એકાંત - 115 Mayuri Dadal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એકાંત - 115

રવિ હેતલને પૂરાં સોમનાથ શોધી લીધી. હેતલ એને ક્યાંય ના મળી અંતે થાકીને તે ઘરે આવ્યો તો હેતલ પરિવારના બાકીના લોકો સાથે હસી રહી હતી.

 
પ્રવિણે રવિને કહ્યું કે એ હેતલને મુશીબત માને છે તો શોધવા કેમ નીકળ્યો ?
 
રવિએ સૌ વચ્ચે જણાવ્યું કે, "હેતલ એ આપણી જવાબદારી છે. એને જો કાંઈ થઈ જાય તો એનાં માતા - પિતાને શું જવાબ આપવો ?"
 
રવિની આ વાત સાંભળીને સૌ ફરી પાછાં હસવાં લાગ્યાં. રવિને દરેક સભ્યોનું આમ હસવું એ સમજમાં ના આવ્યું. 
 
"હવે તમે મને કહેશો કે આ બધું શું ચાલી રહ્યું છે ? કેટલાં ટેન્શન સાથે હું ઘરે માંડ માંડ પહોચી શક્યો છું. તમે લોકો મારી હાલત જોઈને હસી રહ્યાં છો !" રવિએ નારાજ થતા કહ્યું. 
 
"હસવા જેવી વાત હોય તો સૌ કોઈ હસે." દલપત દાદાએ હસવાનું બંધ કર્યું.
 
રવિને ગુસ્સો આવવા લાગ્યો. એ કોઈની પાસેથી જવાબની અપેક્ષા રાખ્યા વિના પોતાના રૂમ તરફ જઈ રહ્યો હતો.
 
"તું હેતલ વહુને આ ઘરની સભ્ય છે એટલે શોધવાં ન હતો ગયો. તને હેતલ વહુ માટે લાગણી છે. એની ચિંતાને કારણે તું એમને શોધવાં ગયો હતો."
 
રવિ એના રૂમમાં જતો હતો તો પાછળથી પ્રવિણ કહેવા લાગ્યો. રવિ પાસે પ્રવિણની વાત સાંભળ્યા પછી કાંઈ કહેવા માટે શબ્દો ન હતા. એ ખોટું બોલ્યો હતો. એની એને ભોઠપ લાગી. ચૂપચપ એ રૂમમાં જતો રહ્યો. પારુલના ઈશારેથી હેતલ પણ એની પાછળ રૂમમાં ગઈ.
 
રવિ બાથરૂમમાં ફ્રેશ થવા જતો રહ્યો હતો. હેતલ બેડ પર બેસીને એની રાહ જોઈ રહી હતી. થોડીક વારમાં રવિ બાથરૂમમાંથી ફ્રેશ થઈને બહાર નીકળ્યો. એની નજર સીધી હેતલ પર ગઈ. રવિએ એને ઈગ્નોર કરતા અરીસામાં માથાના વાળ સરખા કરવા લાગ્યો.
 
"થેન્ક્યુ સો મચ રવિ. તમે આજે પણ મને એટલો જ પ્રેમ કરો છો." રવિના પીઠને જોતાં હેતલ બોલી.
 
રવિએ વાળ સરખા કરીને બોલ્યો, "મારી પાસે આવાં પ્રેમ જેવાં સંબંધો સાચવવાનો સમય નથી. તું આ ઘરની સભ્ય છે. એ કારણે જ હું તને શોધવાં નીકળ્યો હતો. હવે તું મને કહીશ કે આટલો સમય ક્યાં ગાયબ હતી ?"
 
હેતલ ઊભી થઈને રવિ પાસે નજીક જઈને કહ્યું, "હું સવારથી ઘરમાં હતી. હું આજ પૂરો દિવસ બહાર ગઈ ન હતી."
 
હેતલની વાત સાંભળીને રવિ તેણી સામે વિસ્મયતાથી જોવાં લાગ્યો, "તું અહીં જ ઘરમાં હતી. પપ્પા ખોટું કેમ બોલ્યાં કે હેતલ બહાર ગઈ છે ? હજી ઘરે આવી નથી. મમ્મીએ પણ બપોરે મને એવું જ કંઈક કહ્યું હતું."
 
"એ લોકોનો આ પ્લાન હતો. તમે મને પ્રેમ કરો છો. તમે ગુસ્સાને કારણે મારાંથી નારાજ હતાં. તમારી અંદરનો છુપો પ્રેમ બહાર કાઢવાં આવો પ્લાન કર્યો."
 
