Featured Books
શ્રેણી
શેયર કરો

ભૂલ છે કે નહીં ? - ભાગ 102

દિકરીને જે શાળામાં મૂકી હતી એ શાળામાં આપણા જ ગામના બીજા બે ત્રણ છોકરાઓ પણ હતા. એમના વાલી આપણા ઘરે આવ્યા હતા અને કહ્યું હતું કે બીજા ગામથી એક રિક્ષા જાય છે આપણે એને કહીએ એ આપણા સંતાનોને અહીંથી જ લઈ જાય અને મૂકી જાય. તમે હા પાડી હતી. અને એ લોકોએ રિક્ષાવાળા સાથે વાત કરીને નક્કી કરી દીધું એ પ્રમાણે હવે દિકરીને મારે મારી સાથે લઈ જવાની ન હતી. એ રિક્ષામાં જ આવવાની અને જવાની હતી. પણ પછી મને વિચાર આવ્યો કે દિકરી છૂટે એ સમયે જ ભાણી પણ ટયુશનની છૂટે છે તો રિક્ષાવાળાને કહું કે એ ભાણીને પણ લઇને જ જાય તો ભાણીએ પાછું મારી શાળાએ આવવું ન પડે. અને ઘરે શાંતિથી વહેલી પહોંચી જાય. અને મેં રિક્ષાવાળાને વાત કરી અને કહ્યું કે એ ભાણીને એના ટયુશન કલાસ પરથી લઈ જાય જે પૈસા થાય તે આપી દઈશું અને એણે હા પાડી હતી. એટલે મને જરા સારું લાગ્યું હતું કે મારે હવે સંચાલકના દિકરાને વધારે દોડાવવો ન પડે. દિકરો તો સાંજે જ છૂટે એટલે એને તો હું છૂટીને લઈ લેવા. આમ, લગભગ એક અઠવાડિયાની દોડધામ પછી બધું બરાબર ગોઠવાય ગયું. ભાણીને હું સવારે શાળાએ મૂકી આવું, આવીને થોડું ઘણું ઘરનું કામ કરીને દિકરીને તૈયાર કરું અને પછી દિકરાને લઈને શાળાએ પહોંચી જાઉં. દિકરી રિક્ષામાં જાય અને ભાણી સાથે રિક્ષામાં આવી પણ જાય ને હું સાંજે દિકરાને લઈને આવું. આવીને બધા કામમાંથી પરવારીને દિકરાને અને ભાણીને ભણાવવા બેસું. તમે મને પૂછ્યું હતું કે આપણે રિક્ષાનું ભાડું ચૂકવવું પડશે તો એ કેવી રીતે થશે ? ને મેં તમને કહ્યું હતું આપણે કરી લઈશું. થોડી વધારે કરકસર કરીશું. આમ પણ આપણા કોઈ વધારાના ખર્ચા તો હતા જ નહીં છતાં એમ વિચાર્યું કે હજી કરકસર કરીશું. આ બધું છતાં મમ્મીએ કોઈ દિવસ એમ ન કહ્યું હતું કે ભાણીના ટયુશનના કે રિક્ષાના પૈસા બેન પાસે લઈ લેજો. આપણે તો નક્કી કર્યું હતું કે ભાણીને આપણે લાવ્યા છીએ તો બધું આપણે જ કરીશું પણ એકવાર કહેવું કે પૂછવું તો જોઈએ ને કે તમે કેવી રીતે કરશો ? પણ એવું તો કોઈ દિવસ થયું જ નહીં. હું આટલી બધી વ્યસ્ત રહેતી હતી છતાંયે આપણે અઠવાડિયામાં એક વાર તમારા ફોઈના ઘરે જતા હતા જે આપણે બા ના અવસાન પછી જવાનું નક્કી કર્યું હતું. મારી શાળામાં મારો સમય વધી ગયો હતો કારણ કે હવે મારે વધારે વખત ભાણીને લેવા જવું પડતું ન હતું. એટલે સંચાલકે મારો પગાર પણ વધારી આપ્યો હતો. એટલે આપણને વધારે તકલીફ પડવાની ન હતી. અને ધીરે ધીરે આપણી જીંદગીની ગાડી સારી રીતે ચાલવા માંડી હતી. શાળામાં પ્રથમ પરીક્ષા આવી ગઈ. દિકરા દિકરી અને ભાણી ત્રણેયના રિઝલ્ટ સારા આવ્યા. એટલે આપણને શાંતિ થઈ. પણ એક દિવસ દિકરી સાથે આપણા ગામના છોકરાઓ ભણે એમના વાલી એક દિવસ ઘરે આવ્યા અને કહ્યું કે તમે અમારા દિકરાને ટયુશન કરાવો. મેં ના પાડી કારણ કે મમ્મી પહેલેથી જ મને ના પાડતા કે ગામમાં ટયુશન કરાવવાના નહીં. પણ એ તો ન માન્યા અને કહ્યું કે અમે તો અમારા છોકરાઓને મૂકી જઈશું તમે તમારી દિકરીને જે ભણાવો તે એ લોકોને ભણાવજો. મેં ખૂબ ના પાડી પણ બીજા દિવરાથી એ લોકો રોજ જ એમના સંતાનોને આપણે ત્યાં ભણવા માટે મૂકી જતાં એટલે મારે નાછૂટકે પણ એ લોકોને ભણાવવું પડતું. મમ્મી વચ્ચે વચ્ચે કોઈ વાર બોલી પણ જતાં કે સાથે સાથે ભાણીને પણ ભણાવવાનું છે યાદ રાખજો..