નવાં થતાં ઘરો SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નવાં થતાં ઘરો

આજકાલ  લગ્ન કર્યા પછી અને વધુ તો, કુટુંબ  થયા પછી દર વર્ષે વધતાં જતાં ભાડાંઓમાં જીવનશૈલી તંગી અનુભવવા લાગે છે એટલે  પોતાનું ઘર તો જેમ બને તેમ જલ્દી સહુ કરવા ઇચ્છે છે. આજથી ચાલીસ વર્ષ અગાઉ તો હાઉસિંગ લોન માટે ભાગે બેંકના સ્ટાફને, એ પણ પાંચેક વર્ષની નોકરી પછી મળતી. સરકારી અને પ્રાઇવેટ નોકરીઓ વાળાને તો માંડ મળતી. એને બદલે હવે તો તમારો પગાર નિયમિત અને સારો હોય તો હાઉસિંગ લોન મળી રહે છે. સામે હપ્તા પણ આખો પગાર જતો રહે એવા હોય છે પણ એક વખત પોતાનું  ઘર કર્યું એટલે દર વર્ષે બે વર્ષે નવું મકાન, નવો વિસ્તાર એ બધી મુશ્કેલી નહીં. મકાનની કિંમતો 2021 ના કોરોના કાળ પછી અમર્યાદિત ઝડપે વધતી રહે છે. બિલ્ડરોની નફાખોરી અને મનમાની પર રોક લગાવવા રેરા  જેવા કાયદાઓ તો આવ્યા પણ કહે છે ને કે ઊંટે કર્યાં ઢેકાં તો માણસે કર્યાં પલાણ. એ લોકોની લોબી કોઈ રસ્તા ગોતી જ કાઢે છે. એમાં છેલ્લે એક દોઢ વર્ષમાં બનેલ મકાનો તો ગરજના માર્યા લેવાં પડે એટલે લો એવું જ થઈ ગયું છે. હોટલના રૂમ કરતાં પણ ઓછી સુવિધા અને જગ્યાઓ. ઈશ્વર કૃપાએ મારે તો  હવે  સારાં  મોટાં ઘરમાં રહું છું. એટલે આ Rera વગેરે માં બહુ ચાંચ ન ડૂબે.હમણાં હમણાં  એક દોઢ વર્ષમાં બનેલા ફ્લેટ્સ જોઉં છું - ફલેટના ડ્રોઈંગ રૂમ ખૂબ નાના, ડાઇનિંગ ને રસોડાની જગ્યા કોમ્પેક્ટ. એ પાછો  ડાઇનિંગ એરિયા ડ્રોઈંગ રૂમમાં સમાવી લીધેલો હોય!  વચ્ચે પાર્ટીશન તમારે જે કરાવવું પડે!ટીવી માટે એક જ જગ્યા ઠીક રહે ને એ ડોરની બાજુમાં ખૂબ નજીક હોય. સોફા ટુ સીટર  બે રાખો એટલે જગ્યા પૂરી!

રસોડાં પાછળ વોશિંગ મશીન માંડ સમય એવડી  જ ચોકડી. કટોકટ બેડરૂમ્સ.

પાછી ચાર ફ્લેટ વચ્ચે જગ્યા  વીસ પચીસ લોકો બેસી ફંક્શન કરી શકે એવડી!  ચાલીસ બાય ચાલીસ ફિટ કે વધુ!

નીચે ચાલવા કરવા પહેલેથી લાદીનો પાથ બે કાર સામસામેથી પસાર થાય ઉપરાંત બેય બાજુ 6 -6 ફૂટ વધે એવડો પહોળો.  ઉપરથી બિલ્ડરે વાવેલ કૂંડાંઓની હાર હોય. બાલ્કની અહીં મારા વિસ્તાર નજીક 2020 આસપાસ બનેલ મહેર  હોમ્સ કે સફળ પરિસર જેવી જગ્યાએ ટૂંકી તો ટૂંકી, ખુરશી નાખી બેસાય  એટલી ખરી. જે આ એક દોઢ વર્ષમાં બનેલ મકાનોમાં ખાલી ડ્રોઈંગ રૂમની બહાર પડતી ભીંતમાં મોટો ભાગ સ્લાઇડિંગ ડોર  કરી ખુલ્લો મૂકી દે એ જ.

