રામપુરની સવાર સામાન્ય રીતે કોયલના ટહુકાથી જાગતી, પણ આજે રામપુર પંચાયત કચેરીની અંદરનો ગરમાવો ગામની શાંતિને ચીરી રહ્યો હતો. બંધ બારણાં ની પાછળ સરપંચ મનજીભાઈ અને તલાટી હસમુખલાલની ફૂસફૂસ ચાલતી હતી. મુદ્દો હતો ગામનો નવો સીસી રોડ અને ભૂગર્ભ ગટર. કાગળો બોલતા હતા કે કામ ‘સંપૂર્ણ’ થઈ ગયું છે. ₹૧૫ લાખના ચેક પણ પાસ થઈ ચૂક્યા હતા. પણ હકીકત? ગામની મુખ્ય શેરી આજેય ધૂળની ડમરીઓ અને ખાડાઓથી ભરેલી હતી. વિકાસ ફક્ત ફાઈલોમાં જ દોડતો હતો. બરાબર એ જ સમયે, શહેરમાંથી એન્જિનિયરિંગ કરીને પાછો ફરેલો આર્યન એક જરૂરી દાખલો કઢાવવા પંચાયતમાં આવ્યો. તેની આંખો સપના લઈને પાછી આવી હતી, પણ કાનમાં ભ્રષ્ટાચારની વાતો પડતી રહેતી. તેણે જોયું કે સરપંચ એક જાણીતા કોન્ટ્રાક્ટર સાથે હળવાશથી ચા પી રહ્યા હતા. અચાનક આર્યનની નજર ટેબલ પર પડેલી ફાઈલ પર ગઈ. મોટા અક્ષરે લખ્યું હતું: “સીસી રોડ કાર્ય પૂર્ણાહુતિ અહેવાલ – કુલ ખર્ચ ₹૧૫,૦૦,૦૦૦”. આર્યનના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે રસ્તે તે પગપાળા આવ્યો, ત્યાં તો સિમેન્ટનું નામોનિશાન નહોતું. હિંમત ભેગી કરીને તેણે પૂછ્યું, “સરપંચસાહેબ, આ કયા રોડની વાત છે? આપણી શેરીમાં તો હજી કાંકરી સુદ્ધાં નથી.” હસમુખલાલે ચશ્માના કાચ લૂછતા કહ્યું, “બેટા, આ બધી ટેકનિકલ વાતો છે. ઉપરથી ગ્રાન્ટ લાવવા કાગળ પર કામ પહેલા પૂરું બતાવવું પડે. કામ તો હવે પછી શરૂ થશે.” શબ્દો ગોળ હતા, પણ આર્યન સમજી ગયો કે દાળમાં કંઈક કાળું છે. રાત્રે તેણે RTI એક્ટ વિશે વાંચ્યું.RTI કર્યા પછી તેણે જાણ્યું કે આ કૌભાંડની ત્રણ મુખ્ય ચાવી હતી:
૧. બોગસ મજૂરો: પંચાયતના સભ્યોના સગાઓના નામે નકલી જોબકાર્ડ બનાવી, તેમના ખાતામાં પૈસા જમા કરાવી રોકડા ઉપાડી લેવાતા.
૨.હવામાંથી મટીરીયલ: જે રેતી-કપચી ગામમાં આવી જ નહોતી, તેના લાખોના બિલ સ્થાનિક વેપારીઓ સાથે ‘સેટિંગ’ કરીને બનાવી દેવાયા હતા.
૩.જૂનાનું નવું: પાંચ વર્ષ જૂના રોડના ફોટા પાડી, ફોટોશોપ કરી સરકારી પોર્ટલ પર ‘નવું કામ’ તરીકે અપલોડ કરાયા હતા.
આર્યને છૂપી રીતે તપાસ શરૂ કરી. એક રાત્રે પંચાયત કચેરીના પાછળના સ્ટોરરૂમમાંથી તેને એક જર્જરિત રજિસ્ટર મળ્યું. એ રજિસ્ટર પર ‘કાળા અક્ષરે’ હિસાબ લખેલું હતું—કયા નેતાને કેટલા ટકા, કયા અધિકારીને કઈ ‘ભેટ’, અને કોન્ટ્રાક્ટરનો નફો કેટલો. આખા કૌભાંડની કુંચી તેના હાથમાં હતી. જેવો તે રજિસ્ટર લઈ બહાર નીકળવા જાય, ઓફિસની ટ્યૂબલાઈટ ઝબકીને ચાલુ થઈ. સામે સરપંચનો ખાસ માણસ, વિક્રમ, હાથમાં જાડી લાકડી લઈને ઊભો હતો. તે ધીમેથી હસ્યો, “આર્યનભાઈ, કોલેજનું ભણતર ગામડામાં બહુ જોખમી સાબિત થાય, ખબર છે ને?” આર્યન કોઈક રીતે બારીમાંથી કૂદીને ભાગ્યો. શ્વાસ હાંફતો-હાંફતો ઘરે પહોંચ્યો, પણ રાહતની જગ્યાએ નવો બોમ્બ ફૂટ્યો. તેના બાપુજી, માસ્તર નરોત્તમભાઈ, જે આખા ગામમાં પ્રામાણિકતાનો પર્યાય હતા અને સારી એવી છાપ ધરાવતા વ્યક્તિ હતા, તેમના નામે સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થઈ હતી: “માસ્તરે જ પંચાયતના ₹૫ લાખ ઓળગ્યા”. નરોત્તમભાઈ ને લોકોના ફોન આવવા લાગ્યા, ગાળો પડવા લાગી. આર્યન સમજી ગયો કે આ સીધો હુમલો હતો. તેને ચૂપ કરવા, તેની વિશ્વસનીયતા ખતમ કરવા આખા પરિવારને નિશાન બનાવાયો હતો. એક તરફ સત્યનું એ રજિસ્ટર હતું, બીજી તરફ પિતાની આબરૂ. તલાટી અને સરપંચે જાળ એવી ગૂંથી હતી કે આર્યન બોલે તો પરિવાર બદનામ થાય, અને ચૂપ રહે તો આખું ગામ લૂંટાઈ જાય. હવે સવાલ એ હતો કે આર્યન કયો રસ્તો પસંદ કરશે? શું તે એકલો આ ભ્રષ્ટ તંત્ર સામે ટકી શકશે? કે પછી ‘ગ્રાન્ટનો ગરાસ’ આખરે તેના જ પરિવારને ગળી જશે?
આર્યન આગળ શું પગલા લેશે તે જોઈએ ભાગ-૨ માં, તો ટૂંક સમય માં મળીયે ભાગ-૨ માં.