*પ્રકરણ ૪: વૃદ્ધાશ્રમની ખામોશી અને અંતિમ સત્ય**
ગાડી જ્યારે વૃદ્ધાશ્રમના લોખંડી અને ઠંડા ગેટ પાસે આવીને ઉભી રહી, ત્યારે જાણે સમય થંભી ગયો હતો. રઘુભાઈએ શાંતિબાનો ધ્રૂજતો હાથ પોતાના હાથમાં મજબૂતીથી પકડી લીધો. એ હાથમાં પસ્તાવો નહોતો, પણ એક નસીબનો સ્વીકાર હતો. જગાએ ગાડીમાંથી ઉતરીને અંદર જઈને મેનેજર સાથે વાત કરી, જરૂરી કાગળો પર સહી કરી, આશ્રમની ફી પેટે થોડા રૂપિયા આપ્યા અને મા-બાપને એક અજાણ્યા, સાંકડા રૂમમાં મૂકીને ચાલતી પકડી. એણે પાછળ વળીને જોવાની પણ હિંમત ન કરી, કારણ કે એ જાણતો હતો કે જો એ પાછળ જોશે તો કદાચ પિતાની એ આંખો સાથે નજર મળી જશે જેણે એને આખી દુનિયા બતાવી હતી. જગો ગાડી લઈને શહેર તરફ ભાગ્યો, જાણે કોઈ બહુ મોટો બોજ ઉતારીને હળવા થયા હોય!
વૃદ્ધાશ્રમની એ પહેલી રાત રઘુભાઈ અને શાંતિબા માટે સદીઓ જેવી લાંબી અને કાળી ભયાનક હતી. આસપાસ કેટલાય વડીલો હતા—કોઈનો દીકરો અમેરિકામાં મોટો એન્જિનિયર હતો, તો કોઈનો દીકરો મોટો ઉદ્યોગપતિ હતો. પણ એ બધા વડીલોમાં એક કરુણ સમાનતા હતી: બધા જ પોતાની જ સગા લોહીથી ત્યજાયેલા અને 'નિરાધાર' હતા. રૂમના એક ખૂણામાં બેસીને શાંતિબા પોતાના ફાટેલા પાલવથી આંસુ લૂછતાં-લૂછતાં ડૂસકાં ભરી રહ્યા હતા. એમનું હૈયું ફાટી રહ્યું હતું. જે દીકરાને નવ મહિના પેટે વેંઢાર્યો, જેને કાલીઘેલી ભાષામાં બોલતાં શીખવ્યું, એ જ દીકરો આજે એમને નકામી વસ્તુની જેમ અહીં ફેંકી ગયો હતો.
રઘુભાઈએ શાંતિબાની નજીક સરકીને એમના ખભા પર હાથ મૂક્યો અને સાંત્વના આપતા ભારે અવાજે કહ્યું, "શાંતિ, હવે રડ્યે શું વળશે? આપણે તો પથ્થરની મૂર્તિમાં જીવ રેડવાની કોશિશ કરી હતી. આપણને એમ હતું કે જગદીશ આપણું દુઃખ હરશે, આપણો ઘડપણનો સહારો બનશે... પણ એ તો સાક્ષાત્ જગદીશ નહીં, માત્ર સ્વાર્થી 'જગો' નીકળ્યો. આપણી જ ક્યાંક ભૂલ રહી ગઈ. આપણે દીકરાને મોટી નિશાળોમાં ભણાવ્યો, સાહેબ બનાવ્યો, પણ માણસાઈ ભણાવવાનું કદાચ આપણે ભૂલી ગયા."
આમને આમ આશ્રમમાં બે વર્ષ વીતી ગયા. આ બે વર્ષમાં જગાએ એકવાર પણ ફોન કરીને મા-બાપ જીવે છે કે મરી ગયા એ પૂછવાની તસ્દી ન લીધી. શહેરના ઝાકઝમાળમાં અને પાયલની મોજમજામાં એ પોતાના જ મા-બાપને ભૂલી ગયો હતો. આ બાજુ, દીકરાના વિરહમાં અને આશ્રમની એકલતામાં શાંતિબાનું શરીર ગળવા લાગ્યું. એમને ફેફસાની ગંભીર બીમારી લાગુ પડી ગઈ. આખો દિવસ એ ખાંસી ખાતા અને ખાટલામાં પડ્યા રહેતા. આશ્રમના ડોક્ટરે કહી દીધું હતું કે, "રઘુભાઈ, માજી પાસે હવે બહુ ઓછો સમય છે. એમના હૃદયના ધબકારા ગમે ત્યારે થંભી શકે છે."