"મને કોઈ તારાથી પ્રેમ નથી. હવે પહેલાં જેવા પ્રેમની અપેક્ષા રાખતી પણ નહિ." રવિએ હેતલને જોયાં વિના કહ્યું.
 
"તમે મને પ્રેમ નથી કરતાં ?"
 
"ના"
 
"કરો છો."
 
"નથી કરતો."
 
"કરો છો."
 
"નથી કરતો."
 
"નથી કરતા ?"
 
"કરું છું."
 
રવિ સાચું બોલી ગયો. એની વાત સાંભળીને હેતલ હસવાં લાગી. રવિ હેતલને હસતાં જોઈ રહ્યો હતો.
 
"હેતલ, સોરિ ! હું તારાંથી નારાજ હતો. એ કારણે ગુસ્સામાં જે કાંઈ મેં તને કહ્યું એ ભૂલી જજે. હું તને પહેલાં પણ એટલો પ્રેમ કરતો હતો અને ભવિષ્યમાં પણ પ્રેમ કરતો રહીશ."
 
રવિની વાતથી હેતલ પ્રેમથી એને બાથ ભીડી લીધી. બન્ને વચ્ચે જે કોઈ મનભેદ હતાં, એ દૂર થઈ ગયાં.
 
હેતલે એના સ્વભાવમાં ઘણો ફેરફાર લાવી દીધો હતો .દલપત દાદા પહેલા કરતા વધારે ખુશ લાગવા લાગ્યા હતા. ઘરની અંદર લક્ષ્મીનું હસતું મુખ જોવાં મળે તો ઘર ભર્યું લાગે. દલપત દાદાએ એમનાં જીવનમાં પહેલી વાર સંયુક્ત કુટુંબમાં દરેકને સભ્યને નિસ્વાર્થભાવે હસતા અને ખિલખિલાટ કરતા જોયા હતા.
 
દલપત દાદા એમના જીવનની પાછળી ક્ષણોમાં આવી ખુશી જોવા માટે સોમનાથ દાદાનો આભાર માન્યો, "હે સોમનાથદાદા ! મને તમે જીવનમાં બધું આપી દીધું. એક વ્યક્તિ એના કુટુંબને હળીમળીને રહેતા જુએ. એના વધારે આનંદની વાત બીજી કોઈ ના હોય શકે. તમે મને હવે તમારી પાસે બોલાવી લેશો તો હું હસતા હસતા આવવા તૈયાર છું."
 
ચતુષ્કોણ એમના જીવનમાં કુટુંબ અને ધંધામાં વ્યસ્ત હતા. એવું પણ કહેવું એ ખોટું લાગશે, કારણ કે હાર્દિક સિવાય બીજા દોસ્તો એમના પરિવાર વચ્ચે હસી ખુશીથી જીવી રહ્યા હતા. હાર્દિક એમના મિત્રોને પરિવારની સાથે હસતા જોઈને ખુશ થઈ રહ્યો હતો.
 
ચતુષ્કોણને અલગ થવાને સાત મહિના થઈ ગયા હતા. પાંચ મહિના પછી તેઓ ફરી એ જ જગ્યાએ પાછા મળવા માટે બંધાયેલા હતા. આટલી વ્યસ્તતા હોવા છતાં તેઓ ક્યારેક વિડિયો કોલ કરીને વાતો કરી લેતા હતા.
 
નિસર્ગ રજાનો દિવસ આવે ત્યારે પરિવારની સાથે એનાં મમ્મી અને પપ્પાને મળવાં જતો રહેતો હતો. એણે એની મમ્મીનાં ગિરવે મૂકેલાં બધાં દાગીના છોડાવી લીધાં હતાં.
 
