જીવનમાં પ્રથમ વખત રેખાબેન સંજયભાઈને જાહેરમા મળવાં જવાનાં હતાં. એ ખુશીની સાથે એમની અંદર ગભરામણ વધી ગઈ હતી. આ રીતે કોઈને એકલાં એ પાછું જાહેરમાં મળવાં એમની યુવાનીમાં પણ ગયાં ન હતાં.
રેખાબેનથી વધુ ખુશી હિમજાના ચહેરા પર હતી. તેણી આ વાત જાણીને એના હાથો વડે રેખાબેનને તૈયાર કરી દીધાં. તૈયાર થઈને રેખાબેન એકીટસે અરીસામાં ખુદનાં રૂપને નિહાળવાં લાગ્યાં.
"મમ્મી ! તમને આ લુક પસંદ ના હોય તો તમે તમારી રીતે ચેન્જ કરી નાખજો. આજકાલ સિનિયર સિટિઝન પણ આવાં લુક સાથે દેખાય આવે છે." રેખાબેન કશું ના બોલ્યાં તો અચકાતાં શબ્દોએ હિમજાએ કહ્યું.
રેખાબેને અરીસાની સામેથી નજર હટાવીને હિમજા સામે ગંભીર નજરોથી જોયું, "મને ખબર ન હતી કે તું મારો લુક આવો કરી નાખીશ. આવો લુક મારો કર્યા પહેલાં તારે એકવાર મને જણાવવું તો હતું."
હિમજાનાં હૃદયનાં ધબકાર તેજ ગતિએ વધવાં લાગ્યાં. તે છતાં એ આગળ બોલી, "સોરિ મમ્મી, મારે તમને પહેલાં જણાવવી દેવું જોઈએ. તમે સાડી ચેન્જ કરી નાખો."
"સાડી કેમ ચેન્જ કરું ?" એ જ ભાવ સાથે રેખાબેને સવાલ કર્યો.
"તમને લુક ના ગમતો હોય તો ચેન્જ કરવી જોઈએ. તમે જ કહ્યું કે, મને પૂછીને મારો લુક ચેન્જ કરવો જોઈએ."
હિમજાના હાવભાવ દુઃખી થઈ ગયાં હતાં. તેણીને પસ્તાવો થવાં લાગ્યો કે, દરેક સિનિયર સિટીઝન આવા લુકમાં ફરતી રહે છે, પણ કોઈને આવો લુક પસંદ ના હોય તો જાણ કર્યા વિના એમનાં દેખાવને ચેન્જ ના કરી શકાય. હિમજાની આંખો પસ્તાવાથી ભરાય ગઈ.
"અરે મારી દીકરી હવે તું રડવાં ના લાગતી." રેખાબેને હિમજાનાં ખભા પકડીને આગળ બોલ્યાં, "હું સાડી ચેન્જ નહિ કરું, કારણ કે મને આ લુક બહું જ પસંદ આવ્યો. સાચે જ આટલી સુંદર હું પરણીને તારા સસરાની ઘરે આવી હતી ત્યારે પણ લાગી રહી ન હતી."
"તમે હમણાં..કહ્યું કે, મને પૂછવું જોઈએ." હિમજાને હજું એવું લાગતું હતું કે રેખાબેન એનું મન મનાવવાં માટે કહી રહ્યાં હતાં.
"અરે એ તો હું તારી ફિરકી લઈ રહી હતી. હું જોવાં માંગતી હતી કે મારી મસ્તીને કારણે તારો ચહેરો કેવો થઈ જાય છે ?"
"તમે પણ મમ્મી ..હમણાં મારો જીવ નીકળી જાવાનો હતો. મને એમ થયું કે મારી મહેનત પાણીમાં ગઈ." હિમજાને જાણીને રાહત થઈ.
"તું તો મારી દીકરી બનીને આ ઘરમાં આવી છે. વહુ હોય કે દીકરી - એ લક્ષ્મીનું સ્વરૂપ કહેવાય છે. દીકરીને દુઃખી કરીએ તો લક્ષ્મીને નારાજ કર્યાં બરાબર કહેવાય. આજે તો તે મને આટલી સુંદર તૈયાર કરી દીધી તો જાણે મારી મા જ મારી સામે કેમ ઊભી ના હોય..! એવો અહેસાસ થાય છે."
