એકાંત - 80 Mayuri Dadal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એકાંત - 80

ઘણી ફુરસદની સાથે પ્રવિણ અને પારુલ બપોરના સમયે એમના રૂમમાં વાતોએ વળગી ગયાં હતાં. પારુલે એની પસંદ જણાવી દીધી હતી; જે પ્રવિણને છોડમાંથી ખીલતી કળી જેવી કોમળ લાગી રહી હતી. તેણીની એ પસંદને પ્રવિણ સુગંધની જેમ માણવાં લાગ્યો. 

પારુલે પ્રવિણને એની પસંદ વિશે પૂછ્યું, ત્યારે પ્રવિણે એની પસંદ દર્શાવતાં કહ્યું : "મને સ્ત્રીઓ એની હાથમાં મહેંદી મુકે છે, એ તાજી મહેંદીની ખુશ્બુ જે મારાં રોમેરોમમાં ઊતારવી બહું ગમે છે."

"રવિના મેરેજનાં સમયે મેં હાથોમાં મહેંદી લગાવી હતી તો તમે તો મારી મહેંદી તરફ જોયું પણ ન હતું." મોં મચકોડીને પારુલે ફરિયાદ કરી.

"એ લગ્નનો સમય હતો. ઘરમાં ઘણાં બધાં કામો હતાં. મહેમાન આવેલાં હતાં તો આપણી સુવાની વ્યવસ્થા બદલાઈ ગઈ હતી."

પ્રવિણે યાદ અપાવતાં પારુલને જણાવ્યું. પારુલને પણ પ્રવિણની વાત સાચી. પાંત્રીસ વર્ષમાં તેણીએ એનાં હાથોમાં બે વાર મહેંદી મૂકી હતી. એકવાર તેણી લગ્ન કરીને પ્રવિણનાં ઘરમાં પ્રવેશ કર્યોં ત્યારે અને બીજી વાર રવિના લગ્ન સમયે મૂકી હતી. પારુલને મહેંદીની ખુશ્બુ જરાય પસંદ નથી. એને કારણે તેણીનો હાથ મહેંદી વિનાનો ખાલી રહેતો હતો. 

પારુલના અને પ્રવિણ બન્ને વાતોએ મશગૂલ થઈ ગયાં હતાં. વાતો કરતાં કરતાં ક્યારેક બન્ને નાના બાળકોની જેમ ઝઘડી પડતાં મારામારી પણ કરી લેતાં હતાં.

બેઠક રૂમમાંથી દલપતદાદાએ પારુલનાં નામની બૂમ પાડી. દલપતદાદાનો અવાજ સાંભળીને જોયું તો વત્સલને બસ સ્ટોપ પર લેવા જાવાનો સમય થવા આવ્યો હતો. પારુલ પ્રવિણ સાથે વાતોએ એટલી વળગી કે સમય એક ચપટીએ ઘણો આગળ નીકળી ગયો એનું ધ્યાન ના રહ્યું. 

દલપતદાદાને સાંજની ચાય પીવાનો સમય થઈ ગયો હતો. રસોડામાં જઈને પારુલે બે કપ ચાય બનાવી લીધી. એમાં એક દલપતદાદાને આપી આવી અને બીજો કપ પ્રવિણને આપીને વત્સલને લેવાં જતી રહી.

વત્સલને લઈને પાછી વળતાં તેણીએ રસ્તામાં એક મહેંદીનું પેકેટ પણ ખરીદી લીધું. ઘરે આવીને તેણીએ મહેંદીના પાઉડરને એક વાસણમાં પાણી નાખીને પલાળી દીધું. મહેંદી હલાવવાનાં સમયે તેણીએ ચમચીનો ઉપયોગ કર્યો. જો આંગળીનો ઉપયોગ કરે તો પ્રવિણ તેણીની મહેંદી વાળી આંગળી જોઈ જાય તો તેણીની સરપ્રાઈઝ બગડી જવાનો ડર હતો.

રાતનાં સમયે જમી કરીને પ્રવિણે એના રૂમમાં આવીને ચહેરા પરનો ગમછો અરીસાની સામે જોયા વિના કાઢીને બેડ પર વિસામો લેવા સુઈ ગયો. પારુલ રૂમની અંદર મહેંદી વાળો બાઉલ લઈને આવી. પ્રવિણ પાસે બેસીને એની આંખો બંધ કરવાનું જણાવી દીધું. પ્રવિણ બેઠો થઈને એની આંખો બંધ કરી નાખી.