એક સાંજે શાંતિબાની તબિયત બહુ લથડી. એમનો શ્વાસ રૂંધાવા લાગ્યો. એમની ઝાંખી પડતી આંખો રૂમના દરવાજા તરફ ટકેલી હતી. એ ધ્રૂજતા અવાજે એક જ નામ લેતા હતા, "મારો જગો... મારો જગો ક્યાં છે? રઘુ, એકવાર મારા જગાને બોલાવી દો, મારે એનું મોઢું જોવું છે... મારો મારે કઈ ફરિયાદ નથી કરવી બસ એક છેલ્લી વાર જોવો છે..."
શાંતિબાની આ હાલત જોઈને રઘુભાઈનું કાળજું કંપી ઉઠ્યું. ન છૂટકે, તેમણે વર્ષો પછી ધ્રૂજતા હાથે આશ્રમના ઓફિસના ફોન પરથી જગાનો નંબર લગાવ્યો. ત્રણ-ચાર વાર રીંગ વાગ્યા પછી જગાએ ફોન ઉપાડ્યો.
"કોણ? ફટાફટ બોલો મારી પાસે સમય નથી મિટિંગ માં છું ઉતાવળો અવાજ સંભળાયો.
રઘુભાઈએ કરગરીને કહ્યું, "બેટા જગા... હું તારો બાપુજી બોલું છું. બેટા, તારી મા બહુ બીમાર છે. એની છેલ્લી ઘડીઓ ચાલે છે. એ બસ તારું જ નામ રટે છે. એકવાર આશ્રમે આવી જા બેટા, એનો જીવ તારી રાહ જોઈને અટકેલો છે..."
પણ જગાના પથ્થર દિલ પર આ વાતની કોઈ અસર ન થઈ. એણે કહ્યું, "બાપુજી મીટિંગમાં છું, હું અટવાયેલો છું, અત્યારે બોવ જરૂરી મિટિંગ માં છું 3 કલાક પછી નીકળું!" અને એટલું કહીને જગાએ ફોન કાપી નાખ્યો.
રઘુભાઈના હાથમાંથી ફોન સરી પડ્યો. એમની આંખોમાંથી ગરમ આંસુ વહી નીકળ્યા. જે દીકરા માટે લોહી વેચ્યું, એની પાસે માના છેલ્લા દર્શન માટે બે મિનિટનો સમય નહોતો! રઘુભાઈ ભારે પગે શાંતિબાના ખાટલા પાસે આવ્યા. શાંતિબાએ આશાભરી આંખો ઊંચી કરી અને પૂછ્યું, "રઘુ... મારો જગો આવશે ને? એણે શું કીધું?"
રઘુભાઈનું હૈયું ફાટી જતું હતું, પણ પોતાની પત્ની શાંતિથી મરી શકે એટલા માટે તેમણે જિંદગીનું સૌથી મોટું અને પવિત્ર ખોટું બોલવાનું નક્કી કર્યું. તેમણે શાંતિબાનો હાથ પકડીને નકલી સ્મિત સાથે કહ્યું, "હા શાંતિ! જગાનો ફોન હતો. એ તો તારું સાંભળીને રડી પડ્યો. એ અત્યારે જ ગાડી લઈને નીકળી ગયો છે. બસ, રસ્તામાં જ છે, હમણાં થોડી વારમાં જ અહીં પહોંચી જશે. તું આંખો બંધ કર, એ હમણાં આવી જશે..."
