ધોતિયું ફાટવાનો એ અવાજ એટલો કરકરો હતો કે રસોડાની દીવાલો પણ ધ્રુજી ગઈ! નવી વહુઓ ગીતા અને કવિતા સાડલાના છેડા પાછળ મોઢું છુપાવીને હસવું રોકવાનો નાકામ પ્રયાસ કરી રહી હતી. જગાભાઈની મરદવાળી મૂછો શરમના માર્યા જાણે હેઠી નમી ગઈ. પણ જગાભાઈ એટલે જગાભાઈ! પોતાની આબરૂના ધજાગરાને જ વટનું કારણ બનાવી દેવામાં એ પાવરધા હતા.એમણે ફાટેલા ધોતિયાને એક હાથે પકડી રાખ્યું, બીજા હાથે મૂછનો વળ સરખો કર્યો અને ગંભીર અવાજે બોલ્યા, "જોયું ગીતા વહુ? આને કહેવાય આખા ઘરનો ભાર! આ સોફાની સ્પ્રિંગો પણ મારા વિચારોના વજનથી તૂટી જાય છે. આ તો નવી વહુઓ પગલાં પાડે છે એટલે મેં કીધું લાવ, બ્રહ્મમુહૂર્તમાં જાગીને ઘરની લક્ષ્મીઓનું સ્વાગત કરું!"
"પણ જેઠજી, સવારના નવ વાગવા આવ્યા છે, આને બ્રહ્મમુહૂર્ત કહેવાય?" ગીતા થોડી ચપળ હતી એટલે હસતા હસતા બોલી પડી."અરે વહુ બેટા, અમારા જેવા ચિંતકો માટે જ્યારે આંખ ખૂલે ત્યારે જ સવાર! લાવો, ચા આપો." જગાભાઈએ વટથી ઓર્ડર કર્યો અને ચાની પ્યાલી હાથમાં લીધી. પણ ધોતિયું પકડવાનો હાથ ઢીલો થતાં જ ફરી પાછું 'માનભંગ' થાય એ પહેલાં એ લંગડી ટાંગે દોડીને સીધા પોતાના ઓરડામાં ભરાઈ ગયા. પાછળથી બંને વહુઓ કડખડાટ હસી પડી.બપોર થઈ ત્યાં સુધીમાં આખા ઘરમાં વાતાવરણ બદલાઈ ગયું હતું. નાથુજીએ ચોરા પરથી આવીને દીકરાઓને બોલાવ્યા. "ભગા! દિલા! સાંભળો, હવે ઘરમાં વહુઓ આવી ગઈ છે, એટલે ઘરની મર્યાદા બદલાશે. અને જગા, તું ખાસ સાંભળ! આખો દિવસ આમથી તેમ રખડવાનું બંધ કર. તારા નાના ભાઈઓ કમાય છે, હવે તારે પણ ખેતરે આંટો મારવો પડશે. નહીતર નવી વહુઓ આગળ તારું માન નહિ રહે."જગાભાઈને આ વાત બહુ વસમી લાગી. નાના ભાઈઓ પરણી ગયા એનો વાંધો તો હતો જ, પણ હવે એમના માથે હુકમ પણ ચાલશે એ એમનાથી સહન થાય એમ નહોતું.
એમાંય નાનો દિલો, જે હજુ ગઈકાલ સુધી જગાભાઈ પાસે મીઠી પીપર ના પૈસા માંગતો હતો, એ હવે નવી નવઢા કવિતા સામે હીરો બનીને ફરતો હતો! દિલો ટીપટોપ થઈ ને અરીસા સામે ઊભો રહી વાળ ઓળતો હતો ત્યારે જગાભાઈ ત્યાંથી નીકળ્યા."કેમ દિલાબાબુ! બહુ અત્તર છંટાય છે ને? કાલે કપાસની ભારીઓ ઉપાડવાની છે, ત્યારે આ બધી સુગંધ હવામાં ઊડી જવાની છે હો!" જગાભાઈએ ટોણો માર્યો.દિલો હસ્યો, "મોટાભાઈ, હવે તો તમારી વહુ કવિતા આવી ગઈ છે, એ મારા માટે ભાત લઈને ખેતરે આવશે. તમે મારા જેવા પરણેલા ની ચિંતા છોડો ,તમારી ચિંતા કરો, ક્યાંક આખી જિંદગી ચા જાતે જ બનાવીને ન પીવી પડે!" દિલાના આ શબ્દો જગાભાઈના કુંવારા કાળજામાં તીરની જેમ ખૂંચી ગયા.જગાભાઈએ મનોમન નક્કી કર્યું કે, 'જો આ ઘરમાં મારો વટ કાયમ રાખવો હોય, તો આ વહુઓ વચ્ચે અંદરોઅંદર કાંઈક ડખો કરાવવો પડશે, જેથી બધાયનું ધ્યાન મારા પરથી હટી જાય.'સાંજે કવિતા અને ગીતા રસોડામાં રસોઈ કરતી હતી.
