નિસર્ગે બે કે ત્રણ વાર હિમજાને પૂછ્યું કે એના પપ્પા ઘરે આવેલાં હતાં, તો એમણે ગુસ્સાથી એની મમ્મી સાથે વાત કરી ન હતી. હિમજાએ એની વાતનો કોઈ જવાબ આપ્યો નહિ અને એ બેડ પર સૂઈ ગઈ. નિસર્ગ અકડાઈને ખુરશી પરથી ઊભા થઈને તેણીનો હાથ પકડીને બેઠી કરી.
"મેં તને કાંઈક પુછ્યું અને તું મારાં સવાલને ઈગ્નોર કરીને અહીં સૂઈ ગઈ છે."
"તમે જે સવાલ કર્યો એ મેં સાંભળ્યો. મારે તમને એનો કોઈ જવાબ આપવો ન હતો એટલે સૂઈ જવાની ટ્રાઈ કરી રહી છુ." બેફિકરાઈથી હિમજાએ કહ્યું.
"જવાબ નથી આપવો એટલે શું ? મને મમ્મીની ચિંતા થઈ રહી છે. એ કારણે હું જાણવાં માંગું છું કે એ માણસે મમ્મી સાથે ઉદ્ધતાઈથી વાત કરી નથી ?" નિસર્ગ એની પાસે બેસીને કહ્યું.
"તમને મમ્મીની એટલી ફિકર હોય તો આજે મમ્મી અને પપ્પા આટલાં વર્ષોથી અલગ રહ્યાં ના હોત."
"આ વાત વચ્ચે લઈ આવવાની તારે જરૂર છે ? આ ઘટનાને વર્ષો થઈ ગયાં છે. મેં અગાઉ તને કહ્યું હતું કે મમ્મીની તબિયત સુધરી ગઈ હતી તો અમે એમની ઘરે ગયાં હતાં. એમણે જ અમારો અસ્વીકાર કર્યો હતો."
"તમે એ જાણવાની ટ્રાઈ કરેલી હતી કે એમણે તમારો અને મમ્મીનો સ્વીકાર કેમ કર્યો ન હતો."
"એમાં જાણવાની ટ્રાઈ શું કરવાની હોય. બધું નજરની સમક્ષ જ હતું. મમ્મીને એમના પર શંકા હતી કે તેઓનું બહાર કોઈ સાથે અફેર ચાલે છે. એ કારણે તેઓએ મમ્મીને ઘરની બહાર કાઢી મુક્યાં. એમણે નિર્દયતાથી મમ્મીને એમનાં જીવનમાંથી દૂર કરી દીધાં. મારાથી એ સહન ના થયું. એ કારણે હું મમ્મી સાથે ઘર છોડીને જતો રહ્યો. એમણે એકવાર પણ મને કે મમ્મીને રોકવાનો પ્રયત્ન કર્યો નહિ. અરે બીજે દિવસે પણ એ અમને ઘરે પાછાં લેવાં માટે આવેલાં ન હતાં."
"એ કારણે તમને પપ્પાથી નફરત થઈ ગઈ ? આ જ કારણ છે જેને કારણે તમે એમને બોલાવતાં નથી. અરે, જ્યારે મમ્મીનાં કહેવાથી તમે એમનાં ઘરે ગયાં હતાં; ત્યારે પપ્પાએ તમારી આંખોમાં એમનાં માટેની નફરત જોઈ હતી. એમની હિમ્મત જ ના થઈ કે એ તમને સ્વીકારે."
"આવું બધું તને કોણે કહ્યું ? જેણે કહ્યું હોય એમણે બિલકુલ સાચું કહ્યું છે. જે વ્યક્તિ અડધી રાત્રે એમની પત્ની અને સંતાનને ઘરની બહાર નિઃસહાય છોડી દે એમને નફરત કરવાં સિવાય બાકી રહેતું નથી." ગુસ્સાભર્યા શબ્દોથી નિસર્ગે જણાવ્યું.
