લંડન, ઓક્સફોર્ડ સ્ટ્રીટ અને એક શાંત કાફે
સાંજના ચાર વાગ્યા હતા. લંડનની ઓક્સફોર્ડ સ્ટ્રીટ પર ક્રિસમસ પછીની રોશની હજુ પણ ઝળહળી રહી હતી. વચન મુજબ, એબી રિયાને પિક-અપ કરવા માટે તેના પીજી પર પહોંચી ગયો હતો. રિયાએ પેલો લાઈટ પિંક ફ્લોરલ ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે લંડનની ઠંડીમાં ખીલેલા ગુલાબ જેવી લાગતી હતી.
"વાહ! આજે તો મારી 'ફિઝિક્સ પ્રોફેસર' કોઈ મોડેલથી ઓછી નથી લાગતી," એબી એ કારનો દરવાજો ખોલતા મસ્તી કરી. રિયાએ જવાબમાં બસ એક હળવું સ્મિત આપ્યું.
લંડનની થીજવી દેતી ઠંડીમાં પણ ઓક્સફોર્ડ સ્ટ્રીટ પર લોકોની ભીડ ઓછી નહોતી. તેઓ 'સેલ્ફ્રીજીસ' મોલમાં પહોંચ્યા. એબીની મમ્મી, કામિનીબેનનો આ રવિવારે જન્મદિવસ હતો. કામિનીબેન લંડનમાં રહેતા હોવા છતાં સ્વભાવે દયાળુ અને પ્રેમાળ હતા. રિયા જ્યારે પહેલીવાર લંડન આવી ત્યારે કામિનીબેને જ તેને ઘરની હૂંફ આપી હતી, એટલે રિયા તેમના માટે ગિફ્ટ લેવામાં પૂરો રસ લઈ રહી હતી.
"એબી, આ મરૂન કલરની પશ્મિના શૉલ જો, આંટી પર બહુ જ ક્લાસિક લાગશે," રિયાએ એક શૉલ બતાવતા કહ્યું. "પરફેક્ટ! તારી ચોઈસ પર તો મને આંધળો વિશ્વાસ છે," એબીએ તરત જ પેકિંગ કરાવી લીધું.
શોપિંગ પતાવીને તેઓ મોલની અંદર આવેલા એક શાંત કાફેમાં કોફી પીવા બેઠા. બહાર બરફ પડી રહ્યો હતો, પણ કાફેની અંદર કોફીની સોડમ અને હૂંફ હતી. એબી આજે ખૂબ ખુશ હતો. તેણે ટેબલ પર નમીને રિયાની આંખોમાં જોયું. રિયા થોડી અસ્વસ્થ થઈ ગઈ અને પોતાની કોફીના મગ તરફ જોઈ નજર ફેરવી લીધી.
એબીએ ધીમેથી કહ્યું, "થેન્ક્સ રિયા, આજે મારી સાથે આવવા માટે. મને ખબર છે તું એકલી મળવાનું ટાળે છે, પણ આજે ઘણો સમય પછી મને જૂની રિયા મળી હોય એવું લાગે છે. પેલી રિયા... જે બિન્દાસ હતી, જેની આંખોમાં હંમેશા કોઈને કોઈ તોફાન રમતું હોય."રિયાએ હળવું સ્મિત કર્યું, "જૂની રિયા? એબી, સમયની સાથે બધું બદલાય છે. હવે હું થોડી ગંભીર થઈ ગઈ છું, કદાચ આ ફિઝિક્સના સૂત્રોએ મને બદલી નાખી છે."
"ના.. ફિઝિક્સ નહીં!" એબીએ મસ્તીમાં ડાબું ગાલ ખેંચતા કહ્યું, "તારા મગજમાં કંઈક એવું ચાલે છે જેનું મેથ્સ હું હજુ ઉકેલી નથી શક્યો. ક્યારેક તું એટલી શાંત થઈ જાય છે કે મને લાગે છે તું મારી બાજુમાં હોવા છતાં ક્યાંક હજારો માઈલ દૂર છે. શું તને હજુ પણ ઈન્ડિયા યાદ આવે છે?"
રિયાએ ઊંડો શ્વાસ લીધો, "યાદ તો આવે છે... પણ ક્યારેક એવું લાગે છે કે કોઈએ મારા જીવનના બે વર્ષના પાનાઓ કોઈ રહસ્યમય રીતે ભૂંસી નાખ્યા છે. બધું જ ધૂંધળું લાગે છે એબી." એબીએ રિયાનો હાથ હળવેથી ટેબલ પર પકડ્યો અને આશ્વાસન આપતા કહ્યું, "ચિંતા ન કર, હું છું ને! હું તારી લાઈફના બધા જ 'કોરા પન્નાઓ' ને નવી યાદોથી ભરી દઈશ. ચલ હવે, બહુ મોડું થાય છે, 'રી-પુ'! "
જેવો એબીના મોઢેથી આ શબ્દ—'રી-પુ'—નીકળ્યો, રિયાના હાથમાં રહેલો કોફીનો મગ ટેબલ પર જોરથી અથડાયો. રિયાના મગજમાં જાણે કોઈએ હજારો સ્મૃતિઓનો વિસ્ફોટ કર્યો હોય તેવો ઝબકારો થયો. તેની આંખો સામે અચાનક એક લાલ રંગની સ્પોર્ટ્સ કાર પલટી ખાતી દેખાઈ... વરસાદના ટીપાં... અને કોઈનો લોહીલુહાણ હાથ જેણે રિયાની આંગળીઓ પકડી હતી.તેનો શ્વાસ ઝડપી થઈ ગયો. "એબી... તે મને શું કહ્યું? ફરીથી બોલ..." રિયાનો અવાજ ધ્રૂજતો હતો.
