પહેલો પ્રેમ એહસાસ - 2 Maya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પહેલો પ્રેમ એહસાસ - 2

ભાગ – ૨ : "જ્યાં તું, ત્યાં હું"
આ ભાગ–૧ ની આગળની વાર્તા છે.
આનિયાને લાગ્યું હતું કે હવે બધું પૂરું થઈ ગયું છે... પરંતુ કિસ્મત પાસે હજી એક અધ્યાય બાકી હતો.
એક વર્ષ વીતી ગયું હતું. સમય આગળ વધતો ગયો, પરંતુ આનિયાના દિલમાં રહેલી કેટલીક યાદો હજી પણ જીવંત હતી. પછી એક દિવસ અજાણ્યા નંબર પરથી આવેલો એક મેસેજ તેની જિંદગી ફરી બદલવાનો હતો.
આ મેસેજ જોઈને આનિયા ખૂબ ખુશ થઈ ગઈ. તેણે આ વાત સિયા અને આયુષને કહી કે જાપાનમાં યોજાનારી એક મોટી ચિત્ર સ્પર્ધામાં ભારત તરફથી ભાગ લેવા માટે તેની પસંદગી થઈ હતી.
એક વર્ષ પહેલાં જે સપનાઓ અધૂરાં રહી ગયાં હતાં, હવે એ જ સપનાઓ તેને જાપાન સુધી લઈ જવાના હતાં.
આ વાત સાંભળીને સિયા અને આયુષ બંને ખૂબ ખુશ થયા. સિયાએ પૂછ્યું, "ક્યારે જવાનું છે?"
આનિયાએ જવાબ આપ્યો, "એક અઠવાડિયા પછી."
આ સાંભળીને સિયાએ કહ્યું, "તારી પાસે સમય ખૂબ ઓછો છે. હું તારી તૈયારીમાં મદદ કરીશ."
થોડી વાર પછી સિયા અને આયુષ આનિયાના ઘરેથી બહાર નીકળ્યા.
સવારથી સાંજ થઈ ગઈ હતી. તેથી આયુષ સિયાને તેના ઘરે મૂકવા ગયો. રસ્તામાં બંને આનિયા વિશે વાત કરી રહ્યા હતા. આયુષ બોલ્યો, "એક વર્ષ પહેલાં આનિયા કેટલી હતાશ હતી, પરંતુ એ દિવસ પછી ઘણું બધું બદલાઈ ગયું."
દિવસો પસાર થતા ગયા, છતાં આનિયાના મનમાં રહેલી અધૂરી વાતો હજી જીવંત હતી. દરેક સાંજ તેને એ જ એરપોર્ટની યાદ અપાવતી હતી.
અચાનક સિયાએ કહ્યું, "કાશ... જાપાનમાં આનિયાને કરન મળી જાય અને બંને ફરી એક થઈ જાય તો કેટલું સારું થાય."
આ સાંભળીને આયુષના મનમાં વિચાર આવ્યો, "જો આનિયા અને કરન એક થઈ જાય, તો કદાચ આપણે બંને પણ એક થઈ જઈએ..."
આ વાત પરથી સ્પષ્ટ થતું હતું કે આયુષ સિયાને પસંદ કરતો હતો, પરંતુ પોતાના દિલની વાત તેને કહી શકતો નહોતો.
થોડી જ વારમાં સિયાનું ઘર આવી ગયું. સિયાએ આયુષનો આભાર માન્યો અને પોતાના ઘરમાં ચાલી ગઈ.
બીજી તરફ, આનિયા કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે મેસેજ પર વાત કરીને ખૂબ ખુશ થઈ રહી હતી. આ વ્યક્તિ કોણ છે? તેનો ખુલાસો આગળ થશે.
એક અઠવાડિયા પછી આનિયા ફરી એ જ એરપોર્ટ પર ઊભી હતી, જ્યાં તે એક વર્ષ પહેલાં ઊભી રહી હતી. એ સ્થળે ઊભી રહીને તેણે એક વર્ષ પહેલાંની દરેક ક્ષણ યાદ કરી.
તેણે મનમાં વિચાર્યું, "આજે અહીં સુધી પહોંચવા માટે મેં કેટલી રાહ જોઈ હતી. આખરે આજે હું અહીં પહોંચી ગઈ."
આ વિચાર સાથે તે જાપાન જવા માટે આગળ વધી.
આનિયા સુરક્ષિત રીતે જાપાન પહોંચી ગઈ.
આજે તેનો જાપાનમાં પહેલો દિવસ હતો. નવા દેશની અજાણી ગલીઓ અને નવી સંસ્કૃતિને જોવાની ઉત્સુકતા તેના મનમાં છલકાઈ રહી હતી.
ફરતાં ફરતાં તે એક સ્ટોરમાં ગઈ. ત્યાં અચાનક ટીવી પર હવામાન વિભાગની સૂચના આવી કે થોડા સમયમાં વરસાદ પડવાની શક્યતા છે.
