એકાંત - 87 Mayuri Dadal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એકાંત - 87

રાતના સમયે રાજે પ્રવિણને કોલ પર જણાવ્યું કે, એ નોકરીથી કંટાળી ગયો છે. રમેશના વર્તન પછી લોકો એની તરફ શંકાની નજરથી જોઈ રહ્યાં હતાં. એ પછી એને નોકરી પર જવાની સાવ ઈચ્છા મરી પરવાડી. પ્રવિણે એને નાનો બિઝનેસ કરવાનો સુજાવ આપ્યો.

પ્રવિણની વાત સાંભળીને રાજે એને કહ્યું : "કોઈ પણ બિઝનેસ હશે એમાં રોકાણ તો કરવું પડશે. મારા દિમાગમાં એવો કોઈ બિઝનેસ યાદ આવી રહ્યો નથી.

પ્રવિણે ખૂબ વિચાર કરીને રાજને એક બિઝનેસ વિશે વાત જણાવી : "તેં હમણાં થોડીક વાર પહેલાં એમ કહ્યું હતું કે પહેલાં રમેશને એની પત્નીનાં ઓપરેશન માટે એક લાખની જરૂર છે અને એમને એક પાનની કેબિન છે ?"

"હા." એકાક્ષરીમાં રાજે જવાબ આપ્યો.

"તું એની સાથે પાર્ટનરશીપ કરી શકે છે."

"એ કઈ રીતે કાકા થઈ શકે ?"

"અરે તારે કાંઈ નથી કરવાનું. એને પૈસાની જરૂર છે અને તારે કામની જરૂર છે. તું એને એક લાખ રૂપિયા આપીને એમની કેબિન ખરીદી લે. એની અંદર રહેલો માલ એક લાખ રૂપિયા જેટલો હશે. એને તારી સાથે કામ પર રાખી લે. મહિને જે કાંઇ આવક થાય એ તમે પચાસ ટકાના હિસ્સે વહેંચી દેજો. આમ પણ એની પત્નીનાં ઓપરેશન પછી એ ધંધા પર ધ્યાન આપી નહીં શકે. એ સમયે તારે એક કે બે મહિના કેબિન સાચવી લેવી."

"કાકા, તમારો આઈડિયા તો માઈન્ડ બ્લોઈંગ છે. એમને સીધી મદદ કરશું તો એ મદદ લેવાની ના પાડશે. હું એમની સાથે પાર્ટનરશીપ કરી શકું છું."

"હા, હવે તું મારી વાત માની ગયો."

"પણ ! એક રુકાવટ છે."

"હવે કઈ રુકાવટ ?"

"પપ્પા મને એક લાખ રૂપિયા આપવાની ના પાડશે તો ?"

"એ તને રૂપિયા આપવાની ના પાડે તો તારા કાકા હજી જીવે છે. તેઓ તને રૂપિયા આપવાની ના પાડી શકશે નહીં."

"એમને પૂર્વગ્રહ બંધાયેલો છે કે હું સાવ નકામો છું. હું કામચોર છું. મારે કોઈ કામ કરવું નથી અને એમને એવું લાગે છે કે એમની પાસેથી રૂપિયા લઈને ઊડાવી ના નાખું."

"તું એવી ચિંતા ના કર. એમને તારા પર વિશ્વાસ ના હોય તો કાંઈ નહીં, મને તારા પર પૂરો વિશ્વાસ છે. હું તને રૂપિયા આપીશ."

"હું તમારી પાસેથી આટલી મોટી રકમ લઈ પણ ના શકું."

"કેમ ના લઈ શકે ? જેમ મારા માટે રવિ છે એમ તું પણ મારો બીજો દીકરો છે. એક બાપની ફરજ આવે છે કે એ એના દીકરાની મુશ્કેલ પરિસ્થિતિમાં સાથ આપે. ભત્રીજા તરીકે તું નહીં પણ એક દોસ્તના હક સાથે તું જબરદસ્તીથી મારી પાસેથી મદદ લઈ શકે છે."

