પ્રવિણે એના જીવનમાં ઘણા બધા બદલાવ કરી નાખ્યા હતા. સૌથી અલગ રહીને પણ અલગ થયો ન હતો. એ કુલદીપનાં પેરેન્ટ્સને પોતાનાં માનીને દર મહિને ઘરનું કરિયાણું પહોંચાડી દેતો હતો, પણ એમને સમય આપવાનું આવતું ત્યારે પ્રવિણ એ વિશે વિચાર સુધ્ધા કરતો નહીં.
પ્રવિણની એકલવાયી જીંદગી જોઈને એની મમ્મીની ચિંતાઓ વધારવાં લાગી. એક સમય એવો આવ્યો કે ડૉકટરે એમને બેડ પર પૂરો આરામ કરવાનું ફરમાન આપી દીધું હતું. એ સમયે એક સ્ત્રીને એક સ્ત્રીની જરૂર હતી.
પ્રવિણના મામાએ એમનાં બેનની આવી હાલત જોઈને પ્રવિણનાં લગ્ન કરાવી દેવાની સલાહ દલપતકાકાને આપી દીધી.
"તમે પ્રવિણ વિશે બધુ જાણો તો છો તે છતાં તમે એના લગ્નની વાત કરી રહ્યા છો !"
દલપતકાકાએ એમના સાળાની સલાહ સાંભળીને એમને પ્રવિણની તકલીફ યાદ અપાવી. પ્રવિણ એના જોબ પર ગયો હતો એટલે વાત સરળતાથી થઈ શકે એમ હતી.
પ્રવિણની મમ્મી એના ભાઈની કહેલી વાતો સાંભળી રહી હતી. એમનાં શ્વાસ જાણે એનાં દીકરાંની વહુનું મોઢું જોવાં માટે અટકેલાં હોય એમ પ્રવિણનાં લગ્નની વાત સાંભળીને એમનાં ચહેરા પર નવી ચમક દેખાવાં લાગી.
"જીજાજી, મારા પાસે પ્રવિણની કોઈ વાત કયા છુપી રહી છે ? મને ખબર છે કે એ....એ પિતા બનવાને અસમર્થ છે." થોડાક અચકાતા સ્વરે બોલ્યા.
"તમે જાણો છો તો પણ કોઈની દીકરીને આપણે આપણાં ઘરમાં લઈ આવી ના શકીએ."
"તમે મારી વાત તો પહેલાં પૂરી સાંભળો તો ખરા. આપણે એવા દીકરીનાં પિતા પાસે પ્રવિણનું માગું નાખશું કે જેને માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થઈ ગયું હોય."
દલપત કાકાને એમના સાળાની વાત હજુ સમજમાં આવી રહી ન હતી. એવું કોણ હોય શકે જેને માતા બનવાનું સૌભાગ્ય મળી ગયું હોય ? વિસ્મય થતા તેઓ એમના સાળા સામે જોવા લાગ્યા. એમના સાળા દલપતકાકાની મુંઝવણ સમજી ગયા.
"અમારા ઓળખીતામાં એક પારુલ નામની દીકરી છે. એનાં છુટાછેડા હમણાં થઈ ગયાં છે. એનો એક વર્ષનો દીકરો એની સાથે જ રહે છે. પારુલ ખૂબ જ સંસ્કારી અને ગુણીયલ છે. તમારાં ઘરમાં આવશે તો દીકરી બનીને ઘરની દરેક જવાબદારી પોતાની માથે ઊપાડી લેશે. એને દીકરો છે તો પ્રવિણની વાત સાંભળીને એ લોકો લગ્ન માટે ના કરશે નહીં."
પોતાના ભાઈની વાત સાંભળીને હરખમાં પ્રવિણની મમ્મીએ એમને પારુલનાં માતા અને પિતાને પ્રવિણ વિશે આગળ વાત ચલાવે એવી મંજુરી આપી દીધી.
"આપણે જોકે ઊતાવળ કરવી ના જોઈએ. પ્રવિણનો ચહેરો જોઈને કોઈ સ્ત્રી એની સાથે લગ્ન માટે હા કરે એવું લાગતું નથી. પ્રવિણને મારે આ વિશે વાત કરવી જરૂરી છે. એને માનસિક રીતે તૈયાર કરવો પડશે." દલપતકાકાએ એમની ચિંતા જણાવી.
