એકાંત - 92 Mayuri Dadal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એકાંત - 92

રાતનાં એક વાગી ગયા હતા. નિસર્ગના ઘરમાં સૌ કોઈ નિંદ્રાધીન થઈ ગયાં હતાં. નિસર્ગ અને હિમજા હજું એમની રૂમની લાઈટ કરીને વાતો કરી રહ્યાં હતાં. નિસર્ગ વિલનની પાતળી કમરને જોઈ રહ્યો હતો, એ યાદ આવતાં હિમજાએ એની સાથે દલીલ કરી રહી હતી. આંખ બંધ કરીને સુતો નિસર્ગ હિમજાની વાત સાંભળીને બેઠો થઈ ગયો.

"તને હવે એ પહેલી વિલનની નાજુક અને કમળ કાકડી જેવી કમર જોઈને જેલર્સી ફીલ થવાં લાગી ? થવી પણ જોઈએ જેલર્સી. ક્યાં એની કમળનાં ડાળી જેવી નાજુક કમર અને ક્યાં તારી ઝાડનાં થડ જેવી જાડી કમર." નિસર્ગ તેણીને ચિડવવાં લાગ્યો.

હિમજાને ઝાડનાં થડ જેવી કહી; એ સાંભળીને તેણીએ મૂઠી વાળીને નિસર્ગને મારવાં લાગી, "તમને એ એટલી પસંદ હોય તો મારાં બેડ રૂમમાં તમે શું કરો છો ? જાવ અત્યારે જ તમે તેણીની પાસે જતાં રહો."

નિસર્ગે એના બે હાથ આડા રાખીને હિમજાની માર ઝીલતો રહ્યો. તેણી ગુસ્સાથી થોડુંક વધુ જોરથી મારવાં લાગી હતી. નિસર્ગે તેણીના બન્ને હાથને પકડી લીધા અને હસવા લાગ્યો.

"બસ કરને તારા હથોડા જેવા હાથ મને લાગે છે."

નિસર્ગ હજી હસતો હતો. હિમજા ગુસ્સાથી વધુ લાલચોળ થઈ ગઈ હતી.

"તમે આ ક્ષણે રૂમની બહાર નીકળો. આપણા રૂમની અંદર મારાં સિવાય તમારે બીજાનાં વખાણ કરવાં હોય તો હું તમને અહી રહેવાં નહિ દઉં." ભાવુક બનીને હિમજા કહેવાં લાગી.

"તારી પાસે મેં કોઈના વખાણ કરી લીધાં એમાં તારે આટલું દુઃખ લગાડવાનું ?"

"તમે તમારી પત્ની સામે એ પણ આપણાં બેડ રૂમમાં કોઈ પરાયી સ્ત્રીનાં વખાણ કરો તો દુઃખ લાગવું સ્વભાવિક બને છે. હું પણ એક સ્ત્રી છું. મારી ઈચ્છા હોય કે મારો પતિ ફક્ત મારાં જ વખાણ કરે અને મારાં સિવાય કોઈ બીજાનો વિચાર ના કરે."

"અચ્છા ! તો જે પતિ એની પત્નીનાં વખાણ નહિ કરતો હોય એ શું તેણીને પ્રેમ કરતો નહિ હોય ?"

"મારું તમને એટલું જ કહેવું છે કે આપણી વચ્ચે નામ પૂરતું કોઈ ત્રીજી વ્યક્તિને લાવવી ના જોઈએ. બીજું, હું કાંઈ નથી જાણતી."

એટલું કહીને હિમજા રડવાં લાગી. તેણીને રડતાં જોઈને નિસર્ગ ભાવુક બની ગયો. એણે તેણીનાં ગાલ પર આવેલ આંસુને સાફ કરીને છાતીએ વળગાડી દીધી.

"અરે ! તું તો રડવાં લાગી. હું તો મજાક કરતો હતો. આટલું સિરિયસ લેવાની પણ જરુર હતી !"

"તમારી મજાક પણ મને ગમતી નથી. તમે ફક્ત મારાં જ એટલે મારાં જ છો."

"જો હિમજા આ એક રીતનો ઈર્ષાભાવ કહેવાય. પતિ અને પત્નીનો પ્રેમ વધુ ત્યારે ખીલે જ્યારે એની અંદર કોઈ બંધન ના હોય. એવું કહીને તું તારી લાગણીમાં મને બાંધી દે છે. સંબંધ એ કૂમળાં ફૂલ જેવો છે. એને તમે તમારી પાસે રાખશો તો એ મુરઝાઈ જશે. સાચો વ્યક્તિ એ જ છે જે એ કૂમળા ફૂલને સરખો ખીલવાં દે, એ ખીલતા ફૂલની સુગંધ બાગને મઘમઘતો બનાવી દે છે." તેણીની પીઠ પસળાતાં નિસર્ગ બોલ્યો.

"તમે સાચું કહી રહ્યાં છો, પણ કોણ જાણે કેમ હું તમને લઈને ખૂબ પઝેશીવ થઈ જાઉં છું. ફૂલને અડકીએ નહિ અને ખીલવાં માટે મોકળાશ આપશું તો એક દિવસ એ એની જાતે જ ખીલીને વિખરાઈ જશે. એનાં કરતાં આપણે જ એને આપણી પાસે રાખીએ. જેનાથી વિખેરાઈ જવાનો ડર પણ ના લાગે." હિમજાએ નિસર્ગથી દૂર થઈને કહ્યું. 