ક્યાંક જોયું કે આગળ એક  કે સવા ફૂટ પહોળો પણ ડ્રોઈંગરૂમ કે બેડરૂમની ભીંતથી ખાસ્સો બે ફૂટ નીચો ભાગ બહાર હોય અને એની આગળ ઊભા સળિયાની રેલીંગ! કહેવાયું કે એ પ્લાન્ટ્સ માટે છે. પણ તો કપડાં સુકવવા વગેરે યુટિલિટી અને બાલ્કનીના હેતુ નું શું? કોઈ બે ફૂટ નીચે કૂદકો મારી ઉતરી શકે? કે ત્યાં કપડાં  સૂકવવાનું સ્ટેન્ડ રાખી શકે? નાની સીડી કરો તો એનો ઢાળ પણ દોઢ ફૂટ પહોળાઈમાં ન આવે.

કોઈએ કહ્યું કે એ ભાગ ઘરના એરિયામાં ન આવે એટલે બિલ્ડરે ધરાર એને એટલો નીચો ને સાંકડો કર્યો હોય છે કે એનો ઉપયોગ ન થાય.

કરોડ દોઢ કરોડ ખર્ચીને જિંદગી આખી હપ્તા  ભરવાના હોય એ ફ્લેટમાં આવી છેતરપિંડી?

સાલું આપણા દાદાઓ ના પિતાઓ 60 નાદસકામાં જમીનનો ટુકડો લઈ કરતા એમ મકાન હવે નથી થતું.  બધાને બિલ્ડરો બાંધે એ જ લેવું પડે છે. હદ છે બિલ્ડરોની નફાખોરીને. આજે કાવેરી સોહમ, વકીલ બ્રિજ પાસે ગયેલો. ત્યાં પણ એમ જ, ફ્લેટની સાઇઝ કરતાં વધુ ખુલ્લી જમીન  પાથ, બે ફ્લેટ વચ્ચે મોટી જગ્યા એમ આપી ઘરો બહુ જ કોમ્પેક્ટ કરેલ છે. બાલ્કની જેવું ન હતું પણ એ ખુલ્લી ભીંત નીચે બે અઢી ફૂટ નીચે દોઢ ફૂટ ખુલ્લો ભાગ . આમ નવા ટાવરોમાં વિશાળ ખુલ્લી જગ્યા અને સાવ નાના રૂમ રસોડાં વાળાં ઘરો થઈ ગયાં છે જેમાં બે પોતે અને બે બાળકો, કદાચ વૃદ્ધ મા બાપ હોય તો 3Bhk પણ સરખી રીતે રહી ન શકાય એવું મળે.બહુ મોટાં પ્રોમિસ આપેલ એ  રિ ડેવલપમેન્ટ માં ઊભાં  થઈ રહેલ ફ્લેટ્સ માં પણ એ જ રીતે દોઢ ફૂટ પહોળો, બે ફૂટ નીચે ખાડો ફલેટના લાઇનબંધ ડ્રોઈંગ, ત્રણ બેડરૂમ બહાર દોડતો નીચો વિસ્તાર પ્લાન્ટની જગ્યાને નામે છે. જો કે સાવ એકાદ ફૂટ જગ્યા ઊભવા માટે છે પણ એમાં ન ઉપર ગરગડીઓ કરી દોરી બંધાય ન કપડાં નું સ્ટેન્ડ થાય. રસોડું એ બધે એવી રીતે છે કે તેલનો ધુમાડો ત્રણેય બેડરૂમમાં જાય. માંડ ખુલે એવી દોઢ ફૂટ પહોળી જગ્યામાં એક્ઝોસ્ટ ફેન ન આવે એટલે ચીમની નાખવી જ પડે. બધાં ઘરની ચીમનીઓ એક સાથે ધુમાડો કાઢે એટલે સવારે ને સાંજે અમુક ચોક્કસ સમયે ત્યાં તેલનો ધુમાડો ને રસોઈઓ ની મિશ્ર વાસ!

હે ભગવાન, લોકો કેમ રહેશે, કેમ કપડાં ધોશે  સૂકવશે, કેમ રાંધશે, કેમ દસ કલાક કામ કરી આવી લાંબા પગ કરી ટીવી સામે રહે એમ જોશે?  કેમ બાળકો સાથે કંઈક છૂટથી જીવશે?બહુ વિચિત્ર પ્લાન્સ.