સ્નેહ ની ઝલક - 19 Sanjay Sheth દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્નેહ ની ઝલક - 19

આજના સોશિયલ મીડિયા ના યુગમાં આપણે હજારો લોકો સાથે જોડાયેલા હોઈએ છીએ. દરેક પોસ્ટ પર ‘લાઈક’, દરેક સ્ટોરી પર રિએક્શન  બધું ખૂબ સામાન્ય બની ગયું છે. પરંતુ ક્યારેક એ સામાન્ય લાગતી વસ્તુઓની પાછળ અસામાન્ય લાગણીઓ છુપાયેલી હોય છે.

અનુરાગ રોજ સોશિયલ મીડિયા પર સક્રિય રહેતો. લખવાનું તેને બહુ ગમતું  ક્યારેક જીવન વિશે, ક્યારેક સંબંધો વિશે, તો ક્યારેક પોતાના મનના વિચારો શબ્દોમાં ઉતારતો. લોકો તેની પોસ્ટ વાંચતા, વખાણતા અને આગળ વધતા.

પરંતુ એક નામ એવું હતું, જે હંમેશા દેખાતું દરેક પોસ્ટ પર ‘લાઈક’, દરેક સ્ટોરી પર હાજરી  પરંતુ ક્યારેય એક શબ્દની કોમેન્ટ નહીં.

અનુરાગે ઘણીવાર ધ્યાન આપ્યું, પણ ક્યારેય ખાસ વિચાર્યું નહીં.

એક દિવસ અચાનક મેસેજ આવ્યો
“જય શ્રી કૃષ્ણ”

અનુરાગે પણ જવાબ આપ્યો
“જય શ્રી કૃષ્ણ”

સામાન્ય વાત હતી, પરંતુ કંઈક અલગ લાગ્યું. જિજ્ઞાસા થઈ અને તેણે પહેલી વાર એ વ્યક્તિની પ્રોફાઇલ ખોલી. એક વૃદ્ધ પુરુષ. સરળ ચહેરો. આંખોમાં શાંતિ પણ ક્યાંક ઊંડે એક ખાલીપણું. પ્રોફાઇલમાં લખેલું  નિવૃત્ત શિક્ષક.

થોડી વારમાં ફરી મેસેજ
“જય શ્રી કૃષ્ણ”

આ વખતે અનુરાગે ફક્ત 🙏 મોકલ્યું.

થોડી મિનિટો પછી સામે થી પણ 🙏

અનુરાગને લાગ્યું “કદાચ વાત કરવાની ઇચ્છા છે, પણ શબ્દો નથી મળી રહ્યા.”

એણે અવગણ્યું અને પોતાના કામમાં લાગી ગયો.

પણ અડધા કલાક પછી ફરી મેસેજ આવ્યો
“હેલો”

આ વખતે અનુરાગ રોકાઈ ગયો.

“કેમ છો? તબિયત કેમ છે?” તેણે પૂછ્યું.

વાત શરૂ થઈ.

ધીમે ધીમે એ વૃદ્ધ માણસ ખુલતા ગયા. દરેક મેસેજમાં એક અજાણી પીડા હતી. શબ્દો સરળ હતા, પણ એમાં વર્ષોની એકલતા છલકાતી હતી.

તેમણે લખ્યું

“હું ઘણા વર્ષોથી એકલો જ છું. પત્ની હવે નથી. દીકરાઓ પણ પોતાની દુનિયામાં વ્યસ્ત છે. ઘણા વર્ષોથી કોઈ સંપર્ક નથી.”

અનુરાગના હાથ થંભી ગયા.

તે શું લખે એ સમજાયું નહીં.

વૃદ્ધ આગળ લખતા રહ્યા

“ઘણું બધું છે મારી પાસે… પણ કોઈ પૂછનાર નથી. દિવસ પસાર થાય છે, પણ કોઈ સાથે વાત કરવાની વ્યક્તિ નથી.”

આ શબ્દોએ અનુરાગને અંદરથી હચમચાવી દીધો.

તેને સાંત્વના આપવાનો પ્રયત્ન કર્યો

“ચિંતા ન કરો… સમય બદલાય છે… તમે આનંદમાં રહો… બહાર જાઓ, લોકો સાથે જોડાઓ…”

થોડી ક્ષણો મૌન.

અને પછી એક મેસેજ, જે બધું બદલી નાખે

“તું મારો દીકરો બનશે?”

અનુરાગ સ્થિર થઈ ગયો.

આવો પ્રશ્ન એ પણ એક અજાણ્યા વ્યક્તિ તરફથી
તેના મનમાં સો પ્રશ્નો.

“હું તો તમારા સંતાન ની ઉંમરનો નથી… હું તો બાળક છું…” એણે લખ્યું.

પરંતુ જવાબ આવ્યો

“મારે કંઈ નથી જોઈએ… ફક્ત કોઈ હોય, જેને હું દીકરો કહી શકું… જે મને પૂછે કે તમે કેમ છો?”

