એકાંત - 101 Mayuri Dadal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એકાંત - 101

રેખાબેન હવે કાયમી સંજયભાઈની ઘરે રોકાઈ જશે; એ જાણીને નીલ દુઃખી થઈ ગયો હતો. નીલ રેખાબેનની સોડમાં રડવાં લાગ્યો. રેખાબેન એને છાના રાખતા ખુદ રડવાં લાગ્યાં. 

નિસર્ગ અને હિમજા એ લોકોની પાસે આવી પહોચ્યાં. બન્નેને રડતાં જોઈને શાંત રાખવા માટે નિસર્ગે થોડીક મસ્તી કરી અને બોલ્યો.

""આ શું અત્યારથી વિદાય કાર્યક્રમ ચાલું કરી નાખ્યો ? અમને લોકોને બોલાવ્યાં પણ નહિ."

હિમજાને નિસર્ગે આવી રીતે કહ્યું એ જરાય પસંદ ના આવ્યું. તેણી રેખાબેનને અને નીલને છાનાં રાખવાં લાગી.

"નીલ ! આમ તું રડીશ તો દાદીને પણ ત્યાં નહિ ગમે. એ ઘર દાદા અને દાદીએ વસાવેલું છે. તું તારા માળામાંથી ઊડીને આકાશમાં વિહાર કરવા નીકળી જઈશ તો અંતે ફરીને તું તારા માળામાં આવવાનો છે. એમ સમજી લે કે દાદી એમનાં માળામાંથી ઊડીને ભૂલાં પડ્યાં. આપણે આટલાં વર્ષો એમને આપણા માળામાં સાચવ્યા. દાદા એમને શોધતાં અહીં આવી પહોચ્યા. હવે દાદીને એમનો જુનો માળો યાદ આવે તો એમને જાઉં પડે !"

"ઠીક છે મમ્મી ! તમે કહો છો તો હવે હું રડીશ નહિ અને જિદ્દ પણ નહિ કરું." નીલ હિમજાની વાતો સાંભળીને ચૂપ થઈ ગયો.

"હવે, તું રડતો પણ નહિ. આપણે નક્કી કરેલું છે કે એવરિ હોલિડે આપણે દાદા અને દાદી સાથે જ રહેશું. એ પણ કોઈપણ સમયે આપણી ઘરે આવતાં રહેશે."

એ પછી નિસર્ગે નીલને સમજાવ્યો. નીલ સમજુ બનીને માની ગયો. તેઓએ વધુ ઢીલ રાખી નહિ. દરવાજાને લોક કરીને સંજયભાઈની ઘરે જવા માટે નીકળી ગયાં.

કાર હોવાથી દૂર રહેતાં સંજયભાઈની ઘરે પહોંચતાં વીસ મિનિટ લાગી. સાવ એટલું નજીક પણ ઘર ન હતું. બહાર પાર્ક કરીને કારની અંદરથી એક પછી એક સભ્યો ઊતરવા લાગ્યા. સૌથી પહેલાં રેખાબેનને એમનાં ઘરમાં વર્ષો પછી પ્રવેશ કરવાનો હતો; એ પહેલાં કારમાંથી ઊતરી ગયાં. ત્યારબાદ  નિસર્ગ, હિમજા અને નીલ ઉતર્યાં. નિસર્ગે કારનો ડોર લોક કરી નાખ્યો.

ઘરની અંદર સંજયભાઈ આટા મારી રહ્યા હતા. પોતાના પરિવારને પોતાના ઘરની અંદર પ્રવેશ કરવાની ઉત્સુકતા તેમના ચહેરા પર છલકાઈ રહી હતી. જેના કારણે એમણે ઘરનો મુખ્ય દરવાજો ખૂલ્લો રાખ્યો હતો. કોઈ પરિચિત આંગણે દેખાયું એ જોવા સંજયભાઈ ઘરમાંથી આંગણે આવ્યાં.

એક સાથે એમના પરિવારને આંગણે ઊભા જોઈને તેઓ ભાવવિભોર થઈ ગયા. તેઓ કશુ બોલવાની સ્થિતિમાં રહ્યાં નહિ. એમણે સૌને એક સાથે આવકાર આપ્યો.

એમના દીકરા નિસર્ગને વર્ષો પછી એ જ આંગણે ઊભો જોઈને એમની આંખો ખુશીથી ભરાઈ ગઈ. નિસર્ગ પણ એના જુના ઘરે આવીને નિઃશબ્દ બની ગયો. એની પાસે સંજયભાઈ સમક્ષ બોલવા માટે શબ્દો નીકળી રહ્યા ન હતા.