"પપ્પાએ આ વાત મમ્મીને જણાવી. પપ્પા એ સમયે ખૂબ અપ્સેટ હતા. એ સમયે એમને તમારા સાથની જરૂર હતી. તમે જ એ બન્ને વચ્ચેના સંબંધ સુધારી શકો એવાં વ્યક્તિ હતાં. તમારે એક દીકરાની ફરજને કારણે મમ્મી અને પપ્પા વચ્ચે જે ગેરસમજ હતી, એમને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. તમે મમ્મીને સમજાવવાની જગ્યાએ એમની સાથે ઘર છોડીને જતાં રહ્યાં." હિમજાએ નિસર્ગનો હાથ પોતાનાં હાથમાં લેતાં કહ્યું.
"તને પણ મારી ભૂલ દેખાય છે. એ સમયે હું માત્ર આઠ વર્ષનો જ હતો. એ ઘરમાં સૌથી વડીલ અને સમજદાર એ વ્યક્તિ હતા જેની તું વકીલાત મારી પાસે કરે છે. મમ્મીની માનસિક હાલત ઠીક ન હતી પણ એ તો સમજતા હતા. મમ્મીએ એમને કહી દીધું હોય તો એમને મગજમાં લેવાની શું જરૂર હતી ?"
"હું કોઇની વકીલાત કરતી નથી. તમારું એમ કહેવું છે કે મમ્મીની માનસિક સ્થિતિ સારી ન હતી એટલે તેઓને પપ્પા પર શંકા હતી. એ કારણે પપ્પાને એમની વાત લેટ ગો કરી નાખવાની જરૂર હતી. જો મમ્મીએ પૂરાં હોશોહવાશો સાથે પપ્પા પર ખોટો આક્ષેપ મૂક્યો હોય કે તમે બહાર કોઈ પરાયી સ્ત્રી સાથે સહવાસ કરીને અહીં આવો છો. એ સમયે કદાચ પપ્પા મમ્મીને ઘરની બહાર કાઢી શકે. એવું...જ..કાંઇ..નિ..સ..ર્ગ..!"
"તને નથી લાગતું કે આજ તું જરૂરથી વધુ બોલે છે. તને ચારેય તરફ મારો અને મમ્મીનો દોષ લાગે છે. એ વ્યક્તિને બચાવવા માટે બધાં બ્લેમ મારા પર ઢોળવા છે." નિસર્ગે હિમજાનાં ખોળામાંથી હાથ લઈને ગુસ્સા સાથે કહ્યું.
"તમે મને હજું ખોટી સમજો છો. તમે પણ એક દીકરાના પિતા છો. તમારાથી વધુ પપ્પાની તકલીફને કોઈ સમજી નહિ શકે. ફાધર એક એવી વ્યક્તિ છે કે જે એના સંતાન પર જાન ન્યોછાવર કરી દેશે પણ એની અંદર લાગણીનો ઘોડાપુર એના સંતાન સામે વ્યક્ત નહિ કરે. એ તમને અનંત પ્રેમ કરે છે. તમે પણ એમને હજી એટલો જ પ્રેમ કરો છો જેની સાબિતી છે તમારાં બન્નેનો એકબીજાં પરનો ગુસ્સો. જેને આપણે હદથી વધુ પ્રેમ કરતાં હોય એની જ આપણા પાસે વધુ ફરિયાદો, દુઃખ અને ગુસ્સો હોય છે. જ્યાં પ્રેમના નામનું ઝરણું વહેવાની શક્યતા ના હોય, ત્યાં ગુસ્સો પણ આવશે નહિ." હિમજા કહી રહી હતી અને નિસર્ગ નિ:શબ્દ બનીને સાંભળી રહ્યો હતો.
"ગઈ રાત્રે મુવીની વિલનના આપણા બેડરુમમાં વખાણ કર્યાં એ મને જરાય પસંદ ના આવ્યું. મમ્મીએ તો પપ્પાનાં ચરિત્ર પર શંકા કરી હતી. ધારો કે, મમ્મીની જેમ મેં તમારા પર આક્ષેપ મૂક્યો હોય કે તમારે કોઈ સાથે અફેર છે, તો તમારું રિએક્શન કેવું હશે ?"
"હું એવો બિલકુલ નથી, જે તને પણ ખબર છે."