હવે શબ્દો નહોતા, ફક્ત લાગણીઓ હતી.

વૃદ્ધ આગળ લખતા રહ્યા
“હું તારી પોસ્ટ રોજ વાંચું છું. તારા શબ્દોમાં મને મારા દીકરાની યાદ આવે છે. તારા ફોટા જોઈને હું ખુશ થઈ જાઉં છું. ક્યારેક એકલો બેસીને હસું છું…”

અનુરાગની આંખોમાં આંસુ આવી ગયા.

તેને સમજાયું આ કોઈ મજાક નથી. આ એક પિતાનું ખાલી પડેલું હૃદય છે.

થોડી ક્ષણો પછી તેણે ધીમેથી લખ્યું

“આજથી હું તમારો દીકરો છું.”

અને સાથે પોતાનો નંબર પણ મોકલી દીધો.

“જ્યારે મન થાય, ફોન કરજો.”

એટલું લખીને તેણે ફોન સાઇડમાં મૂકી દીધો.

પણ તેની અંદર તોફાન ચાલી રહ્યું હતું.

તે વિચારી રહ્યો હતો

આવું કેમ બને

એક બાપ, જેણે આખી જિંદગી પોતાના બાળકો માટે જીવ્યો, આજે એકલો કેમ

શું દીકરાઓને યાદ નથી આવતું

આ પ્રશ્નો એને અંદરથી કચડી રહ્યા હતા.

તેને સમજાયું

પૈસા, પ્રોપર્ટી, સુખ-સગવડો આ બધું હોવા છતાં, જો સંબંધો ન હોય, તો જીવન ખાલી જ રહે છે.

એક બાજુ એક વૃદ્ધનો એકાંત

બીજી બાજુ દુનિયાની ચમકધમક

અનુરાગે પોતાના મનને પૂછ્યું

જો સંબંધો જ સાચવવાના ન હોય તો આ બધું કમાવાનો અર્થ શું

તે રાત્રે એને ઊંઘ ન આવી.

તેના વિચારો બદલાઈ ગયા.

હવે તે પોસ્ટ લખે છે પરંતુ ફક્ત શબ્દો નહીં,
લાગણીઓ લખે છે.

હવે જ્યારે કોઈ ‘લાઈક’ આવે, તે વિચાર કરે છે

કદાચ આ પાછળ પણ કોઈ એકલો માણસ હશે

અને હવે તે દરેક સંબંધને થોડું વધુ ગંભીરતાથી લે છે.
કારણ કે તેને હવે સમજાયું છે

ક્યારેક એક ‘લાઈક’ ફક્ત રિએક્શન નથી હોતું

એ એક નિઃશબ્દ પોકાર હોય છે
કોઈકના એકાંતની
કોઈકના તૂટેલા સંબંધોની
અને કોઈકના “દીકરા” ની રાહ જોતી લાગણીઓની

આંખોમાં સપનાઓ લઈને જન્મ્યો હતો દીકરો,
પિતાએ પોતાના સ્વપ્નોને મૌન કરી દીધા.
પગલે પગલે રસ્તો સાફ કર્યો જીવનમાં,
અને પોતાના દુઃખોને હાસ્યમાં છુપાવી દીધા.

પોતાની ભૂખ દબાવી એને રોટલી ખવડાવી,
પોતાના સપના તોડી એને આકાશ આપ્યું.
સૂરજ જેવી તાપમાં ઊભો રહી પિતા,
દીકરાને હંમેશા ઠંડું છાંયો આપ્યું.

વર્ષો વીતી ગયા, સમય બદલાઈ ગયો,
હવે દીકરો પોતાની દુનિયામાં ખોવાઈ ગયો.
જે હાથ પકડીને ચાલતા શીખવ્યો હતો,
એ જ હાથ આજે એકલો રહી ગયો.

પિતાના ફોનમાં નંબર તો છે દીકરાનો,
પણ કોલ કરવા પહેલાં હજારો વિચાર આવે.
“તકલીફ ન થાય એને” કહીને મૌન રહી જાય,
અને એકાંત ફરી એને ઘેરી જાય.

ઘરમાં બધું છે, દિવાલો પણ સાક્ષી છે,
પણ હાસ્ય હવે ક્યાંક ખોવાઈ ગયું છે.
જે ઘર ક્યારેક અવાજોથી ગુંજતું હતું,
એ જ ઘર આજે મૌનમાં ડૂબી ગયું છે.

દીકરો દોડે છે પૈસા અને નામ પાછળ,
પણ એ નથી જાણતો એક સત્ય ઊંડું,
પિતા માટે સૌથી મોટી સંપત્તિ એ જ હતી,
જેને આજે એણે જ છોડી દીધું.

ક્યારેક પૂછે તો સાચું સુખ શું હોય,
તો પિતાની આંખો જવાબ આપી દેશે,
“મારે કંઈ નથી જોઈએ આ દુનિયામાં,
ફક્ત એક વાર ‘બાપ’ કહીને બોલાવી દેશે…”