"અરે રિયા, શું થયું? મેં તો બસ મજાકમાં તારું નામ શોર્ટ કર્યું. રિયા પુરોહિત એટલે 'રી-પુ'. તારો ચહેરો કેમ સફેદ પડી ગયો?" એબી ચિંતામાં આવી ગયો. રિયાએ ટેબલ પર માથું ટેકવી દીધું. થોડી ક્ષણો પછી તે બેઠી થઈ, પણ તેની આંખોમાં હવે એક ગજબની ગંભીરતા હતી.
તેણે ધીમા અને ઊંડા અવાજે કહ્યું, "એબી, વિજ્ઞાન કહે છે કે એનર્જી ક્યારેય નષ્ટ નથી થતી, તે માત્ર સ્વરૂપ બદલે છે. મને આજે લાગે છે કે સ્મૃતિઓનું પણ એવું જ છે. આપણું મગજ કદાચ બધું ભૂલી જાય, પણ આ હૃદય... આ હૃદય એ બધું સાચવીને રાખે છે જે આપણી આસપાસના લોકો આપણને ભૂલાવવા માંગતા હોય છે. આજે તે જે નામ લીધું, એ સાંભળતા જ મને એવું લાગ્યું કે જાણે કોઈ જૂનો પડછાયો મારી પાસે આવીને ઉભો રહી ગયો છે. એ નામ મારું નથી એબી, એ નામ પાછળ કોઈનો ચહેરો છુપાયેલો છે."
એબી રિયાની આ વાતો સાંભળીને અવાક થઈ ગયો. તે સમજી ન શક્યો કે એક મજાક માં કેહવાયેલા નામે રિયાને આટલી હચમચાવી કેમ દીધી.
મુંબઈ, ભારત - તે જ રાત્રે
મુંબઈના એક આલીશાન બંગલાના ટેરેસ પર હજુ પણ લાઈટ ચાલુ હતી, પ્રિયાંક પાળી પર હાથ ટેકવી આકાશ તરફ જોઈ રહ્યો હતો. રિશી તેની બાજુમાં આવીને ઉભો રહ્યો."પ્રિયાંક, શું વિચારે છે? ક્યાં ખોવાયેલો છે?!" રિશીએ તેને પૂછી રહ્યો..
પ્રિયાંકે આકાશ તરફ જ જોઈ રહ્યો અને ખૂબ જ દર્દભર્યા અવાજે કહ્યું, "રિશી, મેં રિયાના ભલા માટે મારું આખું અસ્તિત્વ ભૂંસી નાખ્યું છે. તેને ખબર પણ નથી કે પ્રિયાંક બંસલ કોણ છે. પણ શું તને લાગે છે કે આ દૂરી તેને સુરક્ષિત રાખશે? મેં તેને જે અંધારામાં રાખી છે, એ અંધારું જ ક્યારેક સત્ય બનીને તેને ગળી ના જાય તેનો મને ડર છે."રિશી કશું બોલી શક્યો નહીં. તેને ખબર હતી કે પ્રિયાંક ૨૪ વર્ષની ઉંમરે એક મોટો બિઝનેસમેન તો બની ગયો છે, પણ તેનું દિલ હજુ પણ લંડનની ગલીઓમાં ભટકી રહ્યું છે.
માયા મેડમ (જે ખરેખર મેરા હતી) જતી વખતે પ્રિયાંકની નજીક આવી અને ધીમેથી કાનમાં બોલી, "પ્રિયાંક, યાદ રાખજે, સ્મૃતિના પડછાયા લાંબા હોય છે. જો રિયાને 'રી-પુ' યાદ આવી ગયું, તો તારી આ બધી જ મહેનત રાખ થઈ જશે. તું તેને સત્યથી બચાવી રહ્યો છે કે સત્યને તેનાથી... એ નક્કી કરવાનો સમય હવે આવી ગયો છે." પ્રિયાંકની આંખોમાં ગુસ્સો અને લાચારી બંને દેખાયા. તેને સમજાઈ રહ્યું હતું કે માયા માત્ર ડરાવી નહોતી રહી, તે ભવિષ્યની એ ભયાનકતા બતાવી રહી હતી જેનો સામનો કરવાની પ્રિયાંકમાં અત્યારે શક્તિ નહોતી.
