અહિંસા નો ઉપાસક - ભાગ 1 GIRISH PARMAR દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અહિંસા નો ઉપાસક - ભાગ 1

             લાહોરમાં કોમી રમખાણે બરાબર નો રંગ પકડ્યો હતો .
ધર્મ- ઝનૂને માઝા મૂકી હતી. લૂંટફાટ અને કત્લેઆમ થી લાહોરની શેરીઓ ચિત્કાર થઈ રહી હતી. શીખ અને મુસલમાન બંને કોમ એકબીજાનાં લોહીની તરસી થઈ તોફાને ચડી હતી. સૌને પોતાના ધર્મની સલામતી જોખમમાં જણાતી હતી. આવા ભ્રામક વિચારો અને કાનભંભેરણી થી કોમી વિગ્રહ નો દાવાનળ ફાટી નીકળ્યો હતો.
                    આ બધાં તોફાનો નું મૂળ કારણ સાવ નજીવું હતું. શહિદગંજ ખાતે આવેલ શીખોના પુરાતન ગુરુદ્વારાને કેટલાક વિઘ્નસંતોષી ઓ એ મસ્જિદ માં ફેરવવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય નો જોરદાર વિરોધ શીખો અને અન્ય કોમોએ કર્યો હતો. વિરોધ કરનારાઓમાં કેટલાક નેક મુસલમાન બિરાદરોનો પણ સમાવેશ થતો હતો.
                    મુસલમાનોએ એક સભાનું આયોજન કર્યું હતું. આ સભામાં ઉગ્ર વાતાવરણ પથરાઈ ગયું હતું. કારણ કે, સભામાં ભાષણ આપવા માટે મુસલમાન નેતા સૈયદ અઉતલ્લા શાહ બુખારી પધારવાના હતા.
સૈયદ અઉતલ્લા શાહ સભામાં સમયસર આવી પહોંચ્યા ને ભાષણ કરવાનો પોતાનો વારો આવ્યો એટલે મંચ ઉપર જઈને ઊભા. સભામાં શાંતિ પથરાઈ ગઈ.
' મારા પ્યારા બિરાદરો.....' બુખારી એ બોલવાનું ચાલુ કર્યું. :  ' લાહોરમાં આપણે આજસુધી સૌ કોમના લોકો સાથે હળીમળીને રહેતા આવ્યા છીએ. સૌ કોઇ પોતાનો ધર્મ વિના રોકટોકે પાળે છે. દરેકને પોતાનો ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. પછી આપણે સૌ ધર્મનો પ્રશ્ન ઉઠાવીને ભાઇ ભાઇ વચ્ચે ખૂનખરાબા અને લોહી ની હોળી ખેલીએ એ આપણા સૌના હિતમાં નથી. આપણા લાહોર શહેરમાં ઘણી મસ્જિદો છે. નવી મસ્જિદ બનાવવામાં આપણને કોઈ રોકટોક નથી. પછી શીખોના પવિત્ર ગુરુદ્વારા ને મસ્જિદ માં ફેરવવાનું આવું નાપાક કાર્ય ખુદાતાલાને પણ મંજૂર નહીં હોય એટલે હું આ નિર્ણય નો મક્કમ વિરોધ કરૂં છું. '
                    ભાષણ સાંભળતાં સભામાં ધીરો હારો ગણગણાટ ચાલુ થઈ ગયો હતો.
                    ગણગણાટે ધીમે ધીમે કોલાહલ ને શોરબકોર નું રૂપ ધારણ કરી લીધું. હોંકારા પડકારા ને ગાળાગાળી વધવા લાગી.
બુખારી એ તો પોતાનું ભાષણ ચાલુ જ રાખ્યું. સભાના આયોજકો પણ કટ્ટર કોમવાદી હતા. એમને પણ અતઉલ્લા નું ભાષણ જચ્યુ નહિ. પરંતુ લાહોરના આગેવાન નેતા ને વધુ પડતું કહેવાનું એમનું ગજું નહોતું.
                     સભામાં ઉગ્રતા વધતી જ ગઈ. કેટલાક ગુંડાતત્વોએ મંચ ઉપર પથ્થરો ફેંકવાના ચાલુ કર્યા. પથ્થરો ના વરસાદથી મંચ ઉપર બેઠેલી તમામ વ્યક્તિઓ જીવ બચાવવા સલામત જગ્યાએ સંતાવા લાગી.
                      હવે બુખારી ભાષણ આપી શકે એમ નહોતું. એમની સત્ય વાણી સાંભળવા કોઈ તૈયાર જ નહોતું ; ઉલ્ટાના પથ્થરમારો કરી રહ્યા હતા.
                પરંતુ બુખારી મંચ છોડીને ભાગે એવા નેતા નહોતા.
                     એ તો ભાષણ કરવાનું છોડીને ચૂપચાપ ઊભા રહ્યા.ગજવામાથી મોટો હાથરૂમાલ કાઢીને બુખારીએ પોતાનું મોં ઢાંકી દીધું ને જાણે ફૂલોનો વરસાદ વરસાતો હોય એવા સહજભાવે પથ્થરમારો સહેતા રહ્યા.
                        વાતાવરણને વસેલું જોઇ ત્યાં હાજર રહેલી પોલીસે મામલો કાબૂમાં લેવાના પ્રયત્નો ચાલુ કરી દીધા. થોડી વારે વાતાવરણ શાંત થયું. પરંતુ બુખારીને રૂમાલથી મોં ઢાંકી ને ઉભેલા જોઇને સભાના આયોજકો ને અચરજ થયું.
                          બુખારીને પથ્થર વાગવાથી એક બે જગ્યાએ શરીરમાંથી લોહી નીકળતું હતું.
                         સૌ બુખારી ફરતા વિંટળાઈ વળ્યા ને રૂમાલથી મોં ઢાંકવાનું કારણ પૂછ્યું ;
' અરે બુખારી સાહેબ, આટલો બધો પથ્થરમારો થાય છે ને આપ અહીં જ ઊભા રહ્યા ! રૂમાલથી મોં ઢાંકી દેવાથી આપને પથ્થર નહીં વાગે એવું.....'
                     બોલનારને વચ્ચે જ બોલતો અટકાવીને બુખારી એ કહ્યું : ' હું ભાષણ કરતો હતો. ભાષણમાં સત્ય વાતને અનુમોદન આપતો હતો. પરંતુ સાચી વાતને ટેકો પુરવાર ને પથ્થરમારો કે બોમ્બમારો થાય તો પણ ડરવાનું કોઈ કારણ નથી.પથ્થરોના પ્રહારથી બચવા માટે મેં રૂમાલથી મોં ઢાંક્યું નથી. '
' તો પછી એ તો કહો, આપે મોં ઢાંકી દીધું હતું કેમ? '
' હે બિરાદરો ! '  બુખારી સાહેબે કહ્યું : ' મેં રૂમાલથી મારૂં  મોં એટલા માટે ઢાંકી દીધું હતું કે કયામતને દિવસે ખુદા મને પૂછે કે સત્યનો વિરોધ કરીને પથ્થરમારો કોણે કોણે કર્યો હતો ? ત્યારે હું પથ્થરમારો કરનારને ઓળખી કે ઓળખાવી ન શકું એટલા માટે રૂમાલથી મોં ઢાંકી દેવાનું મુનાસીબ લાગ્યું હતું. '
                 હાજર રહેલા પથ્થરો ફેંકનાર અને મનોમન બુખારી નો વિરોધ કરનાર નાં મસ્તક શરમથી નીચાં નમી ગયા.