રેખાબેનની લાગણીભરી વાતો સાંભળીને હિમજા ભાવુક થઈ ગઈ. તેણીએ એની આંખ પર આવેલ કિંમતી અશ્કને લૂછતાં રેખાબેનને બાથ ભીડી લીધી. થોડીક વાર એમ રહ્યાં પછી તેઓ બન્ને અલગ પડ્યાં.
"હવે મારે જાવું જોઈએ. તારાં પપ્પા મારી રાહ જોઈ રહ્યાં હશે." રેખાબેને ઊતાવળ દાખવતાં બોલ્યાં.
"એક મિનિટ, મમ્મી.."
"હવે શું થયું ?" પ્રશ્નાર્થ નજરે રેખાબેને હિમજા સામે જોયું.
"શ્રૃગાર સજાવવામાં કાંઇક તો મિસીંગ થઈ રહ્યું છે !"હિમજાએ તેણીની તર્જની બે દાંત વચ્ચે દબાવતાં બોલી.
"શું મિસીંગ છે ?" રેખાબેન અરીસામાં જોઈને એમનો શણગાર જોવાં લાગ્યાં.
"જલ્દી કહે ને એ રાહ જોતાં હશે. મારે એમને વધુ રાહ હવે જોવડાવી નથી." રેખાબેન અકળાયાં.
"બસ તમારાં ગળામાં મંગળસૂત્ર પહેરવાનું બાકી છે. મને વિશ્વાસ છે કે, તમે પપ્પાને મળીને આવશો તો એ તમને ગળામાં મંગળસૂત્ર પહેરાવી દેશે."
હરખાતા હિમજા બોલી. રેખાબેન તેણીની વાતો સાંભળીને શરમાઈ ગયાં. એમણે હિમજાથી વિદાય લઈને બગીચે સંજયભાઈને મળવાં નીકળી ગયાં.
પંદર મિનિટમાં તેઓ ક્રિષ્ના એપાર્ટમેન્ટની પાસે રહેલાં બગીચાની અંદર પહોંચી ગયાં. રેખાબેને ચારો તરફ નજર ફેરવી એમને સંજયભાઈ ક્યાંય દેખાય રહ્યાં ન હતાં. કદાચ તેઓ હજું આવ્યાં નહિ હોય એ વિચારીને રેખાબેન બેન્ચ પર બેસવાં માટે થોડાંક આગળ વધ્યાં.
રેખાબેનની નજર ચારે તરફ સંજયભાઈને શોધતી હતી. નજર એમની પાછળ હતી અને તેઓ બેન્ચ તરફ આગળ વધી રહ્યાં હતાં.
બેન્ચ પર સંજયભાઈ ક્યારનાં રેખાબેનની રાહ જોઈ રહ્યાં હતાં, પણ રેખાબેનની નજર બેન્ચ સિવાય બીજી બધી જગ્યાએ સંજયભાઈને શોધી રહી હતી.
સંજયભાઈ રેખાબેનને આવતાં જોઈને ઊભાં થઈ ગયાં. પાછળ નજર હોવાથી આગળ કોઈ ઊભું છે; એવું જોવાની તસક્કી લીધાં વગર રેખાબેન જેવાં થોડાંક આગળ વધ્યાં એ સાથે સંજયભાઈ સાથે તકરાઈ ગયાં.
રેખાબેનનું બેલેન્સ ટકરાવાથી ખસી ગયું. તેઓ જમીન પર પડવાની તૈયારીમાં જ હતાં. એવામાં સંજયભાઈએ એમનાં હાથેથી રેખાબેનનો હાથ પકડી લીધો અને બીજો હાથ રેખાબેનની કમર પર મૂકી દીધો. તેઓએ એમને પકડીને પડતાં બચાવી લીધાં. ડરને કારણે રેખાબેને એમની આંખો બંધ કરી દીધી.
"ચારે તરફ ઘુવડની જેમ ડાફડ્યાં મારવાં કરતાં સામે જોઈને ચલાયને."
સંજયભાઈનો અવાજ સાંભળીને રેખાબેને આંખો ખોલી એમનો હાથ પકડનાર કોઈ અજાણ્યો પુરુષ નથી; એ જોઈને રેખાબેનને હાશકારો થયો. તેઓ સ્વસ્થતા કેળવીને ઊભા થઈ ગયાં.
"હું તમને જોવાં માટે પાછળ નજર કરીને ચાલી આવતી હતી. મને એમ થયું કે હજું તમે આવ્યાં નહિ હોય."