રાજનાં જીવનમાં સંઘર્ષની શરૂઆત થઈ ચૂકી હતી. એણે બિઝનેસમાંથી હપ્તે પોતાનાં માટે જૂનું બાઈક ખરીદી લીધું હતું. રમેશભાઈએ રાજને બિઝનેસ શીખવી દીધો હતો. ક્યા ગ્રાહકને કેવું પાન ભાવે છે અને ક્યા ગ્રાહકોની ફાકી મસાલેદાર બનાવવાની હોય એ બધુ રાજને સમજાવી દીધું હતું. રાજ ટુંક સમયમાં રમેશભાઈ જેવું પાન અને ફાકી બનાવતા શીખી ગયો હતો. રમેશભાઈની પત્નીના પગનું ઓપરેશન થઈ ચુક્યું હતું. રમેશભાઈ ના હતા ત્યારે રાજે કેબિનને ખૂબ સારી રીતે સાચવી લીધી હતી. રમેશભાઈને પણ એમણે લીધેલા નિર્ણયથી ગર્વ મહેસુસ થવા લાગ્યો હતો. તેઓ રાજને પોતાનો દીકરો માનવા લાગ્યા હતા.
 
એકવાર રાજને પાનનો ધંધો આગળ વધરવા માટે એક વિચાર સુજ્યો. બપોરના સમયે કેબિનમાં ગ્રાહકની અવરજવર સાવ ઓછી થતી હતી. રાજને પોતાના વિચાર પર કામ ચાલુ કરી દેવું હતું. એ પહેલાં એણે એનો વિચાર રમેશભાઈને જણાવ્યો.
 
"મારે એક વાત કરવી છે. આપણે આ પાનનો ધંધો આગળ વધરવો જોઈએ. એના માટે થઈને આપણે બાજુના ગામોમાં પાન અને ફાકીનુ વેચાણ ચાલુ કરી દેવું જોઈએ. એ વેચાણથી જે આવક થાય એની આપણે બચત કરશું. ભવિષ્યમાં આપણે ફાકી બનાવવાના યંત્રોની ખરીદી કરી શકશું. એના કારણે આપણુ કામ ખૂબ સહેલુ પડી જશે આપણને એમાંથી ઘણુ પ્રોફીટ મળશે. તમારો શું વિચાર છે આ બાબતે ?"
 
"મારે માટે તું નસીબદાર જ છો. તું જે કહે એમાં હવે મારે કોઈ વિચાર કરવો નથી. એક વાત એ પણ છે કે આપણે આ બધુ કરી કઈ રીતે શકશું ? રોજ આસપાસના ગામડાઓમાં ફરવુ જોશે. એ લોકોને પાનનો સ્વાદ જીભને ચસકે ચડશે તો કામનું કહેવાય."
 
"અરે, એવી ચિંતા કરવાની તમે મૂકી દો. આ બધુ હું સંભાળી લઈશ. તમારી પાસેથી મને મંજુરી મળી ગઈ. બસ આવતી કાલથી શુભ મુહુર્તથી રોજ સાંજે ચાર વાગ્યા પછી આસપાસના ગામડે મારી બાઈકમાં માલ મૂકીને વેચાણ કરવા નીકળી જઈશ."
 
"તું બે દિવસ રાહ જો. આ કામ બોલવાની સાથે થઈ ના શકે આપણે માલની જરૂર પડશે. હજુ પાન અને ફાકી તાજી બનાવવવી પડશે. એ તાજો માલ જ વેંચાશે વધુ અને લોકો આકર્ષાઈને ખરીદશે પણ વધુ."
 
રમેશભાઈએ સમજદારીની વાત કરી હતી. બીજે દિવસે રમેશભાઈએ સુચવેલ જગ્યા પર રાજ પાન અને ફાકી બનાવવાની વસ્તુઓ ખરીદી લાવ્યો. એ પછીના દિવસે તેઓ બન્નેએ એક સાથે કેબિનમાં પાન અને ફાકીના પેકેટ બનાવવાના ચાલુ કરી દીધા.
 
રાજ રમેશભાઈને ફાકી બનાવવામાં મદદ કરી રહ્યો હતો. એવામાં રાજના મોબાઈલમાં રીંગ વાગી. રાજે મોબાઈલ ચેક કર્યો તો પ્રવિણનો નંબર ફ્લેશ થયો.
 
કોલ ઊપાડતા રાજે કહી દીધું, "હેલો કાકા, હું જરાક કામ પર છું. મારુ કામ થઈ જશે એટલે કોલ બેક તમને કરુ."
 
"એય કામવીર ધરાવતા માણસ. તું જ જાણે પૂરી દૂનિયામાં કામ કરતો હોય ! આ દૂનિયાનો આધાર તારી માથે હોય. એવી તું વાત કરે છે." પ્રવિણને રાજે કરેલી વાત પસંદ ના આવી.
 
(ક્રમશઃ...)
 
✍️મયુરી દાદલ "મીરા"