પારુલે પલાળેલી મહેંદી પ્રવિણનાં નાક સુધી લઈ ગઈ. પ્રવિણે આંખો બંધ કરીને એ સુગંધને માણી તો ખુશ થઈ ગયો. તેણે એની આંખો ખોલી નાખી.

"આ અચાનક તારી પાસે મહેંદી ક્યાંથી આવી ગઈ ?"

"આજ સાંજે વત્સલને લેવાં ગઈ હતી તો ખરીદીને લઈ આવી હતી."

"પણ ! તને તો આની સુગંધ જરાય પસંદ નથી."

"આ મહેંદી તમારાં હાથે મારાં હાથોમાં લગાવશો તો મને એ સુગંધ માણવી ગમશે. કારણ કે, એ મહેંદીની ભાતમાં તમારો પ્રેમ ભળી ગયો હશે."

પારુલે શરમાતાં કહ્યું. પ્રવિણે મહેંદી વાળો બાઉલ પોતાનાં હાથમાં લઈ લીધો. એની તર્જનીથી મહેંદીનાં ઘોળને એક રસ કરી નાખી. પારુલે એની સામે પલાંઠી વાળીને બન્ને હાથની હથેળી ખુલી મૂકી દીધી.

પ્રવિણ તર્જની વડે પારુલની બન્ને હથેળીનાં ખૂણે ચાર ટપકાં મૂકી દીધાં. વચ્ચે પણ ટપકાંને વધુ નિખાર માટે એક પાંચમું ટપકું મૂકી દીધું.

પાકટ ઉંમરની વયે માથા પરની સફેદીને સંતાડવા માટે મૂકાતી મહેંદીને એ તેણીનાં હાથમાં મૂકીને તેઓનાં પ્રેમનાં નવા અધ્યાયની શરૂઆત કરવાની તૈયારી કરી દીધી.

બારીનો દરવાજો ખૂલ્લો હતો. હવાની જોરથી એક લહેરખી પારુલનાં તનને સ્પર્શ કરી ગઈ .વર્ષો સુધી તેણીનાં એકલવાયાં મનને પ્રવિણ સ્પર્શ કરી રહ્યો હતો. 

પ્રવિણ પારુલની આંગળીઓનાં ટેરવાને રંગવાં લાગ્યો. મહેંદીની શિતળતા અને એની માદક સુગંધ પારુલને એની જુવાની તરફ ખેંચી જઈ રહી હતી. પોતાની જાત પર એ કાબૂ રાખવાં જાય પણ જ્યારે પ્રવિણ તેણીને સ્પર્શ કરે તો એનાં રોમ રોમમાં પ્રેમનાં સ્પંદન ઊભા થઈ જતાં હતાં. 

હવાને કારણે તેણીનાં માથાની એક લટ તેણીનાં કાનોથી લઈને આંખોમાં આવી જતી હતી. મહેંદી ભરેલાં હાથોને કારણે એ લટને ચહેરાંથી દૂર કરવામાં અસમર્થ હતી. પ્રવિણે તેણીની મહેંદી મૂકીને પારુલની સામે જોયું તો પારુલ ખભાની મદદથી લટને પોતાનાં ચહેરાથી જેટલી વાર દૂર કરતી એટલી વાર ચહેરાંને ઢાંકવાં દોડીને આવી જતી હતી. જાણે, એને પણ મહેંદીની સુગંધ માણવી કેમ ના હોય ! 

પ્રવિણે એના હાથ ધોઈને પારુલની પાસે બેસી ગયો. એણે એના ભીના હાથને પારુલની સાડીના છેડા વડે લૂંછી નાખ્યાં. પારુલની લટને તેણીનાં ગાલથી દૂર કરવાં માટે તે પારુલનાં ચહેરાની સાવ નજીક આવી ગયો. પ્રવિણને પોતાનો સાવ નજીક જોઈને પારુલે શરમથી એની આંખો બંધ કરી નાખી. પ્રવિણના શ્વાસને એ સાવ નજીકથી અનુભવી રહી હતી. પ્રવિણ વાળની એક એક લટ પકડીને તેણીનાં પાછળનાં વાળમાં એક પીન વડે બાંધીને તેણીથી અળગો થઈ ગયો. પારુલની આંખો તો હજું બંધ હતી.

"તું તારી આંખો ખોલી શકે છે. હવે તને હેરાન કરનાર તારી વાળની લટ ચહેરા પર નહીં આવે. મેં એને પીન નામની ઝંઝીરથી બાંધી દીધી છે."

