રાજને રમેશભાઈ સાથે બિઝનેસ કરવાનો આઈડિયા પ્રવિણે જ આપ્યો હતો. પ્રવિણે એને બિઝનેસ કરવા માટે પચાસ હજાર એના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધાં હતાં. બાકીના પચાસ હજાર રાજને એના પપ્પાએ આપેલા હતા. રાજે રમેશભાઈ સમક્ષ એક નાની પાર્ટનરશીપમાં એમની કેબીન ચલાવવાની ઓફર રાખી હતી. જેમાં એક લાખનો જથ્થાબંધ માલ રમેશભાઈનો અને એ કેબિન રાજે એક લાખમાં ખરીદી લીધી તો કેબિનમાં માલિકીનો હક રાજનો આવતો હતો.
રાજ દરેક કાનુની નિયમો સાથે રમેશભાઈ સાથે બિઝનેસ કરવા માટે સમજાવ્યું. તે છતાં, રમેશભાઈએ રાજની આ ઓફર પર વિચારવા માટે ચાર દિવસનો સમય માંગ્યો હતો.
રમેશભાઈની ઈચ્છા પાર્ટનરશીપ કરવાની બિલકુલ હતી નહિ. જ્યાં સુધી હાલતું હોય ત્યાં સુધી તેઓ પોતાના બિઝનેસમાં કોઈ બીજાં વ્યક્તિને સામિલ કરવા માંગતા ન હતા. એ જ કારણ હતું કે એમણે હજુ સુધી કેબિન ચલાવવા માટે નોકર પણ રાખેલો ન હતો.
રમેશભાઇએ રાજ પાસે ચાર દિવસ માટે વિચારવાનો સમય માંગ્યો અને એટલાં દિવસોમાં એ એમની પત્નીના પગનાં ઓપરેશન માટે કોઈ રૂપિયાની સગવડ થતી હોય એની શોધ કરવાં લાગ્યાં. એમણે એમનાં સ્નેહીજનો પાસે તો મદદ માંગી હતી; ત્યાં એમને નિરાશા મળી.
રમેશભાઈએ એક જ ઘર મદદ માટે ખાલી રાખ્યું હતું અને એ એમનું સાસરીયું. આજ દિન સુધી એમણે એમનાં સાસરિયા પાસે કોઈપણ જાતની મદદ માંગી ન હતી, પણ એમની પત્ની માટે તેઓ એમના સાસરીયાનો દરવાજો ખટખટાવી ચુક્યા.
રમેશભાઈના સાસરીયામાં એમનાં સાસુ અને સસરા રહેતાં હતાં. બે સાળાઓ લગ્ન પછી લંડન કાયમી સ્થાયી થઈ ગયા હતા. રમેશભાઈએ એમની તકલીફ એમનાં સાસુ અને સસરાને કહી.
"પિતાજી ! તમારી દીકરીને ઢીંચણનું ઓપરેશન કરાવવાનું છે. એનાં માટે ડૉકટરે એક લાખનો ખર્ચ જણાવ્યો છે. જો તમારી પાસે બચત મૂડીમાંથી એક લાખની સગવડ તમે કરી દેતાં હોય તો હું ધીરે ધીરે તમારી રકમ પાછી આપી દઈશ." બે હાથ જોડીને રમેશભાઈએ સહાયતા માંગી.
"મારી દીકરીની સારવાર માટે પૈસાની જરૂર હોય તો અમારે પૈસા આપવામાં કશો વિચાર કરવાનો ના હોય. તમે મારી દીકરી માટે પૈસા લેવાં આવ્યાં છો. દીકરીને એકવાર આપેલું દાન કાંઈ પાછું ના લેવાનું હોય પણ.." રમેશભાઈના સસરા બોલતાં અટકી ગયા.
"પણ ?" રમેશભાઈને પ્રશ્ન તો કરી દીધો પણ પ્રશ્નમાં તેમને કોઈ સહાયતા મળી શકવાની ન હતી; એ તેઓ સમજી ગયાં.
