સાત ફેરા દોસ્તીના - ભાગ 1 Devanshi Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાત ફેરા દોસ્તીના - ભાગ 1

       મારી સૌપ્રથમ લખાયેલી ટૂંકી નવલકથા 'ખરો જીવન સંગાથ'ને વાચકમિત્રો દ્વારા ઘણો જ સરસ પ્રતિસાદ મળ્યો. જેથી હું નવું કંઈક લખવા પ્રેરાઇ...આશા છે કે આ નવલકથાને પણ આપ સૌને આનંદ આપશે...આપ સૌનો ખુબ ખુબ આભાર... તો ચાલો શરૂ કરીએ એક નવી જ વાત સાથે...

   
      જગત, તેની પત્ની અને તેમનો બે વર્ષનો પુત્ર અંશ હજુ એક વષૅ પહેલા જ ધરમપુર ગામડેથી જગતને રંગપુર શહેરથી માંડ દસ કિલોમીટર દૂર વસેપુરમાં સરકારી શાળામાં શિક્ષક તરીકેની નોકરી મળતા સ્થળાંતરિત થયો હતો અને રંગપુર શહેરમાં જ વૃંદના શેરીમા ભાડેના મકાનમાં રહેતા હતા. 
       
    રોજની જેમ વહેલી સવારે ઊઠી રીમાએ પોતાનો નિત્યક્રમ પૂર્ણ કર્યો ને ત્યાં ડોરબેલ વાગી. 
       
     દૂધવાળા ભાઈ આવ્યા હશે એમ વિચારી રસોડામાંથી દૂધની તપેલી લઈને તે બહાર જતી જ હતી કે તરત જગતે આવી તેના હાથમાંથી તપેલી લેતા કહ્યું,' રીમા લાવ તપેલી આજે હું દૂધ લઈ આવું આજે તને આ કામમાંથી છૂટી. ને જગત દૂધ લેવા બહાર ગયો. 
   
    રીમા અચરજ ભરી નજરે આ બધું જોઈ રહી હતી મનમાં જ વિચારવા લાગી, શું વાત છે કોઈ દિવસ જેની આંખો સૂરજ માથે ન ચડે ત્યાં સુધી ખુલતી નથી...ને આજે જગત આટલા વહેલા કેમ ઉઠી ગયા.. કયાંય બહાર પણ જવાનું મને કહ્યું નથી. 

    ત્યાં સુધીમાં જગત દૂધ લઈને આવ્યો, 'આ લે રીમા દૂધ'.
      
   'શું વાત છે જગત આજે સૂરજ કઈ દિશામાં ઉગ્યો છે? તમે આટલાં વહેલાં કેમ ઉઠી ગયા અને આટલી જલદી તૈયાર પણ થઈ ગયા? રીમા ને બોલતા અટકાવી જગત બોલ્યો, 'બે મિનિટ બેસ અહીં સોફા પર મારે તને એક અગત્યની વાત કરવી છે, જો રીમા છેલ્લા થોડા દિવસથી તને મનમાં ઘણા પ્રશ્ર્નો ઉભા થયા હશે પણ એ બધું જ હું તને જણાવીશ પણ મને થોડો સમય આપ'.
      
    'મને ચિંતા થઈ રહી છે તમે કઈ વાત મારાથી છૂપાવી રહ્યા છો?' રીમા ગળગળી થઈ બોલી.
      