"ધારવાની વાત છે. ચાલો, હું તમને ના કહું પણ રસ્તે ચાલી જતું હોય એ પાગલ તમને ચરિત્રહીન જેવાં શબ્દો કહશે તો તમે ચૂપચાપ ત્યાંથી નીકળી જશો."
"એવું હું કદાપિ ના કરું. પહેલી વાર એ પાગલ મારી સામે મને જેમ આવે એમ કહેવાની હિમ્મત કરશે, જે હુ બિલકુલ નથી. કદાચ, હું એને ઈગ્નોર કરુ તો એ પૂરી દૂનિયાને એવું જાહેર કરશે કે હુ કેરેક્ટરલેશ છું. સમાજની અંદર પતિવ્રતા સ્ત્રીઓ રહેતી હોય છે તો પત્નીવ્રતા પુરુષો પણ રહે છે. સ્ત્રીઓને પૂરાં સન્માનની સાથે જીવવાનો અધિકાર છે. એમ પુરુષોને પણ સન્માન સાથે જીવવાનો એટલો અધિકાર છે. સ્ત્રી હોય કે પુરુષ દરેકને એમની આબરૂ એટલી જ પ્યારી હોય છે."
"મારે તમને જે સમજાવવાનું હતું, એ તમે હવે સહેલાઈથી સમજી ગયા છો. પુરુષોની લાગણી દરેક માટે એક સરખી હોય છે તો પપ્પા એમાંથી બાકાત કેમ રહી શકે ? હવે તો પપ્પાની જગ્યાએ વિચાર કરીને જુઓ. તમે અને મમ્મીએ જેટલું સહન કર્યું છે, એનાથી વધુ પપ્પાએ સહન કર્યું છે. તમારા જન્મ પછી મમ્મીની માનસિક હાલત ખરાબ થઈ ગઈ હતી. તેઓ પર ઘરની જવાબદારી અને એ સાથે એમની નોકરી."
"તમને દસ વર્ષ મોટાં કર્યા એ પણ મમ્મીની એક પણ મદદ વિના. એમાં મમ્મીનો સ્વભાવ દિવસેને દિવસે બગડતો જતો હતો. એક પુરુષ એમની વેદના એના મિત્ર કે એમની જીવનસાથી પાસે વ્યક્ત કરી શકે. પપ્પા પાસે એટલો પણ સમય હતો નહિ કે એ એમના મિત્ર પાસે બે ઘડી બેસીને એમની વેદના કહી શકે. જીવનસાથીમાં એમણે એમની મિત્રને શોધવા નજીક જતા તો મમ્મી એમને એમનાથી દૂર કરી દેતાં."
"નીલનો જન્મ થયો તો તમે છ મહિના તો માંડ મારી નજીક આવ્યાં વિનાના રહી શક્યાં હતાં. પપ્પા તો તમારાં જન્મ પછી મમ્મીથી દૂર જ રહ્યાં હતાં. એમને પણ સહવાસની ઈચ્છા થઈ હશે. તે છતાં એમણે સંયમ બનાવી રાખ્યો હતો. મમ્મી સિવાય એમણે કોઈ પારકી સ્ત્રી ઉપર નજર કરી નહિ. બદલામાં એમને સાંભળવાં મળ્યું કે તેઓ ચરિત્રહીન છે. છીં..." હિમજા અતુલભાઈની વેદના કહેતાં રડવા લાગી.
"તમે કોઈ ટેન્શનમાં હોય કે દુઃખી હોય તો તરત મારી પાસે ખભા પર માથુ રાખીને રડીને શાંત થઈ જાવ છો. પપ્પા પાસે તો એવો કોઈ આધાર હતો નહિ કે એ એમની જીવનસાથી પાસે રડીને હળવાં થઈ શકે."
હિમજાના શબ્દો નિસર્ગનાં હૃદયને સોસરતાં પહોચી ગયાં. એક સ્ત્રી તરીકે તેણી પુરુષની વેદનાને સારી રીતે સમજી શકી, પોતે એક પુરુષ હોવા છતા એના પપ્પાની વેદના સમજી ના શક્યો. હિમજા સાચું તો કહી રહી હતી.
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ "મીરા"