"તારી નજર સામે બધું દેખીતું તો છે. તારા બન્ને સાળાઓ લંડનથી રૂપિયા મોકલે છે. એમાં જ અમારુ ભરણપોષણ થાય છે. છેલ્લાં છ મહિનાઓથી તેઓએ કોઈ રૂપિયા બેન્કમાં ટ્રાન્સફર કરાવ્યાં નથી. અમારી પાસે બચત મૂડી ત્રીસેક હજાર છે. તને એમાંથી હું વીસ હજાર આપું છું. બાકીની સગવડ તું તારી રીતે કરજે." પેટ છુટી વાત રમેશભાઈના સસરા કરી.
"મારે વીસ હજારથી કાંઈ નહિ થાય. તમારી બચત મૂડી ત્રીસ હજાર છે. તમારા લોકોની ઉંમર થઈ ગઈ છે. ના કરે નારાયણ અને તમારી તબિયત લથડી જાય તો રૂપિયાની જરુરત કોઈ પણ સમયે પડી શકે છે."
છેલ્લી આશા પર રમેશભાઈને પાણી ફરી વળ્યું. તેઓ વધુ સમય એમના સાસરે બેસી શક્યા નહિ. ત્યાંથી તેઓ રજા લઈને તરત નીકળી ગયા.
રમેશભાઈએ મદદ માટે કોઈ જગ્યા બાકી રાખી નહિ. આખરે એમને નાછુટકે રાજના પ્રસ્તાવને સ્વીકારવો પડ્યો.
રમેશભાઈએ રાજને બોલાવીને કાનુની દરેક કાગળો પર સાઈન કરી નાખ્યા. એ સાથે રમેશભાઈએ શરત રાખી કે ભવિષ્યમાં એમની પાસે એક લાખ રૂપિયાની સગવડ થઈ જાય તો રાજને પરત કરી દેશે અને એ સાથે રાજને પાર્ટનરશીપમાંથી પણ આબાદ કરી દેશે.
રાજને સોમનાથ દાદા પર પૂરો વિશ્વાસ હતો. એણે રમેશભાઈની શરત મંજૂર કરી અને એક લાખ રૂપિયા એમને આપીને કેબિનનો માલિક બની ગયો. જોકે પાર્ટરશીપમાં જે કોઈ આવક મળે તેઓને પચાસ ટકાએ વિભાજીત કરી લેવાની હતી.
રાજે આ ખુશખબરી સૌથી પહેલાં પ્રવિણને જણાવવાનો હતો. એણે રાતના સમયે જ પ્રવિણનો નંબર ડાયલ કર્યો. એક રીંગની સાથે પ્રવીણે કોલ ઊપાડી લીધો.
"હેલો ! જય સોમનાથ રાજ. હું હજુ મોબાઇલ લઈને તને જ કોલ કરવાનો હતો. તારી દરેક ઈચ્છાઓ સોમનાથ દાદા પૂરી કરશે."
"કાકા, આપણી બન્ને વચ્ચે લાગણીનું અતૂટ કનેક્શન જોડાયેલું છે. આ તરફ તમે મને યાદ કર્યો અને જુઓ તમે કોલ કરો એ પહેલાં મારો કોલ આવી ગયો."
"કોઈ એમ જ કોઈને ના મળે આમાં મારા સોમનાથ દાદાની કોઈ તો મરજી છુપાયેલી હશે. બાકી તારી નોકરી કેમ ચાલે છે ? પહેલી પાર્ટનરશીપ વાળી વાત આગળ વધી કે નહિ ?"
"મેં તમને એ જ ખુશખબરી માટે કોલ કરેલો છે. રમેશભાઈ પાસે મારો પ્રસ્તાવ સ્વીકારવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. આજે બધી કાનુની કાર્યવાહી પતાવી નાખી છે. આવતી કાલે બેન્કમાં મારી નોકરીનું રાજીનામુ આપી દેવાનો છું અને શુભ મુહૂર્તની સાથે વહેલી તકે રમેશભાઈની કેબીન પર જતો રહીશ."
"હવે ખાલી રમેશની કેબિન જ નહિ પણ તારી પણ કેબીન કહેવાશે. મેં તને કહ્યું જ હતું કે રમેશ ફરીફરીને તારી પાસે જ આવશે. હવે એમણે તારા પર જે વિશ્વાસ મૂક્યો છે; એને તું તોડતો નહિ. વોચમેનની નોકરીમાં તારા બહાના ચાલતા હતા પણ આ હવે તારો બિઝનેસ છે. તારું ખુદનું કામ છે. પૂરાં લગન સાથે કામ કરજે અને સોમનાથ દાદાનું સ્મરણ કરતો રહેજે. તું એટલી મહેનત કરજે કે એમની કેબીનમાંથી દુકાન બની જાય."