"હા દોસ્ત તરીકે તમારા પર હક જતાવી શકું છું. હું સવારે પપ્પાને મારા બિઝનેસ વિશે વાત કરીશ. એ મને રૂપિયાની આનાકાની કરશે તો તમને કહીશ. એ પહેલાં મારી એક શરત છે."

"યાર, હવે કેવી શરત ?"

"શરત એ છે કે ભવિષ્યમાં મારી પાસે રૂપિયાની સગવડ થશે તો તમને રૂપિયા પરત કરુ તો પાછા લઈ લેશો."

"સારુ તને જે યોગ્ય લાગે."

"હું આવતી કાલે નોકરી પર જવાનું બંધ કરી દઉં ?" રાજે હરખાતા સવાલ કર્યો.

"એય આળસુડ્યા. હરખપદુડો એટલો થવાની જરૂર નથી. પહેલાં રમેશ સાથે બિઝનેસ સ્ટાર્ટ કર એના પછી નોકરી છોડજે. રમેશ તારી પાર્ટનરશીપ કરવાની ના પાડશે તો તારી હાલત 'ધોબી કા કુત્તા ના ઘર કા ઔર ના ઘાટ કા' જેવી થઈ જશે."

રાજને પ્રવિણની વાત સાચી લાગી. એણે વધુ વાત કરી નહીં અને જય સોમનાથ કહીને સંપર્ક વિચ્છેદ કરી નાખ્યો.

સવારે સુરેશભાઈ વાડીએ કામ કરવા નીકળી રહ્યાં હતાં. રાજે તક જોઈને એમને રોકતા વાત કરી.

"પપ્પા, મારે તમને એક જરૂરી વાત કરવી છે."

"હવે પાછુ તારે એવી કઈ વાત કરવી છે કે મને જાતા સમયે ટોક્યો છે ?" સુરેશભાઈ ઉશ્કાઈને પૂછ્યું.

"એને કોઈ જરૂરી વાત કરવી હશે તો જ તમને બહારે નીકળતા રોક્યા હશે. એની પહેલાં શાંતિથી વાત સાંભળી લો. આમ એની સાથે વાત કરશો તો એને તમારી સાથે વાત કરવાની ઈચ્છા નહીં થાય." કમળાબેન વચ્ચે બોલ્યાં.

"હા સારુ હવે તારે શું વાત કરવી છે એ જલ્દી કહે. વાડીએ આજે ઘણાં કામો બાકી છે."

"પપ્પા, મારે એક લાખની જરૂર છે. મારી ઈચ્છા નોકરી કરવાની નથી. હું પાર્ટનરશીપમાં ધંધો કરવા માંગુ છુ."

રાજે સુરેશભાઈ પાસે બેન્કમાં એની સાથે જે કાંઈ બન્યું એ જણાવી દીધું. એ સાથે રમેશે શા કારણે એના પર ખોટો આરોપ મુકેલો હતો એ પણ સુરેશભાઈને જાણ કરી દીધી. 

"જો આવું બધું તો નોકરી કરીએ એટલે થતું રહે છે. હજી તને કામ કરવાનો અનુભવ નથી. ધીરે ધીરે તને આ બધાની આદત પડી જશે." સુરેશભાઈએ વાત ટાળતા કહ્યું.

"પપ્પા, મારે એક નોકર બનીને કામ કરવું નથી. મારે ખુદનો બિઝનેસ કરવો છે. હું તમને વચન આપું છું કે તમે આપેલા રૂપિયાનો ખોટો ઉપયોગ કરીશ નહીં. રોજના પચાસમાંથી પાચ સો કમાઈને આપવા માંગું છું."

"મેં તને કહ્યું ને કે તને કામ કરવાનો અનુભવ નથી. પહેલાં તું કામ કરતા ટેવાઈ જા પછી તારા ધંધા માટે વિચારશું. હું તારો બાપ છું. મને તારા સ્વભાવની ખબર હોય. તારુ મન કોઈ પણ જગ્યાએ સ્થિર રહેતું નથી અને તું ધંધો કરવાની વાત કરે છે. ધંધો નામ બોલવાથી થઈ શકતો નથી. એના માટે મહેનત કરવી પડે છે. ગ્રાહકો મેળવવાના હોય છે."

