળકોને જીવનના પાઠ ભણાવતો રહ્યો, પણ પોતાના જીવનનું અધૂરું પ્રકરણ ક્યારેય પૂરું કરી શક્યો નહીં.
વર્ષો વીતી ગયા.
વાળમાં ચાંદી ઊતરી.
ચહેરા પર અનુભવની રેખાઓ લખાઈ ગઈ.
શાળામાં બાળકોની વિગતો ચકાસવાનું કામ ચાલતું હતું.
એ જ સમયે ઓફિસના દરવાજા પાસે એક સ્ત્રી આવી.
"સાહેબ... દીકરીનું નામ નોંધાવવાનું છે."
અર્જુને નજર ઊંચી કરી.
સમય અચાનક થંભી ગયો.
સામે મીરા ઊભી હતી.
આંખોની ચમક આજે પણ ઓળખી શકાય એવી જ હતી.
થોડા સફેદ થયેલા વાળ અને ચહેરા પર જવાબદારીઓની રેખાઓ છતાં અર્જુન માટે તો એ આજે પણ એ જ સત્તર વર્ષની મીરા હતી.
બંને થોડા ક્ષણો સુધી એકબીજાને જોતાં રહ્યા.
વર્ષોનું મૌન આંખોમાંથી બોલી રહ્યું હતું.
કામ પૂરું થયું.
મીરા ધીમેથી બોલી,
"થોડો સમય મળશે?"
અર્જુન માત્ર માથું હલાવી શક્યો.
શાળાની પાછળ નદી વહેતી હતી.
સાંજ ઢળી રહી હતી.
પવનમાં જૂના દિવસોની સુગંધ હતી.
ઘણા સમય સુધી બંને મૌન રહ્યા.
પછી મીરા હસતાં હસતાં બોલી,
"તમે ક્યારેય કંઈ કહ્યું જ નહીં."
અર્જુનના હોઠ ધ્રૂજ્યા.
"કહેવું તો ઘણું હતું... પણ હિંમત ક્યારેય થઈ નહીં."
મીરાની આંખોમાં આંસુ આવી ગયા.
"મારે પણ તમારી રાહ જોઈ હતી."
અર્જુનનું માથું ઝૂકી ગયું.
"જો એ દિવસે એક શબ્દ બોલી દીધો હોત તો કદાચ આજે વાર્તા બીજી હોત."
મીરાએ ધીમેથી જવાબ આપ્યો,
"કદાચ... પરંતુ હવે આપણે બંને કોઈના જીવનની જવાબદારી છીએ."
નદી શાંતિથી વહેતી રહી.
અર્જુને નદી તરફ જોઈને કહ્યું,
"જુઓ મીરા... આ નદીના બે કિનારા જેવા જ છીએ આપણે. સામે સામે છીએ, એકબીજાને ઓળખીએ છીએ, પણ મળી શકતા નથી."
મીરાએ ભીની આંખોથી કહ્યું,
"પણ નદી બંને કિનારાને સ્પર્શતી તો રહે છે."
અર્જુન સ્મિત કરી બોલ્યો,
"હા... યાદો પણ એવી જ હોય છે."
સૂર્ય અસ્ત થઈ રહ્યો હતો.
બંનેએ એકબીજાને કોઈ વચન આપ્યું નહીં.
કોઈ ફરિયાદ કરી નહીં.
કોઈ આક્ષેપ કર્યો નહીં.
માત્ર આંખોમાં વર્ષોથી અટકેલા બે આંસુઓએ પ્રેમનો ઇઝહાર કરી દીધો.
વિદાય લેતાં મીરાએ છેલ્લી વાર પાછળ ફરીને જોયું.
અર્જુન હજુ પણ ત્યાં જ ઊભો હતો.
નદી વહેતી હતી.
સમય વહેતો હતો.
જીવન વહેતું હતું.
પણ અર્જુનના હૃદયમાં એક પ્રેમ આજે પણ એક કિનારા વાળી નદી બનીને વહેતો હતો—જેને માત્ર એક જ કિનારો મળ્યો હતો, બીજો કિનારો આખી જિંદગી સામે રહ્યો, છતાં ક્યારેય મળી શક્યો નહીં.
કેટલાક પ્રેમને મિલન નથી મળતું.
પણ એ જ પ્રેમ જીવનને સૌથી સુંદર સાહિત્ય બનાવી જાય છે.