"તમે જે સલાહ આપી બસ એ સલાહો પર જ હું કામ કરીશ. હું એમાં કામ બાબતે કોઈ આનાકાની કરીશ નહિ. મને ખુદને અંદરથી કોઈ પ્રેરણા આપતું હોય કે મારે એ કેબિનમાં કામ કરવું જોઈએ."
પ્રવિણ રાજની વાતો સાંભળીને ખૂબ ખુશ થઈ ગયો હતો. તેઓ બન્નેએ બીજી થોડીક વાતો કરી. એ પછી પ્રવિણે રાજને જય સોમનાથ કહીને કોલ કટ કરી નાખ્યો.
પ્રવિણ મોબાઈલને સ્ટુલ પર રાખીને સૂવાની તૈયારી કરવા લાગ્યો. એ સમયે પારુલ ઘરના બધાં કામો કરીને રૂમની અંદર આવી પહોંચી.
"તમારી પાસે મારી વાત સાંભળવાનો થોડોક પણ સમય છે તો હું તમારી પાસે મારી સમસ્યા જણાવું ?"પ્રવિણની સામે ઊભી રહીને પારુલે ઉગ્ર અવાજે પૂછ્યું.
"તું ચિંતામાં હોય એવું કેમ લાગી રહ્યું છે ?" પ્રવિણે પારુલને બેડ પર બેસાડી અને પોતે પણ એની પાસે બેસી ગયો, "વાત શું છે ?મને જણાવીશ તો એનું કોઈ નિરાકરણ નીકળશે."
પ્રવિણે કહ્યું એ સાથે પારુલ રડવાં લાગી. તેણી પ્રવિણ સામે કશું બોલી ના શકી.
"મેં તને કાંઈક બોલવાનું કહ્યું છે. તું કાંઇ પણ બોલ્યાં વિના રડવાં લાગી છે. પહેલાં મારી સામે જો."
પ્રવિણે એનાં બન્ને હાથ વડે પારુલનાં રડતાં ચહેરાને ઊંચો કર્યો. પારુલની આંખમાંથી નીર ખાલી થઈ રહ્યાં ન હતાં.
"ઓહ્ ! મને લાગ્યું કે તું વત્સલની જેમ રડવાનું ખોટું નાટક કરે છે, પણ આતો સાચે જ તારાં આંખમાંથી ગંગા જમના વહી રહ્યાં છે."
"તમને દરેક વાતમાં મસ્તી જ સૂજે છે. આવતી કાલે રવિનું લગ્નજીવન વિરવિખેર થવાની તૈયારીમાં હશે તો તમે એમ જ કહેશો કે મને એમ કે તેઓ મસ્તી કરી રહ્યાં હશે." ગુસ્સા સાથે પારુલે એનાં આંસુ સાફ કરીને બોલી.
"તો વાત રવિની છે ? તું ખોટી ચિંતા ના કર. હેતલ વહુ વહેલી તકે ઘરે પાછાં આવી જશે."
"રવિએ એક અઠવાડિયાનુ કહ્યું હતું. મેં અત્યારે એના રૂમમાં જઈને કહ્યું કે હવે અઠવાડિયું પણ પૂરું થઈ ગયું છે તો તું હેતલને ઘરે લઈ આવ."
"રવિએ તને કાંઈ તો જવાબ આપ્યો હશે. એણે તને કહ્યું ને કે એ હેતલ વહુને લઈ આવશે ?"
"તમે જે વિચારો છો એવો રવિએ કોઈ જવાબ આપ્યો નહિ. એણે કહ્યું કે એ જ્યારે પિયરે રોકાઈને થાકશે તો એની રીતે આવી જશે. તમે એવી કોઈ ચિંતા કરો નહિ."
પારુલ પાસે રવિનો આવો જવાબ સાંભળીને પ્રવિણ ચિંતામાં મુકાઈ ગયો. જરૂર પતિ અને પત્ની વચ્ચે કોઈ બાબતને લઈને બબાલ થયેલી હશે.
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ "મીરા"