રેખાબેને એમનો બેગ સાઈડમાં રાખીનસંજયભાઈનાં ચરણ સ્પર્શ કર્યાં. એ પછી હિમજા અને નીલે પણ સંજયભાઈનાં ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લઈ લીધાં. નિસર્ગ હજુ એની જગ્યાએ સ્થિર ઊભો હતો. એને પણ વર્ષો પછી એના પપ્પાના આશીર્વાદ લેવાની ઈચ્છા થઈ ગઈ, પણ ભૂતકાળમાં એણે એના પપ્પાનો તિરસ્કાર કર્યા પછી આગળ વધવાની હિમ્મત જ ના થઈ.

"તમે પપ્પાના આશીર્વાદ લઈ લ્યો." મંત્રમુગ્ધ ઊભેલાં નિસર્ગ પાસે જઈને હિમજાએ જણાવ્યું.

નિસર્ગ હિમજાની વાતો સાંભળીને વિચારોનાં વમળમાંથી પાછો આવ્યો. એને હાર્દિકની કહેલી વાતને યાદ કરી.

"તું એમની માફી માંગીશ નહિ પણ ખાલી પ્રેમથી પપ્પા કહીશ તો એ બધું ભૂલીને તને ગળે લગાવી દેશે."

હાર્દિકની વાત યાદ કરીને ધીરે ધીરે એ એના પપ્પાની નજીક ગયો. સંજયભાઈ એને એની તરફ આવતા જોઈ રહ્યા હતા. સાવ નજીક આવીને એણે એના બે હાથ જોડીને બોલ્યો.

"પપ્પા ! આઈ એમ સોરિ. આટલા વર્ષો તમે કઈ પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યાં હતાં એ હું સમજી ના શક્યો. મને મમ્મી સાથે અન્યાય થયો એ જ દેખાયું. તમે જ મને મોટો કર્યો. એમાં તમે તમારી ઈચ્છાઓ અને સુખનું પણ બલિદાન આપ્યું; એ દેખાયું નહિ. હુ મારાં મમ્મીના પ્રેમમાં સ્વાર્થી થઈ ગયો હતો. મારે તમારાં બન્નેને જોડીને રાખવાં જોઈએ. મેં આટલાં વર્ષો મમ્મી અને તમને અલગ કર્યાંનો ગુન્નો કરી બેઠો હતો, એના માટે મને માફ કરી દો."

નિસર્ગની વાત સાંભળીને સંજયભાઈ રડવા લાગ્યા. એમણે ફટાક દઈને નિસર્ગને એમના છાતીએ વળગાડી દીધો. વર્ષો પછી આખરે દશરથ અને રામનું મિલન થઈને રહ્યું. નિસર્ગને એના પપ્પાની હૂંફ મળી તો રડવા લાગ્યો. બન્ને બાપ દીકરાને રડતા જોઈને સૌ કોઈ રડવાં લાગ્યાં. 

"જે કાંઈ આપણા જીવનમાં થયું એ ખરાબ સપનું માનીને ભૂલી જવાનું હોય. આગળ પણ આપણું જીવન બાકી છે. હવે પછીનું જીવન આપણે સ્નેહ અને વિશ્વાસ સાથે મઘમઘતુ બનાવતું રહેવાનું છે." રેખાબેને તેઓ બન્નેને અળગા કર્યાં. 

રેખાબેન ઘરની અંદર પ્રવેશ કર્યો તો જોયું કે ઘર એમનું હજું એવું જ હતું જેવું તેઓ મૂકીને ગયાં હતાં. નાની એવી વસ્તુને પણ ખસેડવામાં આવી ન હતી. સંજયભાઈને પ્રાઈવેટ  નોકરી હતી, જેને કારણે નવું રાચરચીલું વસાવેલું હતું નહિ. બે રૂમ, મોટો હોલ અને કિચન આટલી સગવડમાં સંજયભાઈએ વર્ષોનું એકાંત ગળી લીધું હતું. ચોક્કસાઈમાં પણ એટલા તેઓ હોશિયાર હતા. છીંક આવે એટલી પણ ઘરનાં ખૂણેથી રજ દેખાઇ આવતી ન હતી.

એમની પાછળથી હિમજા પણ ઘરમાં પ્રવેશ કરવાં જઈ રહી હતી, ત્યાં રેખાબેને તેણીને ઉંમરે રોકી લીધી.

"આ શું મમ્મી ? હું પણ આ ઘરની વહુ છું. અહીં આવીને મને પારકી કરી નાખી ? તમે મને અંદર પણ આવવાં નહિ દો ?" ખોટો ગુસ્સો કરીને હિમજા નારાજ થઈ ગઈ.