    'જો રીમા તું ચિંતા નહિ કર તને મારા પર વિશ્વાસ છે ને? હું તને બધું જણાવીશ પણ અત્યારે હું એક અગત્યના કામથી બહાર જાવ છું, કાલ સવાર સુધીમાં તો પરત આવી જઈશ પણ જો....જો હું ન આવું ત્યાં સુધી તારે અને અંશને બહાર નીકળવાનું નથી. તમે બંને ઘરમાં જ રહેજો,ને બારીબારણાં પણ બંધ રાખજે. જો કોઈ પણ આવે તેને એમ જ લાગવું જોઈએ કે ઘરમાં કોઈ નથી અને આ વાત કોઈને પણ ન કરતી, શેરીના લોકોને પણ નહિ. તને મારા સમ છે રીમા.... તું મારા પર વિશ્વાસ રાખ હું કાલ આવીને બધું ઠીક કરી દઈશ અને જો કંઈ મુશ્કેલી ઊભી થાય તો મને ફોન કરજે પણ કોઈ બીજાને હેરાન ન કરતી. ' રીમા જાણે સજજડ બની જગતની એકી શ્ર્વાસે બોલાતી વાતો સાંભળીયે જતી હતી. 
        
      'પણ તમે કયાં જશો.. શું કરવા જશો અને અમને કોનાથી છૂપાવી રહયા છો... તમે કશું જણાવતા કેમ નથી'.રીમા રડમસ અવાજે બોલી. 
     
     ત્યાં તો જગત ઝડપથી ઊભો થયો ઘરમાંથી બહાર નીકળતા રીમાનો હાથ પકડીને બોલ્યો... રીમા હું જઉં છું હવે પ્લીઝ...મારા પર વિશ્વાસ રાખ.... પ્લીઝ... 

     રીમા બસ એટલું જ બોલી, 'તમારા સિવાય બીજું છે જ કોણ જેના પર હું આંખો બંધ કરી વિશ્વાસ મૂકી શકું મને તમારા પર પૂરો વિશ્વાસ છે તમે તમારું ધ્યાન રાખજો અને જલદી આવજો.'
    
     જગત ઉતાવળે પગલે બહાર ગયો ને ઘરને બહારથી તાળું મારીને જતો રહ્યો. 
       
      આ તરફ રીમાને તેના ભૂતકાળના દિવસો યાદ આવ્યા જયારે જગત પર મૂકેલા વિશ્વાસથી જ તેણે પોતાના જીવનને જીવવા માટેની એક તક આપી હતી, જો જગત ન હોત તો કયારનોય એના જીવનનો અંત આવ્યો હોત...એને એ દિવસ બરાબર યાદ હતો...
     
      જયારે પોતાની મરજી વિરુદ્ધ પોતાના સાવકા પિતાએ તેનાથી વીસ વર્ષ મોટા ધનવાન વ્યકિત ધનુશેઠ સાથે તેને પરણાવવા...ના..ના વેચવાની જ જાણે જિદ્દ પકડીને બેઠા હતા...ત્યારે સમાજનું કોઈ વ્યક્તિ તેની મદદે નહોતું આવ્યું... પોતાના નસીબને વગોવતી તે લગ્નના દિવસે તક મળતાં જ પરીસ્થિતિથી છુટકારો મેળવવા ભાગી છૂટી હતી... પહેલા તો પોલીસ સ્ટેશનમાં જ ફરીયાદ કરવા જવાની હતી... પણ પેલા ધનવાનની લાગવગથી ફરી તે મુશ્કેલીમાં મુકાઈ જાય તો એ ડરથી એણે... જિંદગીથી હારીને મરવાનું પસંદ કર્યું હતું અને તે માટે તે ટ્રેનના પાટા પર ચાલી નિકળી હતી. 
       
       એક ટ્રેન ત્યાંથી થોડી વાર પહેલા જ પસાર થઇ ગઈ હતી માટે લોકોની ભીડ પણ હવે ઓછી થતી જતી હતી. 
        
       અરે... એ... મરવું છે? કયાં ચાલી રહી છે.... કંઈ ભાન છે... નીચે ઉતર જલ્દી કર.... હમણાં ટ્રેન આવતી જ હશે. ..પાવો નથી સંભળાય રહયો...એય બેરી છે કે શું....એક માણસ જોરથી બૂમો પાડી રહ્યો હતો ને ઝડપથી દોડતો મારી નજીક આવી રહ્યો હતો. 
        
