Featured Books
શ્રેણી
શેયર કરો

ભૂલ છે કે નહીં ? - ભાગ 105

મમ્મી બિલકુલ માનતા ન હતા. ગમે ત્યાંથી બનેવીને પૈસા આપ એમ કહેતા હતા. પછી તમે વિચાર્યું કે કાકાને પૂછી જોઉં આપે તો. ને તમે કાકાને વાત કરી હતી. કાકાએ તમને કહ્યું કે મારી પાસે પૈસા છે પણ હું ન આપું. હું એકવાર તને આપીશ તો ફરી પાછો તું માગવા આવીશ એના કરતા હું પહેલી વખતમાં જ તને ના પાડી દઉં એ સારું છે. આમ, તમારાથી પૈસાની વ્યવસ્થા ન જ થઈ. એટલે ઘરમાં મમ્મી તો સરખી વાત પણ કરતા ન હતા. હું આખો દિવસ શાળા અને ટ્યુશનમાં પરોવાયેલી હોઉ એટલે આપણને રાતે જ વાત કરવાનો સમય મળતો. હું તમને સમજાવતી કે આપણી પાસે છે જ નહીં તો કેવી રીતે આપવાના ? પણ તમને મમ્મીનું દુઃખી રહેવું ગમતું ન હતું. આમ જ બે ચાર મહિના થયા ને બેનના સસરાએ એમની જમીન વેચી દીધી. એટલે બનેવીનું જે દેવું હતું એ પૂરું થયું અને બીજા રૂપિયામાંથી એ લોકોએ શહેરમાં ઘર લીધું અને બીજી જમીન લીધી. શહેરમાં ઘર લીધું એટલે એ વર્ષ પૂરું થતાં જ ભાણી દસમા ધોરણમાં આવી એટલે બેનના સાસરાવાળા શહેરમાં રહેવા આવી ગયા ભાણીને એમના ઘરે લઈ ગયા. ભાણી માટે દસમા ધોરણના ટયુશનની વ્યવસ્થા એમણે ત્યાં જ કરી દીધી અને ભાણાને પણ ત્યાં જ ટયુશન મૂકી દીધો. એ સમયે તો બનેવીએ જે પૈસા લીધા હતા તે બધા આપી દીધા. હવે, ઘરે આપણે જ હતા. ભાણીને લેવા મૂકવા નો સમય બચી જતો અને સાથે જે ખર્ચો પણ બચી જતો. આમ હવે ધીરે ધીરે આપણે આપણી આવકમાંથી થોડી ઘણી બચત કરી શકતા હતા. એવામાં આપણા દિકરા સાથે એક છોકરો ભણે એની મમ્મીએ મને કહ્યું કે તમે મારા ઘરે આવીને મારા દિકરા દિકરીને ટયુશન કરાવો. જે ફી કહેશો તે આપીશ. મેં કહ્યું ઘરે પૂછીને જણાવીશ. આ વખતે પણ તમને પૂછ્યું તો તમે દર વખતની જેમ એક જ જવાબ આપ્યો કે તારે જે કરવું હોય તે કર. મમ્મીને પૂછયું તો એમણે પણ એમ જ કહ્યું. ને પછી મેં દિકરા સાથે વાત કરી કે જો હું આ ટયુશન કરાવું તો મારે એને ઘરેથી મારી સાથે જ લઈને નીકળવું પડે અને એણે મારી સાથે બેસી રહેવું પડે. એમાં ખોટું તો ન હતું કારણ કે છોકરો તો એના કલાસમાં એની સાથે જ ભણતો હતો એટલે એને જે ભણાવું તે એ પણ ભણી શકે. પણ એણે કહ્યું કે તું એને ભણાવવા જા પણ મને અમારી શાળાના અંગ્રેજીના શિક્ષક ટયુશન કરાવે છે ત્યાં ભણવા મૂકી દે. એની વાત ખોટી ન હતી કારણ કે બધા વિષય તો એ મારી પાસે ભણી લેતો પણ અંગ્રેજી હજી એને વધારે સારી રીતે ભણવું હતું. મેં કહ્યું કે હું સરને મળીશ એમની ફી પૂછીશ જો આપણને પરવડે તેમ હશે તો એમ જ કરીશું. અને બીજા દિવસે હું સરને મળી હતી અને મને લાગ્યું કે સર ની ફી તો ઓછી જ છે પણ મારે દિકરાને ત્યાં મૂકવો હોય તો એના કલાસના છોકરાના ઘરે જઈને ટ્યુશન કરાવવું પડે. એટલે એવું થાય કે એ બે ભાઈ બહેનને ટ્યુશન કરાવું તો એમાંથી દિકરાના અંગ્રેજીના ટ્યુશનની ફી નીકળી જાય અને થોડા રૂપિયા પણ મળે. આમ પણ હવે ભાણીનું કંઈ બંધન હતું નહીં એટલે હું મારો અને દિકરાનો સમય ઈચ્છું એ નક્કી કરી શકતી હતી. ઘરે કોઈને ફેર પડતો ન હતો બસ મારે દિકરીનું થોડું વિચારવાનું હતું. સાંજે તો ઘરે ટયુશન ચાલુ જ હતા આ કરાવવું હોય તો અમારે રોજના કરતા એક કલાક વહેલા નીકળી જવું પડે એમ હતું એટલે મેં દિકરીને પણ સમજાવી કે મારે થોડું કામ હોય એટલે વહેલા જવું પડશે. દિકરી નાની હતી સમજી ગઈ. એને પણ ખબર કે એના શિક્ષકો એના કરતાં પહેલાં શાળામાં આવી જાય એટલે મારે પણ જવું પડે. તમને કે મમ્મીને પૂછવાનો અર્થ ન હતો કારણ કે તમે બંનેએ એમ કહી દીધુ હતું કે તારી જે કરવું હોય તે કર. આમ, મેં મારી મહેનત થોડી વધારી દીધી જેથી આપણા સંતાનોને સારું ભવિષ્ય આપી શકું.