જગાભાઈ રસોડાની બારી પાસે જઈને ઊભા રહ્યા, જાણે પાણી પીવા આવ્યા હોય. એમણે જોયું કે ગીતા શાક વઘારતી હતી અને થોડેક અંતરે કવિતા લોટ બાંધતી હતી.જગાભાઈએ ગંભીર થઈને કીધું, "ગીતા વહુ, શાકમાં રાઈ થોડી વધારે નાખજો. આપણા ભગાને રાઈ બહુ ભાવે. પણ હા, ઓલી કવિતાને ન કહેતા, એનો હાથ થોડો મોળો છે રસોઈમાં, એવું એના પિયરવાળા કહેતા હતા!"આટલું બોલીને જગાભાઈ પાણીનો ગ્લાસ મૂકીને ચાલતા થયા. ગીતાના કાન ચમક્યા. એણે કવિતા સામે જોયું. થોડી વાર પછી જગાભાઈ પાછા આવ્યા, આ વખતે કવિતા એકલી હતી. જગાભાઈએ ધીમેથી કીધું, "કવિતા વહુ, લોટ બહુ સરસ બાંધ્યો છે હો! પણ ઓલી ગીતા કહેતી હતી કે કવિતાને ગોળ રોટલી બનાવતા નથી આવડતી. તમે એને બતાવી દેજો કે તમેય કાંઈ કમ નથી!
"કુંવારા જેઠે ઘરમાં 'નાઇટ્રોગ્લિસરીન' મૂકી દીધું હતું! બંને વહુઓ એકબીજા સામે શંકાની નજરે જોવા લાગી. સાંજની રસોઈ વખતે રસોડામાં વાસણોનો અવાજ થોડો વધારે જોરથી આવવા લાગ્યો ઠન…ઠન….ઠનાટ….. ,એકબીજા સાથે વગર કારણે બોલાબોલી શરૂ થઈ ગઈ.
રાત્રે જ્યારે વાળુ (રાતનું ભોજન) કરવા આખું ઘર બેઠું, ત્યારે નાથુજીએ રોટલીનો બટકું તોડ્યો. રોટલી સહેજ ત્રાંસી હતી. ગીતાએ તરત કીધું, "રોટલી આજે કવિતાએ બનાવી છે, એટલે થોડી પાકિસ્તાન ના નકશા જેવી થઈ છે!
"કવિતા કાન થી વાયા મગજ પર લવિંગ્યા મરચા ખાધા હોય એવો તમરો બોલ્યો, એણે તરત સામો ઘા કર્યો, "ભલે પાકિસ્તાન ના નકશા જેવી હોય કે આફ્રિકા ના નકશા જેવી હોય, પણ શાકમાં આટલી રાઈ નો પહાડ નાખીને તેલનો કૂવો કોણે કર્યો છે એય મને ખબર છે!"
ભગો અને દિલો એકબીજાના મોઢા જોવા લાગ્યા કે આ નવી નવી વહુઓ દસૈયા ના દિવસો માં જ કેમ બાઝવા મંડી? નાથુજીએ ત્રાડ પાડી,
"આ ઘરમાં આ શું માંડ્યું છે? હજુ તો લગનની ચોરીના લીલા વાંસ પણ નથી સુકાયા ત્યાં કજિયા?"
બધા શાંત થઈ ગયા. પણ ખાટલા પર બેઠા બેઠા માવો ચાવતા જગાભાઈના મોઢા પર એક વિજયી સ્મિત હતું. જાણે ભારત માટે ત્રીજો વર્લ્ડ કપ એમણે જીતાડ્યો હોય ,એમનો દાવ સફળ રહ્યો હતો. ઘરમાં હવે વહુઓના ઝઘડા ચાલુ થઈ ગયા હતા એટલે એમની કુંવારાપણાની ચર્ચા બંધ થઈ ગઈ હતી.પણ જગાભાઈ એ ભૂલી ગયા હતા કે સ્ત્રીઓની દુશ્મની જેટલી જલ્દી થાય, એટલી જ જલ્દી એ બંને ભેગી પણ થઈ જાય!
બીજા દિવસે બપોરે ગીતા અને કવિતા ઘરના ચોકમાં કપડાં ધોતી હતી. વાતો વાતોમાં ગીતાએ પૂછ્યું, "કવિતા, તને કાલે કોણે કીધું તું કે મને તારી રોટલી વાંકી લાગે છે?"
કવિતા બોલી, "કેમ?,મોટા જેઠજીએ કીધું તું!
અને તને રાઈ વાળી વાત કોણે કીધી તી?"
ગીતાની આંખો મોટી થઈ, "એ પણ મોટા જેઠજીએ જ!"
બન્ને વહુઓ સમજી ગઈ કે આ કુંવારા જેઠળા એ જ બેય વચ્ચે આગ લગાડી છે.
ગીતાએ કપડું ધોકાવતા કીધું, "અચ્છા... તો આ જેઠજીના કામ છે! કુંવારા છે એટલે બહુ ચરબી ચડી છે ને? ચાલ કવિતા, હવે આ કુંવારા જેઠને એવો પાઠ ભણાવીએ કે જિંદગીભર યાદ રાખે!"
બંને વહુઓએ ભેગા મળીને જગાભાઈ સામે એક ભયંકર કાવતરું ઘડી કાઢ્યું. એવું કાવતરું, જેની અસર સીધી જગાભાઈના સૌથી વહાલા 'માવા અને ઊંઘ' પર થવાની હતી!
જુઓ આગળનો ભાગ-૩…