મને કોલેજમાં નોકરી શરૂ કરવા કહ્યું પણ મારે ઘણું બધું ગોઠવવું પડે એમ હતું. મેં એમની પાસે સાત દિવસનો સમય માગ્યો. પહેલું તો મારે દિકરા માટે ઘરેથી આવવા જવાનું ગોઠવવું પડે એમ હતું. કેમ કે કોલેજનો સમય વહેલો હતો. અને એટલો વહેલો હું દિકરાને લઈને નીકળી ન શકું અને જો કદાચ લઈ ને નીકળું તો પણ એને એની શાળાએ કેવી રીતે મૂકું ? પહેલા તો હું જે શાળામાં નોકરી કરતી હતી એમણે મને એ મંજૂરી આપી હતી કે હું મારા સમયે દિકરાને મૂકીને પહોંચતી હતી. વળી, સવારનું ટયુશન, સાંજનું ટ્યુશન અને હું જ્યાં નોકરી કરું એ શાળામાં હું દસમા ધોરણના વિદ્યાર્થીઓને ભણાવું હું એકદમ જ એ શાળા છોડી દઉં તો એ વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર લાગી જાય. મારે એ પણ જોવાનું હતું. મેં ઘરે આવીને તમને વાત કરી. તમે કહ્યું તારે કરવાનું છે જેમ કરવું હોય તેમ કર. પણ એમ ન કહ્યું કે દિકરા માટે આપણે સાથે મળીને કંઈ શોધી લઈશું. મમ્મીને વાત કરી તો કહે સાંજે ઘરે પણ ટયુશન વાળા આવે છે તે વિચારીને કરજે. અને એમ પણ કહ્યું હતું કે ઘરની ફિકર તું ના કરતી. હું બધું જ સંભાળી લઈશ. ખરેખર સાચું કહું તો મારા મનમાં એ વખતે કોઈ પણ વિચાર એવા ન હતા કે મમ્મી મારી સાથે કંઈક ખોટું કરે છે. હું એમ વિચારતી કે આપણી આર્થિક સ્થિતિ સુધરે એના માટે મમ્મી એમ કહે છે કે તું તારે કમાણી કર બીજું બધું હું જોઈ લેવા. મને ઘણીવાર એમ થતું કે હું ખૂબ જ નસીબદાર છું કે મને આવા સાસુ મળ્યા છે જે મને દરેક રીતે સપોર્ટ કરે છે. વળી, તમે પણ હંમેશા મારી વાત માની લેતા હતા. અત્યારે હું જે આ કહું છું એ લગ્નના રપ વર્ષ પછી મેં જે એમનો સાચો ચહેરો જોયો ત્યારે મારી આખી જીંદગી મારી આંખો સામે પસાર થઈ ગઈ તે કહી રહી છું. પણ મને ખરેખર મારી જીંદગીનો દરેક દિવસ યાદ છે જે જણાવી રહી છું. મેં એ સમયે બે દિવસ વિચાર કર્યો. મારી શાળામાં પણ જણાવી દીધું કે હું સાત દિવસ પછી શાળા છોડું છું. દિકરા માટે એની શાળાની બહાર જે વાનવાળા ઊભા રહે તેમનો સંપર્ક કર્યો તો એક ભાઈનો સંપર્ક થયો જે આપણા ગામની આગળથી છોકરાઓને લઈને આવતા હતા. મેં એમને વાત કરી કે તમે મને મારા દિકરાને ઘરેથી લઈ આવશો ? સાંજે તો હું કોલેજથી છૂટીને જાઉં ત્યારે લઈ જવા જેથી એક જ સમયના પૈસા આપવા પડે. પણ એ ભાઈએ એમ કહયું કે એક સમય નહીં પણ બંને સમય હોય તો આવીશ. મારી પાસે એમને હા કહેવા સિવાય બીજો વિકલ્પ જ ન હતો. આમ, મેં દિકરાનું શાળાએ જવા આવવાનું નક્કી કરી દીધું. પણ હું જયાં જતી એ શાળામાં હજી સુધી કોઈ શિક્ષકની નિમણૂક થઈ ન હતી. એટલે શાળાના સંચાલકે મને કહ્યું કે જ્યાં સુધી બીજા શિક્ષકની વ્યવસ્થા નથી થતી ત્યાં સુધી તમે નવમા અને દસમા ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવા આવશો તો સારું રહેશે. મેં એમને કહ્યું કે હું ભણાવવા આવું પણ મને સવારે જ સમય મળશે. તો એમણે કહ્યું કે વાંધો નહીં હું એ વાલીઓને વાત કરી લઈશ કે થોડો સમય તેઓ વિદ્યાર્થીઓને સવારે તમે કહો એ સમયે મોકલી આપે. મેં એમને કહ્યું કે હું બીજા દિવસે તમને કહું. મેં ઘરે આવીને વાત કરી કે જો હું આ રીતે પણ ગોઠવણ કરું તો એવું થશે કે મારે ઘરેથી સવારે ૬ વાગ્યે નીકળી જવું પડે, શાળામાં નવમા દસમા ધોરણના વિદ્યાર્થીઓને ભણાવીને મારે ટ્યુશન કરાવવા જવું પડે અને ત્યાંથી પછી કોલેજ જવું પડે. અને કોલેજથી છૂટીને ઘરે આવીને ટ્યુશન તો ખરા જ. મમ્મીએ કહ્યું કે તું તારે સવારે ટિફિન લઈને નીકળી જજે હું છોકરાઓને તૈયાર કરીને મોકલી આપીશ. એમનું બધું હું જોઈ લેવા. ને મને રાહત થઈ ગઈ. મેં બીજા દિવસે શાળામાં કહી દીધું કે હું સવારે આવી જઈશ અને પછી મારી દોડધામની એક નવી શરૂઆત થઈ ગઈ.