"અહીં હું તારી અડધી કલાકથી રાહ જોઈ રહ્યો હતો. આવી રીતે પાછળ નજર કરીને ચલાતું હશે ? તું મારી સાથે ટકરાઈ ગઈ. વિચાર કર કે કોઈ અજાણ્યાં પુરુષ સાથે ટકરાઈ ગઈ હોય તો તારી એ વ્યક્તિ સામે શું ઈમેજ રહી હોત ?" સંજયભાઈએ કડક શબ્દોમાં રેખાબેનને સમજાવ્યું.
"તમારી વાત સાચી છે. હવે ફરી આવું નહિ થાય."
"વર્ષો પહેલાં હું તને સાચવતો હતો. ઉંમર પ્રમાણે હવે તો પહેલાં કરતાં ખૂબ સમજદાર થઈ ગઈ છે. મારે તને શીખ આપવી ના જોઈએ."
"ઉંમર પ્રમાણે હજી તો હું તમારાથી નાની છું. તમે પહેલાં જેમ મને સાચવી જાળવો તો હું પાછી નાસમજ બનવાં માંગું છું." આંખોમાં આંખ પરોવીને રેખાબેને કહ્યું.
સંજયભાઈએ એમને કોઈ જવાબ આપ્યો નહિ. એમણે રેખાબેન સામે બેન્ચ પર બેસવાનો ઈશારો કર્યો. રેખાબેન એમની સાથે બેસી ગયાં. થોડીક વાર સુધી બન્નેમાંથી કોઈ કાંઈ બોલ્યું નહિ. આખરે રેખાબેને એમની ચૂપી તોડી.
"તમે મને અહીં બોલાવી તો ખાસ કારણ કોઈ હતું ?"
"મારે તારી પાસે એ જાણવું હતું કે તે હજી ડિવોર્સ પેપર પર સાઈન કેમ કરી નથી ?"
"તમારે બહુ ઉતાવળ જાગી છે; મારાથી છુટકારો લેવાની !"
"તારાથી છુટકારો મને વર્ષો પહેલાં જ મળી ગયો હતો. જીવનના પાછલાં દિવસોમાં તારું નામ અજાણતાં મારી સાથે જોડાયેલું ના રહે. બસ, એ કારણે આપણે ડિવોર્સ લઈ લેવાં જોઈએ. હવે આ સંબંધમાં કશું બાકી પણ બચ્યું નથી."
"આપણે એકબીજાંને માફ કરીને જીવનની નવી શરુઆત કરી શકીએ છીએ; જો તમે તૈયાર થતાં હોય. હું જાણું છું કે અહીં મને બચાવવાનો ઉદેશ્ય તમારો કાંઈક બીજો હતો. હવે, તમને જીવનનાં છેલ્લાં દિવસોમાં એકાંત કોરી ખાઈ છે. જે એકાંત સાથે તમે દોસ્તી કરી લીધી હતી એ જ એકાંત તમારો દુશ્મન બનીને એકલતામાં પરિવર્તિત થઈ ગયો છે. તમે તમારા અહંકારને લીધે એ માનવાં તૈયાર થઈ રહ્યાં નથી કે તમારે હવે એક જીવનસાથીની જરૂર છે."
રેખાબેને સંજયભાઈની વાસ્તવિકતા જણાવી તો એ પછી સંજયભાઈ એમની સામે કશું ના બોલ્યાં. બોલવું પણ એમને ઘણું બધું હતું પણ સંકોચને કારણે તો ક્યારેક ભૂતકાળ વીતી ગયો; એ વિચારીને કાંઈ બોલવાં માટે અસમર્થ થઈ ગયાં હતાં.
"મને નથી ખબર કે મારી અંદર શું દ્વન્દ્વ યુધ્ધ ચાલી રહ્યું છે. કોઈએ સાચું કહ્યું છે કે, વ્યક્તિનું જીવન એક કઠપૂતળી સમાન છે. જેમ કુદરત નચાવે છે એમ આપણે નાચીએ છીએ. મેં પરિસ્થિતિ સાથે સમાધાન કરી લીધું છે. વર્ષો પહેલાં આપણે સાથે રહેવું એ આપણું નસીબ હતું નહિ. આટલાં વર્ષો એકાંતમાં નીકળી ગયાં તો હવે મારો સાથ એકાંત આપે કે એકલતા આપે ? શો ફરક પડવાનો છે." નિ:સાસો નાખતા સંજયભાઈએ સ્પષ્ટ વાત કરી.
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ "મીરા"