શાંતિબાના ચહેરા પર એક સંતોષનું સ્મિત આવી ગયું. એમને લાગ્યું કે એમનો દીકરો આવી રહ્યો છે. એ જ વખતે આશ્રમના પ્રાંગણમાં દીવા પ્રગટ્યા અને રોજની જેમ વડીલોની ભજન સભા શરૂ થઈ. એક યુવાન હાથમાં ડફલી લઈને જે ભજન ગાઈ રહ્યો હતો, એના શબ્દો રઘુભાઈના કાળજાને વીંધી રહ્યા હતા:
> **॥ ભજન: લોહીના સંબંધો ॥**
> હે જી... લોહી રે વેચીને જેને Layaak બનાવ્યો,
> એણે લોહીના સંબંધોને લજાવ્યા રે...
> માટીના મોહમાં એવો તે મોહ્યો,
> કે ઘરના જ દેવને વળાવ્યા રે...
> જીવડા! અંતરની આંખલડી ખોલજો રે.
> પરસેવો પાડીને જેને પાયો રે પોષ્યો,
> હૈયાના હેત એને પાયા;
> શાંતિના ગળાનું સોનું રે વેચ્યું,
> ને જગાને બેઠો રે કરાયો...
> આજે સોનાની સાંકળમાં જીવ એવો બંધાયો,
> કે કાચા એ સંબંધોને તોડ્યા રે...
> જીવડા! અંતરની આંખલડી ખોલજો રે.
> કાચના બંગલા ને પથ્થરના દિલડાં,
> ત્યાં લાગણીના દીવા રે બુઝાયા;
> ભણી ગણી જગો તો સાહેબ રે બન્યો,
> પણ માણસાઈ ભણવાનું ભૂલાયા...
> જેને ખભે બેસાડી આખી દુનિયા બતાવી,
> એણે આશ્રમના દ્વારે રે ઉતાર્યા રે...
> જીવડા! અંતરની આંખલડી ખોલજો રે.
> સમયનું ચક્ર તો ગોળ રે ફરશે,
> વાવશો તેવું જ લણશો;
> આજ જે ઉંબરે મા-બાપ રે રડ્યા,
> કાલે એ જ ઉંબરે તમે રડશો...
> **'અશોક'** કહે પ્રભુ એવી તે મતિ દેજે,
> કે કુળના દીવડા ના ઓલાય રે...
> જીવડા! અંતરની આંખલડી ખોલજો રે.
>
બહાર ભજન પૂરું થયું અને અહીં ખાટલા પર શાંતિબાનો હાથ ધીમેથી રઘુભાઈના હાથમાંથી સરી પડ્યો. એમની આંખો ખુલ્લી રહી ગઈ, પણ શ્વાસ થંભી ગયા. દીકરો રસ્તામાં છે એવા ખોટા આશ્વાસન સાથે શાંતિબાનો જીવ વયો ગયો.
રઘુભાઈ શાંતિબાના દેહને વળગીને ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા. "શાંતિ... મને માફ કરજે, મેં તને ખોટું કીધું. જગો નથી આવ્યો અને એ ક્યારેય નહીં આવે! એ માટીના મોહમાં અંધ થઈ ગયો છે."
જે ઉંબરે સુખના સપના જોયા હતા, ત્યાં આજે લોહીના સંબંધોનો આ રીતે કરુણ અંત આવ્યો હતો. રઘુભાઈએ શાંતિબાની ખુલ્લી આંખો બંધ કરી અને આકાશ સામે જોયું. હવે શાંતિબા ના અગ્નિ સંસ્કાર પૂરા થયા ત્યાં જગો આવ્યો.
પાપા હવે એકલા તમને આયા નઈ ગમે ! ચાલો હું પાયલ ને સમજાવી દઈશ , તે માની જશે
રઘુ એ જગા સામું જોયું , શાંતિબા ની રાખ એક પોટલી માં લીધી , ચાલતા થયા
ચાલતા ચાલતા કહ્યું બેટા ! હવે ઘણું મોડું થઈ ગયું
તું તારું સંસાર ચલાવ ને
બસ ધ્યાન રાખજે , તારો દીકરો તારા જેવો ન થઈ
આટલું કહી. રઘુભાઈ ચાલતા થઈ ગયા
-સમાપ્ત
આ મારી વાર્તા કેવી લાગી તે જરૂર થી જણાવજો
વાર્તા ગમે તો follow કરવાનું ભૂલતા નઈ
આપની પ્રતિક્રિયા જરૂર થી આપજો
🙏🏻✨