"અરે ! આ ઘરમાં તારો પૂરો હક છે. તું કોઈપણ સમયે આ ઘરે આવી શકે છે. તું આ ઘરમાં પહેલીવાર પ્રવેશ કરવાં જઈ રહી છે, તો હું લક્ષ્મીનું સ્વાગત કર્યાં વિના ઘરમાં આવવાં તો નહિ દઉં."

રેખાબેને હિમજાને ઉંમરે ઊભી રાખીને આરતીની થાળી અને ચોખાથી ભરેલો કળશ લઈ આવ્યાં. રેખાબેને નિસર્ગ અને હિમજાને સાથે ઊભા રાખીને બન્નેની આરતી ઊતારી. બન્નેને કપાળ પર કંકુનો ચાંદલો કરીને અને ચોખા લગાવીને વધાવી લીધાં.

રેખાબેને હિમજાને તેણીનો જમણો પગ ચોખાથી ભરેલ કળશ ઢોળીને અંદર આવવાં જણાવ્યું. જેમ તેણીની સાસુએ કહ્યું એ જ રીતે હિમજાએ કળશને જમણા પગનો અંગુઠો અડકાવીને ચોખા ઢોળીને અંદર પ્રવેશ કર્યૉ.

એના પછી સૌ મેમ્બર્સ ઘરની અંદર આવી ચુક્યાં. વર્ષો પછી નિસર્ગ એનાં નાનપણનું ઘર જોઈને યાદોમાં ખોવાઈ ગયો. એણે નાનપણમાં જે કાંઈ મસ્તી કરી હતી, એ બધું યાદ આવી ગયું. યાદોની સાથે નિસર્ગને કશુંક યાદ આવ્યું. એ એના રૂમની અંદર ગયો. ત્યાં એનો લોખંડનો કબાટ હતો. નિસર્ગે એ કબાટ ખોલ્યો. કબાટની અંદર એ કાંઈક શોધવા લાગ્યો.

સૌ કોઈ એને જોઈને અચરજમાં આવી ચુક્યાં હતાં. કોઈને કાંઈ એ કહી રહ્યો ન હતો. કબાટના એ દરેક સેફ્ટી ડોર ખોલાવાનો પ્રયાસ કર્યો તો એ લોક કરેલા હતા.

"પપ્પા, આ દરેક લોકરની ચાવીઓ ક્યા છે ?" નિસર્ગે સંજયભાઈ સામે જોઈને સવાલ કર્યો.

"તારે આ લોકોનું શું કામ છે ? એની અંદર બેન્કના કાગળો અને બીજા જરૂરી કાગળો સિવાય કાંઈ નથી. તારાં મમ્મીનાં ઘરેણાં પણ મે ગિરવે મૂક્યાં છે."

"પપ્પા, પણ તમારે ઘરેણા ગિરવે મૂકવાની નોબત આવી જ કેમ ?"

"અરે એમાં એવુ છે કે, એકવાર હું ખૂબ બિમાર પડી ગયો હતો. નોકરી પર જઈ શકું એટલી હિમ્મત થઈ રહી ન હતી. બિમારીની સારવાર માટે મારે નાછુટકે ઘરેણા ગિરવે મૂકવા પડ્યા." સંજયભાઈએ શરમથી માથુ નીચું કરી નાખ્યું.

"તમારે એમાં પસ્તાવો કરવા જેવો નથી. ઘરેણા હોય છે એટલા માટે કે આપણે કપરા સંજોગોમાં ઉપયોગ કરી શકીએ." રેખાબેને એમને સમજાવ્યાં.

"મારે ઘરેણાનું કોઈ કામ નથી. મેં અહીં એક કિંમતી વસ્તુ લોકરમાં સંતાડીને રાખી છે. મારે એ શોધવી છે."

એ કિંમતી વસ્તુ શુ હશે ? કોઈ સમજી ના શક્યું. સંજયભાઈએ વધુ સવાલ કર્યા નહિ અને નિસર્ગને કબાટના દરેક લોકની ચાવીનો ગુચ્છો આપી દીધો.

નિસર્ગે કોઈ લોક ખોલ્યા નહિ, પણ કબાટની અંદર આવેલ સિક્રેટ લોકરની ચાવી શોધીને એણે એ લોકર ખોલી નાખ્યો. ખોલીને સૌએ જોયું તો સાચે જ એ કોઈ ખજાનાથી ઓછું ન હતું.

(ક્રમશઃ...)

✍️મયુરી દાદલ "મીરા"