      આવી ને એક જ ઝાટકે તેણે મને પાટા પરથી દૂર ખસેડી ને થોડીવારમાં માલગાડી પાટા પરથી પસાર થઇ રહી...   
       
      એ માણસ હજુ ગુસ્સામાં બોલ્યે જતો હતો પણ એના શબ્દો પોતાના કાને પડયા જ નહોતા. હું હજુ પણ આઘાતમાંથી બહાર જ નહોતી આવી... અચાનક જોરથી બોલી ઉઠી... શું કામ.. શું કામ મને બચાવી.. મારે મરી જ જવું છે આમ પણ જીવવા માટેનું એક પણ કારણ નથી એટલું બોલતા જ ફસડાઈ પડી ને રડવા લાગી હતી.. 
      
       તેણે મને આશ્ર્વાસન આપતા કહ્યું, જુઓ જીવનમાં તો તડકો છાંયડો આવ્યા કરે એમાં આટલું મન ઉદાસ કરીએ તો કેમ ચાલે...ચાલો ઊભા થાઓ...અને મને કહો કે શું થયું છે તમારી સાથે...મારાથી બનતી તમામ મદદ કરીશ...
      
       મને એમની વાતોએ બળ આપ્યું...ને હું મેં પહેરેલા ભારે ભરખમ ડિઝાઇનર લહેંગાને સંભાળતી માંડ ઊભી થઈ તેમણે મને ઊભી થવા પોતાનો હાથ મારી તરફ લંબાવેલો પણ હું મારી જાતે જ ઊભી થઈ.
     
      આ જોઈને તેઓએ થોડા મસ્તીભયૉ અંદાઝમાં કહ્યું, વાહ તમે તો ઘણા જ બળવાન છો, આટલા ભારી કપડાં પહેરીને પણ તમે પાટા પર મસ્ત કેટવોક કરી શક્યા..ને એ સાંભળી હું થોડી મલકાઈ.
       
      લાગે છે તમે લગ્ન મંડપમાંથી ભાગીને આવ્યા છો..શું તમારી સાથે લગ્ન કરવા કોઈએ બળજબરી કરેલી જો એવું હોય તો અહીંયા થોડે આગળ જ પોલીસ સ્ટેશન છે ત્યાં તમે ફરીયાદ કરાવી શકો.
      
     મેં તરત જવાબ આપેલો ના ના પોલીસ નહિ એ આમાં મારી કંઈ મદદ નહિ કરી શકે.. જો પેલા ધનવાન ધનુશેઠ  સુધી આ વાત પહોંચશે કે હું અહીં છું તો હું ફરી મુસીબતમાં મૂકાઇ જઈશ.. મારે તેમની સાથે લગ્ન નથી કરવા.. એમ કહી હું ફરી રડવા લાગી. 
     
     એણે મને  સ્ટેશનની એક ખુરશી પર બેસાડીને તેઓ પાણી ની બોટલ લઈ આવ્યો ને મને આપતા બોલ્યો.'ચિંતા નહિ કરો આ લો થોડું પાણી પીઓ  તમને સારું લાગશે. '
        
        હું આભારવશ થતાં બોલી, ' થેંક યુ સો મચ'.
       
     શિયાળાની શરૂઆતની ગુલાબી સાંજ પાથરતાં સૂર્યદેવ વિદાય લઇ રહ્યા હતા... 
     
    તમે હવે કયાં જશો? એમણે થોડા ચિંતાભાવે પૂછયું. 
       
      હું થોડી સ્વસ્થ થતાં બોલી,'એ જ તો હું પણ વિચારુ છું પણ તમે ચિંતા નહિ કરો આમ પણ હવે જીવનથી કંટાળી તો છું પણ ફરી એક તક મળી છે તેને હું આમ જ જવા નહિ દવ અને હાર પણ નહિ માનું તમારો ખૂબ ખૂબ આભાર કે મને બચાવી લીધી.'

  ક્રમશઃ.....