"એવું આપણાં સંબંધમાં કોઈ દિવસ નહિ થાય. તું મારી લાગણીની વેલ છે, તો હું તારું પ્રેમનું વૃક્ષ છું. તું વેલ દ્રારા મારાથી એવી વીંટળાયેલી છે કે કોઈ તને મારાથી અલગ કરવાની ટ્રાઈ કરશે તો પણ કરી નહિ શકે."

નિસર્ગ હિમજાને પ્રેમભરી વાતોથી સમજાવી રહ્યો હતો. હિમજા એની વાતો સાંભળીને ખોવાઈ ગઈ.

"હું તમારી વેલ છું, તો નીલ કોણ ?" હિમજાએ સવાલ કર્યો.

"એ આપણું વેલમાંથી ખીલતી કળી. જેને ફૂલ થવાની હજી વાર છે. જો તું સાથ આપે તો આપણે બીજી કળી ઊગાડવાની ટ્રાઈ કરી શકીએ છીએ."

નિસર્ગ વાત કરતો હસવા લાગ્યો. હિમજા એની વાતો સાંભળીને મલકાઈને શરમથી માથુ નીચું કરી નાખ્યું. નિસર્ગે એનાં હાથ વડે તેણીની હડપચી ઊંચી કરી લીધી. હિમજાએ એની આંખો ખોલી નાખી.

"એય મારી અર્ધાગિંની ! દૂનિયામાં હજારો અપ્સરા ભલે હોય, પણ મારી આંખોમાં સમાયેલી અપ્સરા તો તું જ રહેવાની છે. તારાં આ રૂની પૂણી જેવાં ગાલ જ્યારે તું હસે છે અને એમાં ખંજન પડે તો મારી અંદરથી એક ઊહકારો નીકળી જાય છે." સાવ ધીમેથી નિસર્ગ તેણીની નજીક જઈને ગાલને ચૂમી લીધાં.

"તારી સરોવર સમાન આંખો, એ લાગે છે તો સાવ સામાન્ય પણ જ્યારે એ મારી તરફ નજર કરે ત્યારે મારું હૃદય ધડકવાં લાગે છે." નિસર્ગ આટલું કહીને તેણીની આંખોને ચૂમી લીધી.

જેટલી વાર નિસર્ગ તેણીને ચૂમતો એટલી વાર હિમજાની ધડકન તેજ ગતિએ ધડકવાં લાગતી હતી. હિમજાનાં વખાણ કરવાની હજું નિસર્ગે શરુઆત કરી હતી.

"તારાં આ નાજુક હાથ અને એની આંગળીઓ જ્યારે મને સ્પર્શે છે ત્યારે મારી અંદર એક નવું ચેતન આવે છે."નિસર્ગે આમ કહીને તેણીનાં હાથોને ચૂમતો એની ગરદન સુધી આવી ગયો.

"આ તારાં ઝાડની ડાળીની જેમ ઝુલતી ગરદન.મને પ્રેમ કરવાં માટે નમે છે ત્યારે તેમાં વીંટળાઈ જવાનું મન થઈ જાય છે. 

અંધારી રાતના તારલીયાના ટમટમતા અજવાળાની વચ્ચે નિસર્ગ અને હિમજા બન્ને પ્રેમમય બની ગયા. સવારનો અલાર્મ વાગતા હિમજા ઊઠીને બાથરૂમમાં ફ્રેશ થવા જતી રહી. 

નિસર્ગને બેડ પર સૂતો રાખીને હિમજા નાહી ધોઈને તૈયાર થઈને કિચનમાં નાસ્તો કરવાં લાગી. એક કલાક પછી નાસ્તો કરીને તેણી નિસર્ગને જગાડવાં જતી રહી અને રેખાબેન પૂજાપાઠ કરીને નીલને જગાડવાં જતાં રહ્યાં. 

અડધી રાત સુધી જાગ્યાં પછી નિસર્ગ એટલો સહેલાઈથી જલ્દી જાગવાનો ન હતો, એ હિમજા જાણતી હતી. તેણીએ રૂમનો ડોર અંદરથી બંધ કરીને એને જગાડવાં એની પાસે પહોંચી ગઈ હતી. હિમજાએ એને ઢંઢોળતાં જગાડ્યો.

"ઓય ...ઊઠો ! મમ્મીની પૂજા પણ થઈ ગઈ છે. તમારે ઓફીસે જવાનું મોડું થઈ રહ્યું છે. આંખ ખોલીને ઘડિયાળ તરફ એક નજર કરો. ઓફીસ જવામાં મોડું થશે તો મને બધો દોષ આપશો."

હિમજાનાં શબ્દોની એને જાણે કશી અસર જ ના થઈ હોય એમ પડખું ફેરવીને નિસર્ગ હિમજાની વિરુધ્ધ દિશામાં સૂઈ ગયો.

(ક્રમશઃ...)

✍️મયુરી દાદલ "મીરા"