"તમે મારા પર એકવાર વિશ્વાસ મુકો. હું તમારા અને મમ્મીના સમ ખાઈને કહું છું કે હું બિઝનેસને વચચેથી છોડીશ નહીં. રમેશભાઈ સાથે મારે પાર્ટનરશીપ કરવી છે. એમની પાસે અગાઉથી ગ્રાહક રાખેલા છે. એમને એક લાખ રૂપિયાની જરૂર છે અને મારે બિઝનેસની જરૂર છે. નિઃસંતાન એ લોકો છે. આપણા તરફથી એમને બહુ મોટો ટેકો મળી રહેશે." રાજ કરગવા લાગ્યો.

"રાજની આટલી ઈચ્છા છે તો એનું મન દુભાવીને પાપ કરવું ના જોઈએ. એ ધંધે બેસશે નહીં પણ કોઈને મદદ તો મળી રહેશે. એ રૂપિયાની એમને ખૂબ જરૂર છે." કમળાબેન સુરેશભાઈને સમજાવવા લાગ્યાં. 

"તને સાચે જ ધંધો કરવાની ઈચ્છા છે તો હું તને પચાસ હજાર આપી શકું છું. એનાથી વધુ રોકડ મારી પાસે નથી. તારે લેવા હોય તો સાંજે બેન્કના એકાઉન્ટમાંથી ઊપાડતો આવીશ."

"ઓકે પપ્પા, નો પ્રોબ્લેમ. હું બીજાં પચાસ હજારની સગવડ કરી લઈશ."

સુરેશભાઈએ એટલું કહીને વાડીએ જતાં રહ્યાં. રાજ એના પપ્પા પાસેથી બિઝનેસ કરવાની મંજુરી મળતા ખુશ થઈ ગયો. ત્યારબાદ રાજ નોકરી પર જતો રહ્યો.

બપોરના જમવાના સમયે રાજે રમેશને કોલ કરીને એના ઘરનું એડ્રેસ મેળવીને એને અને એની પત્નીને મળવાં જતો રહ્યો. એની પત્ની એનાં રૂમમાં આરામ કરી રહી હતી; તો રાજ એને મળી ના શક્યો.

રમેશના ઘર પર નળિયા ગોઠવેલાં હતાં. ધંધામાં એને એટલી આવક હતી નહીં કે એ પાકું મકાન બનાવી શકે. રમેશે રાજને ભંગારમાંથી ખરીદેલી ખુરશી પર બેસાડીને પાણી પીવડાવ્યું.

રાજની સામે રાખેલ બીજી ખુરશી પર રમેશ બેસતા બોલ્યો : "તું અહીં સુધી મને મળવા માટે મારા ઘરે આવી ગયો ? મને કહ્યું હોય તો હું તને મળવા બેન્ક આવી ગયો હોત." રમેશે વાતની શરૂઆત કરી.

"મારે તમારી સાથે શાંતિથી વાત કરવી હતી એટલે હું અહીં તમારી ઘરે આવ્યો. આ વાત તમારા અને મારા બન્નેના ફાયદાની છે."

"એવું છે, આ વાતથી તને અને મને બન્નેને એક સાથે ફાયદો કઈ રીતે થઈ શકે છે ?"

"હું તમારી સાથે બિઝનેસમાં પાર્ટનરશીપ કરવા માંગું છું. હું તમારી કેબિન એક લાખમાં ખરીદીને તમારી સાથે કામ કરવા માંગું છું. જેનાથી તમને વધુ ફાયદો થશે. કાકીનાં ઓપરેશન પછી તમે બિઝનેસમાં ધ્યાન નહીં આપો તો પણ હું બધું સંભાળી લઈશ. આપણે આ બિઝનેસ કાનુની નિયમો સાથે કરીશું. ભવિષ્યમાં આપણે અલગ થવું હોય તો તકલીફ નહીં પડે."

રાજની વાત સાંભળીને રમેશ વિચારમાં પડી ગયો.

(ક્રમશઃ...)

✍️મયુરી દાદલ "મીરા"