પ્રવિણનો અવાજ તેણીનાં કર્ણપટલ પર અથડાતાં પારુલે એની આંખો ધીમેકથી ખોલી નાખી. પ્રવિણ તેણીની સામે બેઠો હતો.

પારુલ ઊભી થઈને બારી પાસે ઠંડી હવાને શ્વાસમાં ભરવાં જતી રહી. એની પાછળ પ્રવિણ તેણીની સામે ઊભો રહી ગયો. પ્રવિણનો દાઝેલો ભાગ બારી તરફ હતો .બહાર ચંદ્રના પ્રકાશથી એનો દાઝીને કાળો પડી ગયેલો ઘાવ ચમકી રહ્યો હતો. પારુલ આ બધું નિરિક્ષણ કરી રહી હતી. તેણીને લગ્ન કરીને પહેલી વાર તેણીના રૂમમાં પ્રવેશ કર્યો હતો એ ઘટના યાદ આવી ગઈ.

નવી નવેલી નવોઢાએ બનીને તેણીએ બેડની વચ્ચે શરીરને સંકોચીને શરમને કારણે ચહેરો નીચો રાખીને બેઠી હતી. પ્રવિણ તેણીની પાસે બેસી ગયો હતો. તેણી શરમથી એનાં શરીરને વધુ સંકોચી લીધું હતું. 

પ્રવિણ એના ચહેરા પરનો ગમછો કાઢ્યો ન હતો. તેણે પારુલની હડપચીને એની એક આંગળીથી ઊંચી કરી લીધી. પારુલે શરમને કારણે આંખો બંધ કરીને રાખી હતી. પ્રવિણ તેણીની સાવ નજીક જઈને તેણીનાં ગાલને ચૂમી લીધાં હતાં. પારુલને પ્રવિણનાં હોઠનો ગાલને સ્પર્શ થતાં આંખો ખોલી નાખી હતી. તેણીએ પ્રવિણની સામે જોયું તો એને હજુ એનો ચહેરો ગમછાથી ઢાંકીને રાખ્યો હતો.

"તમે આજે તો મને તમારો ચહેરો બતાવી શકો છો. તમારો દાઝેલો ભાગ જોવાનો પણ હવે મારો હક બની ગયો છે." પારુલે એની સામે હકની વાત કહી.

"મેં તને પહેલાં દિવસે કહ્યું હતું કે આ દાઝેલો ભાગ મે મારા પરિવારનાં સભ્યોને પણ બતાવ્યો નથી."

"હક જ્યારે જીદ્દ બને છે ત્યારે એ એની જીદ્દ પૂરી કરીને રહે છે. મેં તમને એ પણ કહ્યું હતું કે રૂમની અંદર રોજ મને તમારો પૂર્ણ ચહેરો જોવાનો હક મળવાનો છે. મારો હક તમે મારાથી છીનવી ના શકો."

"તું મારો ચહેરો જોઈને ડરીને રૂમમાંથી નીકળી જઈશ તો ?"

"હવે આ રૂમની અંદર આપણે બન્નેએ આવનાર ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનું છે. અહીથી નીકળીને હું જઈ શકું એમ નથી. ડર તો મેં હમેંશા મને મારાં કર્મોનો રહ્યો છે."

પારુલ પ્રવિણનો પૂર્ણ ચહેરો જોવાની જીદ્ લઈને બેઠી હતી. પ્રવિણે તેણીની સામે ગમછો કાઢીને પહેલી વાર એનો દાઝેલો ચહેરો તેણીને બતાવ્યો.

કોલસા જેવો કાળો પડી ગયેલા ચહેરા પર એક સાઈડ જડબાનો ભાગ બેસી ગયેલો હતો. એ બોલવાં જતો ત્યારે ચહેરો વાકો લાગી રહ્યો હતો. એક ક્ષણ માટે પારુલ ડરી જ ગઈ હતી, પણ એનો એ ડર પ્રવિણની સામે જાહેર ના કર્યો.

લગ્નની પહેલી રાત્રે પ્રવિણનાં ચહેરાને યાદ કરતાં પારુલ ધ્રુજી ઊઠી અને હકીકતમાં પાછી આવી. પ્રવિણની નજર ક્યારની તેણીની સામે હતી. તેણીની ધ્રુજારી વછુટતાં એણે પૂછી લીધું. 

(ક્રમશઃ...)

✍️મયુરી દાદલ "મીરા"