"જીજાજી, છોકરીવાળાથી તમે બેફીકર બની જાવ. એ લોકો પાસે પ્રવિણની દરેક વાત જણાવી દઈશ. તમે પ્રવિણને લગ્ન માટે રાજી કરી દો."
છોકરીવાળા પ્રવિણને એમની દીકરી આપી જ દેશે એ વિશે પ્રવિણના મામા પૂરી રીતે શ્યોર હતા, ત્યાર બાદ એ એમની બેન અને બનેવીની રજા લઈને નીકળી ગયાં. દલપતકાકાને ચિંતા ઊભી થઈ કે એ પ્રવિણને લગ્ન વિશે કેમ મનાવશે?
એક દિવસ દલપતકાકાને પ્રવિણ સાથે લગ્નની વાત કરવા માટે તક મળી ગઈ. રાતના જમીને વસ્તુઓ એની જગ્યાએ મુકતા સમયે દલપતકાકાએ વાતની શરુઆત કરી : "દીકરા, તારી માની તબિયત સુધરવાની જગ્યાએ ખરાબ થતી જાય છે. ઘરનું કામ, તારી માની સેવા અને મારું ગોરપદુ બધુ મારાથી એક સાથે થતું નથી."
દલપતકાકા પ્રવિણના સ્વભાવને હવે પૂરી રીતે સમજી ગયા હતા. જો એનાથી સીધી રીતે લગ્નની વાત કરવામાં આવે તો એ ડાયરેક્ટ ના પાડવાનો હતો. પ્રવિણે જમીને માટલામાંથી પાણીનો ગ્લાસ ભરીને પી રહ્યો. એના પપ્પાની વાત સાંભળીને એણે વળતો જવાબ આપ્યો.
"મને પણ ખબર છે કે આ બધું એક સાથે તમારાથી નહીં થાય. મેં એવો વિચાર કર્યો છે કે હું સારી નોકરી પર છું. ઘર મારી આવકથી હું ચલાવી શકું એટલો સક્ષમ થઈ ગયો છું. તમારે હવે ગોરપદુ કરવા જવાની જરૂર નથી. તમારાથી થઈ શકે એટલો વધુ સમય મમ્મી સાથે વિતાવો. ઘરનાં કામ માટે કોઈ કામવાળીને આપણે રાખી લેશું."
પ્રવિણ લાકડાના કબાટમાંથી પોતાને વાંચવા માટે સારી બુક શોધવા લાગ્યો. દલપતકાકા એમનું કામ પડતું મુકીને એની પાસે જઈને આગળની વાત કરવા લાગ્યા.
"ગોરપદુ મારે છોડવાની ઈચ્છા નથી. ગોરપદુ કરીશ તો ભગવાનનું નામ પણ લઈ શકીશ. ભગવાનને યાદ કરીને હું વધારે આસ્તિક બની જઈશ. તું કામવાળી રાખવાની વાત કરે છે, પણ આ ઘરને કામવાળીની જરૂર નથી; ઘરવાળીની જરૂર છે."
"તમારી ઈચ્છા બીજાં લગ્ન કરવાની હોય તો મારી કોઈ ના નથી. કાનુની રીતે જો એક ઘરવાળી હોય તો બીજાં લગ્ન થઈ શકતાં નથી. તમે આ વિશે મમ્મીને વાત કરી? એમનું આ વિશે શું કહેવું છે?"
પ્રવિણને હજું સારી બુક મળી રહી ન હતી. એ દરેક બુકમાં શિર્ષક અને લેખકના નામો વાંચતો મસ્તીના મૂડમાં એના પપ્પા સાથે વાત કરવા લાગ્યો.
"બુધ્ધિ ઘોડી અને લાલ લગામ. આ ઉંમરમાં હું બીજાં લગ્ન વિશે વિચારી ના શકું. તારી મા પછી મેં એવો વિચાર કોઈ દિવસ કર્યો નથી. આવ્યો બહુ મોટો મને કેવા વાળો કે મારી ઈચ્છા બીજા લગ્ન કરવાની છે."