મોડી રાત્રે - રિયાનું પીજી
રિયા તેના રૂમમાં એકલી હતી. નિહારિકા નીચે રસોડામાં હતી. રિયાનું મન હજુ પણ કાફેમાં એબીએ બોલેલા પેલા શબ્દ 'રી-પુ' માં અટવાયેલું હતું. તે કંઈક બીજું વિચારવા માંગતી હતી, એટલે તેણે ટેબલ પર પડેલી તેની સૌથી અઘરી ગણાતી બુક—Quantum Physics—ઉઠાવી. તેને લાગ્યું કે કદાચ સમીકરણોમાં તેનું મન પરોવાશે તો આ અજીબ બેચેની ઓછી થશે.
તેણે ધીમેથી બુકના પાના ફેરવ્યા. અચાનક, બુકની બરાબર વચ્ચેથી એક કાગળ સરકીને નીચે પડ્યો. રિયાની નજર એ કાગળ પર સ્થિર થઈ ગઈ. તે કોઈ સામાન્ય નોટ્સ નહોતી. એ એક જૂનો, કરચલીવાળો અને પીળો પડી ગયેલો પત્ર હતો.
રિયાએ ધ્રૂજતા હાથે તે પત્ર ઉઠાવ્યો. પત્રનો સ્પર્શ કરતા જ તેને એક વિચિત્ર ઠંડીનો અહેસાસ થયો. પત્રના એક ખૂણે લોહીના જૂના અને સુકાઈ ગયેલા ઘેરા લાલ ડાઘા હતા, જે જોઈને રિયાનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. તેને સમજાયું નહીં કે આટલી કિંમતી અને પર્સનલ વસ્તુ તેની લાયબ્રેરીની બુકમાં ક્યાંથી આવી? શું આ બુક તેણે લાયબ્રેરીમાંથી લીધી ત્યારે જ આ પત્ર તેમાં હતો, કે પછી કોઈએ જાણીજોઈને તે ત્યાં મૂક્યો હતો? તેમાં કોઈનું નામ નહોતું, પણ અક્ષરો જાણીતા લાગતા હતા. પત્રમાં લખ્યું હતું:
"રિયા, તેઓ તારી પાસે કંઈક છુપાવી રહ્યા છે. તારો અકસ્માત થયો નહોતો... એ અકસ્માત કરવામાં આવ્યો હતો! સત્ય જાણવું હોય તો તારા એ લોકેટને ધ્યાનથી જોજે જે તારા ગળામાં હંમેશા રહે છે. - એક હિતેચ્છુ."
રિયાના હાથમાંથી પત્ર છૂટી ગયો. તે હાંફવા લાગી. પત્રના અક્ષરો તેની નજર સામે તરવા લાગ્યા. રિયાના હાથ ધ્રૂજવા લાગ્યા અને તેના ગળામાં ડૂમો ભરાઈ આવ્યો. તેને યાદ આવ્યું કે અકસ્માત પછી બધાએ તેને એમ જ કહ્યું હતું કે તે માત્ર એક દુર્ઘટના હતી. પણ આ પત્ર કંઈક બીજું જ કહી રહ્યો હતો.
તે જ સમયે તેના ફોન પર મીરા (તેની બેસ્ટ ફ્રેન્ડ) નો કોલ આવ્યો. રિયાએ ધ્રૂજતા હાથે ફોન ઉપાડ્યો.
"રિયા! શું થયું? કેમ આટલી ડરેલી છે તું?.. તારો શ્વાસ કેમ ચડ્યો છે?" મીરાએ ઈન્ડિયાથી ચિંતામાં પૂછ્યું. "મીરા... મને લાગે છે કે મને બધું યાદ આવી રહ્યું છે. કોઈએ મને પત્ર મોકલ્યો છે. મારો અકસ્માત..."
રિયા હજુ બોલી જ રહી હતી ત્યાં મીરાએ જોરથી બૂમ પાડી, "રિયા! કશું જ યાદ કરવાની કોશિશ ના કર! એ બધું જૂઠું છે. તું બસ તારા અભ્યાસ પર ધ્યાન આપ. હું તને પછી ફોન કરું છું." મીરાએ બીજા કોઈક નો ફોન આવે છે અને પછી ફોન કરે એમ કહી ને ફોન કાપી નાખ્યો.રિયા ફોનને જોઈ રહી. તેને પહેલીવાર શંકા ગઈ કે તેની સૌથી ખાસ મિત્ર મીરા પણ તેની પાસે કંઈક છુપાવી રહી છે. લંડનની એ રાત હવે રિયા માટે માત્ર ઠંડી નહોતી, પણ અત્યંત ભયાનક બની રહી હતી.
શું રિયા લોકેટનું રહસ્ય ખોલી શકશે? પ્રિયાંક કઈ વાતના લીધે રિયા થી દૂર થયો હતો?શું મીરા બધું જાણે છે?
વધુ આવતા અંકે...