આનિયાએ બારી બહાર જોયું. આખું આકાશ વાદળોથી છવાઈ ગયું હતું. તેણે વિચાર્યું, "વરસાદમાં ભીંજાવા કરતાં એક છત્રી લઈ લેવી સારી."
તેણે સ્ટોરમાંથી એક છત્રી ખરીદી અને બસ સ્ટેશન તરફ નીકળી ગઈ.
બસ સ્ટેશન પર ઊભી રહીને તે વરસાદની રાહ જોતી આકાશ તરફ જોઈ રહી હતી. થોડા સમય પછી બસ આવી. તેણે છત્રી બંધ કરી અને બસમાં ચઢી ગઈ.
બસની બારીમાંથી બહાર જોતા તેને જાપાનની સુંદર સડકો અને અજાણ્યા શહેરનો પહેલો અનુભવ ખૂબ યાદગાર લાગ્યો.
વરસાદના ટીપાં બસની બારી પર પડતા હતા અને બહારની લાઈટો પાણીમાં ઝગમગી રહી હતી. એ દૃશ્ય તેને ખૂબ જ સુંદર લાગી રહ્યું હતું.
બીજી તરફ, કરન અચાનક આવેલા વરસાદમાં ભીંજાઈ રહ્યો હતો. વરસાદથી બચવા માટે તે દોડતો દોડતો એક મોટા વૃક્ષ નીચે જઈને ઊભો રહ્યો.
એ દરમિયાન એક બસ ત્યાં આવીને ઊભી રહી. બસમાંથી એક છોકરી છત્રી ખોલીને બહાર આવી અને ધીમે ધીમે કરનની નજીક આવવા લાગી.
એ છોકરી કોઈ બીજી નહીં, પરંતુ આનિયા હતી.
આનિયા કરનની ખૂબ નજીક આવી અને પોતાની છત્રીમાં તેને પણ સમાવી લીધો.
કરન આશ્ચર્યથી તેને જોતો જ રહી ગયો.
આનિયા સ્મિત કરીને બોલી,
"જ્યાં તું, ત્યાં હું."
આ શબ્દો સાંભળીને કરન થોડા સમય માટે કંઈ બોલી શક્યો નહીં. તેની આંખોમાં આશ્ચર્ય અને ખુશી બંને દેખાઈ રહ્યા હતાં.
વરસાદ તો હજી પણ વરસી રહ્યો હતો, પરંતુ બંનેના દિલમાં એકબીજાને ફરી મળવાની ખુશી છવાઈ ગઈ હતી.
થોડી ક્ષણ પછી કરને પૂછ્યું,
"તું જાપાન ક્યારે આવી? અને કોની સાથે આવી?"
આનિયાએ જવાબ આપ્યો,
"તું જ્યાં રહેશે, હું પણ તારી પાછળ ત્યાં આવી જઈશ. પરંતુ તું મને એ કેમ ન કહ્યું કે તું જ મારો બાળપણનો મિત્ર 'રેન' હતો? તું મને કંઈ કહ્યું નહીં, ફક્ત એક ચિઠ્ઠી આપીને જાપાન આવી ગયો. છેલ્લી વાર પણ મને મળવા ન આવ્યો."
આ સાંભળીને કરન શાંતિથી બોલ્યો,
"તું તો તારા 'રેન'ને ભૂલી ગઈ હતી. એટલે મને લાગ્યું કે કહેવાની જરૂર નથી. અને મને તો એમ પણ લાગતું હતું કે તું આયુષને પસંદ કરે છે. એટલે હું ક્યારેય તને મારા દિલની વાત કહી શક્યો નહીં."
થોડી ક્ષણ રોકાઈને તેણે આગળ કહ્યું,
"એ ચિઠ્ઠી અને ગિફ્ટ તો મેં ત્રણ મહિના પહેલાં જ મોકલાવવા માટે આપી દીધાં હતાં. પછી તેને રોકવાનું રહી ગયું. આ મારી ભૂલ હતી... અને તેના માટે હું તારી માફી માગું છું."
આટલું કહીને કરને ધીમેથી આનિયાનો હાથ છોડ્યો અને વરસાદમાં આગળ ચાલવા લાગ્યો.
આનિયા તેને રોકવા ઇચ્છતી હતી, પરંતુ તેના હોઠ પરથી એક પણ શબ્દ નીકળ્યો નહીં.
વરસાદના ટીપાં સાથે તેની આંખોના આંસુ પણ ભળી ગયા.
તે રસ્તાની વચ્ચે ભીની થઈને નિઃશબ્દ ઊભી રહી ગઈ, જ્યારે કરન ધીમે ધીમે તેની નજરોથી ઓઝલ થતો ગયો.
શું કરન ફરી ક્યારેય આનિયાને માફ કરશે?
શું આ વરસાદ તેમના પ્રેમનો અંત બનશે કે નવી શરૂઆત?
આગળની રોમાંચક સફર...

     ભાગ – ૩ માં ચાલુ રહેશે...