દલપતકાકાએ કમરે બન્ને હાથ રાખીને પ્રવિણ સામે જોઈ રહ્યા હતા. પ્રવિણની શોધ પૂરી થઈ ગઈ. એને જે બુક વાંચવી હતી એ એના હાથમાં આવી ગઈ.
"ફાઈનલિ મને મળી ગઈ."
"હા, તને મળી જ જશે જો તું હા કરીશ."
પ્રવિણે હાથમાં બુક પકડીને કબાટ બંધ કરી દીધો. એના પપ્પા સાથે આગળ વાત કરવા માટે એમની સામે જોઈને બોલ્યો.
"તમે આજ કેમ આવી વાતો કરો છો ? મારે જે જોઈતું હતુ એ મારા હાથમાં છે. મારા પ્રિય લેખકની બુક મને મળી ગઈ. હવે મારે હાલ કશું જોઈતું નથી. તમારે બીજાં લગ્ન કરવાં નથી તો આ ઘરમાં કોની ઘરવાળીની વાત કરો છો ?"
"તને ખબર છે કે મારો ઈશારો કોના પર છે ? આ ઘરમાં હું અને તું બન્ને પુરુષ છીએ. મારી ઘરવાળી મારી સાથે છે તો હવે બચ્યો તું છે." દલપતકાકાએ પ્રવિણનો હાથ પકડીને એને કહ્યું.
"પપ્પા, મારી ઈચ્છા મેરેજ કરવાની નથી. હું જેવો છું એવો ખુશ છું. તમે એ વિષય પર હવે મને કહેતા પણ નહીં." પ્રવિણે એના પપ્પાનો હાથ છોડાવતા કહ્યું.
"આ ઘરને એક સ્ત્રીની જરૂર છે. ખાસ તો તારાં ઉજ્જડ જીવનમાં પ્રેમનો બાગ ખીલવી શકે."
"પપ્પા, સાચું કહું તો મારી બિલકુલ ઈચ્છા નથી. આ લગ્ન નામનો પ્રસંગ જાણે મારા જીવનમાં આવવાનો નહીં હોય એટલે તો સોમનાથ દાદાએ મને પિતા બનવાના સુખથી વંચિત રાખ્યો છે."
"તારા મામા આજે આપણે ઘરે આવ્યા હતા. એમણે કહ્યું કે એમનાં ધ્યાનમાં એક સ્ત્રી છે. એનાં છેટાછેડાં થઈ ગયાં છે. એને એક વર્ષનો દીકરો છે જે એની સાથે રહે છે."
"એમાં હું શું કરુ, પપ્પા ?"
"તું એની સાથે લગ્ન કરી લે તો તને એક સાથે પત્ની અને બાળકનો પ્રેમ મળી રહેશે."
"એવા મેરેજ કરીને પણ શું કરવાનું ? એનાથી મારા પર લાગેલો નામરદનો દાઘ તો દૂર થઈ શકશે નહીં."
"તું તો સોમનાથ દાદાનો પ્રિય સંતાન છે. કહેવાય છે કે,વ્યક્તિમાં જન્મથી કોઈ ખોડ ખાંપણ હોય એવાં વ્યક્તિ દાદાને ખૂબ પ્રિય હોય છે. મારો દીકરો આવી નીચ કુટિના વિચારો સાથે જીવી ના શકે. તારી પોતાની આંતરિક ઈચ્છાઓ હોય. એક વસ્તુની ખોટને કારણે બીજી અનેકગણી ઈચ્છાઓને તું મારી ના શકે."
"બે વર્ષ પહેલાં જ તેં કહ્યું હતું કે પ્રેમ હોય ત્યાં સંતાન સુખ મળવુ એ ગૌણ બાબત છે. પ્રેમની હોડીમાં બેસીને જીવનનો ખારો સમુદ્ર આપણે સરળતાથી પાર કરી શકીએ છીએ. આટલાં વર્ષોમાં તારા વિચારો બદલાઈ ગયા ?"
દલપતકાકા પ્રવિણને સમજાવી રહ્યા હતા અને તે ચૂપ થઈને સાંભળી રહ્યો હતો.
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ "મીરા"